સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 55
એ આખી રાત ચારેય એમ જ બંધનાવસ્થામાં ગોટમોટ પડયા રહ્યા હતા. એક છોકરી આમ ગન બતાવીને ડારી જાય એથી બેહદ ગિન્નાયેલો ઝુઝાર બેફામ ગાળો બોલી રહ્યો હતો. છપ્પનને સમજાતું ન હતું કે પોતે આબાદ મૂર્તિ ચોરી લાવ્યો તોય કેમ તેની સાથે આવો વર્તાવ થયો. એ સતત માથું ધૂણાવી રહ્યો હતો. એક ભૂલ... ડિંડોરીમાં તેણે કરેલી એક માત્ર ભૂલ બહુ જ મોંઘી પડી રહી છે એવા તારણ પર આવીને એ પોતાની જાતને જ કોસી રહ્યો હતો.
અત્યાર સુધી સ્વસ્થ રહેવા મથતો રાઘવ પણ હવે ખિન્ન હતો. તેના મનમાં ઉત્સુકતાનો વિસ્ફોટ થતો હતો, જવાબ મળતો ન હતો, ઉલઝન વધતી જતી હતી અને મામલો વધુને વધુ ગૂંચવાતો જતો હતો. ફક્ત ત્વરિત ખુશમિજાજ હતો. તેની ઈજા હજુ ય પૂરેપૂરી ઠીક ન્હોતી થઈ, તેમાં વળી હાથે-પગે બંધાઈને રાતભર બેસવાનો વારો આવ્યો એટલે તેનો દુઃખાવો વધ્યો હતો પણ એમ છતાં, બીજા ત્રણેય ઘડીક ઝોંકા ખાઈ લેતા હતા ત્યારે એ અચાનક ખડખડાટ હસી નાંખતો હતો.
નીલાંબર રાયને એક દીકરી ય હોય અને દેખાવમાં એ આવી મારકણી અને પ્રકૃતિએ આવી વાગકણી હોય એથી મનોમન એ બેહદ રમૂજ અનુભવતો હતો.
'ખબર નહિ યાર...' તેણે રાઘવની પીઠ પર ઢિંચણનો ઠોંસો મારીને કહ્યું, 'અમે ભણતા હતા ત્યારે પ્રોફેસરે આ છોકરીને ક્યાં સંતાડી રાખી હતી...'
'તને બહુ ગમી ગઈ હોય તો...' રાઘવે ઊંઘરેટા અવાજે જવાબ વાળ્યો, 'હવે બતાડી જ દીધી છે, કરી લે પ્રપોઝ...'
'ના રે, પછી તો જરાક વાંકું પડે ત્યાં આ તો તરત કૂકડો બનાવે એવી છે...' ત્વરિત બરાબર મૂડમાં હતો, 'તને ખબર છે, અમારી બેચની એકની એક છોકરીઓને જોઈ-જોઈને અમે કંટાળી જઈએ એટલે પછી પ્રોફેસર ક્વાર્ટર્સના આંટા શરૃ થાય. ક્યારેક તો સુંદર દીકરી હોય એવાં પ્રોફેસરના માન-પાન વધી જાય... પણ રાયસાહેબે આ નમૂનો આબાદ સંતાડી જાણ્યો...'
ત્વરિતના મોંમાંથી ડચકારો નીકળી ગયો એટલે રાઘવને ય હસવું આવી ગયું, 'તને છોકરીના વિચાર આવે છે પણ મને એનો બાપ કેમ આમ રડતો હતો એ સવાલ જ મનમાં ઘૂમરાયા કરે છે...'
'અરે એ તો સનકી આદમી છે... કોલેજમાં ય આવા જ હતા. અમે તેમનું નામ પાડયું હતું... કે૩જી!'
'કે૩જી? મતલબ??'
'કભી ખુશી કભી ગમ!'
રાતભર ચારેય આવી વાતો વડે તણાવ હળવો કરવા મથતા રહ્યા.
વહેલી સવારે કોઈકનો પગરવ પારખીને પહેલાં ઝુઝારની આંખ ઊઘડી હતી, પછી રાઘવ પણ સતર્ક થયો હતો.
એ દુબળી હતો.
લૂઢકી ગયેલા ખભા, સૂજી ગયેલી લાલઘૂમ આંખો, કપાળ પર જેમતેમ વિખેરાયેલા ભુખરા વાળ, રાતોરાત ઉંમરમાં એક દસકો ઉમેરાઈ ગયો હોય તેવો ફિક્કો ચહેરો...
રાઘવ અને ઝુઝાર બંને સ્તબ્ધપણે તેને જોઈ રહ્યા. છપ્પન બાંધેલી હાલતમાં ય ઘસઘસાટ ઘોરી રહ્યો હતો અને ત્વરિત પણ વળેલા ઢિંચણ પર જેમતેમ માથું ઢાળીને ઊંઘમાં જ હતો.
ચારેયની સામે અછડતી નજર ફેરવીને તે એક ખુરસીમાં બેઠો. તેની આંખોમાં કશોક અજબ સન્નાટો હોવાનું રાઘવને વર્તાતું હતું.
તેણે ઝુકેલી ગરદને જરાક હોઠ ફફડાવ્યા અને ધીમા ડુસ્કાં જેવા સ્વરે તેના ગળામાંથી તરડાયેલો અવાજ નીકળ્યો, 'આઈ એમ સોરી...'
'સોરી ફોર?' તે બોલ્યો એટલે રાઘવે તરત તક ઝડપી લીધી.
'સોરી ફોર...' તેણે ગરદન સ્હેજ ઊંચકીને રાઘવની સામે જોયું પછી દરેકની સામે આંગળી ચિંધી, 'તમારી આ હાલત માટે... સોરી ફોર...' ખુરસીની પાછળ માથું ટેકવીને તેણે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો, 'એવરીથિંગ વોટએવર આઈ હેવ ડન ટીલ ધ મોમેન્ટ'
એક કલાક પછી...
આરામદાયક સ્થિતિમાં સૂતેલા રાઘવ અને છપ્પન, લોંગ ઈઝી ચેરમાં પગ લંબાવીને બેઠેલા ત્વરિત અને ઝુઝાર, ટેબલ પર પડેલી નાસ્તાની પ્લેટ અને ચાના પ્યાલા, સામેની ખુરસી પર બેસીને દિવાલ પર પગ ટેકવી હવામાં શૂન્યવત્ત તાકી રહેલો નીલાંબર રાય, દરવાજા પાસે સોફા ચેર પર બેસીને રોષભરી, ભુરાંટી નજરે નીલાંબરનો ઉદ્વેગ જોઈ રહેલી હિરન અને દરેકની આંખોમાં ઘૂમરાતો, બોમ્બ પડયા પછીના નિઃશબ્દ સન્નાટા જેવો ઓથાર...
'યુ કેન એરેસ્ટ મી...' સ્વગત બબડતો હોય તેમ દુબળી આંખો બંધ કરીને બોલ્યે જતો હતો, 'મારી અત્યાર સુધીની મહેનત... મારી જાતને સાચી સાબિત કરવા ઊઠાવેલા જોખમ... કરેલા ખોટા કામ... વેરેલા રૃપિયા...' તે ઘડીક અટક્યો, આંખો ખોલી, માથું ધુણાવ્યું અને ગળામાં અટકેલો ડૂમો બહાર આવી ગયો, 'બધું જ ખતમ થઈ ગયું છે...'
'સ્ટોપ ઈટ પાપા...' હિરને ઉશ્કેરાટભેર કહ્યું.
તેને બરાબર ખબર હતી કે ચારેય જણા તાકી-તાકીને તેને જોઈ રહ્યા છે પણ સતત ઘૂરતી નજરોની પરવા કર્યા વગર તે ધારદાર આંખે નીલાંબરને તાકી રહી.
તેની તરફ પીઠ ફેરવીને બેઠેલા નીલાંબરે જરાક ગરદન ઘૂમાવી, ચૌકન્નો થતો હોય તેમ તેની આંખોની કીકી ઘડીક સ્થિર થઈ, તેના જડબા સખત થયા, 'નો...' તેણે હિરન તરફ જોયા વગર જ કહેવા માંડયું, 'હવે કશું જ નહિ... ઈટ્સ ઈનફ.. આપણે હવે કશું જ કરી શકીએ એમ નથી...'
'પ્લિઝ આઈ બેગ યુ... પ્લિઝ સ્ટોપ ઈટ' છેવટે હિરન જોરથી ચિલ્લાઈ. કાંસાની થાળી પર અથડાતી ચમચી જેવો રણકદાર અવાજ, ગોરો-ગુલાબી ચહેરો, ગુલાલના દોથા જેવા ભર્યાભર્યા ગાલ, રતાશ પડતા સુંવાળા ભરાવદાર હોઠ...
ડાર્ક મરૃન રંગના શોર્ટ સ્લિવ્ડ લૂઝ ટોપ અને લો-વેસ્ટ જીન્સમાં એ વધુ ગોરી, વધુ માંસલ અને વધુ કામણગારી લાગતી હતી.
નીલાંબરનો વિષાદ, હિરનનો ઉશ્કેરાટ.. એ પૈકી કશું જ સમજ્યા વગર ચારેય તાજુબીભેર બંનેને તાકીને મામલો સમજવાની કોશિષ કરતા રહ્યા. બાપ-દીકરી ક્યારેક વગર બોલ્યે તો ક્યારેક ઉગ્ર બોલાચાલીથી પરસ્પર દલીલો કરતાં રહ્યાં. ચારેયને ફક્ત એટલું જ સમજાતું હતું કે, હિરન સતત તેને કશુંક કહેતો રોકતી હતી અને નીલાંબર વધુને વધુ રડમસ થઈને કહેવા મથતો હતો.
છેવટે હિરને જોરથી ટેબલને લાત ફટકારી હતી. એ પછી જિન્સના હિપ પોકેટમાંથી ધારદાર ખંજર કાઢ્યું હતું અને ઉન્માદમાં આવેલી વાઘણ જેવા ઘૂરકાટા કરીને લાકડાના દરવાજા પર ખંજરના જોશભેર પ્રહારો કર્યા હતા અને પછી હાંફતી છાતીએ સોફા પર પડતું મૂક્યું હતું.
ચંદ મિનિટોના સન્નાટા પછી તૂટતા અવાજે આખરે નીલાંબરે વાત માંડી હતી.
'આઈ એમ ફેઈલ્ડ...'
'મતલબ?' રાઘવને હવે હજારો કીડીઓના ચટકારા જેવી ચચરાટી થતી હતી.
'પ્લિઝ, છપ્પનને જવા દે. તેણે આટલી મૂર્તિઓ ચોરી છે એ કબૂલ પણ તેનો બધો જ ગુનો હું મારા માથા પર ઓઢી લઈશ... અને...' તેણે સજળ અને ભાવસભર આંખે છપ્પન તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર આવા ભાવ જોઈને છપ્પન ચોંકી રહ્યો હતો, 'ત્વરિત તો તદ્દન નિર્દોષ છે. એ ફક્ત ઉત્સુકતાનો માર્યો દોરવાયો છે. આઈ બેગ યુ... એ બંનેને જવા દે...'
'ઓહ કમ ઓન યાર, કુછ ખુલ કે બોલ...' રાઘવ અકળામણથી ફાટાફાટ થતો હતો.
'હું વધુ એકવાર મારી જાતને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છું. બહેતર છે કે હવે તું મને એરેસ્ટ કર, દુનિયાની સામે ઉઘાડો પાડ... ઓર લેટ મી એન્ડ માય લાઈફ'
'અરે પણ કેમ?' ઝાટકા સાથે પથારીમાં બેઠા થઈ ગયેલા રાઘવને હજુ ય સમજાતું ન હતું. તેણે સહાયતા માટે ત્વરિત તરફ જોયું અને ફરી દુબળી તરફ ફર્યો, 'અચાનક એવું શું થઈ ગયું? તારી થિયરી ખોટી પડી છે? વામપંથી મૂર્તિ કે એવું કંઈ છે જ નહિ અને એ તારો ભ્રમ હતો એવું તું કહેવા માંગે છે? આ છેલ્લે ચોરેલી મૂર્તિ ખોટી છે?'
તેણે અણિયાળા સવાલોની ઝડી વરસાવી દીધી એટલે હવે કશુંક સમજવા મળશે તેમ ધારીને છપ્પન અને ઝુઝારના કાન પણ સરવા થયા.
'બહુ જોખમ ઊઠાવ્યું, બહુ ખોટું કર્યું પણ...' તેણે ત્રાંસી નજરે હિરન તરફ જોયું, 'હવે એ મારી પહોંચની બહાર છે'
'એક મિનિટ...' હવે ત્વરિત તેની નજીક સર્યો, 'તમે આટલી બેનમૂન, દુર્લભ અને ખોવાયેલી મનાતી મૂર્તિઓ શોધી અને તમે પોતે જ કહેતા હતા કે તમે છેલ્લા સ્ટેપ પર ઊભા છો તો હવે અચાનક એવું શું થયું? અત્યાર સુધી તમે તીવ્ર આત્મવિશ્વાસમાં રાચતા હતા અને હવે અચાનક આ છેલ્લી મૂર્તિ ઊઠાવ્યા પછી તમને ખબર પડી કે તમે તદ્દન ખોટા હતા?'
'નો વે...' તેણે ડોળા તગતગાવીને ત્વરિત તરફ જોયું, તેના અવાજમાં ફરીથી એવો જ હુંકાર હતો, 'પહેલી મૂર્તિ ઊઠાવવાનું પ્લાનિંગ કર્યું ત્યારે મારા રિસર્ચ પર મને ફક્ત ૧૦ ટકા જ ભરોસો હતો. આજે દેશભરમાંથી ૬૪ મૂર્તિઓ ઊઠાવ્યા પછી હવે મને પાક્કી ખાતરી છે કે મેં ખોજેલા સત્યની બહુ જ લગોલગ હું ઊભો છું અને છતાં ય...' ફરીથી તેનો અવાજ લથડયો, '...પહોંચી ન શકાય એટલો દૂર પણ છું... કદી ન પહોંચી શકાય એટલો દૂર...'
'પ્લિઝ સર...' ત્વરિતે ઊભા થઈને તેને પાણીની બોટલ ધરી અને અનુકંપાભેર તેના ખભા પર હાથ મૂક્યો, 'અમે બધા જ બેહદ ગૂંચવાઈ રહ્યા છીએ..' તેણે દુબળીની આંખોમાં તાકીને ઉમેર્યું, 'વી આર નોટ ઓન્લી ક્યુરિયસ બટ... અમે બધા જ ઈચ્છીએ છીએ કે તમે તમારી જાતને સાચી સાબિત કરો પણ માંડીને વાત કરો તો સાથે મળીને રસ્તો શોધીએ... અધરવાઈસ... અમે સૌ પાગલ થઈ જઈશું...'
તેણે બોટલમાંથી એકશ્વાસે ચાર-પાંચ ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા, હથેળીથી મોં લૂછ્યું, સંમતિસૂચક ગરદન હલાવી, હિરનની સામે ઘડીક જોયા કર્યું અને વાત માંડી...
*** ***
ત્રિપુરા સ્ટેટ અને બાંગ્લાદેશની સરહદ પર આવેલ મેલાગઢનો હું જાગીરદાર. મારા બાપ-દાદાઓ વર્મન રાજાઓના સામંત. અઢળક મોટી જાગીર, કોલકાતાના શણના કારખાનાઓમાં હિસ્સેદારી, આસામમાં ચાના બગીચા... બેશુમાર સાહ્યબી છતાં મારા પરિવારમાં ભણતરનું બહુ જ મહત્વ હતું.
મારા પિતાના દાદા સર રત્નાંબર રાય ઈન્ડોલોજીના વિદ્વાન હતા અને ભારતીય ગૂઢ વિદ્યાઓના જર્મન સ્કોલર મેક્સમૂલર સાથે મળીને તેમણે પ્રાચીન ભારતીય લિપિઓનો કેટલોગ તૈયાર કર્યો હતો. મારા પિતા મેઘાંબર રાય અમારી જાગીરની દેખભાળ કરતા હતા પણ વડદાદાનો વિદ્યાવારસો રાખવા તેમણે મને બાળપણથી જ દિલ્હી મોકલી દીધો હતો.
બહુ કાચી વયથી જ હું પરિવારથી દૂર અને એકલો રહ્યો. વાંચવું અને વિચારવું એ બે સિવાય મારી ત્રીજી કોઈ પ્રવૃત્તિ જ ન હતી. રમકડાં રમવાની ઉંમરથી જ હું રત્નાંબર દાદાની સમૃધ્ધ લાઈબ્રેરી ફંફોસતો થઈ ગયો અને એમ જ ભારતીય પૂરાતત્વ, લિપિશાસ્ત્ર, એપીગ્રાફી અને ગૂઢવિદ્યાઓ ભણી આકર્ષાયો.
બાળપણથી જ મારા મનમાં અઢળક વિસ્મયો ખડકાતા જતા હતા. જરાસંધની વાર્તામાં વાંચું કે જરા નામની દાસીએ બે ટૂકડામાં વહેંચાયેલા કુંવરના શરીરના બે ફાડિયા જોડીને સજીવન કર્યો ત્યારે હું તેને લેટેસ્ટ પ્લાસ્ટિક સર્જરી સાથે સાંકળવાનો પ્રયત્ન કરતો. મને થતું કે, હજારો વર્ષ પહેલાં આવી પ્લાસ્ટિક સર્જરીમાં આપણે નિપૂણ હતા તો એ બધું ક્યાં ખોવાઈ ગયું?
ક્રોધાવેશમાં શિવજીએ પુત્રનું મસ્તક કાપી નાંખ્યું અને પછી તેના સ્થાને હાથીનું મસ્તક જોડી દીધું એવું પૂરાણોમાં વાંચુ એટલે તેમાંથી મને હેડ ટ્રાન્સપ્લાન્ટ જેવો ધ્વનિ સંભળાય. ક્યાંય દૂર બેઠેલો સંજય દિવ્યચક્ષુ વડે અંધ ધૃતરાષ્ટ્રને મહાભારતના યુધ્ધનો આંખે દેખ્યો અહેવાલ કહી સંભળાવે તેને ય હું લેટેસ્ટ ટીવી રિલે ટેક્નોલોજી તરીકે જોઉં. અર્જુન અગ્ન્યાસ્ત્ર બાણ ચલાવીને ખાંડવવનનું દહન કરી નાંખે તેમાં મને લેટેસ્ટ મિસાઈલ ટેક્નોલોજીની સોડમ વર્તાય.
પણ આવું તો અનેક ભારતીયો કરતાં હોય છે. ભારતીય તરીકે આપણી સૌથી મોટી નબળાઈ જ મને એ લાગી છે કે, કોઈક નવી શોધ થાય કે નવું કંઈ સંશોધન સામે આવે એટલે તરત 'આવું તો આપણાં શાસ્ત્રમાં ય હતું' એમ કહીને આપણે ફોગટની છાતી ફૂલાવી લઈએ છીએ.
છેક બચપણથી મારી પીડા અલગ હતી. મને તો હંમેશા એ 'હતું'નો વસવસો થાય અને રૃંવાડા ખોતરી નાંખતો સવાલ મારા મનમાં જાગે કે જો આ બધું હતું તો ક્યાં ગયું? જો ખોવાઈ ગયું છે તો તેનું પગેરું કેમ ન મેળવી શકાય? જો તેનું પગેરું મેળવવાના પ્રયત્નો થયા છે તો એ ક્યાં સુધી જઈને અટકી ગયા છે?
મારા મનમાં પ્રગટતા અપાર કુતુહલો, વિસ્મયો અને મારા ગાઢ વાચનનો દોરવાયો હું છેવટે વામપંથ, લકુલિશ પંથ, અઘોર સંપ્રદાય સુધી પહોંચ્યો. કલ્પના કરતાં ય થથરી જવાય એવા પ્રયોગો મેં કર્યા. પૂરાતન ગ્રંથોમાં સૂચવેલી વિધિઓની ખરાઈ કરવા માટે અને જો એ વિધિ ખોટી છે તો તેનું અંતિમ સત્ય શું છે, ક્યાં છે, કેવું છે એ જાણવા માટે મેં તીવ્ર મથામણો આદરી.
પણ એ કામ આસાન ન હતું.
હજારો વર્ષો પૂર્વેનો સતત સંવર્ધિત થતો રહેલો એ જ્ઞાનવારસો હજારો વર્ષોની રાજકીય, સામાજિક, ભૌગોલિક અને કુદરતી ઉથલપાથલોમાં અનેકવાર હાથબદલો પામતો રહીને ધડમૂળથી બદલાઈ ચૂક્યો હતો અથવા નાશ પામ્યો હતો.
ઈસ.ની બીજી સદીથી ભારત પર શરૃ થયેલા શક, હુણ, કુશાણના બર્બર આક્રમણોથી વિનાશકારી દોરનો આરંભ થયો. પછી આઠમી સદીમાં આરબ હમલાવર મુહમ્મદ બિન કાસિમ આવ્યો. દસમી સદીમાં મુહમ્મદ ગઝની અને ઘોરી આવ્યા, વારંવાર આવતાં જ રહ્યા. એ પછી તુર્ક અને મંગોલ અને ડચ અને ફિરંગી અને અંગ્રેજ...
અત્યંત જંગાલિયત ભર્યા આ આક્રમણોમાં પ્રાચીન ભારત ટૂકડે ટૂકડે કપાતું રહ્યું. આજે કલ્પનાતિત લાગે એવી શિક્ષા આપતી સંસ્થાઓ છિન્નભિન્ન થઈ ગઈ. વલ્લભી, તક્ષશિલા, નાલંદા, ગયા, વિજયા જેવી પ્રાચીન ભારતના જ્ઞાનવારસાનું જીવની જેમ જતન કરતી વિદ્યાપીઠો, લાઈબ્રેરીઓ ભસ્મીભૂત થતી રહી, જ્ઞાનના પરખંદાઓ વટલાતા રહ્યા અને સદીઓ સુધી કારમા બળાત્કારનો એ સિલસિલો અવિરામ જારી રહ્યો.
એ પછી ય કેટલુંક સાહિત્ય સદ્નસીબે બચી શક્યું પણ સદીઓની ઉથલપાથલ પછી હવે તે મૂળ સ્વરૃપમાં ઓળખી શકાય તેવું રહ્યું ન હતું. ભાષાઓ બદલાઈ ગઈ હતી, જાણતલોની આખી પરંપરા જ નેસ્તનાબુદ થઈ ચૂકી હતી. અર્થઘટનો અનેક થતા હતા, મત-મતાંતરો ય અનેક હતા. કામ કેવું કપરું હતું તેનું એક ઉદાહરણ આપું.
છઠ્ઠી સદીમાં શ્રીધર નામનો એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયો. તેણે 'શ્રીધસિધ્ધાંતવિચાર' નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં પાણી પર આસાનીથી, બિલકુલ જમીન પર ચાલતા હોવ તેમ જ, કઈ રીતે ચાલી શકાય તેની તરકીબો શીખવી છે. આધુનિક વિજ્ઞાન એ કદી ન સ્વીકારે. કારણ કે, પ્રવાહી કરતાં વધુ ઘનતા ધરાવતો પદાર્થ તરી ન શકે એવું વૈજ્ઞાનિક સત્ય સાબિત થઈ ચૂક્યું છે.
તો શું શ્રીધર ખોટો હતો? આધુનિક વિજ્ઞાનના પ્રચલિતની મતની સામે શ્રીધરના અજાયબ લાગતા સિધ્ધાંતને કઈ રીતે મૂકવો? આજે પંદરસો વર્ષ પછી આપણી પાસે એ ગ્રંથ અત્યંત જર્જરિત હાલતમાં પ્રાપ્ય છે અને તેના દોઢસોથી વધુ પાનાઓ ગાયબ છે. જે પ્રાપ્ય છે તેમાં પણ સાચા અર્થઘટનો શોધવામાં અને તારવવામાં જ દોઢસો-બસો વર્ષ લાગી જાય. એક આદમીના બસની એ વાત નથી, એ માટે બબ્બે-ત્રણ ત્રણ પેઢી સુધી એકધારા ચોટલી બાંધીને મચી પડીએ તો કદાચ એ શક્ય બને.
એવું જ બીજું ઉદાહરણ વરાહમિહિર નામના બેનમૂન ખગોળશાસ્ત્રીએ લખેલ પુસ્તક 'બૃહદ્સંહિતા'. આ પુસ્તકમાં પૃથ્વી અને અન્ય ગ્રહો વચ્ચેના સંપર્કની એવી-એવી થિયરી રજૂ થઈ હતી કે આજે દુનિયા આપણને બેવકૂફ, તરંગી અને ડાગળી ચસકેલા માની લે. શા માટે આવું થાય છે? શા માટે આવું થઈ રહ્યું છે? કારણ કે, આપણે વર્તમાનની ભાષામાં, વર્તમાનની પધ્ધતિમાં એ પ્રાચીન જ્ઞાનને મૂકી શકતાં નથી. ન તો આપણે સિધ્ધાંત આપી શકીએ છીએ કે ન તો પ્રયોગ કરીને સાબિત કરી શકીએ છીએ. પરિણામે આપણે જે કરીએ છીએ તેમાંથી ફક્ત વાતોના વડાં જ થાય છે.
મારે એ ન્હોતું કરવું. એ વિશે હું બહુ સ્પષ્ટ હતો. તો મારે શું કરવું હતું?
ભારે મથામણ પછી નોંખો રસ્તો પસંદ કર્યો.
(ક્રમશઃ)