આગ દુર હતી પણ તેની ઝાળ ભયાનક હતી. મેં પહેલા કહ્યું તેમ અમને માનવ જેવી દરેક લાગણી થાય છે. એ ગરમી કરતા પણ વધુ ભયાનક હતો ધુમાડો. ત્યાં ચારે તરફ ધુમાડો અને અંધકાર ફેલાઈ ગયા હતા. મેં મારો રૂમાલ નીકાળ્યો. હું ક્યારનોય દોડી રહ્યો હતો એટલે મારા ચહેરા પર અને ગરદન પર પરસેવાના રેલા હતા. એ પરસેવો વળવામાં આસપાસની ગરમી પણ જવાબદાર હતી. એ ગરમીથી થયેલ પરસેવો મારા માટે મદદરૂપ હતો. મેં રુમાલથી પરસેવો લૂછ્યો અને મારા મો ફરતે એ પરસેવાથી ભીનો રૂમાલ બાંધી દીધો. એ રૂમાલ એક ફિલ્ટરનું કામ કરવા લાગ્યો નહિતર એ ધુમાડો મને ગૂંગળાવી મારવા માટે પુરતો હતો.
મને ફિકર થઇ કદાચ બધાને એ તરકીબ સુજી હશે કે નહિ પણ એ સમય વિચારવાનો ન હતો. બધાએ પોત પોતાની રીતે આગળ વધ્યે જવાનું હતું.
નક્કી કર્યા મુજબ પ્લાન વિરુદ્ધ કોઈ કામ કરવાનું ન હતું એટલે હું એમની પાસે એમની ખબર કાઢવા જઇ શકું તેમ નહોતો. કોઈ એકની પણ ભૂલ આખા પ્લાનનો સત્યાનાસ કરી શકે. બધા સલામત છે કે કેમ એ જાણવાનો કોઈ રસ્તો ન હતો. મારે આગળ વધ્યે જવાનું હતું. હું આગળ વધવા લાગ્યો.
હું દોડતો રહ્યો. મારા ચહેરા પર બાંધેલ રૂમાલ મારા પરસેવામાં વધુ પલળે ગયો. એ ભીનો રૂમાલ મને એક થીન વેઇલની જેમ ધુમાડા સામે પ્રોટેકશન આપતો રહ્યો. ઝાડીઓ મારા ચહેરા અને શરીર સાથે અથડાયે ગઈ પણ હું એને ગણકાર્યા વિના દોડતો રહ્યો. મારી સ્પીડ માઈલોમાં હતી.
હું સુકા અને સળગતા લાકડાઓને કુદીને આગળ વધતો ગયો. આગ ક્યારેક મારા બાજુમાં તો ક્યારેક મારી આગળ નીકળી જતી. હું આગથી વધુ ઝડપે દોડી શકું તેમ હતો પણ મારે એ સસલા, હરણ અને બીજા પ્રાણીઓની પાછળ રહેવું હતું જેથી હું એમને ડાયરેકશન આપી શકું અને એ બચી શકે. જોકે મને પછી સમજાયું કે એ મારી ભૂલ હતી. દિશાઓનું જ્ઞાન એમનામાં મારા કરતા વધુ હતું. એ જાનવરો એવી અનેક કુદરતી આગ સામે પણ પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા હતા જયારે એ તો એક માનવ નિર્મિત નાનકડી આગ હતી જેમાંથી બચવું એમના માટે કોઈ અઘરી વાત નહોતી.
એકાએક મારા આગળના ભાગે એક તોતિંગ સુકું થડ સળગતી હાલતમાં આવીને પડ્યું. મેં મારી સ્પીડને મેઈન્ટેન રાખીને જ એના પરથી કુદકો લગાવ્યો છતાં મારું જાકીટ જરાક આગને અડી ગયુ અને મારે દોડતા જ એ જાકીટ ઉતારીને ફેકી દેવું પડ્યું. મને ખ્યાલ હતો લેધર સળગીને શરીરે ચોટી જતા વાર ન લાગે. એક પળની પણ ગફલત પરવડે તેમ ન હતી. મારે એ જાકીટ ફેકવું પડ્યું. એ મારું ફેવરીટ જાકીટ હતું એમ તો ન કહી શકાય પણ એ મને ખુબ જ પસંદ હતું.
થોડાક સમયમાં મારું ગળું અને મારી છાતી બળવા લાગ્યા. એ રૂમાલ હવે નકામો થઇ ગયો કારણ કે ધુમાડો અને ગરમી વધી ગઈ હતી. દરેક શ્વાસ સાથે મને એમ લાગવા માંડ્યું કે મારા ફેફસા અંદરથી સળગવા લાગ્યા છે કેમકે હું શ્વાશમાં ઓક્શીઝન ઓછો અને ધુમાડો વધુ લઇ રહ્યો હતો. મારે ઉભા રહેવું પડ્યું. મને ખાંસી આવવા લાગી.
મેં એકાદ પળમાં ફરી સ્વસ્થતા મેળવી અને દોડવા માંડ્યું કેમકે મને એમ ઉભા રહેવું પોસાય તેમ ન હતું. એ મારા આ જન્મનો સૌથી મહત્વનો સમય હતો. કમબખ્ત કપિલ કિસ્મત સાથે લડવા જઇ રહ્યો હતો.
હું સાચા માર્ગે જતો હતો કે ખોટા એ જાણવું મુશકેલ હતું. હું દોડ્યે ગયો. મને ખબર હતી કે હવે સુકા પાનનો વિસ્તાર ઓછો થશે અને મારી પાછળ ધસી આવતી એ આગની દીવાલ મારો વધુ પીછો કરી શકશે નહી.
*
મારો અંદાજ સાચો હતો. એ આગ ધીમે ધીમે સમાવા લાગી અને મારા આગળ દોડતા પ્રાણીઓ પણ સમજી ગયા હોય એમ સીધા એક જ દિશામાં દોડવાને બદલે વેરાઈ જવા લાગ્યા. જાનવરો આમતેમ ફેલાઈ ગયા એટલે હું નિશ્ચિંત થયો. મારે હવે એ નિર્દોષ જાનવરોની ફિકર કરવાની જરૂર નહોતી.
છેલ્લે હું એકલો રહ્યો. હવે એ ધુમાડો પણ ન રહ્યો. મેં ચારે તરફ નજર ફેરવી હું સાચો હતો.. મારો અંદાજ સાચો હતો.. હું રસ્તો ખોઈ બેઠો હતો.. એ ધુમાડાએ મને અલગ દિશામાં લાવ્યો હતો. એ ધુમાડો મને છેતરી ગયો હતો મને ભરમાવી ગયો હતો.
મેં સાચી દિશાનો અંદાજ લગાવ્યો અને એ તરફ જવા લાગ્યો. હું જરાક આગળ ચાલ્યો ત્યાં જ મને મારા પાછળની ઝાડીમાં સળવળાટ સંભળાયો. હું બાજુના ઝાડ સાથે લપાઈ ગયો. એક પળ પહેલા હું જ્યાં હતો ત્યાંથી મેં એક સળગતા તીરને પસાર થતું જોયું. એ તીર સામેના એક ઝાડમાં ઉતરી ગયું. મેં મારું ધનુષ્ય હાથમાં લીધું અને ઝાડની ઓથે રહીને જ તીર કમાન પર ચડાવ્યું. મેં બો-સ્ટ્રીંગ ખેચી અને રાહ જોવા લાગ્યો. બીજું તીર સામેથી આવ્યું અને હું જે ઝાડ પાછળ છુપાયો હતો એ ઝાડના થડમાં ઉતરી ગયું.
મેં એ બીજા તીરને મારી તરફ આવ્યું એ સમયે એ ક્યાંથી છોડાયુ હશે એનો અંદાજ મેળવી લીધો હતો.
મેં એ તરફ નિશાન લઈને તીર છોડ્યું. એ તીર પાંદડાઓને વીધતું લક્ષ સુધી પહોચ્યું. ઝાડીની પેલી તરફ છુપાઈને તીર છોડતા શિકારીના હૃદયને એ તીરે વીંધી નાખ્યું. તેની પાસે ઉભો તેનો સાથી કઈ સમજી શકે એ પહેલા કલાકના માઇલોની સ્પીડે એ તીર સાથે જ હું ત્યાં પહોચી ગયો.
તીર વાગેલો શિકારી જમીન પર ફસડાય એ પહેલા મેં તીર એની છાતીમાંથી ખેચી કાઢ્યું અને એ તીર બીજી પળે એના સાથીની છાતીમાં મારા હાથે ઉતારી દીધું. મારા હાથમાં એ બો સ્ટ્રીંગ કરતા વધુ શક્તિ હતી. બંને શિકારીઓ જંગલમાં ઈતિહાસ બની ગયા.
મેં ફરી એક તીર મારા તરફ આવતું નોધ્યું અને મેં તીરની દિશામાં જ દોટ મૂકી. એ તીરની સ્પીડ મારા માટે કોઈ ખાસ ન હતી કેમકે મારી નક્ષત્ર કંડારેલ વીંટી મારી આંગળીમાં હતી. એ મને એક સ્થળેથી ગાયબ થઇ સીધા જ બીજા સ્થળે જવાની શક્તિ આપતી હતી.
મેં એ તીરને અડધા રસ્તે જ પકડી લીધું અને બીજી પળે હું એ શિકારી પાસે પહોંચ્યો. જેણે એ તીર છોડ્યું હતું એ હજુ બીજું તીર ચડાવવાની તૈયારી કરી રહ્યો હતો.. મેં એનું તીર એને પાછું આપ્યું – રીટર્ન ગીફ્ટ રૂપે.
હું આગળ વધ્યો. મેં એની તરફ છેલ્લી નજર કરી એ શિકારી જમીન પર હતો અને તેનું તીર તેની ગરદનમાં હતું. હી વોઝ લેયિંગ ઇન ધ પુલ ઓફ હીઝ ઓન બ્લડ - હીસ ડર્ટી બ્લડ.
મેં મારી જાતને આટલી ભયાનક બનતા પહેલા ક્યારેય જોઈ નહોતી. મેં આમ નિર્દય બની ક્યારેય હત્યાઓ કરી નહોતી. પણ હથિયાર ઉઠાવવું કોઈ ગુનો નથી જો તમે સાચા હોવ. નયના માટે હું ગમે તે કરવા તૈયાર હતો.
હું ક્યારેય આટલો ક્રુઅલ ન હતો પણ નયનાનું જીવન જોખમમાં હતું અને તમે તો જાણતા હશો કે નાગ બે કારણો માટે ગમે તે કરી શકે છે. એક પોતાના જોડા માટે અને બીજું પોતાના મણી માટે અને એ સમયે એ બંને મારાથી છીનવાઈ ચુક્યા હતા. કદાચ એથી જ હું એક હિંસક જાનવર બની ગયો હતો. હું શિકારી બની ગયો હતો.
મને એક ચીસ સંભળાઈ. એ અવાજ હું ઓળખતો હતો. એ અવાજ જે સાંભળવા હું જીવતો હતો. એ અવાજ જે મને દુનિયા ભુલાવી દેતો હતો. એ અવાજ જેની સાથે મારો જનમનો રીસ્તો હતો. એ અવાજ નયનાનો હતો. એ ચીસ નયનાની હતી.
એના અવાજમાં દર્દ હતું. એમાં ડર હતો અને એ ડર મને માર હૃદયમાં અનુભવ થવા લાગ્યો. હું મારા બાજુની ઝાડી કુદી એ તરફ દોડયો. હું એ પણ ભૂલી ગયો કે હું ક્યાં હતો અને મારી આસપાસ શું થઇ રહ્યું હતું.
મેં નયનાને એકવાર એ જંગલમાં ખોઈ હતી. મારે ફરી વાર એને એ જંગલમાં ખોવી ન હતી. હું મારો જીવ આપીને પણ નયનાને બચાવવા તૈયાર હતો. જેટલી ઝડપે મારા પગ એ અવાજની દિશા તરફ દોડતા હતા એટલી જ ઝડપે મારા વિચારો પણ દોડતા રહ્યા.
આ એ જ જંગલ હતું. એ દિવસે પણ હું એમ જ દોડી રહ્યો હતો. એ દિવસે પણ આવો જ અંધકાર હતો. આવા જ શિકારીઓ જયારે મેં નયનાને અનન્યા રૂપે ગુમાવી હતી.
મારે નયના સુધી પહોચવું હતું.. મારે એની રક્ષા કરવાની હતી. હું લતાઓ અને ડાળીઓ કૂદતો આગળ વધ્યે ગયો. મારી આંખો સતત નયનાને શોધતી રહી. એ ક્યાં હશે? શિકારી એની સાથે શું કરી રહ્યા હતા?
ઓહ ગોડ! નયના !
મારા દાંત ભીંસાયા - મુઠ્ઠીઓ સખ્ત થઇ. આંખોમાં લોહી ધસી આવ્યું. બિચારી નયના એ ગયા જન્મે પણ... અને હવે આ જન્મે પણ એ ચીસો પાડી રહી હતી... મારું દુખ તમે કદાચ નહી સમજો જો તમે કોઈને પ્રેમ નહી કર્યો હોય... જેણે ક્યારેય જીવનમાં કોઈને પ્રેમ કર્યો હશે એ આ વાંચતા જરૂર રડશે ભલે એ માનવ હોય કે નાગ.
“નયના..” મેં બુમ લગાવી પણ મને મારા જ અવાજના પડધા સિવાય કઈ ન સંભળાયું. એક પળમાં એ ઘાતકી જંગલ એ અવાજ અને પડધા બંનેને ગળી ગયું.
મારા ચહેરા સાથે ડાળીઓ અને ઝાંખરા અથડાવાવાને લીધે ઈજાઓ થઇ હતી. મારા ચહેરા પર કેટલાક ઠેકાણેથી લોહી વહેતુ હતું પણ મને એની કોઈ જ ફિકર ન હતી. જખમ તો પ્રેમની સોગાત છે. મારી નસોમાં વહેતું લોહીનું અંતિમ ટીપું પણ નયનાના પ્રેમ માટે વહી જવા તૈયાર હતું.
મારૂ લોહી નસોમાં ઉકળવા લાગ્યું. અનન્યા, નંબર વન, નંબર ટુ ઘણા બધા ચહેરા મારી આંખો સામે તરવા લાગ્યા. અશ્વિની, રોહિત, કૃણાલ બધાની લોહીયાળ લાશ મારી આંખોમાં તરવરવા લાગી. મને મારી જાતની કોઈ જ પરવા ન હતી. મારું જીવન નયનાના પ્રેમનું ટોકન હતું. જમીન પરના વેલાઓ મને દોડતી વખતે અંધકારમાં દેખાતા નહોતા. હું વાર વાર જમીન પર પછડાતો રહ્યો. હું ઘાયલ હતો પણ હું અટકી શકું નહી. કોઈ અવરોધ મને રોકી ન શકે. એક એક પળ મારા માટે કીમતી હતી. મારે બને એટલું ઝડપી નયના પાસે જવું હતું. મારા ચહેરા પર ઉદભવતા પરસેવાના બિંદુઓ ઉદભવતાની સાથે જ અદ્રશ્ય થઇ જવા લાગ્યા કેમકે મારી દોડવાની ગતી માઈલોમાં હતી. હવા મારા ચહેરા સાથે માઇલોની ઝડપે ઝીંકાતી રહી.
“કપિલ..” મને ફરી નયનાનો અવાજ સંભળાયો.
એ અવાજ કઈ તરફથી આવ્યો એ સમજવાનો હું પ્રયાસ કરવા લાગ્યો પણ એ પ્રયાસ વ્યર્થ હતો. એ અંધારિયા જંગલમાં એ અવાજ ચારે તરફ ફેલાઈ ગયો. અવાજ કઈ દિશામાંથી આવતો હતો એ અંદાજ લગાવવો અશક્ય હતો.
“નયના..” મેં ફરી બુમ લગાવી.
એકાએક કોઈ અંધકારમાંથી ઉદભવ્યું હોય એમ મારી સાથે અથડાયું. અમે બંને જમીન પર પછડાયા. હું જ્યાં ઉભો હતો ત્યાંથી એક તીર પસાર થયું.
“કપિલ...બી સયાલંટ..” મેં એ અવાજ ઓળખ્યો.. એ વિવેક હતો. હું જમીન પર જ પડ્યો રહ્યો.
“કપિલ બધું ઠીક છે. તે આપણને ફસાવી રહ્યા છે. એ અવાજ નયનાનો છે પણ નયના અહી નથી. તે કોઈ અલગ સ્થળેથી એ અવાજને અહી મોકલી રહ્યા છે.” વિવેકે કહ્યું.
“કેવી રીતે..?”
“વાયરલેસ સ્પીકર.. અમે જાદુના-શોમાં ઘણી વાર એનો ઉપયોગ કરીએ છીએ... લોકોને ભુલ ભૂલામણીમાં નાખવા માટે.”
“તો નયના ક્યાં હશે..?” મેં ધીમા અવાજે પૂછ્યું.
“ક્યાંક નજીકમાં જ હશે... પણ એ બોલી શકે તેમ નહિ હોય...એનું મો બંધ હશે.. કદંબ એટલો મુર્ખ નથી કે એ એનું મો ખુલ્લું રાખે.” વિવેકે કહ્યું.
“ઉભો થઇ જા કપિલ..” એક અજાણ્યો અવાજ સંભળાયો.. મેં આછા અંધકારમાં જોયું કે એ માણસના હાથમાં તાસના પાના હતા. “અને તું ત્યા જ પડ્યો રહેજે... ઉભા થવાનો પ્રયાસ પણ ન કરીશ.” એનું બીજું વાક્ય વિવેક માટે હતું. કદાચ એ અમને બંનેને એ અંધકારમાં પણ સારી રીતે જોઈ શકતો હતો એથી જ એને ખયાલ હતો કે હું કપિલ હતો અને તે વિવેક હતો.
હું હળવે રહી ઉભો થયો.
“કોઈ ચાલાકી નહિ નહીતર....” આવનારે પોતાનું વાક્ય પૂરું કરવાને બદલે એના હાથમાંથી પાનાઓને વિવેક તરફ ફેક્યા. એ બુલેટની ગતિથી ધસ્યા.
મેં એ પાના તરફ કુદીને એમને પકડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ હું હજુ હવામાં અડધા માર્ગે ગયો ત્યાં જ મેં વિવેક તરફથી આવેલ બીજા બે પાનાઓને એ બંને પાના સાથે અથડાતા જોયા. એ ચારેય પાનાઓ જાણે કોઈ ધાતુના બનેલ હોય એમ એ અથડાયા ત્યારે અંધકારમાં આગ જેવો લીસોટો થયો અને એ ચારેય પાના જમીન પર પછડાયા.
“કપિલ... હાઈડ યોર સેલ્ફ..” વિવેકે ફરી રાડ પાડી.
“ધીસ ઈઝ અ ટ્રેપ.” વિવેકની બીજી સુચના સંભળાઈ એ પહેલા મેં બાજુના ઝાડ પાછળ કવર લઇ લીધું હતું.
શું થઇ રહ્યું છે એ મને સમજાયું નહિ પણ મને એટલો ખયાલ જરૂર આવી ગયો કે તેમણે મને ટ્રેપ કર્યો હતો. કદંબે પોતાના જાદુથી નયના સામે મને મારવાનો ભ્રમ રચ્યો હશે માટે નયનાએ મારા નામની બુમ લગાવી હશે જે એમણે વાયરલેશ સ્પીકરની મદદથી મને સંભળાવી હતી અને મને ટ્રેપ કર્યો હતો પણ વિવેક એ બાબત સમજી ગયો હતો.
“કપિલ... એક ઈચ્છાધારી નાગ... નંબર એઈટ.. વેલકમ ટુ જંગલ ઓફ ડેથ..” મેં એક શાંત અવાજ સાંભળ્યો.
મેં અવાજની દિશામાં નજર ફેરવી.. એ કદંબના ખાસ શિકારીઓમાંથી એક હતો. એ મારી તરફ આવવા લાગ્યો. મેં એક નજર વિવેક તરફ કરી. એ દુશ્મન સાથે લડતો હતો.
મેં એના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ એ મારા કરતા વધુ તેજ હતો. અમે બંને એકબીજાની નજીકથી પસાર થઇ ગયા અને અમારી પોઝીશન બદલાઈ ગઈ. એ મારા સામે આવ્યો પણ પહેલા એ જ્યાં હતો ત્યાં હું અને મારા સ્થાને એ આવી ગયો. મેં એકાએક મારા જમણા ખભામાં વેદના અનુભવી. મેં મારા હાથ પર નજર કરી જયારે મેં એની પર હુમલો કર્યો અને હું ચુકી ગયો એ સમયે એની છરી મારા હાથ પર ધસાઈને નીકળી ગઈ હતી. કદાચ એમાં કોઈ એવો પદાર્થ લગાવેલ હતો જે મને સેકંડોમાં જ કમજોર કરવા લાગ્યો.
મને ચક્કર આવ્યા અને હું ઘૂંટણભેર ફસડાઈ પડ્યો. મેં એની તરફ જોયું પણ એ ત્યાં ન હતો એ મારી નજીક ઉભો હતો. એણે મારા પેટ પર એક લાત લગાવી. હું બેવડો વળીને ફરી ઉછળીને પછડાયો.
કદાચ એની જેમ મને પણ ઉભા રહી મારવાનો મોકો મળ્યો હોત તો મેં પણ એને એ જ રીતે લાત લગાવી હોત. મારે મારી જાતને બચાવવા માટે કઈક વિચારવું જોઈએ એમ હતું. મારે કઈક કરવું પડે તેમ હતું. કદાચ એની પાસે લડવાની કોઈ કળા હતી. એ શિકારી હતો તો હું પણ શિકારી જ હતો. હું પણ એ જ જંગલમાં ઉછર્યો હતો જ્યાં એ ઉછર્યો હશે.
એ મારી તરફ આગળ વધવા લાગ્યો. હું ભાખોડીયાભેર મારા પગ પર થયો અને એક પળ માટે મારા હાથમાં થઇ રહેલ દર્દને ભૂલી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું એને પંચ લગાવવા ઈચ્છતો હતો પણ એણે એ કામ મારી પહેલા કરી લીધું. પણ હું નમી ગયો. એ ચુકી ગયો. એ જ સમયે મારો પંચ એના કાન સાથે અથડાયો. એ જમીન પર પછડાયો પણ એને ફરી ઉભા થતા ખાસ વાર ન લાગી.
એ મારી તરફ ફરી એ જ ગતિથી ધસ્યો. હું પણ એની તરફ ધસ્યો. એની ઈચ્છા મારી છાતી પર ફલાઈગ કિક આપવાની હશે તેમ મને લાગ્યું. મેં પણ કઈક એવું જ વિચાર્યું. હું એના કીકના માર્ગમાંથી ટ્વીસટ થઇ ગયો. મારી સાઈડ કિક એની પાંસળીઓ સાથે અથડાઈ. એના મોમાંથી એક ચીસ નીકળી ગઈ.
એણે જમીન પર પોતાનું ખૂન થૂંકયું અને અમે બંને એકબીજા સાથે ભેગા થયા. તેણે મારા ફોર્મ આર્મ પકડ્યા અને મેં એના. અમે એકબીજાને કોણીથી જરાક ઉપરના ભાગેથી પકડેલ હતા. મેં એના હાથની પકડ છોડાવી અને મારી કોણી એના ચહેરા સાથે અથડાઈ. મને કોણી પર જે ઈજા થઇ એ જોતા હું સમજી ગયો કે એના એકાદ બે દાંત તૂટી ગયા હશે.
એ સાવધ થાય એ પહેલા મેં જમીન પરથી એક તૂટેલ ડાળ હાથમાં લીધી અને એની તરફ ધસ્યો પણ બીજી જ પળે સામે રોહિત આવી ગયો. હું અટકી ગયો. રોહિત, એ તો અશ્વિની સાથે ભેડાઘાટ પર જ મરી ગયો હતો. એ ત્યાં કઈ રીતે હોઈ શકે..?
“કપિલ... તે અમને કેમ મરવા દીધા..?” રોહિતે મારી આંખોમાં જોઇને ગળગળા અવાજે કહ્યું, “અશ્વિનીને તારા પર કેટલો ભરોષો હતો?”
“મને માફ કર રોહિત.. હું તમને બચાવી ન શક્યો..” મેં કહ્યું. હું તેની તરફ આગળ વધ્યો. હું એને ગળે લગાવી લેવા માંગતો હતો.
એકાએક મેં રોહિતના ગળા પર એક હાથ વીંટળાઈ જતા જોયો. એ હાથ વિવેકનો હતો. રોહિત શ્વાસ લેવા સ્ટ્રગલ કરવા લાગ્યો પણ વિવેકના હાથની પકડ વધુને વધુ મજબુત બનવા લાગી અને રોહિતની આંખો ફાટવા લાગી.
“વિવેક એ મારો મિત્ર છે..” મેં રાડ પાડી.
“એ લોકો ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા છે. એ જાદુ છે.” વિવેકનો અવાજ મને સંભળાયો અને ત્યારબાદ રોહિતનો જમીન પર પછડાવાનો અવાજ મેં સાંભળ્યો.
હું દોડીને રોહિત પાસે ગયો એ ચહેરો ફરી બદલાઈ ગયો હતો. એ રોહિત ન હતો. એ વ્યક્તિ એ જ જાદુગર હતો જેની સામે હું લડી રહ્યો હતો.
“કપિલ તારી જાત પર કાબુ રાખ. જાદુગરો તમારી લાગણી સાથે રમી શકે છે. પોતાની લાગણી પર કાબુ રાખતા શીખ કેમકે જો તું લાગણીમાં નહી તણાય તો એ લોકો તારા પર જાદુનો પ્રયોગ નહિ કરી શકે.” વિવેકે મને હાથથી પકડી ઉભો કરતા કહ્યું.
“પણ રોહિત...” મારી આંખોમાં પાણી ધસી આવ્યું. મને ફરી બધાના લોહિયાળ ચહેરા દેખાયા.
“એ નથી... એ ક્યારનોય આ દુનિયા છોડી ચુક્યો છે અને રોહિતને જેમણે માર્યો છે એમના કબજામાં નયના છે. આપણે એને છોડાવવા આવ્યા છીએ.” વિવેકે મને પકડીને હચમચાવી નાખ્યો. અદભુત માટીનો બનેલો હતો વિવેક.
“નયના..” હું મારા સેન્સમાં આવ્યો. હું એ જાદુગરે રચેલ ભ્રમમાં ફસાઈ ગયો હતો પણ નયનાનું નામ સંભળાત જ હું એ ભ્રમલોકથી બહાર આવ્યો.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky