Sumudrantike - 24 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 24

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

સમુદ્રાન્તિકે - 24

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(24)

અંધકારનો અર્થ અહીં ઓછું અજવાળું, એટલો જ થાય છે. કૃષ્ણપક્ષની રાત્રીઓ પણ દૂર સુધી ઝાંખું-પાંખુ જોઈ શકાય તેટલી ઊજળી તો હોય જ. આ પ્રદેશના રહેનારા તો દૂરથી આવનારને પારખી પણ શકે એટલો ઝળહળ ઉજાસ આ ટમટમતા તારલિયાંઓ પૂરો પાડે છે.

ઉત્તર દિશા સાચવતો ધ્રુવતારક, ડાબી બાજુ ક્ષિતિજે નમી ગયેલી શર્મિષ્ઠા, પશ્ચિમ તરફ નમતું જતું હંસમંડળ, ઈશાનમાં ઉપર આવતા સપ્તર્ષિઓ આ પારદર્શક આકાશમાં, અનેરા તેજથી ચમકે છે. સ્વાતિ અને ચિત્રાની પેલે પાર, દક્ષિણે, વૃશ્ચિકની પૂંછડીએ, ધનુની તેજસ્વી આકાશગંગા અને મધ્યાકાશે શૌરીતારક ગુચ્છ આ બધાં ભેગાં મળીને ઘન અંધકારને ઓગાળે છે.

નિર્જન સમુદ્રતટની ચંદ્રવિહીન રાત્રીનું સૌંદર્ય કોઈ પણને પોતાના મોહપાશમાં જકડી લેવા સમર્થ હોય છે. ધરતી અને સમુદ્રનો ભેદ સ્પષ્ટ કરતી ધવલ ફીણ પંક્તિઓ, ભાંગતાં મોજાંનું એકધારું મધુર ગાન, ઝરખ-નારના ઘુરકાટ, અને શિયાળની ચીસો આ રમ્યતાને થોડી ભયાવહ પણ બનાવે. ભય પ્રેરી છોડી જવાનું મન ન થાય તેવું ભયાવહરમ્ય નિર્જન એકાંત જેણે એક વખત પણ માણ્યું છે તે પોતાના શેષ જીવનના અંત સુધી તેને ક્યારેય ભૂલી શકવાનો નહીં.

કબીરો એકધારો ચાલ્યો. દૂરથી બંગલાનું ફાનસ દેખાયું. કદાચ સરવણ આવી ગયો હશે, કદાચ અવલ પણ આવી ગઈ હોય! મારા મનમાં અવલને નવા, હવેલીની માલિકણના સ્વરૂપે જોવાનો ઉત્સાહ જાગ્યો.

કબીરાને મેં દરિયો છોડાવીને કેડી પર લીધો. દરિયો બાવળની વનપંક્તિ પાછળ ગર્જના કરતો રહ્યો. પથરાળ કેડી પર અમે આગળ વધ્યાં.

ઓ રે! આ વળી હું શું જોઉં છું? અંધારામાં બાવળની ઝાડી પાસે આટલી હલચલ શી છે? ‘કોણ છે રે!’ કહીને મેં ટૉર્ચ સળગાવી. અજવાળું થતાં કબીરો ઊભો રહી ગયો.

જોઉં છું તો સાત-આઠ કિશોરો ટોળે વળીને બાવળનાં સૂકાં-લીલાં લાકડાની ભારીઓ બાંધીને ઉપાડવાની તૈયારીમાં છે. ચોરટાઓ, આ ઉંમરે લાકડાં ચોરતાં થયાં, તો મોટા થઈને શું નું શું કરવાના? મેં ટૉર્ચ સળગાવી એટલે તે બધાં ભારીઓ મૂકીને નાઠા. હું તેમને રોકવા આગળ વધુ ન વધું ત્યાં મેં શબ્દો સાંભળ્યા:

‘છોકરાંવ, ભાગજોમાં. આ જંગલ-ખાતાવાળો નથી.’ અવલના સ્વરને ઓળખતાં વાર મારા હૃદયને જે દુ:ખ પડ્યું તે હું વર્ણવી શકતો નથી. ઘડીભર મને થયું કે હું મઢી પર રાત રોકાઈ ગયો હોત તો સારું હતું. હજી સ્વસ્થ થાઉં, તે પહેલાં મેં અવલને બાવળની અંધારી કાંટમાંથી બહાર આવતી જોઈ. તરત જ મેં ટૉર્ચ બુઝાવી દીધી.

‘લઈ લ્યો ભારીયું. ને થાવ હાલતા.’ અવલે મારી હાજરીને ગણ્યા ન ગણ્યા જેવી કરીને છોકરાઓને પાછા બોલાવ્યા. પોતે કેડી વચ્ચે લાકડીને ટેકે ઊભી રહી. કિશોરો ધીમે ધીમે પાછા આવવા લાગ્યા.

અવલ ઊઠીને મોડી રાત્રે લાકડાં-કરગઠિયાં જેવી તુચ્છ વસ્તુની ચોરી કરનારાને રક્ષણ આપે અને મારી જ નજરે પકડાઈ જાય તોયે બે-શરમ થઈને રસ્તા વચ્ચે ઊભી રહે! કેમ કર્યું મારું મન આ વાત હકીકત હોવા છતાં માનવા તૈયાર નથી થતું.

અને અવલ? એ ઊભી છે, અખૂટ શાંતિથી, નિર્વિકાર રાત્રી સમી સ્થિર. નિષ્ઠુરતાથી મારા તરફ પીઠ ધરીને, મારા મન પર દોરાયેલી તેની સુંદર, સુરેખ, સુકોમળ છબી તોડી-ફોડીને છિન્નભિન્ન કરતી. રે! કેટલું દુ:ખ પડે છે મારા હૃદયને!

અવલને તેની શી પડી હોય! એ તો બરાબર જાણે છે કે આ વનો પર મારો અધિકાર નથી. જે અધિકાર છે તે અત્યારે આવવાનો નથી. અને અનધિકારીને કંઈ કહેવા-બોલવા જેવું લાગશે તો પણ તે કંઈ જ બોલવાનો નથી.

હા, હું કશું જ બોલતો નથી. પણ રે સ્ત્રી, તને જરા જેટલી શરમ પણ કેમ નથી લાગતી? પોતાના રાજભંડારમાંથી દાન કરતી રાજરાણીની છટાથી તું આ કિશોરોને ભારીઓ ઉઠાવી જવા બોલાવી શકે છે શી રીતે?

પેલા છોકરાઓ પાછા આવ્યા. ભારીઓ ઉપાડીને ઉતાવળે પગલે ચાલ્યા ગયા. તે લોકો દેખાતા બંધ થયા ત્યાં સુધી આગળ અવલ અને પાછળ હું, પથ્થર શા સ્થિર ઊભાં. પછી અવલ ચાલી અને કબીરાએ ડગ ઉપાડ્યા.

અશ્વ નજીક આવ્યો એટલે અવલે ખસી જઈને માર્ગ આપ્યો. અવલને મળવાનું થાય ત્યારે કેટકેટલી વાતો કરવાનું મેં વિચારી રાખેલું. અત્યારે અવલની પાસેથી પસાર થયો ત્યારે તેની સાથે બોલવાનું સાહસ મારામાં નથી.વિષ્નોના ખબર પૂછવાનું પણ મને ન સૂઝયું. હું મૌન, હતપ્રભ દશામાં અવલ પાસેથી પસાર થયો.

‘છોકરાઓને રોકશો નહીં’ અવલનો મક્કમ સ્વર આવ્યો. ‘પેટના જણ્યાને રાતે, પાંચ ગાઉના પલ્લે, લાકડાં લેવા મોકલે એં માની પીડા કેટલી હશે એ વિચારશો તો મારી વાત સમજાશે.’ અવલ પૂરેપૂરી સ્વસ્થ છે. ‘આખા પંથકમાં આ બાવળિયાં વિના ક્યાંય બળતણ નથી. આ છોકરાં આટલું ઘેર પહોંચાડશે ત્યારે એની માયું રોટલા કરશે. એને રોકીને પાપમાં ન પડશો’

અવલના આ શબ્દોએ મારા હૃદયને વિદારી નાખ્યું. ઓ વશિષ્ઠ, અરુંધતી,જય-વિજય,શ્રવણ, અરે ઓ આકાશી છત્રધારી ઋષિઓ, સાંભળ્યું તમે? આ સાંભળ્યું?

હજારો વર્ષો પૂર્વે તમે ઘડેલી પાપ-પુન્યની વ્યાખ્યાઓ પર, તમે રચેલાં નીતિ-નિયમોથી પર, પોતાના હૃદયને જે સાચું લાગે તે આચરનારી આ દૂબળી-પાતળી સ્ત્રીએ પોતાનાં બે-ચાર વાક્યો વડે તમારી સત્કર્મ-દુષ્કર્મની કલ્પના સમૂળી ઊલટાવી નાખી છે.એક નાનકડી વાત કહીને તેણે મારી કહેવાતી સભ્યતાના અંચળાને ચીરી-ફાડીને, આ મહાસાગર પરથી વહી આવતા ફરફરાટ પવનમાં ઉડાડી મૂક્યો છે.

નૂરભાઈ કહેતો હતો. તેણે અહીંના વનના અવશેષો જોયા છે. આજે આ બાવળ સિવાય કોઈ વૃક્ષનું નામ-નિશાન નથી. સભ્યતા-વિકાસના નામે મારા જ સમાજે...

ઓ સર્પઘર, વિશાખા, નરાશ્વના તારકમંડળો, તમે સાક્ષી રહેજો. આ બાળકોના હાથમાં વાગેલા કાંટા, થાકેલા પગમાં પડેલા ચીરા, તેમની ચિંતામાં, મોડી રાત્રે, રાહ જોઈને બેઠેલી માતાઓનાં મનની વ્યથા, અને ચોરી કરતાં પકડાવાથી નિપજેલી બે-શરમી. આ બધામાંથી જે કોઈ પાપ સર્જાતું હોય તે પાપ, તમારી હાજરીમાં હું માનવસમાજ વતી મારા માથા પર સ્વીકારું છું.

અવલની વાતનો જવાબ આપવાની જરૂર ન હતી. મેં કબીરાને દરિયા કિનારા તરફ વાળી લીધો. મને પાછળ આવતો જાણીને પેલા કિશોરોને દોડવું ન પડે.

‘ધરમીને જીવવું તલવારની ધારે છે.’ ગોપાઆતાના શબ્દો મને યાદ આવ્યા. તલવારની ધાર ખમવાની શક્તિ મારામાં હજી આવી નથી.

***