Fensalo in Gujarati Short Stories by Rajendra Solanki books and stories PDF | ફેંસલો

Featured Books
Categories
Share

ફેંસલો

"નાગદાનનો છોરો".
:9825634709


સામરા જખુ ગઢવી ના નાના દિકરાની વહુએ દીકરો જણ્યો એની ખુશી માં ગામ આખામાં પેડા અને પતાસા વહેંચાયા. સામરાને ઘેર તેના નાના દીકરા નાનકા ના પુત્ર નું મોઢું જોવા આવનાર બહેનોની જાણે કતાર લાગી.
કોઈકે કહ્યું "અસલ બાપ જેવો લાગેછે."કોઈકે કહ્યું, "નારે, આતો અદલોઅદલ દાદા જેવો જ છે."
"અરે એતો નાનું બાળક, રોજ રૂપ બદલે."
ફળીમાં બેઠો એનો દાદો સામરો ગઢવી આ બધું જોઈ સાંભળીને ફુલાઈને મૂછને વળ દેતો બેઠો હોય. આવનાર ને મીઠો આવકાર આપી મીઠું મો કરાવતો જાય.
પણ શંકરના મંદિરના ઓટલે ભેગા થતા એના ભેરૂ ઓ ને ચાર પાંચ દી થી એની ગેરહાજરી ખૂંચતી . ઓટલે બેઠેલા નરસિંહે કહ્યું,"નવી નવાઈ નો દાદો થોડો થયો છે,મોટાં દીકરા દેવદાન ના પણ બે દીકરા છે જ 'ને."
વ્રધ અભેશંગે કહ્યું, "દાદાને તો જેટલા પોત્રા હોય તોય ઓછા લાગે,"
"પણ આપણને એના વગર મઝા ન પડે, એ આવે એટલે વાતું અને મસ્તી ના તડાકા." વાલા રબારીએ કહ્યું.
આ સાથે બધા હસી પડ્યા.અભેશંગે કહ્યું,"સામરો એટલે સામરો હો ભઈલા.એની તોલે કોઈ ન આવે."
વાલા રબારીએ બીડી ની જુડી અભેસંગ તરફ ફેંકી ને કહ્યું."કિસ્મત વાળો છે.બબે દીકરા એના ઘેર પણ દીકરા. ખેતર વાડી"
અભેશંગે જુડીમાંથી એક બીડી લઈને જુડી વાલાને પાછી આપી ને બીડી સળગાવી ને કહ્યું,
"એ વાત સાચી , પાછો ઉદાર, ધાર્મિક, અને ટિખળીખોરે એવો હો".
"જરાય અભિમાન નહી.અત્યારે પણ ધાક જમાવે એવો"

નરસિંહે કહ્યું,"સાચી વાત કાકા , સાચું હોય ઇ મોઢામોઢ કેનારો અને કાળી રાતે કામ આવે એવો જણ. ". વાલા રબારીએ બીડી ઓલવી ને કહ્યું,"પાછા કામમાં પણ લોઠકાં, દાડીયા આઘાપાછા થાય તો ત્રણે બાપ દીકરો મંડી પડે.અને ધર્માદા કરવામાં બળુકા.
અને સૌ ખડખડાટ હસી પડ્યા.નરસિંહ કહ્યું"ઓલી ચંપક વાણીયા વાળી વાત યાદ છે ?"
"હા હા" બધાયે હકારાત્મક રીતે માથાં હલાવ્યા.
ચંપક વાણીયો એટલે કંજૂસ મારવાડી જોઈલો. દુકાને બેઠો ઇ આખા ગામની પતર ખાંડે. એકવાર સામરો એને ભેટી ગયેલો.
નાનજી બોલ્યો,"બટુકભોજન વાળી વાતને?"
વાલારબારીએ કહ્યું."હા, તે ચંપક દુકાને બેસીને બટુક ભોજન માટે ફાળો ઉઘરાવતો હતો.ત્યાં સામરે આવી કહ્યું."ચંપક બટુક ભોજન માટે ફાળા હોય." ત્યાં ચંપક થી બોલી જવાયું "તો પછી ગઢવી તમે એકલા ખર્ચ ભોગવી લો ને ".ત્યારે સામરે કીધું." તું જો બટુક ભોજન નો ખર્ચ ભોગવ તો હું શિવરાત્રી એ ગામ જમણ કરું બોલ મંજુર ?."
અને ચંપક વણીયાથી હા પડાઈ ગયી.
અને સામરે વટથી ગામજમણ કરાવેલું, પણ ચંપક પાસે બટુક ભોજન કરાવે છૂટકો કરેલો.અને સૌ હસી પડ્યા. ત્યાં સામે થી સામરો આવતો દેખાયો. સૌને મોઢે રંગત દેખાણી.
"આવો આવો સામત ભાઈ. આવો આવો ગઢવી." સૌએ આવકાર આપ્યો. સામરાએ સૌને જય માતાજી કહી એણે બેઠક જમાવી. નરસિંહે કહ્યું"ગઢવી સૌ હમણાં તમને જ યાદ કરતા હતા."
" દાદા બન્યાનો બહુ હરખ કર્યો ભાઈ"અભેશંગે વાત આગળ વધારી. સામરાએ નિસાસો નાખી કહ્યું"હરખ તો સાચો ભા"
" તો આમ ઢીલો કાં? થાક્યો છો?."
રોજ હાકલા પડકારા કરતો સામરો આજ સૌને અલગ દેખાયો.થોડીવાર મોંન રહ્યો.સૌ ને નવાઈ સઃહ તાલાવેલી જાગી. ત્યાં સામરો બોલ્યો,"થાક્યો તો નથી પણ આ મારા નાગદાન ના છોરાં એ મારો મૂછ નો વટ ખોલી નાખ્યો".
" શું વાત કરો છો? સૌ તો વખાણ કરે છે.'કે દાદા ઉપર ગયો છે, અને થશે પણ તમારા જેવો."
સામરાએ ગોઠણીએ પછેડી વીંટી ને બીડી સળગાવીને જૂડી વચમાં રાખી."વાત સાંભળવી છે."?સૌ તેને જોઈ રહ્યા જીજ્ઞાસાવ્રત સૌ નજીક સરકયા.એક બે જણે બીડી સળગાવી 'ને સૌ તેને જોઈ રહ્યા.
"કહેવા જેવી વાત નથી, તમે કહેતા હો તો કહું."
સૌ તેના આનંદી સ્વભાવ થી ટેવાયેલા હતાં..અભેસંગે કહ્યું" કે ને ઝટ ભઈલા,આ બધા ની અધીરાઇ જોઈ."સામરા એ વાત ની શરૂઆત કરતા કહ્યું.
" આ પાંચેક 'દી પહેલાં નાનકા ની વહુ ને વેણ ઊપડ્યું.તમારી કાકી ,મોંઘીમાં સુંયાણી ને બોલાવી લાવી.અને હું નાનકા ના છોરાં નો ઉંવા ઉંવા અવાજ સાંભળવા ફળી માં ખાટલે બીડી પીતો બેઠો હતો."
"ત્યાં 'તો તમારી કાકી અને મોંગી માં બહાર આવ્યા.ફાનસ ના આછા અજ્વાળા માં તેઓના મોંઢા પર મેં ચિંતા જોઈ. મોટા દેવદાનની વહુ અંદર હતી.તમારી કાકી બિલકુલ મારી નજીક આવી 'ને ઉભી રહી મુને ધ્રાસ્કો પડ્યો. મેં કહ્યું "હા બોલ."
તેણે કીધું,"મોંગીમાં તો 'કે છે કે આમાં મારુ કામ નહીં.પહેલીવાર નું છે, વહુ બી ગયી છે શરીર ઢીલું નથી મુકતી, આને તાલુકા ની હોસ્પિટલે લઈ જવી પડશે."
સૌને એકીટશે સાંભળતા જોઈ સામરાએ નાનજી ને કહ્યું."નાનીયા ,ચપક ની દુકાને હળી કાઢી ને સિગારેટ નું પાકીટ લેતો આય. મારુ નામ આલજે."
નાનજી થોડો ખચકાઇ ને ઉભો થયો.તેને વાત ની વચમાં આ લપ ગમી નહીં.તેને જોઈ સામરે કહ્યું."જા જલદી લેતો આવ, તું આવીશ પછે જ વાત આગળ ચાલશે."
નાનજી એ સટ કાઢી 'ને સૌ હસી પડ્યા. વાલાએ પૂછ્યું,"પછે".કરસને કહ્યું "નાનજી ને આવવા 'દે ને યાર". આરતી ને કેટલી વાર છે?.
ત્યાં નાનજી દોડતો આવી ગયો, તે થોડો હાંફતો હતો.નરસિંહ બોલ્યો."આ આવ્યો ખોટો રૂપીઓ". નાનજીએ તેની સામે ગુસ્સાથી મોઢું બગાડ્યું. અને સામરા સાથે ત્રણેક જણે સિગારેટ સળગાવી.
સામરાએ અભેસંગ સામે જોઈ વાત આગળ ચલાવી."તે વખતે તો હું મૂંઝાઈ ગ્યો.વિચાર્યું, વાળીએથી છોકરાઓ ને બોલાવી લાવું, પણ તેમાં ટેમ જશે. લાવને હું 'ને તારી કાકી ગાડું જોતરીને જઇ પોગીએ.એકાદ કલાક માં પોગી જઈશું.".
મેં બળદોને ડચકારો દઈ ઉભા કર્યા અને તમારી કાકીને કહ્યું "ઝટ કર આપણે બે ગાડાં થી લઈ જઈએ". તે થોડી ખચકાઇ હા ના કરતી અંદર ચાલી ગઈ."
"તારી કાકીએ બે-ત્રણ ધડકી ગાડાં માં પાથરીને દેવદાનની વહુએ નાગદાનની વહુ ને સુવડાવી. તારી કાકી એની બાજુ માં ચડીને ગોઠવાઈ,અને રાત્રે બે વાગ્યે અમે તાલુકા હોસ્પિટલે પહોંચ્યા.".
"પણ ત્યાંનું વાતાવરણ ભેંકાર, કોઈ ન મળે. એક નર્શે ત્યાથી બાજુ ના રોડ પર આવેલ પ્રાઇવેટ દવાખાને લઈ જવા કહ્યું. અમે ત્યાં પહોંચ્યા.નર્શે તરત અંદર લીધા. હું લોબી માં બેઠો. બીડી સળગાવી. ત્યાં નર્સે બહાર આવી કહ્યું,."
"અદા તમારાંદીકરાની વહુ છે?"
મેં કહ્યું,,હા કેમ " તે થોડી ઉદાસીન દેખાઈ. મુને ધ્રાસકો પડ્યો.
" બેન, દીકરી બધું બરોબર છે 'ને."
"બધું બરોબર છે એટલે જ ઉપાધી છે, અદા હું ઉપર જઈ લેડી ડોક્ટર ને બોલાવી લાવું છું.".
મેં કીધું "તો જલ્દીથી જા ને બેન, બરોબર હોય તો ઉપાધી શાની?". તે તો મારી સામે જોઇજ રહી. હું થોડો મૂંઝાયો. તેણે મુને કહ્યું, "અદા એક વાત કહું ,કોઇને કહેતાં નહીં, આ ડોક્ટર તો રાક્ષસ છે.".
"હું તો વળ ખાઈ ગ્યો. ઘડીભર શું બોલવું તે સુજ્યું નહિ"જો દીકરી તારા મનમાં જે હોય તે બોલી દે, બીજે લઈ જાઉં?.
"ના ના અદા મેં જોયું છે, નોર્મલ ડિલિવરી છે" મેં કીધું ,"તો શેની બીક છે? વધારે પઈસા લેશે,મોંગી છે? તું પઈસા ની ચિંતા મ કર બેટા."
એણે કીધું ,"અદા એ નીચે આવશે, અંદર જઈને ચેક કરશે , દસેક મિનીટ પછી આવીને કહેશે. તકલીફ માં છે, છોકરું ઉપરથી ઓપરેશન કરીને લેવું પડશે. અને ખર્ચ નો આંકડો મોટો બતાવશે." મેં કહ્યું,"ખરચની ચિંતા છોડી દે દીકરી."
તમને કેમ સમજાવું? તમે સમજતા નથી.હું કહું તેમ કરશો તો હમણાજ છુટકારો થઈ જશે. મારામાં વિશ્વાસ રાખો.પૈસા તો ઠીક પણ તમારી વહુ ને તકલીફ થશે."
"અને ભાઈઓ એણે જે મને સમજાવ્યું એની વાત મુને ધડ બેઠી.અને મેં હકાર માં ડોકું હલાવ્યું, અને તે ઉપર દાક્તરીયાની ને તેડવા ગઈ."
કરશન વચમાં બોલ્યો,"સામરા ભાઈ તેણે શું કહ્યું?."
"એ પછી કહું છું, એણે કહેલું એમજ થયું.દાકતરાની નીંદર માં આંખો ચોળતી નીચે આવી. રૂમમાં જઈ દસેક મિનિટ માં પાછી આવી ને મને તેની કેબિનેટમાં બોલાવ્યો.અને નર્શે કીધી 'તી એજ વાત કરી.
"અને હું પણ નર્સે કહ્યું હતું, તેમ ભવાયો થઈ ગ્યો. અને મન્ડયો કરગવા."
સામરાએ બીજી સિગરેટ સળગાવી દમ ખેંચીને કહ્યું,"આ સામરો કોઈ કને ઝૂકે નહીં એ રીતસર રોઇ પડ્યો.મેં કહ્યું, "બુન અમે 'તો ગરીબ માણહ છીએ,વધારે પૈસા ખરચવાનું અમારું ગજું નહીં, માંડ માંડ અહીં પહોંચ્યા છીએ.તમે કહેતા હો તો સરકારી અસપ્તાલ લઈ જઈએ."
"તે એકીટશે મારી સામે જોઈ રહી અને હું ભવાઈ કરતો રહ્યો. મેં નિસાસો નાખ્યો.છેવટે એણે કહ્યું,"ઠીક છે, ચિંતા ન કરો હું ટ્રાય કરું છું."
આમ કહીને તે રૂમમાં ગઈ. અને થોડીવારમાં તો તે ઉપર ચાલી ગઈ.
હું તો બાઘા ની જેમ લોબીમા બીડી પીતો બેઠો રીયો. અને તમે માનશો? વિસ જ મિનિટમાં તમારી કાકીએ આવી કીધું,કે" નાનકાની વહુને દીકરો આવ્યો છે "તે હરખ માં જલ્દી પાછી જતી રહી.મેં મનોમન માતાજીનો પાડ માન્યો.
સવારે નાગદાન અને દેવદાન બને આવી પુગા.તેવો પણ રાજી થયા.તેઓનું કહેવું હતું કે રાતે જ અમને બોલાવી લેવા હતા આમ એકલા અવાય?."
"અને સવારે દશ વાગે થોડા રૂપિયા લઈ ને અમને રજા દઈ દીધી.પણ નાનકા ના છોરાએ આવતા પહેલા મુને તો રાંક બનાવી દીધો."
વ્રધ અભેસંગે બોખા મોંએ હસીને કહ્યું" સામરા નાગદાન નો દીકરો તારા જેવો ટિખડી થાશે , આવતાં વેંત દાદાની ટીખળ કરી."
"સાચી વાત અભેસંગ" ત્યાં વાલાએ પૂછ્યું,"પણ ઓપરેશન ની વાત હતી તો પછી કેમ થયું?"
"એજ તો વાત નો મરમ છે વાલા, સાંભળ,
સવારે મોં સુજડું થયું ત્યારે હું બહાર નીકળ્યો.રેકડીએ જઈ મોં ધોઈ ચા પીધી.અને કરશીયા માં ત્રણેક કપ ચા ભરાવી લોબી માં આવ્યો. મને એમ કે તારી કાકી બહાર આવે તો ચા આપું.અને પૂછું કે વહુ માટે દૂધ બિસ્કિટ એવું કંઈ લઈ આવું.
ત્યાં ઑલી નર્સ આવી ને તેની ટેબલે બેઠી.અને મારી સામે જોઇને હસી.મેં ચાનું પૂછ્યું તેણે થોડી ચા પીધી.મેં તેને કહ્યું. "દીકરી આમ કેમ થયું? તેં તો આજ મુને ગરીબળો બનાવી દીધો."
તે હસી, અદા, જેમ થયું તેમ , તમારું કામ થઈ ગયું ને. મેં કીધું, "ભગવાન તારું ભલું કરે પણ પઈશે ટકે વાંધો નહોતો હો".
અને એણે શરમાતી રીતે વાત કરી એ સાંભળીને હું તો દંગ થઈ ગ્યો.ભગવાન બચાવે આવા રાક્ષસૌથી.. વાત આગળ વધારી મેં કહ્યું
" દીકરી પછે તેં વાત ન કીધી કેમ થયું."
"જુઓ અદા સવારે દસ વાગે તો તમને રજા આપી દેશે,મેં કહ્યું તેમ ન કર્યું હોત તો ઉપાધી થાત."
"એવું તે શું થાત દીકરી?".
"તમને કેમ સમજાવું અદા, તમે મારા પપ્પા જેવા છો.આ લેડી ડોકટર પહેલા તમારી વહુ ને એક ઇન્જેક્શન આપત."
"તો"
એણે બિચારીએ શરમાઈને નીચે જોઈ કહ્યું. "એ ઇંજેક્શનથી બાળક આવવાનો રસ્તો બંધ થઈ જાય,સંકોચાય, એટલે સુવાવડી રાડો પાડે, એકબાજુ છોકરું જોર કરતું હોય અને રસ્તો બંધ હોય."
" ઓહ , માતાજી માતાજી દીકરી."
"પછી ઓપરેશન થાય, પાંચેક દીવસ અહીં રાખે, અને મોટું બીલ બને. સુવાવડી દુઃખી દુઃખી થઈ જાય તે જુદું."
મને ચૂપ જોઈ એ બોલી,"ડોકટર ને એમ થયું કે આમાં કંઈ વળે તેમ નથી, તેથી મને નૉર્મલ ડિલીવરી કરવાનું કહ્યું,એટલે મેં રાબેતા મુજબ એવું ઈંજક્શન આપ્યું કે માર્ગ ખુલ્લી જાય, છોકરું આરામ થી આવે, અને આમાં કંઈ હતું જ નહીં. પહેલીવારનું હોય એટલે બહેન મૂંઝાય. ઇન્જેક્શનથી તેનું શરીર ઢીલું થાય".
" ઓ દિકરી આવું ચાલે છે?"
"એટલે તો અદા મેં તમને વાત કરી, મારુ પણ મન આવું બધું જોઇને મૂંઝાય છે, હું થોડા દિવસમાં નોકરી મુકી દેવાની છું."
"અને તમે માનશો મેં તેના હાથમાં પ્રેમથી એક હજાર રૂપિયા મૂકી દીધા. મેં નાનકા ના છોરાં ના સમ દીધાં ત્યારે તેણે ભીની આંખે પૈસા લીધા. સાવ ગરીબ ગાય જેવી છોકરી હતી."
અને સૌ સ્તબ્ધ થઈ ગયા લગભગ બધાં ના મોઢેથી એકજ શબ્દો નીકળ્યા,"ઘોર કળિયુગ ભા"
સામરાએ કહ્યું,"કળિયુગ તો સાચો મારા ભાઈઓ પણ આ નાનકાના છોરાં એ મુને ભવાયો બનાવી ભવાઇ કરાવડાવી, અને મારી ભવાઈ જોઈ દાક્તરીયાની ભોળવાઇ ગયી".
અને સૌ ખડખડાટ હસી પડ્યા, ત્યાં શ્રી શીવ મંદીરે આરતી ચાલુ થઈ,અને સૌ સંધ્યા આરતીમાં સામેલ થવા મંદીરે ઉપડ્યા.
------------------------------------------