Premni anokhi dastan - 4 in Gujarati Love Stories by HINA DASA books and stories PDF | પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 4

Featured Books
Categories
Share

પ્રેમની અનોખી દાસ્તાન.. - ભાગ - 4

(આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ગિરિકાને મળવા એને ગામ જાય છે, હવે શું થાય છે તે જોઈએ..)

ગિરિકા અર્ણવને પાસેના જ એક સ્થળે લઈ ગઈ. કુદરતના ખોળે એકાંતના સાનિધ્યમાં. હવે અર્ણવને સમજાયું કે ગિરિકા એટલે ખરેખર પર્વતો વચ્ચે વહેતી છોકરી જ. કુદરતના ખોળે ગિરિકા સોળે કળાએ ખીલી ઉઠી. ને અર્ણવ તો બસ એને નિરખતો જ હતો. એની વાતો, એના હાવભાવ સાંભળતો જ હતો.

ગિરિકા કહે, " અર્ણવ, તે તારા જીવન વિશે મને બધું કહ્યું ને મેં પણ તને બધું જણાવ્યું. પણ હું તારા જીવનમાં ક્યાંય બંધબેસતી નથી. આપણો સાથ શક્ય નહિ બને, તું જે અહેસાસ સાથે અહીં આવ્યો હું પણ એ અનુભવું છું, પણ હું ભાવનાઓમાં વહીને નિર્ણય લેવા નથી માંગતી. આપણે બસ આ અહેસાસને માણીએ. બીજી ચિંતાઓ હાલ માટે છોડી દઈએ તો ? "

ગિરિકાની વાતો સાથે અર્ણવ પણ સહમત થયો, ને બંને હાથમાં હાથ રાખી કલાક સુધી ત્યાં બેસી રહ્યા. ગિરિકા જાણે યોજનગંધા જેવી મહેકતી હતી, ને અર્ણવ એ ગંધ ને બસ માણતો હતો. સતત વાહનો ને ભૌતિકતા વચ્ચે વસેલા અર્ણવ માટે આ અનુભવ અદભુત હતો. એને પહેલા લાગ્યું હતું કે કદાચ એણે અહીં આવી ભૂલ કરી પણ હવે લાગ્યું કે જો એ ન આવ્યો હોત તો એ આવી અણમોલ પળો જીવી ન શકત.

અર્ણવના ખભે માથું રાખી ગિરિકા આંખો બંધ કરી બેસી રહી. અર્ણવ થોડો અંદરથી ચકિત હતો. એને આટલી સહજ ને સરળ વ્યક્તિ પર આશ્ચર્ય થયું. છોકરીઓ આમ કરતા સો વખત સારા નરસું વિચારે જ્યારે ગિરિકા તો પોતાના પર કેટલો વિશ્વાસ રાખે છે. અર્ણવે પણ ગિરિકાના આ જ વિશ્વાસને બરકરાર રાખવાનો મનોમન સંકલ્પ લઈ રહ્યો.

થોડો સમય એમ જ બેસીને અર્ણવ બોલ્યો,
"ગિરુ હું કાલે સવારે જ પાછો ઘરે જવા માંગુ છું."

ગિરિકા કહે," કેમ આટલી જલ્દી, થોડો વખત રોકાઈ જા ને ."

અર્ણવ :" તું મારી આદત બની જા એ પહેલાં હું તારાથી દૂર જવા માંગુ છું, તું મારી સાથે આવીશ તો નહીં જ એટલે તને મારે પૂછવું પણ નથી. જીવનમાં પહેલી વખત આવી સુંદર લાગણી જન્મી છે, બસ થાય છે કે બસ તને નિહાળ્યા કરું ને તને જ સાંભળ્યા કરું."

ગિરિકા બોલી, " અર્ણવ, તને હું થોડી કઠોર લાગતી હોઈશ. પણ મનોમન હું તને સમર્પિત થઈ ગઈ છું, બસ હું તારો સાથ આપવા તારી સાથે નથી આવતી એટલું જ બાકી અહેસાસમાં તો તારી સાથે જ છું.એક કાલનો દિવસ રહી જા અહીં, પછી તને નહિ રોકુ."

અર્ણવને ના પાડવાનો કોઈ અવકાશ જ ન હતો. ગિરિકાએ કહ્યું કે એક ગીત સંભળાવ ને, ને અર્ણવે, સુર રેલાવ્યો.

"છે તારા હાથમાં મારો હાથ,
કેવી સુંદર પડી છે આ ભાત,....."

ગિરિકા આંખો મીંચી સાંભળતી રહી. અર્ણવે ગિરિકાને કહ્યું તું પણ કઈક ગા ને, ને ગિરિકાએ પણ સુંદર સ્વરચિત ગીત સંભળાવ્યું.

આ પર્વતોમાં હું બસ ખોવાઈ જઉં,
ને તું ઝરણું બની મારામાં વહેતો રહે,

ખળખળ બની હું બસ વહેતી રહું,
ને તું ઝાકળ થઈ મારામાં ભળતો રહે,

ફૂલ થઈ હું બસ ખીલતી રહું,
ને તું સુગંધ થઈ મારામાં મહેકતો રહે,

પ્રકૃતિ થઈ હું બસ વિચરતી રહું,
ને તું તત્વ થઈ મારામાં ઉગતો રહે...

ભલે કંઠ અર્ણવ જેવો ન હતો, પણ કર્કશ પણ ન હતો. અર્ણવ તો બસ ગીતના ભાવમાં ખોવાઈ ગયો.

રાત પડી એટલે મોજમાં મસ્ત થઈ ઘુમતા માણસો અર્ણવને બતાવવા ગિરિકા કસબામાં લઇ ગઈ. મહુડાના કેફમાં ગુલતાન થઈ માણસો ઝૂમી રહ્યા હતા. ગિરિકાથી આમ તો બધા ડરતા એટલે એની સામે નશો ન કરતા પણ તોય આદત કેમ કરીને મુકવી. આજે તો ગિરિકા પણ કઈ ન બોલી. એકે તો આવીને અર્ણવને સલાહ પણ કરી. ગિરિકાએ પણ કહ્યું, " ટ્રાય કરી જો જાત ભૂલી જઈશ." ને અર્ણવે એ પ્રવાહી ચાખ્યું. કઈક વિચિત્ર સ્વાદ હોવા છતાં એ પી ગયો. અર્ણવને ખબર હતી કે એને સંભાળનાર ગિરિકા છે એટલે એ નચિંત હતો.

ખરેખર એમ જ થયું ગિરિકા અર્ણવને સંભાળતી રહી ને અર્ણવ મદહોશ થતો ગયો. વર્ષો સુધી પાંજરામાં પુરેલો અર્ણવ જાણે આજે આઝાદ થયો, એ ખૂબ નાચ્યો, ખૂબ હસ્યો, બધી મર્યાદાઓ, બધા બંધનો તોડી આજે એ પૂર્ણ કળાએ ખીલ્યો. ગિરિકાએ પણ એને બસ વહેવા દીધો,ખુલવા દીધો. ને પછી શાંતિથી સુવડાવી દીધો.

સવારે અનંત યાદો લઈ અર્ણવ ફરી પોતાની દુનિયામાં ખોવાઈ જવા માટે નીકળ્યો. પહેલી વખત જાણે ખુદને મળ્યો હોય એવું એને લાગ્યું. ગિરિકાને પોતાના શ્વાસ, અહેસાસમાં ભરી એ નીકળી ગયો....

અર્ણવની જિંદગીમા આગળ શું થાય આવતા ભાગમાં જોઈશું....

©હિના દાસા