Muhurta - 17 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 17)

Featured Books
Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 17)

અમે જેશલમેર જવા માટે ટ્રેન પકડી હતી. જતા પહેલા અમે મેલા કપડા બદલ્યા હતા. વિવેકે અમારા માટે સફેદ જભ્ભા અને સાંકડી મોરીના લેઘા રેડીમેડ જ લાવ્યા. સફેદ કપડામાં વિવેક મારા કરતા વધુ સુંદર દેખાતો હતો.

રાજસ્થાનમાં રણમાં જવું પડે એ માટે અમુક બીજી વસ્તુઓનો એક બેક પેક પણ લીધો હતો. શ્લોક અને પ્રિયંકા અમારી સાથે આવવા માંગતા હતા પણ વિવેક અને તેના પપ્પા ઇચ્છતા હતા કે અમે બે જ જઈએ. આમ પણ અડધું જોખમ ઓછું થઇ ગયું હતું, અમે નંબર ત્રણને બચાવીને ડેથ સાયકલ તોડી નાખી હતી. હવે એ લોકો નંબર ચારને અત્યારે મારી શકે એમ ન હતા કેમકે તેઓ બધા નાગને ક્રમ મુજબ મારવા માંગતા હતા - અમને ક્રમ મુજબ મારે તો જ કદંબનો ઈરાદો પૂરો થાય એમ હતો.

જોકે જોખમ ન હતું એમ પણ ન કહી શકાય કેમકે કદંબના શિકારીઓ નંબર ચારને કિડનેપ કરી શકે એમ હતા. તેઓ નંબર ત્રણ ન મળે ત્યાં સુધી એને મારે નહિ પણ કેદમાં રાખે અને જયારે નંબર ત્રણ મળી જાય પછી નંબર ચારને મારવા માટે એમને ક્યાય એને શોધવાની જરૂર ન પડે.

જેશલમેરમાં અમે જયારે પહોચ્યા રાત થઇ ગઈ હતી. લગભગ રાતના દસેક વાગ્યા હતા. અમને નંબર ફોરનું એક્જેક્ટ લોકેશન મળી ગયું હતું. અમારે શહેરથી દુરના એક જુના કિલ્લામાં જવાનું હતું. મને અંદાજ આવી ગયો હતો નંબર ચાર ત્યાં કેમ હતો. કદાચ એ રેતનો ભોમિયો હશે અને એને ખયાલ હતો કે શિકારીઓ તેની તલાસમાં આવી રહ્યા છે માટે તેણે રેતના દરિયા વચ્ચે છુપાયેલા એક જુના કિલ્લામાં છુપાવાનું પસંદ કર્યું હતું પણ એ તેની ભૂલ હતી.

અમે અવકાશી કેલેન્ડરની મદદથી એનું લોકેશન મેળવી શક્યા હતા એનો અર્થ એ હતો કે દુશ્મનોને પણ એ ક્યા છે એની જાણ થઇ ગઈ હતી. એ લોકો મારા મણી વડે નાગને ટ્રેસ કરી રહ્યા હતા જે અવકાશી કેલેન્ડર કરતા પણ સચોટ રીતે જાણકારી આપી શકતું હતું.

અમારે ત્યાં જવા માટે ઊંટની જરૂર હતી કેમકે શહેર બહાર આવેલા રેતના એ સમુદ્રમાં એ જુનો મહેલ શોધવામાં ટેક્ષી કે કોઈ બીજું વાહન અમને મદદરૂપ થઇ શકે એમ ન હતું. રાતના સમયે ઊંટ મેળવવા પણ મુશ્કેલ કામ હતું.

“ભાઈ, ઉટ કટે મળી...?” વિવેકે સ્ટેશનમાંથી બહાર આવી એક ઓટો ડ્રાયવરને પૂછ્યું. વિવેક જાણે રાજસ્થાનની રેતમાં જ જન્મ્યો અને મોટો થયો હોય એમ એ લોકો સાથે વાત કરી શકતો હતો.

“સાબ, રાતકો ઊંટોરો કી કોમ પડીયો?” ઓટો ડ્રાયવરને અમે રાત્રે ઊંટ ક્યાં મળશે એ પૂછ્યું એનાથી આશ્ચર્ય થયું હોય એમ મને લાગ્યું.

“યો સાબ બમ્બઈ સે આયે હે, અણોરે રાતમે રણરી સેર કરણી હે..” વિવેક મારવાડી બોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો છતાં ક્યાંક ક્યાંક એની મારવાડીમાં હિન્દી શબ્દો ભળી જતા હતા.

“અણ ટેમરી..?” કહીને ડ્રાઈવરે મારા ચહેરા તરફ ધ્યાનથી જોયું. આટલા દિવસની રજળપાટમાં વધેલા દાઢી મૂછોમાં મારો દેખાવ ખાસ્સો બદલાયો હતો. તે મને એ રીતે ધારીને ઘડીભર જોઈ રહ્યો જાણે હું અહીના કોઈ રાજઘરનાનો મહેમાન હોઉં. જોકે ત્યારે મને ખબર નહોતી કે રાજઘરાના સાથે મારે કેવા સબંધ હતા એટલે મને નવાઈ લાગી.

“હા, સાબ કો ધૂપરી એલર્જી હે તો દિન મેં શેર કર શકતે કો ની.. તો રાતમે રણરી સેર કરની હે..” વિવેક જુઠ્ઠું બોલવામાં અને વાત ઉપજાવી કાઢવામાં પણ પોતાના જાદુનો ઉપયોગ કરી શકતો.

“રાતમેં ઊંટ તો કટે ની મિલે સાબ.. થે એક કોમ કરો... મોટી ઢોણી જાઓ પરા.. વટે ઊંટોરો બંદોવસ વે તો નીકર કટે કો ની વે...”

“મોટી ઢોણી જાણો વે તો કે ભાડો લગે...?” વિવેક બને તેટલો મારવાડી દેખાવાનો પ્રયાસ કરતો હતો.

ઓટો ડ્રાયવરને એની મારવાડીમાં ભળેલ હિન્દી શબ્દો પરથી શક થવો જોઈતો હતો કે એ મારવાડી નથી પણ કદાચ એને એમ લાગ્યું હતું કે વિવેક ક્યાંક બહાર રહેતો હશે માટે એની મારવાડીમાં હિન્દી ભળી ગયું છે.

“દનમેં તો પચા જ લઉં પણ રાતરો ટેમ હે તો પુરા હો લઉં સાબ..” તેણે મોટી મૂછો બંને હાથે સરખી કરીને કહ્યું.

“ચલેગા..” વિવેકે કહ્યું.

તેણે પોતાની ખાખી સફારી ઠીક કરી અને કિક મારી. અમે ઓટોમાં ગોઠવાયા.

*

રસ્તા પર ખાસ લાઈટોની સગવડ ન હતી છતાં ઓટો ચાલે ત્યારે અમે એટલા આમ તેમ હાલી રહ્યા હતા કે મને અંદાજ આવી ગયો એ રોડની હાલત શું હશે? અને જો રોડની એ હાલત હોય તો શહેરમાં રાતે ઊંટ મળવા મુશ્કેલ હશે એ પણ દેખીતું હતું.

“સાબ, એ મોટી ઢોણી હે.. નોના ટાબરને બી અરજણરો ઘર પૂછો...”

“સમજ ગયા..” વિવેકે ડ્રાયવર પોતાની વાત પૂરી કરે એ પહેલા કહ્યું.

અમે ડ્રાયવરને ભાડું ચૂકવી આગળ વધ્યા.

અમારે કોઈ નાના ટાબર(બાળક)ને પૂછવાની જરૂર ન પડી કેમકે હજુ અંધારું પૂરું ઘેરાયું ન હતું માટે જુવાનીયા છોકરાઓ નુક્કડ પર ભેગા થઇ વાતોના સપાટા લગાવી રહ્યા હતા.

“ઊંટવાળા અરજણ રો ઘર કટે હે?” વિવેકે એક છોકરાને પૂછ્યું. એણે સફેદ ખમીસ પહેરેલ હતું જે એના પાતળા શરીરને જોતા બહુ મોટું પડતું હતું. એની ઉમર નાની દેખાતી હતી છતાં પોતાની જાતને જુવાન માનવા લાગ્યો હોય એમ એ છોકરાએ મૂછો પણ રાખેલ હતી છતાં એનું શરીર કહી દે એમ હતું કે એ લબરમુછીયો સોળ સતર વર્ષ કરતા મોટી ઉમરનો નહી હોય.

“કી કોમ હતો..?” અમારા પહેરવેશ અને ઊંટોની પૂછપરછમાં એને રેર કોમ્બીનેશન લાગ્યું હોય એમ નવાઈથી પૂછ્યું.

“રાતમે રણરી સેર કરની હે.” વિવેકે એ વાક્ય લગભગ ચાર વાર રીપીટ કર્યું હતું.

“મુ જ અરજણ હું.. ઊંટ રાતમે મળી પણ ચાર્જ અલગ વેઈ...” એ પોતાના શબ્દોમાં એને આવડી શકે એટલા અંગ્રેજી શબ્દો બોલ્યો. કદાચ એણે અમને શહેરથી ફરવા આવેલા શોખીન અમીરજાદા સમજ્યા હશે અને અમને ઈમ્પ્રેસ કરી એ પચાસ સો વધુ કમાવા માંગતો હતો.

“તીન હજાર કાફી હે.. કે વધતા..?” વિવેકે પૂછ્યું.

“એક ઊંટ.. સુબે આઠ તક..” અરજણે પોતાની શરત આગળ કરી.

“ઠીક હે..”

વિવેકે ખાસ્સી એવી ઉંચી રકમ ચૂકવીને ઊંટ મેળવ્યો.

“સાબ સુબે ગોમે આવી ઉટને છૂટો કરજો... વો ઘર જોણે હે.”

“ઠીક હે...” વિવેકે જવાબ આપ્યો.

વિવેક ઊંટ પાસે ગયો. અમે બેમાંથી એક પણ ઊંટની સવારી કઈ રીતે કરવી એ જાણતા ન હતા.

“એની આંખોમાં જો..” વિવેકે કહ્યું.

“હા...” મેં હકારમાં માથું હલાવ્યું.

એક નાગ કોઈ પણ જાનવરને પોતાની આંખો વડે કાબુ કરી શકે છે. મેં ગયા જન્મમાં પણ બાલુને એક જંગલી દીપડાને કાબુ કરતા જોયો હતો. જોકે ગયા જન્મમાં મને એ ખયાલ ન હતો કે અમે નાગ કોઈ પણ જાનવરને તેની આંખોમાં જોઈ વશમાં કરી શકીએ છીએ એ બાબત જયારે મારે પહેલી વાર એક આદમખોર વાઘ સાથે બાથ ભીડવાનો વારો આવ્યો ત્યારે મને સમજાઈ હતી.

ઊંટ મારી આંખોમાં જોઈ રહ્યો અને એ વર્ષોથી મને ઓળખતો હોય, હું રોજ એની સવારી કરતો હોઉં એમ એ જમીન પર બેસી ગયો. અમે ઊંટ પર સવાર થયા.

“ઉટ તો બડો હોશિયાર હે!” વિવેકે ઉદગાર વાક્ય ઉચ્ચાર્યું જેથી ઊંટના માલિકને અમે સરળતાથી ઊંટને વશમાં કર્યો એ જોઈ કોઈ શક ન થાય.

“વણરો તો સાર્જ હે સાબ..” ઊંટનો માલિક પોતાના ઊંટના વખાણ સાંભળી જરા ખુશ થયો.

અમારી ઊંટ પરની મુસાફરી શરુ થઇ – એ અમારા બંને માટે ઊંટની પહેલી સવારી હતી. મેં ઊંટની સવારી પહેલા ક્યારેય કરી ન હતી અને વિવેકે ઊંટને કાબુ કરવા મને કહ્યું હતું એ જોતા મને લાગ્યું કે એને પણ ઊંટની સવારીનો અનુભવ ન હતો.

અરજણે અમારી પાસેથી ખાસ્સી એવી મોટી રકમ એક રાતના ઊંટના ભાડા પેટે લીધી હતી પણ એ રકમ અમારા માટે વધુ ન હતી કારણ અમારું કામ જ એવું હતું. વળી એ ઊંટ એકદમ જાતવાન હતો. એને શહેર છોડી રણની રેતમાં પગ માંડતા માંડ અડધો કલાક જેટલો સમય થયો હતો.

ઊંટ ડસ્કી ટ્રેક પર ચાલવા લાગ્યો. હવામાં રેત અને ઠંડી બંને બેફામ ભળેલા હતા. સારું હતું કે એ રાતનો સમય હતો નહીતર એ હવામાં ગરમી અને ધૂળ હોત જેમાં મુસાફરી કરવી વધુ મુશ્કેલ થઇ પડોત. હવા પણ જાણે એ રણની એકલતાને લઈને ફરી રહી હોય એમ ગ્લુમી હતી પણ અમે જાણતા હતા કે આજે એ રેતનો દરિયો એકલો ન હતો એમાં એ અમારા એક સાથીને છુપાવીને બેઠો હતો.

અમારે ઊંટને રસ્તો બતાવવાની જરૂર ન હતી કેમકે હું એક નાગ હતો અને કોઈ પણ જાનવર સાથે માનસિક બોન્ડ બનાવી શકતો હતો. એ ઊંટ મારા મનમાં ફીટ થયેલ મેપને જાણી શકતો હોય એમ એ કિલ્લા જરફ જઇ રહ્યો હતો.

“વિવેક.. આવા સ્થળે નંબર ફોર કેમ રહેતો હશે..?” મેં પાછળ જોયા વિના જ પૂછ્યું. ઊંટને હું હંકારી રહ્યો હતો અને વિવેક પાછળ બેઠેલો હતો. અમે હિલોળાતા હતા. ઊંટની સવારીમાં માણસ નૃત્યુ કરતો હોય તેમ હાલતો રહે છે.

“દુનિયાથી પોતાની જાતને છુપાવીને રાખવા માટે.. આ અફાટ રેતનો સમુદ્ર છે જ્યાં માનવ બને ત્યાં સુધી ફરકવાની હિમ્મત નથી કરતો.”

વિવેકની વાત સાચી હતી ત્યાં દુર દુર સુધી કોઈ માનવ હોય એવો કોઈ અણસાર પણ ન હતો. બસ ચારે તરફ રેત અને રેત જ હતી. ત્યાં જાણે રેતનું જ રાજ ચાલતું હોય એમ આખા રણ પર એ સામ્રાજ્ય જમાવીને ફેલાયેલી હતી. ચારેય તરફ રેતના ઢુવા હતા.

ત્યાં એ રેત સિવાય કઈ ન હતું. નોટ અ સિંગલ પર્સન ટુ બી સીન.. નો બડી ટુ રન ટુ ફોર હેલ્પ.

વાતો કરતા અમે સવારી કરી. આખરે અમને દુર એ કિલ્લો દેખાવા લાગ્યો. અમે ઊંટ લઈને જ ત્યાં સુધી ગયા કેમકે અમે જો ઊંટને દુર ક્યાંક બાંધી જઈએ તો નંબર ફોરને અમે દુશ્મન છીએ એવો શક થાય તો એ ત્યાંથી નાશી પણ જાય અને તો એ રેતના સમુદ્રમાં એને શોધવો બહુ મુશ્કેલ કામ થઇ પડે.

રણ હજુ એટલું રેતાળ ન હતું. ક્યાંક ક્યાંક થોર અને બોરડી જેવા કંટાળા ઝાડ હતા. અમે ઊંટને બાંધી ત્યાં જઇ શકીએ તેમ હતા પણ અમને ઊંટ છેક કિલ્લા સુધી જ લઇ જવો યોગ્ય લાગ્યો જેથી નંબર ચારને કોઈ ગલતફેમી ન થાય.

એ ખંડેર જેવા મહેલના દરવાજા પાસે અમે ઊંટને રોક્યો. ઊંટ નીચે બેસી ગયો અને અમે એના પરથી ડીસ માઉન્ટ થયા. કદાચ અમને કોઈ ચમત્કારિક રીતે એ ઊંટ પર માઉન્ટીંગ અને ડીસ માઉન્ટીંગ કરતા આવડ્યું હતું. ઊંટને ખંડેર મહેલના દરવાજા આગળ બાંધી અમે અંદર દાખલ થયા.

અમે સાવચેતી પૂર્વક એ કાળા કારીગરીથી ભવ્ય પણ ખંડેર હાલતમાં હોય એવા મહેલમાં દાખલ થયા. મને સમજાયું નહિ કે રાજાઓ કેમ આ રેતના સમુદ્ર વચ્ચે કિલ્લા અને મહેલો ખડા કરતા હતા. કદાચ એમને પણ અમારા જેમ હાઈડીંગ પ્લેસની જરૂર હશે એ માટે આવા સ્થળે પેલેસ બનાવ્યા હશે.

એ મહેલ નાનકડો હતા છતાં એમાં એરો લુપ્સ અને અશ્લર જેવી જટિલ રચનાઓ પણ હતી.

અમે કિલ્લાની બેઇલીમાં દાખલ થયા. એ કદાચ પહેલાના સમયમાં દીવાલોથી ધેરાયેલ કોર્ટયાર્ડ જેવો ભાગ હશે પણ અત્યારે તો એની દીવાલોના માત્ર અવશેષ જ દેખાઈ રહ્યા હતા. અંદર નાનકડા થોર અને બાવળા ઠેર ઠેર દીવાલોની કિનારે ઉગ્યા હતા. અમે તૂટેલા બાર્બીકન, બાર્મકીન, બેસ્ટન અને કોર્બલને નિહાળતા આગળ વધ્યા.

અમે પુરા કિલ્લામાં ફરી વળ્યા પણ અમને કોઈ દેખાયું નહિ.

“રેમપાર્ટસ.. એ ત્યાં હશે..” વિવેકે કહ્યું. અમે સાવચેતી પુરવક રેમપાર્ટસ સુધી પહોચ્યા. રેમપાર્ટસ પણ ઠેક ઠેકાણેથી તૂટેલો અને જર્જરિત હાલતમાં હતો. અમે છેક શોલ્ડર આર્ચ સુધી ગયા. એ ડોરવેના ઉપરના ભાગે હતી.

“કોણ છો તમે..? કિલ્લામાં શું કરી રહ્યા છો..?” અમારા સામે એકાએક નંબર ફોર આવ્યો. એના હાથમાં ગન હતી. એ રેતમાં કોઈ વ્યક્તિ ગન સાથે હોય તો ખાસ ચોકવા જેવું મને ન લાગ્યું કેમકે એ રેતમાં ગન સિવાય કોઈ સાથી મળી શકે એમ પણ નહોતો.

“હું વિવેક છું અને આ નબર એઈટ છે.. અમે તારી મદદ માટે આવ્યા છીએ..”

“કોણ વિવેક..? અને આ માણસને નામને બદલે નંબર કેમ છે? સાચું કહો તમે કોણ છો..?” તેણે ત્રાડ પાડી અને ગનઉપરની પકડ વધુ મજબુત કરી. એ સામે વાળાને ડરાવવાની એક્શન હોય છે.

એ અમારો ઊંટ આવતો જોઇને ત્યાં છુપાયો હશે એ એણે પહેરેલા કોટ પર લાગેલ ધૂળ પરથી સમજાઈ ગયું. રણમાં ચાંદની પણ સુરજના અજવાળાનું કામ કરી રહી હતી કે પછી એક નાગ હોવાને લીધે મારી દ્રષ્ટી બહુ તેઝ હતી એટલે હું એ બધું જોઈ શકતો હતો.

“નીકુલ.. તું નંબર ફોર છે.. અમે મિત્ર છીએ..” વિવેકે કહ્યું.

“તને વિશ્વાસ ન હોય તો તું આ જોઈ શકે છે.” મેં મારી સ્લીવને રોલ કરી મારા હાથ પર બનેલી નાગમંડળની આકૃતિ બતાવી.

“ઓકે.” એ સાચે જ નાગ છે.” એ અવાજ કોઈ છોકરીનો હતો. મેં આસપાસ નજર દોડાવી.. ત્યાં કોઈ છોકરી ન દેખાઈ.

“હું સામે આવી રહી છું.” ફરી મને એક અવાજ સંભળાયો અને નીકુલ ઉભો હતો એનાથી જરાક પાછળના ભાગે અમને એક છોકરી દેખાઈ. એના શરીર પર નીકુલ જેમ રાજસ્થાની કોટ ન હતો પણ લેધર જેકેટ હતું અને પેન્સિલ નેરો જીન્સ નીચે હોલબુટ પહેરેલા હતા. તે ખાસ્સી ઉંચી હતી.

“નંબર સિક્સ...?” વિવેકે કહ્યું. એના અવાજમાં ઉદગાર ભાવ હતા.

“હા, નંબર સિક્સ સેજલ..” એ આગળ આવી અને બોલી.

“આ લોકો કોણ છે?” નિકુલે સેજલ તરફ જોયું. એની આંખોમાં એ જ સવાલ હતો જે થોડાક સમય પહેલા જ શબ્દો બની એના મોમાંથી બહાર આવ્યો હતો.

“એ જાદુગર છે... હું એને ઓળખું છું. એ વિવેક છે અને એની સાથે છે એ એક નાગ છે.”

“તું... તું મને કઈ રીતે ઓળખી શકે..?” વિવેક ચોકી ગયો.

“તું અમારી કોલેજમાં ચેરીટી શો કરવા આવ્યો હતો.”

“તારી કોલેજમાં..? તું કઈ કોલેજમાં છે?”

“દિલ્હી સરસ્વતી બ્રિલીયંટમાં...”

“વોટ...? અત્યારે કોલેજ તો ચાલુ છે તું અહી શું કરી રહી છે..?” વિવેકે પૂછ્યું.

“મને મારવા માટે કેટલાક જાદુગરો કોલેજ સુધી પહોચી ગયા હતા.” તે નજીક આવી. તે ખાસ્સી ઉજળી હતી. અંબોડામાં બાંધેલા વાળમાં તેની લાંબી ગરદન ઉપર તેનો શ્યામ ચહેરો ચમકતો હતો. તેનું નાક તેના લંબગોળ ચહેરા પર પ્રમાણમાં નાનું હતું અને આંખો બદામ જેવી લાંબી અને અભિમાની હતી.

“શું એ લોકોએ કોઈ બીજાની પાછળ પણ હતા?” વિવેકે તેને વચ્ચે જ અટકાવી પૂછ્યું.

“મને ખબર નથી.. એમના આવવાનો અણસાર મળતા જ હું ત્યાંથી ભાગી નીકળી અને આહી રાજસ્થાન આવી. હું અને નીકુલ એકબીજાને પહેલેથી જ ઓળખાતા હતા. શું કોઈ બીજા નાગ કે નાગિન પણ એ કોલેજમાં છે?”

“ના, એ માનવ છે..”

“તો એને શું જોખમ હોઈ શકે..? એ શિકારીઓ નાગ નાગિન પાછળ છે.” વિવેક અને સેજલની વાત ચાલતી હતી ત્યારે હું અને નીકુલ સાંભળી રહ્યા.

“બહુ લાંબી કહાની છે.. એના પર નાગ નાગિન કરતા પણ વધુ જોખમ છે.” વિવેકે ખિસ્સામાંથી ફોન નીકાળ્યો અને વૈશાલીનો નંબર ડાયલ કરવા પ્રયાસ કર્યો.

“અહી નેટવર્ક નહિ મળે.. નેટવર્ક મેળવવા શહેર જવું પડશે.”

“કોઈ તમારો પીછો કરતુ અહી સુધી આવી ગયું છે.” નિકુલે રાડ પડતા કહ્યું.

દુર અંધકારમાં દેખાતી એક ઊંટની આકૃતિ તરફ અમે જોયું.. એ આકૃતિ લગભગ સો યાર્ડ કરતા પણ વધુ દુર હતી.

“આપણે એમનો મુકાબલો કરી લઈશું.” વિવેકે કહ્યું અને સામેથી આવેલ એક તીર નીકુલ સુધી પહોચે એ પહેલા એણે એકાદ ડગલું નીકુલ તરફ ખસી એ તીર પોતાના હાથમાં પકડી લીધું.

“ડોન્ટ ફાયર...” વિવેકે સેજલ પોતાની ગનનું ટ્રીગર દબાવવાની તૈયારીમાં હતી એ જ સમયે કહ્યું.

“કેમ..?”

“એ આપણને કોઈ મેસેજ આપવા માંગે છે... તીરની આસપાસ કાપડનો ટુકડો વીંટાળેલ છે જેમાં કોઈ સંદેશ હશે.”

“શું સંદેશ છે...?” સેજલે ગન નીચે કરતા પૂછ્યું.

“એ સંદેશ મારા માટે છે... કદંબ જાણે છે કે હું અહી છું. એ લોકો અમારો પીછો કરતા અહી સુધી આવ્યા મતલબ એ જાણે છે કે અમે નંબર થ્રીને બચાવવામાં સફળ રહ્યા છીએ.”

“સંદેશો શું છે..?” મેં પૂછ્યું.

“મારી પાસે ટોર્ચ છે.” નિકુલે તેના પાસેથી નાનકડી ટોર્ચ સળગાવી. અમારા બેક પેકમાં પણ ટોર્ચ હતી પણ તેની જરૂર ન પડી. ટોર્ચના અજવાળામાં વિવેક એ કપડાના ટુકડા પર લખેલ સંદેશો વાંચવા લાગ્યો.

“વિવેક... મને ખબર છે તે અને એસેમ્બલી ઓફ ઇન્ડિયન મીજીસિયને મારા લક્ષમાં દખલ કરવાનું નક્કી કર્યું છે. હું જાણું છું આ વાત તે જ એસેમ્બલી સુધી પહોચાડી છે અને તે જ કેટલાક નાગને મારા હાથની પહોચથી બહુ દુર મોકલી દીધા છે પણ હવે તું જ એ નાગને મારી પાસે લાવીશ કેમકે નયના મારા કબજામાં છે. તને ખબર છે કદાચ તમે આકાશી કેલેન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો તો જાણતા હશો કે નંબર નાઈન પણ મારી કેદમાં છે. જો મારું નવ નાગને મારવાનું લક્ષ પૂરું નહી થઇ શકે તો હું નંબર નાઈનને મારી નાખીશ અને નયના..? ના, એને મારીશ નહિ એ હમેશા મારી કેદમાં રહેશે કેમકે મારા શિકારીઓને એ ગમી ગઈ છે. આશા છે કે જેમ તું પહેલા પણ એકવાર નયનાને નાગપુરના જંગલોમાંથી શિકારીઓ પાસેથી બચાવી ગયો હતો એમ ફરી એને બચાવવા આવીશ. તું બાકીના નાગોને કઈ રીતે જંગલ લઇ આવીશ એ તારા પર આધાર રાખે છે. નયના જીવવા માંગે છે તો પ્લીઝ એની મદદ માટે આવવા નમ્ર વિનંતી અને હા એના પેલા આશિક કપિલને લઇ આવવાનું ન ભૂલતો. મને ખબર છે તે એને માર્યો નથી તે ભેડાઘાટ પર મારી આંખોમાં ધૂળ નાખી એનો હિસાબ પણ બાકી છે – તારો બેડ બેડ બેડ ટીચર કદંબ.” વિવેકે મેસેજ પૂરો કર્યો ત્યારે જાણે કદંબ ખડખડાટ હસતો હોય એવો અવાજ મને સંભળાયો.

“એ ઊંટ નો પીછો કરીએ..” સેજલે કહ્યું.

“કોઈ મતલબ નથી. આપણી પાસે એક જ ઊંટ છે અને આમ પણ એ કોઈ સામાન્ય પ્યાદું હશે એને પકડી લેવાથી કદંબને કોઈ ફરક નહિ પડે... એની પાસે સંદેશા કરતા વધુ કોઈ માહિતી નહિ હોય.” વિવેકે એ કપડાના ટુકડાને વાળીને જભ્ભાના ખિસ્સામાં મુક્યો.

“આપણે હવે શું કરીશું..?” મેં કહ્યું. મને નયનાની ફિકર હતી. નયના એક વાર જે શેતાનથી બચાવમાં સફળ રહી હતી ફરી એ જ શેતાનની ચંગુલમાં એને નશીબ ખેચી ગયું હતું. કદંબને નશીબે જ સાથ આપ્યો હતો એ તો દિલ્હીમાં સેજલને શોધવા ગયો હતો એને ખબર પણ ન હતી કે નયના ત્યાં છે પણ અમારું બદ નશીબ અમને ક્યારેય નડ્યા વિના નથી રહેતું. કમ નશીબે નયનાની જ કોલેજમાં એ લોકો સેજલ માટે ગયા અને એ સમયે સેજલને બદલે નયના એમના સામે આવી ગઈ હશે.

ખરેખર અમે સ્ટાર ટચડ લવર્સની પેર હતા. કદાચ અમારા એકબીજાથી દુર થઇ જવામાં દુશ્મનો જેટલો જ ફાળો નશીબ કે નિયતિનો પણ હતો.

“આપણે પહેલા તો એસેમ્બલી જવું પડશે. ત્યાં જઈને કોઈ આયોજન કરીશું..” વિવેકના ચહેરા અને અવાજ બંનેમાં ભય દેખાયો.

“કોઈ એવો પ્લાન જોઇશે જેથી આપણે એ બંનેને ત્યાંથી છોડાવી શકીએ.” સેજલે કહ્યું. તેની વાત યોગ્ય હતી કદાચ એ સ્થિતિમાંથી કોઈ પરફેક્ટ પ્લાન જ નયનાને બચાવી શકવા કામ લાગે તેમ હતો.

અમે એસેમ્બલી જવા માટે નીકળ્યા. અમારી પાસે એક જ ઊંટ હતો એટલે ચારે જણ એક જ ઊંટ પર સવારી કરવી પડી. જેશલમેર અરજણના વિસ્તારથી નજીક ઊંટ છોડી અમે રેલ્વે સ્ટેશન જવા માટે ઓટો લીધી. મારું મન સતત નયના કયા હાલમાં હશે એ વિચારવા લાગ્યું. એને કઈ રીતે બચાવવી એ વિચારી જ મને આવતો રહ્યો પણ મને કોઈ રસ્તો દેખાયો નહી. એ ભયાનક જંગલ જ્યાં મેં નયનાને અનન્યા રૂપે ખોઈ હતી એ જ જંગલ ફરી મારાથી નયનાને છીનવી લેવા માંગતું હતું. એ જંગલ મારી રાહ જોઈ રહ્યું હતું જ્યાં મેં મને પ્યારા હોય તેવા બધાને ખોયા હતા...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky