Prem ke Pratishodh - 18 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | પ્રેમ કે પ્રતિશોધ - 18

Featured Books
Categories
Share

પ્રેમ કે પ્રતિશોધ - 18



પ્રેમ કે પ્રતિશોધ-18



(આગળના ભાગમાં જોયું કે દિવ્યા અને બાકીના મિત્રો અજયના ઘરે પહોંચે છે. અજયના રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિવ્યા ત્યાં જ ઢળી પડે છે.)

હવે આગળ.......

રૂમમાં રમેશ,દિનેશ અને અન્ય બે કોન્સ્ટેબલ હાજર હતા. અર્જુન હજી ઘટના સ્થળે પહોંચ્યો નહોતો.રૂમની ફર્સ પર જાણે કોઈએ પાણી ઢળ્યું હોય તેમ લોહી વહેલું હતું. અને એ પણ ફર્સ પર જામી ગયું હતું. બેડ પર અજય હતો પણ મૃત અવસ્થામાં... જમણો હાથ બેડ પરથી નીચે તરફ લટકી રહ્યો હતો. જમણા હાથની નબ્સ પર કટ મારેલું હતું. અને ડાબા હાથ પાસે લોહીવાળી બ્લેડ પડી હતી. અજયના કાકા-કાકી બેડ પાસે તેમજ તેના મિત્રો તેમની બાજુમાં બેસીને આક્રન્દ કરી રહ્યા હતા. દિવ્યાને તો હજી વિશ્વાસ જ નહોતો આવતો કે અજય... તે ચોધારા આંસુએ રડી રહી હતી. તેણે રાધીને કહ્યું,“કાલે રાત્રે 11 વાગ્યા સુધી તો અમે સાથે હતા"
વિનય અને નિખિલ તો હજી દિવ્યાને સાંત્વના આપવાના નિર્થક પ્રયાસ કરી રહ્યા હતા.
દીનેશે અર્જુનને ફોન કર્યાની વીસ મિનિટ પછી પોલીસ જીપ આવી પહોંચી, ટાયરો ઘસાવાનો કર્કશ અવાજ આવ્યો અને ખાખી કપડાંમાં અર્જુન જીપમાંથી નીચે ઉતર્યો.
અજયના મૃત્યુના સમાચાર ફરી વળતા ઘરના વરંડામાં તેમજ અંદર સોસાયટીના માણસો એકઠા થઈ ગયા હતા. સૌને જબરદસ્ત આઘાત લાગ્યો હતો.
અજયના ઓરડામાં પ્રવેશતા જ અર્જુને પોતાની ટોપી ઉતારી.
“સાહેબ હું ડૉક્ટર કૈલાશ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું.”અજયના કાકાએ કહ્યું.
“ડૉક્ટર સાહેબ માફ કરજો, પણ આવા સંજોગોમાં ય અમારે કાયદા પ્રમાણે વર્તવું પડશે.” અર્જુને મક્કમ સ્વરે કહ્યું.
“ચોક્કસ. જોકે, આ દેખીતી રીતે જ આત્મહત્યાનો કેસ છે.”
અર્જુન બે પળ અટક્યો, ઓરડામાં નજર ફેરવી અને પલંગ પર પડેલી લાશ જોઈને કહ્યું, “આ મર્ડર છે.”
અર્જુનની વાતથી રૂમમાં સોપો પડી ગયો. આક્રંદ કરતા તમામ લોકોએ તેની સામે જોયું.
આ સાંભળી ડો.કૈલાશે આશ્ચર્યથી પૂછ્યું, “તમે આવ્યાને હજી પૂરી બે મિનિટ પણ નથી થઈ, છતાં આ હત્યા જ છે એવા નિષ્કર્ષ પર કેવી રીતે આવી ગયા ?”
“આ જુઓ.” ઇન્સપેક્ટરે સામેની દીવાલ પર લટકતી તસવીર તરફ આંગળી ચીંધી. તસવીરમાં અજય એક ટેબલ પર બેસી કંઈક લખતો હતો. અજયનું ધ્યાન લખવામાં હતું. અજયના ચહેરા પર સ્મિત હતું, તેના જમણા હાથમાં પેન હતી અને કોણીએથી વળેલો ડાબો હાથ મેજ પર ટેકવાયો હતો.
કૈલાશે થોડી વાર તસવીર સામે જોયા કર્યું અને બોલ્યો, “મેં જ એ ક્લિક કરી છે, લગભગ એકાદ વર્ષ પહેલા... અમારી ઘરની લાઇબ્રેરીમાં... પણ, એનું શું છે ?”
“તમને જે નથી દેખાતું એ મને દેખાય છે કારણ કે તમે જુઓ છો અને હું ધ્યાનથી જોઉં છું.”
“હું સમજ્યો નહીં.”
“જેનું મૃત્યુ થયું એ યુવાનના જમણા હાથમાં પેન છે, મતલબ તે જમોડી હતો.”
“તો ?”
“તમે ડાબોડી છો કે જમોડી ?” અર્જુને પ્રશ્ન પૂછ્યો.
“ડાબોડી, કેમ ?”
“લો આ પેન. માની લો કે આ પેન નથી પણ બ્લેડ છે અને આપ આત્મહત્યા કરવા ઇચ્છો છો. તમારા હાથની નસ કાપો.”
અર્જુન શું કહી રહ્યા છે તે કૈલાશને ન સમજાયું. છતાં, તેણે ડાબા હાથમાં પેન પકડી પોતાના જમણા કાંડા પર ફેરવી.
“આપ ડાબોડી છો એટલે બ્લેડ ડાબા હાથે પકડશો, મતલબ આપ આત્મહત્યા કરો તો આપના જમણા કાંડાની નસ કપાય. અને અજય જમોડી હતો. તે આત્મહત્યા કરે તો બ્લેડ જમણા હાથમાં પકડે અને ડાબા હાથની નસ કાપે. પણ એવું નથી થયું, તેના જમણા કાંડાની નસ કપાઈ છે.”
અર્જુનની વાત સાંભળી ડો.કૈલાશ છક્ક થઈ ગયા. અર્જુન આટલો સચોટ અને ત્વરિત નિર્ણય કેવી રીતે લઈ શક્યા તે તેમને સમજાયું.
“મારું આમ કહેવાનું બીજું ય કારણ છે. ડૉક્ટર હોવાના નાતે તે આપના ધ્યાન પર પણ આવવું જોઈએ.”
“શું ?” ડો.કૈલાશે પૂછ્યું.
“અહીં ફરસ પર જમા થયેલા લોહીની માત્રા ખૂબ ઓછી છે. જીવતા માણસના કાંડા પર બ્લેડ વાગે તો શરીરમાંથી વહેલા કે ફરસ પર જમા થયેલો લોહીનો જથ્થો આના કરતા અનેકગણો વધારે હોય. જીવતા માણસનું હ્રદય ધબકતું હોય એટલે તે લોહીને ધક્કો માર્યા જ કરે. જયારે, મરેલા માણસના કાંડા પર બ્લેડ મારવામાં આવે તો હાથમાંથી બહુ લોહી ન વહે ; હ્રદય બંધ થઈ ગયું હોવાથી લોહીને ધક્કો ન વાગે અને નસમાં હોય તેટલું જ લોહી બહાર આવે. માટે, પહેલા અજયની હત્યા કરવામાં આવી છે અને પછી તે હત્યાને આત્મહત્યામાં ખપાવવા, મરેલા અજયના કાંડા પર બ્લેડ મારવામાં આવી છે.” અર્જુનનું તારણ જોરદાર હતું.
ડો. કૈલાશન ચહેરા પર ચિંતા પ્રગટી. તે બોલ્યો, “પણ, અજયને કોણ મારે અને શા માટે ?”
“દરેક ગુના પાછળ કારણ હોય છે. ક્યારેક ગુનેગાર શોધવાથી કારણ મળી જાય છે, તો ક્યારેક કારણ શોધવાથી ગુનેગાર. સૌથી પહેલા તો બધાને બહાર લઈ જાવ.”
ડો.કૈલાશ સિવાય બાકી બધા રૂમની બહાર જાય છે. અજયના કાકી તેમજ તેના મિત્રોનું આક્રંદ ચાલું જ હતું.
ઇન્સ્પેક્ટર અર્જુને, ખાલી થઈ ગયેલા રૂમનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. અજય સૂતો હતો તેની બાજુનું ઓશીકું સહેજ ત્રાંસુ હતું. બેડની ચાદર અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ‘આને ભેટીને તેના કાકી અને મિત્રો રોકકળ કરતા હતા એટલે આવું થયું હશે.’ તેમણે વિચાર્યું.
અર્જુને બ્લેક કલરનું અડધી બાંયનું ટી-શર્ટ અને બ્લુ કેપ્રી પહેર્યાં હતા. ટી-શર્ટની બાંય પૂરી થાય ત્યાં, જમણા હાથની કોણી પાસે લોહીનું નાનું ટીપું જામ્યું હતું. અર્જુને તે જોયું અને ફોટોગ્રાફરને તેનો ફોટો ખેંચવા કહ્યું.
અજયનો મૃતદેહ જે બેડ પર પડ્યો હતો તેની જમણી બાજુએ એક મેજ હતું. મેજ પર એક મોબાઈલ ફોન પડ્યો હતો. “આ ફોન અજયનો છે ?” અર્જુને પૂછ્યું.
“હા.” કૈલાશે એકાક્ષરી જવાબ આપ્યો અને અર્જુને રમેશ સામે જોયું.
રમેશે ફોન ઉપાડી હોમ બટન ક્લિક કર્યું. મોબાઇલની સ્ક્રીન પર એન્ટર પાસવર્ડ એવું નોટિફિકેશન દેખાયું તેણે અર્જુન સામે મોબાઇલની સ્ક્રીન ફેરવી.
“તેમના મિત્રો માંથી કોઈને તો ખબર હશે જ!"અર્જુને કહ્યું.
“લાશને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવી પડશે. દિનેશ ડો. વિક્રમને જાણ કરી દે."આટલું કહી અર્જુન રૂમની બહાર આવ્યો.
અજયના બધા મિત્રો માટે તો આ મોટો આઘાત હતો. હજી શિવાનીના મૃત્યુને માંડ થોડો સમય થયો હતો ત્યાં તો અજયનું પણ મર્ડર થઈ ગયું.
“હું જાણું છું કે અત્યારે સવાલ જવાબ થઈ શકે તેવી તમારી બધાની સ્થિતિ નથી, પણ શિવાની અને હવે અજય. આ બધી ઘટના નો સબંધ તમારા ગ્રુપ સાથે જ જોડાયેલો છે."અર્જુને બધાને સમજાવતાં કહ્યું.
“સર, પણ અમે તો હજી કોલેજીયન...."
વિકાસ આટલું બોલ્યો ત્યાં તેને વચ્ચે અટકાવતાં અર્જુને કુનેહપૂર્વક કહ્યું,“હા, તમે હજી કોલેજીયન જ છો પણ તમારાથી કદાચ કોઈ ભૂલ થઈ હોય કોઈ ગુનો કર્યો હોય અથવા કોઈ સાથે નાની-મોટી દુશ્મની હોય તો મને જણાવો જેથી હજી પણ હું તમારી મદદ કરી શકું છું"
અર્જુન વાત કરતાં કરતાં બધા મિત્રોના એક્સપ્રેશન નોટ કરી રહ્યો હતો. અન્ય કોઈ તો નહીં પણ જેવી અર્જુને વાત કરી ત્યાં રાધી વિનય સામે જોઈ રહી અને જાણે એ કોઈ વાત થી ભયભીત હોય તેવું અર્જુને નોંધ્યું...

વધુ આવતાં અંકે.....

રાધી કઈ વાતથી ભયભીત હતી?
શુ અર્જુન અજય અને શિવાનીના મૃત્યુ પાછળનું કારણ જાણી શકશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર....
******

તમારો અભિપ્રાય અવશ્ય આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470