મર્ડર@રિવરફ્રન્ટ 34
રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ એક પોલીસ અધિકારી છે જેની રાશિ મીન છે એની માહિતી ગિફ્ટબોક્સમાં રહેલી વસ્તુ પરથી પડ્યાં બાદ રાજલ ગિફ્ટબોક્સમાં આવતી રીબીનો નું રહસ્ય ઉકેલી કાઢે છે..જે મુજબ હવે એ હત્યારો પોતાનો નવો શિકાર નહેરુ બ્રિજની આસપાસ કરવાનો છે એ રાજલ ને માલુમ પડે છે..પોતાનાં સમગ્ર સ્ટાફને ત્યાં દેખરેખ માટે મૂકી રાજલ ડીસીપી રાણા ને મળવાં જાય છે..જ્યાં ડીસીપી હાજર ન હોવાથી રાજલ એમની રાહ જોઇને બેસી હોય છે ત્યાં એનાં ઉપર IT ડિપાર્ટમેન્ટ હેડ સુકેતુ નો કોલ આવે છે.
સુકેતુ નો કોલ આવતાં રાજલ આશ્ચર્ય સાથે ફોન રિસીવ કરે છે..અને સુકેતુ ને ઉદ્દેશીને કહે છે.
"હેલ્લો,ઓફિસર.."
"હેલ્લો મેડમ.."સુકેતુ રાજલને માન આપતાં બોલ્યો.
"કોલ કરવાનું કોઈ ખાસ કારણ..?"રાજલે પૂછ્યું.
"હા મેડમ..એક ખાસ કારણથી જ તમને કોલ કરવો પડ્યો..નિત્યા મહેતા નાં કિડનેપિંગ પછી તમે મને એનાં ફોનનું લાસ્ટ લોકેશન કયું હતું એ વિશે પૂછ્યું હતું..પણ એ સમયથી અત્યાર સુધી ફોન નું લાસ્ટ લોકેશન હોટલ ગ્રીન ગાર્ડન જ હતું..પણ જસ્ટ થોડીક મિનિટ પહેલાં જ નિત્યાનો ફોન સ્વીચઓન થયો હતો..અને બે મિનિટ પછી પાછો સ્વીચઓફ થઈ ગયો.."જોરદાર માહિતી આપતાં સુકેતુ બોલ્યો.
"ગુડ..તો કઈ જગ્યાએ એનો કોલ ડિટેકટ થયો હતો એ જણાવશો..?રાજલે આતુરતા સાથે પૂછ્યું.
"એ કોલ ડિટેકટ થયો છે ખાડીયા વિસ્તારમાં આવેલી જય અંબે સ્વીટમાર્ટ આગળ.."સુકેતુ એ જણાવ્યું.
"Thanks for information.."સુકેતુ નો આભાર માની રાજલે ઉતાવળમાં કોલ કટ કરી દીધો.
ફોન મુકતાં જ રાજલ મનોમન બબડી.
"જય અંબે સ્વીટમાર્ટ..ફોનની લાસ્ટ લોકેશન દ્વારા હત્યારો પોતાનાં નવાં શિકારનું નામ જણાવે છે..તો ક્યાંક એવું તો નહીં હોય કે એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ હશે એ પોલીસ ઓફિસરનું નામ જય હશે.."
રાજલે થોડું વિચારી સંદીપને કોલ લગાવ્યો એ પુછવા કે નહેરુ બ્રિજ ની આસપાસ નાં વિસ્તારમાં કોઈ ગરબડ તો નથી થઈને.
"હેલ્લો ઓફિસર..કેવું છે ત્યાં..?"સંદીપનાં કોલ રિસીવ કરતાં ની સાથે જ રાજલે સીધો સવાલ કર્યો.
"અહીં બધું ok છે..અને વધુ સારી બાબત એ છે કે અહીં વગર બોલાવે ઘણી બધી પોલીસ આવી પહોંચી છે.."સંદીપે રાજલની વાતનો જવાબ આપતાં કહ્યું.
"વગર બોલાવે પોલીસ..કેમ કોઈ કારણ..?"સંદીપ ની વાત સાંભળી વિસ્મય સાથે રાજલે પૂછ્યું.
"અહીં નહેરુ બ્રિજથી આગળ લાલ દરવાજા જતાં રસ્તામાં હઝરત શાહ વઝીઉદીન ની દરગાહમાં રીનોવેશન પછી એનાં લોકાર્પણ નો કાર્યક્રમ છે..તો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને પોલીસ બળ હાજર છે.."સંદીપે જવાબ આપ્યો.
"અરે હા મેં વાંચ્યું હતું ન્યૂઝપેપર માં બે દિવસ પહેલાં આ વિશે..આનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નાં હાથે થવાનું હતું એવું પણ ન્યૂઝમાં હતું..પણ જો નાયબ મુખ્યમંત્રી આવવાનાં હોત તો મને જાણ કરવામાં આવી હોત.."રાજલ મનોમન વિચાર કરવાં લાગી.
"સંદીપ કોનાં હાથે લોકાર્પણ વિધિ છે..?"રાજલે સંદીપને પ્રશ્ન કર્યો.
"પહેલાં તો નાયબ મુખ્યમંત્રી નાં હાથે આ લોકાર્પણ વિધિ થવાની હતી..પણ બે દિવસથી નાયબ મુખ્યમંત્રી સાહેબ ને ન્યુમોનિયા થઈ ગયો હોવાથી એમનાં બદલામાં ડીસીપી સાહેબ નાં વરદ હસ્તે આ મસ્જિદ નાં રીનોવેશન કરેલાં ભાગનું લોકાર્પણ છે..ડીસીપી સાહેબ હમણાં જ આવ્યાં અહીં..અને નજીકમાં કાર્યક્રમ વિધિવત શરૂ થઈ જશે.."રાજલનાં સવાલનાં પ્રત્યુત્તર માં સંદીપ બોલ્યો.
"Ok.."સંદીપની વાત સાંભળી રાજલે કંઈક વિચારતાં વિચારતાં કોલ ડિસ્કનેક્ટ કર્યો અને લમણાં ઉપર હાથ મૂકી વિચારમંથન કરવાં લાગી..અચાનક રાજલને કંઈક સૂઝ્યું એટલે રાજલે મોબાઈલ માં ગૂગલ મેપ ખોલ્યું અને ઉપર સર્ચ બોક્સમાં જઈને લખ્યું.
"જય અંબે સ્વીટમાર્ટ..ખાડીયા,અમદાવાદ.."
આટલું લખતાં જ એક ભારતીય સોફ્ટવેર વૈજ્ઞાનિક સુંદર પિછાઈની દેન એવી ગૂગલ કંપનીની ગૂગલ મેપ ફેસિલિટીમાં બે સેકંડની અંદર તો રાજલની ફોન લોકેશન થી એને સર્ચ માટે લખેલી લોકેશન સ્ક્રીન પર આવી ગઈ..જેમાં બ્લુ ટિક જય અંબે સ્વીટમાર્ટ પર જઈને અટકી ગઈ..રાજલે સાઈડ માં ઑપશન લેયર પર જઈને સેટેલાઈટ વ્યુ માર્ક કર્યું..એ સાથે જ આજુબાજુ નાં બીજાં ગૂગલ મેપ પર માર્ક થયેલાં સ્થળો પણ દેખાવાનાં શરૂ થઈ ગયાં.
રાજલે જમણાં હાથનાં અંગુઠા અને તર્જની આંગળી વડે સ્ક્રીન ને zoom કરીને જયઅંબે સ્વીટમાર્ટ ની નજીકની દુકાનો,મકાનો અને રસ્તાઓ નાં નામ શું હતાં એ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું.
પૂજરા વોચ
મહાલક્ષ્મી મંદિર
પૂજા ઇલેક્ટ્રોનિક્સ
વેરાઈ મા નું મંદિર
ઇન્ડિયન બેંક
ઇન્કા ટ્રેડર્સ
શાહ બ્રધર ટ્રેડિંગ કું.
આ બધાં માર્ક કરેલ સ્થળોને જોતાં જોતાં રાજલ પાછી જય અંબે સ્વીટમાંર્ટ જોડે લોકેશન ને લાવી..અને સ્ક્રીન ને વધુ ઝૂમ કરી..સ્ક્રીન ને ઝૂમ કરતાં જ રાજલનાં ધ્યાને એવું કંઈક આવ્યું કે એ રીતસરની જ્યાં બેઠી હતી ત્યાંથી સ્પ્રિંગ ની માફક ઉછળીને ઉભી થઈ ગઈ...પહોળી આંખે મોબાઈલની સ્ક્રીન ભણી જોતાં રાજલ બોલી.
"દામોદર હોલ.."
આટલું બોલતાં જ એનો શ્વાસ ભારે થઈ ગયો..અને કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યાં.. દિશાશુન્ય બની રાજલ આમથી તેમ ડાફેરા મારવાં લાગી..એને ફરીવાર ફોનની સ્ક્રીન તરફ જોયું..અને હાથ ને મોં પર મૂકી પોતાનાં શ્વાસો શ્વાસ કંટ્રોલ કરવાની નાકામયાબ કોશિશ કરવાં લાગી.
"રાજલ તારે કોઈપણ ભોગે ડીસીપી સાહેબને બચાવવા જ પડશે.."પોતાની અંદર જોશ ભરતાં રાજલ બોલી અને દોડતી દોડતી પોતાની બુલેટ તરફ આગળ વધી..રાજલને આમ દોડતી જોઈ ડીસીપી રાણા ની કેબીન ની બહાર બેસેલો પ્યુન પણ વિચારમગ્ન થઈ ગયો.
રાજલની નજરે જય અંબે સ્વીટમાર્ટ ની જોડે આવેલ એક નાનકડાં હોલનું નામ ચડ્યું હતું જેનું નામ હતું દામોદર હોલ..સિરિયલ કિલરની રાશિ વાળી હિન્ટ મુજબ દામોદર નામ મીન રાશિ ધરાવતું હતું.દામોદર હોલ વાંચતાં જ રાજલની આંખો સામે એક ચહેરો ઉભરી આવ્યો..જે હતો ડીસીપી રાણા નો..ડીસીપી રાણા નું પૂરું નામ હતું દામોદર રાણા.કાતીલે રમકડાં દ્વારા એ પણ માહિતી આપી હતી કે એનો નવો શિકાર કોઈ પોલિસમેન જ હશે.
આ બધી હિન્ટ અને અત્યારે ડીસીપી દામોદર રાણા નું નહેરુ બ્રિજની નજીક હોવું..આ બધું જોડીને રાજલ એ તથ્ય પર આવી કે કાતીલ નો નવો ટાર્ગેટ ડીસીપી દામોદર રાણા જ છે..રાજલ બુલેટ સ્ટાર્ટ કરવાં જતી હતી ત્યાં એને કંઈક સૂઝતા રાજલે પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને સંદીપને કોલ કર્યો.
"ટું.. ટું.. ટું.."
સંદીપને કોલ ના લાગ્યો..એટલે રાજલે ફરીથી એને કોલ કરી જોયો..પણ ફરીવાર એવું જ થયું..આખરે રાજલે મનોજ ને કોલ કરી જોયો પણ મનોજનો ફોન પણ નહોતો લાગી રહ્યો..રાજલે ગણપતભાઈ અને મુકેશ ભાઈ ને પણ ફોન કર્યો પણ એ બધાં નો ફોન આઉટ ઓફ રિચ આવતો હતો.
"બધાં નો ફોન આઉટ ઓફ રિચ.."રાજલે ચિંતામગ્ન ભાવ સાથે ભ્રમર સંકોચતાં કહ્યું.
"મારે સીધું ડીસીપી સાહેબને જ આ વિશે કહેવું પડશે.."પોતાની સાથે વાત કરતાં રાજલ બોલી અને એને ડીસીપી રાણા નો નંબર ડાયલ કર્યો..પણ એમનો નંબર પણ આઉટ ઓફ રિચ આવી રહ્યો હતો.
પસાર થતી દરેક સેકંડ ડીસીપી રાણા માથે મોત ની તલવાર બની આગળ વધી રહી હતી..હવે વધુ સમય બગાડવામાં કોઈ ફાયદો નહોતો.. એટલે રાજલે મોબાઈલ ને ખિસ્સામાં રાખ્યો અને બુલેટ ને સ્ટાર્ટ કર્યું અને બુલેટને ફૂલ સ્પીડમાં ભગાવી મૂકી ખાડીયા જતાં રસ્તા તરફ.
આમ તો ડીસીપી ઓફિસથી ડીસીપી રાણા જ્યાં લોકાર્પણ વિધિ કરવાનાં હતાં એ મસ્જિદ માંડ 5-6 કિલોમીટર દૂર હતી પણ આ રસ્તો અમદાવાદ નો સૌથી વધુ ટ્રાફિક ધરાવતો રસ્તો હતો..એમાં પણ મુસ્લિમ વસ્તી ધરાવતો આ વિસ્તારમાં અત્યારે હઝરત શાહ વઝીઉદીન ની દરગાહનાં લોકાર્પણ કાર્યક્રમ નાં લીધે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ત્યાં જઈ રહ્યાં હોવાથી ટ્રાફિક વ્યસ્ત હતો.
વધુ ટ્રાફિક હોવાંનાં લીધે આ 5-6 કિલોમીટર ટૂંકો રસ્તો પણ અડધાં કલાકે માંડ પસાર થવાનો હતો એ નક્કી હતું..રાજલે બુલેટનું સ્ટિયરિંગ મજબૂત રીતે પકડ્યું અને બુલેટને પુરપાટ ઝડપે ભગાવી મુકી.રાજલ હૃદયનાં ધબકારા ને કાબુમાં લેવાનો પ્રયાસ કરતાં કરતાં બુલેટ ને પુરપાટ ગતિમાં હઝરત શાહ વઝીઉદીન ની દરગાહ તરફ લઈ જઈ રહી.
જરૂર વગર હોર્ન નહીં વગાડવાની આગ્રહી એવી રાજલ ની બુલેટ નો હોર્ન એ જ્યારથી નીકળી ત્યારથી બંધ જ નહોતો થયો.રેડ સિગ્નલ થઈ જાય તો પણ રાજલ બુલેટ ને અટકાવ્યા વગર હવા સાથે વાતો કરાવતાં કરાવતાં ભગાવી રહી હતી..જ્યાં બે વાહન વચ્ચે જગ્યા મળે એ સાથે જ રાજલ ચપળતાથી બાઈક ને એમાંથી પસાર કરીને ચલાવી રહી હતી.
રસ્તામાં રહેલી ટ્રાફિક પોલીસ નો સ્ટાફ પણ રાજલને રોકી નહોતો રહ્યો..કેમકે એ બધાં રાજલને ઓળખતાં હતાં.. અને એટલે જ એમને ખબર હતી કે રાજલ આટલી ગતિમાં ભાગી રહી હતી તો કંઈક તો અજુગતું બન્યું જ હતું.
અખંડાનંદ આયુર્વેદિક કોલેજથી જમણી બાજુ બુલેટ ને વાળી રાજલ સીધી અપના બઝાર થઈને સિદી સૈયદ ની જાળી જોડેથી પસાર થઈને લાલ દરવાજા ગાર્ડન જોડે આવેલી હઝરત શાહ વઝીઉદીન ની દરગાહ જોડે આવી પહોંચી..પણ અહીંથી બુલેટ ને આગળ ચલાવીને લઈ જવી અશક્ય હતી કેમકે લોકાર્પણ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને ત્યાં માનવ મહેરામણ ઉભરાયું હતું.
રાજલે બુલેટ ને એર ઇન્ડિયા ટીકીટ ઓફિસ જોડે ઉભી કરી અને ત્યાંથી દોડતી જ જ્યાં કાર્યક્રમ શરૂ હતો એ તરફ ભાગવાં લાગી..લોકોની ભીડ ને ચીરતી રાજલ ધડકતાં હૈયે હઝરત શાહ વઝીઉદીન ની દરગાહ તરફ દોડી રહી હતી..પોલીસકર્મીઓ રાજલને આમ હાંફળી-ફાંફળી બની દોડતાં જોઈ ચકિત હતાં.
"હવે આજનાં આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડીસીપી દામોદર રાણા કાર્યક્રમ ને અંતર્ગત પોતાનું વક્તવ્ય આપશે.."રાજલનાં કાને લાઉડસ્પીકર માં વાગતો અવાજ પડ્યો..જેનો મતલબ હતો કે હવે ડીસીપી રાણા સ્ટેજની મધ્યમાં એકલાં આવીને ઉભાં રહેશે અને આ જ એવો સમય હતો જ્યારે એ સિરિયલ કિલર આટલી બધી ભીડ વચ્ચે જ ડીસીપી રાણા ની હત્યા કરી શકે છે.
રાજલ હવે એ જગ્યાએ આવીને અટકી ગઈ જ્યાં હજારો લોકોની ભીડ મોજુદ હતી..રાજલ ઊંચા અવાજે બધાં ને દૂર રહીને પોતાને આગળ જવાં દેવાં માટે અવાજ આપી રહી હતી પણ લાઉડસ્પીકર અને લોકો ની ભીડ નો અવાજ એટલો બધો હતો કે રાજલનો અવાજ આ બધાં વચ્ચે દબાઈ રહ્યો હતો.
આગળ વધવું અશક્ય લાગતાં રાજલ ત્યાં જ અટકી ગઈ અને જોડે પડેલાં એક બાંકડા ઉપર ચડી ગઈ..રાજલે જોયું કે ડીસીપી રાણા હવે પોડિયમ ની જોડે રાખેલાં માઈક ની જોડે આવીને ઉભાં રહી ગયાં..રાજલે આમ તેમ નજર ઘુમાવી કાતીલ ક્યાં છે એનું અનુમાન લગાવવાનું શરૂ કર્યું..પણ લોકોની આટલી મોટી ભીડ વચ્ચે હત્યારો કોણ હશે એને ઓળખવો રાજલ માટે અશક્ય જ હતો.
વ્યગ્ર ચહેરે રાજલ આમ તેમ ડાફેરા મારતી હતી ત્યાં એની નજર મસ્જિદની સામેની તરફ રોડની બીજી તરફ આવેલી શિકોલ બિલ્ડીંગ ની ટેરેસ ઉપર અટકી ગઈ..રાજલે આંખો ઝીણી કરી ધ્યાનથી જોયું તો એક કાળાં રંગનું માસ્ક પહેરેલો માણસ હાથમાં સ્નાયાપર ગન લઈને બેઠો હતો..એની બંદૂકનું નિશાન સીધું જ ડીસીપી રાણા તરફ એઈમ કરેલું હતું.
આ જોતાં જ રાજલનો હાથ અનાયાસે જ પોતાની સર્વિસ રિવોલ્વર તરફ ચાલ્યો ગયો..રાજલે સર્વિસ રિવોલ્વર હાથમાં લીધી અને એ સ્નાયાપર ગન લઈને ઉભેલાં સિરિયલ કિલર તરફ તાકી દીધી..પણ પોતાની આ સર્વિસ રિવોલ્વર ની બુલેટ માં એટલી ફોર્સ નહીં હોય જે અડધો કિલોમીટરથી પણ વધુ દૂર મોજુદ એ હત્યારા ને કંઈપણ નુકશાન પહોંચાડી શકે.
આ વિચાર આવતાં જ રાજલે હતાશા સાથે પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી બંધ કરી જોરથી પોતાનાં જ પગ ઉપર મારતાં કહ્યું.
"આ રિવોલ્વર થી એ હત્યારા ને તો કંઈપણ નુકસાન નહીં પહોંચે..અને નજીકમાં જ એ ડીસીપી રાણા ને શૂટ કરશે..મારે એ પહેલાં જ કંઈક તો કરવું જ પડશે.."
રાજલે બેચેની સાથે ક્યારેક એ ટેરેસ પર મોજુદ સિરિયલ કિલર તરફ જોયું તો ક્યારેક સ્ટેજ પણ ભાષણ આપતાં ડીસીપી રાણા ની તરફ..રાજલનું મગજ અત્યારે કામ આપતું બંધ થઈ ગયું હતું..આગળ શું કરવું એને સૂઝી નહોતું રહ્યું..અચાનક રાજલને એક વિચાર સૂઝયો.. અને એ મનોમન બોલી.
"રાજલ તારે ના છૂટકે આ કરવું જ પડશે..આખરે ડીસીપી સાહેબની જીંદગી નો સવાલ છે.."
પોતાની જાતને પોતે વિચારેલું કાર્ય કરવાં પ્રોત્સાહિત કરતી રાજલે એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની સર્વિસ રિવોલ્વર ને સ્ટેજ ઉપર ભાષણ કરેલાં ડીસીપી દામોદર રાણા તરફ તાકી દીધી.રાજલે પોતાની આંખો બંધ કરી અને પછી શ્વાસ છોડતાં આંખો ખોલી અને રિવોલ્વર નું ટ્રિગર દબાવી દીધું...!!
**********
વઘુ આવતાં ભાગમાં.
રાજલે શું નિર્ણય લીધો હતો..?રાજલ રોકી શકશે એ સિરિયલ કિલરને ડીસીપી રાણા ની હત્યા કરતાં.?ડીસીપી રાણા કઈ રીતે એ હત્યારાની માં ની મોત નું કારણ હતાં..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન.આર.પટેલ (શિવાય)