Murder at riverfront - 33 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર@રિવરફ્રન્ટ - 33

Featured Books
  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 12

    ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ...

  • નાયિકાદેવી - ભાગ 40

    ૪૦ જોગનાથની ટેકરી! મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી....

  • લાભ પાંચમ

              કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવ...

  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

Categories
Share

મર્ડર@રિવરફ્રન્ટ - 33

મર્ડર@રિવરફ્રન્ટ 33

હોય ભૂખ ઝાઝી ને હાથમાં રહેલો કોળિયો નીચે પડી જતાં જે દુઃખ અને વેદના થાય એવીજ વેદના હાલ તો રાજલને સિરિયલ કિલરનાં હાથમાંથી છટકી જવાં પર થઈ રહી હતી..વધારામાં વિનય ગંભીર રીતે ઘાયલ હતો અને સિરિયલ કિલરનાં લેટરમાં એને કરેલી વાત કે એનો નવો શિકાર એ આજે જ કરવાનો છે એને રાજલને ચિંતિત કરી મૂકી હતી.. ગિફ્ટબોક્સ માં આવતી રંગીન રીબીન નું રહસ્ય ઉકેલી દીધું હોય એમ રાજલે અમદાવાદ રિવરફ્રન્ટ નો પ્લાન શંકરભાઈ જોડે મંગાવ્યો.

"આ રહ્યો મેડમ સાબરમતી રિવરફ્રન્ટ નો પ્લાન.."રોલ કરેલો પ્લાન રાજલની સામે રહેલાં ટેબલ પર મુકતાં શંકરભાઈ એ કહ્યું.

"આભાર..અને તમારે ઘરે જવું હોય તો તમે જઈ શકો છો.."શંકરભાઈ ને ઉદ્દેશીને રાજલ બોલી.

"ગણપતભાઈ આવે પછી જાઉં..ત્યાં સુધી હું બેઠો છું.."શંકરભાઈ એ કહ્યું..કેમકે પોલીસ સ્ટેશનમાં ત્યારે કોઈ હેડ કોન્સ્ટેબલ કે ઇન્સ્પેકટર નહોતાં.

"સારું..જેવું તમે ઈચ્છો.."રાજલ ગરદન હલાવી બોલી.

શંકરભાઈ નાં જતાં જ રાજલે પ્લાન ને ખોલી ટેબલ પર પાથરી દીધો..હવે ટેબલ પર પડી હતી છ રંગબેરંગી રીબીન અને અમદાવાદની શાન બની ગયેલાં સાબરમતી રિવરફ્રન્ટ નો પ્લાન.

રાજલે પ્લાનની અંદર રહેલાં રિવરફ્રન્ટ પ્લાન પર મોજુદ શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતાં રિવરફ્રન્ટ પર બનેલાં છ બ્રિજ પર માર્ક કર્યું..પછી કંઈક વિચાર આવતાં એને RTO સર્કલ જોડે આવેલાં સુભાષબ્રિજ ને પણ માર્કર વડે માર્ક કર્યો..ત્યારબાદ રાજલ કેબિનમાં લાગેલાં વ્હાઇટ બોર્ડ ની નજીક ગઈ અને એમાં લખ્યું.

"Rainbow colours.."

"સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું કે મેઘધનુષમાં કુલ સાત રંગો હોય છે..જેને વિજ્ઞાન શિક્ષક સરળતાથી યાદ રહે એ મુજબ નીચેથી ઉપરનાં ક્રમાંકમાં જા.ની.વા.લી.પી.ના.રા તરીકે યાદ કરાવતાં..જાંબલી,નીલો, વાદળી,લીલો,પીળો,નારંગી અને રાતો.."મનોમન ટેબલ પર પડેલી રીબીન તરફ જોઈને આટલું બોલતાં રાજલે ચપટી વગાડતાં કહ્યું.

"હત્યારો જે રીબીન મોકલાવે છે એ મેઘઘનુષ નાં રંગો સજેસ્ટ કરે છે..ખાલી એક પીળો રંગ નથી આવ્યો એ સિવાય બધાં રંગની રીબીન આવી ચૂકી છે.."

રાજલ પાછી ટેબલની તરફ ગઈ અને ધારીધારીને ક્યારેક રીબીન તરફ તો ક્યારેક અમદાવાદ રિવરફ્રન્ટનાં પ્લાન તરફ જોવાં લાગી..કંઈક ગેડ બેસતાં રાજલે માર્કર હાથમાં લીધી અને બોર્ડ ઉપર 1 થી સાત નંબર લખ્યાં..1 નંબરની સામે જાંબલી અને 7 નંબરની સામે રાતો એટલે કે લાલ રંગ લખ્યાં બાદ રાજલે સુભાષબ્રિજ તથા અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલાં છ બ્રિજનાં નામ ક્રમાનુસાર લખ્યાં.

1 નંબર-જાંબલી ની સામે સુભાષબ્રિજ તો 2 નંબર-નિલા ની સામે રાજલે રિશી દધિચી બ્રિજ લખ્યું..3 નંબર-વાદળી ની સામે ગાંધી બ્રિજ અને એજ પ્રમાણે..4-લીલા સામે નહેરુબ્રિજ,5-પીળા સામે એલિસબ્રિજ,6-નારંગી સામે સરદાર બ્રિજ અને 7-રાતા ની સામે આંબેડકર બ્રિજ લખ્યું.

"વાહ રાજલ..આખરે તે રીબીન નો કોયડો સોલ્વ કરી જ લીધો.."પોતાનાં જ વખાણ કરતાં રાજલ બોલી.

ખુશખુશાલ ચહેરે રાજલે તુરંત મોબાઈલ હાથમાં લીધો અને સંદીપ ને કોલ લગાવ્યો..સંદીપે કોલ રિસીવ કરતાં કહ્યું કે એ હજુ હોસ્પિટલમાં છે..નિત્યા ની લાશને એનાં પરિવારને સુપ્રત કર્યાં બાદ એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈ પોલીસ સ્ટેશન આવતાં પોતાને અડધો કલાક તો લાગી જ જશે..સંદીપને ફટાફટ બધું કામ વ્યવસ્થિત પૂર્ણ કરી પોલીસ સ્ટેશન આવવાનું ફરમાન રાજલે કરી દીધું.

ત્યારબાદ રાજલે મનોજ અને ગણપતભાઈ ને પણ કોલ કરી પોલીસ સ્ટેશનમાં આવી જવાં જણાવ્યું..મનોજ તો હજુ હોસ્પિટલમાં હતો વિનય ની જોડે..પણ હવે વિનય નો પરિવાર VS હોસ્પિટલમાં આવી પહોંચ્યો હોવાથી મનોજ એમની રજા લઈ પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો..ગણપતભાઈ એ પણ પોતે ઘરેથી નીકળી ગયાં છે અને અડધા-પોણા કલાકમાં એ પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચશે એવું કહ્યું.

રાજલનાં પેટમાં અત્યારે પતંગિયા ઉડી રહયાં હતાં.. પોતે એ સિરિયલ કિલરનો રીબીન વાળો કોયડો કઈ રીતે સોલ્વ કર્યો એ પોતાનાં સાથી કર્મચારીઓને વહેલી તકે જણાવી એ સિરિયલ કિલરને એનો છઠ્ઠો શિકાર કરતાં રોકવો રાજલનો ઉદ્દેશ હતો.હવે બધાં ને આવતાં અડધો કલાક થઈ જ જવાનો હતો જે પસાર કરવાં રાજલે ચા નો ઓર્ડર આપ્યો.

રાજલ ચા નો આસ્વાદ માણ્યા બાદ હજુપણ એ કાતીલ નો નવો ટાર્ગેટ કોણ છે એનું મનોમંથન કરી રહી હતી ત્યાં મનોજ રાજલની કેબિનમાં આવી પહોંચ્યો..રાજલે એને ગણપતભાઈ અને સંદીપ ના આવે ત્યાં સુધી બેસવા કહ્યું..પંદર મિનિટમાં ગણપતભાઈ અને સંદીપ સાથે-સાથે જ ત્યાં આવી પહોંચ્યા..સંદીપ નાં હાથમાં નિત્યા મહેતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો જે રાજલનાં હાથમાં મુકતાં સંદીપ બોલ્યો.

"લો મેડમ આ નિત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ.."

સંદીપનાં હાથમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ લેતાં રાજલે એને હાથનાં ઈશારાથી સામે રાખેલી ખુરશીમાં બેસવાનો આગ્રહ કરતાં કહ્યું.

"તમે બેસો..હું પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી લઉં પછી તમારી સાથે જરૂરી ચર્ચા કરવાની છે.."

રાજલનો આદેશ માની સંદીપે મનોજની બાજુમાં રાખેલી ખુરશીમાં સ્થાન લીધું..ગણપતભાઈ પણ સંદીપની બાજુમાં બેસી ગયાં.એમનાં બેસતાં જ રાજલે નિત્યાનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટને મોટેથી વાંચવાનું શરૂ કર્યું.

"નિત્યા મહેતા નું મોત ઝેરનાં લીધે થયું છે..આ ઝેરનું નામ છે નેચરલ મરક્યુરી..આ ઝેર સવોર્ડફીશ નાં અંદરથી મળી આવે છે..જેનાં શરીરમાં આ ઝેર દાખલ કરવામાં આવે છે એનું શરીર પહેલાં તો આગની ભઠ્ઠીમાં શેકાતું હોય એમ અંદરથી ધગી ઉઠે છે..ત્યારબાદ અસહ્ય પીડા સાથે એ વ્યક્તિ મોત ને ભેટે છે..નિત્યા પણ ખૂબ તડપી હશે મર્યા પહેલાં એ નક્કી છે.."

"નિત્યા નાં શરીર પરથી દાઝવાનાં અને ઈજાનાં ચિહ્નો મળી આવ્યાં છે..જેનો અર્થ કે નિત્યા ને મર્યા પહેલાં શારીરિક રીતે ખૂબ ટોર્ચર કરાઈ હોવી જોઈએ.."

રાજલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી એને પાછો કવરમાં મૂકી પોતાનાં ટેબલનાં ડ્રોવરમાં મુક્યો એ સાથે જ સંદીપ બોલ્યો.

"મેડમ..આ સિરિયલ કિલરે તો શૈતાનીયત ની બધી હદ વટાવી મૂકી છે.."

"હા ઓફિસર..એ હત્યારા માણસ નહીં પણ કોઈ દાનવ છે જે એનાં વિકટીમની દશા પરથી જોઈ શકાય છે..પણ હવે એ વધુ સમય ખુલ્લો નહીં ફરી શકે.."રાજલ આવેશમાં બોલી.

"પણ મેડમ હવે એનો શિકાર કોણ હશે અને આપણે એને કઈ રીતે પકડીશું..?"સવાલસુચક નજરે રાજલ ભણી જોતાં મનોજે પૂછ્યું.

"ઓફિસર હું તમને બધું વ્યવસ્થિત સમજાવું.."આટલું કહી રાજલ પોતાની જગ્યાએથી ઉભી થઇ અને વ્હાઇટ બોર્ડ જોડે જઈને ઉભી રહી..ત્યાં ઉભાં ઉભાં રાજલે પોતે જે નોંધ્યું હતું એ વિશે બધાંને જણાવતાં કહ્યું.

"આ હત્યારો બાઈબલમાં લખેલાં seven deadly sins મુજબ પોતાની હત્યાઓ કરે છે..આગળનાં ચાર વિકટીમની માફક નિત્યા ની હત્યાનું કારણ છે ઈર્ષા એટલે કે deadly sins envy..મતલબ એનાં છઠ્ઠા અને સાતમાં શિકારની ખરાબ આદતો હશે ગુસ્સો અથવા અભિમાન..ગિફ્ટ બોક્સમાં રહેલાં પોસ્ટર મુજબ એનાં છઠ્ઠા શિકારની રાશિ મીન હશે..મતલબ કે એનાં છઠ્ઠા શિકારની રાશિ દ,ચ,ઝ કે થ ઉપરથી હશે.."

"બીજી વસ્તુ કે અંદર જે રમકડું મળ્યું છે એને પોલીસ નો યુનિફોર્મ પહેરાવ્યો છે..મતલબ એ કિલરનો નવો શિકાર હશે એ કોઈ પોલીસ ઓફિસર હશે..આગળનાં વિકટીમની માફક નિત્યા ની કોઈ આંગળી નથી કપાઈ જેનો અર્થ નીકળે કે એ જેની પણ હત્યા કરશે એ એનાં કિડનેપિંગ નાં દિવસે જ કરશે..અને ગિફ્ટબોક્સ જોડે મળેલાં લેટર પ્રમાણે એ સિરિયલ કિલર પોતાનો શિકાર આજે જ કરશે.."

"પણ મેડમ શહેરમાં તો વીસેક હજાર નાનાં મોટાં પોલીસ અધિકારીઓ છે..એમાંથી મીન રાશિ ધરાવતાં અધિકારીઓ પણ બે થી ચાર હજાર હશે તો એટલા બધામાં કઈ રીતે નક્કી કરીશું કે એ હત્યારો કોની હત્યા કરવાનો છે..?"સંદીપે પોતાની દાઢીમાં હાથ ફેરવતાં પ્રશ્ન કર્યો.

"તમારી વાત મુદ્દાની છે..આટલાં બધાં પોલીસ ઓફિસર વચ્ચે એ હત્યારો કોનું કિડનેપિંગ કરવાનો છે કે પછી કોની હત્યા કરવાનો છે એ શોધવું રૂ નાં ઢગલામાંથી તણખલું શોધવા બરાબર છે..પણ મને ખબર છે કે એ હત્યારો પોતાનાં પ્લાન ને ક્યાં અંજામ આપવાનો છે.."રાજલ બોલી.

"શું કહ્યું મેડમ,તમને ખબર છે કે એ હત્યારો પોતાની યોજનાને ક્યાં પુરી પાડવાનો છે..?"ગણપતભાઈ એ રાજલની વાત સાંભળી ચમકીને પૂછ્યું.

"હા મને ખબર છે કે એ હત્યારો ક્યાં પોતાની યોજનાનું આગળનું ચરણ ચાલવાનો છે..આ વાતની ખબર મને પડી એ હત્યારા દ્વારા મોકલવામાં આવતી રીબીનો નાં લીધે.."રાજલે ગણપતભાઈ નાં સવાલનાં પ્રતિભાવમાં કહ્યું.

"રીબીન પર થી સ્થળ..કંઈ સમજાયું નહીં.."મનોજે કહ્યું.

"જોવો આ બોર્ડ તરફ..અત્યાર સુધી છ ગિફ્ટબોક્સ મળ્યાં અને છ રીબીનો..આ રીબીન મેઘધનુષનાં રંગો દર્શાવે છે..જેને વક્રીભવન પ્રમાણે નીચેથી ઉપર ગોઠવતાં આવું થાય..જાંબલી સૌથી પહેલાં આવે એટલે પ્રથમ નંબરે અને લાલ કે રાતો સૌથી છેલ્લે આવે એટલે કે સાતમા નંબરે.."

"હવે તમે આ ટેબલ પર મુકેલો સાબરમતી રિવરફ્રન્ટનો પ્લાન જોવો.."ટેબલ જોડે આવી ઉભાં રહેતાં રાજલ બોલી.

રાજલનાં આમ કહેતાં જ મનોજ,સંદીપ અને ગણપતભાઈ ટેબલની ફરતે એ જોવાં ઉભાં રહી ગયાં કે રાજલ સાબરમતી રિવરફ્રન્ટનાં પ્લાનમાં શું દર્શાવી રહી હતી.

એ લોકોનાં ઉભાં રહેતાં જ રાજલે રિવરફ્રન્ટ પ્લાન પર હાથ મૂકી પોતે જે નોંધ્યું એ વિશે જણાવતાં કહ્યું.

"11 કિલોમીટર લાંબા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ ને જોડતાં કુલ છ બ્રિજ છે..જે શરૂ થાય છે રિશી દધિચી બ્રિજથી અને પૂર્ણ થાય આંબેડકર બ્રિજથી..હવે તમે આમાં સુભાષબ્રિજ ઉમેરી દો તો કુલ સાત બ્રિજ થઈ જશે..જેમાં ઉત્તરથી દક્ષિણ તરફ આવીએ તો સુભાષબ્રિજ પહેલાં અને આંબેડકર બ્રિજ સાતમો આવે..હવે મેઘધનુષ નાં સાત રંગોની સામે મેં બોર્ડમાં લખ્યું છે એમ સાત બ્રિજ વિચારી જોવો.."

"ખુશ્બુ ની હત્યા પહેલાં જે ગિફ્ટ બોક્સ મળ્યું એમાં જે રીબીન હતી એનો રંગ હતો પીળો..પીળા રંગની સામે આવે એલિસબ્રિજ..હવે ખુશ્બુ ની લાશ મળી એ સ્થળની સૌથી નજીક જે બ્રિજ હતો એ હતો એલિસબ્રિજ.."

"ખુશ્બુ ની લાશ જોડે ગિફ્ટબોક્સ મળ્યું એમાં હતી લાલ અથવા રાતા રંગની રીબીન..જેની સામે આવે વાસણા ખાતે આવેલો આંબેડકર બ્રિજ છે..એ હત્યારાનાં બીજાં શિકાર મયુર ની લાશ મળી આંબેડકર બ્રિજ જોડેથી..આજ રીતે મયુરની લાશ જોડેથી મળેલાં ગિફ્ટ બોક્સમાં નિલી રીબીન હતી જેની સામે આવે રિશી દધિચી બ્રિજ..વનરાજની લાશ મળી આવી રિસગી દધિચી બ્રિજ જોડે.."

"વનરાજની જોડેથી મળેલાં બોક્સમાં મળી આવી જાંબલી રીબીન..એટલે સુભાષબ્રિજ..હરીશ ની લાશ મળી સુભાષબ્રિજ જોડે..અને હરીશ જોડે મળેલાં ગિફ્ટબોક્સમાં મળી વાદળી રીબીન એટલે ગાંધી બ્રિજ..અને નિત્યા મહેતાની લાશ પણ મળી ગાંધી બ્રિજ જોડેથી.."રાજલનાં અટકતાં ની સાથે જ સંદીપ બાકીનાં વિકટીમ ની લાશ મળવાની જગ્યા અને રીબીન નાં રંગની માહિતી આપતાં બોલ્યો.

"હા એમજ..અને નિત્યા ની જોડે મળેલાં ગિફ્ટબોક્સની અંદરથી મળી આવી છે લીલાં રંગની રીબીન..મેઘધનુષ નાં રંગ પ્રમાણે લીલો રંગ ચોથા નંબરે આવે અને ચોથો બ્રિજ છે.."રાજલ ત્યાં ઉભેલાં ત્રણેય તરફ જોતાં બોલતાં બોલતાં અટકી ગઈ.

"નહેરુ બ્રિજ.."ગણપતભાઈ,મનોજ અને સંદીપ એકસાથે બોલી પડ્યાં.

"હા..હવે એ હત્યારો આજે જેની પણ હત્યા કરશે કે પછી કિડનેપ એ આ નહેરુ બ્રિજની આસપાસથી જ કરશે પણ કોણ એનો આગામી શિકાર હશે એ વિશે તો અટકળ જ લગાવવી રહી.."રાજલ ચિંતાનાં ભાવ સાથે બોલી.

"મેડમ,મારી વાત માનો તો એ હત્યારો કોની હત્યા કરવાનો છે એ વિચારવામાં વધુ સમય બગાડયાં કરતાં નહેરુબ્રિજ ની ફરતે નાં વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈએ તો.."ઈન્સ્પેકટર સંદીપ વિચારતાં બોલ્યો.

"હા મેડમ..આપણે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ગોઠવી દઈએ તો ક્યાંક એવું બને કે એ હત્યારો શિકાર કરવાં આવે ને ખુદ શિકાર બની જાય.."ગણપતભાઈ પણ બોલ્યાં.

"તમારી વાત સાચી છે..એક કામ કરો..ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન અને વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન નો સઘળો સ્ટાફ અને આપણાં પોલીસ સ્ટેશનમાં હાજર અમુક લોકોને નહેરુબ્રિજ ની ફરતે પોલીસ નાં યુનિફોર્મમાં કે શક્ય હોય તો સાદા કપડામાં તૈનાત કરી દો..હું ડીસીપી સાહેબને મળી વધારાની મદદ માંગતી આવું.."રાજલ જુસ્સાભેર બોલી.

"સારું મેડમ.."અદબભેર મનોજ, સંદીપ અને ગણપતભાઈ એક સુરમાં બોલી પડ્યાં.

ત્યારબાદ રાજલ ફટાફટ પોતાની કેબિનમાંથી નીકળી અને બુલેટ પર સવાર લઈને ડીસીપી ઓફિસ જવાં રવાના થઈ ગઈ..રાજલ ને ડીસીપી ઓફિસ પહોંચતાં જાણવાં મળ્યું કે ડીસીપી સાહેબ તો કોઈ કાર્યક્રમનાં ઉદ્ઘાટનમાં ગયાં હોવાથી એમને આવતાં વાર થઈ જશે..હવે ડીસીપી સાહેબ આવે ત્યાં સુધી રાહ જોવી જ પડશે એમ વિચારી રાજલ ડીસીપી કેબિનની બહાર બેઠી.

દસ મિનિટમાં તો રાજલને ત્યાં બેઠાં બેઠાં બરાબરનો કંટાળો આવવાં લાગ્યો..રાજલ સંદીપ ને નહેરુ બ્રિજ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો એ પુછવા કોલ કરવાં જતી હતી ત્યાં રાજલનાં ફોનની રિંગ વાગી.રાજલે ફોનની સ્ક્રીન તરફ જોયું તો લખ્યું હતું સુકેતુ.

"It ડિપાર્ટમેન્ટ હેડ સુકેતુ કુમાર.."આશ્ચર્ય સાથે મનોમન બબડતાં બબડતાં રાજલે કોલ રિસીવ કર્યો..!!

**********

વઘુ આવતાં ભાગમાં.

રાજલની ઉપર સુકેતુ નાં કોલ આવવાનું કારણ..?રાજલ રોકી શકશે એ સિરિયલ કિલરને એનાં છઠ્ઠા શિકારની હત્યા કરતાં.?કોણ હતો એ હત્યારાની માં ની મોત નું કારણ..?સિરિયલ કિલર નાં નિશાને કયો પોલીસ ઓફિસર હતો..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)