વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 42
‘આપ કિસી કો, ભી ભેજ દો. પૈસા મિલ જાયેગા. એડ્રેસ લિખ લો, ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટ એ વિંગ, યુનિટ ફાઈવ, લોખંડવાલા કોમ્પ્લેક્સ, સ્વામી સમર્થનગર, અંધેરી વેસ્ટ. ફોન નંબર ભી લિખ લો : સિક્સ ટુ સિક્સ ડબલ સિક્સ સિક્સ ઝીરો.’
ઉલ્હાસનગરનો બિલ્ડર કમ પોલિટિશ્યન યરવડા જેલના એક લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. સામા છેડેથી એને પૈસા લેવા આવનાર વ્યક્તિનું નામ અપાયું. કોડવર્ડ નક્કી કરાયો અને વાત પૂરી થઈ. એ પછી બિલ્ડરે ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટના ફ્લેટનો ફોન નંબર ઘુમાવીને માયા ડોળસને એ વિશે જાણ કરી. બિલ્ડરે માયાને કોડવર્ડ કહ્યો. યરવડા જેલમાંથી આવનાર વ્યક્તિ એ કોડવર્ડ કહે એટલે એને બે લાખ આપી દેવાના હતા.
***
કે ‘બધું બરાબર જ ચાલી રહ્યું છે ને !’
૧૬ નવેમ્બર, ૧૯૯૧ની સાંજે દાઉદ ઈબ્રાહીમ અને નૂરા વચ્ચે ફોન પર વાત ચાલી રહી હતી એ વખતે દાઉદ નૂરાને પૂછી રહ્યો હતો
નૂરાએ સંતોષજનક જવાબ વાળ્યો. એ જ વખતે યરવડા જેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શંભાજીએ ઉલ્હાસનગરના બિલ્ડરના ફ્લેટની ડોરબેલ દબાવી. માયા ડોળસના સાથીદારે ફલેટનો દરવાજો સહેજ ખોલીને આવનાર કોન્સ્ટેબલની ઓળખ પૂછી. શંભાજીએ કોડવર્ડ કહ્યો એટલે એને ફ્લેટમાં પ્રવેશ મળ્યો. પૂનાની યરવડા જેલમાંથી મુંબઈ સુધી લાંબા થયેલા કોન્સ્ટેબલ શંભાજી સાબળેને માયાએ કહ્યું કે, તું આજે રાતે અહીં રોકાઈ જા. સવારે તને પૈસા મળી જશે. માયાએ એની ઉલ્હાસનગરમાં રહેતા બિલ્ડર સાથે ફોન પર વાત કરાવી દીધી.
રાતે જમીને એ બધા વાતો કરતા બેઠા હતા. યરવડા જેલમાં ગવળીને ખતમ કરવાની યોજના વિશે કોન્સ્ટેબલ શંભાજી સાથે માયા ડોળસે રસપૂર્વક વાત કરી. માયા ડોળસે અજ્ઞાતવાસમાં રહી રહીને કંટાળી ગયો હતો. એના હાથમાં ખંજવાળ આવતી હતી. એ પોતે જાહેરમાં નીકળી શકે એમ નહોતો. નહીંતર જોખમી કામો કરવામાં એનો જોટો જડે એમ નહોતો. પોલીસને ‘થાપ’ આપીને નાસી છૂટ્યા પછી માયાએ અજ્ઞાતવાસમાં ભરાઈ રહેવું પડ્યું હતું, પણ એમ છતાં એણે મુંબઈમાં સાથીદારોની મદદથી ‘નાની મોટી’ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ગવળીને યરવડા જેલમાં મારવાની યોજનાથી એને પાનો ચડ્યો હતો. માયા ડોળસ આણિ મંડળીની વાતો ચાલુ હતી ત્યાં અચાનક કોઈ પોલીસ અધિકારીનો અવાજ એમના કાને પડ્યો. એ અધિકારી લાઉડ સ્પીકર પર ચેતવણી આપી રહ્યો હતો કે તમે બધા પોલીસને શરણે આવી જાઓ નહીં તો પોલીસ તમારા પર ત્રાટકશે. એ સાંભળીને માયા ડોળસ, એના સાથીદારો અને યરવડા જેલના કોન્સ્ટેબલ શંભાજી સાબળેનાં હદય એક-એક ધબકારો ચૂકી ગયાં.
એ.એ. ખાનના નેત્તૃત્વ હેઠળ પહોંચેલી પોલીસ ટીમે માયા ડોળસ આણિ મંડળીને ચોતરફથી ઘેરી લીધા હતા. છટકવાની કોઈ શક્યતા ન લાગતા માયા અને એના સાથીદારોએ પોલીસ ટીમ તરફ ગોળીબાર શરૂ કર્યો. પોલીસ અધિકારીઓએ ઝનૂનપૂર્વક વળતો ગોળીબાર શરુ કર્યો. લોખંડવાલા કોમ્પ્લેક્સના સ્વાતિ એપાર્ટમેન્ટમાં મધરાતે ગોળીઓની સામસામી રમઝટને અંતે માયા ડોળસ, દિલીપ બુવા, અનિલ પવાર, રાજુ નાડકર્ણી, અનિલ ખૂબચંદાની અને ગોપાલ પૂજારાની લાશો પડી હતી. યરવડા જેલનો પોલીસ કોન્સ્ટેબલ શંભાજી સાબળે પણ એ એન્કાઉન્ટરમાં કુટાઈ ગયો હતો. મુંબઈ પોલીસના ઇતિહાસમાં એકસાથે સાત સાત જણાને પહેલીવાર ઢાળી દેવાયા હતા. આ એનકાઉન્ટરના સમાચાર ફેલાયા ત્યારે મુમ્બૈયા અંડરવર્લ્ડમાં સોપો પડી ગયો હતો.
દાઉદ ઈબ્રાહીમને આ સમાચાર મળ્યા ત્યારે દાઉદે દુબઈમાં એની બાજુમાં બેઠેલા અનીસ સામે જોઇને આછું હાસ્ય વેર્યું. એવું હાસ્ય જે એણે વર્ષો અગાઉ હાજી મસ્તાનના બંગલોમાં સૈયદ બાટલા સાથે સમાધાન કરીને બહાર નીકળતી વખતે શબ્બીર સામે વેર્યું હતું!
***
‘મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર એ.એ. ખાને લોખંડવાલા કોમ્પ્લેક્સમાં માયા ડોળસ સહિત સાત ગુંડાઓને ઢીમ ઢાળી દીધા એથી ભારે હોબાળો મચી ગયો હતો.’ ફાઈવફાઈવફાઈવનો કશ લેવા અટક્યા બાદ પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપતા કહ્યું, “દાઉદ ઈબ્રાહીમના ઇશારાથી જ એ.એ. ખાને માયા ડોળસ અને બીજા છ જણને પતાવી દીધા એવો આક્ષેપ થયો હતો. આ એનકાઉન્ટરને લીધે ભારે હોબાળો મચી ગયો હતો. એમાં એક જણ તો નવાણિયો કુટાઈ ગયો હતો. દાઉદની સૂચનાથી તેના ભાઈ નૂરાએ જ કોઈ ખબરી મારફત માયા ડોળસનું ઠેકાણું પોલીસને બતાવી દીધું હતું, એવું આજે પણ મુમ્બૈયા અંડરવર્લ્ડમાં ઘણા માને છે. લોખંડવાલા કોમ્પ્લેક્સના એ એન્કાઉન્ટરને લીધે એટલો વિવાદ જાગ્યો કે એ.એ. ખાનની ટીમે કરેલા એ એન્કાઉન્ટરની તપાસ એન્ટીકરપ્શન બ્યૂરોને સોંપાઈ હતી. જોકે ૨૦૦૦ના જુલાઈ મહિનામાં જ એન્ટિ કરપ્શન બ્યૂરોએ એ.એ. ખાનની ટીમને ક્લીનચીટ આપી દીધી હતી. એ.એ.ખાનની ટીમ સામેં થયેલા તમામ આક્ષેપ પાયાવિહોણા હોવાનું તારણ એન્ટિ કરપ્શન બ્યુરોએ કાઢ્યું હતું.’
પપ્પુ ટકલાએ બ્લૅક લેબલનો વધુ એક પેગ બનાવ્યો. એમાંથી ઘૂંટ ભરવા માટે એણે એક નાનકડો બ્રેક લીધો. પછી કંઇક કડી મેળવતો હોય એમ સહેજ વિચાર કરીને ફરી એણે અંડરવર્લ્ડ કથાનો તંતુ સાધ્યો, ‘માયા ડોળસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો એથી દાઉદને ફાયદો થયો હતો. માયા ડોળસ ભાગી છૂટ્યો એ પછી મુંબઈ પોલીસે દાઉદની ઊંઘ હરામ કરી નાંખી હતી, પણ માયા ડોળસ માર્યો ગયો એ પછી મુંબઈ પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ હતી. માયા ડોળસ સહિત સાત જણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા એ ઘટનાનો બચાવ કરવા મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બિઝી થઇ ગયા. એ દરમિયાન મુંબઈમાં દાઉદ શૂટરોને મોકળું મેદાન મળી ગયું. ફરી એકવાર દાઉદ ગેંગ મુંબઈમાં ધાક જમાવવા વળગી પડી હતી. ગવળી ગેંગ અને દાઉદ ગેંગના શૂટર્સ ફરી અવારવાર સામસામે ગોળીની ભાષામાં વાત કરવા માંડયા હતા. માયા ડોળસ અને એના સાથીદારો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા ત્યાં સુધી ગવળી ગેંગમાં માયાના નામની ધાક હતી. માયા ડોળસ માર્યો ગયો એના થોડા દિવસ અગાઉ જ માયાએ સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા, દિલીપ યાદવ ઉર્ફે બુવા અને બીજા ત્રણ ગુંડા રવીન્દ્ર ફડકે, વિજય કેન્દ્રેકર અને જોસેફ જેકબની મદદથી ગવળી ગેંગના ત્રણ ગુંડાઓને ગોળીએ દીધા હતા. એ હુમલામાં સુહાસિની પરબ નામની યુવતી અને રઘુનાથ કાંબળે નામનો મજૂર નવાણિયા કુટાઈ ગયાં હતાં. રાતના પોણા નવ વાગ્યે મારુતિ અને ફિયાટ કારમાં આવીને માયા ડોળસના સાથીદારો ૬૦ ગોળી છોડીને ગવળી ગેંગના ત્રણ ગુંડાને ઢાળી ગયા હતા. માયા ડોળસના કમોત પછી ગવળી ગેંગના શૂટરો દાઉદ ગેંગ સામે બદલો લેવા નીકળી પડ્યા હતા અને ૧૧ ડિસેમ્બર, ૧૯૯૧ના દિવસે સવારના સાડાઆઠ વાગ્યે કિલ્લેદાર સ્ટ્રીટમાં ગવળી ગેંગના શૂટરોએ દાઉદ ગેંગના શૂટરો સામે મોરચો માંડ્યો હતો. એ ધમાધમીમાં દાઉદ ગેંગના બે ગુંડા માર્યા ગયા અને ત્રણ ગુંડાઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગવળી ગેંગના બે શૂટરોને પણ ગોળીઓ વાગી....”
પપ્પુ ટકલાની વાત ચાલી હતી ત્યાં અચાનક એનો સેલ્યુલર ફોન રણકી ઉઠ્યો. એણે મોબાઈલ ફોન ઉઠાવીને એના સ્ક્રીન ઉપર નંબર જોયો. બીજી ક્ષણે “એક્સ્યુઝ મી” કહીને થોડે દૂર જઈને એ સેલ્યુલર પર વાત કરવા માંડ્યો. અમે પોલીસ ઓફિસર મિત્રની સામે જોયું. એમની આંખમાં શંકા વાંચી શકાતી હતી.
(ક્રમશ:)