Doctor ni Diary - Season - 2 - 24 in Gujarati Motivational Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 24

Featured Books
Categories
Share

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 24

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(24)

સાહિલ પે બૈઠે ર્યૂં સોચતે હૈં આજ, કૌન જ્યાદા મજબૂર હૈ,

યે કિનારા જો ચલ નહીં સકતા, યા વો લહર જો ઠહર નહીં સકતી

બે સગા ભાઇઓ. બંને પરણેલા. નામ યાદ રહી જાય એટલા માટે: બિગ બ્રધરનુ નામ બ્રિજેશભાઇ અને યંગર બ્રધરનુ નામ યોગેશ રાખીએ. બ્રિજેશની પત્ની બ્રિન્દા. યોગેશની પત્ની યામિની.

આજે બ્રિજેશભાઇ-બ્રિન્દાબહેનનાં ઘરમાં દિવાળી ના બે મહિના પહેલાં જ દિવાળી ઉજવાઇ રહી હતી. પરિવારમાં દીકરાનુ આગમન થયું હતું. લગ્નના બાર વર્ષ પછી પહેલીવાર ઘરમાં નાનાં શિશુનુ મીઠું રૂદન ગુંજવાનું શરૂ થયું હતું. બ્રિજેશભાઇએ ખર્ચ કરવામાં પાછું ફરીને જોયું ન હતું.

રાતની ડિનર પાર્ટી હતી. સાતસો-આઠસો માણસોને આમંત્રિત કર્યા હતા. નિકટના સ્વજનો, સગાઓ, મિત્રો, પડોશીઓ, સાથે કામ કરતા કર્મચારીઓ; કોઇને પણ ભૂલ્યા ન હતા.

આપેલા સમયે આમંત્રિતો એક પછી એક પધારવા માંડ્યા. બ્રિજેશભાઇ-બ્રિન્દાબહેન પ્રવેશદ્વારમાં જ ઊભા હતા. દરેકને ગુલાબનું ફુલ આપીને આવકારતા હતા.

ધનુકાકાએ ફુલ સૂંઘતા ચોમેર નજર ફેરવી લીધી. પછી કહ્યું, “વાહ! બંગલાને બહુ સુંદર રીતે શણગાર્યો છે. આવી રોશની તો ઘરમાં લગ્ન રાખ્યું હોય ત્યારે જ જોવા મળે.”

“કાકા, મુન્નો અઢી મહિનાનો છે; તમે જો બે માસની મુન્ની શોધી લાવતા હો તો લગ્નનું પણ ગોઠવી કાઢીએ.” બ્રિજેશભાઇએ સરસ મઝાક કરી. કાકાએ બંગલાના વખાણ કર્યા એનાથી પતિ-પત્ની બંને પોરસાયા.

પછી તો બધાંએ કોઇ ને કોઇ બાબતની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. બ્રિજેશભાઇની સાથે બેન્કમાં કામ કરતા તમામ મિત્રોને ‘વેલકમ ડ્રિન્ક’ અને ‘સ્ટાર્ટર’ પસંદ પડી ગયા. વિજયભાઇએ તો બધાંના મનની વાત રજુ કરી દીધી, “ભ’ઇ વાહ! જો સ્ટાર્ટર આટલું ટેસ્ટી છે તો મેઇન કોર્સ કેવો હશે?!”

બ્રિજેશભાઇએ છાતી ફુલાવીને જવાબ આપ્યો, “યે તો ટ્રેલર હૈ. મેરે દોસ્ત! પિક્ચર અભી બાકી હૈ!”બેન્કર્સ ગ્રુપ હસી પડ્યું.

સોસાયટીના તમામ સભ્યો એક સાથે પધાર્યા. સેક્રેટરીએ પ્રવક્તાની ભૂમિકા અદા કરીને વખાણ રૂપી પહોંચ આપી દીધી, “બ્રિજેશભાઇ! બ્રિન્દાભાભી! તમે બાર-બાર વર્ષથી આ સોસાયટીમાં રહો છો, પણ આજે પહેલીવાર તમે આટલા ખૂશ દેખાવ છો. આવી ખૂશી તો તમારા ચહેરાઓ પર પરણતી વખતેય અમે જોઇ ન હતી.”

બ્રિજેશભાઇ પાસે જવાબ તૈયાર જ હતો: “ પરણતી વખતે હું કેવી રીતે ખૂશ હોઇ શકું? એ તો મારી જિંદગીનો છેલ્લો આઝાદ દિવસ હતો. એ મારો શહીદ-દિન હતો.” બ્રિન્દાબહેને પતિના પડખામાં હાથની કોણીથી ઠોંસો માર્યો. પછી સહુની સાથે તે પણ હસવા લાગ્યા.

મોડી રાત સુધી પાર્ટી ચાલી. ડિનર પતી ગયા પછી પણ મહેમાનો બેલી રહ્યા, ગપ્પા મારતા રહ્યા અને બ્રિજેશ-બ્રિન્દાના સુખમાં સહભાગી થતા રહ્યા. પછી સહુ વિખરાયા.

ઘર તરફ જઇ રહેલા દરેકના મનમાં એક જ વાત હતી, “બ્રિજેશભાઇએ જે કર્યું તે યોગ્ય જ કર્યું. બાર-બાર વર્ષ લગી બ્રિન્દાબહેનનો ખોળો ભગવાને ખાલી જ રાખ્યો એ હવે ભરાઇ ગયો. બાળક પોતાની કૂખેથી જન્મ્યું છે કે બીજાની કૂખેથી એમાં શો ફરક પડે છે? ફુલદાનીમાં સજાવેલું ફુલ થોડું કંઇ એમાં જ ખીલ્યું હોય છે? એને ખીલવનારો છોડ બીજો હોય એનાથી કશો જ ફરક પડતો નથી. દીકરો દતક લીધો ખૂબ સારુ કામ કર્યું બ્રિજેશભાઇએ.”

બરાબર સમયે શયનખંડમાં બ્રિજેશભાઇ પોતાની પત્નીને કહી રહ્યા હતા, “ યોગેશ અને યામિનીએ ખૂબ સારુ કામ કર્યું. આપણે તો અનાથ આશ્રમમાંથી બાળકને દતક તરીકે લેવાનુ વિચારતા હતા; પણ સગા ભાઇનો જ દીકરો આપણને મળી ગયો.”

બ્રિન્દાબહેને પણ કૃતજ્ઞાતા વ્યક્ત કરી, “હું તો યામિનીનો આભાર વધારે માનીશ. દિયર તો આપણા જ ખાનદાનનું લોહી ગણાય, એ તો પોતાનું સંતાન આપવા રાજી થાય જ. એમાં નવાઇ નથી. પણ યામિની તો બહારથી આવી છે. તો પણ એણે પોતાનાં પેટના જણ્યાને આપણને આપી દીધો.”

પાર્ટીમાં નાનો ભાઇ યોગેશ, એની પત્ની યામિની અને એમનો મોટો દીકરો (જે છ વર્ષનો હતો) એ બધાં પણ આવ્યા હતા. યોગેશનો બિઝનેસ બાજુના શહેરમાં હોવાથી તેઓ કારમાં તરત જ રવાના થઇ ગયા હતા. બ્રિન્દાબહેને દેરાણીને ખૂબ આગ્રહ કર્યો: “આજની રાત રોકાઇ જા! મુન્ના વગર તને નહીં ફાવે.”

પણ દિયરે કહ્યું કે જવું જ પડે તેવું છે. આખા શહેરમાં સમાજમાં, જ્ઞાતિમાં અને મિત્રવર્તુળમાં બંને ભાઇઓ વચ્ચેના ગાઢ સ્નેહ વિષે જ ચર્ચા થઇ રહી હતી. કોઇ કહેતું હતું કે “આ તો કળિયુગના રામ-લક્ષ્મણ છે.” કોઇ કહેતું હતું: “ આ બેય તો ખાલી ખોળીયા અલગ છે, બાકી દિલતો એક જ છે.”

મુન્નો નસીબદાર સાબિત થયો. એની સગી જનેતા એનું જતન ન કરે એવું જતન પાલક માતા કરી રહી હતી. બ્રિન્દાબહેન ખુદ એક શાળામાં શિક્ષક હતાં; એ નોકરી તેમણે ફક્ત મુન્નાને સાચવવા માટે છોડી દીધી. એમની સાથે નોકરી કરતી બહેનોએ એમને સલાહ આપી, “આવી મૂર્ખામી ન કરાય. બાળકો તો અમારે પણ થયા હતા. પણ અમે તો અમને સાચવવા માટે બાઇ રાખી લીધી હતી. પાંચસો- હજારના ખર્ચ સામે હજારો રૂપીયાનો પગાર ઠોકરે ચડાવાતો હશે? “મારે એવું નથી કરવું. નોકરીમાં રાખેલી બાઇ મારા મુન્નાને સંસ્કાર કેવા આપે?! મારે તો મારા દીકરાને સમય આપવો છે, માત્ર સગવડ નથી આપવી.”

બ્રિજેશભાઇ બજારમાં જઇને આખું કબાટ ભરાઇ જાય એટલા કપડાં લઇ આવ્યા અને ઓરડો ભરાઇ જાય એટલાં રમકડાં.

“બ્રિજેશભાઇ, તમે એટલું તો વિચારો કે તમારો મુન્નો દિવસે ન વધે એટલો રાતે વધે છે. પંદર દિવસમાં જ આ નવાં નક્કોર કપડાં ટૂંકા થઇ જાય છે. તમે દર મહિને ત્રણ-ચાર જોડી ખરીદવાનું રાખો ને! તમે તો મુન્નાની પાછળ સાવ ઘેલા થઇ ગયા છો” મિત્રો મીઠો ઠપકો આપતા હતા.

“ત્રણ જોડી કપડાં? આખા મહિનામાં? અરે, મારો દિકરો તો એક દિવસમાં પાંચ વાર કપડાં બદલે છે. અને કપડાં ટૂંકા પડી જશે તો કાઢી નાખીશું. ગરીબોના બાળકોને આપી દઇશું. બાપડાઓ મુન્નાને આશિર્વાદ આપશે. અને તમે એવું કહો છો કે હું ઘેલો થઇ ગયો છું? અરે, હું તો મારા દીકરાની પાછળ ગાંડો થઇ ગયો છું ગાંડો!”

ધીમે ધીમે લોકોએ શિખામણ આપવાનું બંધ કરી દીધું. બ્રિજેશભાઇનો આ પ્રેમ અને બ્રિન્દાબહેનનું વાત્સલ્ય એ શહેરના સિમાડાને વળોટીને છેક યોગેશ-યામિનીનાં ઘર સુધી પહોંચી ગયું ગતું. જશોદામૈયાનાં કાનૂડા પ્રત્યેના અનુબંઘની વાતો દેવકી સાંભળી રહેતી હતી અને રાજી થતી હતી.

એક વાર શનિ-રવીની રજાઓમાં યોગેશ અને યામિની એમના મોટા દીકરાને લઇને મુન્નાને રમાડવા આવ્યા. દોઢ દિવસ બધાં ભેળા રહ્યા. સુખનો સમય અતરમય બની ગયો અને આનંદની મહેંક પ્રસરાવી ગયો.

બીજો શનિવાર આવ્યો. ફરી પાછો યોગેશ એનીપત્ની અને પુત્રને લઇને મુન્નાને રમાડવા માટે આવી ગયો.

બ્રિજેશભાઇને આનંદની સાથે સાથે આશ્ચર્ય પણ થયું. એમણે કહ્યું પણ ખરું, “યોગેશ! ભાઇ! પહેલાં તું અમારા ઘરે વર્ષમાં એકાદ-બે વાર માંડ આવતો હતો. હવે ઉપરા-છાપરી આવવા માંડ્યો? અમને કેટલું બધું સારુ લાગે છે?”

“સાચું કહું, મોટાભાઇ? અમારો મુન્નો અમને તમારા ઘરે ખેંચી લાવે છે.”

“એટલે?”

“એટલે એમ કે યામિનીને એનો દીકરો ખૂબ જ યાદ આવે છે.એ તો સોમવારની સવારથી જ ઊઠીને રાહ જોતી હોય છે કે શનિવારની સાંજ ક્યારે આવે? મુન્ના વગર એ પળ-પળ ટળવળતી હોય છે. જુઓ, અત્યારે પણ એ મુન્નાને કેવાં હેતથી રમાડી રહી છે?”

બ્રિજેશભાઇ એ જોયું તો યામિની એનાં મુન્નાને ખૂબ પ્રેમપૂર્વક કમાડી રહી હતી. બ્રિન્દાબહેન બાજુમાં જ બેઠાં હતાં. એમને ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. એક વાર દીકરાને દતક આપી દીધા પછી એની સાથેનું જોડાણ જાળવી રાખવાનો બલ્કે પહેલાંના કરતા પણ વધારી દેવાનો મતલબ શો હતો?!

પછી તો આવું વાંરવાર બનતું રહ્યું. બ્રિન્દાબહેન પાંચ-પાંચ દિવસ સુધી મુન્નાને પોતાની તરફ વાળવાનાં પ્રયત્ન કરતા રહે અને શનિ-રવિમાં યામિની આવીને એ પ્રયાસો ઉપર પાણી ફેરવી જાય. બંને પતિ-પત્નીને આ ગમતું નહીં, પણ ક્ષોભને લઇને તેઓ કંઇ કહી શકતા ન હતા.

આમને આમ મુન્નો મોટો થતો ગયો. એ જ્યારે એક વર્ષનો થયો ત્યારે બ્રિજેશભાઇએ એની ભવ્ય ઉજવણી રાખી. ફરી પાછી વાહ-વાહી થઇ ગઇ.

એક દિવસ યોગેશે મોટાબાઇ સમક્ષ માગણી રજુ કરી, “મોટાભાઇ, અમારા મુન્નાને ભવિષ્યની અમને ચિંતા થાય છે. હું એવું ઇચ્છું છું કે તમારો બંગલો તમે મુન્નાના નામ પર લખી આપો. અને બેન્કમાં દસ લાખની એફ.ડી. પણ....”

“યોગેશ!!!” બ્રિજેશભાઇ ચીસ પાડી ઉઠ્યા, “તું શું બકી રહ્યો છે એ વાતનું ભાન છે તને? ‘મારો મુન્નો-મારો મુન્નો’ એવું બોલીને તું સાબિત શું કરવા માંગે છે? મુન્નો હવે અમારો છે. રહી વાત એના ભવિષ્યની; તો મુન્નાના ભવિષ્યની ચિંતા અમારો પ્રોબ્લેમ છે, તારો નહીં. મેં એની બર્થ-ડે ઉજવણી જે રીતે કરી એ જોયા પછી પણ તને એવું લાગે છે કે મુન્નનાને ભણાવવા-ગણાવવામાં હું કોઇ કચાશ રાખીશ? અને એ તો હજુ એક જ વર્ષનો છે ત્યાં તું મારી સંપતિ એના નામ પર લખી આપવાની જીદ કરી રહ્યો છે? એ જ્યારે મોટો થશે અને અમે જ્યારે ઘરડાં થિશું ત્યારે આ બધું એનુ જ થવાનું છે ને ?”

અને બીજા દિવસે યોગેશ-યામિની મુન્નાને પાછો લઇને ચાલ્યા ગયા. બ્રિન્દાબહેન એમના માની લીધેલા દીકરા માટે ઝરી રહ્યાં છે. બ્રિજેશભાઇ પણ ઝૂરી રહ્યા છે. બે ભાઇઓ વચ્ચેનાં સંબંધો પણ તૂટી ગયાં છે.

(સત્ય ઘટના. બ્રિજાશભાઇ-બ્રિન્દાબહેન હવે એક જ વાત કરે છે: “ક્યારેય સગાંવહાલાનું બાળક દતક લેવું નહીં. અનાથશ્રમ માંથી લેવું.)

----------