Limelight - 30 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૩૦

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૦

કામિની પોતાની ઝીરો ફિગરની વાત કરતાં રસીલી સામે રડી પડી. ઝીરો ફિગર બનાવવામાં તેનું શરીર પાતળું રહી ગયું અને તેની કેવી સજા ભોગવી એ વાત કરતી વખતે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

"કામિનીબેન, હું તમારી વ્યથા સમજી શકું છું. તમે મારી પાસે મદદ માગી અને મેં તમારી થાય એટલી મારી મર્યાદામાં રહીને મદદ કરી એ માટે તમારે આભાર માનવાનો ના હોય. દુ:ખ તો એ વાતનું છે કે મારી અને તમારી બંનેની મહેનત ફળી નહીં. પ્રકાશચંદ્ર આ દુનિયા છોડીને જતા રહ્યા. તમારી વિનંતીથી મેં પ્રકાશચંદ્ર સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. મેં તમને કોઇ સવાલ કર્યો ન તો. અને પહેલા જ પ્રયત્નમાં એમની નપુંસકતાની બીમારી દૂર થઇ ગઇ એનો તમારા કરતાં મને વધુ આનંદ હતો. મેં પહેલી વખત પ્રકાશચંદ્રનો સાથ માણ્યા પછી તમને મેસેજ કર્યો હતો કે કામ થઇ ગયું છે. ત્યારે મને તમારું કામ થયાનો આનંદ થયો હતો. હવે તમારા સૂકા જીવનમાં બહાર ખીલી ઉઠશે એનો હરખ હતો. પણ એ બધું અલ્પજીવી રહ્યું. પ્રકાશચંદ્ર ન જાણે કેમ "લાઇમ લાઇટ" ની નિષ્ફળતાથી એટલા બધા હતાશ થઇ ગયા કે જિંદગીથી હારી ગયા..." રસીલીએ દુ:ખી સ્વરે કહ્યું.

"રસીલી, મને તો તને આવું કામ સોંપતા સંકોચ થતો હતો. કોઇ બીજી સ્ત્રીને પોતાના જ પતિ સાથે સંગ કરવાનું કહેતાં જીભ ઉપડતી ન હતી. પણ શું કરું? એ જ છેલ્લો ઉપાય હતો. અને એ સફળ રહેશે કે કેમ એ માટે મને શંકા તો હતી. આ બધું નૈતિક ન હતું એ હું સારી રીતે સમજતી હતી. મારી પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. મને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે પ્રકાશચંદ્ર નપુંસક છે. અને એમણે એ માટે કોઇ દવા કરાવી ન હતી. મારી પહેલી મુલાકાત એમની એક આર્ટ ફિલ્મ માટે સાઇન થઇ ત્યારે થઇ હતી. મેં શરૂઆતમાં થોડી નાની-મોટી ફિલ્મો કરી હતી. મને ખાસ સફળતા મળી ન હતી. હું કેવી રીતે છવાઇ જાઉં અને બીજી ફિલ્મો મેળવું એ માટે રાત-દિવસ વિચારતી હતી. મેં એક-બે ફિલ્મો તો થોડું સમાધાન કરીને મેળવી હતી. પણ એ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રંગ જમાવ્યો ન હતો. મેં મારી સહેલી સંગીતાને પણ વાત કરી હતી. ત્યારે તેણે મને કેટલીક સલાહ આપી હતી. એમાં વધુ પડતું અંગપ્રદર્શન અને બેડરૂમ સીન્સ આપવાની વાત હતી. જે કામ પ્રકાશચંદ્રએ "લાઇમ લાઇટ" માં તારી પાસે કરાવ્યું હતું. પણ મને એ કામ પસંદ ન હતું. હું એક એવા પરિવારમાંથી આવતી હતી જ્યાં આ શોભે એમ ન હતું. હું ઇચ્છતી ન હતી કે મારા પરિવારને મારા કારણે શરમ અનુભવવી પડે અને તેઓ કોઇને પોતાનું મોં બતાવી ના શકે. ત્યારે સંગીતાએ મને ઝીરો ફિગરનો વિચાર આપ્યો. એ મને ગમી ગયો. આપણે ત્યાં ત્યારે ઝીરો ફિગરનું ચલણ ન હતું. અત્યારે પણ નથી જ. વિદેશોમાં તો આજે પણ ઝીરો ફિગર મોડેલ હિટ છે. આપણે ત્યાં હીરોઇન અલમસ્ત હોય એ દર્શકોને ગમતું રહ્યું છે. હું પણ ઠીક ઠીક વજન ધરાવતી હતી. હા, તારાથી વજન થો.....ડું ઓછું હતું!" કહી કામિની સહેજ હસી.

પછી થોડી ક્ષણો કંઇક યાદ કરતી હોય એમ રોકાઇ ગઇ. અને પછી આગળ બોલી:"હું ઓછાં કપડાંમાં ફિલ્મ કરતી ન હતી. પણ ચુસ્ત કપડાં પહેરી મારા સેક્સી ફિગરથી આકર્ષવાનો પ્રયત્ન જરૂર કરતી હતી. આજકાલ ભોજપુરી ફિલ્મોના ટ્રેન્ડમાં વળી વધુ વજનવાળી હીરોઇનોની માંગ વધારે છે. એ સમયમાં મેં જોખમ લેવાનું નક્કી કર્યું. મારો ઝીરો ફિગર ટ્રેન્ડ ચાલી જાય એમ પણ બની શકે એવું વિચારીને મેં ઝીરો ફિગર માટે મહેનત શરૂ કરી. રોજ જીમમાં જવા લાગી. ડાયેટિશિયનના કહેવા મુજબ જીવન ગોઠવી દીધું. ત્રણ જ મહિનામાં મેં ઘણું વજન ઉતારી દીધું. એક નિર્માતાને મેં મારા આ વિચારની વાત કરી રાખી હતી. તેને તો ફિલ્મના પ્રચાર માટે એક નવા મુદ્દાની જરૂર હતી. તે તૈયાર જ હતો. હું ઝીરો ફિગરમાં આવી ગઇ એટલે તેણે ફિલ્મની જાહેરાત કરી દીધી. શરૂઆતમાં મારા ઝીરો ફિગરની ખૂબ ચર્ચા ચાલી છોકરીઓ મારા ઝીરો ફિગરનું અનુકરણ કરી રહી હોવાના સમાચાર આવવા લાગ્યા. બીજી હીરોઇનો ચોંકી ગઇ હતી. એ સમયની એક ટોપની હીરોઇન તો મારી પાસે ઝીરો ફિગરનું રહસ્ય જાણવા મારા ઘરે આવી હતી. મેં એને કહ્યું હતું કે ફિલ્મ રજૂ થયા પછી હું જણાવીશ! પણ ફિલ્મ રજૂ થયા પછી મારે કોઇને એનું રહસ્ય કહેવાની જરૂર જ ના રહી. ફિલ્મ રજૂ થયા પછી એક-બે દિવસ ઠીક ઠીક ચાલી પણ દર્શકોને મારું ઝીરો ફિગર ખાસ પસંદ ના આવ્યું હોય એમ ફ્લોપ જાહેર થઇ ગઇ. અસલમાં એ ફિલ્મની વાર્તા એટલી દમદાર ન હતી. જો વાર્તા શાનદાર હોત તો જરૂર આ ટ્રેન્ડ પણ ચાલી નીકળ્યો હોત. ફિલ્મની નિષ્ફળતાથી હું નિરાશ થઇ ગઇ. મને મારા સેક્સી ફિગરને કારણે પહેલાં જે થોડું કામ મળતું હતું એ પણ બંધ થઇ ગયું. કોઇ ઝીરો ફિગર હીરોઇન સાથે ફિલ્મ બનાવવાનું જોખમ લેવા માગતું ન હતું. ત્યારે મને ખબર ન હતી કે ઝીરો ફિગરને કારણે મારું બેંક બેલેન્સ ઝીરો થઇ જશે. થોડા દિવસની બેકારી પછી મેં ઝીરો ફિગરનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો. મેં એવો વિચાર કર્યો કે ફરી વજન વધારું અને પહેલાં જેવું ફિગર બનાવી દઉં. ત્યારે જ મારા જીવનમાં પ્રકાશચંદ્ર આવ્યા. તેમણે ઝીરો ફિગર સાથે એક આર્ટ ફિલ્મમાં મને રોલ ઓફર કર્યો. મને લાગ્યું કે આ તક આ તબક્કે છોડવા જેવી નથી. અભિનેત્રી તરીકે મારું નામ થઇ શકે છે અને એવોર્ડ મળી શકે છે. મેં તરત જ એમને હા પાડી દીધી. એમની ફિલ્મનું શુટિંગ તો માંડ દોઢ મહિનો જ ચાલ્યું. એ સમયગાળામાં મેં પ્રકાશચંદ્રને નજીકથી ઓળખ્યા અને હું તેમનાથી પ્રભાવિત થઇ ગઇ. તેમના પ્રત્યે આકર્ષણ ઊભું થયું. એ સીધા-સાદા અને ઇમાનદાર માણસ હતા. ક્યારેય કોઇ છોકરી કે મહિલાને બૂરી નજરથી જોતા ન હતા. કે તેમનું શોષણ કરતા ન હતા. સ્વભાવ પણ એટલો સાલસ હતો કે તેમની સાથે દોસ્તી અને પછી પ્રેમ થઇ ગયો. જે જલદી લગ્નમાં પરિણમ્યો. લગ્ન પછી મને એમની નપુંસકતા વિશે જાણ થઇ અને મને આઘાત લાગ્યો. મેં એમની સાથે ઝઘડો કર્યો. ત્યારે એમણે મને કહ્યું કે મને આ વાતની ખબર જ ન હતી. લગ્ન પછી મને પણ જાણ થઇ. મારા સ્વભાવમાં જ આ કામના કે કામવૃત્તિ ન હતી. એ બાબત આજે બીમારી તરીકે બહાર આવશે એની મને કલ્પના ન હતી. હું દિલથી તને પ્રેમ કરું છું. છતાં જો તને લાગતું હોય કે તું મારી સાથે સુખથી રહી શકશે નહીં તો મને છોડીને જઇ શકે છે. લગ્ન પછી તરત જ પતિને છોડવાનું વિચારી શકાય એમ ન હતું. અને એમાં તેમનો કોઇ વાંક મને દેખાયો નહીં. મેં તેમની સાથે રહીને તેમની નપુંસકતાની બીમારીના ઇલાજ માટે સંઘર્ષ કરવાનું નક્કી કર્યું. સાથે મારું ફિગર પહેલાં જેવું કરવા ખોરાક પણ વધારી દીધો. મારી કમનસીબી એ રહી કે બંને મોરચે હું નિષ્ફળ રહી...." બોલતાં કામિનીની આંખો છલકાઇ ગઇ. આજે તે પહેલી વખત કોઇની સમક્ષ દિલ ખોલીને પોતાના જીવનના રહસ્યો ખોલી રહી હતી. તેને પહેલી વખત એવું લાગ્યું કે રસીલીને પોતાના જીવનની વાતો કહીને હળવા થઇ શકાય એમ છે.

રસીલીએ ઉભા થઇ પાણી લાવીને આપ્યું અને બોલી:"તમે ન જાણે કેટલો સંઘર્ષ કર્યો છે અને સહન કર્યું છે..."

કામિનીએ આંસુને ખાળી લીધા. અને આગળ બોલવા લાગી:"રસીલી, હું તને આ બધું કેમ કહી રહી છું એવો પ્રશ્ન જરૂર થતો હશે...."

"ના, તમે તમારા દિલનો બંધ ખોલી નાખો. તમે વર્ષોથી ગૂંગળાતા હોય એવું લાગે છે. તમે મને નાની બહેન સમજીને કહો. હું કોઇને આ વાતો કરીશ નહીં...." રસીલીએ કામિનીના ખભા પર હાથ મૂકી કહ્યું.

"તું નાની બહેન હોત તો કદાચ હું આ બધું કહી શકી ન હોત. પણ તને મારી ખાસ સખી સમજીને કહી રહી છું. તું મારી લાગણી સમજી શકે એવી છે. એનો મને અનુભવ થઇ ગયો છે. તારું મારા પર ઘણું ઋણ છે...." બોલી કામિની મૂળ વાત પર પાછી આવી ગઇ:"ના હું મારું ફિગર પાછું મેળવી શકી ના પ્રકાશચંદ્રને.....મેં વજન વધારવા ઘણા પ્રયત્ન કર્યા પણ કોઇ સફળતા ના મળી. પ્રકાશચંદ્રમાં કામદેવ પણ જાગી ના શકયા. ન જાણે કેટલાય ડોક્ટરોની સારવાર લીધી. કેટલાય ઓસડિયા પીવડાવ્યા. કોઇએ આયુર્વેદની સલાહ આપી તો એની દવા કરી. અનેક ડોકટરો સાથેના સેશન પછી એક ડોક્ટરની ખાનગી સલાહ મને વારંવાર યાદ આવી રહી હતી. અને છેલ્લા ઉપાય તરીકે મેં એ પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. મને ડોકટરે એમ કહ્યું કે તમારા શરીરમાં કદાચ પ્રકાશચંદ્રને રસ પડતો નથી. એક વખત તે આ બીમારીમાંથી બહાર આવી જશે પછી તમારી સાથે સંબંધ બાંધી શકે એમ બને. એટલે પહેલાં પ્રકાશચંદ્રને કોઇ બીજી સ્ત્રી પોતાની સાથે સંબંધ બાંધવા તૈયાર કરે તો શક્ય છે કે તેમનામાં કામેચ્છા જાગે. એ પોતે તો કોઇ બીજી સ્ત્રી પાસે જવાના નથી. તમારે જ કોઇ વ્યવસ્થા ગોઠવવી પડે. અને એ ધંધાદારી સ્ત્રી હોય તો વધારે સારું. હું વિચારવા લાગી. નૈતિક રીતે આ વાત યોગ્ય નથી. કોઇ પત્ની આવું કરવાનું વિચારે પણ નહીં. પણ "મરતા ક્યા ના કરતા" જેવી મારી હાલત હતી. અમારા જીવનમાં એક જ સુખની કમી હતી. એ માટે મેં મન મક્કમ કરીને એક જુગાર ખેલવાનું નક્કી કરી લીધું. મારી સામે સૌથી પહેલો અને સહેલો જે વિકલ્પ દેખાયો એ તું જ હતી રસીલી. કેમકે પ્રકાશચંદ્રએ મને કહ્યું હતું કે રસીલી પ્રોસ્ટીટ્યુટ હતી. આ અંગે કોઇને કંઇ કહેવાનું નથી. તારી સાથે પ્રકાશચંદ્ર કામ કરી રહ્યા હતા અને તું તૈયાર થઇ શકે એમ હતી. એટલે મેં તને કહ્યું. અને તું બહુ જલદી માની ગઇ...." કામિની શ્વાસ લેવા થોભી.

"તમે જ્યારે મને પ્રકાશચંદ્રની સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી ત્યારે પહેલાં તો હું ચમકી ગઇ. કોઇ પત્ની આ રીતે પોતાના પતિ સાથે સંબંધ બાંધવાનું કહે એ અજુગતું લાગે. મારા માટે આ વાત નવી ન હતી. હું ધંધાદારી સ્ત્રી રહી હતી. પણ પ્રકાશચંદ્રની વાત અલગ હતી. તેમણે મારી સામે ક્યારેય ખરાબ નજરથી જોયું ન હતું. ફિલ્મના કેટલાક બેડરૂમ સીન્સ વખતે તેમણે મને સમજાવ્યું હતું. મને નવાઇ એ વાતની લાગે છે કે જેમણે ક્યારેય પત્ની સાથે બેડરૂમમાં પ્રેમ કર્યો નથી એ આટલું સરળ રીતે કેવી રીતે સમજાવી શકે. ક્યારેક તેમને મારું સાંનિધ્ય ખુશ કરી દેતું હતું. પણ એમાં ઉન્માદ ન હતો. તેમની સાથેની મુલાકાતોને કારણે મને થયું કે કામિનીબેનને હું કોઇ રીતે મદદરૂપ થઇ શકું તો પ્રકાશચંદ્રએ મને તક આપી એનું અહેસાન ચૂકવી શકીશ. અને મેં તેમને આકર્ષવાના પ્રયત્ન શરૂ કરી દીધા. મને અપેક્ષા કરતાં જલદી સફળતા મળી ગઇ. અને એક રાત તેમણે મારી સાથે વિતાવી. તેમનામાં પુરુષત્વ જાગ્યું એનો મને આનંદ થયો. મેં તમને મેસેજ કર્યો કે કામ થઇ ગયું એ પછી તમારી સ્થિતિ વિશે હું જાણવા માગતી હતી. પણ અચાનક જેમનામાં પુરુષત્વ જાગ્યું હતું એ આવું કાયર જેવું – આત્મહત્યાનું પગલું ભરશે અને મોતને વહાલું કરશે એની કલ્પના ન હતી....તેમણે આવું કરવું જોઇતું ન હતું...." રસીલી દુ:ખ સાથે બોલી.

".....એ.....એ....એવા મોતને લાયક જ હતો...." અચાનક કામિનીની આંખમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. તેનો ચહેરો તમતમી ગયો. એ જોઇ રસીલી ભડકી ગઇ.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૨૮૦૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં કામિની અચાનક ગુસ્સે કેમ થઇ ગઇ? એ ઉપરાંત રસીલીએ તેના મોન્ટુ સાથેના અફેરની વેબ લિન્ક કોને અને કેમ મોકલી હતી? ઇન્સ્પેક્ટરની મુલાકાત પહેલાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હતો? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના બાકી જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે. તેના ૧૩૦૦૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૮૦૦ રેટીંગ્સ લોકપ્રિયતાના પુરાવા છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. અને ૨૪૦૦ ડાઉનલોડ સાથે તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણી "આંધળો પ્રેમ" પણ આપને વાંચવી ગમશે.

***