મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 21
અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.એ લોકો ગમે તે કરી આંધી થી તો બચી ગયાં પણ ડેની ને વીંછી કરડી ગયો હતો.. ડેની નું ઝેર ઉતારવાનો ઉપાય તો મળ્યો પણ હવે એ લોકો જોડે પાણી નહોતું.
પાણી ક્યાંથી લાવવું એ વિશે બધાં વિચારતાં હતાં ત્યાં કંઈક યાદ આવતાં અબુ બોલ્યો.
"અરે આપણાં બધાં ની બેગમાં પણ પાણી ની બોટલ તો છે જ ને.. બધાં ચેક કરો એમાં થોડું ઘણું પાણી તો હશે જ.. "એ લોકોએ સફર દરમિયાન ચાલુ મુસાફરીએ પીવા માટે રકીલાથી જહાંગીર નાં ત્યાંથી પાણીની બોટલો ભરી પોતપોતાની બેગમાં મૂકી દીધી હતી.
અબુ ની વાત સાંભળી બધાં ફટાફટ દોડ્યાં અને પોતપોતાની બેગને ફંફોસીને એમની બોટલ લઈને આવ્યાં.. અહીં સુધીની મુસાફરી દરમિયાન બધાં એ એજ બોટલોમાંથી પાણી પીધું હોવાં નાં લીધે બધી બોટલો નું પાણી ભેગું કરી માંડ બે બોટલ પાણી થતું હતું.. પણ હાલ તો ડેની નો જીવ બચાવવા માત્ર જરાક પાણી જોઈતું હોવાં નાં લીધે એ લોકોએ વધુ વિચાર્યા વગર કાસમ ને વિરાજે આપેલાં મગુરા નાં બીજનો ઉપયોગ કરી ડેનીનાં શરીરમાંથી વીંછી નું ઝેર કાઢવાં આગ્રહ કર્યો.
કાસમે બોટલમાંથી થોડું પાણી પથ્થર પર ફેંક્યું અને થોડું મગુરા નાં બીજ પર.. ત્યારબાદ કાસમે મગુરાનાં બીજ ને પથ્થર પર ઘસ્યા.. આમ કરવાથી એ બીજ થોડાં નરમ થઈ ગયાં.. આ નરમ પડી ગયેલાં બીજ ને કાસમે તાત્કાલિક ઊંધા સુવડાવેલાં ડેની નાં ગરદન ની પાછળનાં ભાગમાં લગાવી દીધાં.
"એકાદ કલાકમાં ડેનીનું બધું ઝેર ઉતરી જશે અને એ સંપૂર્ણ ભાનમાં આવી જશે.. "કાસમ ની આ વાત સાંભળી ત્યાં મોજુદ બધાં નાં ચહેરા ખીલી ઉઠયાં.
"ભાઈ આજ ની રાત અહીં જ રોકાઈ જઈએ.. કેમકે સૂરજ અસ્ત થઈ ગયો છે અને ડેની ને પણ સારું થતાં સમય લાગશે.. "ડેની ને જે વીંછી કરડ્યો હતો એને પથ્થર વડે છૂંદતા જોહારી બોલ્યો.
"જોહારી ની વાત સાચી છે.. આપણે પહેલાં આજુબાજુ ની જમીન સાફ કરી દઈએ અને પછી વ્યવસ્થિત પાથરણ પાથરી એની ઉપર સ્લીપિંગ બેગ ગોઠવી દઈએ.. મારી જોડે કીટ નાશક પાવડર છે એને આપણાં પાથરણ ની ફરતે ભભરાવી દઈશું જેથી રાતે ઝેરી જંતુથી બચી શકાય.. "માઈકલ જોહારી ની વાત સાથે સહમત થતાં બોલ્યો.
"તો માઈકલ તું, કાસમ, ગુરુ અને સાહિલ રાતે સુવા માટેની પથારી તૈયાર કરો.. હું સાહિલ અને વિરાજ ની સાથે જઈને આજુબાજુમાં ફરીને થોડાં સૂકાં લાકડાં કે સળગાવવા લાયક કંઈપણ મળે તો લેતો આવું.. અહીં આગ સળગાવી રાત નું ભોજન પણ કરી લઈશું.. "અબુ માઈકલ ને ઉદ્દેશીને બોલ્યો.
"સારું.. "અબુની વાતનો ટૂંકમાં પ્રતિભાવમાં આપતાં માઈકલ ગરદન હલાવતાં બોલ્યો.
વિરાજ, સાહિલ અને અબુ એ લોકો જ્યાં મોજુદ હતાં ત્યાંથી વધુ દૂર ગયાં વગર લાકડાં અને બીજી સળગાવવા લાયક સૂકી વસ્તુઓ ભેગી કરવાં લાગ્યાં.. આ તરફ માઈકલ, કાસમ, જોહારી અને ગુરુ એ પ્લાસ્ટિક નું પાથરણ વ્યવસ્થિત ત્યાં પાથરી દીધું અને એની ઉપર સ્લીપિંગ બેગ પણ યોગ્ય રીતે ગોઠવી દીધી.. ત્યારબાદ માઈકલે પોતાની બેગમાં મોજુદ પાવડર કાઢીને એમની પથારીની ફરતે ભભરાવી દીધો.
વિરાજ, સાહિલ અને અબુ સારું એવું સૂકું લાકડું, ઝાડી ઝાંખરા અને ખજૂરીનાં સૂકાં પાન વીણી લાવ્યાં.. જેનો ખડકલો કરી એમાં આગ પ્રગટાવી.. હવે સમય થયો હતો જમવાનો.એ લોકો રણમાં સરળતાથી બની શકે એવી ખાદ્યસામગ્રી લઈને નીકળ્યાં હતાં પણ એમાંથી મોટાં ભાગ ની વધારાનાં ઊંટ ઉપર લાદેલ હોવાંથી હવે જે કંઈપણ વધ્યું હતું એમાં સંતોષ માનવાનો હતો.
માઈકલે જોહારીની સહાયતાથી ડ્રાય પાવડર નો ઉપયોગ કરી વેજીટેબલ સૂપ બનાવ્યો.. જ્યારે અબુ અને વિરાજે ત્રણ સૂકી માછલીઓને આગ પર સેકી એની ઉપર મસાલો છાંટી એને ખાવાલાયક બનાવી દીધી.. આ બધું કરવામાં રાતનાં નવ વાગી ગયાં હતાં.. એ લોકો જોડે હવે પીવા માટે ફક્ત એક બોટલ પાણી વધ્યું હતું.
એ લોકો એ હજુ જમવાની શરૂવાત કરી હતી ત્યાં એમનાં કાને અવાજ પડ્યો.
"અરે હરામીઓ મને મૂકીને એકલાં એકલાં જમવા બેસી ગયાં.. "
બધાં એ ફરીને અવાજની દિશામાં જોયું તો ત્યાં ડેની ઉભો હતો.. ડેની ને આમ તંદુરસ્ત જોઈને બધાં એ જમવાનું પડતું મુક્યું અને ઉભાં થઈને વારાફરથી ડેનીને ગળે લગાવ્યો.. ડેની એ પોતાનાં ગરદન પરથી છૂટાં પડેલાં મગુરાનાં બીજ કાસમ નાં હાથમાં મૂક્યાં.. કાસમે એ બીજ ધોઈને પાછાં સાચવીને મૂકી દીધાં.
ત્યારબાદ ડેની ની સાથે બધાં પુનઃ જમવા બેઠાં.. સૂકી માછલીઓ અને ઠીકઠાક બનેલો સુપ પણ અત્યારે તો કકડીને લાગેલી ભૂખનાં લીધે એ લોકોને લિજ્જતદાર લાગી રહ્યો હતો.. એ લોકોએ ડેની ને જણાવ્યું કે કઈ રીતે એ લોકોએ ડેની ને બચાવ્યો.. સાથે સાથે એ પણ કહ્યું કે હવે એ લોકો જોડે પીવાલાયક પાણી ફક્ત એક બોટલ જ છે.
જમીને થોડી ઘણી અહીં તહીં ની વાતો કર્યાં બાદ એ લોકો પોતપોતાની સ્લીપિંગ બેગમાં ભરાઈ ગયાં.. ખુલ્લાં આકાશ નીચે તારાઓ અને ચંદ્ર તરફ જોતાં જોતાં બધાં થોડીવારમાં તો ઘસઘસાટ સુઈ ગયાં.. રણ વિસ્તારમાં દિવસે જેટલી ગરમી હોય એટલી જ રાતે ઠંડી પણ પડતી હોય છે.. આજ કારણથી શીતળ વાતાવરણમાં બધાં ને સારી એવી નીંદર આવી ગઈ.આ સાથે જ એ લોકોની સફરનો પ્રથમ દિવસ કંઈ કેટલીય હાડમારીઓ પછી પૂર્ણ થયો હતો.. જેમાં ખુશીની બાબત એ હતી કે એ બધાં હજુપણ સહી સલામત હતાં.
***
સવારે છ વાગે તો કાસમે બધાં ને ઉઠાડી દીધાં.. કેમકે કાસમ ઈચ્છતો હતો કે બપોરે બાર વાગ્યાં સુધી તાપ ઓછો હોય એ સમયગાળામાં વધુને વધુ અંતર કાપી લેવું જેથી બપોરની કાળઝાળ ગરમીમાં શેકાવું ના પડે.. અડધાં કલાકમાં તો એ લોકો પોતપોતાની સ્લીપિંગ બેગ સંકેલી બેગમાં બધો સામાન ગોઠવી આગળ સફર પર જવાં ની તૈયારી કરતાં હતાં ત્યાં વિરાજ જોરજોરથી બોલ્યો.
"દોસ્તો.. આ જોવો.. "
વિરાજનો અવાજ સાંભળી બાકીનાં બધાં એની તરફ આગળ વધ્યાં અને વિરાજનાં જોડે આવીને ઉભાં રહી ગયાં.. વિરાજ હાથમાં દસેક સફેદ મૂળિયાં જેવી વસ્તુઓ હતી.. જેને જોઈને વિરાજ આટલો હરખાઈ કેમ રહ્યો હતો એ ના સમજાતાં ગુરુએ વિરાજને ઉદ્દેશીને પૂછ્યું.
"ભાઈ.. આ શું છે અને તું આટલો ખુશ કેમ છે..? "
"અરે ગુરુ.. તું ભૂલી ગયો આ એજ મૂળિયાં છે જે મારાં રૂમમાં કોઈ મૂકી ગયું હતું.. આ મૂળિયાં નો ઉપયોગ કરી રણપ્રદેશમાં પાણી મેળવી શકાય એવું આની જોડે મળેલાં લેટર પર લખ્યું હતું.. કાલે રાતે જ્યારે હું બોટલ શોધવા મારી બેગ ફંફોસતો હતો ત્યારે ભૂલથી આ મૂળિયાં બહાર જમીન પર આવી પડ્યાં.. રાતે જ્યારે વાતાવરણમાં ઠંડક હતી ત્યારે આ મૂળિયાઓએ હવામાંથી પાણી શોષી લીધું.. અત્યારે જો આમાં પાણી ભરેલું છે.. "વિરાજે પોતાનાં હાથમાં રહેલું એક મૂળિયું ગુરુ ને આપતાં કહ્યું.
બધાં એ વારાફરથી ગુરુ નાં હાથમાં રહેલું મૂળિયું પોતાનાં હાથમાં લઈને કુદરતની આ લીલા ને હાથ વડે સ્પર્શીને મહેસુસ કરી.. વિરાજ જોડે જે મૂળિયાં હતાં એમાંથી નીચોવીને પાણી કાઢતાં કુલ પાંચ બોટલ પાણી ભરાઈ ગયું.. આટલું પાણી એ લોકો માટે આગળની સફર દરમિયાન એક દિવસ પૂરતું કાફી હતું.. આ વિરાન રણપ્રદેશમાં એમની ઉપર આવી પડેલી સૌથી મોટી સમસ્યા એટલે કે પાણી ની અછત નો અનાયાસ જ ઉકેલ મળી જતાં બધાં ખૂબ જ ખુશ જણાતાં હતાં.
"સારું તો હવે પાણી નો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો.. હવે વધુ સમય બગાડયાં વિના આગળ વધીએ.. "જોહારી બધાં ની તરફ જોતાં બોલ્યો.
જોહારી નાં આગ્રહ નાં પ્રતિભાવમાં બધાં પોતપોતાની બેગ ખભે કરી ઊંટ જ્યાં બાંધ્યા હતાં એ તરફ હાલી નીકળ્યાં.. હવે એ લોકો જોડે માત્ર ચાર જ ઊંટ વધ્યાં હોવાથી એક ઊંટ પર બે જણા નું બેસવું ફરજીયાત બની ગયું હતું.. એ લોકો બે-બે ની ચાર ટોળીમાં વહેંચાઈ ગયાં અને ઊંટ ઉપર સ્થાન લીધું.
થોડીવારમાં તો એ લોકોની હબીબી નાં ખંડેર સુધી પહોંચી ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધવાની સફરનો બીજો દિવસ શરૂ થઈ ગયો હતો.. વિરાજ મનોમન એ વ્યક્તિનો આભાર માની રહ્યો હતો જેને આ બધી ઉપયોગી વસ્તુઓ એનાં રૂમમાં રાખી હતી.. આ વસ્તુઓનાં લીધે જ ડેની મોત નાં મુખમાંથી બચી ગયો હતો અને પાણી ની અછત પણ દૂર થઈ ગઈ હતી.
સતત છ કલાક સુધી એ લોકો એકધાર્યું ચાલતાં જ રહયાં.. બપોરે એક વાગતાં થોડાં ખજૂરી નાં સૂકાં થવાં આવેલાં વૃક્ષ નાં નીચે એમને પોતાની સફરને થોડો સમય વિરામ આપ્યો.. આમ કરવાનાં મુખ્ય હેતુ હતો પોતાનું અને ઊંટ નું પેટ ભરવું.. એ લોકોએ તો જોડે લાવેલાં ફ્રૂટ અને સૂકો મેવો ખાઈને પેટ ભર્યું.. જ્યારે ઊંટો એ આજુબાજુથી જે કંઈપણ મળ્યું એ ખાઈને પેટ ભરી લીધું.. આમ પણ ઊંટ માટે કહેવત છે ને કે.. 'ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો.. "
દોઢેક કલાક જેટલો આરામ ફરમાવી લીધાં બાદ એ આઠેય લોકો જોડીઓમાં પોતપોતાનાં ઊંટ પર ગોઠવાઈ ગયાં અને આગળ ની સફર શરૂ કરી.. હવે તો સૂરજ પણ પુરજોશમાં તાપ વરસાવી રહ્યો હતો.. જાણે આગની ભઠ્ઠીમાં એ લોકોને રાખી દીધાં હોય એવી હાલત એમની થઈ ગઈ હતી.
"જોયું માઈકલ ભાઈ.. તમારાં યુરોપમાં અને અહીં આફ્રિકાનાં રણની ગરમીમાં કેટલો ફરક છે..? "પોતાની સાથે ઊંટ પર બેસેલાં માઈકલ ને ઉદ્દેશીને જોહારી બોલ્યો.
"ભાઈ.. યુરોપની ક્યાં વાત કરે આટલી ગરમી તો અમારે ભારતમાં પણ નથી પડતી.. મારે તો અંડરવીયર પણ પરસેવાથી ભીંજાઈ ગયો છે.. "માઈકલ ની જગ્યાએ જવાબ આપતાં ગુરુ બોલ્યો.
ગુરુ ની વાત સાંભળી બધાં જોરજોરથી હસી પડ્યાં.. ગુરુની માફક બધાંની હાલત પણ એવી જ હતી.. પરસેવાથી એ દરેકનું શરીર આખું રેબઝેબ થઈ ગયું હતું.. સૌથી ખરાબ હાલત ડેની ની હતી કેમકે કાલે એનાં શરીરમાંથી ઝેર તો નીકળી ગયું હતું પણ એની અસર સ્વરૂપે ડેનીને થોડો ઘણો તાવ આવી રહ્યો હતો.
વિરાજ અને ડેની એક જ ઊંટ ઉપર સવાર હતાં.. ડેની ની નાજુક હાલત ની ચિંતા વિરાજને સતાવી રહી હતી.. એ પોતાનાં ભાગમાં આવતું પાણી પણ એટલે અમુક સમયે ડેનીને પીવા માટે આપી દેતો.. અને વારંવાર ડેનીને બોલાવતો રહેતો જેથી એ સુઈ ના જાય કે અશક્તિનાં લીધે બેહોશ ના થઈ જાય.
એ લોકો શાંતિથી આગળ વધતાં વધતાં હબીબી ખંડેર સુધીનું લગભગ અડધું અંતર તો કાપી જ ચુક્યાં હતાં.. હવે બે કલાક જેટલું ધીરે-ધીરે આગળ વધ્યાં બાદ કોઈ સારી જગ્યા શોધી રાત્રી રોકાણ કરવાનું વિચારતાં હતાં ત્યાં સાહિલે એમની દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ઊડતી ધૂળની ડમરીઓ તરફ આંગળી ચીંધી ચિંતાતુર સ્વરે કહ્યું.
"અરે ત્યાં જોવો.. ધૂળની ડમરીઓ.. "
સાહિલે જે તરફ આંગળી કરી હતી એ તરફ બધાં આંખો બંધ કરી ધ્યાનથી જોઈ રહયાં.. થોડો સમય તો ત્યાં કંઈપણ સ્પષ્ટ દ્રશ્ય ના દેખાયું પણ અમુક સમય બાદ એ ડમરીઓને ચીરતાં સાતેક ઘોડેસવારો એમની નજરે ચડ્યાં.. એમને જોતાં જ કાસમ અને જોહારી એક સાથે બોલી ઉઠયાં.
"શાહીન કબીલાનાં લોકો.. "
અબુ સિવાય બાકીનાં ઈજીપ્ત બહારનાં લોકો માટે કાસમ અને જોહારીનાં શબ્દોએ આશ્ચર્ય પેદા કર્યું હતું જ્યારે અબુ નાં ચહેરા પર ભયની રેખાઓ.. !!
★★★
વધુ નવાં ભાગમાં.
શાહીન કબીલાનાં લોકો એ લોકોની તરફ કેમ આવી રહ્યાં હતાં..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***