Man Mohna - 9 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મન મોહના - ૯

ભાગ ૭

નિમેષ પોતાને શું સરપ્રાઇઝ આપવાનો હશે એ વિચારતો મન નિમેષના બાઈક ઉપર ચઢી ગયો હતો. આજ સવારથી જ એની સાથે એવી એવી ઘટનાઓ બની હતી જે બનશે એવી એણે કલ્પના પણ કરી ન હતી. ભરત અને નિમેષ બંનેને એ પોતાના જેવા જ સમજતો હતો. પણ, ના હવે એ બંનેમાં ફરક આવી ગયો હતો. એ બંને હવે પરણેલા હતા. એમના ઘરે એમની પત્ની હતી. પત્ની..! ક્યારેક પોતાની પણ પત્ની હશે? મમ્મી વાત કરે છે, છોકરીઓ જોવાની! પોતાની પત્ની તરીકે એણે આજ સુંધી મોહના સિવાય કોઈની કલ્પના કરી છે? કલ્પના કરી શકાય છે?

ફરી પાછા ઉદાસ નહતું થવાનું. ઘરે જતી વખતે તો બિલકુલ નહિ. મને બીજો વિચાર કર્યો. પેલી અજાણ્યા યુવકની લાશ એની આંખો આગળ આવી ગઈ. બાપરે..! એણે જિંદગીમાં પહેલી વખત જ કોઈની લાશને આટલી નજીકથી જોઇ હતી. આજ સુધી એણે ફક્ત એના દાદાનું મૃત્યુ થયેલું જોયેલું. એ વખતે એ ઘણો નાનો હતો. પછીતો ગામમાં કોઈ મરી ગયું હોય તો એની અર્થી જતી જ જોઈ હતી. રામ બોલો ભાઈ રામ! એવું બોલતા લોકો ખભે ઠાઠડી ઉઠાવીને જતા હોય એ એને યાદ હતું. એ વખતે એ વિચારતો પણ ખરો કે એ ઠાઠડીમાં કોણ હશે? મર્યા પછી એ હવે કેવું દેખાતો કે દેખાતી હશે? છેક આજે એને એ રહસ્ય જાણવા મળ્યું. પેલી લાશ જોઈને. સુંદરતા, શરીરની સુંદરતાને જિંદગી સાથે જ સંબંધ છે, મર્યા પછી એજ સૌથી પહેલા ચાલી જાય છે! મૃત્યુ શાંતિ આપે છે, ચિરકાળની નિંદ્રા એ બધું સાંભળવામાં સારું લાગે છે હકીકતે મૃત્યુ બિહામણું, ભયાનક જ હોતું હશે, પેલા ચીમળાયેલ શરીર જેવું.

આવું વિચારતો મન ઘરમાં પ્રવેશ્યો ત્યારે રાવિબહેન એની જ રાહ જોઈ રહ્યાં હતાં. જમવાનું તૈયાર હતું. ઘણાં વખતે આજે એ કુટુંબ સાથે બેસીને જમ્યો. મનની પસંદની બધી વાનગી બની હતી અને રાવિબહેને આગ્રહ કરી કરીને દીકરાને જમાડ્યો. ત્યારબાદ મને પોતાનો ફોન ઉઠાવ્યો. એણે સૌથી પહેલું કામ ભરત અને નિમેષની ફ્રેન્ડ રિકવેસ્ટ ફેસબુક પર સ્વીકારવાનું કર્યું. મિત્રો સિવાય જીવન અધૂરું છે...એમાંય જ્યારે પહેલો પ્રેમ ના મળે ત્યારે તો દોસ્તોનો સાથ ખાસ જોઈએ જ. કદાચ એણે ભરત ઠાકોર સાથે કોન્ટેક્ટ રાખ્યો હોત તો એ જાણી શકત કે વિવેક મોહનાને નહિ પણ નેહાને ચાહતો હતો અને નેહાને પોતાનો પ્રેમ બીજા યુવકમાં દેખાતાં વિવેક નાસીપાસ થઈ ને હંમેશાં માટે ગામ છોડી જતો રહ્યો હતો. એ વખતે મોહના પર શું વીતી હશે? એ બિચારી કોઈ આગળ પોતાની પીડા ઠાલવી નહિ શકી હોય. એ કેટલું તડપી હશે અને એટલેજ એના પપ્પાએ જે મુરતિયો બતાવ્યો એની સાથે ગોઠવાઈ ગઈ હશે..! એ વખતે પોતે અહીં હોત, એની આગળ જઈને પોતાના પ્રેમનો એકરાર કરત તો કદાચ એ હા કહી દેત! આજે એ પણ એના દોસ્તોની જેમ પરણેલો હોત. મોહના એની પત્ની હોત... ઓહ ભગવાન બહું મોટી ભૂલ થઈ ગઈ મારાથી.

માંડ થાળે પડેલું મનનું મન પાછું મોહનામય થઈ ગયું. એ અત્યારે કેવી દેખાતી હશે એ જોવાની એને અદમ્ય ઈચ્છા થઈ આવી. એણે ફેસબુક પર નિમેષની પ્રોફાઈલ ખોલી અને એના મિત્રોનું લીસ્ટ ચેક કર્યું. એનો શક સાચો પડ્યો. મોહના નિમેષના ફેસબુક દોસ્તોમાં સામેલ હતી. એણે મોહનાના પ્રોફાઈલ પિક પર આંગળીનું ટેરવું અડકાડ્યું. નાનકડો ફોટો મોટો થઈ ગયો...

પારદર્શક કાળી, બદામ આકારની બે મોટી આંખો જાણે એની સામે જ જોઈ રહી હતી. એ શરમાઈ ગયો. મોહનનો ચહેરો સહેજ બદલાયો હતો, વધારે ભરાવદાર થયો હતો અને એમાં એ વધારે સુંદર લાગતી હતી. ગુલાબી હોઠ પર હળવું સ્મિત હતું. લાંબા વાળ ખુલ્લા હતા અને ખભા પર એક તરફ જુલી રહ્યાં હતાં. એણે એના ફોટા પર આંગળી ફેરવી અજીબ સંવેદન થયું એના અંગેઅંગમાં. એક ઘડી એ ટક્યું અને તરત વિચાર આવ્યો, આ ખોટું કરી રહ્યો છે મન, એ કોઈ બીજાની પત્ની છે! એજ પળે એને ગુસ્સો આવી ગયો. એણે ફોન બંધ કર્યો અને બહાર આવ્યો. એના ઘરે એના કેટલાક કુટુંબીજનો આવ્યા હતાં એને મળવાં. મન એ લોકો સાથે બેઠો.

સવારના સાડા અગિયારે પોલીસની જીપ શહેરની બહાર આવેલા એક બેઠા ઘાટના બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશી હતી. નિમેષ જાણે અહીંની એક એક ટાઈલથી વાકેફ હોય એમ એના પર વિશ્વાસથી કદમ માંડતો સીધો બેઠકખંડમાં આવી ગયો. હકીકતે નિમેષ પહેલાં પણ અહીંયા આવી ગયેલો હતો એટલેજ ગેટ પરના ગાર્ડ દ્વારા કોઇ જાતની પુછપરછ વગર એને પ્રવેશ અપાયો હતો. આ ઘર હતું મોહનાનું, હા મનની મોહનાનું!

“કોનું કામ છે સર?” બેઠકખંડમાં પિત્તળની મોટી ફૂલદાનીમાં ફૂલ ગોઠવી રહેલાં એક છોકરાએ વિવેકથી પૂછ્યું.

“મેડમનું કામ હતું. એ ઘરે છે?” નિમેષ સહજતાથી બોલ્યો હતો પછી તરત છોકરાને પૂછ્યું, “કાલે રાત્રે જમવાનું બહારથી મંગાવેલું? કોઈ મહેમાન આવ્યા હતા?”

“કાલે રાત્રે...! ના. કાલે તો ઘરે કોઈ ન હતું. સાહેબને એક પાર્ટીમાં જવાનું હતું. મેડમની એક બહેનપણીનો બર્થડે હતો કાલે એટલે એ ત્યાં ગયેલાં. ઘરમાં હું, મહારાજ અને માળી એટલા જ હતાં. નિમેષની વરદીનો પ્રતાપ હતો કે આ છોકરો આટલું બોલ્યો... નહીંતર એ કોઈની આગળ મોં ના ખોલે.

“શું વાત છે નિમેષ, આજે સવાર સવારમાં અહીંયા ક્યાંથી?” ઉપરથી નીચે આવી રહેલી મોહનાએ સીડીઓમાં રહે રહે જ કહ્યું હતું.

નિમેષ એ તરફ ફર્યો. સૌંદર્યની મૂરત સમી મોહના મીઠું હસતી હસતી નીચે આવી રહી હતી. એ હજી હાલ જ ઊઠી હોય એમ લાગતું હતું. એણે હજી એનો નાઈટ ગાઉન પહેર્યો હતો. એના વાળ એણે એક પોનીમાં બાંધ્યા હતા. ઘાટા મરુન રંગના એ ગાઉનમાં મોહનાનો ગૌર રંગ ઔર નિખરી રહ્યો હતો. નિમેષ પોતાની નજર વાળી લઈ ત્યાં પડેલા સોફા પર બેઠો.

“તે મારા સવાલનો જવાબ ના આપ્યો!” મોહના એની સામેના સોફા પર બેસતાં બોલી.

“મારો જવાબ અને એ પછીનો સવાલ હવે તને ખબર જ હોવો જોઈએ, મોહના! આનો આ સીન અત્યારે ત્રીજી વખત ભજવાઈ રહ્યો છે.” નિમેષ એના ચહેરા પર બને એટલી કડકાઈ રાખતાં બોલ્યો હતો.

“ઓહ માય ગોડ! ફરીથી કોઈનું ખૂન થયું છે? કોનું? ક્યારે?” મોહનાએ એકદમ વ્યથિત થઈ પૂછ્યું.

“કાલે રાત્રે. એક યુવકનું. તમારા બંગલાથી આગળ જતા આવતા હાઇવે પરની ઝાડીઓમાં. એવી જ રીતે...કોઈ ઘાવ વગરનું મોત!"

“ખોટું થયું. મને અફસોસ છે. પણ એના ખૂનીને શોધવાને બદલે તું અહીંયા શું કરે છે? તને શું એમ લાગે છે કે ખુની તને આ બંગલામાંથી મળશે?” મોહનાએ હસતાં હસતાં મજાકની જેમ કહ્યું પછી ગંભીર થઈને ઉમેર્યું, “તને ખબર તો છે ને તું કોના ઘરમાં બેઠો છે?"

“બરોબર ખબર છે, મેડમ! હું તો જસ્ટ તમને ચેતવવા આવેલો કે રાતના સમયે એકલા બહાર નીકળતા સાવધાની રાખો. એક નાનકડી કવેરી છે અને મને ખબર છે તમારી પાસે એનો જવાબ હાજર જ હશે... ઇજાજદ હોય તો પૂછી લઉં? તમને કદાચ આ સવાલ પૂછવાની મારી ટેવ પસંદ નથી પણ, શું કરું સવાલ પૂછવાના સરકાર મને રૂપિયા આપે છે...ઇટ્સ માય ડ્યુટી!"

“ચોક્કસ...ઇન્સ્પેકટર! હું મારાથી બનતાં પ્રયાસ કરીશ તમને મદદરૂપ થવાના." મોહના નિમેષની આંખોમાં આંખો પરોવી, અદબવાળીને બેસતા બોલી.

“ઓકે. કાલે જેનું ખૂન થયું એના મોબાઈલ પર છેલ્લો કૉલ તમારો હતો! છેલ્લે તમારાં ફોન પરથી એની સાથે વાત થયેલી! તમારું શું કહેવું છે, એ બારામાં?”

“અચ્છા? મને તો આવું કંઈ યાદ નથી. થોડું વિચારવા દો, એક મિનિટ કાલે...તો હું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. યસ મને યાદ આવ્યું. કાલે રાત્રે હું એના ઘરે ગયેલી ત્યારે એણે કહેલું કે એનો એક ફ્રેન્ડ નોનગુજરાતી છે અને એના માટે હું કોઈ સારી નોનવેજ ડીશ ઓર્ડર કરી આપું. એ લોકો વેજીટેરિયન છે અને એમના ઘરે કોઈ નોનવેજ નથી ખાતું એટલે. મેં કહ્યું ઓકે. મેં હોટેલ બ્લુ હેવેનમાં કોલ કરેલો અને ઓર્ડર નોંધાવેલો એમનો એક માણસ ડિલિવરી લઈને આવતો હતો. એને ઘરનું એડ્રેસ ના મળતા એણે સામે રિંગ કરી હતી. ત્યાં પાર્ટી ચાલુ હતી. લાઉડ મ્યુઝિક ઓન હતું એટલે મેં એનો ફોટ કટ કરેલો અને બીજા રૂમમાં જઈ એને સામેથી કોલ કરેલો. એને એડ્રેસ સમજાવ્યું અને ફોન મૂકી દીધેલો. એના પછી થોડીક જ વારમાં એ આવીને ઓર્ડર આપી ગયેલો. બસ, દેટ્સ ઈટ!" મોહનાએ શાંતિથી ગઇકાલ રાતનો ઘટનાક્રમ કહી સંભળાવ્યો.

“ઓહ...એ ડિલિવરી બોયનું ખૂન થઈ ગયું?” મોહનાએ ચિંતા વ્યકત કરતાં પૂછ્યું. એના ચહેરા પર દુઃખની રેખાઓ ઉભરાઈ આવી. એના અદબ વાળેલા હાથ છૂટા પાડીને સોફામાં એના પગની બંને બાજુએ ગોઠવાઈ ગયા.

નિમેષ હસ્યો જરાક. એને ખબર જ હતી કે આવો જ જવાબ મળવાનો છે. “થેંક યું મેમ! તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું.” એ ઊભો થયો અને ત્યાંથી નીકળી ગયો.

સાંજે મન, ભરત અને નિમેષ એમના ગામની બહાર આવેલી એક નાનકડી ઢાબા જેવી હોટેલમાં મળ્યાં.

“શું થયું બહું થાકેલો લાગે છે?" નિમેષ તરફ જોતા ભરતે કહ્યું.

“આજે સવારે જ એક લાશ મળેલી. મેં વાત કરીને તને. એની તપાસમાં ફર્યો હશે બધે. કંઈ ખબર પડી? અને તે કહેલું મારા માટે એક સરપ્રાઇઝ છે, એ શું છે?" મન બોલ્યો.

“હું એ વિશે જ વિચારતો હતો. કહી દઉં?” નિમેષ મન સામે જોઈ રહ્યો.

“હા. કહી દે."

“એ લાશ પાસેથી જે મોબાઈલ મળ્યો એમાં છેલ્લો કૉલ એક યુવતી તરફથી આવેલો.” નિમેષ હાથે કરીને અટક્યો અને મન સામે જ જોઈ રહ્યો, “એ ફોન..મોહનાએ કરેલો!”

મોહના નામ સાંભળીને મનના દિલમાં જાણે એક હળવું પીંછું ફરી ગયું. એણે પોતાના પર તરત કાબૂ કર્યો અને કહ્યું, “કર્યો હશે એણે ફોન...તો? તું કહેવા શું માંગે છે?”

“એજ જે તું વિચારી રહ્યો છે!” નિમેષ પાણીનો ગ્લાસ ઉઠાવી જાણે કોઈ મોંઘી શરાબ પીતો હોય એમ શાંતિથી ઘૂંટડા ભરવા લાગ્યો.

“એય...નીમલા સીધું કે’ને જે હોય તે.” ક્યારના ચૂપ બેઠેલા ભરતે કહ્યું. નિમેષ ચૂપ જ રહ્યો અને મન સામે જોઈ રહ્યો.

“તું એમ કહેવા માંગે છે કે આ ખૂનમાં મોહનાનો હાથ છે?” છેવટે મને જ કહ્યું.

“એકઝેકટલી!"

“વોટ રબીશ! મોહના જેવી ગભરું છોકરી એક જુવાન માણસનું ખૂન કરે? શા માટે? એની પાછળનો મોટીવ? અને જે રીતે એ ખૂન થયેલું તને લાગે છે મોહના જેવી નાજુક છોકરી એ કરી શકે?”

“તું બિલકુલ સાચું વિચારી રહ્યો છે, મન. હું પણ આટલે આવીને જ અટક્યો છું. મને શક છે કે કોઈ એને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તું વિચાર એના પિતા અને પતિ બંને ઇન્ડિયન આર્મીમાં ઊંચી પોસ્ટ ઉપર છે. એ લોકો પાસેથી કોઈને કોઈ માહિતી કઢાવવી હોય તો મોહના જ હાથો બની શકે.” નિમેષ શાંતિથી બોલ્યો.

“હોઈ શકે તો?” મોહનાના પતિનો ઉલ્લેખ થતાં મનના મોઢામાં કડવાશ આવી ગઈ. એણે પાણી પીધું.

“તારે એની મદદ કરવી પડશે. હું ઇચ્છું છું કે તું થોડાં દિવસ એની સાથે રહે. મતલબ,"

નિમેષ હજી તો બોલતો જ હતો અને મનને ખરેડી પડી. એ જોર જોરથી ખાંસવા લાગ્યો. મોહના સાથે આજ સુંધી એ ક્યારેય સરખી રીતે વાત પણ કરી શક્યો ન હતો અને આ નિમેષ શું કહી રહ્યો હતો.

“તારે બસ એનો દોસ્ત બની એની હરકત પર નજર રાખવાની છે અને મને રિપોર્ટ કરવાનો. તું એનો સ્કૂલ સમયનો જૂનો મિત્ર છે. ફોરેનથી થોડાં દિવસ અહીં આવ્યો છે તો તું આસાનીથી એને જઈને મળી શકે."

“સરસ મોકો છે મન હા પાડી દે.” ભરત પણ તૈયાર થઈ ગયો.

“ના. મારાથી આ નહિ થાય!” મન ઢીલો પડી ગયો.

“કેમ નહિ થાય? એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા એટલે? એ હવે કુંવારી નથી તો તારો પ્રેમ હવા થઈ ગયો? આટલો તકલાદી હતો તારો પ્રેમ? એની ઉપર ત્રણ ત્રણ ખૂન કેસની તપાસ ચાલે છે મન ત્રણ ત્રણ... એ ફાંસીએ લટકી જાય એ જોઈને તું રાજી થઈશ?” નિમેષ મનને ઉશ્કેરવા આ બધુ બોલી ગયો.

“ત્રણ ત્રણ ખૂન કેસ! મોહના પર? આ બધું એ શા માટે કરે?” મન ઉલઝનમાં પડ્યો.

“એજ તો તારે શોધવાનું છે. હું તને કોઈ ને કોઈ બહાને એની સાથે મેળવી આપીશ. તારે બસ એ સમયે એને કોણ કોણ મળ્યું, એણે કોની સાથે શું વાત કરી? કોઈને જોઈ એની હિલચાલ પર ફરક પડ્યો કે નહિ બસ એટલું જ જોવાનું છે. હું તારી આસપાસ જ હોઈશ. તારી એક બૂમ કે કૉલ અને હું તરત હાજર થઈ જઈશ. તારે આમાં બીવા જેવું કંઈ નથી. "

“એ નીમલા આ બિચારો માંડ થોડાં દિવસ અહીં શાંતિથી રહેવા આવ્યો હોય ત્યાં તું ક્યાં એને ખોટી ઉપાધિમાં નાખે છે!” ભરતે કહ્યું.

“ખોટી ઉપાધિ? કોઈ છોકરાને એના પહેલાં પ્રેમ સાથે વખત ગાળવાં મળે, એની મદદ કરવાની તક મળે એને ઉપાધિ કહેવાય...? એવું હોય તો તું રહેવા દે ભાઈ...હું કોઈ બીજો માણસ શોધી લઈશ. આટલી સુંદર સ્ત્રી સાથે ફરવાં તો કોઇ પણ તૈયાર થઈ જશે.” નિમેષ મોઢું લટકાવી, ઉદાસ થઈ બોલ્યો હતો અને એનું આ પાસુ બરોબર પાર પડ્યું હતું.

“ક્યારે જવાનું છે?” મને નિર્ણય લઈ લીધો. નિમેષ હસ્યો અને મનને ખભે ધબ્બો મારતાં કહ્યું,

“યે હુઈ ના બાત! શાબાશ મેરે શેર!"
ક્રમશ....

ભાગ ૮

નિમેષની વાત માની મન મોહના સાથે થોડોક વખત ગાળવા તૈયાર તો થઈ ગયો પણ એના પેટમાં અત્યારથી જ પતંગિયા ઊડી રહ્યાં હોય એવું થવા લાગ્યું. આખો દિવસ, પૂરી રાત એ મોહનાના જ વિચાર કરતો, એની સાથે જ મનોમન વાતો કર્યા કરતો પણ એની સામે જઈને ઊભા રહેવાની હિંમત ન હતી!

નિમેષના કહ્યાં પ્રમાણે એણે બીજે દિવસે લગભગ અગિયાર વાગે મોહનાના ઘરથી થોડેક આગળ રસ્તા પર ગાડી બગડવાનું નાટક કરી ઊભા રહેવાનું હતું. મહિનાની દર પચીસમી તારીખે મોહના એના પિતા સાથે સવારે અનાથ બાળકોને મળવા જતી. એ એની મમ્મીની પુણ્યતિથિ હતી. દર મહિને એ દિવસે એ લોકો અનાથ બાળકોને સવારનું ભોજન કરાવતા હતાં. સાડા નવે એમની ગાડી ઘરેથી નિકળતી. અનાથ આશ્રમ એમના ઘરેથી અડધાં કલાકના અંતરે હતો. દસ વાગે ત્યાં પહોંચીને મોહનાના પિતા, કર્નલ રાયબહાદુર જાતે એમનાં કહ્યા પ્રમાણે બધી વાનગીઓ બની છે કે નહિ એ ચેક કરતાં. મોહના આ દરમિયાન બાળકોને મળતી અને એમની સાથે વાતો કરતી. કોઈએ એની પાસે કંઈ મંગાવ્યું હોય તો એ લઈ જતી. બરોબર અગિયાર વાગે એ લોકો ત્યાંથી નીકળતાં. કર્નલ સાહેબને રસ્તામાં આવતા ક્લબ આગળ ઉતારી મોહના ડ્રાઈવર સાથે ઘરે પાછી આવતી.

આ ટાઈમ ટેબલમાં ભાગ્યેજ કોઈ ફેરફાર થતો. કર્નલની આખી જિંદગી સેનાના જવાનો વચ્ચે વિતેલી, એ સમયના અને શિસ્તના ખૂબ આગ્રહી હતાં. અગિયાર વાગ્યા પછી મોહનાની ગાડી ઘર તરફ આવતી હોય ત્યારે રસ્તામાં મનનો ભેટો થઈ જાય એવી નિમેષની ગણતરી હતી. એણે આખો પ્લાન મનને બરોબર સમજાવી દીધો હતો.

મન ઘરે આવ્યો અને થોડું જમીને એના રૂમમાં ભરાઈ ગયો. પ્રેમનું પહેલું લક્ષણ...ભૂખ મરી જવી! પેટમાં જગ્યા જ ક્યાં હતી, ત્યાં તો પતંગિયા ઊડતાં હોય એવી હલચલ હતી! મનનું દિલ ધડકવાનું જ ભૂલી ગયેલું. એક મિનિટમાં માંડ પચાસ વાર ધબકતું હશે. એના મગજમાં અજીબ અજીબ વિચાર એક સાથે ચાલતાં હતાં. ઘડીમાં એ ભૂતકાળની કોઈ ઘટના યાદ કરી હસી પડતો તો ઘડીમાં થતું કાલે મોહના પોતાને જોઈને ઓળખશે ખરી? બે વરસ એ લોકો સાથે એક જ વર્ગમાં ભણ્યા હતાં. ત્યાર બાદ ક્લાસ બદલાયાં હતાં, મન સાયન્સમાં ભણતો જ્યારે મોહના આર્ટ્સમાં, પણ રોજ એકબીજાને મળવાનું, અહીં મળવાનું મતલબ જોવાનું થતું જ. મન એને જોવા માટે જ રોજ સ્કૂલમાં વહેલો પહોંચી જતો અને જ્યાં મોહનાની ગાડી આવીને ઊભી રહેતી, એ દેખાય એમ એ સ્કૂલના ગેટ પાસે બહારની બાજુ એની સાયકલ રાખી ત્યાં કોઈ ચોપડી ખોલી ઊભો રહેતો. બધાને થતું ક્લાસમાં જતાં પહેલાં કંઇક વાંચીને જતો હશે...પણ એની નજર તો ચોપડીમાં ફરતી ફરતીય મોહનાને જ જોતી... મોહના આવી જાય અને અંદર જાય ત્યારે એ પણ ચોપડી અંદર મૂકીને સાયકલ દોરતો દોરતો મોહનાની પાછળ પાછળ ચાલીને જતો. સાયકલ મૂકવાનું સ્ટેન્ડ આવી જાય ત્યારે સાયકલ પાર્ક કરતાં કરતાં પણ એ મોહનાને દેખાય ત્યાં સુંધી જોયા કરતો.

એ પછી રીસેસમાં મોહના પાછળ ક્લાસની બહાર એક ચક્કર મરાતું. મોહના એની સખીઓ સાથે ઘેરાઈને બેઠી હોય, નાસ્તો કરતી હોય એ જોઈ મનનું પેટ ભરાઈ જતું. સ્કૂલ છૂટે ત્યારે પણ એ વહેલો બહાર આવી જતો અને ભરત સાથે કોઈને કોઈ વાતે ગપ્પા મારતો ગેટ પાસે ઊભો રહેતો, મોહનાની ગાડી આવી હોય તો એ એમાં બેસી જાય પછી જ મન નીકળતો. કોઈ વાર ગાડી લેટ આવતી અને મોહના ગેટ પાસે ઊભી રહેતી એ દિવસે મનને જાણે લોટરી લાગી ગઈ હોય એટલી ખુશી થતી...! એને જોયા કરવું, ચૂપચાપ, અવિરત બસ, જોયા જ કરવું એટલાથી જ મન ખુશ હતો. આનાથી વધારે કશું કરવાની એની હિંમત પણ ન હતી અને એને જરૂરત પણ ન હતી. મોહનાને જોતાજ એના સમગ્ર શરીરમાં એક અજીબ આનંદ પ્રસરી જતો. કદાચ એ આનંદ એટલે જ પ્રેમ!

વરસો બાદ ફરીથી કાલે એજ દ્રશ્ય ફરી ભજવાશે. પોતે મોહનાની રાહમાં રસ્તા પર ઊભો હશે. એની ગાડી ત્યાંથી પસાર થશે...પોતે એને જોઈ શકશે, આટલે સુધી તો બધું ઠીક હતું પણ એના પછી? પછી એણે બોલવાનું હતું... મોહના સામે! એ જો પોતાને ના ઓળખે તો ઓળખાણ આપવાની હતી..એને વિનવવાની હતી પોતાને એની ગાડીમાં લિફ્ટ આપવા...પછી એના ઘરે જવા...!! મનને ચક્કર આવી ગયા. પથારીમાં પડે પડેય જાણે આખો રૂમ ગોળ ગોળ ઘૂમી રહ્યો હોય એમ લાગ્યું...પોતે આ કરી શકશે? મોહનનો પતિ ત્યાં આવી જશે તો?

બીજે દિવસે મન સવારે વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો. આમેય આખી રાત જાગતા જ પસાર કરી હતી. પ્રેમનું બીજું લક્ષણ, ઊંઘ ઊડી જવી! અાજે ત્રણ દિવસે એણે દાઢી બનાવી હતી, બે વખત જેલ લગાડીને. જેલના ફિણની સફેદીમાં એને મોહનાની ચમકતી સફેદ આંખો દેખાઈ! કાળું પેન્ટ પહેરવાનું નક્કી હતું પણ શર્ટ કયો? મોહનાને ડાર્ક રંગ પસંદ હતાં. એણે મરુન લાલ જેવો શર્ટ નીકળ્યો. સ્કૂલમાં વિવેક પણ આવો જ શર્ટ પહેરીને આવતો એ જોઈને મોહના પણ એવું જ ફ્રોક કે કુર્તી પહેરી લાવતી. પણ, આવો શર્ટ જોઈને મોહનાને વિવેકની યાદ આવી જશે તો? મને એ શર્ટ પાછો મૂક્યો, આછા આસમાની રંગનો શર્ટ નીકળ્યો અને પહેર્યો...લોકો કહેતા કે એ એમાં સારો લાગે છે! જેલ લગાડી વાળ સેટ કર્યા. ગજવામાં નવો સફેદ રૂમાલ મૂક્યો અને એકદમ હળવી સુગંધવાળું સેન્ટ લઈ બંને હાથ નીચે એક એક શોટ માર્યો અને એક ગરદનના પાછળના ભાગે...! બસ, આટલું ઠીક છે તેજ સુગંધથી મોહનાનું માથું ચડી જાય છે. મન એની ધૂનમાં જ બોલી ગયો.

“કોનું માથું ચડી જાય છે?” એજ વખતે રૂમમાં પ્રવેશેલા રાવિબહેને પૂછ્યું. “ક્યાંય બહાર જવાનું છે?” મનને તૈયાર થયેલો જોતા એમણે પૂછ્યું.

“હા...કેટલાક જૂના મિત્રો ભેગા મળીને બહાર જઈએ છીએ. અહીં શહેરમાં જ ફિલ્મ જોઈશું અને બહાર જમીને સાંજે પાછા..” મને આવડ્યું એવું બહાનું બનાવ્યું.

“ચાલ ફરી આવ. પણ સાંજે જલદી પાછો આવી જજે, હો!”

મનને લેવાં નિમેષ સ્વિફ્ટ લઈને આવ્યો હતો. સફેદ સ્વિફ્ટનો ડ્રાઇવરની બાજુવાળો દરવાજો ખોલી મન અંદર પ્રવેશેલો.

“મારા સાહેબની વાઇફની ગાડી છે, જરા સંભાળીને! જોકે તારે ચલાવવાનો મોકો જ નહિ આવે તારે બસ બાજુમાં ઊભા રહેવાનું છે.” નિમેષ મનને રોડની એકબાજુએ ઊભો રાખીને એના કાને એક નાનકડું બ્લુટુથ ડીવાઇસ ભરાવીને ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયો.

મનને અજીબ બેચેની થવા લાગી. એનું ગળું સુકાતું હતું. રસ્તા પરથી કોઈ ગાડી પસાર થતી અને એનું હૈયું ઉછળી આવતું. એ મોહનાની ગાડી નથી એમ જોઈ એને નિરાંત થતી. એની હથેળીઓમાં પરસેવો વળવા લાગ્યો. એકવાર તો એને થયું કે એ ભાગી જાય. સામેથી ગાડી આવી રહી હતી. નેવી બ્લ્યુ રંગની સેડાન કાર હતી...એવી જ જેવી નિમેષે કહેલી. મનને થયું કે એનાથી શ્વાસ નથી લેવાતો...એને ચક્કર આવી રહ્યા છે. એણે એના કાનમાં ભરાવેલા યંત્રમાં કહ્યું,

“સોરી નિમેષ મારાથી આ નહિ થાય. મોહના સામે જઈને ઊભા રહેવાની મારી હિંમત નથી. "

“જો છેલ્લી ઘડીએ તું તાયફો ના કર. હું તારી સાથે જ છું. મોહનાની ગાડી આવી રહી છે, બી બ્રેવ મેન!” નિમેષ સમજાવતો હોય એમ બોલ્યો.

“હું જરીકે બ્રેવ નથી. મારાથી નહિ થાય.” મન આ બોલતો હતો ત્યારે જ મોહનાની ગાડી છેક પાસે આવી ગઈ. “મને ચક્કર આવે છે નિમેષ."

“ગુડ! તું રોડની વચ્ચે જઈ ઊભો રહી જા. બીજું કશું ના કરતો બસ આટલું કર.”

“સાલા તું મને ગાડી નીચે ચગદાઈ ને મારી નાખવા માંગે છે. મને સાચેજ ચક્કર...આ... વી...” મન બે ડગલા રોડ તરફ ચાલતો બોલ્યો.

મનને એક લથડિયું આવી ગયું! ગભરાહટ, ખાલી પેટ અને અપૂરતી ઊંઘ બધાએ ભેગા મળીને મનને એક મિનિટ માટે બેભાન કરી દિધો. એ માથે હાથ દઈને રસ્તા વચ્ચે ઊભો હતો ત્યારે જ મોહનાની ગાડી છેક એની પાસે આવી ગયેલી. મન એની ગાડીના બોનેટ ઉપર જ ઢળી પડ્યો.

“કેપ્ટન અંકલ જુઓને, આને શું થયું?” મોહનાએ મનને ઢળી પડતો જોયો હતો.

કેપ્ટન નીચે ઉતરીને મન પાસે ગયાં અને એને ઊભો કર્યો. ધીરે ધીરે મને આંખો ખોલી. મોહના પાણીની બોટલ લઈને નીચે ઉતરી. એણે મન સામે બોટલ ધરી.

“થોડું પાણી પી લો, સારું લાગશે.”

મોહનનો અવાજ સાંભળીને મન પૂરો ભાનમાં આવી ગયો. એણે બોટલ લીધી અને પાણી પીધું. એની નજર નીચે રસ્તા ઉપર જ જડેલી રહી.

“શું થયું હતું? ચક્કર આવી ગયા.” મોહનાએ પૂછ્યું.

હવે એની સામે જોયા વગર છૂટકો જ નહતો. મને નજર ઉપર ઉઠાવી. એની પલકો પર જાણે આખી દુનિયાનો ભાર આવી ગયો...! આ..હ..! કેટલી સુંદર હતી એ! ગુલાબી મોં અને લાલચટ્ટક હોઠ. એની કાળી આંખો પોતાને જ જોઈ રહી છે, એ જરાક ચમકયો અને કેપ્ટન સામે ફરીને જવાબ આપ્યો.
“મારી ગાડી બગડી છે, ક્યારનોય તડકામાં ઊભો હતો એટલે જરાક ચક્કર આવી ગયા.” મન પરાણે બોલ્યો. એનું હૈયું જોર જોરથી ધડકવા લાગ્યું. બોલવામાં ત..ત..પ...પ થવા લાગ્યું.

“મેં આપને ક્યાંક જોયા હોય એવું કેમ લાગે છે?” મોહના આટલું કહીને કેપ્ટન પાસે આવી અને મનના ચહેરા સામે જોઈ રહી, “તું મન છે ને? આપણે સાથે સરસ્વતી મંદિર સ્કૂલમાં ભણતાં હતાં...હું મોહના...યાદ આવી?”

મોહના પોતાનો જૂનો, સ્કૂલમાં સાથે ભણેલો સહદ્યાયી મળતા ખુશીથી બોલી ઉઠી. મનને આ સવાલ પર જરાક હસવું આવી ગયું. હું મોહના..યાદ આવી? તું ભુલાઈ જ ક્યારે હતી! મનનું મન કહી રહ્યું.

“કેપ્ટન અંકલ એને અંદર લઈલો. હું ઓળખું છું એમને."

મનને કંઈ બોલવાની જરૂર જ ન પડી. એણે બસ થોડીક એક્ટિંગ કરી... અશક્ત હોવાની અને મોહનાની ગાડીમાં બેસી ગયો.

“ઘરે લઈલો. એક ગ્લાસ લીંબુ પાણી પીવડાવી દઈશું એને સારું લાગશે.“

પછીની ક્ષણો મૌનમા પસાર થઈ. મન ચૂપ હતો પણ એના દિલમાં હલચલ મચી હતી. આગળ શું બોલવું? શી વાત કરવી વગેરે એ મનમાં ગોઠવી રહ્યો...છેલ્લે સુધી કંઈ ના સૂઝ્યું! ગાડીમાંથી નીચે ઉતરી મોહનાએ સુંદર સ્મિત સાથે કહ્યું,

“વેલકમ ટુ માય હોમ મન!"

પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ છે તો એ છે મહેબુબની આંખોમાં! એની પ્યારી મુસ્કુરાહટમાં! મનનું મન કહી રહ્યું. આછા કેસરી રંગની કુર્તી અને ઘાટા લીલા રંગના ઘેરદાર સ્કર્ટમાં મોહનાનો ઘાટીલો દેહ સુંદર લાગતો હતો. એની કાચ જેવી ચમકતી આંખો, નાજુક ગુલાબી હોઠ અને એના ઉપર રમતું હળવું, એકદમ પ્રમાણસર સ્મિત...મનને થયું એ ફરી બેભાન થઇ ઢળી પડશે!

“કંઇક વાત કર.” મનના કાનમાં અવાજ આવ્યો. એ ભાનમાં આવી ગયો. એ જે કામ માટે આવ્યો હતો એ યાદ આવી ગયું.

“થેંક યુ બોલ.” ફરી નિમેષનો અવાજ આવ્યો.

“થેંક યુ! કેપ્ટન અંકલ!” મોહના બોલતાં મનની જીભ ઉપડતી ન હતી. એટલે એણે ડ્રાઈવરનો આભાર માન્યો.

“તારી મદદ મેં કરી અને થેંક યું કેપ્ટન અંકલ?” મોહના ખડખડાટ હસી પડી. “તું હજી એવો ને એવો જ છે. મને યાદ છે આપણે નવા નવા સ્કૂલમાં મળ્યા હતાં ત્યારે સાહેબે તને કવિતા ગાવાનું કહેલું..” એ ફરી હસી પડી. ખડખડાટ વહેતા ઝરણા જેવું...

મન મોહનાની પાછળ પાછળ બેઠકખંડમાં પ્રવેશ્યો અને બંને જણાં સોફામાં ગોઠવાયા. એક છોકરો પાણી લઈ આવ્યો. મને પાણીનો આખો ગ્લાસ ખાલી કર્યો. એના શરીરમાં એક હલકી ધ્રુજારી ઉત્પન્ન થઈ રહી હતી. એની સામે એના સપનામાં આવતી પરી બેઠી હતી. જો થોડોક પ્રયાસ કર્યો હોત તો આજે એ એની પત્ની હોત! પત્ની હોત, છે નહિ!

આ એક વિચારે મન સાવધ થઈ ગયો. એને થયું કદાચ મોહનાનો પતિ ઘરે હશે! એ સામે આવી જાય તો?

“સાહેબ માટે એક લીંબુ પાણી લઈ આવ અને થોડીવાર રહીને બે કપ ચા લઈ આવજે.” મોહનાએ ઓર્ડર કર્યો. છોકરો ચાલી ગયો.

“હવે સારું લાગે છે. હજી અહીંના ગરમ વાતાવણમાં સેટ થઇ રહ્યો છું. અચાનક તડકામાં ઊભા રહેવું પડ્યું એટલે,” મને શાંતિથી કહ્યું.

“ઓહો..સાહેબ હવે ફોરેન નિવાસી થઈ ગયા છે હમમ..! સરસ. ખૂબ તરક્કી કર.” મોહના બોલી.

મને ધીરે ધીરે થોડી વાત કરી. વધારે તો મોહના જ બોલે જતી હતી. ત્યાં એક ખૂણામાં નાની બેબીની ફ્રેમમાં જડેલી તસવીર હતી. એની આંખો , હોઠ એકદમ મોહના જેવા જ હતા. બે ત્રણવાર મનનું ધ્યાન એ તરફ ગયું હતું આખરે વાત વાતમાં મને પૂછી લીધું,

“આ ફોટો સરસ છે, તારી બેબી છે?"

ક્યારનીય હસી રહેલી મોહના એકદમ ચૂપ થઈ ગઈ. એના ચહેરા પર ઘાઢ ઉદાસી છવાઈ ગઈ. એની આંખો કદાચ ભરાઈ આવી હતી. મનની સમજમાં કંઈ ન આવ્યું.

“મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો, આઇ એમ સોરી! એ બેબીને કંઈ થયું છે?” મને ફરી ભૂલ કરી.

“એ મારો જ બાળપણનો ફોટો છે. તું ચા પીને જજે.” એ ઊભી થઈને ઉપર એના રૂમમાં જતી રહી.

ચા આપવા છોકરો આવ્યો એણે ધીમેથી કહ્યું,
“શું સાહેબ તમેય, નાના સાહેબનું તો લગ્નની રાત્રે જ મોત થઈ ગયેલું."

“નાના સાહેબ એટલે? મોહનાનો પતિ?” મને આંચકો સમાવતા આંખો ફાડીને પૂછ્યું.

“હા. એમને એટેક આવી ગયેલો. લગ્ન થયા એજ રાત્રે. આખું ગામ આ વાત જાણે છે તમારે કોઈને પૂછીને આવવાં જેવું હતું."

ક્રમશ...