Murder at riverfront - 35 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર@રિવરફ્રન્ટ - 35

Featured Books
Categories
Share

મર્ડર@રિવરફ્રન્ટ - 35

મર્ડર@રિવરફ્રન્ટ 35

રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો આગામી ટાર્ગેટ અમદાવાદ શહેરનાં ડીસીપી દામોદર રાણા હતાં એની રાજલને ખબર પડી જાય છે અને એ હવાની ગતિએ બુલેટને દોડાવતી દરગાહ જોડે પહોંચી ગઈ હતી જેનાં લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ ડીસીપી રાણા હતાં.. ભીડ નાં લીધે આગળ વધવામાં અસમર્થ રાજલે શિકોલ બિલ્ડીંગ ની ટેરેસ ઉપર સ્નાયાપર ગન લઈને ઉભેલાં સિરિયલ કિલરને જોયો.

સિરિયલ કિલર નાં હાથમાં રહેલી સ્નાયાપર ગનનો નિશાનો રાણા તરફ મંડાયેલો જોઈ રાજલે કંઈક નિર્ણય લીધો અને પોતાની સર્વિસ રિવોલ્વર ને સ્ટેજ તરફ ઉભેલાં ડીસીપી રાણા ની તરફ તાકી.

રાજલે ધ્રુજતાં હાથ ને મહાપરાણે કંટ્રોલ કર્યો અને પોતાની રિવોલ્વરમાંથી એક બુલેટ ડીસીપી રાણા જે સ્ટેજની ઉપર મોજુદ હતાં એ સ્ટેજ પર ટેમ્પરરી બાંધેલાં હેલોજન પર ફાયર કરી દીધી..રાજલનાં અચૂક નિશાન પર એક જોરદાર ધડાકા સાથે હેલોજન તૂટી ગયો..અવાજની દિશામાં બધાંનું ધ્યાન એ તરફ ગયું એની બીજી જ સેકંડે એ સિરિયલ કિલરે સ્નાયાપર ગનમાંથી છોડેલી બુલેટ ડીસીપી રાણા ને વાગી અને એક જોરદાર ચીસ સાથે ડીસીપી દામોદર રાણા સ્ટેજ ઉપર ઢળી પડ્યાં.

આ બધું જે ગતિમાં બની ગયું એનાં લીધે જોરદાર ઉહાપોહ થઈ ગયો અને લોકો ની ભીડ બેકાબુ બનીને આમથી તેમ દોડવા લાગી..પોલીસનાં જેટલાં પણ કર્મચારીઓ ત્યાં ફરજ નિભાવી રહ્યાં હતાં એ બધાં ભીડ ને નિયંત્રણમાં રહેવાની અસફળ કોશિશમાં લાગેલાં હતાં.

ડીસીપી રાણા પર છોડેલી બુલેટ એમને વાગી છે એની ખબર પડતાં જ એ સિરિયલ કિલર પોતાની સ્નાયાપર ગનને પેક કરવાં લાગ્યો..રાજલ જોડે હવે પરિસ્થિતિ વણસી ચુકી હતી..રાણા સાહેબને શું થયું છે એ જોવાં જવું કે નજરો સામે મોજુદ એ સિરિયલ કિલરને પકડવાની કોશિશ કરવી એ વિચારતાં રાજલ થોડી સેકંડ અટકી ગઈ.

સિરિયલ કિલરને તો ગમે ત્યારે પકડી લેવાશે પણ હાલ તો ડીસીપી સાહેબનો જીવ ગમે તે ભોગે બચાવવો જરૂરી હતો એ વિચાર આવતાં જ રાજલે પોતાની રિવોલ્વર ને પોકેટ માં રાખી અને સ્ટેજ તરફ દોડી જ્યાં ડીસીપી રાણા બુલેટ વાગતાં પોડિયમ ની પાછળ ઢળી પડ્યાં હતાં..રાજલ શક્ય હોય એટલી ગતિમાં ભીડને ચીરતી સ્ટેજ જોડે પહોંચી અને સીધી જ સ્ટેજ ઉપર ચડી ગઈ.

રાજલે જઈને જોયું તો ડીસીપી રાણા ત્યાં ઉંધા માથે પડ્યાં હતાં અને ઘણું ખરું લોહી એમનાં છાતીનાં જમણાં ભાગમાંથી પ્રસરી ને સ્ટેજ ઉપર વહી રહ્યું હતું..રાજલે તાત્કાલિક સમય બગાડયાં વગર ડીસીપી રાણા નાં દેહ ને સીધો કર્યો..રાજલે જોયું તો ડીસીપી રાણા નાં જમણી તરફનાં ખભા અને છાતીની વચ્ચે વાગી હતી અને એમાંથી રક્ત વહીને ડીસીપી સાહેબનાં યુનિફોર્મ ને રક્તરંજીત કરતું વહી રહ્યું હતું.

"ડીસીપી સાહેબ..ડીસીપી સાહેબ.."રાણા સાહેબનું માથું હાથમાં લઈ રાજલ મોટેથી બોલી...આ દરમિયાન મનોજ અને બીજાં ત્રણ-ચાર કોન્સ્ટેબલ ત્યાં આવી પહોંચ્યા હતાં.

રાજલનો અવાજ સાંભળી ડીસીપી રાણા એ મહામહેનતે આંખો ખોલી અને રાજલ તરફ જોયું..એમની આંખોમાં મૌત નો ડર અને પોતાને બચાવી લેવાની ગુહાર હતી.. રાજલ તરફ જોઈને ડીસીપી રાણા ત્રુટક સ્વરે બોલ્યાં.

"રાજલ,મને બચાવી લે..હું જાણું છું એ સિરિયલ કિલર કોણ છે.."

"સર,કોણ છે એ સિરિયલ કિલર..જલ્દી બોલો.."રાજલ રાણા સાહેબની હથેળી પર હાથ ઘસતાં બોલી.

"એ સિરિયલ કિલર છે.."આટલું બોલતાં તો ડીસીપી રાણા ની ગરદન ઢળી પડી.

રાજલે બેચેની સાથે રાણા સાહેબનાં નાક જોડે પોતાની આંગળી રાખી અને એમનાં શ્વાસોશ્વાસ ચાલુ છે કે બંધ એ ચેક કરી જોયું..ત્યારબાદ રાજલે ડીસીપી સાહેબનાં હૃદયની ઉપર હાથ મૂકી એમનાં ધબકારા ચેક કરી જોયાં.. રાજલે ત્યારબાદ ખુશખુશાલ ચહેરે મનોજ ની તરફ જોયું અને ઊંચા અવાજમાં બોલી.

"ડીસીપી રાણા જીવિત છે..જલ્દી જીપ લઈને આવો.."

"Ok મેડમ.."રાજલનાં બોલતાં ની સાથે જ મનોજ ભાગીને જીપ લેવાં ગયો..મનોજનાં જીપ લઈને આવતાં જ રાજલે ત્યાં હાજર કોન્સ્ટેબલો ની સહાયતા થી બેહોશ થઈને પડેલાં ડીસીપી રાણા ને ઊંચકીને જીપમાં રાખ્યાં.

"ઇન્સ્પેકટર મનોજ...તમે પાછળ ડીસીપી સાહેબ જોડે બેસો હું જીપને ડ્રાઈવ કરીશ.."મનોજને ઉદ્દેશીને રાજલ બોલી..રાજલનો આદેશ મળતાં જ મનોજ ડ્રાઈવિંગ સીટમાંથી હેઠે ઉતર્યો અને જીપની પાછળની સીટમાં જઈને બેસી ગયો જ્યાં ડીસીપી રાણા નાં સુવડાવ્યાં હતાં.

રાજલે ડ્રાઈવિંગ સીટમાં સ્થાન લેતાં ની સાથે જ એક્સીલેટર પર પગ મૂક્યો અને જીપને ભગાવી મૂકી નવી બનેલી V.S હોસ્પિટલ તરફ..જ્યાં ઇન્સ્પેકટર વિનય ને પણ દાખલ કરવામાં આવ્યો હતો.

*********

પોતાની માં ની મોત માટે જવાબદાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડીસીપી રાણા જ છે એમ માનતો રિવરફ્રન્ટ સિરિયલ કિલર આ બધી ઘટના બની એનાં પહેલાં પોતાની કાર લઈને પહેલાં ખાડીયા વિસ્તારમાં ગયો જ્યાં એને નિત્યા મહેતા નો ફોન સ્વીચઓન કર્યો અને પછી સ્વીચઓફ કરી દીધો.

ફોન ની લાસ્ટ લોકેશન દ્વારા પોતાનાં શિકારનું નામ બતાવવાની હિન્ટ છોડયાં બાદ એ હત્યારો સીધો કારને હંકારી શિકોલ બિલ્ડીંગ જોડે આવીને ઉભો રહ્યો..આ વખતે એ હત્યારા એ એક નવી હોન્ડા અમેઝ કાર લીધી હતી જેનો રંગ સફેદ હતો..કારણકે એની સિલ્વર રંગની કાર ને પોલીસ ની ટીમ ઓળખી જાય એવી ભીતિ હતી.કારને બેઝમેન્ટમાં પાર્ક કરી એ હત્યારો લિફ્ટ નો ઉપયોગ કરી ટેરેસ પર આવ્યો.

સિક્યુરિટી દ્વારા એની કારને રોકવામાં ના આવે એ માટે એ હત્યારા એ પોતે શિકોલ બિલ્ડીંગ માં રહેતાં એક વ્યક્તિ સલીમ બલોચને મળવા આવ્યો હોવાનું બહાનું બનાવ્યું..આ બધી તૈયારી એ પહેલાં જ કરી ચુક્યો હતો..એ સિરિયલ કિલર પોતે આગળ કયું પગલું ભરવાનું હતો એનું બધું પ્રિપ્લાનિંગ એ કરી જ રાખતો.

બિલ્ડીંગ ની ટેરેસ પર પહોંચી એ હત્યારા એ પોતાની જોડે રહેલી બેગમાંથી લેપટોપ બહાર નિકાળ્યું.. લેપટોપમાં કોડિંગ કરી એને એકાદ કલાક માટે એ વિસ્તારમાં જેટલાં પણ મોબાઈલ ટાવર હતાં એમનાં નેટવર્ક સિગ્નલ બંધ કરી દીધાં..એ હત્યારો જેટલો ક્રૂર હતો એટલો જ ટેક્નિકલ નોલેજ પણ ધરાવતો હતો એ આજે એને ફરીવાર સાબિત કરી દીધું હતું.

આ કામ ને અંજામ આપ્યાં બાદ એ કાતીલે એક વુડન બોક્સમાંથી સ્નાયાપર ગનનાં અલગ-અલગ પાર્ટ બહાર કાઢયાં અને એને એસેમ્બલ કરી એમાંથી આખી ગન તૈયાર કરી..ત્યારબાદ પોતાનાં ચહેરા પર એક માસ્ક ધારણ કરી એ હત્યારા એ ટેરેસની એ દિવાલ પર સ્નાયાપર ગન ગોઠવી જ્યાંથી ડીસીપી રાણા ભાષણ આપી રહ્યાં હતાં એ સ્ટેજ દ્રશ્યમાન થતું હતું.

જેવાં ડીસીપી રાણા સ્ટેજ ઉપર આવ્યાં એ સાથે જ એ હત્યારો ડીસીપી રાણા ક્યારે અભિવાદન આપવાં સ્ટેજની મધ્યમાં આવે એની રાહ જોઈને બેસી રહ્યો..એનું મગજ અત્યારે બુલેટ ટ્રેઈનની માફક દોડી રહ્યું હતું..પોતાનાં આગળનાં પાંચ શિકાર સાથે તો પોતાને કોઈ નિસ્બત નહોતી એટલે એ હત્યારા એ આગળની બધી હત્યાઓ ને ખૂબ સુકુનથી અંજામ આપ્યો હતો..પણ આજે વાત કંઈક અલગ જ હતી..કેમકે રિવરફ્રન્ટ સિરિયલ કિલર તરીકે ઓળખાતાં એ હત્યારા માટે ડીસીપી રાણા એની માં ની મોત નું કારણ હતાં.. એની માં ની મોત માટે જવાબદાર વ્યક્તિને એ હત્યારો પોતાનો સૌથી મોટો દુશ્મન માનતો હશે એ લાજમી હતું.

એ હત્યારા એ પોતાની ગન નું નિશાન ડીસીપી રાણા નાં હૃદય પર રાખ્યું અને નિશાન લગાવવા જેવી ટ્રિગર પર આંગળી મૂકી એ સાથે જ રાજલની રિવોલ્વરમાંથી છુટેલી બુલેટ હેલોજન સાથે અથડાઈ અને હેલોજન ધડાકાભેર તૂટી ગયો..આ અવાજથી ત્યાં પેદા થયેલો ઉહાપોહ જોઈ એ હત્યારાની આંગળીનું દબાણ સ્નાયાપર ગનનાં ટ્રિગર પર આવી ગયું અને અંદર થી નીકળેલી બુલેટ ડીસીપી રાણા ને જઈને વાગી અને રાણા સ્ટેજ પર ઢળી પડ્યાં.

રાણા ને પોતે છોડેલી બુલેટ વાગી જ છે એ બાબતથી આશ્વસ્થ એ સિરિયલ કિલરે પોતાની જોડે લાવેલી બધી વસ્તુઓ હતી એમજ બેગમાં મૂકી અને ટેરેસ પરથી નીચે બેઝમેન્ટમાં આવ્યો..પોતાની કારમાં બેસી એ હત્યારો સીધો જ પોતાનાં ઉજ્જડ વિસ્તારમાં આવેલ બંગલા ની તરફ કારને લઈને ભાગી નીકળ્યો.

શિકોલ બિલ્ડીંગમાંથી નીકળી એ હત્યારો જેવો રોડ ઉપર આવ્યો એ સાથે જ પોતાની આંખમાં આવેલ આંસુ લૂછતાં બોલ્યો..

"મમ્મી,આજે તારાં મોત માટે જવાબદાર એ અભિમાની ડીસીપી રાણા ને હું એનાં કર્મોની સજા આપીને આવ્યો..હવે મારું જે થવું હોય એ થાય મને કોઈ ફરક જ નથી પડતો.."

************

આ તરફ રાજલ પોલીસ ની જીપ ને હવામાં ઉડાડતી હોય એ રીતે V.S હોસ્પિટલ તરફ દોડાવી રહી હતી..રસ્તામાં જીપનો હોર્ન અને જીપની રેડ લાઈટ સતત ચાલુ જ હતાં.. રાજલ નાં ચહેરા ઉપરથી નીતરતો પરસેવો એની ગરદન ઉપર આવી રહ્યો હતો..એનો ચહેરો તણાવમાં હતો..સાથે ગુસ્સામાં પણ.

રાજલ વારંવાર પોતાની ગરદન પાછળની તરફ ઘુમાવી મનોજ ને ડીસીપી રાણા જીવિત છે કે મૃત એ વિશે પૂછી લેતી..પંદર મિનિટની અંદર તો રાજલે જીપને VS હોસ્પિટલમાં આવેલી લિફ્ટ જોડે લાવીને ઉભી કરી દીધી..જીપમાંથી ઉતરતાં જ રાજલે ઊંચા અવાજે હોસ્પિટલ સ્ટાફ નાં માણસો ને ડીસીપી સાહેબને ઓપરેશન થિયેટર સુધી લઈ જવા આદેશ આપ્યો.

શહેરનાં ડીસીપી પર થયેલાં જીવલેણ હુમલા વિશે ની ખબર જેવી હોસ્પિટલનાં મુખ્ય ડિન ને પડી એ સાથે જ એને હોસ્પિટલનાં સારામાં સારાં ચાર ડોકટર ની ટીમ બનાવી પોતે એની આગેવાની લીધી અને હોસ્પિટલમાં દાખલ કરાયાં નાં દસ મિનિટની અંદર તો ડીસીપી રાણા ઉપર ઓપરેશન ની શરૂવાત કરી દીધી..રાજલ હજુ તો ઇન્સ્પેકટર વિનય પર થયેલાં ગંભીર હુમલા નાં સદમામાંથી બહાર નીકળી નહોતી ત્યાં એનાં માટે પિતાતુલ્ય એવાં ડીસીપી દામોદર રાણા પર સિરિયલ કિલર દ્વારા થટેલાં જીવલેણ હુમલાએ એને રીતસરની ભાંગી નાંખી.

"મનોજ મેં એ હત્યારા ને જોયો હતો..એને મારાં દેખતાં જ ડીસીપી સર ઉપર ગોળી ચલાવી..પણ હું કંઈપણ ના કરી શકી.."ડીસીપી રાણા ને ઓપરેશન થિયેટરમાં લઈ ગયાં ની સાથે જ મનોજની તરફ જોઈને રડમસ અને નિરાશ ચહેરે બોલી.

"મેડમ..તમે ધીરજ રાખો ડીસીપી સાહેબને કંઈ નહીં થાય.."રાજલને આશ્વાસન આપતાં મનોજ બોલ્યો..અને આ પરિસ્થિતિમાં એનાંથી વધુ મનોજ કંઈ કરી પણ શકે એમ નહોતો.

ડીસીપી રાણા ને હોસ્પિટલમાં લાવ્યાં ને અડધો કલાક પણ માંડ વીત્યો હતો ત્યાં તો આઈ.જી,ડી.આઈ.જી,કલેકટર બધાં હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં.. રાજલ નાં અંડર ફરજ બજાવતાં ઇન્સ્પેકટર સંદીપ અને ગણપતભાઈ પણ VS હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં..ડીસીપી રાણા ઉપર જ્યાં સર્જરી થઈ રહી હતી એ ઓપરેશન થિયેટર જે લોબીમાં હતું એ લોબી ઉપર તો પોલીસકર્મીઓનું કીડીયારું ઉભરાયું હતું.

મીડિયા કર્મીઓ પણ ધીરે-ધીરે હોસ્પિટલમાં પ્રવેશી ડીસીપી રાણા પર થયેલાં હુમલા ની રજેરજની માહિતી પોતાની ન્યૂઝ ચેનલ કે સમાચાર પત્રક માટે એકઠી કરવાં પ્રયત્નશીલ થયાં હતાં.

રાજલને એક પછી એક સિનિયર અધિકારીઓ આવીને ખરીખોટી સંભળાવી રહ્યાં હતાં..રાજલ પોતાની રીતે એમને સમજાવવાનો પ્રયત્ન તો કરી રહી હતી પણ આ સંજોગો પ્રમાણે એટલું પૂરતું નહોતું..આ બધું ઓછું હતું ત્યાં હોસ્પિટલમાં ડીસીપી રાણાનાં પુત્ર આદિત્ય રાણા નાં આવતાં ની સાથે જ માહોલ ગરમ થઈ ગયો.

"ક્યાં છે મારાં પિતાજી..શું થયું છે એમને.."રડતાં રડતાં આદિત્ય હોસ્પિટલમાં આવતાં જ ચિલ્લાવા લાગ્યો.

"આદિત્ય,રાણા સાહેબ હજુ જીવિત છે અને એમની ઉપર અત્યારે આ હોસ્પિટલનાં કાબીલ ડોક્ટરો નાં ટીમ દ્વારા સર્જરી થઈ રહી છે..તો એ બચી જ જશે..તું થોડી ધીરજ રાખ.."આઈ.જી જોબનપુત્રાએ આદિત્ય ને ધીરજ આપતાં કહ્યું.

"પણ કઈ રીતે એ શક્ય બને કે આટલાં મોટાં પોલીસ ઓફિસર ઉપર આવો જીવલેણ હુમલો થાય અને તમારી પોલીસ કંઈ ના કરી શકે.."આદિત્ય એ અવાજ તો ધીમો કર્યો પણ એનો ગુસ્સો ઓછો નહોતો થયો..આદિત્ય ની વાત નાં પ્રત્યુત્તરમાં કોઈ ઉચ્ચ અધિકારી જોડે કંઈ જવાબ નહોતો.

"આદિત્ય તું શાંત થા..ડીસીપી સાહેબ બચી જશે અને એમની ઉપર હુમલો કરનાર એ સિરિયલ કિલર પણ પકડાઈ જશે.."આ દરમિયાન આદિત્ય ને ત્યાં પહોંચેલો જોઈ રાજલ એની સમીપ આવીને બોલી.

"ઓહો..એસીપી રાજલ,પિતાજી ની આંખો નું રતન..એમનાં મતે એમને જોયેલી સૌથી શ્રેષ્ઠ પોલીસ અધિકારી..છતાં એ એક સિરિયલ કિલર સુધી પહોંચવામાં અસમર્થ.."રાજલની ઠેકડી ઉડાડતો હોય એમ આદિત્ય બોલ્યો.

આદિત્ય નું આમ બોલવું પોતાની કાર્યનિષ્ઠા પર સણસણતો તમાચો હોય એવું રાજલને લાગી રહ્યું હતું..પણ આ ક્ષણ પૂરતું એની જોડે આ બધું સાંભળ્યાં સિવાય કોઈ છૂટકો નહોતો એટલે એ વધુ કંઈ તો ના બોલી પણ એને આદિત્ય ને આશ્વસ્થ કરતાં કહ્યું.

"આદિત્ય,ડીસીપી સાહેબ એ સિરિયલ કિલર વિશે જાણે છે..એમને જેવું ભાન આવશે એ સાથે જ એ હત્યારો જેલની સલાખો પાછળ હશે.."

"શું વાત છે...પિતાજી જાણે છે એમની ઉપર હુમલો કરનાર અને પાંચ લોકોની હત્યા કરનાર એ સિરિયલ કિલર વિશે..તો તો ખૂબ સરસ.."ખુશ થઈને આદિત્ય બોલ્યો.

************

અઢી કલાક જેટલું ચાલેલા ઓપરેશન બાદ ડીસીપી રાણા નો મેડિકલ રિપોર્ટ આવી ગયો..જેમાં એમને સંપૂર્ણ પણે ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવ્યું..સાથે મેડિકલ રિપોર્ટમાં લખ્યું હતું કે ડીસીપી રાણા ડાબી તરફ ઝુકાવ લઈને ઉભેલાં ના હોત તો શાયદ એમને જે ગોળી જમણાં ખભા જોડે વાગી એ હૃદય ની ઉપર વાગી શકે એમ હતી..કાલે સવારે એ ભાનમાં આવી જશે એટલે એમની સાથે વાત કરી શકાશે.

રાજલે સ્ટેજની ડાબી તરફ લગાડેલાં હેલોજન પર ગોળી ચલાવતાં થયેલાં ધડાકા નાં લીધે ડીસીપી રાણા નું ધ્યાન એ તરફ ગયું..અને એટલે જ કાતીલ નો અચૂક નિશાનો ચુકી ગયો જેનાં લીધે ડીસીપી રાણા બચી ગયાં.. આ વાત ની જ્યારે બધાં ને ખબર પડી ત્યારે આદિત્ય સહિત બધાં સિનિયર ઓફિસરોએ રાજલની માફી માંગી અને એનાં વખાણ કર્યાં.

આખરે આઈજી જોબનપુત્રા એ ડીસીપી રાણા ને જ્યાં રખાયાં હતાં એ લોબી પર સામાન્ય જનતા નો પ્રવેશ નિષેધ કરાવ્યો..અને આજની રાત ડીસીપી રાણા ની સુરક્ષા ની જવાબદારી એસીપી રાજલ નાં માથે નાંખી..ડીસીપી રાણા નાં દીકરા આદિત્ય ને પણ ત્યાં આવવાની મનાઈ કરવામાં આવી એ હદે ડીસીપી રાણા ની સુરક્ષા સઘન કરવામાં આવી હતી.

********

ડીસીપી રાણા પર થયેલાં હુમલા બાદ એમનાં આબાદ બચી જવાની ખબર ટેલિવિઝન પર રિવરફ્રન્ટ સિરિયલ કિલર પોતાનાં બંગલા માં બેઠો બેઠો જોઈ રહ્યો હતો..સાથે એ ખબર પણ એને જોઈ કે ડીસીપી રાણા ને એ સિરિયલ કિલર કોણ છે એની ખબર પડી ગઈ છે..આ જોતાં જ એ હત્યારો ઉશ્કેરાટ માં બોલ્યો.

"રાજલ...તારાં લીધે..તારાં લીધે જ એ ડીસીપી બચી ગયો..જેનાં લીધે મને જન્મ આપનારી મારી જનેતા આ દુનિયા છોડીને ચાલી ગઈ..ભલે આજે તો એ બચી ગયો હોય પણ કાલ સવારનો સૂરજ તો એ જોઈ નહીં શકે એ નક્કી છે.."

આટલું બોલી એ હત્યારો મિરર સામે ઉભો રહ્યો અને નકલી માસ્ક અને મેકઅપ વડે પોતાનો ચહેરો ઘણોખરો બદલી લીધો..ત્યારબાદ એને એક હુડીની જેકેટ પહેર્યું અને હાથમાં એક સાયલેન્સર ફિટ કરેલી રિવોલ્વર લીધી.રિવોલ્વર ને પોતાનાં જેકેટ ની અંદર છુપાવી એ સિરિયલ કિલર પોતાની બાઈક પર સવાર થઈને નીકળી પડ્યો VS હોસ્પિટલ તરફ..એની આંખોમાં અત્યારે આગ દેખાઈ રહી હતી..જે આગ ડીસીપી રાણા ની મોત ને અંજામ આપ્યાં વગર શાંત નહોતી જ થવાની..!

**********

વઘુ આવતાં ભાગમાં.

આજની રાત શું થવાનું હતું..?રાજલ રોકી શકશે એ સિરિયલ કિલરને ડીસીપી રાણા ની હત્યા કરતાં.?ડીસીપી રાણા કઈ રીતે એ હત્યારાની માં ની મોત નું કારણ હતાં..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)