એક વાત
0
રવીન્દ્ર પારેખ
0
6
0
જૂનું ઘર ખાલી કરતાં
0
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.
– બાલમુકુન્દ દવે
મિત્રો,
ઘણાએ આ સૉનેટ વાંચ્યું હશે.તમને કદાચ સૉનેટ શબ્દ નવો લાગશે.અત્યાર પૂરતું સૉનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય.અહીં 6,6 ને 2 પંક્તિઓનાં 3 ખંડો છે.બંને ખંડને અંતે વળાંક આવે છે એ રીતે ખંડો અલગ પડે છે,પણ એ બધું છેવટે તો આખા સોનેટને અખંડ રાખવા જ છે . પ્રમાણિકતાથી આખું સૉનેટ એક વાર ગંભીરતાથી વાંચી જાવ,પ્લીઝ.શીર્ષક જોયું?
જૂનું ઘર ખાલી કરતાં
વાત જૂનું ઘર ખાલી કરવાની છે.બારણે લારી આવી છે ને એમાં ઘરમાંથી એક પછી એક સામાન કાઢીને મૂકાય છે.ફરી ફરીને,ફંફોસીનેજોયું તો શું જડ્યું છે ઘરમાંથી?આટલું-
જૂનું ઝાડુ,ટૂથબ્રશ,લકસ સાબુ,(ના સાબુની ગોટી, જે નવી નથી.)બોખી શીશી-દાંત, મતલબ બૂચ નથી),ટિનનું ડબલું,(બાલદી જે તળિયેથી કાણી છે)તૂટેલાં ચશ્માં,ક્લિપ, બટન,ટાંકણી, સોયદોરો, બારણે લટકતું નામનું પાટિયું,તેને ઊંધું મૂકીને લારીને નવી જગ્યાએ વિદાય કરવામાં આવે છે.પાટિયું ઊંધું મૂકાય છે.કેમ?કારણ જે સામગ્રી લારીમાં મૂકાય છે તેની ખબર પડી જાય કે સામાન કોનો છે ને કેવો છે?એમાં કિંમતી કહી શકાય એવું કંઈ નથી.ટૂંકમાં,લારી સામાન સાથે વિદાય થાય છે ત્યાં એક ખંડ પૂરો થાય છે
બીજા ખંડમાં કાવ્યનો નાયક છેલ્લી વાર ઘરમાં નજર નાખી લે છે કે કૈં રહી તો જતું નથી ને! કારણ અહીં જ લગ્ન થયાં હતાં ને તે વાતનેય દાયકો થઈ ગયો.આ ભૂમિ પર જ દેવોના વરદાન જેવો પનોતો પુત્ર પામ્યાં ને અહીંથી જ ભારે હૈયે દીકરાને ચિતા તરફ પણ લઇ જવાયો.કવિએ તે વાતનેઆમ મૂકી છે,'કઠણ હૃદયે અગ્નિને અંક(ખોળે)સોંપ્યો!'આ સ્મૃતિની જ્વાળા સાથે નાયક જવા પગ ઉપાડે છે ને એકાએક ખૂણેથી બહાર આવીને દીકરો બોલી ઊઠે છે,'બા-બાપુ ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?'
કેવો ચિરાડો પાડતો સવાલ આવે છે,નહીં?
ઘર છોડતાં બા-બાપુએ ટૂથબ્રશ,સાબુની ગોટી, કાણી ડોલ અરે,સોયદોરો ય ના છોડ્યો ને મને જ લઈ જવાનું ભૂલી ગયાં? શું હાલત થાય મા-બાપની,કલ્પના આવે છે?દીકરો સવાલ પૂછે છે ત્યારે પહેલી વખત બા-નો ઉલ્લેખ થાય છે.અહીંથી આખું સૉનેટ ફરીથી વાંચીશું તો સમજાશે કે જે જે વસ્તુઓ સાથે લેવાની કાળજી બતાવાઈ છે તે ગૃહિણી વગર શક્ય નથી.
ને પુત્ર પૂછે છે કે બધું લીધું,એક મને લેવાનું જ ભૂલી ગયાં?શું હાલત છે માબાપની?
પુત્રે સવાલ કર્યો ને આ પંક્તિ આવે છે:
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
દૃગ-આંખમાં,ભીની આંખમાં કાચની કણી ખૂંચી હોય તેવી કાળી વેદના થઈ.આવામાં પગ ઉપડે ખરાકે?
કવિએ વીંધી નાખતી પંક્તિ મૂકી છે:
ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.
મૃત પુત્રના સવાલથી-સ્મરણથી એટલી વેદના થાય છે કે જવા માટે ઉપાડેલા પગ ઉપર કોઈએ લોખંડી મણીકા મૂકી દીધા હોય તેમ પગ ઉપડતા જ નથી ...
મિત્રો,આ સોનેટમાં છેલ્લી બે પંક્તિમાં અત્યંત હૃદયસ્પર્શી ચમત્કાર થાય છે.સૉનેટ શરૂ થાય છે ત્યારે આવો કરુણ ચમત્કૃતિપૂર્ણ અંત આવશે એવો ખ્યાલ ભાવકને આવતો નથી. આવો અણધાર્યો અંત સોનેટમાં અપેક્ષિત હોય છે.
આખું સૉનેટ મંદાક્રાંતા છંદમાં છે.17 અક્ષરના આ છંદની ગતિ મંદ છે,ધીમી છે,શાંત છે.
તેનું માપ આ પ્રમાણે છે:
ગાગાગાગા લલલલલગા ગાલગાગા લગાગા
આમાં યતિની વાત કરવી જોઈએ,પણ તે ફરી કોઈ વાર.પણ અહીં છંદ કેવી રીતે મદદ કરે છે તે જોઈએ.
લારીમાં જે નામનું પાટિયું મૂક્યું છે તેને માટે આમ કહેવાયું છે:
મૂકી ઊંધું,સુપરત કરી,લારી કીધી વિદાય.
જો છંદ ન હોત તો કવિને પાટિયું ઊંધું મૂકવાનું સૂઝ્યું ન હોત,પણ છંદ નિભાવવા 'મૂકી ઊંધું'કરવું પડ્યું.એને લીધે અર્થઘટનની શક્યતા વધી ને આપણે એ વિચાર્યું કે પાટિયું ચત્તું મૂકાયું હોત તો નાયકની સાધારણ સ્થિતિની ખબર પડી જાત!
આશા છે તમને આ કરુણ મંગલ સૉનેટ ગમ્યું હશે.આવજો.
000