ખુબ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે લખવા માટે મજબુર કરે. ઝોયા અખ્તરની ગલી બોય એમાં ની એક છે. શું સપનાઓ પણ વાસ્તવિકતાઓ, પરિસ્થિતિઓ જોઈ ને જ જોવાના? કે સપનાં પ્રમાણે વાસ્તવિકતા ને, પરિસ્થિતિને અનુરૂપ બનાવવી? કહેવું, લખવું આસાન છે, અનુસરવું હિંમત માગી લે એવું કામ. પણ, નેઝી અને ડિવાઈન જેવા રેપ સિંગર્સ એ રીયલ લાઈફ માં સાબિત કરી બતાવેલી આ ફિલસુફીને પરદા પર લાવવા નો અદ્ભુત પ્રયાસ એટલે ગલી બોય.
અહી એક વાર ફરી એ ચેતવણી આપવી જરૂરી છે કે આ વાર્તા વિશ્લેષણ અને ફિલ્મ સમીક્ષા માં આગળ ઘણાં જ સ્પોઇલર્સ આવશે, તો જેને પણ હજુ આ ફિલ્મ નથી જોઈ એ આગળ વાંચવાનું ટાળે, અને ફિલ્મ જોઈ ને પછી આગળ વાંચે.
ઝોયા અને રીમા કાગતી ની રાઈટીંગ ટીમ એના મુખ્ય પાત્રને નામ આપે છે – મુરાદ. રણવીર સિંહ અભિનીત આ પાત્ર મુરાદ એ શબ્દ નો અર્થ જ થાય આશા, અભિલાષા. કદાચ જ નોંધ કરી શકાય, એવી ખુબ જ સટલ રીતે વ્યક્ત કરેલો આશાવાદ. અને એને મક્કમ રીતે દિશા આપનાર એની બાળપણની પ્રેમિકા એટલે સફીના. ઉર્દુ માં સફીનાનો અર્થ – એક લાંબા કવર વાળું પુસ્તક કે જે નૌકા બની ને જીવન સાગર પાર કરાવે છે. આખરે ઝોયા જાવેદ અખ્તર ની દીકરી તો ખરી ને. અને આ સફીનાના પાત્રમાં આલિયાનું એઝ ઓલ્વેઝ બ્રીલીયન્ટ પરફોર્મન્સ.
ગરીબીના ભરડામાં મુરાદ લાચાર છે. એના આક્રમક, સેડીસ્ટીક બાપ સામે, ખોટું કામ કરતા એના ગલીના મિત્રો સામે, પતિનું ધરાર ખોટું શોષણ પણ સહન કરી લેવાની સલાહ એની બહેન ને આપતા મામાની માનસિકતા સામે, એંઠા વાસણ પણ પોતાની માં ને સાફ કરવા આપનાર બાપ ની માનીતી સાવકી માં ની સામે, દેશમાં સતત વધતી ચાલતી આર્થિક અસમાનતાની ખાઈ ની સામે મુરાદ એની માં ની જેમ જ મૌન રીતે આ લાચારી સહન કરતો રહે છે. ક્યારેક ક્યારેક એ પરવશતાની સામે બળવો પોકારતી એની અંતરાત્મા એ વ્યક્ત કરે છે એકલા અટુલા શબ્દો ના લેખન થી. આ લેખન એની તાકાત છે, એની આશા છે. ‘કાટ લો ઝુબાં, આંસુઓ સે ગાઉંગા...’
ભલે ને ગમે એટલી ગાળો ખાતું, પણ આ યુગનું સૌથી મોટું વરદાન છે મોબાઈલ ઈન્ટરનેટ. એટલે જ તો ફરી એક વાર ખુબ જ સટલ રીતે ઝોયા એ વ્યક્ત કરે છે એ સીન માં જ્યાં રેબેલ એવી સ્કાય પોતાના મિત્રો સાથે સ્પ્રે પેઇન્ટિંગની ગ્રાફિટી કરે છે ત્યારે મુરાદ લખે છે – રોટી, કપડા, મકાન ઔર ઇન્ટરનેટ...!!! મુંબઈના ધારાવીના ગલી બોયઝ નહીતર ક્વીન્સલેન્ડના શોષિત (મોટા ભાગે અશ્વેત) રેપર્સ ના સોન્ગ્સ સાંભળી ને ક્યાં થી મોટા થાય? દેશના મોટા ભાગ ના યુવાનો ને ઘેલું લગાડનાર પંજાબી ચરસી રેપર્સની જેમ સુટ બુટ અને સ્વેગના નામે સંગીતનું ખૂન કરનાર બીટની જગ્યા એ ઊંડા અને બાગી શબ્દોનું મહત્વ સમજનાર અને છતાંય એને યુવાનોની પસંદગીના રેપ ફોરમેટમાં પેશ કરનાર આર્ટીસ્ટ કંઈ એમ ને એમ પેદા નથી થતા. એ તો લાચારીની સ્પ્રિંગ છે જે દબાણ સહન કરી ને થાકી છે. (અહીં શરૂઆતમાં જ ઝોયા અને રીમાની ટીમ એ સુટ બુટ છાપ રેપ સોંગની ધજ્જિયા ઉડાડવાનું ચૂકતી નથી. – એમનો ધન્યવાદ, અને એ ગ્રાફિટી વાળા સીનમાં આડેધડ શહેરીકરણ પર ચાબખા, બ્રાઉન ઈઝ બ્યુટીફૂલનું ફેર એન્ડ લવલી ચાબખું, દો હઝાર અઠરા હૈ દેશ કો ખતરા હૈ નું ઝીન્ગોઈઝમ વાળું ચાબખું – શાબ્બાસ ઝોયા, એકદમ હાર્ડ.)
બીજી બાજુ છે સફીના. બેબાક સફીના, પ્રગતિશીલ સફીના, કરિયરને લઇ ને સજાગ સફીના, મુરાદને લઇ ને એકદમ જ પઝેસીવ સફીના, લાઈફને પોતાની શરતે જીવવા માટે રૂઢીચુસ્ત પરિવારજનો ને સિફત થી છેતરતી સફીના. અને મુરાદ થી વધુ સમજદાર, મુરાદ ને સમજી શકનાર, મુરાદ ને સમજાવી શકનાર વ્હાલુડી સફીના. બ્રેક અપ ના સીન વખતે આલિયા સાબિત કરે છે કે એ આ દાયકાની સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી છે.
મુરાદ કોલેજ જતો યુવાન છે, રેપ સોન્ગ્સમાં ઇન્ટરસ ખરો, પણ પોતે રેપર થઇ શકે છે એની એને દિશા આપે છે એમ.સી. શેર. ફરી એક વાર, નામ મુજબ જ શેર એક સાચો શેર છે. એક્ષ્સેલ બેનર હેઠળ જ બનેલ વેબ સીરીઝ – ઇનસાઇડ એજ જોઈ હોય તો સિધ્ધાંત ચતુર્વેદીએ ભજવેલા બોલર પ્રશાંત કનોજીયાના પાત્ર થી પરિચિત હોય જ. એ જ એક્ટર ભજવે છે એના થી બિલકુલ જ વિરુદ્ધ સ્વભાવનું પાત્ર એટલે – શેર. મુરાદ માટે એ આઇડોલ છે, અને મુરાદના શબ્દો સાંભળીને એના પર ઘાયલ શેર એનાથી પોતે હારીને પણ ખુશ થાય છે. બધા જ ચરિત્ર અભિનેતાઓ માં આ ફિલ્મ માં મેદાન મારી જાય છે સિધ્ધાંત ચતુર્વેદી. ‘શેર આયા શેર’ ગીતથી થતી એની એન્ટ્રી જ હાહાકાર છે. ‘અસલ રેપ કા યે જ્વાલા તેરી આત્મા મેં જગા દી..’
વન્સ અગેઇન, નામ મુજબ જ ‘સ્કાય’ નું પાત્ર ભજવતી મોહક કલ્કી મુરાદ અને શેર ને ઉડવા માટે આકાશ આપે છે. ‘ગુપ ચુપ સા હૈ તું કયું યે બતા, કુછ તો હસીં કો દે તું જગા, બેવજાહ...’. ઇન્ટેન્સ મુરાદની કળા પર, એની રો ટેલેન્ટ પર એના અંદરની જ્વાળા પર સ્કાય ફિદા ન થાય એવું તો કેમ બને? પણ ‘સફીના વગરનું મારું જીવન એ તો જેમ કે બાળપણ વગર જ હું સીધો યુવાન થઇ ગયો એવી લાગણી છે’ એવા મુરાદના કથન પર એ આજ ની યુવા પેઢી જેવી જ સમજણ પણ દેખાડે છે.
વાત રહી રણવીર ની, તો રણવીર આ ફિલ્મમાં લાજવાબ છે. બાજીરાવ, પદમાવત અને દિલ ધડકને દો માં વારંવાર પોતાને પુરવાર કરી ચુક્યા પછી ય મારા પર્સનલ ફેવરીટ ની લીસ્ટમાં નથી આવ્યો, પણ ગલી બોય એ લીસ્ટ ની નજીક ચોક્કસ પહોંચાડે છે એને. કેટલી ય વખત કંઈ પણ બોલ્યા વગર આંખોથી જ લાચારી, ગુસ્સો, ઝુનુન, પ્રેમ વ્યક્ત કરવામાં આ વખતે રણવીર સુપર સકસેસફૂલ રહ્યો છે. એક જ ફિલ્મ માં અન્ડરપ્લે અને ઓવર ડન કરવાનો મોકો પણ ઝોયા એ એને ભરપુર આપ્યો છે. રાહુલ બોઝ સાથે નો એનો સીન કે જ્યાં એને આખા સીનમાં બે જ શબ્દો બોલવાના છે, પણ મેં પણ ગ્રેજ્યુએશન કર્યું છે અને તમારી દીકરી એ પણ, તો મારા પર ટોન્ટ ખાલી એટલા જ માટે કે મારો જન્મ ગરીબ પરિવાર માં થયો છે? આ ભેદભાવ શા માટે? એ ખાલી આંખો અને ચેહરા ના હાવ ભાવ થી જ કહી જાય છે. જે રેપ સોન્ગ્સ ના સ્ટેજ પર એ આગ લગાડી શકે છે, એવા જ એક પ્રોગ્રામ માં જયારે બાઉન્સર એને દુર થી જ જતો રહેવાનો ઈશારો કરે છે ત્યાર ની એની પીડા. કાર માં જ એનો બીજો સીન અને ‘તુમ સે હમદર્દી ભી નહિ કર શકતા મૈ, મેરે બસ કી બાત નહિ હૈ, મૈ એ બેહ્તે આંસુ પોછું, ઇતની મેરી ઔકાત નહિ હૈ..’, કે પછી પહેલી વાર બાપ પર ગુસ્સે થતો મુરાદ. અને અંતમાં ‘અપના ટાઈમ આયેગા’ વાળું આખું સિક્વન્સ – શાનદાર, જબરદસ્ત, ઝીન્દાબાદ. વરુણ ધવન કે આયુષ્માન આ રોલ ને કદાચ ઓર્ડીનરી બનાવી નાખત કે રણબીર કપૂર થોડું સેડીસ્ટીક. રણવીર આ ફિલ્મ માટે પરફેક્ટ ચોઈસ છે. ‘ઝીંદા મેરા ખ્વાબ, અબ કૈસે તું દફ્નાયેગા? અપના ટાઈમ આયેગા......’
ફરી થી જોવાની ઈચ્છા થાય એવી આ ફિલ્મની ધખધખતી આ થીમ માટે એક રેપ સોંગ હું પણ લખી ને આ લેખ પૂરો કરીશ.
લાચારી બીમારી છે,
પણ આપણું કામ ભારી છે,
ઉબડ ખાબડ રસ્તામાં પણ ,
સપનાની સવારી છે ..
સપનાની સવારી છે ..
સપનાની સવારી..
કેમ કે સપનું તો આઝાદ છે,
સપનું નિર્વિવાદ છે,
દુનિયા મારી ગંદી ગોબરી,
સપનાં થી આબાદ છે..
સપનું તો મુરાદ છે,
સપનાંઓ ને દાદ છે..
સપનાં તું મુંઝાતો નહિ,
ભાઈ તારો હાર્ડ છે...
ભેદભાવ ને નીચા જોણું,
મન ને અસ્વીકાર છે,
શું વંચિત મારા જીવન ઉપર,
સૌનો અધિકાર છે?
ના, સપનું તો આઝાદ છે,
સપનું નિર્વિવાદ છે,
દુનિયા આંખો કાઢતી રહે,
સપનાઓ નો સાથ છે.
બડબડતો, મન માં ગણગણતો,
સપનાનો આ નાદ છે,
સપનાં તું મુંઝાતો નહિ,
ભાઈ તારો હાર્ડ છે...
નકાર નો પડછાયો આવ્યો,
બેકારી નો બાંકડો આવ્યો,
પરીક્ષાઓ કેટલી આપી,
ફેલ નો ફૂંફાડો આવ્યો..
પ્રેમ નિરાશા પાધરી થઇ,
એકાંત નો સરવાળો આવ્યો,
પણ, જ્વાળા એવી ધખતી’તી,
સપનાં ને ન વાંધો આવ્યો..
સપનું તો આઝાદ છે,
સપનું નિર્વિવાદ છે,
સપનું પૂરું કરીશ મારું,
બિનશરતી આ વાત છે.
દુનિયાભર માં રાજ કરે,
સપનાં ની ઔકાત છે,
સપનાં તું મુંઝાતો નહિ,
ભાઈ તારો હાર્ડ છે...
ભાઈ તારો હાર્ડ છે...
ભાઈ તારો હાર્ડ છે...