Dhartinu Run - 6 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 6 - 1

Featured Books
Categories
Share

ધરતીનું ઋણ - 6 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

દુશ્મન દેશની ચાલ કે પછી...!

ભાગ - 1

ધરતીકંપને દસ વર્ષ પૂરાં થયાં હતાં. કચ્છનું ભૂજ શહેર ખૂબ જ સુંદર અને આલીશાન બની ગયું હતું. વૃક્ષોથી સુશોભિત રોડ, સુંદર સર્કલ, આધુનિક બિલ્ડિંગનો અને ભુજની જે.કે. જનરલ હોસ્પિટલ જે ધરતીકંપમાં તૂટીને કાટમાળ બની ગઇ હતી તે ભારતના વડાપ્રધાન અટલબિહારી બાજપાઇએ પોતાની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા આપીને ધરતીકંપ પ્રૂફ બે નમૂનેદાર હોસ્પિટલ બનાવી હતી. આજ જેનું નામ અટલ મહેલ રાખવામાં આવ્યું છે.

ભૂજ કલેક્ટર ઓફિસ, બહુમાળી ભવન, મામલતદાર ઓફિસ, આઇ.જી.સાહેબની ઓફિસ, ડી.એસ.પી. ઓફિસ તદ્દન નવી અને ખૂબ સુંદર બનેલી હતી. ભૂજ શહેર રાજકોટને પણ ટક્કર મારે તેવું બે નમૂનાદાર બન્યું હતું.

આઇ.જી.ઓફિસ સામે આવેલ સર્કલ પાસે ચાની કેબિન પર રામજીભા ચા પી રહ્યા હતા. તેઓ હમણાં જ જખૌથી ભૂજ આવ્યા હતા. માછીમારમાં કુશળ રામજીભા અભણ માછીમાર હતા. આઇ.જી.સાહેબને કેમ મળવું કેમ વાત કરવી તેના વિચારમાં ખાવયેલા હતા. આઇ.જી. ઓફિસ સામે ચા પીતા બેઠા હતા. ચા પી ચાના પૈસા આપી તેમણે એક બીડી સળગાવી અને ત્યાં જ રસ્તાની ફૂટપાથ પર બેસીને તે બીડી પીવા લાગ્યા.

બીડી પીધા પછી તેઓ આઇ.પી.જી. સાહેબની ઓફિસમાં આવ્યા.

‘મારે સાહેબને મળવું છે.’ ઓફિસની બહાર બેઠેલા પટાવાળાને રામજીભાએ કહ્યું.

‘સાહેબ બીઝી છે. અત્યારે મળી નહીં શકે...’ પટાવાળાએ મોં મચકોડીને જવાબ આપ્યો.

‘જો ભાઇ...સાહેબનું મને અગત્યનું કામ છે. મળવું જરૂરી છે.’

‘સાહેબ અગત્યના કામમાં જ રોકાયેલા છે. તમે સાંજના આવજો.’

‘ભાઇ...એકવાર સાહેબને વાત તો કર...’

‘અરે...કાકા...તમને કિંધુને સાંજના આવજો...ખબર નહીં, ક્યાંથી આવા ને આવા લોકો હાલ્યા આવે છે.’ ગુસ્સાભરી નજરે રામજીભા સામે જોતાં પટાવાળો બોલ્યો.

‘ભલે ભાઇ...એમ ગરમ ન થા...સાંજના આવીશ આ તો હું ઠેઠ જખૌથી સાહેબને મળવા આવ્યો છું.’

‘સાહેબને દરરોજ અમદાવાદ, મુંબઇ અને બહારના દેશોમાંથી પણ કેટલાય મળવા આવે છે. તો શું બધાને અંદર મોકલાવી દઉં...? આવ્યા ક્યાંના જખૌથી મળવા આવ્યો છું જાણે જખૌ પોર્ટને વેચાતું લેવું હોય તેમ મોટા ઉદ્યોગપતિની જેમ વાત કરો છો.’

‘ભલે...મારા ભાઇ’ માફ કરજે હું સાંજના આવીશ... કહેતાં રામજીભા આઇ.જી.સાહેબની ઓફિસમાંથી બહાર આવ્યા.

બપોરના ભુજ બસ સ્ટેન્ડ પાસે આવેલી લોજમાં રામજીભાએ જમી લીધું. બસ સ્ટેન્ડની બેન્ચ પર જ બેસીને ટાઇમ પસાર કરવા લાગ્યા.

લગભગ સાંજના પાંચ વાગ્યાના ટાઇમે તેઓ ફરીથી આઇ.જી.સાહેબની ઓફિસમાં ગયાં.

‘કાકા...તમે ફરીથી આવ્યા...’ પટાવાળો તેમને જોઇને બોલ્યો.

‘હા, ભાઇ...સવારથી અહીં જ છું. સાહેબને મળવું જરૂરી છે.’

‘કાકા...સાહેબ નથી...સાંજના સાતેક વાગ્યે આવશે.’

‘સાહેબ નથી...? અરે ભગવાન તો તો આજ મારો દિવસ બગડ્યો.’

‘ભાઇ...સવારના મળવા દીધું હોત તો...? મારે તો ફક્ત પાચં જ મિનિટનું કામ હતું.’ નિરાશ થતાં રામજીભા બોલ્યા.

‘કાકા...તમે કહો તેમ થોડું થાય છે, સાહેબને ઘણાં કામ હોય, જો તમારા જેવા બધાને મળતા રહે તો નવરા જ ન પડે.’

‘ભાઇ...સાંજના તું મને સાહેબથી જરૂર મળાવી દેજે, હું અહીં જ બહાર બેઠો છું.’ હાથ જોડતાં કરગરતાં રામજીભા બોલ્યા.

‘ઓફિસમાં બેસવા નહીં મળે, તમે ઓફિસની બહાર બેસો અને સાહેબ ફ્રી હશે તો મળશે...સાંજના પાછું મારું માથું ન ખાતા...જાવ બહાર બેસો...’ ઊકળતાં પટાવાળો બોલ્યો.

અને રામજીભા ઓફિસની બહાર આવી ફૂટપાથ પર બેઠા રેકડીમાંથી ચા મંગાવી પીધી અને બીજી સળગાવી સાંજના સાત વાગ્યાની વાટ જોતા બેસી રહ્યા.

સાંજના સાત વાગ્યે ફરીથી તેઓ ઓફિસમાં ગયા.

ઓફિસના દરવાજા પાસે જ તે પટાવાળો તેમને સામે મળ્યો.

‘અરે...ભાઇ સાહેબ આવ્યા...?’ તેને જોઇ રામજીભા બોલ્યા.

‘સાહેબ તો ગયા ઘરે...અને હું પણ ઘરે જાઉં છું. ચલો બહાર મારે ઓફિસ બંધ કરવી છે.’ કહેતા જાણે પ્લેન છૂટી જતું હોય એટલી ઝડપથી ઓફિસને તાળું લગાવી પટાવાળો ભાગી ગયો.

રામજીભા અવાચક બની ઊભા ઊભા જોતા રહ્યા. તેના મોં પર ફરીથી નિરાશા તરી આવી.

હે ભોળા...હવે શું કરું સાહેબ તો મળતા જ નથી...હું જખૌ પાછો ચાલ્યો જાઉં...? તે કેદી ગયો જહન્નમમાં અને સાહેબ પણ જાય...તેને વિચાર આવ્યો.

ના, ના...મારાથી એવું ન થાય. ભલે બે-ચાર દિવસ ભુજ રોકાવવું પડે તે કેદીની વાત સાહેબને તો કરીશ જ, અને પછી જ જખૌ પાછો જઇશ...ફરીથી તેના વિચાર બદલાયો.

અને તે રાતના ખાધા-પીધા વગર રામજીભા આઇ.જી.ઓફિસની સામે ફૂટપાથ પર જ સૂઇ ગયા.

સવારના વાહનોની ઘરઘરાટી અને માણસોની અવર-જવરની રામજીભા જાગ્યા. મોં ધોઇ પાણીનો કોગળો કરી તેણે ચા પીધી પછી એક બીડી સળગાવી પીધી ત્યાર બાદ ફરીથી તેઓ ઓફિસ પર પહોંચ્યા.

પટાવાળાએ આંખ ઊંચી કરી તેમની સામે જોયું. પછી બોલ્યા વગર પોતાના સ્ટૂલ પર બેસી ગયો અને રામજીભા પણ કાંઇ જ બોલ્યા નહીં અને ઓફિસના વેઇટિંગ રૂમમાં જમીન પર બેસી ગયા.

આમ ને આમ બપોરના બે વાગી ગયા, આઇ.જી.સાહેબને કેટલાય મળવા આવ્યા, કેટલાય મળી ગયા પણ રામજીભા સાહેબને મળી ન શક્યા. તેઓ ત્યાં એમ ને એમ બેસી રહ્યા અને જડ જેવા પટાવાળાએ એક વખત પણ રામજીભા તરફ નજર ફેરવી જોયું પણ નહી.

બપોરના એક વાગ્યો. કંટાળીને રામજીભા ઊભા થયા અને પટાવાળા પાસે ગયા.

‘ભાઇ...હવે તો સાહેબને મળાવી આપ...સવારથી બેઠો છું. હાથ જોડી રામજીભા બોલ્યા.’

‘અરે...તમારે સાહેબને મળવું છે તો બોલતા કેમ નથી...? એમને એમ બેસી રહેવાથી થોડા સાહેબ તમને સામેથી આવીને મળશે કે કાકા હું તમારી સેવામાં હાજર છું, બોલો શું કામ છે ?’ રામજીભાની ઠેકડી ઉડાડતાં પટાવાળો બોલ્યો.

‘ભાઇ...હું તો તને કાલનો કહું છું કે મારે સાહેબને મળવું છ. પણ તું જવા દેતો જ નથી...’

‘અરે...હા, તમે કાલવાળા કાકા છો...? બરાબર, તો કહેતા કેમ નથી, ઠીક છે. સાંજના પાંચ વાગ્યે આવી મારી પાસે નામ લખાવી દેજો. બરાબર પછી મળવા જેવું લાગશે તો સાહેબ તમને સામેથી અંદર બોલાવશે...અત્યારે જાવ, રોટલા ખાઇ આવો અને ભુજના બગીચામાં ફરી આવો, બરાબર.’

‘હે ભગવાન...આજ સાંજના સાહેબ મળ્યા નહીં તો હું તો ઘર ભેગો નહીં થાઉ...ઠીક છે. ભાઇ સાંજના ચોક્કસ મળાવી આપજે...’ વિનંતીભર્યા સ્વરે રામજીભો બોલ્યા.

‘હા, કાકા...હા સાંજના સાહેબ ન મળ્યા તો કાલે સાહેબને તમારા ઘરે લઇ આવીશ હોં...ચિંતા ન કરો.’

અને તે દિવસે રામજીભાએ ગુસ્સામાં ને ગુસ્સામાં ખાધા-પીધા વગર ઓફિસની સામે ફૂટપાથ પર બેસી રહ્યા. આજ તો તેણે નિર્ણય કર્યો હતો કે જો સાહેબને મળવા ન દેવામાં આવે તો સાહેબ જ્યારે ઓફિસમાં જાય અથવા બહાર આવે ત્યારે સાહેબને પકડી લેવા અને પગ પકડીને મળવાની વિંનતી કરવી. આ અવળચંડા પટાવાળાના ભરોસે હવે બેસી રહેવું નથી.

સાંજ પડી રામજીભા ઓફિસના ગેટ પાસે જ ઊભા હતા. હોટલવાળાને તેમણે વિનંતી કરી હતી કે સાહેબ કોણ છે તે મને ઇશારાથી બતાવો. અને હોટલવાળા કાકાએ જ તેમને સમજાવ્યું હતું કે તમે ઓફિસના ગેટ પાસે ઊભા રહેજો. સાહેબ આવશે કે તરત જ હું તમને ઇશારો કરી દઇશ.

ચાર વાગ્યાના સમયે સાહેબની ગાડી આવી. તરત હોટલવાળાએ રામજીભાને ઇશારો કર્યો અને રામજીભા ઝડપથી ગાડી પાસે ગયા પણ સાહેબ આડું અવળું જોયા વગર એકદમ ઝડપથી પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા. રામજીભા મોં વકાસીને જોતા જ રહી ગયા.

રામજીભાએ પટાવાળા સાથે નામ લખીને ચિઠ્ઠી મોકલાવી, અને ઓફિસના દરવાજા પાસે બેસી ગયા. કલાક વીત્યો પણ તેનો નંબર ન લાગ્યો.

એક કલાકના સમય બાદ આઇ.જી.સાહેબ અચાનક પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા.

આ તક સારી છે, સાહેબને જલદી મળી લઉં નહીંતર મારો ચાન્સ લાગશે નહીં...રામજીભા તે વિચાર સાથે ઊભા થયા.

‘સાહેબ...સાહેબ...મારે તમને મળવું જરૂરી છે...ખૂબ જ જરૂરી કામ છે, સાહેબ મારી વાત સાંભળો...બે હાથ જોડી સાહેબના પગ પાસે બેસી જતાં રામજીભા બોલ્યા.

અરે...અરે...ઓ કાકા એમ સાહેબને ન મળાય દૂર થાઓ. ઝડપથી રામજીભા પાસે આવી હાથ પકડતાં તે પટાવાળો બોલ્યો.’

‘સાહેબ...હું તમને મળવા બે દિવસથી અહીં બેઠો છું. જરૂરી કામ છે...સાહેબ...આપના માટે એક અંગત સમાચાર લઇને આવ્યો છું’

‘કોણ છે, આ કાકા...? અને આ બધું શું માંડ્યું છે...? પટાવાળા સામે જોઇ કડક સ્વરે આઇ.જી.સાહેબ બોલ્યા.

‘સાહેબ...બે દિવસથી મારું માથું ખાઇ ગયો છે તમે કામમાં ઘણા બીઝી હતા. હું તને સમજાવીને થાકી ગયો, પણ કાકા માનતો જ નથી.’

‘બે દિવસથી કાકા અહીં બેઠા છે...?

‘હા, સાહેબ...બે દિવસથી હું આપની ઓફિસની બહાર બેઠો છું. પણ આ મને આપને મળવા દેતો નથી, જરૂરી કામ છે, હાથ જોડીને રામજીભા બોલ્યા.’

‘ઠીક છે...કાકાને ઓફિસમાં બેસાડ હું અડધા કલાકમાં જ પાછો આવું છું.’ કહી સાહેબ બહારની તરફ ચાલ્યા.

‘તમે મને વઢ ખવડાવી’ કહેતાં બળતરા કરતા પટાવાળાએ કાકાને ઓફિસમાં બેસાડ્યા.

સાહેબ અડધા કલાકને બદલે એક કલાક પછી પાછા ફર્યા, ‘બોલો કાકા...એવું તે સું કામ હતું કે તમે અહીં બે દિવસથી બેસી રહ્યા છો...?’

‘ચેમ્બરમાં પ્રવેશી પોતાની ઇઝી ચેર પર આરામથી બેસતા કાકા સામે જોઇને સાહેબ બોલ્યા.

‘સાહેબ...ખૂબ જ જરૂરી સંદેશો આપવા માટે હું જખૌથી આવ્યો છું. સાહેબ આ તમારા પટાવાળાને સમજાવી-સમજાવી થાકી ગયો કે સાહેબથી મારે જરૂરી કામ છે છતાં તે આપને મળવા માટે અંદર આવવા દેતો જ ન હતો. સાહેબ...કાલતી મેં કાંઇ જ ખાધું પણ નથી. અહીં જ ફૂટપાથ પર સૂઇ રહ્યો છું.’ પોતાની વેદના બતાવતાં રામજીભો બોલ્યા.

‘શું વાત કરો છો ! કાલથી કાંઇ જ ખાધું નથી...?’ રામજીભા સામે જોઇ અને દુ:ખભર્યા સ્વરે સાહેબ બોલ્યા પછી તરત બેલ મારી પટાવાળાને બોલાવ્યો.

‘બોલો સાહેબ...’ દરવાજો ખોલી પટાવાળો તરત અંદર આવ્યો.

‘આ કાકા તને બે દિવસથી મને મળવા માટે કહે છે. કેમ તેં મને જાણ નથી કરી...બેવકૂફ માણસ, આ કાકાએ કાલથી કાંઇ જ ખાધું નથી અને રાત્રે અહીં જ ફૂટપાથ પર સૂઇ ગયા...તને હું સસ્પેન્ડ કરું...?’

‘સાહેબ...મને માફ કરો...ભૂલ થઇ ગઇ.’ કરગરતાં પટાવાળો બોલ્યો.

‘ઠીક છે, હવેથી આવી ભૂલ કરીશ તો તને સસ્પેન્ડ કરી નાખીશ. જો હવે જલદી કાકા માટે ચા-બિસ્કીટ લઇ આવ...’ ખિસ્સામાંથી પૈસા કાઢી પટાવાળાને આપતાં સાહેબ બોલ્યા.

‘સાહેબ...રહેવા દ્યો હવે તમે મળી ગયા તો તમને વાત કરીને હું જમવા જઇશ...ચા નાસ્તાની જરૂરી નથી...’

‘કાકા...મારે લીધે તમને ઘણી તકલીફ પડી છે. ક્ષમા કરજો કાકા...અને ચા-નાસ્તો તો કરવો જ પડશે.’

‘હવે મને લાગે છે. સાહેબ હું સાચી જગ્યાએ જ આવ્યો છું...’

‘બોલો કાકા...મારાથી બનતી બધી જ મદદ કરીશ...’

‘સાહેબ...હું જખૌનો મચ્છુઆરો છું. મારું નામ રામજીભા છે. સાહેબ હમણાં અમે પાકિસ્તાનની જળસીમામાં ચાલ્યા ગયા હતા અને સીમા ઉલ્લંઘનના ગુનાસર કરાંચીની જેલમાં રહી આવી અમે ચાર દિવસ પહેલાં જ છૂટા થયા છીએ. આ જુઓ અમારા કાગળ અને અમારી બોટ પણ હજી અમને મળી નથી.’

‘કાકા...તમારી બોટ નિયમ અનુસાર ચોક્કસ મળી જશે, અને તે માટે હું ફોન પર કરી દઇશ બસને...તમે આરામથી ઘરે જાવ.’

સાહેબ સમજ્યા કે કાકા પોતાની બોટ જલદી પરત મળે એટલે તેમની પાસે આવ્યા છે.

‘ના...ના...સાહેબ...હું મારી બોટ માટે નથી આવ્યો. બોટ માટે તો મેં જખૌ પોર્ટ પર કાગળિયાં કરી દીધાં છે. અને હવે ચાર-પાંચ દિવસમાં જ બોટ પરત મળી જશે...’ અધીરા મને રાજીભા બોલ્યા.

‘તો...? તો પછી શું કામ છે...?’

‘સાહેબ...કામ ખૂબ જ મહત્ત્વનું છે. આપ સાંભળો.’

‘સાહેબ...જ્યારે અમને કરાંચીની જેલમાં લાવવામાં આવ્યા, ત્યારે મેડિકલ ચેક-અપ માટે જેલની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ત્યાં અમને એક કેદી મળ્યો હતો. તે કેદી લગભગ દસ વર્ષથી કરાંચીની જેલમાં સડે છે. સાહેબ...અને તે કેદીએ જ એક સમાચાર તમને આપવાનું કહ્યું છે...’ એક ઊંડો શ્વાસ લઇ રામજીભા થાક ખાવા અટક્યા.

રામજીભાની વાત સાંભળી આઇ.જી.સાહેબ ચોંક્યા અને પોતાની ખુરશી પર એકદમ ટટ્ટાર થઇ ગયા.

‘બોલો...રામજીભો બોલો...’

‘સાહેબ...ત્યાંના ર્ડોકટરે નિયમ રાખ્યો છે કે ચેક-અપ માટે કેદીને જ્યારે તેની ચેમ્બર્સમાં લાવવામાં આવે ત્યારે જેલના સૈનિકોને બહાર જ ઊભવું પડે, કોઇને અંદર આવવાની મનાઇ હોય છે, અને ત્યારે ર્ડોક્ટર તે કેદીને તપાસતા હતા. ત્યાં અચાનક એક કેદીએ પોતાની નસ કાપી નાખી અને જેલમાં ધમાલ થતાં તે કેદીની સારવાર માટે જેલરે ર્ડોક્ટરને તાત્કાલિક બેરેકમાં બોલાવ્યા અને ર્ડોક્ટર તે કેદીને જોવા ગયા. ત્યારે તે સમયે ર્ડોક્ટરની કેબિનમાં તે કેદી સિવાય હું અને મારો પુત્ર મધુ તથા મારા સાથે મારા મિત્ર યુસુફના પુત્ર સલીમ અને જાવેદ સિવાય ત્યાં કોઇ જ ન હતું. તે વખતે મોકો જોઇને તે કેદીએ મને આપને એક સમાચાર આપવાનુ જણાવ્યું.

‘કાકા...શું હતા તે સમાચાર...? જલદી બોલો...’ ઉત્તેજના સાથે સાહેબ બોલ્યો.

‘સાહેબ, તેમણે મને કહ્યું કે કચ્છ આવી આઇ.જી.સાહેબને સમાચાર આપજો કે હું આનંદ મઝામાં છું. સોમદત્તજીને મેસેજ પહોંચાડજો.’

‘શુ...? હું આનંદ મઝામાં છું, સોમદત્તજીને સમાચાર પહોંચાડજો. હું કાંઇ સમજ્યો નહીં...કાકા બીજું તેણે શું કહ્યું. ?’

‘બસ...આટલી જ વાત પૂરી થઇ ત્યાં સુધીમાં ર્ડોક્ટર સાહેબ પાછા આવી ગયા અને અમારી વાત અધૂરી રહી ગઇ અને ત્યાર પછી મેં ક્યારેય તે કેદીને જેલમાં જોયો ન હતો...પણ તે કેદી દસ વર્ષથી કરાંચીની જેલમાં સબડે છે અને તે ભારતનો છે. તે વાત અમારી વચ્ચે પહેલાં થઇ.

હં...એકદમ વિચારમા પડી ગયેલ સાહેબના મોં પર ચિંતાના ભાવ છવાઇ ગયા. લેટર પેડ પર તેમણે તે શબ્દો ‘‘હું આનંદ મઝામાં છું. સોમદત્તજીને સમાચાર પહોંચાડજો..’’ લખ્યા પછી ઊંડા વિચારમાં પડી ગયા.

ચા-બિસ્કીટને ન્યાય આપી રામજીભા ઊભા થયા.

‘ભલે...સાહેબ...મારું કામ પૂરું થયું, સાહેબ તે દિવસે તે કેદીને ઘણો જ માર્યો હોય તેમ તેના પૂરા શરીર પર ઊઝરડા પડેલા હતા.’

‘સાહેબ બિચારા પર દસ-દસ વર્ષથી ખૂબ જ સિતમ ગુજારવામાં આવતો હોય, તેમ તેની અને ર્ડોક્ટર સાહેબ સાથે થતી વાતચીત પરથી જણાતું હતું. સાહેબ...થાય તો જરૂર તેને છોડાવજો અને મારી ક્યારેય જરૂર પડે તો બોલાવજો હું તરત હાજર થઇ જઇશ.’ રામજીભા બોલ્યા.

‘રામજીભા...કદાચ તમારી આ બાતમી દેશ માટે મહત્ત્વની હોય, તેવું મને લાગે છે, એક ખૂબ જ મહત્ત્વનું કાર્ય કર્યું છે...! જરૂર પડશે તો હું જાતે તમને મળવા આવીશ...’ ઊભા થતાં સાહેબ બોલ્યા.

અને સાહેબને રામ-રામ કરી રામજીભાએ વિદાય લીધી. તેના મોં પર દેશ પ્રત્યેનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યાના આનંદના ભાવ છવાયેલા હતા. તેમણે પોતાનું કામ પૂરું કર્યાનો આનંદ તેના મોં પર છવાયેલો હતો. તેઓ બસ સ્ટેશન તરફ આગળ વધી ગયા.

પણ આઇ.જી.સાહેબની ચિંતા વધારતા ગયા. આઇ.જી.સાહેબ ચિંતામાં ને ચિંતામાં તે શબ્દોને વોગાળતાં ત્યાં જ પોતાની ચેમ્બર્સમાં રાત્રિના આઠ વાગ્યા સુધી બેસી રહ્યા.

વિચારતાં-વિચારતાં અચાનક તેમના દિમાગમાં લાઇટ થઇ.

સોમદત્તજી...હા, મેજર સોમદત્ત ભારતની જાસૂસી સંસ્થા ‘‘રો’’ ના મુક્ય અધ્યક્ષ.

આ વિચારથી તરત તેમનું મગજ ધણધણી ઊઠ્યું અને ઉત્તેજનાથી તેનું પૂરું શરીર એકવાર ઝણઝણી ઊઠ્યું.

આનંદ...મઝામાં...

અરે આનંદ...! આનંદ...આનંદ તો મેજર સોમદત્તજીનો આસિસ્ટન્ટ...

અને...અને...કચ્છમાં તે ગુમ થયેલો...

સડાક...કરતા તેઓ ઊભા થઇ ગયા.

‘ઓ માય ગોડ...આ તો...આ તો...શબ્દનો અર્થ હે ભગવાન...આ શું...? આ શબ્દોનો અર્થ તો એવો થાય છે કે મેજર સોમદત્તનો આસિસ્ટન્ટ આનંદ શર્મા પાકિસ્તાનની કરાંચીની જેલમાં સડે છે...ઓ માય ગોડ...’

***