Mrutyu pachhinu jivan - 3 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - 3

Featured Books
Categories
Share

મૃત્યુ પછીનું જીવન - 3

મૃત્યુ પછીનું જીવન—૩

રાઘવનું શબ ત્યાં પડયું છે , પણ એ માનવા જ તેયાર નથી કે એ મરી ચુક્યો છે.

એ ફરી જાય છે ઘરનાં આંગણમાં ઉભેલી પત્ની પાસે , ચિલ્લાય છે “ગોમતી, હું અહીં તારી સામે ઊભો છું , જો આ લોકો મારા શરીરને ક્યાં લઈ જાય છે ...! તું રોક આ બધાંને ...ગોળી વાગી છે મને , પણ હું મર્યો જ નથી .ગોમતી , મને બચાવી લે , પ્લીઝ...! તું તારા છોકરાઓને રોક... તારા ચોધાર આંસુઓથી મને આજે દુઃખ થાય છે , તું રડ નહીં , તું તારી સાથે જ છું." રાઘવ ગોમતીના આંસુ લુછવા ગયો , પણ એનો હાથ ગોમતીના શરીર વચ્ચે થી પસાર થઇ ગયો...રાઘવ ડરી ગયો આવા અનુભવથી ..'પ્લીઝ ગોમતી ,મને બચાવી લે, હવે બધું તારા જ હાથમાં છે . તું જ આ બધાને રોકી શકે...!' રાઘવ નિરાધાર , નિસહાય , લાચાર થઈને બે હાથ જોડીને ગોમતીની સામે ઊભો હતો . એ જ રાઘવ, જેણે કેલીય વાર આ પત્ની પર હાથ ઉપાડ્યો હતો , કેટલીય વાર ગાળો બોલી હતી , કેટલીય વાર ધક્કા માર્યા હતાં , અને છતાં એ આજે મારા ન હોવાથી એ રડી રહી છે ....અને કુદરતે મને એની સામે હાથ જોડી ઊભો કરી દીધો છે ,પણ હવે સમય સરી ગયો છે હાથમાંથી .. રાઘવ ગોમતીનો ખભો હચમચાવીને બોલ્યો , પણ આજે ગોમતીએ રાઘવની સામે ન જ જોયું ...

વંશ , સમીર , અને રાઘવના બે ખાસ મિત્રો શબને લઇને જઈ રહ્યાં છે. રાઘવ ફરી પાછો એનાં પાર્થિવ શરીર પાસે જાય છે , જઇને એનાં મજબુત પગને સ્પર્શે છે. ‘ આ મજબુત પગ જીવનભર દોડતાં રહ્યાં , બસ દોડતાં રહ્યાં ...ક્યારેય અટક્યાં નહીં , એમને ક્યારેય થાક લાગતો નહીં , પણ છેલ્લાં કેટલાય દિવસોથી જાણે કહી રહ્યાં હતાં..હવે બસ કર રાઘવ..બહુ દોડાદોડી થઇ , હવે આરામ કર..આજે કોણે એને આમ બેરહમીથી બાંધી દીધાં ? દુશ્મનોએ નહીં ; મારાં પોતાનાઓએ..મારા જ લોહીએ ...મારો પડ્યો બોલ ઝીલનારાઓએ...’

‘છોડો મારા પગ છોડો..’ રાઘવે ઠાઠડી પર બાંધેલાં એનાં પગને છોડાવવાની ખુબ કોશિષ કરી ,પણ એ શબ પરનું કપડું સુધ્ધા હટાવી ન શક્યો ..

પછી જઇને એનાં હાથને સ્પર્શ કર્યો. આ હાથથી કેટલીય વાર ગન ચલાવી, દુશ્મનોનાં માણસોને બાંધીને માર્યા , દંડ ઉઠાવ્યા અને આજે આ હાથ પોતાનાં શરીરને ય છોડાવી શકતાં નથી ..

રાઘવે એની બંધ આંખોને સ્પર્શ કર્યો . આંખો ખોલ રાઘવ..આ આંખોથો કેટલાય સપનાઓ જોયાં , પૂરાયે કર્યા..દેશવિદેશ જોયાં , જાતજાતનાં લોકોને જોયાં, પોતાનાને પારકા થતાં જોયાં , પારકાને પોતાનાં બનતાં જોયાં..બહુ જોયું ..હવે જાણે તાકીને આરામ કરવાની જીદે ચઢી છે આ આંખો ..

પછી રાઘવે એનાં એકદમ જીવંત લાગતાં હોઠોને સ્પર્શ કર્યો , જાણે હમણાં બોલી ઉઠશે .મને ખોલો, હું જીવતો છું...અને હમણાં બધા જાણી જશે કે સત્ય શું છે ને મિથ્યા શું છે ? એમ પણ લોકો હમેશાં પોતપોતાનાં સત્યમાં જ જીવતાં હોય છે..આ હોઠોમાં , એનાં શબ્દોમાં હમેશાં એક પાવર રહ્યો હતો , રૂઆબ રહેતો ; લોકો કાયમ એનો પડ્યો બોલ ઝીલતાં , ઘરમાં પણ અને બહાર પણ ..અને આજે ચિલ્લાઈ ચિલ્લાઈ ને બોલું છું , પણ કોઈ સાંભળવા તેયાર નથી..આવી લાચારી ક્યારેય ભોગવી નથી...આ ઘડીએ એમ થાય છે , સારું છે હું આ જોવા જીવતો નથી..જો જીવતેજીવ આવું થાત તો...? કેટલો ભયાનક અનુભવ ...! પણ આ જ શરીર ..આ જ હાથ પગ.. આજ જ હોઠો ...પણ એક શ્વાસનાં ન હોવાથી મારું અસ્તિત્વ જ બદલાઈ ગયું ? હું જાણે મરેલી માખીની જેમ બહાર ફેંકાઈ રહ્યો છું યા કુડા કચરાની જેમ બહાર ફેંકાઈ રહ્યો છું..? આ શરીરની હવે કોઈ જ કિંમત નહીં ? આ કેવી કુદરતની કરુણતા..? કાલ સુધી મને પૂછ્યા વિના પાંદડું પણ હાલતું નહીં અને આજે મારી રીક્વેસ્ટ , મારી બુમો , મારી લાચારીને કોઈ જોવા , સાંભળવા , સમજવાં તેયાર નથી ..કોઈને મારી દરકાર નથી...

રાઘવ ફરી એનાં શરીર પાસે ગયો..એનાં માથાને હલાવવાની ખુબ કોશિશ કરી ...અરે રાઘવ ધ ગ્રેટ , ઉઠી જા ...જલ્દી ..આ લોકો તને ફીનીશ કરી રહ્યાં છે , તને સ્મશાન લઈ જાય છે ..ઉઠી જા ..નહીતર બધું જ ખતમ..પણ આ દિમાગ પણ જાણે જીંદગીભરનાં કામ પછી લાંબા આરામે ચઢ્યું છે ..હલતું જ નથી ..આખી જીંદગી આ દિમાગે કાવાદાવા કર્યા , ખેલ કર્યા , ક્યારેક પુલીસને ઊંધે રવાડે ચઢાવી દુશ્મનોને પકડાવવા , કયારેક વિરોધીઓને સામસામે લડાવવા અને જુઓ હવે, આજે જયારે મને એની સૌથી વધારે જરૂર છે , ત્યારે કેવું નિરાંતે ઊંઘે છે ?

પોતાનાં માણસોની શું વાત કરું ,જયારે પોતાનું શરીર જ સાથ નથી આપતું તો ...! રાઘવ ક્યાંય સુધી એનાં પાર્થિવ શરીરને બાઝીને પડી રહ્યો , એનાં રૂપાળા, મજબુત , કસાયેલા સુંદર દેહની માયામાંથી મુક્ત થવું સહેલું થોડું હતું ? રાઘવે ઘણી કોશિશ કરી , એનાં શરીરમાં પુનઃ પ્રવેશ કરવાની..નાકમાંથી , કાનમાંથી..પણ વ્યર્થ..!

હમેશાં ધાર્યું પૂરું કરનાર રાઘવને, કંઈ જ ન કરી શકવાની આ લાચારી તોડી રહી હતી..ગભરાવી રહી હતી, આખરે એ જોર જોરથી ચીસો પાડવા લાગ્યો..કોઈ તો સાંભળે, કોઈ તો મદદ કરે , કોઈ નહીં, તો ભગવાન તો સાંભળે. ‘’ઓહ ગોડ.... કંઈ કર..કોઈ તો રસ્તો બતાવ..’’

એકદમ એને યાદ આવ્યું , આ બધું પેલા રાશીદને લીધે થયું છે ..એનો બદલો તો હું લઇને રહીશ ..રાશીદ ..હું આવી રહ્યો છું....

-- Amisha Rawal

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------