mathabhare natho - 6 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 6

Featured Books
Categories
Share

માથાભારે નાથો - 6

માથાભારે નાથો [6]
કારખાનામાં કારીગરોએ ઉડાવેલી હાંસીને કારણે નાથો ઝંખવાયો. મગન કશું જ બોલ્યા વગર લેથ પર ઘાટ કરી રહ્યો હતો. ભલભલાને પોતાની શુદ્ધ ગુજરાતી વડે ચૂપ કરી દેતો મગન એક શબ્દ પણ બોલ્યા વગર હીરાને ઘાટ આપી રહેલો જોઈ નાથો મુંજાયો.
"મગન, કેમ આ બધા આપણા દાંત કાઢે છે ? હીરા મળી ગયા ? સાલ્લી મને કંઈ થોડી ખબર કે અહીં હીરા પડ્યા હશે ? "
"હીરા મળી ગયા છે, તું હવે મૂંગો બેસ. નકર બહાર ક્યાંય જવું હોય તો જા. મારે તો આજ આખો દિવસ કામ કરવાનું છે."
"પણ હું ક્યાં જઈશ ? તો એમ કરને મને'ય શીખવાડને..!"
"એમ નો હોય યાર, પહેલા શેઠને પૂછવું પડે.અને તને શીખવાડવા તૈયાર હોય એવો કોઈ કારીગર પણ હોવો જોઈએ.." મગને કહ્યું.
"આને વધુ પડતું ગનાન છે, એટલે એને શીખવાડવું અઘરું. આ હીરાને ફૂંક મારીને ઉડાડી દેય તો બરૂસ કોણ મારશે તું ? સામે બેઠેલા મનસુખે મગનને કહ્યું.
"અરે ભાઈ, હવે એવી ભૂલ નહિ થાય..." નાથાએ પોતાની ભૂલ કબૂલી લેતા કહ્યું.
" જો હીરા શીખવા એ તમારી જેવા ભણેલા માટે બહુ અઘરું છે. તમે લોકો તમારી જાતને અમારી કરતા બુદ્ધિશાળી સમજો છો એટલે તમને હીરા આવડે નહિ. શીખવાવાળો, શીખવાડવા વાળાથી ક્યારેય હોંશીયાર નો હોય.બીજી વસ્તુમાં એને કદાચ વધુ સમજણ હોય પણ જે વસ્તુ તમને નથી ખબર એમાં તમે દોઢ ડાપણ કરો તો કોઈ બાપો'ય તમને નો શીખવાડે, શું સમજ્યો ? શીખવા માટે ચેલો થવું પડે, અને અમને ગુરુ માનવા પડે. અને અમે કેવી ઇ હંધુય કરવું પડે...વાકું'ય રે'વુ પડે અમે કેવી તો ! બોલ સે વિચાર ? તો હજી બીજા નિયમ જણાવું..." મનસુખે હીરા શીખવા માટે શિખાઉ કારીગરને કેવી રીતે કારખાનામાં વર્તન કરવું પડે એની સમજૂતી એની પોતાની ભાષામાં કહેવા માંડી. એટલે નાથાના સ્વભાવને જાણતો મગન, નાથો કંઈ જવાબ આપે એ પહેલાં બોલ્યો.
"જુઓ મનસુખભાઇ, તમારી વાત સાચી હશે. પણ હું આ જેન્તી પાસે શીખ્યો છું, અને હવે હું જ એને શીખવાડીશ. એટલે તમે રે'વા દો.." મગને મનસુખને અટકાવ્યો.
"એમ કાંઈ ઘરની ધોરાજી નો હાલે ! કારખાનું કાંઇ તમારા બાપનું નથી..હાલી નીકળ્યા છો..જો ભાઈ મારા બાંકડામાં કોઈ શિખાઉ હોય એ મારે નહીં હાલે. અને શીખવું હોય તો મારી પાંહે જ શીખવું પડશે..." મનસુખ મોળો પડતો નહોતો. બાપની વાત સાંભળીને નાથાનો મગજ છટક્યો. હજી કાલ નો ઝગડો તાજો જ હતો એટલે મગને ગુસ્સાથી લાલ થઈને મનસુખને ઘુરકતા નાથા સામે ડોળા કાઢ્યા. અને આંખથી જ સમજાવ્યું કે "શાંતી રાખજે"
પણ મનસુખને જવાબ દેવો જરૂરી હતો.
"કેમ ભાઈ,આમાં બાપને શુ કામ વચ્ચે લાવો છો ? અમારા બાપનું નથી તો ક્યાં તમારા બાપનું'ય છે ? તમે કારીગર છો એમ અમે પણ કારીગર જ છીએ.."નાથાએ શાંતિથી કહ્યું.
"મોઢું સંભાળીન બોલજે હોં... તું હજી શિખાઉ છો..હાલ્ય એય જેન્તીયા, હમજાવી દે જે આને..નકર.." કોણ જાણે મનસુખ
મગન અને નાથાને શુ કામ નફરત કરતો હતો ! અમુક વ્યક્તિઓ જીવનમાં આપણને એવા મળતા હોય છે કે જેમને જોતાં જ આપણને એમના પ્રત્યે, મોટા હોય તો માન, સરખા હોય તો પ્રેમ અને નાનો હોય તો એના ઉપર વ્હાલ ઉપજતું હોય છે. પણ કેટલાક એવા પણ હોય છે જે જેમને જોતાં વેંત તિરસ્કાર છૂટે ! કંઈ પણ કારણ વગર !! મનસુખને નાથા અને મગન માટે કારણ વગરની નફરત થઈ ગઈ હતી. ન તો મગને એનું કંઈ પણ બગાડ્યું હતું કે ન તો નાથાએ. છતાં એ શા માટે મગન અને નાથાને તીરસ્કારતો હતો એ, એ પોતે પણ જાણતો નહોતો.
પણ નાથા માટે મનસુખની આ નફરત અસહ્ય બનતી જતી હતી. મગનરૂપી સાંકળથી એ બંધાયેલો ન હોત તો ક્યારનો મનસુખના માથામાં ઘાટનો દંડો પડી ચુક્યો હોત. પણ મગને આંખો કાઢીને એને શાંત રાખ્યો હતો. છતાં પણ આ વખતે એ ચૂપ ન રહ્યો.
"ઓ ભાઈ, બહુ થયું હો..અમે કાંઈ બોલતા નથી એટલે બાપા સુધી વ્યો ગ્યો એમ ? તારા ઓશિયાળા નથી હો.. તારી ઘરે બટકું રોટલો માંગવા અમે કોઈ દી નથી આયા.. ક્યારનો ઉલ્લે છે તો બહુ પાણી લાગે છે, હાલ કારખાનાની બહાર..માપી લેવી.."કહીને નાથો ઉભો થયો.
"એમ ? બવ હવા છે ? તો હાલ્યને, હાલીને ઘરે જાવા જેવો રેવા દંઉ તો મનસુખ નામ બદલાવી નાખીશ, દીકરા મારા..."
મગને તરત જ નાથાનો હાથ પકડ્યો, " તું હેઠો બેસ. આપણે પાણી નથી માપવું. ઇ ભલે ગમે તેમ બોલે.."
"પણ મગના ...."નાથાએ મનસુખ સામે ડોળા કાઢતા કહ્યું.
"પણ ને બણ. અહીં નહીં એટલે નહીં. બેસ હેઠો.." મગને ફરી નાથાનો હાથ ખેંચ્યો.અને મનસુખને કીધું.
"ભાઈ, બહુ વાઈડાઈ સારી નહીં. અમારે તમારી હારે કોઈ દુષમની નથી.અને નકામી માથાકૂટમાં હું માનતો નથી.એટલે પ્લીઝ હવે મહેરબાની કરો.."
આ બધી ચણભણ ક્યારની જોઈ રહેલો જેન્તી પણ હવે મગનની વ્હારે આવ્યો. અને બીજા કારીગરોએ પણ મનસુખને સમજાવ્યો. અને તે દિવસે કારખાનામાં નાથાની એક લડાઈ થતી થતી રહી ગઈ.
* * * * * * * * * * * * *
"હીરા ઘસતા શીખવું એ તમારી જેવા કોલેજીયન માટે બહુ અઘરું છે, કારણ કે તમે લોકો સહન નહિ કરી શકો.વાતવાતમાં દલીલ કરો,અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરો એટલે શીખવાડવા વાળો કંટાળે !" જેન્તીએ એ સાંજે રમેશની રૂમમાં નાથા અને મગનને કહ્યું.
"જેન્તી, એમાં સહન કરવાની શી વાત છે ?" નાથાએ પૂછ્યું.
"જેને હીરા શીખવા હોય એને સૌથી પહેલા કારખાને પહોંચીને આખું કારખાનું સાફ કરવાનું, પાણીનું માટલું ભરી લેવાનું, પેલમાં બેસતાં હોય એ ઘંટી સાફ કરે, લેથવાળાએ બાંકડા સાફ કરવાના, સગડી ચાલુ કરીને કટોરા ગરમ કરવાના. પછી જેમ શીખવાડે એમ ચૂપચાપ શીખવાનું. ભૂલ પડે તો ગાળ પણ ખાવી પડે અને માર પણ ખાવો પડે. કારખાનામાં કોઈ કારીગરને મળવા એના કોઈ મહેમાન આવ્યા હોય તો એને પાણી આપવાનું, અને બહારથી એને માટે ચા-નાસ્તો લઈ આવવાનો. શેઠ કંઈ કામ ચીંધે તો એ પણ કરવાનું. જો આવો શિખાઉ જણ, શીખવાડવાળા ભેગો રહેતો હોય તો એના એ ગુરુના કપડાં પણ ધોઈ દેવાના.
આટલું જ નહીં, શીખી રહ્યા પછી જ્યાં સુધી શીખવનારો ન કહે ત્યાં સુધી જેટલું પણ કામ થાય એ બધું એને આપી દેવાનું. સારો માણસ હોય તો બે થી ત્રણ મહિનામાં માથે કામ આપી દે. નકર છ મહિના કે આઠ આઠ મહિના સુધી કામ આવડી ગયું હોવા છતાં શીખવનારો કારીગર તમને છૂટા ન કરે !!"
જેન્તીએ હીરા ઘસતા શીખવા માટે જરૂરી કોર્સ સમજાવ્યો.
"માથે કામ એટલે ?" નાથાએ પૂછ્યું .
"માથે કામ એટલે શીખવનારો એમ કહે કે હવે તું છુટ્ટો. અને તારી રીતે તું કામ કરી શકે છે અને હીરા ઘસી શકે છે. એટલે શિખાઉ મટીને પોતે સ્વતંત્ર રીતે કારીગર તરીકે કામ કરી શકે છે.એટલે કે પદવી -ડીગ્રી આપવી." મગને સમજાવ્યું.
"યાર, આતો રીતસરની ગુલામી જ કહેવાય. બીજા કારીગરોની તહેનાતમાં રહે તો બિચારો ક્યારે શીખે ? અને કામ આવડી ગયું હોવા છતાં પેલો આપણું કામ એના ખાતામાં જ જમા કરાવે એ તો શોષણ કહેવાય. જબરું આતો ! કોઈની મજબૂરીનો લાભ લોકો કઈ રીતે લઈ શકે ?" નાથાએ નિશ્વાસ નાખતા કહ્યું.
"કારણ કે દરેક જણ આ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે, એટલે પોતે જે ભોગવ્યું એનો બદલો બીજા પાસેથી મેળવી લેવાનો..કારીગર પોતે જ્યારે હીરા શીખ્યો હોય ત્યારે એણે જે સહન કર્યું હોય, ભોગવ્યું હોય એ બધું બીજ કોઈને શીખવાડે ત્યારે સાટું વાળી લેતા હોય છે, અને આમ આ શોષણ પરંપરાગત આગળ ચાલતું રહે છે, હું એટલે જ છાનોમાનો શિક્ષક બની ગયો. અરે ભાઈ આ લોકો વચ્ચે આપણે રહેવું એટલે આખલાઓ વચ્ચે ગાયને રહેવા બરાબર છે..મારા હાળા કાંઈ બાકી રાખતા નથી. મને ખબર છે, ગરીબ અને નાના છોકરાઓને સાચવવાના બહાને આ ઘસિયાઓ રાતે કારખાનામાં સુતા હોય ત્યારે નો કરવાનું કરતા હોય ભાઈ..!" અત્યાર સુધી શાંત બેઠેલો રમેશ બોલ્યો.એની વાત સાંભળીને નાથાએ નવાઈ પામીને જેન્તી સામે જોયું.
"કાંઈ બધાં એવા નો હોય, કોક હોય વળી આળવીતરું, પચ્ચી ત્રીહ વરહ હુધી લગન નો થ્યા હોય તો થઈ જાય ચયારેક, પણ સાવ એવું તો નો હોય. કેમ કે બધા પોતાના છોકરાને પોતાના ભાઈ કે સગા વ્હાલા પાસે જ શીખવા મુકતા હોય. ક્યારેક કોકે ગામનો સારો માણહ ધારીને પોતાના છોકરાને શીખવા મુક્યો હોય ત્યારે આવું બને'ય ખરું, હું ના નથી પાડતો. પણ કાયમ કોઈ એવું નો કરે.."જેન્તીએ શક્ય એટલો પોતાની બિરાદરીનો બચાવ કરતા કહ્યું.
"માય ગિયું..મગના મારે કંઈ હીરા નથી શીખવા.." નાથો બોલ્યો.
"અરે, દોસ્ત તારે શીખવા હોય તો હું ક્યાં નથી..ભલા માણસ. હું કંઈ તને ભેગો નહીં સુવરાવું..મારા તો લગન થઈ જ્યા સે..એટલે.." જેન્તીને મશ્કરી સુજી.અને ચારેય જણ ખખડી પડ્યા.
"જેન્તીયા, આ નાથીયાને ભેગો સુવડાવને તો એ સાલ્લો તને ખાટલા ઉપર મોકલી દે એવો છે.." મગને નાથાને ધબ્બો મારતા કહ્યું.
"ખરેખર, શિખાઉ કારીગરની દશા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. પોતાના માં બાપથી વિખુટા પડીને માત્ર પાંચ કે સાત સાત વર્ષની ઉંમરે હીરા શીખવા આવતા બાળકોની કેવી હાલત થતી હશે એ વિચારીએ તો પણ કમકમાં આવે છે. યાર આ દેશમાં બાળ મજૂરીના કાયદા જેવું કંઈ છે કે નહીં.."નાથાએ કહ્યું.
"ભઈ, બધા કાયદા છે,પણ જરૂર જ એવડી હોય નયાં શુ કરવું. હું પણ છ વરહનો હતો ત્યારે મારા આ બનેવી મને હીરા શીખવા લાવ્યા હતા. પણ હું તો મારી બહેનના ઘેર જ રહેતો અને મારા બનેવીનું જ આ કારખાનું પહેલેથી જ છે એટલે મારે વાંધો નો આવ્યો.પણ મેં ઘણા બધાને હેરાન થતા જોયા છે. મગનને એટલે જ હું ઘાટમાં શીખવાડી હકયો, નકર કોઈ શેઠિયો શિખાઉંને બેહાડવા નો દયે..ઓલ્યો મનસુખો એટલે જ રાડયું પાડતો'તો.."જેન્તીએ કહ્યું.
"પણ તારા બનેવીના કારખાને હું શીખું એમાં એના બાપનું શુ જાય છે ?"નાથાએ કહ્યું.
"આ લોકો પોતે ભણી નથી હકયા એટલે થોડુંક ભણેલા લોકોની ઈર્ષા કરે. અને તમે ભણી ભણીને બેકાર રખડો એટલે ખુશ થાય.અને તમને હેરાન કરવામાં એમને મઝા આવતી હોય, વળી બીજા લોકો એમની ગુલામી કરે, પણ તમે થોડા ઇની હાટુ પાન માવો લેવા જાવ ? એટલે એ રાડયું પાડતો'તો. અને પાછું મેં મગનને શીખવાડ્યું અને પાછો તું આવ્યો. એટલે એની બળે છે.."
"પણ કારખાનું તો તારા બનેવીનું છેને !" નાથાએ કહ્યું.
"હા, ઇ તો. વાંધો નઈ. થોડોક વખત જવા દે. હું મારા બનેવીને વાત કરીશ. પણ બીજું શું છે કે કોઈ પણ કારખાનામાં આવી રીતે નો શીખવાડે.તમારે અડધો દી કોલેજ જવું હોય અને અડધો દી હીરા ઘહવા હોય તો એવી રીતે કોઈ કામે બેસાડશે પણ નહીં. કારણ કે કારખાનામાં એક તો જગ્યા જ નથી હોતી.એમાં તમને અડધો દી કોણ બેહાડશે ? આ મગન જેવું તેવું શીખ્યો છે, કેમ જે એક સારો કારીગર હમણાં દેશમાં (પોતાના વતનમાં) ગ્યો સે એટલે એની જગ્યા ખાલી હતી.અને મગન પંદર દિવસમાં તો શીખી'ય ગયો. હવે એ ભાઈ થોડા દી પછી આવતા રેવાના છે, એટલે આપડે કંઇક કરવું પડશે.." જેન્તીએ કહ્યું.
તે દિવસે ચારેય મિત્રોએ ખૂબ વાતો કરી અને સુઈ ગયા.
રાતના બે વાગ્યે નાથો પેશાબ કરવા ઉઠ્યો.રૂમની બહાર દાદરની સામે બાથરૂમ અને સંડાસ હતા. સંડાસનો લેમ્પ ઉડી ગયો હતો.પણ બન્ને રૂમ વચ્ચે સહિયારું હોવાથી કોઈ બલ્બ ચડાવતું નહિ. આગળ વાળી કાંતાને તો આપણે ઓળખીએ જ છીએ, એ ગેલેરી અને આ ટોયલેટ બાથરૂમ પરાણે પરાણે સાફ રાખતી હતી.એટલે એ બલ્બ તો ન જ ચડાવે ને ! વળી રાતના સમયમાં કાંતા કે એના પતિને ટોઇલેટનો ઉપયોગ કરવાની જરૂર પડતી નહિ.કારણ જે એક ચોકડી એની રસોડાની રૂમમાં પણ હતી.
નાથો રાતના અંધારામાં ટોઇલેટમાંથી બહાર નીકળ્યો એ જ વખતે કાંતાની રૂમનો દરવાજો પણ ખુલ્યો.અને એક માણસ ઝડપથી કાંતાની રૂમમાંથી નીકળીને ગેલેરીમાં ચાલ્યો ગયો. ગેલેરીમાં એન્ટ્રી પાસે લેમ્પ હતો ખરો પણ એ કોઈએ જાણી જોઈને બંધ કર્યો હતો. નાથો પણ ટોઇલેટમાંથી
ઝડપથી નીકળ્યો અને પેલાની પાછળ ગેલેરીમાં ગયો.ગેલેરીમાં સાવ અંધારું હતું પણ સ્ટ્રીટ લાઈટના થાંભલા પરની ટ્યુબલાઈટનું અજવાળું શેરીમાં પડતું હોવાને કારણે એનો થોડો ઉજાશ આ ગેલેરીમાં પડતો હતો. કાંતાની રૂમમાંથી નીકળેલો એ વ્યક્તિ ખૂબ જ ઝડપથી ગેલેરીમાંથી નીકળીને શેરીમાં દોડીને ભાગ્યો. નાથો ગેલેરીમાંથી બહાર આવ્યો ત્યારે એ શેરીમાંથી પલાયન પણ થઈ ગયો હતો.
"આ કાંતુડી સાલ્લી કોકને સાચવતી લાગે છે, સાલી તપાસ કરવી પડશે.." એમ બબડીને નાથો સુઈ ગયો...
*** **** ** *
બીજા દિવસે મગન ક્યાંકથી એક મિત્રનું જૂનું લુના (80 થી 90 ના દાયકામાં આ મીની મોપેડ LUNA ખૂબ જ લોકપ્રિય હતું. એમાં પેટ્રોલ ખૂટી જાય તો સાઈકલની જેમ પેડલ મારીને પણ ચલાવી શકાતું. કંપની એક જ સીટ આપતી.અને પાછળની સીટ આપણે બનાવડાવી પડતી.)
બન્ને મિત્રો લુના પર ગોઠવાયા. જૂનું લુના બહુ જ બળ કરીને ઉપડ્યું.
"આજ કોલેજ બાઇક લઈને જાશું. વટ પાડી દેવો છે..." મગને પોતાનો સ્લીપર પહેરેલા પગ ફૂટ રેસ્ટ પર મૂકીને લીવર આપ્યું.
"આ હાળું ઠેઠ પોગાડશે તો ખરું ને ! અંદર પેટ્રોલ બેટ્રોલ તો છે ને, નકર લાંબીના થઇ જહુ.." નાથાએ દહેશત બતાવી.
"હશે તો ખરું. લીંબાચીયો એમ તો રેડી જ રાખે એવો છે, તું તારે બેસ શાંતિથી, જો હમણે કોલેજ પુગી માન ને !"
સ્ટેશન ઉપર પહોંચ્યા ત્યારે લુના ડચકા ખાવા માંડ્યું. બસ સ્ટેશનની સામેના રસ્તે થોડુંક અંદર જ નુરા ડોસાનો પેટ્રોલ પમ્પ હતો.પણ એ રસ્તો વન વે હતો એટલે ત્યાંથી આવી શકાતું પણ જઈ શકાતું નહીં, હવે અહીં તો લુનડું ડચકે ચડ્યું'તું એટલે ના છૂટકે મગને વનવે માં રોંગ સાઈડમાં પમ્પ તરફ હંકાર્યું. બરાબર એ જ પોઇન્ટ પર ટ્રાફિક હવલદાર ઉભો હતો.કોણ જાણે આજ એ કોનું મોઢું જોઈને આવ્યો હશે, એનો ભેટો આજ એવી બે હસ્તી સાથે થવાનો હતો, જેને કદાચ એ જિંદગીભર નહીં ભુલ્યો હોય.
સીટી મારીને એ હવલદારે મગન સામે લાકડી ઉંચી કરીને લુના સાઈડમાં લેવડાવ્યું.
"ચાલ, લાઇસન્સ બતાવ. અને કેમ વન વે માં ઘૂસ્યો ?"
"લે આલે..કરસન તું ? તું આયાં ટ્રાફિક પોલીસમાં લાગી ગયો ? ભૂંડા વાત તો કરવી'તી ? તને હું ભાળી જ્યો એટલે તો આ બાજુ તને મળવા વન વે માં ઘૂસ્યો છું.અને તું માળો મારી પાંહે લાયસન્સ માગે છ ? ખરો હો બાકી, પોલીસ બની ગયો એટલે ભાઈબંધને ભૂલી જવાય ? નાથા આને ઓળખ્યો ? આ આપડા ગામના અરજણકાકાનો કરસન, હારે ડબલે જતા'તા ત્યારે આપડે આને ધોવા માટે અડધું ડબલુ પાણી આલતા'તા ઇ આ કરસન.."
મગને નાથાને આંખ મારીને પેલા ટ્રાફિક હવાલદારનું પીઠ પર જોરથી ધબ્બો માર્યો.
મગનના ધબ્બાથી પેલા હવાલદાર ના હાથમાંથી ચલણ બુક નીચે પડી ગઈ. નાથાએ એ ઉપાડી. હવાલદાર હજુ મગનના પરિચયની અસરમાંથી બહાર આવે એ પહેલાં નાથાએ દાવ ચાલુ કર્યો
"હં... કં... અં.. અલ્યા હા, કરસનિયો..અરજણકાકા અમારી
અમારી વાડીએથી કાયમ બકરી સારું બે કોળી રજકો લઈ જાતા'તા..ઇ બે કોળી રજકો ખાઈને એમની બકરીના બેય આંચળમાં બહુ દૂધ આવતું'તું અને ઇ દૂધ પી ને આ કરસન મોટો થિયો
અને પાછો અમારી પાંહે લાયસન માગ્યું ? વાહ રે પોલીસડા વાહ, બે બદામનો હવાલદાર થયો ત્યાં બકરીના ધાવણ લજાવ્યા ! અલ્યા કરસન તું પોલીસ ઇન્સ્પેકટર થયો હોત તો તો અમને ભડાકે જ દેત ને ! મારો વાલીડો.."એમ કહીને નાથાએ પણ પેલાને બીજો ધબ્બો ઠોકયો.
"અલ્યા ઓ...મેં કોઈ કડસન બડસન નઠ્ઠી. મેં તમને ઓલખતો બી ની મલે. તમાડે મિસ અન્ડડ સ્ટેન્ડ થયેલું મલે.. ચાલની લાયસન્સ બતાવની..નહિતર મેમો ફાડી લાખવા..અને જડા દુડ ઉભો રહીને વાટ કડ... મેં કોઈ ટાડો કડસન નઠ્ઠી..હું હમજયો ! "
પોતાનો દાવ નિષ્ફળ ગયેલો જોઈને મગને ફરી બીજો દાવ ચાલુ કર્યો.
"શુ વાત કરે છે ? તું સાચે જ કરસન નથી..? હોય નહીં..નાથા આપણે બે'ય ખોટા ? મારે કદાચ સમજવા ફેર થાય પણ તું'ય ભુલ્યો ? નાથા તું ભુલ્યો તું ? અરજણકાકા તો તારી વાડીએથી રોજ બકરી હાટુ રજકો લઈ જાતા'તા તોય તું ભુલ્યો ? સાલા ડફોળ કોકને કરસન બનાવી દીધો"
"હું નો ભૂલું...યાર..આ કરસનિયો ખોટું બોલે છે.અલ્યા અમને તારે ચા પાણી નો પાવા હોય તો કાંઈ વાંધો નહીં, પણ હાળા બે રૂપરડીની ચા હાટુ થઈને બાપ શુ કામ બદલ છો ! અરજણકાકા ને ખબર પડશે તો જીવતે જીવ મરી જાશે..કરસન, તે તો સાત પેઢીનું નામ બોળાવ્યું, બે રૂપિયામાં........
અલ્યા આંય પરદેશમાં ગામનું કૂતરું'ય ક્યાંથી હોય. અમે તો માણહા છીએ..અમારો રજકો ખાઈને દૂધ દેતી બકરીને ધાવ્યો તોય આવો થિયો..નક્કી આપડા રજકાનું બિયારણ હલકું આવી ગયું હશે, નકર આમ નો હોય..હાલ મગન આવા હારે ઉભા રેવામાં આપડી કોઈ આબરૂ નો કે'વાય..ફટ ભૂંડા તારી જાત..બિચારા અરજણ કાકા..."
"અડે.. ઓ..આમ લવાડા ની કડ.. મેં કેવ તો છું કે મેં કડસન નઠ્ઠી એટલે નઠ્ઠી.." હવે હવાલદાર મુંજાયો.
"ઇ તું ભલે ગમે એમ ના પાડ્ય. અમે અમારા અરજણકાકાના કરસનને નો ઓળખવી ઇમ ? આ તારી નેમ પ્લેટ પર લખ્યું તો છે
K. A. CHAUHAN. અમારા ગામના જ અજરણ જેઠા ચૌહાણનો તું આઠમો છોકરો છો, તારી બેન ઓલી કંકુડી મારી હારે ભણતી. મારા ચોપડા તું કાયમ મફતમાં લઈ જાતો..અને ખબર છે સાતમ આઠમ ઉપર અમારા ઘરેથી ઢેબરાં લઈ જાતા'તા. પૂછ આ મગનને..ઇની વાડીએ તું ઘણીવાર બકરી ચરાવવા ગયેલો છો.એક દી યાદ છે ને ઓલ્યું કાબરુ કૂતરું વાંહે થ્યુ'તું અને તું તો ચડ્ડીમાં જ શેરી રીયો'તો અને અમે તને બચાવ્યો'તો.અને આજ એક ચા પાવા માંથી'ય ગ્યો ? હવે આવજે અમારી વાડીએ, રજકો તો શું એક ખડનું તણખલું'ય નો દવ તને.. બોલ્ય મગના હવે તારો વારો.." નાથાએ મગનને દાવ આપ્યો.
"તેં..હે કરસન તું આંય કેટલા સમયથી છો..માય ગઈ તારી ચા..અમારે નથી પીવી.પણ તું સાવ આમ ઓળખવાની ના પાડ, અને પાછો સુરતીભાષામાં અમારી હારે લવારી કર્ય છો ઇ વાત જ્યારે અરજણકાકા જાણશે ત્યારે શું ઇ ગળે ફાંહો નહિ ખાય ? હવે આ ઉંમરે ઇમને ગળે ફાંહો ખાવાનો વખત આવ્યો..તારી જેવા કપાતર પાકે તો ઇમ જ થાય ને ! તારી હાટુ થઈને એમને પાણાં એટલા દેવ કર્યા છે ઇ તને ખબર્ય છે ? તારી મોર્ય તારી માંએ સાત સાત બેનું ને જન્મ દીધો. જેથી તારો હાથ રાખડી વગરનો નો રે.. અને ઇ બધીને હાચવવા હાટુ અરજણકાકાએ જાતી જિંદગીએ કેટલાય ઓસડીયા ખાઈને તને માંડ માંડ પેદા કર્યો. અને તને ઉછેરવા આ નાથાની વાડીએથી રોજેરોજ, બિચારા હાલીને કોળી રજકો લેવા આવતા. અને બકરું રાખતા. ઇ બકરાનું દૂધ પાઈને તને મોટો કર્યો અને આજ સુરત શેરની ભરી બજારે તે આવા કાળા કામ કર્યા ? જરીક તો લાજવું'તું.. રજકાના દાન દેનાર પાંહે લાયસન માગ્યું લાયસન...હાલ હાલ નાથા બેહ વાંહે..આપણો તો આજ દી બગડી ગયો..."
મગન અને નાથાના અવિરત વાકપ્રહારો સાંભળીને રસ્તે જતા લોકો પણ કુતૂહલથી ભેગા થઈ ગયા. એક બે જણે રસ લેવા પૂછ્યું
"કેમ શું ઠંયુ છે ? હાંનો લોચો પડેલો છે...?"
"આ અમારા ગામનો કરસન છે, અને હાળો અમને ઓળખતો નથી.." નાથાએ કહ્યું
"હા હા..પોલિસવાલો ઠેઇ ગીયો એટલે..જાવની..આવા જોડે ઓલખાન પન શું કામની હેં કે.."
પેલો આમ કહી રહ્યો ત્યાં બીજો બોલ્યો. "હા નો લોચો પડેલો મલે ?"
"આ જો ની..બીચાડા કાઠયાવાડી લાગટા છે, અને એવો એ એમના ગામનો જ મલે તો હો ઓલખતો નઠ્ઠી બોલ..હવલદાર ઠેઇ ગયો છે તો ભૂલી જ ગયો બોલ્લો.."
"ઓહ..એમ વાત છે..જોઈટા હસ્શે ડહ વિહ...આલી ડો ને એટલે કામ પટે..જવા દેવની તમાડા લોકોને એની કશી જ જરૂર ની મલે.."
ચણભણાટ શરૂ થયો.મગન અને નાથો પેલા ટ્રાફિક હવાલદારને ધરાર કરસન સાબિત કરવા માંગતા હતા.અને પબ્લિક પણ આ બન્નેને સ્પોર્ટ આપવા માંડ્યું. એ જોઈને પેલાને આ બન્ને લુના સવારો ને સવાર સવારમાં રોકવા બદલ પસ્તાવાનો પાર ન રહ્યો.
"ઓ..માડા બાપ...જાવ...જાવ.. તમાડે જાં જવું હોય ટાં જાવ, માડા બાપ. વન વે માં ઘુસો..રોંગમાં ઘુસો..પણ માનસ ને જે હોય ટે રે'વા ડેજો....યાર હું ટો કેટન અરુનભાઈ ચૌહાન છું, પણ અડધો કલાક હજુ જહે તો મેં કરસન અરજણ ચૌહાણ ઠેઇ જવા.. જાવની ટમે લોકો..."કહીને એ હવાલદાર જ પોતાની ચલણ બુક લઈને ત્યાંથી ચાલવા માંડ્યો.
એને જતો જોઈ મગને તરત જ લુના પેટ્રોલ પમ્પ પર લીધું. અને પબ્લિકમાંથી કોઇ બોલ્યું, "જોયું..પોલિસવાલા કેટલા નફ્ફટ છે..પોતાનો બાપ હો બડલી કાયધો આણે તો..."
એ સાંભળીને મગન અને નાથો ઉલળી ઉલળી ને હસ્યાં.
લુનાને દોરીને મગને પમ્પ પાસે ઉભું રાખ્યું.અને પેટ્રોલ પૂરતા છોકરાને કહ્યું...
"નાખ પચાસનું..ભલે આજ આ માણકી'ય જલસો કરી લેતી.."
પેલાએ મીટર ઝીરો કરીને પચાસ નું પેટ્રોલ પુર્યું. મગન તો સાવ મુફલિસ હતો. એટલે સ્વાભાવિક રીતે જ એણે નાથા સામે જોયું..
"કેટલા ચૂકવવાના છે..?" જાણે હજારો રૂપિયા ચૂકવી દેવાનો હોય એમ નાથો જોરથી બોલ્યો.
"પચાસની એક નોટ લાવ્ય.."
નાથાએ ખિસ્સામાં હાથ નાખીને પાકીટ બહાર કાઢ્યું.પાકીટ જોઈને કોઈ કહી ન શકે કે એમાં પચાસ રૂપિયા હોઈ શકે.અને નાથાએ બે દસની, એક પાંચની, બે રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો એમ મળીને કુલ અઠ્ઠાવીસ રૂપિયાની માતબર મૂડી, પાકીટના બધા ખાનામાં આંગળીઓ ઘુસાડી ઘસાડીને બહાર કાઢી !!
(ક્રમશ:)

[ હીરા ઉદ્યોગમાં હીરા શીખવા માટે ખૂબ તકલીફો સહન કરવી પડતી હતી, એ વિશે આ પ્રકરણમાં મેં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. મેં પણ મારા જીવનમાં હીરા શીખવા પ્રયત્ન કર્યો હતો એ દરમ્યાન મને જાણવા મળેલી વાતો પરથી અને અનેક મિત્રોને તેમના કારખાનાઓમાં જઈને મળ્યો હોવાથી આ બાબતો, વાચક મિત્રો સુધી પહોંચાડી શક્યો છું. આ અંગે કોઈ વાચક મિત્ર પાસે વધુ માહિતી હોય તો મને ચોક્કસ જણાવવા વિનંતી.
આ માટે આપ પ્રતિભાવમાં આપનો નંબર આપશો જેથી હું આપનો સંપર્ક કરી શકીશ, આભાર.]