Ek muththi aasma - 3 in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | એક મુઠ્ઠી આંસમાં - 3

Featured Books
Categories
Share

એક મુઠ્ઠી આંસમાં - 3

' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 3

♦?♦?♦?♦

બીજા દિવસે રવિવાર હતો . એટલે પ્રણવને દુકાનનો અડધો દિવસ જ જવાનું હતું . પ્રણવ સવારે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી દુકાને જવા નિકળ્યો .

ઘરથી દુકાનનો રસ્તો સાવ પાંચ મિનિટનો પણ એટલા ટાઈમમાં તો પ્રણવના વિચારોમાં અફરાતફરી મચી ગઇ હતી . પ્રેમ કે પરિવાર શુ કરું ?
પોતાની જિંદગીના કોરા કાગળ પર પ્રેમના હસ્તાક્ષર પડી ચુક્યા હતા . પુરા રસ્તે પોતાની જિંદગીના ભૂતકાળને વાગોળતો રહ્યો . એમ જુવો તો સ્વાતિની બરાબરીમાં પોતાનું પાસું ઘણું નબળું હતું . ભણતરમાં શૂન્ય ,
નૌકરી છે પણ સમાજમાં જેને માભો કહી શકાય એવી તો નહીં જ ........સ્વાતિ અને મારો જીવનભરનો સંગાથ કોઈ સંજોગોમાં સકય નહોતો .
ઘણું વિચાર્યા પછી મનમાં જ નક્કી કર્યું કે પ્રેમને તો પોટલીમાં બાંધી ફરી લોકરમાં મૂકી દેવો પડશે એવું લાગે છે ...!!!

જુવાન હૈયા અને ક્ષણભરના
સાથે પ્રણવની જીવનનૈયા ને ડોલાવી દીધી હતી .

અનેક વિચારોની અવઢવમાં દુકાન ક્યારે આવી ગઈ ખબર જ ના પડી .

રોજ સવારનો નિયમ હતો . પ્રણવ વેલો આવી દુકાન ખોલતો . અને થોડા સમય પછી શાંતિલાલ હાજરી આપતા .
આજે શાંતિલાલ ની જગ્યાએ સ્વાતિ આવી .
સ્વાતિને જોઈ પ્રણવ ચોંકી ગયો . અને એકદમ નજર ફેરવી લીધી . અને બોલ્યો ' કેમ આજે તું ????

પ્રણવે સવાલ પણ પૂછ્યો તો નજર નીચી કરીને ....
સ્વાતિ તરત બોલી ' પેલા એ બતાવ તું મારાથી નજર નીચી રાખીને કેમ વાત કરે છે ?

પ્રણવ જવાબ આપતા બોલ્યો
' કાંઈ નહીં બસ થાકેલો છુ ...
એટલું જ ..., પણ હવે એ બતાવ કે આજે કાકા કેમ નથી આવ્યા ?

સ્વાતિ ગુસ્સામાં બોલી ' હું તારી કોઈ વાતનો જવાબ નહીં આપું પેલા તું મારી સામે જોઇને વાત કર ....

પ્રણવ : સ્વાતિ હું એક જ વાત કહેવા માંગુ છું .
આપણું આગળ વધવું શક્ય નથી . આપણા બંનેની જીવનશૈલી ઘણી અલગ છે .
ક્યાં તું અને ક્યાં હું ???
હું તો સ્કૂલના નામે શૂન્ય છુ . મતલબ કે ગયો જ નથી અને તું ....!!!! ' આઇટી કરેલી છોકરી
આપણો મેળ કોઈ રીતે શક્ય નથી .
હજુ તો નેહાનું ભણતર બાકી છે . અને ખાસ તો અમારી પાસે એવું કોઈ સારું ઘર નથી .
અને એવા તો ઘણા કારણો છે કે જે હું તને વર્ણવી સકુ તેમ નથી .

સ્વાતિ વાતને વચ્ચેથી જ અટકાવતા બોલી ...' પણ હવે તો તારો ભાઈ સતીશ પણ તો ડો . બની ગયો છે . તો હવે તો એની પણ જવાબદારી ખરીને ?
ના , ના પ્લીઝ સ્વાતિ એવું તો હું સ્વપ્નેય પણ ના વિચારી સકુ . હજુ તો એને સેટ થવામાં પણ ટાઈમ લાગશે .
સ્વાતિએ એકદમથી પ્રણવનો હાથ પકડી એના ચહેરાને પોતાના ચહેરા સામે કરતા બોલી ' મને એ બતાવ કોઈપણ ગમતી વ્યક્તિને ચાહવું એ કોઈ ગુનો છે ?
' અને તારી અંદરની સાહજીકતા , તારા સંસ્કાર , તારી ઈમાનદારી એ તો દુનિયાની દરેક સ્કૂલોના ભણતર કરતા પણ ઉંચુ છે .
અને કેટલા વર્ષ બોલ ? તું કહે એટલી રાહ જોવા હું તૈયાર છું .
અને હા , મારા મમ્મી -પપ્પા મારા લગ્ન માટે ઉતાવળ કરશે તો પણ હું જવાબ આપવા તૈયાર છું .

સ્વાતિ નો હાથ હાથમાં આવતા જ પ્રણવ અપલક નેત્રે એના ચહેરાને જોઈ રહ્યો . હૃદયના તાર ફરી સંગીતના સૂર છેડવા લાગ્યા .
મદહોશ આંખો અને રેશમી વિખરાયેલા વાળની લટોને ગાલ પરથી હલ્કા હાથે હટાવતા બોલ્યો . તારાથી જુદા પડવું એ મારા માટે પણ શક્ય નથી . બસ મારી જીવનનૈયા મઝધાર માં ઉભી છે . સ્વાતિ ....તારે મને ભૂલવાની કોશિશ કરવી પડશે .
આંખોમાં ભરાયેલા આંસુઓ સાથે એકદમથી હાથ છોડાવી પ્રણવ ઘર તરફ રવાના થઈ ગયો .

સ્વાતિ પણ ગુસ્સામાં દુકાન બંધ કરી ચાલી નીકળી .

પ્રણવ ઘેર જવાની જગ્યાએ મંદિરના એક બાંકડે બેસી ખૂબ રડ્યો .
સમય ને પણ પકડવો મુશ્કેલ છે એને પણ કિડનેપ કરીને એક રૂમમાં બંધ રાખવામાં આવે તો ??? સમય તો વ્હેતો રહે છે બસ ....

એક દિવસ સતીશે પોતાની માઁ અને ભાઈને કહ્યું ' મમ્મી હું તમને એક વાત કહેવા માગું છું .
માઁ બોલી ' હા બોલ , શુ કામ છે ?
માઁ મારી સાથે ભણતી પ્રાચી સાથે હું લગ્ન કરવા માગું છું . બસ તમારી પરવાનગી હોય તો .

પ્રણવ બોલ્યો .. ' અરે વાહ , સાલ્લા છૂપો રુસ્તમ નીકળ્યો તું તો ....
માઁ ને ગમ્યું નહીં પણ વાતને સંભાળતા બોલી તારી ઈચ્છા હોય તો અમને શુ વાંધો હોય

અને હા , બીજી વાત કે મને થોડા સમયમાં ક્વાટર્સ પણ મળશે . એટલે આપણે બધા હવે આ ઘર છોડી ત્યાં રહેવા જઈશું .


સતીશ બોલ્યો ..' માઁ તું કહે તો પ્રાચીને મળવા લઈ આવું ?

નેહા વચ્ચે જ બોલી ' અરે , નેકી ઔર પૂછ પૂછ ' ....એમાં કાંઈ ના હોય ?
માઁ એ પણ નેહાની વાતમાં પરાણે હામી ભરતા હકારમાં ડોકી હલાવી .
સતીશ પોતાની વાતની રજુઆત કરી પોતાના કામે જવા નીકળી ગયો . અને નેહા પોતાની ફ્રેંડના ઘેર અમુક નોટ્સ લેવા ઉપડી ગઈ .
બંનેના બાર નીકળતા જ માઁ એ પ્રણવનો હાથ પકડી બેસાડ્યો . અને આંખો કાઢતા બોલી ....' હવે તારે તારો કાંઈ વિચાર કરવો છે કે નહીં ? બેતાલીસ વર્ષ થયાં તારે જિંદગી આખી આમ જ કાઢવાની છે ?
પ્રણવ માં નો હાથ પકડતા બોલ્યો ' માઁ મને એમાં કોઈ રસ નથી . અને હજુ નેહાના બે વર્ષ ભણવાના બાકી છે . અને સતીશ ના ભણતર માટે લીધેલા પૈસા પણ ધીરે ધીરે ચૂકવીએ છીએ . અને સતીશ લગ્ન નું કહે છે તો થોડુંઘણું તો આપણે આવનારી ને આપવું પડશે ને ?
' કેટલું જુઠું બોલે છે તું ...
તારી માઁ છુ દીકરા , તારી આંખો વાંચી સકુ છુ . ચહેરા પરના હાવભાવ પણ તારી ઘણી ચાડી ખાઈ છે સમજ્યો ? . '
ને ફરી પ્રણવ પોતાની માઁ ને સમજાવતા બોલ્યો માઁ તને જેટલું દેખાય છે એટલુ સરળ નથી . બસ હજુ થોડી જવાબદારી બાકી છે પછી તું કહીશ એમ કરીશ બસ ...

રવિવારની સાંજ હતી એટલે પ્રણવે માઁ ને કહ્યું ....' ચાલ દર રવિવાર ની જેમ આજે પણ મંદિર જઇ આવીયે ?
બંને માં-દીકરો મંદિર જવા ઉપડી ગયા .
મંદિરેથી પાછા ફરતા માઁ પેલા જ ઘેર આવી ગઈ . અને પ્રણવ ઘર જરૂરિયાતની વસ્તુઓ લેવા રોકાઈ ગયો .

થોડીવારમાં સતીશ પ્રાચીને લઈને ઘેર આવ્યો . ત્યાં ઘરની બહાર જ પ્રાચી સતીશને રોકતા બોલી ...' જો સતીશ આ લોકોને નવા ક્વાટર્સમાં રહેવા આવવાનો આગ્રહ ના કરતો . હજુ તો આપણા માટે પણ નવું નવું હશે ને આ લોકોની રહેણીકરણી ...પ્લીઝ એ બધું મને નહીં ગમે ....

અરે , કેવી વાત કરે છે તું એમ હું એ લોકોને ના કેવી રીતે કહું !!

પ્રાચી પણ ગુસ્સામાં બોલી ..તો તું મને ભૂલી જજે બસ...

અરે , એ બધું જોઈ લેશું તું એકવાર અંદર તો આવ....

દિવારની પાછળ ઉભેલા પ્રણવે આ સંવાદ સાંભળી લીધો હતો . એટલે એકદમથી ઘરમાં જવાની બદલે થોડીવાર રહીને ઘરમાં પ્રવેશ્યો ...
અંદર આવ્યા પછી અજાણ્યો થતા બોલ્યો ..' અરે સતીશ , ખૂબ સરસ પસંદગી છે તારી .

માઁ પણ નવી વહુના હાથમાં પૈસા મુકી આર્શીવાદ દેતા બોલી...ખૂબ સુખી રહો ...અને આનંદમાં ને આનંદમાં બોલી હવે તો તારું સ્વાગત નવા ઘરમાં જ કરીશું હો ...
માઁ ને બોલતી અટકાવતા પ્રણવ બોલ્યો ...જો ભાઈ હું તો આ ઘર છોડીને ક્યાંય જવાનો નથી . અને મારે તો રોજનું આવવા જવાનું મોંઘુ પડી જાય . અને માં મને મને રોજ જમાડશે કોણ ? એટલે તારે પણ અહીં જ રહેવું પડશે . ' કેમ સતીશ તારું શુ કહેવું છે ?
અને સતીશ પણ તરત હા પાડતા બોલ્યો ... ' એ વાત સાવ સાચી હો ભાઈ તમને તો ત્યાંથી ઘણું દૂર પડે ...
અને માં મારો અને પ્રાચી બંનેનો વિચાર છે કે કોર્ટ મેરેજ કરવા .
એના મમ્મી-પપ્પા પણ એમાં જ રાજી છે . અને પછી પ્રણવ તરફ જોતા બોલ્યો .. ' તમારું શુ કહેવું છે ભાઈ ?

પ્રણવે પણ તુરંત હા કહી દીધી અને બોલ્યો તારી અને પ્રાચીની અનુકૂળતા હોય એ હિસાબે તારીખ નક્કી કરી લ્યો . અમે તો બસ તું કહીશ ત્યારે હાજર થઈ જશું .

બીજા દિવસે ફરી એ જ રુટીન ....પ્રણવ રોજના હિસાબે દુકાને જવા રવાના થયો .
આજે જઈને જોયું તો દુકાન ખુલ્લી હતી .
' કાકા આજ આટલા વ્હેલા ?

અરે હા , દીકરા આ સ્વાતિને નવી નૌકરી લાગી છે ને એનો આજે પહેલો દિવસ હતો . અને એ તો ફટાફટ તૈયાર થઈને ઉપડી અને એની સાથે હું પણ નીકળી ગયો .
પણ સ્વાતિનો વ્યવહાર આજે કૈક વિચિત્ર લાગ્યો ... ખબર નહીં પણ કાલ સાંજથી સ્વાતિ મૂડમાં નથી . . અને પછી પ્રણવ ની સામે જોતા બોલ્યા ...' જરુર કોઈ વાત છે . એના મનમાં કૈક તો ચાલી જ રહ્યું છે .
અને એ દિવસે અચાનક સ્વાતિ ની મમ્મી પણ દુકાનમાં આવી ચડી .
અને શાંતિલાલને ફરિયાદ કરતા બોલી ... તમે એકવાર શાંતિથી બેસીને સ્વાતિ ને સમજાવો ને સારા - સારા છોકરાના માગા આવે છે . પણ ચોખ્ખી ના પાડે છે .
એમાં પણ આજે તો મને સાફ શબ્દોમાં કહી દીધું ..આવતા પાંચ વર્ષ સુધી મારી આગળ આવી વાત જ ના કરીશ . હું પુરી સેટ થઈશ પછી જ કંઈક વિચારીશ .
અને એમની વાતને વચ્ચેથી જ અટકાવતા કાકા બોલ્યા ...' એ બાબત માં તો સ્વાતિ સાચું જ કહે છે . ખોટી ઉતાવળ શુ છે ? એને થોડી સેટ થઈ જવા દે ...
અને પ્રણવના ખભે હાથ મુકતા બોલ્યા ... ' કેમ પ્રણવ તારું શુ કહેવું છે ?
પ્રણવ બોલ્યો ... કાકા એ બાબતમાં તો મને શું ખબર પડે ?
પ્રણવે જોયું કાકા નો સવાલ કૈક હતો અને આંખોના હાવભાવ કાંઈ બીજું જ કહી રહ્યા હોય એવું લાગ્યું ...
સ્વાતિ ની મમ્મી પણ ગુસ્સામાં બોલવા લાગી તમે બાપ-દીકરી એક જ જેવા છો . તમને જેમ ઠીક લાગે એમ કરો . અને ગુસ્સામાં જ ઘેર પાછી ફરી .

સમય વીતતો ગયો . બે વર્ષ નીકળી ગયા . સતીશ તો પોતાની જિંદગી એટલો ખોવાઈ ગયો . રજાઓના દિવસો પણ એ પ્રાચી સાથે હરવાફરવા માં વિતાવી દેતો .
એક દિવસ સતીશના ક્લિનિક પર એક સુંદર મજાની છોકરી આવી . બાર રોડ પર કોઈ બાઇક સાથે અથડાતા તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું .
હોસ્પિટલમાં રહેલી નર્સ તુરંત એને સતીશ આગળ લઇને આવી . પાટો બાંધ્યા પછી અમુક દવાઓ લખી દીધી . એ પછી છોકરી રવાના થઈ ગઈ .
ક્લિનિક બંધ કરવાનો સમય પણ થઈ ગયો હતો . એટલે સતીશ રાબેતા મુજબ ત્યાંથી જવા નીકળતો હતો ત્યાં એનું ધ્યાન પોતાના ટેબલ પર પડેલ મોબાઈલ તરફ ગયુ .
અરે , આ મોબાઈલ તો પેલી છોકરીના હાથમાં હતો .
સતીશે મોબાઈલ ઓન કરી જોયું . તો અચંભિત રહી ગયો . ભાઈનો ફોટો અને એની પર લખેલું વાક્ય '

' Waiting 4 U '
સતીશને લાગ્યું કે પોતે હમણાં જ ચક્કર ખાઈને પડી જશે કે શું ?
આંખો આગળ અંધારા છવાઈ ગયા ....
ક્ષણભરમાં તો પોતાની જાતથી જ નફરત થઈ ગઈ .

કઠિન થી કઠિન પરિસ્થિતિ માં પણ અમને સરળતાથી સાચે રસ્તે જવા આંગળી ચીંધનાર મારા પિતા સમાન ભાઈનો ક્ષણિક પણ વિચાર ના કર્યો . ધિક્કાર છે મને જ મારી જાત પર.....
પલક ઝબકતા તો પૂરો ભૂતકાળ નજર સમક્ષ તરવરી ઉઠ્યો .


પ્રાચીને ફોન કરીને કહી દીધું કે આજે હું માં આગળ જઈને આવીશ . મારે થોડું કામ છે .

પણ ....સતીશ જમવાનું રેડી છે . અને અત્યારે તું જઈશ તો ? ક્યારે આવીશ ?
આજ રાતના શૉ ની મુવીની ટીકીટ પણ મેં બૂક કરાવી રાખી છે.
સતીશ ગુસ્સામાં જાણે રાડ પાડી ઉઠ્યો .... ' પ્રાચી હવે એક શબ્દ આગળ ન બોલતી .....અને
ખબરદાર જો મને જવા માટે તે ના કહી છે તો . તને મારી વાત મંજુર ના હોય તો તું એકલી મુવી જોવા જઇ શકે છે .
સતીશ નું પૂરું શરીર જાણે જડ બની ગયું હતું .

ક્લિનિક બંધ કરી 'એટીએમ ' થી અમુક રકમ કાઢી સીધો પેલા પોતાની માઁ આગળ ગયો .

પહોંચતા જ માઁ ના ખોળે માથું નાખી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો .
' માઁ ...મને માફ કરી દે મારી જિંદગી ને શણગારવામાં તો હું એવો લાગી ગયો . કે ભાઈની જિંદગીનું મૂલ્ય જ ભૂલી ગયો . પોતાની જિંદગીના સુખોને માણતો રહ્યો . અને એના સુખનો રતીભર વિચાર ના કર્યો ...
માઁ પણ સતીશને માથે હાથ ફેરવતા એને શાંત પાડતા બોલી . મેં તો પ્રણવને ઘણીવાર સમજાવ્યો . પણ હંમેશા કોઈને કોઈ કારણ આપી ના પાડી દેતો ..

હજુ પણ મોડું નથી થયું સતીશ . પણ તારા ભાઈની ઉંમર ના હિસાબે છોકરી પણ મળવી મુશ્કેલ છે .

અરે માઁ ...' એની ચિંતા નથી આ રહી જો મારી ભાભી સતીશે પોતાના ક્લિનિક પર ભૂલી ગયેલી છોકરીનો મોબાઈલ કાઢી એની
ફોટો ગેલેરીમાંથી ફોટો કાઢતા બોલ્યો ...આ રહી એ છોકરી ..
અરે ...આ તો સ્વાતિ છે . પ્રણવ જ્યાં કામ કરે કરે છે એમની દીકરી ,
' એક કામ કર તારા ફોનથી હું જે નંબર આપું એ મને લગાડી દે .
અને તું સ્વાતિ ને ફોન કરીને અહીં બોલાવી લે .

રિંગ વાગતા જ શાંતિલાલે ફોન ઉપાડ્યો .
અને સામેથી પ્રણવની મમ્મી બોલી હું પ્રણવની મમ્મી બોલું છું . અને આજે મારે તમારું જ કામ છે પણ હમણાં પ્રણવ ને કાંઈ ના કહેશો .થોડીવાર માટે તમે ઘેર આવી શકશો ?
શાંતિલાલ એટલું જ બોલ્યા ..' હા ભલે ..
શાંતિલાલ પ્રણવ ને ' હું થોડીવારમાં આવું એમ કહી નીકળી ગયા .

સતીશે પણ સ્વાતિને ફોન પર એટલું જ કહ્યું ' તમારો મોબાઈલ મારી પાસે છે . એટલું કહી સતીશે ફોન પર એડ્રેસ જણાવ્યું .

એડ્રેસ ઉપરથી લાગ્યું કે આ તો પ્રણવ ના ઘરનો એરિયા છે . પોતાને હાથમાં વાગ્યું હોવાથી ચિરાગને સાથે આવવા કહ્યું .
અને બંને જણા ફોનમાં જણાવેલ એડ્રેસ પર જવા નીકળ્યા
રસ્તામાં જ પપ્પાને જોતા સ્વાતિ બોલી ' પપ્પા તમે અહીં ?
ખબર નહીં બેટા પણ મને તો પ્રણવની મમ્મીનો ફોન હતો . એટલે હું દુકાનથી સીધો અહીં આવી ગયો .

સ્વાતિએ પોતાનો મોબાઈલ ભૂલી ગયાની બધી વાત પપ્પાને કરી. અને મને હાથમાં વાગ્યું હતું એટલે ચિરાગ ને હું બંને મોબાઈલ લેવા આવ્યા છીએ .
ચાલો અંદર જઈએ શુ વાત છે ? ખબર પડે ...

પ્રણવની માઁ એ શાંતિલાલ ને પુરી વાત શાંતિથી કરી અને પછી બોલી
' આ બાબતમાં તમારી ઈચ્છા હોયતો જ અમે આગળ વધીએ ...
શાંતિલાલે હસ્તા હસ્તા સ્વાતિ નો કાન પકડતા બોલ્યો ' આ વાતની મને અને એની માઁ ને તો ખબર જ હતી . જ્યારે તું દુકાનમાં ચિરાગ સમજીને પ્રણવ ને વળગી પડી તી ...કેમ યાદ છે ને સ્વાતિ ?

એ પછી મેં પણ તારી માઁ ને કહી દીધું હતું . હવે સ્વાતિની ચિંતાની કોઈ જરુર નથી , બસ મને એની માટે એક સુંદર પાત્ર મળી ગયું છે .
અને તારી માઁ ને પણ મેં પ્રણવની વાત કરી દીધી હતી .

બસ હું અને તારી માઁ આજ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા .
એની માઁ પણ એના માટે છોકરા જોવા માટેના નાટક કર્યા કરતી હતી .
આજના આવા મોબાઈલ યુગમાં સારા છોકરા મળવા ખૂબ મુશ્કેલ છે .અને આવો સોના જેવો દીકરો જમાઈ બનીને આવે તો અમને બીજે શુ જોઈએ ?

પછી તુરંત પ્રણવને પણ ફોન કરીને બોલાવી લીધો .
પ્રણવ ઘેર આવતા જ એકસાથે આટલા બધાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો .
પ્રણવના ઘરમાં પ્રવેશતા જ શાંતિલાલ બોલ્યા ' આવો આવો જમાઈ રાજ તમારા જ ઘરમાં તમારું સ્વાગત છે . '
પ્રણવના કાને આ શબ્દો પડતા જ આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ . અને બોલ્યો ... ' આ બધું શું છે કોઈ મને કહેશે ? ? ?

સતીશ તો પ્રણવને જોતા જ એને ગળે વળગીને રડવા લાગ્યો . અને માફી માંગવા લાગ્યો .
અરે ' પાગલ શું થયું ? કેમ આટલું રડે છે ? શેની માફી ? ચાલ હવે શાંત થઈ જા .

આટલા બધામાં એણે સ્વાતિની હાજરી પણ જોઈ લીધી.
સ્વાતિની આંખો જાણે હરખના આંસુથી છલકાતી હતી . અને આંસુઓ સાથે અનેક ફરિયાદો ....
લીલાછમ વૃક્ષમાંથી છૂટટુ પડેલું પ્રેમનું સુખું પર્ણ ઉડીને પાણીના પ્રવાહમાં જઈને ફરી લીલુંછમ થવાની તૈયારીમાં હતું .
પ્રણવ પણ સ્વાતિ સામે ઇશારાથી પોતાનો એક કાન પકડી માફી માંગવા લાગ્યો .
એટલી વારમાં તો ચિરાગ પણ પ્રણવ નો કાન પકડતા હસ્તા હસ્તા બોલ્યો ...કેમ ભાઈ , છુપો રુસ્તમ નીકળ્યો તું તો અને મને કહ્યું પણ નહીં .'
અચાનક પ્રણવ નું ધ્યાન ગયું દરવાજાની બહાર કોઈનો પડછાયો દેખાયો બહાર નીકળીને જોયું તો પ્રાચી બહાર ઉભી ઉભી રડી રહી હતી . અને ઇશારાથી બંને કાન પકડી એ પ્રણવની માફી માંગવા લાગી
પ્રણવ એને ચૂપ કરાવતા બોલ્યો ,
ચાલ હવે થોડું રડવાનું અંદર જઈને કરજે સતીશને પણ ખબર પણ પડે ને કે એની પ્યારી પ્રાચીને રડતા પણ આવડે છે .અને એનો હાથ પકડી અંદર આવીને સતીશને સોંપતા બોલ્યો ...
' આ લે તારી અમાનત બહાર ઉભી ઉભી રડતી હતી .
પ્રાચીએ આવીને તુરંત સતીશની માઁ થી પણ માફી માંગતા બોલી મમ્મી હું તમારી ગુન્હેગાર છુ .
પરિવારની જવાબદારીને હું સમજી જ ના સકી .

સતિષને અચાનક યાદ આવતા જ ખિસ્સામાંથી પૈસા કાઢી શાંતિલાલની સામે ધર્યા . મને માફ કરજો કાકા ....
મારા સ્વાર્થમાં હું એટલો આંધળો થઈ ગયો હતો કે ભાઈએ મારા ભણતર માટે લીધેલા કર્જનું કોઈ ધ્યાન જ ના રહ્યું ....
ભાઈએ જે મારા માટે કર્યું છે . એનું મૂલ્ય તો હું ચૂકવી સકુ એમ નથી .
શાંતિલાલ પણ રકમ લેવાની ના પાડતા બોલ્યા ' અરે અત્યારે તું આ પૈસાની વાત છોડ દીકરા ...આ રકમ તો હવે આ લોકોના લગ્નની તૈયારીમાં જોઇશે ને ....???
ત્યાંજ સ્વાતિ બોલી ' પપ્પા સાચું કહું મારે કોઈ ધૂમધામ ના જોઈએ .
તમને કોઈને વાંધોના હોયતો સાવ સાદાઈ થી જ હો ... ... અરે પપ્પા અટલી વાતમાં આપણે મમ્મીને તો ભૂલી જ ગયા.
અરે આવતી જ હશે મેં ક્યારનો ફોન કરી દીધો હતો .

આ બધી વાતમાં વચ્ચે જ થી જ નેહા ટહુકી અને પ્રણવની પાસે આવીને કહેવા લાગી . ભાઈ લગ્ન ભલે તમે સાદાઈથી કરો પણ આજ રાતનું બહાર જમવાનું પાક્કું હો....

પ્રણવ બોલ્યો ' હા , હા ચોક્કસ

સૌને વાતોમાં ખોવાયેલા જોઈ પ્રણવ સ્વાતિને બહાર આવવાનો ઈશારો કરી પોતે ઘરની બહાર આવેલા ઓટલે ઉભો રહી ગયો .

આકાશમાં રહેલા પૂનમના ચાંદનું અજવાળું ઝળહળી રહ્યું હતું .
સ્વાતિએ પણ પાછળથી આવીને પ્રણવને પોતાના બે હાથ વચ્ચે જકડી લીધો . પૂનમનો ચાંદ પણ બંનેના આલિંગનને આજે મનભરીને માણી રહ્યો હતો .

પ્રણવ આકાશમાં આવેલા વાદળો તરફ પોતાના હાથ લંબાવી ઉભો રહ્યો . વિખરાયેલા વાદળોનું ટોળું આજે જાણે એક હથેળીમાં સમાઈ ગયું હતું .
સ્વાતિ તને ખબર છે.....
વર્ષો પહેલા ઝરમર વરસતી વરસાદની બૂંદોને હાથમાં સમેટીને ઉભો હતો .
અને ....આજે એવું લાગે છે જાણે પૂરું આકાશ મારી મુઠ્ઠીમાં છે .

ચાંદની રાતમાં ખુલ્લા આકાશ નીચે વર્ષોથી તડપતા બે દિલોનું મિલન થયું હતું .
પૂનમનો ચાંદ પણ આજે એ બંનેના પ્રેમની ઉજવણી કરી રહ્યું હતું . બંનેના આલિંગનના સુખને દૂરથી માણી રહ્યું હતું ....

?♦?♦?♦?
????????

★ પ્રિય લેખક મિત્રો આપના પ્રતિભાવ આવકાર્ય છે .
★ લખાણમાં થતી ભૂલો માટે આપના મંતવ્યોની સાચા અર્થમાં જરુર છે . જેના કારણે લખાણમાં સુધારો કરી શકું
★આપના પ્રતિભાવો થી મને સારું લખવાની પ્રેરણા મળતી રહે બસ ?? :- મનિષા હાથી