ચાર રસ્તા પર સળસળાટ દોડતા વાહનોને લાલ સિગ્નલ મળતા જ ચારેય રસ્તાઓ કીડીયારાની માફક પોતાનામાં વ્યસ્ત રહેતા માનવીઓના ટોળાથી સંપૂર્ણપણે ઉભરાય ગયો. ચોમેર વાહનોના ધુમાડે વાતાવરણને ઘેરી લીધું અને સાથોસાથ કર્કશ અવાજોએ માનવીઓને સવારની પહોરમાં પ્રસન્નતાને બદલે બેચેન કરી મૂક્યા. રાહદારીઓ ફૂટપાથ પર રહીને વાતચીત કરતા કરતા પોતાની મંજિલે પહોંચવા ઉતાવળી ચાલે ચાલતા તો કોઈ બેપરવાહ બનીને ચાલતા.ઘણાં ગીત, ભજન કે દોહા લલકારતા પંથ માપતા તો ઘણા છત્રછાયા વિહોણા માનવીઓ ટૂંટિયુંવાળીને ફૂટપાથની ધારે સુતા તો કોઈ વળી દાંતણપાણી પતાવામાં જોતરાઈ ગયેલા.
સૂરજ પણ આજ ટોળાનો મહેમાન હતો પણ એનું પ્રદુષિત થતાં વાતાવરણે કે ઘોઘાટ તરફ ધ્યાન નહતું એતો એની પ્રિય ગઝલ 'હું તો ખોબો માંગુને દઈ દે દરિયો' રટવામાં જ હતું. એની દ્રષ્ટિ મોટી મોટી તોતિંગ બિલ્ડિંગો તરફ ભિખારીઓ તરફ તો કોઈ વખત અમીરોની મોંઘીદાટ ગાડીઓ તરફ આકર્ષણથી ખેંચાઈ જતી. એ એના સ્કુટરને બંધ કરી પોતાની જ પ્રવૃત્તિમાં જ પ્રવૃત રહેતો. કોઈ ઉંચી બિલ્ડીંગમાંથી કચરો ફેંકતું તો કોઈ સૂર્યદેવને જળ અર્પણ કરતું . આ એક જ માટીમાંથી ઉદ્દભવેલા માનવીમાં આટલો મોટો તફાવત જોઈ એને ચીડ ચડતી. સૂરજ એવા લોકો પ્રત્યે ઘૃણા પ્રગટ કરતો પણ કોઈને કઈ કહે નહિ. આ એનો નિત્યક્રમ હતો.- આવવું, જોવું અને ચૂપચાપ રહેવું. એમાં એક ભીખારણનું રોજ તેની પાસે આવવું પણ રોજનું થઈ ગયેલું.
સૂરજ લાગણીભર્યા શબ્દોમાં કહેતો, લે રુખી આજે આ એક રૂપિયો જ છૂટો છે. રુખી રોજની માફક ઝરતા હાસ્યને વેરતી એનો નાજુક હાથ લંબાવતી અને સહર્ષ એનો આભાર માની હસતી મલકતી આગળ ચાલી જતી. આગળ જતાં જ એના પર મહેણાંટોણાનો કમોસમી વરસાદ વરસી પડતો."આવી ગઈ ઊઠી એવી, અહીં તારા માટે રૂપિયા ભરી મેલ્યા છે,આટલી મોટી થઈને તને આમ માંગતા શરમ નથી આવતી બેશરમ, કમાવા જતી હોય તો આમ મફતિયા રૂપિયા પર જીવે છે. જા અહીંથી." એવા ચિત્રવિચિત્ર વાક્યો એના સક્ષમ કાને પડતા છતાં એના મોં પર એ જ કોમળ હાસ્ય નિરંતર વહેતુ જ રહેતું.એને કદાચ આ મહેણાંટોણાઓ કોઠે પડી ગયેલો પણ સૂરજેને એ બિલકુલ ગમતું નહિં એ મનોમન સમસમી ઉઠતો પરંતુ એનો શાંત સ્વભાવ એને કજીયામાંથી ઉગારી લેતો.
સમય સૂર્યના હિસાબે પસાર થયો. થોભેલા વાહનોને જવાની પરવાનગી મળતા ડામરનો ચકચકતો માર્ગ ધમધમતો થયો અને આખરે ટોળું દોડતું થયું. દરેક જન પોતપોતાના મુકામે પહોંચી પોતાના કામમાં જોતરાઈ જતા પણ આ સૂરજ કામમાં તનથી જોડાતો પણ મનથી એ ચાર રસ્તા પર બનતી ઘટનાઓમાં જ ખોવાયેલો રહેતો.
સૂરજ મનોમન વિચારતો જો આ માણસો એકાદ રૂપિયો આપવામાં આટલા મહેણાંટોણા મારે તો કોઈ અસહાય, વિકલાંગ, દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને સહાય કરવામાં કેમ સમજતા નથી? શું આ રૂપિયો જ સર્વસ્વ છે? માણસની કોઈ કિંમત જ નથી? શું આ જીવન છે? હે પ્રભુ; જ્ઞાનનો પ્રકાશ પાથર. આ તારા જ માનવીઓ આજ એકબીજાને રંજાડે છે. પ્રભુ હવે તું પણ કુંભારની ભાતિ ટપણું લઈને નિર્માણ કર, કા'તો જ્ઞાની મહાત્માઓને આ જગમાં અવતાર. એના મસ્તિષ્કમાં વિચારો ચગડોળે ચડેલા અને આખરે બધો જ ભાર ઈશ્વરના ખોળે મૂકી પોતાનો કામમાં મનથી જોડાય જતો.
* * *
રુખી ઓગણીસ વર્ષની અનાથ કન્યા હતી એ કદાચ કોઈ યુગલપ્રેમીનું પુષ્પ હશે અથવા તો કોઈ અકસ્માતે એની છત્રછાયા છીનવી હશે એવા અનુમાન લગાવી શકાય. સૂરજ રુખીને સવા બે વરસથી જોતો હતો અને ઓળખતો પણ હતો.એ બન્ને વચ્ચે સહાનુભૂતિની લાગણીનો સંબંધ હતો.
રુખીની જવાની વસંતની માફક ખીલેલી હતી. એનો ઘઉંવર્ણો દેહ ઘણો આકર્ષક હોવા છતાં એના ચીંથરાય ગયેલા કપડાં વચ્ચે એ સાવ સાદી કન્યા લાગતી. જ્યારે તે તેના નાજુક કોમળ હાથ લંબાવતી ત્યારે તેનું મસ્તિષ્ક નમ્રતાથી જુકેલું રહેતું.લાંબી ભૂખરી લટોર એના લાવણ્ય- યુક્ત મુખાકૃતિને વધુ મોહક બનાવતી એની રુઆબભરી ચાલ જોનારને દંગ કરે એવી તો હતી જ પણ એનું અસ્તિત્વ સાવ નીચું હતું.
રુખી પણ એક વેલની ભાતિ સહારો શોધતી હતી એને પણ એનું જીવન કોશતું હતું.એને કામ કરવું હતું છતાં ભિખારણ નામને લીધે એને કોઈ કામ તો શું એક પાઈ પૈસો આપવા પણ કોઈ રાજી ન હતું.ઉપરથી ખોટી કચકચ કરતા એ રુખીને બિલકુલ ગમતું નહીં પણ નાભિ પર આવેલા ઉદરની બળતરાએ હાથ આખરે લાંબો કરવો જ પડતો.
રવિવારનો દિવસ હતો. નોકરીયાતો માટે હરવા ફરવા મોજ મજાનો દિવસ. સૂરજ પણ ફરવા નીકળતો તો કોઈ વખત સંધ્યાકાળે ચાર રસ્તા તરફ આંટો મારતો. રુખી ચાર રસ્તાની ધારે બેસતી એ સૂરજને જોતા જ એક અનેરું સ્મિત આપતી.સૂરજ એના સ્મિતને હાસ્ય સાથે મસ્તકને હકારમાં હલાવીને વધાવતો.
રુખી માંગતી માંગતી સૂરજ પાસે આવીને કહેતી, સાહેબ આજ રવિવાર એટલે ફરવા નીકળ્યા.
હા, રુખી.
બોલ, આજે કેટલા પૈસા મલ્યા?
સાહેબ સાડત્રીસ રૂપિયા.
તો એનું તું શું કરીશ?
સાહેબ, વીસ રૂપિયાના પૌઆ લઈશ ને બીજા પૈસા હું પેલા માજીની દવા માટે મૂકી રાખીશ.
કોણ છે એ?
ખબર નહી સાહેબ, પણ એકાદ મહિનાથી હું એમને અહી જોવું છું.
એટલે તું મદદ કરે છે.
હા સાહેબ, દુખીનું દુઃખ તો દુઃખી જ જાણે.
તો આટલા પૈસામાં તારું ગુજરાન ચાલે?
જ્યારે કંઈના હોયને તો પાણીથી પણ ચલાવું પડે સાહેબ, જીવન છે જેમ જીવાડે એમ જીવવું પડે.
રુખી તારી વાતો ઘણી મોટી છે. તું કંઈક કામ કરતી હોય તો?
રુખીના ચહેરો લજામણીની માફક કરમાય ગયો. એની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. અંતે ઉત્તર આપવા જેટલી તાકાત ભેગી કરી બોલી,
સાહેબ, મને કોણ કામ આપે? મારું નામ પડતા જ ધૂતકારવામાં આવે છે તો હું કોની પાસે આશા રાખું?
વાક્ય પૂરું થતાં જ રુખી જાવ છું સાહેબ કહીને અંધારાથી ઘેરાયેલા મકાનો તરફની ગલીમાં ખોવાય ગઈ.
ડિસેમ્બરમાં નાતાલ અને નવા વર્ષની આતશબાજી વાજતે ગાજતે ઉજવાયો. જાન્યુઆરીની ઠંડીએ હાથપગ થથરાવ્યાં તો હતાં જ પણ ફેબ્રુઆરી દાંત કકડાવે એવું અનુમાન હવામાન ખાતા તરફથી જાહેર થયું. સ્વેટરો, ટોપીઓ, કાનપટ્ટા, મફલરો, ધાબળાથી બધા રક્ષણ મેળવી લેતા પણ આ અનાથ રખડતા બાળકો,કન્યાઓ સ્ત્રી-પુરુષોને તાપણું જ સહારો બનતું અને એ પણ ન મળે તો ઠંડીનો ચમકારો વેઠયે જ છૂટકો હતો.એ ક્ષણોમાં પણ રુખીને મળવાનું થતું રહ્યું. એમાં