Veer Barbrik in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | વીર બર્બરિક

Featured Books
Categories
Share

વીર બર્બરિક

વીર બર્બરિક

મહાભારતનું અજાણ્યું પરંતુ મહત્ત્વનું પાત્ર વીર બર્બરિક

મહાભારતમાં એવા તો અસંખ્ય પાત્રો છે જેના વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આવા જ એક પાત્ર યુયુત્સુ વિષે આપણે હાલમાં જ માતૃભારતીમાં જાણી ચૂક્યા છીએ. આજે આપણે જાણીએ મહાભારતના એક એવા જ અજાણ્યા પરંતુ અત્યંત મહત્ત્વના પાત્ર વીર બર્બરિક વિષે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે મહાભારતનું યુદ્ધ કદાચ પાંડવો નહીં પરંતુ કૌરવો જીતી શકત જો વીર બર્બરિક એમના પક્ષે હોત તો!

તો કોણ હતા આ વીર બર્બરિક? એમની પાસે એવી તો કેવી શક્તિ હતી જે મહાભારતના યુદ્ધનું પરિણામ બદલી શકવા માટે સમર્થ હતી? ચાલો જાણીએ વીર બર્બરિકની અનોખી કથા!

બર્બરિકએ પાંડુપુત્ર ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો! ઘટોત્કચ અને નાગ કન્યા અહીલવતીના પુત્ર હોવા ઉપરાંત અમુક કથાઓ તેને દૈત્ય પુત્રી કામકંટકટાનો પુત્ર હોવાનું પણ કહે છે. બર્બરિકનું નામ બર્બરિક કેમ પડ્યું તેની પાછળ પણ એક કથા છે. બર્બરિકના વાળ જન્મથી જ વાંકડિયા હતા અને આથી બર્બરાકાર વાળ ધરાવતું બાળક એટલે બર્બરિક એવું એનું નામ પાડવામાં આવ્યું હતું.

બર્બરિકના ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ હતા અને તેણે એક ગુપ્ત સ્થળ પર જઈને દુર્ગા માતાની આરાધના કરી હતી. આ વખતે તેની આરાધનામાં વિઘ્ન નાખવાની કોશિશ કરનાર અનેક દૈત્યોનો પણ તેણે સંહાર કર્યો હતો. એક વખત તો તે ભીષ્મ પિતામહ સાથે પણ લડી ચૂક્યો હતો! ભગવાન શ્રીકૃષ્ણ ઉપરાંત બર્બરિકને તેની માતા તરફથી પણ યુદ્ધકલાનું શિક્ષણ મળ્યું હતું.

બર્બરિકે એકવાર ભગવાન શિવની આકરી તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કર્યા. બદલામાં ભગવાન શિવે તેને ત્રણ અમોઘ બાણ આપ્યા અને આથી બર્બરિકને તીન બાણધારીના નામે પણ ઓળખવામાં આવે છે. તો અગ્નિદેવે પ્રસન્ન થઈને આ બાણ ચલાવવા માટે તેને ધનુષ્ય આપ્યું. બર્બરિક પાસે રહેલા ત્રણ બાણ તેને વિશ્વવિજેતા બનાવવા માટે પૂરતા સક્ષમ હતા.

યુવાન થયા બાદ બર્બરિકને જાણ થઇ કે મહાભારતનું યુદ્ધ હવે અનિવાર્ય છે. તેણે પોતાની માતા પાસે યુદ્ધમાં જોડાવાની મંજૂરી માંગી. ભીમપુત્ર ઘટોત્કચની પત્ની હોવાથી બર્બરિકની માતાને લાગ્યું કે ક્યાં સો કૌરવો અને તેની સામે ક્યાં પાંચ પાંડવો? એટલે તેણે બર્બરિક પાસેથી વચન માંગ્યું કે તે હારી રહેલા પક્ષની જ મદદ કરશે. માતાને વચન આપીને બર્બરિક મહાભારતના યુદ્ધમાં જોડાવા માટે નીકળી ગયા.

ભગવાન શ્રીકૃષ્ણને પોતાના શિષ્યને યુદ્ધભૂમિ તરફ આવતો જોઇને તેની પરીક્ષા કરવાનું મન થયું. બર્બરિક ભૂરા રંગના પોતાના ઘોડા પર બેસીને જઈ રહ્યો હતો ત્યારે જ શ્રીકૃષ્ણે બ્રાહ્મણનો વેશ લઈને તેને રોક્યો. બર્બરિકના આ રીતે યુદ્ધભૂમિ તરફ જવાનું કારણ પૂછ્યા બાદ બ્રાહ્મણરૂપમાં રહેલા શ્રીકૃષ્ણએ બર્બરિકના ભાથામાં ત્રણ બાણ જોઇને તેની મશ્કરી કરી કે માત્ર ત્રણ જ બાણથી તે યુદ્ધ જીતે તે અસંભવ છે.

બર્બરિકે શ્રીકૃષ્ણની મશ્કરીનો શાંતિથી જવાબ આપતા કહ્યું કે તેનું એક જ બાણ શત્રુનો નાશ કરવા માટે સક્ષમ છે અને શત્રુનો નાશ કર્યા બાદ આ બાણ તેના ભાથામાં પરત આવી જશે. પરંતુ તે ત્રણેય બાણોનો પ્રયોગ એટલા માટે નહીં કરે કારણકે જો તે એવું કરશે તો ધરતી રસાતાળ થઇ જશે અને ધરતીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.

શ્રીકૃષ્ણ જાણીજોઈને બર્બરિકની વાતથી અસહમત થયા. તેમણે તેને પડકાર ફેંક્યો કે જો તે સાચો હોય તો તેના એક બાણને ચલાવીને પોતાનો દાવો સત્ય સાબિત કરે. કૃષ્ણે તેને કહ્યું કે જો તે સાચો હોય તો પીપળાના આ વૃક્ષના તમામ પાંદડાઓને તે એક જ બાણથી વીંધીને દેખાડે!

બર્બરિકે શ્રીકૃષ્ણનો પડકાર સ્વીકાર્યો અને તેણે પોતાના ભાથામાંથી એક બાણ લઇ તેને ધનુષ પર મૂકી તેની પ્રત્યંચા ચડાવી અને ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને બાદમાં એ બાણ તેણે છોડ્યું. બર્બરિકના ધનુષ્યમાંથી નીકળેલા એ બાણે પીપળાના તમામ પાંદડાઓની વીંધી નાખ્યા અને શ્રીકૃષ્ણના પગની આસપાસ ફરવાનું શરુ કરી દીધું કારણકે શ્રીકૃષ્ણએ એક પાંદડું પોતાના પગ નીચે દબાવી રાખ્યું હતું. બર્બરિકે શ્રીકૃષ્ણને વિનંતી કરી કે તે પોતાનો પગ હટાવી લે નહીં તો આ બાણ તેમને ઈજા પહોંચાડશે.

બાદમાં શ્રીકૃષ્ણએ તેને પૂછ્યું કે એ મહાભારતના યુદ્ધમાં સામેલ થવા તો જાય છે પરંતુ તે કોના પક્ષ તરફથી લડશે? આ પ્રશ્નના ઉત્તરમાં બર્બરિકે શ્રીકૃષ્ણને જવાબ આપ્યો કે તેણે તેની માતાને વચન આપ્યું છે કે તે હારી રહેલા પક્ષના સમર્થનમાં લડશે. આ સાંભળીને શ્રીકૃષ્ણ ચોંકી ઉઠ્યા, એમને ખબર હતી કે મહાભારતના યુદ્ધનો અંત પાંડવોના વિજયથી જ થવાનો છે, આથી હારી રહેલા કૌરવ પક્ષ તરફથી જો બર્બરિક લડશે તો યુદ્ધનું પરિણામ બિલકુલ બદલાઈ જશે.

આથી બ્રાહ્મણ બનેલા શ્રીકૃષ્ણએ બર્બરિક પાસેથી દાન માંગ્યું. બર્બરિક શ્રીકૃષ્ણ જે દાન આપે તે આપવા માટે તૈયાર થયો અને શ્રીકૃષ્ણએ બર્બરિક પાસેથી તેનું માથું દાનમાં માંગ્યું. બે ઘડી તો બર્બરિકને ખબર ન પડી કે આ બ્રાહ્મણ તેની પાસેથી આવું વિચિત્ર દાન કેમ માંગી રહ્યો છે. બાદમાં તેને લાગ્યું કે આ પ્રકારનું દાન માંગનાર કોઈ સાધારણ બ્રાહ્મણ ન જ હોઈ શકે. આથી બર્બરિકે શ્રીકૃષ્ણને પોતે કોણ છે એ જણાવવાની પ્રાર્થના કરી.

ભગવાન શ્રીકૃષ્ણ બર્બરિકને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું અને બદલામાં બર્બરિકે ઈચ્છા વ્યક્ત કરી કે તેનું માથું કપાઈ જવાથી તે યુદ્ધમાં તો ભાગ નહીં લઇ શકે પરંતુ તે આ યુદ્ધ જોવા જરૂર ઈચ્છે છે. ભગવાન શ્રીકૃષ્ણએ તેને વચન આપતાની સાથે જ બર્બરિકે પોતાનું માથું ધડથી અલગ કરીને શ્રીકૃષ્ણને ધરી દીધું. શ્રીકૃષ્ણએ મહાભારતનું યુદ્ધ જ્યાં થવાનું હતું ત્યાં આવેલી એક ઉંચી ટેકરી પર બે ભાલા વચ્ચે બર્બરિકનું માથું એવી રીતે ગોઠવી દીધું કે જેથી તે સમગ્ર યુદ્ધ જોઈ શકે.

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ અને તેમાં વિજય મેળવ્યા બાદ પાંચેય પાંડવો વચ્ચે વિવાદ થયો કે યુદ્ધમાં મળેલી જીત પર સહુથી મોટું પ્રદાન કોનું છે? ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે બર્બરિકે સમગ્ર યુદ્ધ જોયું છે એટલે એને જ આ બાબતનો નિર્ણય કરવા દેવામાં આવે. આથી સહમત થયેલા પાંચે પાંડવો બર્બરિક પાસે પેલી ટેકરી પર પહોંચ્યા જ્યાં બર્બરિકે કહ્યું કે મહાભારતના આ યુદ્ધમાં સહુથી મહાન પાત્ર માત્ર શ્રીકૃષ્ણ જ છે. તેમની ઉપસ્થિતિ, તેમનું શિક્ષણ અને તેમની રણનીતિએ જ પાંડવોને વિજય અપાવ્યો છે. તેને યુદ્ધભૂમિમાં માત્ર શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર જ દેખાતું હતું જે સતત દુશ્મનોનો નાશ કરી રહ્યું હતું. મહાકાળી દુર્ગા પણ શ્રીકૃષ્ણના આદેશ પર શત્રુઓના રક્તથી ભરેલા પ્યાલાઓનું સેવન કરી રહી હતી.

વીર બર્બરિકના બલીદાન અને તેની ભક્તિથી ખુશ થયેલા શ્રીકૃષ્ણએ તેને વરદાન આપ્યું કે તે કળિયુગમાં તે શ્યામના નામે ઓળખાશે કારણકે કળિયુગમાં હારેલાને સાથ આપનાર જ શ્યામ કહેવાશે. ખાટુનગર તારું ધામ હશે. ત્યારબાદ બર્બરિકનું શીશ ખાટુ નામના નગરમાં દફનાવવામાં આવ્યું અને ત્યાં એક વખત એક ગાયે આવીને પોતાના આંચળથી આ જગ્યા પર અખૂટ દૂધની ધારા વહેવડાવી. ત્યારબાદ ગામના લોકોએ અહીં ખોદકામ કરતા બર્બરિકનું શીશ મળી આવ્યું અને તેને થોડા દિવસ પુરતું એક બ્રાહ્મણને સોંપવામાં આવ્યું.

ત્યારબાદ ખાટુના રાજાના સ્વપ્નમાં બર્બરિક આવ્યા અને તેને એક મંદિરનું નિર્માણ કરવાનું કહ્યું જ્યાં પોતાના શીશની સ્થાપના કરવાનું પણ કહ્યું. ત્યારબાદ અહીં એક મંદિરની સ્થાપના કરવામાં આવી અને દર કાર્તિક એકાદશીએ અહીં તેમની પૂજા કરવામાં આવે છે કારણકે આ જ દિવસે મંદિરમાં બર્બરિકના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

આ જ દિવસને બર્બરિકના જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે જેને બાબા શ્યામ તરીકે પણ ઓળખાય છે. બર્બરિકનું આ મંદિર હાલના રાજસ્થાનના સીકર જીલ્લામાં આવેલા ખાટુ ગામમાં આવેલું છે.

***