Muhurta - 15 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 15)

Featured Books
Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 15)

અંશને મળીને વિવેક જરાક શાંત થયો હોય એમ લાગ્યું.

“અંશને કોઈ સુરક્ષિત સ્થળે મુકવો પડશે...?” મેં કાર ફરી દ્વારકા જવાના રોડ પર ભગાવી એ સાથે જ પૂછ્યું. એ રોડ ફોર્ટી બાય ફોર્ટીનો ન હતો છતાં રોડ ખાસ્સો એવો પહોળો હતો. રોડની આસપાસ વૃક્ષોની ઘટાઓ છવાયેલ હતી. કાર ગ્રીનરી વચ્ચે દોડી રહી હતી.

“ના, એ આપણી સાથે જ સુરક્ષિત છે અને આમ પણ એણે કોઈ તાલીમ નથી લીધી, આ બધાથી અજાણ્યો છે માટે એને જાણવું અને સમજવું પણ જોઈએ કે એ પોતે કોણ છે અને તેના દુશ્મન કોણ છે.”

વિવેકની વાત યોગ્ય હતી. અંશ માટે પોતાની અને દુશ્મનોની હકીકત જાણવી જરૂરી હતી. દુશ્મન સાથે લડવા માટે દુશ્મનને જાણવો જરૂરી છે અને પોતાની શક્તિઓનો પૂરો ઉપયોગ કરી શકવા પોતાની જાતને જાણવું પણ એટલું જ જરૂરી છે.

“હા, હું પણ એ જ ઈચ્છું છું. જીવનભરથી મને એમ લાગતું હતું કે હું બધાથી અલગ છું. જયારે મારા શરીર પર નાગમંડળની આકૃતિ રચાઈ ત્યારે પણ મને લાગ્યું કે હું અલગ છું પણ મેં ક્યારેય કોઈને કહ્યું નહી. હવે હું જાણવા માંગું છું કે હું ખરેખર કોણ છું...” અંશ પણ પોતાની જાત વિશે જાણવા આતુર થયો. હવે તે થોડોક સ્વસ્થ થયો હતો.

“હા, પણ તે થોડાક સમય સુધીમાં કોઈ શકાશ્પદ ચીજ જોઈ હતી..?” વિવેકે પૂછ્યું, “કશુક એવું જે અસામાન્ય લાગ્યું હોય..?”

“શંકાશ્પદ...?” અંશે કઈ સમજણ ન પડી હોય એમ પૂછ્યું. મને પણ વિવેક શું પૂછવા માગતો હતો એ ન સમજાયું. શંકાસ્પદનો શો અર્થ નીકળી શકે.

“કોઈ શકાશ્પદ માણસ.. કે કોઈ શકાસ્પદ પ્રવૃત્તિ જેને જોઈ તને એમ લાગ્યું હોય કે એ જરાક અજીબ હતું. જરાક ન સમજી શકાય તેવી કોઈ ઘટના જે પહેલા તે ક્યારેય જોઈ ન હોય...” વિવેક શું જાણવા માંગતો હતો એ સમજ પડે તેમ ન હતી.

“હા.. જયારે હું સીટી બસમાંથી ઉતરી જોબ પર જઇ રહ્યો હતો...”

“તું જોબ કરે છે?” મે અંશને વચ્ચે અટકાવી પૂછ્યું.

“કેમ એમાં કાઈ ચોકવા જેવું છે એ દરેક વ્યક્તિ કરે છે.” અંશ માટે જોબ કરવીએ સામાન્ય કામ હતું.

“હા, પણ દરેક વ્યક્તિ.. દરેક નાગ નહિ.” વિવેકે તેનું વાક્ય સુધાર્યું, “એ કેમ ચોકવા જેવી ચીજ છે એ તને આપમેળે સમજાઈ જશે જયારે તું કોણ છે એ તું સમજી જઈશ.”

“હા, તો એ સમયે શું જોયું હતું?” મેં પૂછ્યું.

“ત્રણ મદારી... તેમની પાસે કોઈ સાપ ન હતા... તેઓ મદારી જેવા લાગતા પણ ન હતા... તેઓ મને ધ્યાન પૂર્વક જોઈ રહ્યા હતા અને જયારે મેં એમની તરફ જોયું એમના તરફ ધ્યાન આપ્યું ત્યારે એમણે એક કરંડિયો બહાર નીકાળ્યો જેમાં એક સાપ હતો. એ કરંડિયો એમની પાસે એકાએક ક્યાંથી આવ્યો એ મને સમજાયું નહિ....”

“શું એ લોકો કોઈ ઝાડ નીચે હતા..?” અંશ પોતાની વાત પૂરી કરે એ પહેલા વિવેક ઉતાવળો બની ગયો.

“હા, તેઓ એક ઝાડ નીચે હતા. તેઓ મહોગની નીચે હતા. એના થડ પાસે ચાદર બિછાવીને બેઠા હતા.”

“તેઓ ઉમરમાં એકદમ ઘરડા દેખાતા હતા..?”

“હા, તેઓ એકદમ વૃદ્ધ હતા.”

“તેમના કપડા કાળા રંગના હતા...?”

“હા, તેમના કપડા કાળા રંગના હતા પણ એ બધી તને કઈ રીતે ખબર..?” તેણે વિવેકના સવાલોના જવાબ આપ્યા પણ તેને નવાઈ લાગી કે દિવસો પહેલા પોતે જે વ્યક્તિઓને જોયા હતા એ વિશેની દરેક વિગત વિવેક પાસે કઈ રીતે હતી. મારા માટે પણ એ કન્વરશેસન એટલી જ નવાઈ પમાડનાર હતી.

“હું એ બધું કઈ રીતે જાણું છું એ પછી સમજાવું અત્યારે તું મને જણાવ કે પછી એમણે શું કર્યું? એ કાળા રંગના કપડાવાળા વૃદ્ધ મદારીઓએ શું કર્યું..?” વિવેકે બેબાકળા થઇ કહ્યું. એના અવાજમાં ગભરાહટની માત્રા અને એની ઉતાવળ પરથી હું સમજી ગયો કે મામલો કઈક ગંભીર હશે.

“એ મદારીઓમાંના એક મદારીએ પોતાના એ ખાલી કરંડિયામાંથી એક પાતળો સાપ બહાર નીકાળ્યો અને મારા તરફ જોયું. હું એને જોઈ રહ્યો હતો એ જ સમયે એણે એ પાતળા સાપની ગરદન મરડી નાખી.”

અંશે જે કહ્યું એ સાંભળી મારા શરીરમાંથી ડર અને ગુસ્સાને લીધે એક ધ્રુજારી પસાર થઇ ગઈ. કોઈ આટલું દુષ્ટ પણ હોઈ શકે...?

“એનો શું અર્થ છે..?” મેં વિવેક તરફ જોઈ કહ્યું, “શું એ જાદુગર હતા..?”

“ના, એ જાદુગર ન હતા.. એ નશીબ હતું... એ મોતનો ઈશારો આપવા આવ્યું હતું. જયારે પણ કોઈ નાગની નજીક એનું મોત આવે છે એ પહેલા નશીબ એને ઈશારો આપે છે...” વિવેકે કહ્યું.

“વિવેક, રીઅર વ્યુ મિરરમાં જો.” મેં ચીસ પાડી.

વિવેકે મિરરમાં નજર કરી અને એ જ સમયે અમને કાળજું કંપાવી નાખતો એક અવાજ સંભળાયો.. એ અવાજ કાન ફાડી નાખે તેવો હતો.. કદાચ એ અવાજ કોઈ સામાન્ય માનવ સામે થાય તો એના કાન બહેરા બની જાય.. ચારે તરફ અંધારું છવાયેલ હતું માટે કોણ અમારું પીછો કરી રહ્યું હતું એ દેખાયુ નહિ પણ એ જે કોઈ ચીજ હતી. એ અમારી પાછળ હતી અને એ ચીજનો એ અવાજ હતો.

“આપણી પાછળ કોણ છે..?” મેં પૂછ્યું.

“ખાસ કાઈ નહિ.. મોત પોતે...” વિવેક કડવું હસ્યો.

વિવેકના એ હાસ્યનો અર્થ હું સમજતો હતો. એ વખતે એ ખુદ મોત સામે પણ મુકાબલો કરી લેવા તૈયાર હતો. એ બતાવી દેવા માંગતો હતો કે એકવાર ચૂક થઇ ગઈ અને નંબર ટુને એની હાજરીમાં કોઈ મારવામાં સફળ થયું પણ હવે એની હાજરીમાં એ કામ ખુદ મૃત્યુ માટે પણ અશક્ય છે. વિવેકની આંખોમાં મોતનું પણ ગળું દબાવી એનો શિકાર કરવા નીકળ્યો હોય એ શિકારી ચમક મેં જોઈ.

“વોટ..? તમે ચાલુ કારની બહાર જશો?” અંશે કહ્યું.

“હા, કેમ નહિ? જેનો ઇન્તજાર હતો એ સામે છે.”

“એ શું છે?” અંશે કહ્યું.

“મોત.” વિવેકે જવાબ આપ્યો, “અને હા તારે મને તમે કહેવાની જરૂર નથી તું મને તું કહેશે તો મને ગમશે.”

“મારા ગાર્ડિયનની જેમ....” અંશ બોલ્યો..

વિવેકે કાઈ જવાબ ન આપ્યો...કેમ..?? હું સમજી ગયો કે જયારે અંશે ગાર્ડિયનયનું નામ લીધું ત્યારે વિવેકના ચહેરા આગળ તપન અને મોનિકાના ચહેરા ઉપસી આવ્યા હશે.

મેં કારને જમણી તરફ એકાએક પુલ કરી. જાણે રસ્તામાં વચ્ચે કોઈ વાહન આવી ગયું હોય. મને ડાબી તરફ કાચમાં એક આકૃતિ દેખાઈ. એ માનવ આકૃતિ જેવું દેખાયુ પણ એ કોઈ માનવ આકૃતિ ન હતી એ મને કોઈ રાક્ષસ જેવું લાગ્યું. એનો આકાર પણ સામાન્ય માનવ કરતા બહુ મોટો હતો. ખાસ્સો એવો મોટો - એરેનામાં લડતા કોઈ રેસલર જેટલો. કદાચ રેસલર કરતા પણ મોટો.

“એ ચીજ શું હતી...?” અંશ ધ્રૂજવા લાગ્યો.

“અંશ.. તું ડર નહિ તને કાઈ નહિ થાય.” મેં કહ્યું. મને ખબર હતી વિવેક ફરી કોઈને એવું વચન આપી શકે તેમ ન હતો. કમ-સે-કમ કોઈ બીજા વ્યક્તિનો જીવ ન બચાવીં શકે ત્યાં સુધી તો નહિ જ.

એકાએક અમારી કાર સાથે કોઈ બીજી કાર સાઈડમાંથી અથડાઈ હોય તેમ મને લાગ્યું અને એક ધમાકો થયો. કાર એક જર્ક સાથે ઉંધી વળી ગઈ પણ મને ખયાલ હતો કે ત્યાં બીજું કોઈ વાહન હતું જ નહિ. એ રોડ પર માત્ર અમારી કાર જ હતી અને પાછળ હતું કોઈક નિશાચર જે અમારો પીછો કરી રહ્યું હતું. એ ચીજ ક્યારે અમારી બાજુમાં પહોચી ગઈ હતી અને અમારી કારને ઉથલાવી નાખી હતી એ મને અંદાજ પણ ન રહ્યો.

અમારી કાર બ્લાસ્ટ થઇ હોય એમ રોડની સાઈડ પર ફેકાઈ ગઈ. મેં વિવેક તરફ નજર કરી એ કારમાંથી બહાર નીકળવા મથવા લાગ્યો.

“કપિલ...” વિવેકે મારા તરફ જોયા વિના જ કહ્યું, “અંશને લઈને બહાર નીકળ.”

મેં એને કોઈ જ જવાબ આપ્યા વિના અંશ તરફ જોયું. એ કારમાં સ્લમ્પડ ઓવર થઇ ગયો હતો. તેના હોઠના એક છેડા તરફથી લોહી વહી રહ્યું હતું. કદાચ તેનો ચહેરો ફ્રન્ટ સીટ સાથે અથડાયો હતો. પણ એ હજુ હોશમાં હતો.

“અંશ..” મરા અવાજમાં પણ ડર અને ગભરાહટનું મિશ્રણ હતું..

“એ શું હતું..? કોઈ વ્યક્તિ પૂરી કારને ફેકી શકે એટલું તાકતવર ક્યાંથી હોઈ શકે..?” અંશ બબડ્યો. બોલતી વખતે એના હોઠમાં તકલીફ થતી હતી.

મેં પાછળ નજર કરી. મને કાચ આરપાર બહાર અંધકારમાં એક આકૃતિ અમારી તરફ આવતી દેખાઈ. પણ એ અમારાથી ખાસ્સી દુર હતી. કદાચ કાર સાથેની અથડામણ પછી એ પણ ઘાયલ થઇ હતી કેમકે એના અને અમારા વચ્ચે વીસેક યાર્ડનું અંતર હતું.. મતલબ જયારે અથડામણને લીધે કાર ફેકાઈ ત્યારેથી એ આકૃતિ ત્યાજ હતી અને હવે ફરી કમ્પોઝર મેળવ્યો હોય એમ અમારા તરફ આગળ વધવા લાગી. બીજી અથડામણ સાથે શું થવાનું હતું એ હું જાણતો હતો.

“વુ ઈઝ ધેટ શેડો..?” અંશથી રાડ નીકળી ગઈ..

“ગેટ આઉટ ઓફ ધ કાર...” મેં ચીસ પાડી અને અંશને એક ધક્કો આપી કારમાંથી બહાર નીકાળ્યો અને એની પાછળ જ હું કાર બહાર આવ્યો.

બહાર આવતાની સાથે જ મને એ આકૃતિનો ક્લીયર વ્યુ મળ્યો. જોકે એ અંધકારમાં હતો એટલે એનો ચહેરો મને ન દેખાયો. તે સાતેક ફૂટ ઊંચાઈની આકૃતિ કોઈ દાનવ કરતા જરાય અલગ ન હતી. એના બાઈશેપ અને ટ્રાઈશેપના આકારો કોઈ રેસલર જેવા હતા. તેના શરીર પર કાળી શાલ જેવું કાપડ વીંટાળેલ હતું કે કદાચ એ કાપડ અંધકારને લીધે કાળું લાગ્યું. એને જોતા મને લાગ્યું વિવેક ખોટો ન હતો.. એ ચીજમાં અને મોતમાં ખાસ કોઈ ફરક ન હતો.

“કપિલ, અંશને લઈને અહીંથી જા અને એનાથી અલગ ન થતો. યાદ રાખજે એને એકલો ન છોડતો. એ તારી જવાબદારી છે...” વિવેકે કારમાંથી જ કહ્યું. એ બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યો હતો પણ કદાચ દરવાજો અટકી ગયો હતો.

મેં દરવાજાને એક હાથ વડે જરાક પુલ કરી બહાર ખેચી કાઢ્યો. વિવેક કાર બહાર ગબડીને આવ્યો એ જ પળે એ જાનવર ફરી કાર સાથે અથડાયો અને કાર રોડથી થોડેક દુર એક ઝાડ સાથે અથડાઈ. કદાચ એનામાં અમે હોત તો એ કારની સાથે અમારા પણ ફુરચા થઇ ગયા હોત. એ થડ ચારેક ફૂટની ત્રિજ્યા ધરાવતી ગોળાઈમાં ફેલાયેલ હતું નહીતર એ અથડામણ સાથે જ એ થડ તૂટી ગયું હોત અને એ ઝાડ કડડભૂસ્સ થઇ નીચે આવ્યું હોત.

“ગો કપિલ, તું શેની રાહ જોઈ રહ્યો છે.”

“ઓકે.” કહી મેં અંશનો હાથ પકડ્યો પણ એ મારી સાથે ન ચાલ્યો. મેં એની તરફ નવાઈથી જોયું. વિવેક પણ એને નવાઈ પૂર્વક જોઈ રહ્યો.

“તું ભાગી કેમ નથી રહ્યો?” વિવેકે જોરથી કહ્યું, “ગો... સેવ યોર લાઈફ.”

“નોટ વિધાઉટ યુ...” અંશે મક્કમતાથી કહ્યું.

“નયનાનો ભાઈ લાગે છે...” વિવેક બબડ્યો. કદાચ એ પણ મારી જેમ સમજી ગયો હતો કે અંશ ત્યાંથી કોઈને એકલા છોડીને નહિ જાય.

“પેલા ઝાડ પાસે છુપાઈ જા.” એના અવાજમાં એનો ગુસ્સો હતો, “બધા નાગ કેમ જીદ્દી હોય છે?”

તેને કઈ જવાબ આપ્યા વગર અંશ ઝાડ તરફ જવા લાગ્યો.

“કપિલ....”

વિવેકે શું કહ્યું એ હું સમજી ગયો.. મેં એ જાનવર તરફ એક નજર કરી. તેની આંખો એ કાળી રાતમાં ચમકતી હતી. એ કોઈ રીતે એક માનવ ન હતો. એ દાનવ હતો. નર્કમાં જેણે હોવું જોઈએ એવો એ દાનવ અમારી સામે હતો.

એ જાનવરે પણ મારી તરફ જોયું. એ કોઈ ટ્રેનની માફક મારા તરફ ધસ્યો. મને ખબર હતી હું એને દોડીને આઉટરન કરી શકું તેમ નથી અને આમ પણ એ મારા પ્લાનમાં ન હતું. મેં અને વિવેકે એકબીજાને મનોમન પ્લાન સમજાવી નાખ્યો હતો.

મેં મારા પગ જમીન સાથે જકડી રાખ્યા અને જયારે એ જંગલી જાનવર મારા નજીક આવ્યો એ છેલ્લી ક્ષણે હું એના પરથી કુદી ગયો. વિવેકે મારા તરફ ફેકેલ એની ગોલ્ડન યાર્ન મેં એ દાનવના ગળા ફરતે વીંટાળી દીધી.

હવે એ ગોલ્ડન યાર્ન એકાદ ફૂટ લંબાઈની પાતળી દોરી ન હતી પણ સાતેક ફૂટ લંબાઈની કોઈ જાનવરને કાબુ કરવાની જાડી રસ્સી હોય તેટલી સાઈઝની હતી. એ ગોલ્ડન યાર્ન રાતના અંધકારમાં સાચા સોના જેમ ચમકતી.

એ જાનવરની સ્પીડ સાચે જ કોઈ ટ્રેન જેવી હતી માટે જ એની અથડામણથી કાર કોઈ બ્લાસ્ટ થયો હોય એમ ફેકાઈ ગઈ હતી પણ એની એ જ શક્તિ.. એની એ જ સ્પીડ.. એના માટે એની કમજોરી હતી.

હું એને કુદી ગયો અને એના ગાળામાં એ ગોલ્ડનયાર્નનો ગાળિયો ફસાવી નાખ્યો છતાં એ પોતાની ગતી રોકી ન શક્યો. એ કોઈ આંધળી ટ્રેનની જેમ આગળ વધ્યે જ ગયો પણ બે ત્રણ ડગલા ભરીને એક જર્ક સાથે એની ગરદન તૂટીને એનું માથું નીચે પડ્યું અને ધડ અલગ નીકળી ગયું. એ આઠેક કદમ જઈને આગળ જઇ પડતું થયું. રોડ ધ્રુજી જાય તેવો ધબાકો થયો.

એ ગોલ્ડન યાર્નનો એક છેડો એના ગાળામાં વીંટળાયેલ હતો અને બીજો છેડો વિવેકના હાથમાં હતો. જયારે એ દોડ્યો અને યાર્નનો પાનો ટૂંકો પડ્યો એજ સમયે ગોલ્ડન યાર્ન લંબાઈમાં તો એટલી જ રહી પણ સોનામાંથી બનાવેલ કોઈ પાતળો તાર હોય એવી પાતળી બની ગઈ અને એ દાનવની ગરદન એ યાર્ને કાપી નાખી.

કદાચ જો યાર્નનો છેડો કોઈ ઝાડના થડ સાથે બાંધેલ હોત તો એ પણ ઉખડી ગયું હોત એટલી એ જાનવરની શક્તિ હતી પણ એ છેડો વિવેકના હાથમાં હતો. એણે પોતાના પગ જમીન સાથે એમ જમાવેલ હતા કે કદાચ એ જાનવર ખુદ વિવેક સાથે અથડાયો હોત તો પણ વિવેક ત્યાંથી જરાય ન ખસોત. એ યાર્ન તૂટવી પણ અશક્ય હતી માટે દાનવની ગરદન પાસે કપાઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ ન હતો.

ધ મોન્સ્ટર વોઝ ગોન. એ જાનવર ચાલ્યો ગયો હતો એના એ જ નરકમાં જ્યાંથી એ આવ્યો હશે એની દુષ્ટ આત્મા હવે આ દુનિયામાં ન હતી. એ ફરી એના નરકમાં કેદ થઇ ચુકી હતી.

“એ કોણ હતો...?” અંશે ઝાડ પાછળથી બહાર આવતા કહ્યું. હું એના અવાજમાં એના ડરને ભળેલો મહેસુસ કરી શકયો.

“એ જાદુગર ન હતો. મને અંદાજ પણ ન હતો કે કદંબ પાસે આવા લોકો પણ હશે.” વિવેક પણ શોક થયો હતો.

“શું એ જાદુગર ન હતો..?” મારા માટે પણ એ શબ્દો ચોકાવનારા હતા.

“ના, એ જાદુગર હોત તો જાદુનો ઉપયોગ કરી લડત. એ દૈત્ય હતો. કેટલાક એવા માણસો હોય છે જે જાનવર જેવું શરીર ધરાવતા હોય છે અને એમનામાં જાનવર જેવી શક્તિઓ પણ હોય છે.. કદંબે પોતાના જાદુથી એ જંગલી જાનવર પર કાબુ મેળવી લીધો હશે અને એને પોતાની ગુલામી માટે રાખી લીધેલ હશે.. એનામાં માત્ર શક્તિ જ હતી એનામાં ચાલાકી કે હોશિયારી ન હતી નહિતર એનાથી બચવું અશક્ય થઇ જાત.” વિવેકે સમજાવ્યું.

“પણ એ આપણી પાછળ ક્યાંથી આવ્યો હશે?” મેં પૂછ્યું.

“એ બીચ દ્વારકા નજીક છે માટે કદંબ ખુદ ત્યાં નહિ આવ્યો હોય એણે એના એકાદ પ્યાદાને આ જાનવર સાથે અંશ માટે મોકલ્યો હશે.”

“કદંબ કેમ દ્વારકા નહી આવ્યો હોય..?” મેં પૂછ્યું.

“જેમ તમે મદારીઓના જંગલમાં નથી આવતા એમ જ દ્વારકાને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં અનેક સાધુ સંતો હોય છે જે કદંબને જોતા જ ઓળખી જાય કે એ કોણ છે માટે એમના ડરથી એ ત્યાં નહિ આવ્યો હોય.”

“એ સંતોમાં જાદુઈ શક્તિઓ હોય છે?” અંશે પૂછ્યું.

“ના, એમનામાં જાદુઈ શક્તિઓ નથી હોતી પણ એમનામાં અલૌકિક તેજ હોય છે માટે એમના પર કદંબ કે કોઈ જાદુગરની શક્તિઓની કોઈ અસર નથી થતી એટલે જાદુગરો ક્યારેય એમની સામે નથી જતા.”

“હવે આપણે આગળ કઈ રીતે જઈશું.?” મને આગળની મુસાફરી કઈ રીતે કરીશું એની ચિંતા હતી.

“આપણી કાર છે ને..! એ કોઈ બીજા વાહન સાથે નથી ટકરાઈ.. એ જાનવર કારને બહારથી જ નુકશાન પહોચાડી શક્યો હશે. કારના એન્જીનને કઈ નહિ થયું હોય... જો એ સ્ટાર્ટ થઇ જાય તો આપણું કામ થઇ જશે.” વિવેકને એ કાર ફરી સ્ટાર્ટ થઇ શકશે એમ આશા હતી. મેં પણ આશા રાખી કે વિવેકની એ આશા ઠગારી ન નીવડે. .

અમે કાર તરફ ગયા.. વિવેકની વાત સાચી હતી. કારને સાઈડમાંથી બહુ નુકશાન થયું હતું. તેની બંને સાઈડોને નુકશાન થયું હતું. એક જાનવરની અથડામણને લીધે અને બીજી બાજુ વ્રુક્ષ સાથેના ટકરાવને લીધે પણ એના એન્જીનને કોઈ નુકશાન થયું ન હતું. એ સ્ટાર્ટ થઇ શકી.

અમે મહા મહેનતે કારને ફરી રોડ પર ચડાવી અને કારમાં ગોઠવાયા. કાર ફરી રસ્તા પર દોડવા લાગી. રાતનો સમય હતો નહિતર લોકો એ ક્રશ કારને રોડ પર દોડતી જોવા ટોળા વળી ગયા હોત!

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky