Mathabhare natho - 8 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 8

Featured Books
Categories
Share

માથાભારે નાથો - 8


થોડીવાર પેડલ મારીને, થોડીવાર દોરતાં દોરતાં અને થોડીવાર વારાફરતી ધક્કા મારીને નાથા અને મગને લુનાને એના ઠેકાણે પહોચાડ્યું. પરસેવે રેબઝેબ થઈને મગને ચંદુને લુનાની ચાવી આપતા કહ્યું, "લે ભાઈ, તારું લુના આજ પતી ગ્યું છે, ગેરેજવાળાને કે ભંગારવાળાને જેને આપવું હોય એને આપી દેજે પણ કોઈને હાંકવા નો દે'તો.. મશીનમાં ટીપુંય ઓઇલ નો'તું એટલે ગરમ થઈને ચોંટી ગ્યું ભલામાણસ....!!"
"કોઈ વાંધો નહીં દોસ્ત..આમે'ય પડ્યું જ છે..આ તો શું કે કોકને ક્યારેક કામ આવે એટલે રાખું છું..પણ હવે મશીન રીપેર કરાવી નાખશું.." એમ કહીને ચંદુએ ચાવી લીધી.
મગન અને નાથો રૂમ પર પહોંચ્યાં ત્યારે જેન્તી એ લોકોની રાહ જોઇને બેઠો હતો. જેન્તીના બનેવી, મકાનમાલિક છગનલાલને ગેસ કનેક્શન મળ્યું હોવાથી ગેસનો નવો બાટલો લેવા માટે છેક ડભોલીગામમાં આવેલી ગેસ એજેન્સી પર જવાનું હતું.
નાસ્તા પાણી પતાવીને ત્રણેય જણ ગેસ એજેન્સી જવા રવાના થયા.ગેસનો નવો બાટલો લાવવાનો હોવાથી જેન્તીએ એના બનેવીનું સ્કૂટર લીધું હતું. મગન અને નાથો પાછળની સીટમાં ગોઠવાઈ ગયા. વળતા બન્નેએ રિક્ષામાં આવવું એવું નક્કી કરીને ત્રણેય જણ ડભોલી નીલમ ગેસ એજેન્સી પર પહોંચ્યા.
રિસેપ્શન કાઉન્ટર પર જરૂરી વિધિ પતાવીને મગને ગેસનો બાટલો આપવા જણાવ્યું ત્યારે રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિએ કહ્યું.
" ગેસનો સ્ટવ હો લેએવો પડહે, બારસો રૂપિયા ભડો..એટલે બોટલ અને સ્ટવ આપી ડેવ"
"ના..ભાઈ, અમારા ઘેર ગેસનો ચૂલો ઓલરેડી પડ્યો છે એટલે અમારે નથી લેવાનો. ખાલી બોટલ જ આપી દો.."જેન્તીએ કહ્યું.
"અલ્યા ઓ બોટલ ખાલી ની મલે, બોટલ તો ભરેલી જ લેવી પડહે.."
પેલાને રમૂજ સુજી. મગન અને નાથો શાંતીથી ઉભા હતા. જેન્તીએ મગન સામે જોયું એટલે મગને કેસ હાથમાં લીધો.
"જુઓ મિ. ગેસવાલા, એવો કોઈ કાયદો નથી કે ગેસ કનેક્શન લેવું હોય તો કમ્પલસરી ગેસ સ્ટવ લેવો જ પડે.અમે પણ થોડા કાયદા કાનૂન જાણીએ છીએ..એટલે મહેરબાની કરીને ગેસની બોટલ અને ડાયરી આપી દો એટલે અમે અહીંથી રજા લઈએ.."
"કાયડા કાનૂન જાનતા મલે તો એ હો તમે લોકો જાનતા જ હસ્સો કે ગેસ સ્ટવ ISI માડકા (માર્કા) નો જ હોવો જોઈશે..તમારા લોકોએ ગેસ સ્ટવ નહી લેવો હોય ટો ટમારા લોકોનું એડ્રેસ લખાવી ડેવ, અમારી કંપનીનો માનસ તમારી ઘેડ (ઘેર) આવહે..અને ચેક કરહે પછી બોટલ મલહે..." રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિએ કાયદો બતાવ્યો.
"એટલે અમે ઠેઠ કાપોદ્રાથી આયાં સુધી હજામત કરાવવા આવ્યા એમ ? તમારો માણસ આવીને ભલે ચૂલો ચેક કરે એની સામે અમને કોઈ વાંધો નથી. પણ બાટલો અત્યારે આપવામાં તમને વાંધો શુ છે.." અત્યાર સુધી મુંગો મૂંગો ઉભેલો નાથો જોરથી બોલ્યો.
"ઓ ભાઈ..આમ બરાડા ની પાડ.. બોટલ, સ્ટવ લેવ તો જ મલહે હમજ્યો..વઢું પડતી હોશિયારી ની માર.. બોટલ જોઈએ ટો સ્ટવના પૈહા ભર.." નાથાના સવાલથી પેલો જણ ખીજવાયો.
"બરાડા નથી પાડતો. કહું છું તમને.. અને બરાડા પડવાના તો હજી બાકી છે..તું લેખિતમાં આપ કે બોટલનું કનેક્શન લેવું હોય તો સ્ટવ લેવો જ પડશે.."નાથો વકર્યો.
"એમ લેખીટ બેખીટમાં કશું ની મલે
લેવો હોય ટો લેવ નહિતર ચાલટી પકડો.." પેલો ટસ નો મસ થતો નહોતો.
"એટલે ચોખ્ખી દાદાગીરી છે એમ કહો ને ! આ આઠસોના ચૂલાના બારસો બારસો ઠોકો છો, તમને લોકોને આ ગેસની એજેનસીમાંથી બોટલ ઉપર કમિશન તો મળતું જ હોયને..ઇ ઓછું પડે છે એમ ને ! જ્યાં જાવ ન્યા બધા જ ભ્રષ્ટાચાર
જ કરે છે ઠોકીનાઓ..." નાથો મગજ પરનો કન્ટ્રોલ ગુમાવી રહ્યો હતો.
"એ.. ય...બોલવામાં સભ્યટા રાખ અહીં તારું ઘર ની મલે હમજ્યો કે ? કાં કાં ઠી ચાલ્યા આવટા છે.."
"તો તમે પરાણે બોટલની સાથે ચૂલો ઘાલવા જ માગો છો એમને.. અમારી ઘરે જે ચૂલો છે ઇ અમારે ક્યાં ઘાલવાનો એ જણાવો...અને સભ્યતાની પૂંછડી થયા વગર બેસ, નકર હમણે સભ્યતા કોને કહેવાય ઇ બતાવી દઈશ.. છાનીમાનીનો બોટલ આપી દે નહિતર મેયરને ફોન કરીશ.."નાથાએ મોટા અવાજે ગુસ્સે થઈને કહ્યું.
મગન અને જેન્તી પણ બોલવા લાગ્યા. એટલે કાઉન્ટર પર દેકારો થયો.એટલામાં બીજા બે ત્રણ જણ પણ કનેક્શન લેવા આવ્યા. અને એક બે જણ આ લોકોને શરણે થઈને ગેસ સ્ટવ અને બોટલ લઈને નીકળ્યા. એ લોકોએ પરાણે સ્ટવ લીધો હતો એટલે આ ધમાલ જોઈને ઉભા રહ્યા.
"અમને પણ પરાણે ગેસનો સ્ટવ ઘાલ્યો છે.." એક જણ બોલ્યો.
"એટલે શું કનેક્શન લેવું હોય તો અહીંથી જ સ્ટવ લેવાનો ઇમ ? અલ્યા અમારે તો વાસણની દુકાન ઘરની જ છે અને અમે જ ચૂલા વેચીએ છીએ..કઈ કંપનીનો છે બતાવો તો.." એમ કહીને એક જણ ગેસનો સ્ટવ જોવા લાગ્યો.
" અલ્યા આતો જ્યોતિ ગેસ સ્ટવ છે, આઈએસઆઈ વાળો..અમારી દુકાને સાતસોમાં મળે છે..અહીં કેટલા લીધા...?"
"બારસો બારસોમાં ઘાલે છે હરમીનાવ..ચુલે પાંચસોનું ગાળીયું,
કેટલા ટકા નફો..જોવો તો ખરા..."
જે સ્ટવ લઈને આવેલો એણે બળાપો ઠાલવ્યો.
"તમે મૂરખના સરદાર છો શુ લેવા હાથે કરીને લૂંટાવ છો..હાલો બધા અમારી હારે.'' મગને ટોળાને કહ્યું અને રિસેપ્પશન તરફ ફરીને પેલાને પૂછ્યું, "ક્યાં છે તમારા માલિક.... બોલાવો...અમારે મળવું છે..ગરીબ માણસોના કાટલા કરતા શરમ નથી આવતી ?"
"હા હા...બોલાવો શેઠને..હાલી જ નીકળ્યા છે..મારા હાળા.." ટોળામાંથી એક જણ બોલ્યો.
કાગારોળ વધી પડી એટલે પેલાએ રાડ પાડી.
"તમારા લોકોને સ્ટવ ની લેવું હોય તો ની લેવ..અમે કાં જબડ જસ્ટી કરટા છે..એડ્રેસ આપી ડેવ, અમાડી કંપનીનો માનસ તમાડા લોકોની ઘેડ આવીને તમાડો સ્ટવ ચેક કરહે..જો ઓકે મલહે તો આવી જજો..બોટલ આપી દેવા. તમાડા લોકોની સુડક્ષા માટે કડીએ છીએ..કોઈ ફડજીયાત ની મલે.."
"પણ આ સાતસોનો ચૂલો બારસોમાં શુ કામ ઘાલતા છો..એ કેવની..?" મગને કહ્યું.
"ટું ચૂપ રેવ..." પેલાએ મગન સામે ડોળા કાઢ્યા.એટલે નાથો ખીજાયો.
"તું તારા શેઠને બોલાવને ભાઈ..નકર હમણાં અહીં જ આ ચૂલો ને ગેસ બધું સળગવા લાગશે,
વધુ વાઇડીનો થ્યા વગર બોલાવ તારા શેઠને.."
આ બધી ધમાલ દરમ્યાન બીજા આઠ દસ જણ આવી ચડ્યા. બધાને આ અન્યાય સમજાયો એટલે નાથા અને મગનની આગેવાની નીચેનું આ આંદોલન સબળ બન્યું. રિસેપ્શન કાઉન્ટર સંભાળતા પેલા વ્યક્તિએ તરત જ ગેસ એજેન્સીના માલિકને ફોન જોડ્યો. અને થોડીવાર રાહ જોવા બધાને જણાવ્યું. ધીમે ધીમે કસ્ટમરની સંખ્યા અને રિસેપ્પશન વાળની ધડકન વધવા લાગી.
આખરે ગેસ એજેન્સીનો માલિક રતનલાલ ગોળવાળા આવ્યો.ટોળું જોઈને એ ગભરાયો.અને જેવો આવ્યો કે તરત જ મગન અને નાથા સહિતના બધા કસ્ટમરોએ ઘેરી લીધો.નાથાએ રતનલાલને પૂછ્યું, "તો તમે આ કંપનીના માલિક છો એમ ને ! સાતસો ના સ્ટવ બારસો બારસોમાં પરાણે પકડાવતા તમને શરમ નથી આવતી ? લૂંટવા જ બેઠા છો ? ગેસની એજેન્સી મળી ગઈ એટલે બાદશાહ સમજો છો તમારી જાતને ?"
"દિલ્હીનો બાદશાહ...વીર બાટલા વાળો..." મગને ઉમેર્યું.
"બોલો ભાઈ..શુ કરવાનું છે..આવો અન્યાય નહિ ચાલે.." ટોળામાંથી એક બોલ્યો. એ સાથે જ હો હા મચી પડી. એક બે જણે રતનલાલને ધક્કો માર્યો.એ જોઈને પેલો રિસેપ્પશનવાળો દોડ્યો.અને પોતાના શેઠને બચાવવા ટોળામાં ઉભેલા લોકોને ધક્કા મારવા લાગ્યો. ખલ્લાસ ! ટોળું ઉશ્કેરાયું અને એક જણે પેલાને એક તમાચો ખેંચી કાઢ્યો. એ સાથે જ બીજા બે ચાર જણા ગાળાગાળી કરીને ધોલ થપાટ પર ઉતરી આવ્યા. રતનલાલ કંઈ ખુલાસો કરે એ પહેલાં લોકોએ એને પણ ધોવાનું શરૂ કર્યું એટલે નાથાએ અને મગને પણ હાથ સાફ કરી લીધા. નાથાએ તો પેલા રિસેપ્પશન વાળાને પકડીને બે ચાર તમાચા ખેંચી કાઢ્યા, " બહુ વાઇડીનો થતો'તો નહીં.. અમારો માનસ તમાડા ઘડે આવહે..ઘડે આવહે..એમ ? તમાડો સ્ટવ ચેક કડહે..અલ્યા તું શું તારી માં નો તબેલો ચેક કરવાનો છો, ચાલ હું જ તને ચેક કડી લેવ..." નાથો બરાબરની દાઝ ઉતારી રહ્યો હતો. જેન્તીએ પણ આ તકનો લાભ લઈને વારા ફરતી રતનલાલ અને પેલા રિસેપ્પશનવાળાને એક એક ઘૂસ્તો (મુક્કો) વળગાડી દીધો. એટલામાં ઓફિસમાંથી કોઈ કર્મચારીએ પોલીસને ફોન કર્યો. અને રતનલાલને બચાવવા એ લોકો આવી ગયા.
પોલીસ આવી ત્યાં સુધી રતનલાલ અને એમનો પેલો દોઢ ડાહ્યો રિસેપ્પશનિસ્ટ માર ખાતા રહ્યા.આખરે પોલીસ આવી પહોંચી.
પોલીસે આવીને પહેલા તો ટોળામાંથી રતનલાલ અને પેલાને છોડાવ્યા.નાથા અને મગને ઉગ્ર રજુઆત કરી અને લોકોએ પણ પૂરેપૂરો સહકાર આપ્યો. અને આખરે રતનલાલ એન્ડ કું. ને ગેસ સ્ટવ વગર જ કનેક્શનના બોટલ આપવા પડ્યા.
" માર ખાધા વગર જ બોટલ આપી દીધી હોત તો ? કાં ખાધો ને ? હવે લઈ લેજે તું ગેસ સ્ટવના બારસો !"નાથાએ ડોળા કાઢીને કહ્યું.
" ટને ટો હું જોઈ લેવા.." પેલો હજુ વળ ખાતો હતો.એટલે નાથાએ કહ્યું, " જોવો છે અત્યારે ? બોલ જોવો હોય તો ! તું કેટો હોય ટાં આવી જવા..પછી હું ટને કાં મલવાનો ?"
મગને વાત વધુ બગડે એ પહેલાં નાથાનો હાથ ખેંચીને ચાલવા માંડ્યું. નાથાએ ડોળા કાઢીને એક હાથની મોટી આંગળી વાંકી વાળીને પેલાને બતાવી.
પોલીસે પણ આ અન્યાય જોઈને લોકોએ કાયદો હાથમાં લીધો હોવા છતાં રતનલાલને ઠપકો આપીને મામલો રદદે ફદદે કરીને ચાલતી પકડી.
નાથો અને મગન રિક્ષામાં ગોઠવાયા અને જેન્તીએ બાટલો સ્કૂટર પાછળ બાંધ્યો. અને ત્રણેય પોતાની રૂમ પર આવવા નીકળ્યા.
### #### ##### ###
"કેમ છો કાંતાભાભી..મઝામાં ?"
દાદર પાસે ઉભા રહીને નાથાએ રસોડામાં રસોઈ કરતી કાંતાને મોટા અવાજે પૂછ્યું. કાંતા અચાનક ચમકી. થોડા દિવસોથી પાછળની રૂમમાં નવો રહેવા આવેલો નાથો પોતાને આવી રીતે બોલાવશે કે બોલાવી શકે એ એના માનવામાં આવતું નહોતું. કારણ કે એની કુહાડા જેવી જીભને કારણે કોઈ એને કામ સિવાય બોલાવતું નહીં. મકાન માલિકની પત્ની સાથે તો એને ઉભા'ય આઢતું નહોતું. ( ઉભા'ય ન આઢવુ એટલે કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ન ફાવવું)
એવામાં ખૂબ મીઠાશથી નાથાએ એને ભાભી કહીને બોલાવી એ એને ખૂબ પસંદ આવ્યું. તરત જ એણે નાથા સામે જોયું. નાથો મરક મરક હસી રહ્યો હતો.એ જોઈને કાંતા પણ હસી બોલી.
''હા હો..મઝામાં..આજ કઈ બાજુ ઉગ્યો છે તે તમે વળી અમને બોલાવો છો ? "
"લે...કેમ તમને ન બોલવાય ? તમેય માણસ જ છો ને !" નાથાએ કહ્યું.
"હા, પણ તમારી જેવા ભણેલ ગણેલ નઈ ને ! " કાંતાએ રોટલી તાવડીમાં નાખીને કહ્યું.
"ભણેલ ગણેલ ખરા, પણ બેકાર કહેવાઈએ ભાઈ. અમને તો કોઈ રૂમ'ય આપતું નથી.અને જમવા'ય કોઈ રાખતું નથી. સુરતમાં આવીને હેરાન હેરાન થઈ ગયા છીએ.કોક તમારા જેવું સારું માણસ હોય તો ક્યારેક વળી ચા પાણી મળે.હું તો છે ને ભાભી બધાય હારે સંબધ રાખું. અને કોકને ક્યારેક આવતા જતા જોયું હોય તો'ય આપડે કોઈને કહીએ નહી હો..સવ સવ ની રીતે રહેતા હોય...કોઈની પર્સનલ લાઈફમાં માથું મારવાનું જ નહીં..કેમ બરોબરને ભાભી.."
કાંતા હવે બરાબરની ચમકી. નાથાએ બોલેલું વાક્ય ''કોકને આવતા જતા જોયું હોય તોય આપડે કોઈને ન કહીએ'' એ સાંભળીને એના પેટમાં ફાળ પડી.
"નક્કી આ નાથિયો, તે રાતે રમણીયાને ભાળી ગયો હશે.એટલે જ મને કે'વા હાટુ જ બોલાવતો લાગે છે.." કાંતા મનોમન વિચારમાં પડી ગઈ.એ જોઈને નાથાને વધુ તાન ચડ્યું.
"કેમ કંઈ બોલ્યા નઈ.. મેં કાંઈ ખોટું કીધું ? બધાને પોતાની રીતે રહેવાનો અને જીવવાનો હક છે કે નહીં ?"
"હા, હો..તમે કેતા હોવ ઇ તો બરોબર જ હોય ને..આવોને ચા પીવા...લ્યો હું ચા મુકું. તમને બીસાડાને, મેં વાલામુઈએ જોવોને આવ્યા તે'દી કેવા હેરાન કરી મેલ્યા'તા નઈ ? પણ તમે'ય ભલામાણસ, એવા ગારા વાળા જોડા પેરીને થોડું હાલ્યું અવાય ? કોક હોય તો જોડા હાથમાં લઈ લે. પણ હશે જે થીંયુ તે. લ્યો હું ચા મુકું. એકલા જ સવો કે ઓલ્યા મગનભાઈ પણ સે ?" કાંતાએ રખાય એટલી મીઠાશ રાખીને નાથાને ચા ઓફર કરી.
"ગાવડી ગમાણે આવી રહી છે...મગના આપણા ખાવા પીવાની સમસ્યા ગઈ હમજ.."એમ મનમાં વિચારીને નાથો હસ્યો.
"અરે મગન તો કારખાને જાય છે ને જેન્તી હારે.એટલે હું એકલો જ છું. તમારે રસોઈનું મોડું થાય એમ હોય તો રે'વા દો. પછી ક્યારેક ચા પાણી પાઈ દેજો. અને તે દિવસે તો મારો જ વાંક હતો ને , એમાં મને કંઈ ખોટું નથી લાગ્યું.બાકી આપડું તો એવુ ને ભાભી, પેટ તો પટારા જેવું હો, અંદર ગયેલી કોઈ વાત ક્યારેય બાર નો નીકળે. અમારા ગામમાં, આમ જુઓ અમુક અમુક જણ કયાંક ક્યાંક હળતું મળતું હોય, પણ આપડે શુ કામ કોઈને કેવું પડે હેં.. બરોબરને ભાભી.."નાથાએ પોતાના હથિયારની અણી કાઢવાનું શરૂ કર્યું. કાંતાએ ઝડપથી ચા મૂકી.
"ના રે ના..કઈ મોડું નથી થાતું. તમારા ભાઈ તો ઠેઠ આઠ વાગ્યે આવે. આ તો મને ભૂખ લાગી હતી એટલે...તમે અંદર તો આવો. નયાં બાર ઉભા ઉભા ચા પીશો નાથાભાઇ.."
"હા, એમાં શુ વાંધો છે, અમે તો રોડે ઉભા ઉભા પીતા હોવી. આ તો ઘર જ કે'વાય.તમ તમારે અહીં જ આપી દેજો. પણ એક વાત કવ ભાભી ?" નાથાએ કાંતાને ખાઈ જતી નજરોથી જોઈને કહ્યું.
"મારો બેટો નક્કી ઓલી જ વાત કરશે." મનોમન ફરી કાંતા વિચારી રહી. અને નાથા સામે જોઇને ડરતાં ડરતાં બોલી.
"હવે જાવા દયો ને..નાથાભાઇ. કોઈને કેતા નહીં.. રાતે તમે રમણીયાને ભાળી ગયા'તા ને ?"
"કોણ રમણીયો ? અને ક્યારે હું ભાળી ગ્યો ? રાતે તો હું રૂમની બાર'ય નીકળતો નથી...તમે કોની વાત કરો છો ભાભી..?" નાથાને હવે મઝા આવતી હતી. આ કાંતાડીએ તો સાલીએ વટાણા વેરી નાંખ્યા.
''કાંઈ નહીં.લ્યો આ ચા પીવો.."કાંતાને પણ કાચું કપાઈ ગયું હોય એમ લાગ્યું.
"વાહ...કાંતાભાભી.. ચા એટલે ચા છે હો બાકી..મને એમ થાય છે કે આ ચા આટલી મસ્ત છે તો જમવાનું કેટલું સ્વાદિષ્ટ બનાવતા હશો તમે ! વાહ ભાભી, તમે જેટલા બારથી કડવા છો એના કરતા ડબલ અંદરથી મીઠા છો હો..આવી ચા તો મેં જિંદગીમાં પહેલીવાર પીધી. વાહ વાહ.."
નાથાએ બરાબરનો વળ ચડાવ્યો.
"તે ક્યારેક જમવા'ય આવજોને. ખવડાવ્યે ચયાં ખૂટી જવાનું હતું.."
"તમે એમ કરોને, મને અને મગનાને તમે જમાડોને ભાભી ! તમતમારે અમે પૈસા આપી દેશું, ઇ બહાને તમારે થોડી આવક થઈ જાય અને અમારે જ્યાં ત્યાં ભટકવું નઈ. તમારે ને અમારે બે'યને સારું પડે ! એકબીજાને સાચવીએ તો શું છે કે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ...સમજયાને !" કહીને નથીયાએ કાંતા સામે આંખ મારી.
"હાય હાય...શુ તમે'ય નાથાભાઇ, સાચું કે'જો તમે..." કાંતાએ નરમાશથી હસીને કહ્યું.
"મેં કીધું ઇમ કરો તો વાંધો નહીં આવે. આમાં શુ છે કે સગવડ સાચવો તો બાંધી મુઠ્ઠી લાખની રેય...હમજયાને...હે..હે..હે..."
"તે સારું..હું તમારા ભાઈને પૂછી જોશ..ઇ હા પાડે તો જમવા આવજો.." કાંતા બરાબરની ફસાઈ હતી. "આ નાથિયો હાળો ક્યાંથી આવી ચડ્યો અને વાંઝણીનો રાતે રમણીયાને બાર નીકળતા ભાળી જ્યો.. હવે આને તો જમાડવો પડશે પણ હારે હારે ઓલ્યો મગનો'ય ગુડાશે. હાળા આખલા જેવા છે, રાંધી રાંધીને મારા તો કુછા જ નીકળી જાશે.."
મનોમન એ બબડતી હતી ત્યાં જ નાથાએ નવો ઘા કર્યો.
"હવે ઇમાં તમારે પૂછવાનું નો હોય, ભાભી ! મારા ભાઈને તમારે હમજાવી દેવાના હોય..બરોબર ? તો આજ સાંજથી જ ચાલુ કરી દેવી...કારણ કે આમેં જ્યાં જમવા જઈએ છીએ ને એ બેન જરાય સારું નથી બનાવતા..! રોજ ચણાનું શાક કરે બોલો ! મેં પૂછ્યું કે બેન, કેમ રોજ ચણાનું શાક કરો છો ? તો શું કીધું ખબર છે ? અમને કહે છે કે તમારા બનેવીને ચણા સિવાય બીજું કોઈ શાક ભાવતું જ નથી... હાળો ઓલ્યા ભવમાં ઘોડો હશે !! હે હે હે..તમે જ કયો કોઈને રોજ ચણાનું શાક ભાવે ?"
"નો જ ભાવે ને...!" કાંતાએ પરાણે જરાક હસીને કહ્યું.
"તો ભાભી, તમે મારા ભાઈને હમજાવી દેશો કે હું સમજાવું ?" નાથો, મદારી માંકડાને રમાડે એમ કાંતાને રમાડવા લાગ્યો.
"ના, ના ઇ તો હું કહી દઈશ.." અખાબોલી કાંતની જીભ તાળવે ચોટતી જતી હતી.
"તો આજ સાંજે ભીંડાનું શાક લસણની કળી નાખીને કરજો અને ભાખરી બરાબર ઘી નાખીને હો ! અને કઢી ખીચડી ચાલશે, પાપડ બાપડ પણ શેકી નાખજો અને મરચા પણ તળેલા મને અને મગનાને જોશે હો..! આમ જુઓ તમતમારે પૈસા આપી દેશું, મુંજાતા નહીં. મારે તો બે ભાખરીએ થઈ રેશે પણ મગનાનો ખોરાક થોડો વધુ છે, હાળો ત્રણ ચાર ભાખરી ઉપાડી લે એવો છે...ખવરાવવાનું પ્રેમથી હો ! નકર પછી પ્રેમ નો જળવાય, કેમ બરોબરને કાંતભાભી ?" નાથાએ લાચાર નજરે તાકી રહેલી કાંતા સામે હસીને કહ્યું.
"તમે તો ભારે કરી હો નાથાભાઇ, તમારી હારે હારે મગનભાઈનું'ય ગોઠવી નાખ્યું...હું જમવાવાળા રાખતી જ નથી પણ તમે તો મને હલવાડી દીધી..."કાંતા હવે શાંતા બની ગઈ હતી !
"શુ થાય..ભાભી, મગન તો મારો જીગરજાન દોસ્ત છે ! જ્યાં મગન ત્યાં આ નાથો અને જ્યાં આ નાથો ત્યાં મગન ! આ તો સારું કહેવાય હું ખાલી જમવાનું જ માગું છું, આમાં તો લોકો બીજું'ય માગતા નો શરમાય ! અમારા હજી લગન નથી થયા તોય તમારી પાંહે ઇ નહીં માગું, તમતમારે મુંજાતા નહીં ! પણ તમારા રમણીયાને જમાડતા હોવ એવા પ્રેમથી અમને જમાડજો. શુ છે કે પેટનો ખાડો ભરેલો હોય તો ઓલી વાત કોઈ દી બાર નહીં નીકળે, આ નાથો તમને અભયવચન આપે છે , ચાલો ત્યારે હું જાઉં.તમે રસોઈને તૈયારી કરો..અને બસ્સો'ક રૂપીયા ઉછીના આપો..મારે જરા બહાર જવું છે, મુંજાતા નહી, ઉછીના માગું છું..પાછા આપી દઈશ તમતમારે.."
"હેં..? બસ્સો રૂપિયા ? એટલા બધા તો મારી પાંહે નથી.." કાંતાએ રડમસ અવાજે કહ્યું.
"તો કેટલા છે..?" નાથો હવે ચડાઈ કરવા લાગ્યો.
"પ..સા..." કંતાની જીભ લોચા વાળવા લાગી..
"એમ ? પચાસ જ છે ? સારું લાવો ને, પચાસ તો પચાસ. બીજા કાલ કરી દેજો..ઉછીના હો..પાછા આપી દઈશ તમતમારે..." નાથાએ હસીને કહ્યું.
કાંતાએ બ્લાઉઝમાંથી પચાસની બેવડ વાળેલી નોટ કાઢીને નાથાના હાથમાં પછાડી.
"અરે..અરે..એમ ખિજાઇને ના અપાય. પ્રેમના મામલામાં બધું પ્રેમથી જ કરવાનું હોય...વાહ આ નોટ'ય ખૂબ ભાગ્યશાળી છે હો..સાલી ક્યાં જઈને ચોંટી હતી.!
ચાલો ત્યારે કાંતાભાભી, હવે તો આપણો સાથ બહુ લાંબો ચાલશે. આઠ વાગ્યે તૈયાર રાખજો..અને કાલ સવારે ચા ભાખરી, બપોરે દાળ, ભાત, શાક,રોટલી,કાંદા ટમેટા અને કાકડીનું કચુંબર,પાપડ, અથાણું અને ઠંડી છાશ.." કહીને નાથાએ ચપ્પલ પહેર્યાં અને
"જિંદગી કા સફર..હય એ કયસા સફર..કોય સમજા નહીં.. કોય જા...આ...ના. ..નહીં.." એ ગીત ગાતો ગાતો ગેલેરીમાં પ્રવેશ્યો અને આનંદથી બે ચાર ઠેકડા પણ માર્યા. થોડો ડાન્સ પણ કરી લીધો.
"સાલ્લી, મારી પાસે આખી ગેલેરી સાફ કરાવી'તી.. તારી જાતની કાંતા..હવે તું જોઈ લેજે..લૂગડાં પણ નો ધોવરાવું તો મારું નામ નાથો નહીં..!!"