Prem ke Pratishodh - 19 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 19

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 19

પ્રેમ કે પ્રતિશોધ-19



(આગળ ના ભાગોમાં જોયું કે અજયના ઘરે એની લાસ મળે છે. કાતિલ દ્વારા ચાલાકીથી હત્યાને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અર્જુનના મત પ્રમાણે શિવાની અને અજયના મર્ડરમાં જરૂર કઈ સબંધ હોવો જોઈએ.)


હવે આગળ....

રાધી જાણે કંઈક બોલવા માંગતી હતી પણ વિનય અને બીજા મિત્રો સામે એક દ્રષ્ટિ કરીને નીચે જોઈને દિવ્યા પાસે બેસી રહી. પરંતુ તેની વ્યાકુળતા અર્જુનની અનુભવી દ્રષ્ટિથી છુપી શકી નહીં. ત્યાં તો રમેશે બહાર આવી અજયનો મોબાઈલ અર્જુન ને આપ્યો.
“તમારા માંથી કોઈને અજયના મોબાઈલનો પાસવર્ડ ખબર છે?"અર્જુને અજયનો મોબાઈલ હાથમાં લઈને પૂછ્યું.
વિનયે અર્જુન પાસે જઈ મોબાઈલ હાથમાં લઈને પાસવર્ડ નાખ્યો અને મોબાઈલનો લોક ખોલીને અર્જુનને આપ્યો. જ્યારે તેણે પાસવર્ડ ટાઈપ કર્યો ત્યારે અર્જુને જોયું કે તેમાં દિવ્યાનું નામ ટાઈપ કર્યું હતું. હવે અર્જુનને એતો સમજાય ગયું કે દિવ્યાને શા માટે અજયના મૃત્યુનો સૌથી વધારે આઘાત લાગ્યો અને તે બેહોશ થઈને ઢળી પડી હતી.

અર્જુને મોબાઈલ રમેશને આપી કોલ ડિટેઇલ અને ખાસ કરીને વોટ્સએપ મેસેજીસ ચેક કરવાનું કહ્યું.
પછી તેણે બધાને ઉદ્દેશીને કહ્યું,“સૌથી લાસ્ટમાં અજય સાથે કોણે વાત કરી હતી અને એને કોણ મળ્યું હતું?"
અર્જુનને ઉત્તર આપતાં ડો. કૈલાશે કહ્યું,“સર, તે ગઈ રાત્રે સાડા અગિયાર વાગ્યે ઘરે આવ્યો હતો. અને અમે પણ જાગતાં જ હતા એટલે મેં જ ડોરબેલ વાગતાં દરવાજો ખોલ્યો હતો. ગઈ રાત્રે એ બવ ખુશ હતો. મને એમ કે એ આખો દિવસ તેના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો એટલે ખુશ છે પણ એણે જ્યારે અમને કહ્યું કે આજે મારી જીંદગીનો બેસ્ટ દિવસ હતો ત્યારે મારા પત્નીએ ઉત્સુકતાથી એને પૂછ્યું કે કેમ એવું તે શું થયું છે. તો એણે અમને વાત કરી કે તેણે આજે પોતાના મનની વાત દિવ્યાને જણાવી અને એ પણ બધા મિત્રો વચ્ચે!, સર આટલો ખુશ મેં અજયને ક્યારેય નહોતો જોયો, ખાસ કરીને ભાઈ અને ભાભીના મૃત્યુ પછી તો એ જાણે હસવાનું જ ભૂલી ગયો હતો. પણ ધીમે ધીમે વિનય અને આ બધા મિત્રોના સાથથી એ ખુશ હતો. એ દિવ્યાને પસંદ કરતો હતો એ તો એણે ઘણા સમય પહેલા જ જણાવ્યું હતું કેમ કે અમારા બંને વચ્ચેનો સંબંધ કાકા-ભત્રીજા કરતાં તો મિત્ર જેવો હતો." આટલું બોલતાં તો તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી....
ડો. કૈલાશની વાત પુરી થતા તો હજી થોડીવાર પહેલાં શાંત થયેલ દિવ્યાને ગઈ સાંજની આખી ઘટના આંખો સામે તરવરી રહી, એના મનમાં અત્યારે લાગણીનું સમુદ્ર ઉછળી રહ્યું હતું. મનોમન તે પોતાને કોષવા લાગી કે તેને અજયને ત્યારે જ જવાબ આપી દેવો જોઈતો હતો. પણ... હવે તેની પાસે જવાબ તો હતો પણ તે જવાબ સાંભળવા અજય નહોતો.
“તમારું દુઃખ હું સમજી શકું છું ડોકટર",અર્જુને તેમને સાંત્વના આપતાં કહ્યું.
“કોલેજમાં અજયનો વ્યવહાર કેવો હતો?"અર્જુને અજયના મિત્રોને સંબોધીને પૂછ્યું.
અન્ય કોઈ તો નહીં પણ નિખિલે જવાબ આપતા કહ્યું“સર, આખી કોલેજમાં સૌથી શાંત વિદ્યાર્થી તરીકે અજયની ગણના થતી, તેણે ક્યારેય કોઈ સાથે ઝઘડો તો દૂર, કોઈ સાથે ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરી"
અર્જુને ફરી કહ્યું,“જુવો, તમારા ગ્રુપમાંથી શિવાની અને અજય એમ બે મિત્રોની હત્યા થઈ છે. અને તે પણ આત્મહત્યા હોય તેમ દર્શાવવાના પ્રયાસ કરેલ છે. માટે જો કોઈ વાત હોઈ તો........ અને હા, કાલે તમે જ્યારે પરત ફર્યા ત્યારે સૌથી છેલ્લે અજય સાથે કોણ હતું?"
“હું હતી સર."દિવ્યાએ કહ્યું.
“દિવ્યા, મને ખબર છે કે અજયના મૃત્યુથી તને... પણ જો તું મારા પ્રશ્નોના જવાબ આપીશ તો અમને કદાચ અજયના ખૂની સુધી પહોંચવામાં મદદ થઈ શકે."
“સર, અમે કાંકરિયાથી આવીને મારી હોસ્ટેલની બાજુમાં આવેલા પાર્કમાં ગયા હતા..."આટલું બોલતા તો દિવ્યાને ડૂમો ભરાઈ આવ્યો ને તે આગળ કઈ બોલી ન શકી.
અર્જુને બાજુમાં પડેલ જગમાંથી પાણીનો ગ્લાસ ભરી દિવ્યાને આપતાં કહ્યું,“તે કઈ ત્યાં વિશેષ જોયું હતું? જેમ કે કોઈ અલગ જ વ્યક્તિ જે ત્યાં જોવા ન મળતો હોઈ એવું કંઈ?"
દિવ્યાએ નકારમાં માથું હલાવ્યું.
“તો તમે પાર્કમાંથી જ છુટા પડ્યા કે?"અર્જુને પૂછ્યું.
“ના સર, અજય મને હોસ્ટેલ સુધી મુકવા આવ્યો હતો, હું જ્યારે છેક હોસ્ટેલની સીડી સુધી પહોંચી પછી તે ત્યાંથી તેના ઘર બાજુ......"દિવ્યા તૂટક સ્વરે આટલું જ બોલીને અટકી ગઈ.

“ok, ડો. કૈલાશ બપોર પછી અજયની બોડી તમને હેન્ડ ઓવર કરી દેવામાં આવશે."અર્જુને દિવ્યા પાસેથી ઉભા થઇ ડો.કૈલાશને ઉદ્દેશીને કહ્યું.
ત્યાંથી મળેલ પુરાવા યોગ્ય સામગ્રી લઈને અર્જુન અને તેની ટીમ ત્યાંથી પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ.
અજયના ઘરે તેના પરિવારજનો અને મિત્રોનો કલ્પાંત એમ જ ચાલુ રહ્યો.
એકબીજાને સાંત્વના આપ્યા સિવાય કોઈ કઈ કરી શકે તેમ નહોતું.

ચાર વાગ્યાની આસપાસ બધી પ્રોસેસ પુરી કરીને અજયની બોડી તેમના પરિવારને સોંપવામાં આવી. અજયના કાકાએ કઢોર કલેજે પોતાના પુત્ર સમાન અજયની અંતિમ વિધિ પૂર્ણ કરી.

અર્જુન કેબિનમાં બેઠા બેઠા સિગારેટ ના કસ ખેંચી રહ્યો હતો. અત્યારે તેની સામે શિવાની,અજય અને પેલી વૃદ્ધ મહિલા આમ ત્રણ ત્રણ મર્ડરની પહેલી હતી. તે જાણતો હતો કે આ એક જ વ્યક્તિનું કામ છે. પણ હજી સુધી અર્જુનને ધારી સફળતા મળી નહોતી...
ત્યાં અર્જુનના ટેબલ પર પડેલ ટેલિફોનની ઘંટડી રણકી.. અર્જુને રીસીવર ઊંચકી કહ્યું,“હેલ્લો"
સામેની બાજુથી કઠોર શબ્દો સંભળાયા,“ઇન્સ. અર્જુન તમારા નાક નીચેથી આ ત્રીજું મર્ડર થયું છે. મને એ કહેતા અફસોસ થાય છે કે મારો સૌથી કાબેલ અફસર હજી હત્યારા સુધી પહોંચી શક્યો નથી."
કોલ એ.સી.પી. રાવતનો હતો.
“સર, ખૂની બહુ ચાલાક છે. પણ હું મારા પૂરતાં પ્રયાસ કરી રહ્યો છું. બસ થોડા સમયના એ હત્યારો આપણી ગિરફ્તમાં હશે"
“મને તારા પર પૂરો ભરોસો છે. પણ હવે ટૂંક સમયમાં જો તું ખૂનીને પકડવામાં સફળ ન થયો તો મારે આ કેસ મારી ઈચ્છા વિરુદ્ધ અન્ય ઓફિસરને સોંપવો પડશે."
“તમેં નિશ્ચિંત રહો સર. હું તમને નિરાશ નહીં કરીશ."
“ok, જય હિન્દ ઇન્સ્પેક્ટર"
“જય હિન્દ સર."
સામેથી કોલ વિચ્છેદ થતા અર્જુને જોરથી રીસીવર પટક્યું. અત્યારે ગુસ્સામાં તે દાંત ભીડી રહ્યો હતો. આખી કારકિર્દીમાં પહેલી વખત એને સિનિયર પાસેથી ફરિયાદ મળી હતી.
પણ એ જાણતો હતો કે એસીપી સાહેબે જે વાત કરી તે સત્ય હતી કે હજી સુધી અર્જુન આ કેસમાં આગળ વધી શક્યો નહોતો અને તેના નાક નીચે જ ખૂનીએ બે બીજા ખુન પણ કર્યા અને અર્જુનને ઓપન ચેલેન્જ પણ આપી હતી.
તેણે બીજી સિગારેટ સળગાવી..
ત્યાં રમેશે કેબિનમાં અંદર આવવા અનુમતી માંગતા કહ્યું,“may i come in sir?"
અર્જુને માત્ર હાથથી ઈશારો કરી તેને અંદર આવવા કહ્યું. રમેશે ટેબલ પર એક ફાઇલ મુકતા કહ્યું,“સર આ અજયની પી.એમ. રિપોર્ટ."
અર્જુને ફાઈલ ખોલી વાંચવાની શરૂઆત કરી. રિપોર્ટ વાંચતા જ તેના આંખોના ભાવ તણાયા.
“હમ્મ, તો શિવાની અને અજયનો હત્યારો એક જ છે."
“કઈ રીતે સર."
“રમેશ, અજયની મૃત્યુ બ્લેડથી નબ્સમાં કટ મારીને થયું જ નથી. એતો આપણે ગુમરાહ કરવાનો ખૂનીનો એક પ્રયાસ હતો..."
“તો સર, અજયનું મૃત્યુ કેવી રીતે થયું?"

વધુ આવતા અંકે......

અજયનું મૃત્યુ કેવી રીતે થયું હતું?
શુ અજયની પી.એમ રિપોર્ટમાંથી અર્જુનને કઈ કલું મળશે?
રાધી કઈ વાતથી ભયભીત હતી?

જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*********

તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવામાં પ્રેરણાદાયી થશે.
તો આપનો કિંમતી અભિપ્રાય અવશ્ય આપશો.

આભાર.
વિજય શિહોરા-6353553470