પ્રકરણ :5
પ્રેમ અંગાર
વિશ્વાસ કાકુથને ચરણ વંદના કરી બોલ્યો “કાકુથ અમે રજા લઈએ હજી મતંગનાં ઘરે જઇ અમારા ઘરે પહોંચીશું તહેવારનાં દિવસો છે બધા ઘરે રાહ જોતા હશે. કાકુથ બોલ્યાં હાઁ જરૂર નીકળો અને ફરી અહીં આવતા રહેજો. વિશ્વાસે કહ્યું.” જરૂરથી આવીશ જ મારે આપની પાસેથી ઘણું જાણવા શીખવાનું છે એમ કહી અછડતી નજરે આસ્થાને જોઈને જાબાલી મતંગ સાથે ત્યાંથી નીકળી ગયો.
રાણીવાવ ક્યારે આવ્યું ખબર જ ના પડી વિશ્વાસ આસ્થાનાં વિચારોમાં જ રત રહ્યો. મતંગે બાઈક ઊભી રાખી અને જાબાલી વિશ્વાસ ઉતર્યાં. વિશ્વાસે મતંગને ઘરમાં આવવા કહ્યું પરંતુ મતંગ કહે “હવે હું જઊં ઘરે રાહ જોતા હશે ફરી આવીશ “કહી નીકળી ગયો.
સૂર્યપ્રભાબહેને બન્ને છોકરાઓને જોઈ કહ્યું “ચાલો આવી ગયા દિકરાઓ તમારી જ રાહ જોતા હતા, આપણે દર વખતની જેમ જ દિવાળી અને નવા વર્ષનાં દિવા મૂકીને અંબાજી જઈશું માઁ પાસે વિશ્વાસે કહ્યું હા મારી પણ ખૂબ ઇચ્છા છે માઁ ના દર્શન કરવાની”.
દિવાળી અને બેસતાવર્ષની ખૂબ મહત્વ પૂજા કરવી, દેવ દર્શન અને દીવા મૂકવા. સૂર્યપ્રભાબહેન સવારમાં વ્હેલા ઉઠી પોતાના માતાપિતાને પગે લાગ્યા પછી દેવ સેવા કરવા બેઠા. છોકરાઓ પણ વહેલા ઉઠી તૈયાર હતા. બધાએ દાદા દાદી, સૂર્યપ્રભાબહેન અને સૂર્યાબેન શરદભાઈ બધાને પગે લાગ્યા આશીર્વાદ લીધા. સૂર્યપ્રભા બહેને બન્ને છોકરાઓને શુકનનાં પૈસા આપ્યા. શરદભાઈએ આશીર્વાદ આપી બન્ને છોકરાઓને નવી ઘડીયાળ આપી.
સૂર્યપ્રભાબહેન બોલ્યા “મેં કાનજી સવિતાને દિવાળીનાં કપડાં અને શુકનનાં પૈસા વિગેરે આપી દીધા છે એમને બધું જ કામ સમજાવી દીધું છે. દિવાળી બેસતાવર્ષ પછી ભાઈબીજ કરવાં અંબાજી જઈશું ખરેખર ભાઈબીજ અહીં મારા ઘરે સવારે પતાવી તરત માઁ ના દર્શને જઈશું શરદભાઈ કહે જરૂર.
રાત્રે બધા સૂવા માટે ગયા. વિશ્વાસ પોતાનો ખાટલો બહાર આંગણામાં લઇ આવ્યો. સૂર્યપ્રભાબહેને પૂછ્યું” કેમ દિકરા બહાર ? વિશ્વાસ કહે બસ માઁ આમ આભ નીચે સૂવું છે. તમે જાવ અંદર હું શાંતિથી સૂઈ જીશ. મારે પ્રકૃતિની ગોદમાં જ સૂવું છે “અને એને કવિતા સ્કુરી ગણગણવા લાગ્યો.... વિશ્વાસ ખાટ પર સૂતા સૂતા અવકાશ તરફ જોતો રહ્યો અને એ વિચારમાં પડી ગયો આજે કંઇક એવો એહસાસ છે કે જાણે આ 3/4 દિવસોમાં કુદરતે કંઇક રોપ્યું છે મારા જીવનને લગતી કોઈક સૂક્ષ્મ ઘટના ઘટી જ છે. એમ વિચારતો નિંદ્રામાં સરી ગયો.
વહેલી સવારે પરવારી નવાણ કરી બધા સેવારૂમનાં દર્શન કરીને તૈયાર થયા. સૂર્યપ્રભાબહેનને શરદભાઈએ પગે લાગી આશીર્વાદ માંગ્યા અને પોતાના તરફથી ભેટ આપીચાંદલો કરી આશિષ આપ્યા. ભાઈબીજની પૂજા-પ્રથા પરવારી બધા અંબાજી જવા નીકળ્યા.
અંબાજી ઘરે પહોંચી સામાન મૂકી-જટાકાકા અને ઉમાબહેને બધાને કહ્યું ચાલો પહેલાં માઁના દર્શન કરી આવીએ અને થોડેક જ દૂર આવેલા માઁ અંબાનાં દર્શન કરવા પહોંચી ગયા. જટાકાકા ત્યાં સેવા આપતા હોવાથી સંબંધની રૂએ બધા ઘરનાને ગર્ભગૃહમાં લઈ ગયા અને દર્શન કરાવ્યા. વિશ્વાસ સાષ્ટંગદંડવત પ્રણામ કરતા પ્રાર્થના કરી હે માઁ તમે બતાવો એ જોઊં તમે કહો એ કહ્યું તમને જ હું સમર્પિત છું માઁ સદાય મને માર્ગદર્શન આપો મારી રક્ષા કરજો. બધા પછીથી ઘરે આવ્યા.
લગભગ સાંજના પાંચ વાગ્યા હશે અને મનહરભાઈ અને મનિષાબેન એમની બન્ને દિકરીઓ અંગિરા અને વિશ્વા સાથે જટાકાકા એટલે કે શરદભાઈનાં ઘરે આવી પહોંચ્યા. શરદ જોઈને ખુશ થઈ ગયો. બન્ને ખૂબ નજીકનાં મિત્ર હતાં. મુંબઇમાં એક જ બજારમાં દુકાનો હતી. મનહરભાઈ જૈન વણિક હતા પરંતુ માઁ અંબાજીમાં ખૂબ જ આસ્થા હતી એટલે દરેક વર્ષે અચૂક આવતા અને શરદનાં અંબાજીવાળા ઘરે જ ઉતરતા. હમણાં તહેવારોનો માહોલ હોવાથી ભીડ પણ ઘણી રહેતી હતી. મનહરભાઈ સૂર્યપ્રભા બહેનને ઘણાં સમયે મળ્યા. બધાને ખૂબ આનંદ થયો. મનહરભાઈની બન્ને દિકરીઓ અંગિરા-16 વર્ષની અને ઈશ્વા 18 વર્ષની હતી. જાબાલી અને ઈશ્વા એક સાથે એક જ કોલેજમાં હતા. અંગિરા અગિયારમાં ઘોરણમાં હતી. મનહરભાઈ જૈન વણિક હતા પરંતુ તેઓ ધર્મમાં ખૂબ માનતાં પણ ચૂસ્ત નહોતા. બહું ખાતા પીતા એટલે ક્યાંક અગવડ નહોતી પડતી. ઘરમાં વાતાવરણ ખૂબ સામાન્ય રહેતું કારણકે એમનાં મુંબઈમાં જ જન્મી ઉછરેલી બ્રાહ્મણકુળની મનીષા સાથે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન હતા. મનિષા ખૂબ સમજદાર અને પ્રેમાળ હતી. તે મનહરભાઈનાં ધર્મ અંગે સંપૂર્ણ માન આપતી તિથી તહેવારે લસણ ડુંગળી કંદ કંઇ બનાવતી નહીં. મનહરભાઈ પણ મનિષા કે છોકરાઓને દબાણથી કંઇ કરવા કહેતા નહીં આમ અનેરું સમજુ સુખી કુટુંબ હતું.
જટાકાકાએ બધાને આરામ કરવા જણાવ્યું અને પોતે ઘરની આગળ આવેલી પોતાની પૂજા સામાન કટલરી વિગેરેની દુકાન પર જઈને બેઠા. બધા પરવારવા લાગ્યા. જાબાલી અને વિશ્વા ખૂબ વાતોએ વળગ્યા. વિશ્વાસ બધું જોઈ રહ્યો હતો. અંગિરા એની મમ્મી સાથે રૂમમાં હતી. વિશ્વાસ એકલો પડેલો એ મેગેઝીનનાં પાના ઉથલાવતો રહ્યો. એટલામાં અંગિરા બહાર આવી અને વિશ્વાસને કહ્યું “હાય ! કેમ છે ? તમારું નામ તો સાંભળ્યું છે એની વે તમે શેમાં સ્ટડી કરો છો.” હું અહીં અંબાજી પપ્પાની સાથે 2 થી 3 વાર જ આવી છું બહું જ નાનું સેન્ટર છે. અહીં આવીને શું કરવાનું ? આજુ બાજુ ફરવા જવાનાં સ્થળ હોય તો બતાવો તો એવા પ્રોગ્રામ બનાવી શકાય. વિશ્વાસ તો એકદમ જ આવી તડ્ તડ્ બોલતી અંગિરાને જોઈ જ રહ્યો. સુરેખદાર શરીર સુંદર ચહેરો આંખો મોટી ગોરી ચટ્ટી ભરાવદાર અંગો લાંબા વાળ ખૂબ આત્મવિશ્વાનો રણકો... જીન્સ પેન્ટ ટીશર્ટમાં શોભતી. વિશ્વાસે કહ્યું ઓહ ! મેં પણ તમારું નામ જાબાલીનાં જ મોઢે સાંભળ્યું છે મળ્યો આજે જ. વેલ ! આ ગામ નાનું છે પણ જગપ્રસિધ્ધ છે અહીં માઁ અંબા સાક્ષાત છે અહીં વિશાળ સુંદર મંદિર છે એનાં પરચા પ્રખ્યાત છે. અહીંથી નજીકમાં ઘણાં પ્રવાસી સ્થળો છે થોડેક દૂર આબુ પર્વત છે જો કે એ રાજસ્થાનમાં લાગુ પડે છે. “અંગિરા કહે” અરે વાહ તમે તો અંબાજીની મારા મનમાં છાપ હતી એ સાવ જ બદલી નાખી” બોલવામાં તમે પ્રવિણ છો. વિશ્વાસ કહે, બોલવામાં નહીં જે સાચી વાત છે એ જ કહી છે તમને. અંગિરા કહે “તમને પત્તા રમતાં આવડે છે ? વિશ્વાસ કહે હા બધી જ ગેમ આવડે છે. અંગિરા કહે અરે વાહ ! ચાલો તમારી સાથે મજા આવશે અહીં રહેવાનો કંટાળો નહીં આવે ટાઇમપાસ ખૂબ મસ્ત થશે એમ કહીને હસવા લાગી. એટલામાં જાબાલીની નજર અંગિરા ઉપર પડી અને વિશ્વાસને કહ્યું ભાઈ સાચવજે હાં... ખૂબ તૈયાર છે.... વિશ્વાસ કહે ભાઈ તમે ચિંતા ના કરો હું તમારો જ ભાઈ છું. અંગિરા કહે તમે એમનું કંઈ સાંભળતા નહીં એ તો બડા અકડું છે એમને તો ઈશ્વાદીદી જોડે જ ખૂબ ફાવે. મારે ઉભેય ના બને. વિશ્વાસ ક્યારનો જાબાલી ઈશ્વાને જોઈ રહ્યો હતો. સાચે જ જાબાલી અને વિશ્વાસ ખૂબ નજીકનાં મિત્રની જેમ ક્યારનાં કોઈ ના સાંભળી શકે એવા જ અવાજે વાતો કરી રહ્યા હતા. ઇશ્વા વચ્ચે વચ્ચે ધીમું હસી લેતી હતી. વિશ્વાસને કંઇ સમજાયું નહીં. એણે ચોક્કસ ઠરાવ્યું કે ઇશ્વા અને અંગિરામાં આભ જમીનનો તફાવત છે. ઇશ્વા ખૂબ ઠરેલ પ્રેમાળ સુંદર છે. અંગિરા દેખાવડી આક્રમક ખૂબ મહત્વાકાંક્ષી અને આધુનિક ઓપ ચઢેલી છે. વિશ્વાસે કહ્યું તમે લોકો હમણાં જ લાંબે પ્રવાસેથી આવ્યા છો આરામ કરો આપણે કાલે શાંતિથી વાત કરીશું. અંગિરા તો વિશ્વાસને જોઈ જ રહી અને બબડી મનમાં જ જબરો દેશી ગુજરાતી છે આવું તો મને બોલતા ય ના આવડે એમ કહી ખભા ઉલાળતી પાછી અંદર ચાલી ગઈ.
રસોડામાં સૂર્યપ્રભાબેન, ઉમાબેન, અનસૂયા, મનિષા બધા જ રસોઇમાં અને ગામ ગપાટા મારતા બેઠા હતા. એટલામાં અંગિરા આવીને કહે શું કરો તમે લોકો ? મનિષા બહેન કહે “ઘણાં સમયે મળ્યા છીએ એટલે વાતો જ હોયને અને ગુજરાત આવ્યા પછી કંઇક અનોખી જ શાંતિ મળે છે. અંગિરા કહે હા અહીં દેશમાં આવીએ એટલે બધા દેશી જ મળે... મનિષાબહેન કહે તું અહીંની જ છે વધુ બોલીશ નહીં ચિબાવલી... આપણું ગામ અહીંથી નજીક જ છે માત્ર સાઈઠ કિ.મી જ દૂર આપણે ત્યાં જવાનું જ છે. પછી સૂર્યપ્રભાબહેન તરફ ફરીને કહે એના પપ્પાએ ખૂબ ફટવી છે બોલો આ વખતે પણ અહીં આવવું નહોંતું કહે હું મારી ફ્રેન્ડનાં ઘરે રહીશ તમે જઈ આવો મને ત્યાં બહું બોરીંગ લાગે છે. મહાપરાણે સમજાવીને લાવી છું અંગિરા કહે “હું સાચું જ કહું છું અહીં માતાનાં દર્શન કરી લઈએ ગામ જઈએ પાછુ પછી કરવાનું શું ? નથી કોઈ સારી હોટલનાં ડીસ્કો, ના દરિયો, નથી કોઈ મલ્ટિપ્લેક્ષના કોઈ ફ્રેન્ડ્સ બોરીંગ જ છે તો કહું જ ને. મને અહીં આવવું ગમતું જ નથી. અહીં કોઈ રમવા વાળું કોઈ સારી કંપની જ નથી. ઈશ્વા દીદી તો જાબાલીભાઈ સાથેની વાતોમાંથી ફ્રી જ નથી થતાં હું શું કરું ? અનસુયાબહેન તરત વચમાં બોલ્યા વિશ્વાસ દીકરો અહીં જ છે.” અંગિરા તરત કહે એ મળ્યા પણ એ તો સાવ... બધાને જોઈ અને મનિષાબેનની આંખોએ ચૂપ કરી દીધી.
બીજા દિવસે સવારે બધા વહેલા ઉઠી પરવારી ગયા અને માઁ અંબાજીનાં દર્શને ગયા. જટાકાકા હંમેશની જેમ ગર્ભગૃહમાં બધાને લઈ જઇને દર્શન કરાવ્યા. મનિષાબહેન મનહરભાઈએ સાડી અને બીજી ભેટ મૂકી દર્શન કર્યા અને પોતાની દિકરીઓને આશીર્વાદ આપી સારું ભણતર અને સારા જીવનસાથી માટે પ્રાર્થના કરી. બન્ને કુટુંબો માઁ ના સમીપથી દર્શન કરી કૃતાર્થ થયા. બધા પાછા ઘરે આવી ગયા. બધી ઘરની સ્ત્રીઓ પાછી રસોડામાં જઈને રસોઈની તૈયારી કરવામાં લાગી ગયા. મનહરભાઈ અને શરદભાઈ અંબાજીથી જે માલ મુંબઈ લઈ જતા એ કામ સાથે સાથે નિપટાવાય એમ કહી બજાર ચાલ્યા ગયા. જાબાલી અને ઇશ્વા કોઈ મેગેઝીન લઈ વાંચતા બસ વાતો જ કરતાં રહ્યાં. વિશ્વાસને આજે અકળામણ થવા લાગી જ્યારથી ઈશ્વાદીદી આવ્યા છે જાબાલીભાઈ નવરા જ નથી થતાં. એ મોટેથી બોલ્યો હું જરા બહાર આંટો મારીને આવું છું કંઇ કામ નથી ને કોઈને ? જાબાલીએ સાંભળ્યું ના ના કોઈ નથી જઈ આવ એટલામાં અંગિરા કહે “એક મીનીટ” હું આવું હું અહી બોર જ થઈ રહી છું.” ચાલો હું આવું છું વિશ્વાસ કહે તમે ચાલવું ફાવશે ? હું તો ચાલતો જઉં છું કોઈ સાધનમાં નહીં “અંગિરા કહે” અહીં આવ્યા પછી કોઈ ઓપ્શન પણ ક્યાં છે ? હું ચાલીશ મારો સમય પણ જશે પણ સારી જગ્યાએ લઈ જજો.” વિશ્વાસ કહે મને તો ખબર નથી ક્યાં જવાનો તમને ફાવે તો આવો. અંગિરા કહે કાંઈ વાંધો નહી પણ તમે મને તમે તમે કેમ કહો છો ? તમારાથી નાની છું વિશ્વાસ કહે “આમ નાની હા તું પણ મને મોટી જ લાગે” અંગિરા જોરથી હસી પડી કહે ચાલો હવે એમ કહી વિશ્વાસનો જોરથી હાથ પકડી જાણે ખેંચી જ ગઈ..
પ્રકરણ : 5 સમાપ્ત…..અંગિરાનો પ્રવેશ શું રંગ લાવશે ?.