ચાલો, લોન લેવા...!
રોજ સવારે, બપોરે અને સાંજે મધુર અવાજે એક ફોન બેન્કમાંથી આવે... “સર આપને લોન જોઈએ છે??? આપની ક્રેડીટ પ્રમાણે અમારી બેંક આપને લોન આપવા તૈયાર છે. આ માટે તમે રૂબરૂ મુલાકાત લો..”
એટલે અમારા ગામડાંના રોનકી ભોલુકાકા કહે: “એ મને તમે લોન આપવા કેમ તલ-પાપડ બન્યા છો? આ આખા ગામમાં મને કોઈ બીડીનું ઠુંઠુંય પાતા નથી. કે માવાનું અડધિયું પણ આપતા નથી. મને લાગે છે કે તમે મારા ઓલા ભવના હગા હશો... નહીંતર આટલી ઉધારી કોણ કરે હે???”
સામે છેડે શહેરની છોકરી વાત કરતી હોય. એને આવા તળપદી ભાષાના વાક્યો કયાંથી સમજાય???
એટલે એ કહેશે કે: “સર.. અમારી બેંક કોઈ મોટો બિજનેસ શરુ કરવા માટે લોન આપશે, પરંતુ પાપડ માટે લોન નહીં આપે કે નહીં તલ માટે...”
હવે ગોટે ચડવાનો વારો ભોલુકાકાનો હતો... પણ ગામડિયાં ભોલુકાકા છે બળુકાં.. વાત કરવામાં પણ બળ વાપરીને સામે છેડેની છોકરીને મુંજવવા માંડ્યા...
“હે !! ગગલી... હું શું કહું છું કે..એ.....”
કાકાની વાત કાપીને સામે છેડેથી છોકરી બોલી કે: “સર મારું નામ શ્વેતા છે. ગગલી નહી.”
કાકા કહે: “લે વળી ઈમાં શું...? ભલે તમને સેતા કહું, પણ છો તો અમારી ગગલી જેવડાં જ ને?”
સામે છેડેથી શ્વેતા: “સર સેતા નહી... શ્વેતા... શ્વેતા... પ્લીઝ સર... મારું નામ ન બગાડો”
કાકા: “આ તમારા શે’રવાળાને ખોટું જલ્દી લાગી જાય... હાંસુ કવ.. અમારે એક આઘે આઘે જમાઈ શે’રના છે.. તે ઈને જયારે-જયારે મળે ને તે વાત વાતમાં ખોટું લાગી જાય...”
હવે, ગગલીની લોનની વાત બાજુ પર રહી હતી અને.. રિસાઈ જતા જમાઈની વાતે ચડ્યા હતા. પેલીને બોલવાનો મોકો આપે તો લોનની વાત કરે ને ! કાકા આગળ વધ્યા..
“એક વાર તો એવું થયુંને ગગલી... એ...સોરી... સોરી... સેતાબેન... હાં..આં... એવું થયું ને કે અમારા ગામમાં લગન.. અને ઓલા વારા-ઘડીએ રિસાઈ જતા જમાઈ આવ્યા.. તો પહેલાં બધાએ આવો આવો.. જમાઈ રાજા આવ્યા, એવું કહ્યું તો જમાઈરાજા તો ‘ફૂલણશી કાગડા’ની જેમ ફૂલાણા... તે પહોળાં-પહોળાં બધે ચાલવા માંડ્યા.. બધા કહે આ જમો ને તે જમો... જમાઈરાજા પણ આડેધડ જાપટવા લાગ્યા. રાતનું ટાણું થયું ને જમાઈરાજાને પેટમાં ગીર્દી થઇ, જેમ અમારે તગ્ગામાં ગીર્દી થાય એમ..
“બધાને કહે મારે ફ્રેશ થવા જવું છે.. ક્યાં જાવાનું છે?”
તો અમે બધાં કહીએ.. “આય ગામડામાં આવે ‘ઈ બધાય શે’રવાળા આંયનું વાતાવરણ જોઇને ફ્રેશ થઇ જ જાય છે. પછી તો ગગી જમાઈરાજા પેટ પર હાથ મૂકીને ગુલામ જેવા થઇ ગયા.. રડમસ અવાજે કહે કે મને સુલભ શૌચાલય લઇ જાઓ... એટલે અમે એક ડબલું આપ્યું. અને એક જાણકાર માણસ આપ્યો. કહ્યું પાદર જાઓ... એ દિવસને આજની ઘડી હજુ જમાઈરાજા અમારા ગામમાં નથી આવતા.. હવે તો સુલભ બની ગયા છે તો પણ... જમાઈરાજા દુર્લભ બની ગયા હો..કે... બોલ ગગી આવું થાય અમારાં મહેમાને...!”
“સર... મારે તમને લોન મળે તેની વાત કરવી છે. અને આપણી ગાડી ઉંધે પાટે ચડી ગઈ છે. સો, તમે આવતી કાલે આવો અમારી બેંકમાં.. તમને લોન મળશે..”
“કાકા કહે ભલે ત્યારે... તો કાલે બેંકમાં ભેળાં થાઈએ.. હું તો આવીશ.. પણ તમે તો ત્યાં હશોને ?”
સામે છેડેથી ગગીએ ઉત્તર વાળ્યા વગર ફોન મૂકી દીધો..
અમારા ગામડાં ગામના કાકા બીજે દિવસે વહેલી સવારે બેંકમાં પહોચી ગયા. બેંકમાં બેઠા હતા, ત્યાં કાકાની સામે એક જુવાન છોકરો પસાર થયો. તો કાકા તેને કહે.. “ઓય..જુવાન... એક ગ્લાસ પાણી ભરીને મને પા ને !!!!”
એટલે પેલા જુવાનિયાએ કાકાને એક ગ્લાસ પાણી આપ્યું.
હવે લોન લેવા માટે કાકાનો વારો આવ્યો. બધા કાગળિયાં તૈયાર થયા પછી કહ્યું કે: “પેલી કેબીનમાં બેઠા એ સાહેબની સહી લેતા આવો. કાકા સહી લેવા ગયા અને કાકા અવાક બની ગયા. કારણ જે છોકરા પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો હતો એ છોકરો જ બેંક મેનેજર હતો. તો પણ કાકા હિંમત હાર્યા વગર સામે બેઠાં. “સા’બ લોન લેવા આવ્યો છું. આ ‘લો કાગળિયા સહી કરી દો.. અને લોન મંજુર કરો.”
એટલે બેંક મેનેજર કહે: “કાકા તમને લોન નહી મળે...”
કાકા: “પણ કેમ? ઓલી ગગી રોજ મારું લોઈ પીતીતી કે લોન લઇ જાઓ.. લોન લઇ જાઓ..”
મેનેજર કહે: “લોન એટલે નહીં મળે કે જે માણસ પાણીનો ગ્લાસ જાતે ન ભારે ઈ અમારી બેંકમાં લોનના હપ્તા ભરે?”
ભોલુકાકા અદશ્યમ ભવતિ....
લેખન નરેન્દ્ર જોષી. (૦૧/૦૮/૨૦૧૯)