khaatti aambli - part 2 in Gujarati Comedy stories by Palak parekh books and stories PDF | ખાટ્ટી આંબલી - ભાગ 2

Featured Books
Categories
Share

ખાટ્ટી આંબલી - ભાગ 2

ખાટ્ટી આંબલી ભાગ-૨
તો તમે પ્રથમ ભાગ માં જોયું કે, મારે મારા બૉસ સાથે કેવા સંબંધો છે. હા.. મારી તરફથી જ છે, પણ છે. તો હવે આપણે મારી આ આંશિક પ્રેમકથા ને આગળ વધારીએ. તો ચાલો, મારા જીવનના એ સુવર્ણ દિવસોની તમને સફર કરાવું.અને ભેગો હું પણ તે પળો ને ફરીથી એકવાર જીવી લઉં.
તો હોંશે હોંશે હું , જાતે -પોતે મેડમ માટે જાત જાતની આંબલી લઇને મેડમ ની કેબિનમાં પહોંચ્યો અને શાન થી આંબલી વાળી કોથળી તેમની સામે મૂકીને બોલ્યો, " મેડમ આ આપની અમાનત". મને હતું કે તેઓ આ આંબલી જોઇને ખુશ થશે અને શાબાશી આપશે...પણ... હાયરે કિસ્મત, મેડમ કામમાં એટલા બીઝી હતા કે તેમણે એક વાર માથું ઊંચુ કરીને મને જોવાનું તો ઠીક પણ એક નાનકડું થેંક્યું પણ ના કહ્યું. હાયે.. મને મારી જાત પર, મારી કિસ્મત પર આજે એવો તો ગુસ્સો આવી રહ્યો હતો કે..કે.. જવાદો..
હું ધીરે થી મારી જગ્યા પર નિરાશ થઈને બેઠો હતો. તે જ વખતે મારા ઘરેથી મારી ધર્મપત્ની નો ફોન આવ્યો, તેઓ શ્રી બોલ્યાં કે, " આજે ઑફિસેથી આવતા શાકભાજી લેતા આવજો."
હું એકતો મેડમ થી થોડો ઘવાયેલો અને એમાં પણ આંનો આ ફોન અને એમાં પણ શાકભાજી જેવી વસ્તું માટે છેક ઑફિસ માં ફોન કરીને ડિસ્ટર્બ કરે. ખબર નહિ આ બૈરાઓ સમજે શું? મે ફોન મા કહ્યું, "જોઉં છું લવાશે તો લઇશ, નહિતર તું ખરીદી આવજે બજારમાં જઈને જાતે જ આમેય તારે ઘરે કામ શું છે?"આટલું બોલીને મે ફોન મૂકી દીધો. અને સોગંદ ખાઈને કહું છું સાહેબ આ મારાં જીવનની સૌથીમોટી અને ભયંકર ભૂલ સાબિત થવાની હતી.

લંચ બ્રેક માં અમે બધા બેઠાં બેઠાં ગપ્પાં મારતાં હતાં તે જ સમયે.. જેન્તીભાઈ આવ્યા અને બોલ્યાં કે.. "મેડમે તમને યાદ કર્યા છે". સાચું કહું જ્યારે જેન્તીભાઇ બોલ્યાં ને કે મેડમે તમને "યાદ" કર્યા છે ત્યારે સાચું કહું મારું હ્રદય એટલા જોરથી ધડકીરહ્યું કે ના પૂછો. હું તો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આવી ગઈ હતી હું મેડમની કેબિન આગળ જઈને ઉભો જ હતો કે એક સરસ મીઠડો આવકાર આપતાં મેડમે મને અંદર બોલાવ્યો. હું સીધો જઈને અદબ સાથે તેમની સામે બેઠો(મનમાં ઉઠતાં તરંગોને કાબૂ માં રાખીને જ તો) મે જોયું તો મેડમ આજે ફૂલ ગુલાબી કુર્તામાં અદ્દલ પરી જેવા લાગી રહ્યાં હતાં. મને જોતાંજ બોલ્યાં, "thank you very much Mr Sharma". આ આંબલી સાચેજ ખૂબ જ સરસ છે, મને મારા સ્કૂલ ના દિવસો ની યાદ અપાવી દીધી તમેતો. Thank you once again for your help!. અને આટલું બોલીને એક ચટકારા સાથે તેઓ આંબલી ખાવા લાગ્યા. જે જોઈને અનાયાસે જ મારાં મોંમાંથી પણ એક ચટકારો બોલાઈ ગયો..
આજે ફરી ઑફિસ માં દિવસ મસ્ત જવાથી હું ઘરે એકદમ ખુશમિજાજ માં ગયો હતો. પણ જોયું તો ઘરનું વાતાવરણ કઈક અલગ લાગ્યું. રોજ મને જતાજ જેમ મને રાજા મહારજાઓ ની જેવી ખાતિરદારી મળતી હતી તેની જગ્યાએ આજે મને ઓફિસે થી આવવા છતાં પણ એક મીઠડો આવકાર પણ ના મળ્યો.
મે ફટાફટ કૅલેન્ડર માં જોયું, પણ આજે તો કોઈનો બર્થડે કે વરસી (એટલેકે લગ્નની વર્ષગાંઠ) પણ નોતી જે હું ભૂલી ગયો હોઉં. તો... આજે આ રિસામણા શેના? અરે.. સોરી મિત્રો તમને હું મારી પત્નિ એટલેકે સહચારીણિ, મારી જીવન નૈયા ના હલેસા સમાન મારી "દૂર્ગા" નો પરિચય કરાવવાનો તો ભૂલી જ ગયો. ના તેનું નામ દૂર્ગા નથી, આ તો મે ખાનગી માં વહાલથી તેનું નામ દૂર્ગા રાખ્યું છે. શું છે ને તે ખડગ કે તલવાર કંઇ પણ ઉપાડ્યા વગર માત્ર વાકબાણ અને અશ્રું શસ્ત્ર થી ગમે તેવાં ને ચિત્ત કરવાની તાકાત ધરાવે છે. જેનો લેટેસ્ટ પ્રયોગ હવે હાલ આ પળે તમે મારી ઉપર જોશો. હસો નહી બૉસ યાર "આ બધી બાબતમાં આપડે બધા પુરુષો સરખા". કેમકે આપડા બધા પર આ શસ્ત્રો નો, અસ્ત્રો નો પ્રયોગ કેટલીયે વાર સફળતા પૂર્વક થયો છે. હાં તો મારી પત્નિ નું નામ છે, "શોભના". નામ પ્રમાણે મારા જીવન માં શોભા વધારવાનું કામ તેણે ખૂબ સુંદર રીતે કર્યું. તે સાચા અર્થ માં મારા ઘર પરિવાર ની શોભા હતી . અરેરે..છે . એમ વાંચો. આમતો તે નિખાલસ અને મળતાવડી પણ ક્યારેક છટકે ત્યારે..... દે ધના ધન, પણ કરી નાખે.
મે પ્રેમથી તેને બોલાવી, "શોભુ... ક્યાં છો તું? જો હું આવી ગયો છું!"
ત્યાંજ એક વાકબાણ છૂટ્યું, "તો.. શું પૂજા કરું તમારી?"
તેનાં આ અણધાર્યા સ્વાગત થી હું થોડો ઝંખવાંણો. પણ પછી ફરી અવાજ માં પ્રેમ લાવીને બોલ્યો, "મારી વાલી, શું થયું?" કેમ આટલો ગુસ્સો કરે છે? જો તારા હાર્ટબીટ વધી ગયા છે, કદાચ હાર્ટએટેક આવ્યો તો હું ક્યાં તને ઉંચકીને ફરીશ! આમે તું કઈ સાઇઝ ઝીરો તો નથી કે તને ઉંચકીને ફરી શકાય. પૂરા 70 કીલો ની છે.
હે.. શું બોલ્યાં? હમમ... હું 70 કીલો ની એમ! તો જાઓને તમારી ફૂલફટાકડી જે હોય એની પાસે. એ ઘણીએ પાશે પાણી. મારાં તો કિસ્મત જ ખરાબ હતાં તે તમારી જોડે પનારો પડયો ! આટલું બોલીને તેણે પોતાના અશ્રું બાણો નો મારો મારી પર ચલાવ્યો.
અચાનક થયેલા આ પ્રહારથી હું કંઈ જ સમજી ના શક્યો.પણ એક વાત ચોક્કસ સમજ્યો કે આજે શોભા "દુર્ગા" બની છે. અને તે જ્યારે જ્યારે દુર્ગા બને છે ત્યારે - ત્યારે તેના દરેક પ્રહાર ખરેખર જોરદાર ઘાતક સાબિત થાય છે.
મે નજીક જઈને તેનાં ખભે હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, શોભા... શું થયું? કેમ આજે આટલી ગુસ્સા માં છે?
ત્યાંજ અચાનક જેમ સુષુપ્ત જ્વાળામુખી ફાટે તેમ તે ગળું ફાડી- ફાડી ને રડવા લાગી અને ખબર નહિ કઈ ભાષા માં બોલતી હતી મને તો કઈ ગમ જ નાં પડે સાલું. મે ફરીથી તેનાં માથે પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું, તું આ "રોટસ દેશ ના રોટ્યા રાજા ની ભાષા ક્યારે શીખી આવી?"
હેં.. આટલું બોલીને તે મારી સામે જોઇને બોલી, "આ વળી કયો નવો દેશ શોધાયો?" અને આવ્યો ક્યાં? કયા ખંડ માં?
તેની આ માથા વગરની વાત સાંભળીને તમને ચોક્કસ હસું આવ્યું હશે રાઈટ. મને પણ આવ્યું હતું. પણ આ હસવામાંથી ખસવું થતાં વાર નથી લાગતી સાહેબ, જો એનું ખરું એક્ઝેમ્પલ જોવું હોય તો જોડાઈ રહો મારી સાથે. મારી આ નવલિકા માં.
આગળ કેવા ટ્વિસ્ટ એન્ડ ટનૅસ આવે છે એ તો ત્યારે જ ખબર પડશે ને... ભાઈ તો તમ તમારે મોજ કરો, મારે તો મારી દુગૉ ને મનાવવાની છે તો હું જાઉં છું.પણ ફરી જલ્દી મળીશું હાં.. પ્રોમિસ.