Maut ni Safar - 17 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 17

The Author
Featured Books
  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

  • मुक्त - भाग 7

                मुक्त ----(7)        उपन्यास की कहानी एक दवन्द म...

Categories
Share

મોત ની સફર - 17

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 17

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે.આખરે ફ્લાઈટ દરમિયાન આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. એ લોકો હોટલ બેસ્ટ વ્યુ પોઈન્ટ માં રોકાયાં.

સવારે માઈકલ નો કોલ આવતાં જ સાહિલ ની નીંદર ખુલી ગઈ.. સાથે-સાથે ગુરુ પણ જાગી ગયો.. આ તરફ વિરાજ અને ડેનીની ઊંઘ પણ માઈકલ નાં ફોન કરવાનાં લીધે જ તૂટી હતી.. માઈકલે એ લોકોને તૈયાર થઈને નીચે ગાર્ડન માં બનેલી રેસ્ટોરેન્ટમાં બ્રેકફાસ્ટ માટે આવવાં કહ્યું.. માઈકલ નાં કોલ કર્યાની ચાલીસ મિનિટ બાદ ચારેય દોસ્તારો હોટલમાં બનેલી ગાર્ડન રેસ્ટોરેન્ટમાં આવી પહોંચ્યાં.

એ લોકો ને ત્યાં આવેલાં જોઈ રેસ્ટોરેન્ટ ની ડાબી તરફ બેસેલાં માઈકલે હાથ હલાવી પોતાની હાજરી નોંધાવી.. માઈકલ ને જોઈને એ લોકો માઈકલ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધ્યાં. એ લોકો ની નજર માઈકલની બાજુમાં બેસેલાં મજબૂત બાંધો ધરાવતાં એક વ્યક્તિ તરફ સ્થિર હતી.. મોટું માથું, ભરાવદાર મૂછો, ખડતલ દેહ અને શરીર પર પઠાણી પહેરવેશ જોઈને એ વ્યક્તિ મુસ્લિમ હોવાનું પહેલી નજરે લાગી રહ્યું હતું.

"સાહિલ, આ છે મારો દોસ્ત અબુ મકબરી.. અબુ મૂળ તો કૈરો શહેરનો રહેવાસી છે.. પણ આજથી છ વર્ષ પહેલાં અબુ જ્યારે લંડન પોતાનો મેનેજમેન્ટનો અભ્યાસ કરવાં આવ્યો હતો ત્યારે પાર્ટ ટાઈમ મારાં પપ્પા ની વાઈન શોપમાં નોકરી કરતો હતો.. એ સમયથી અમારે સારું બનતું.અબુ મારાંથી પાંચેક વર્ષ મોટો છે છતાં અમારી દોસ્તી આજે પણ કાયમ છે."પોતાની બાજુમાં ઉભેલાં પઠાણની ઓળખ આપતાં માઈકલ બોલ્યો.

માઈકલ નાં અબુ નો પરિચય કરાવ્યાં બાદ સાહિલે પણ પોતાનાં અને પોતાનાં દોસ્તોનો પરિચય અબુ ને આપ્યો.ત્યારબાદ માઈકલે નાસ્તો ઓર્ડર કર્યો.. નાસ્તો કરતાં કરતાં માઈકલ બોલ્યો.

"વિરાજ, હું એમ કહેતો હતો કે આ અબુ ને પણ આપણી જોડે આવવું છે.. અબુ સ્થાનિક માણસ છે એટલે જરૂર પડે આપણી મદદ પણ કરી શકે છે.. "

માઈકલની વાત સાંભળી સાહિલ બોલ્યો..

"સરસ.. આપણે જે કામ માટે જઈ રહ્યાં છે એ માટે જેટલાં વધુ લોકો હોઈશું એટલો જ સફળ થવાનો ચાન્સ વધી જશે.. "

"તો પછી આજથી અબુ આપણી જોડે હોટલમાં જ રોકાશે.. અને આપણી સાથે જ જ્યાં જઈશું ત્યાં આવશે.. "માઈકલ અબુ નો હાથ પકડીને એની તરફ જોતાં બોલ્યો.

"તો પછી આજે જ પિરામીડો ની મુલાકાત લેવાની છે ત્યાં અબુ ને જોડે રાખીએ એટલે આપણા માટે એક ગાઈડ નું કામ એ કરી શકશે.. "વિરાજ બોલ્યો.

"સારું તો હવે નીકળીએ.. પિરામિડ અહીંથી માંડ દોઢેક કિલોમીટર જ દૂર છે.. તો સરળતાથી વાતો કરતાં કરતાં ચાલીને પણ ત્યાં પહોંચી જઈશું.. "અબુ એ પિરામિડ હતાં એ દિશામાં આંગળી કરતાં કહ્યું.

થોડીવારમાં તો નાસ્તો પૂર્ણ કરી એ લોકો નીકળી પડ્યાં ગિઝા નાં પિરામિડ ની મુલાકાત લેવાં માટે.

ગીઝાનો મહાન પિરામિડ એ કૅરોની નજીક ગીઝા નેક્રોપોલીસમાં આવેલા ત્રણ પિરામિડમાંનો સૌથી જૂનો અને મોટો પિરામિડ છે. તેને ખુફુનો પિરામિડ કે ચેઓપ્સનો પિરામિડ પણ કહે છે. પ્રાચીન વિશ્વની અજાયબીઓમાંથી આ એક માત્ર બચેલી અજાયબી છે. માનવામાં આવે છે કે આ પિરામિડ ઇજીપ્તના રાજા ખુફુના ચોથા વંશજના મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું બાંધકામ લગભગ ૨૦ વર્ષ ચાલી ઇ.પૂ. ૨૫૬૦ની આસપાસ પૂર્ણ થયું હતું. ૩૮૦૦ વર્ષ સુધી આ મહાન પિરામિડ વિશ્વની સૌથી ઊંચી માનવ નિર્મિત ઈમારત બની રહ્યો હતો.

અસલમાં પિરામિડ ખાસ સપાટીના લીસા પત્થરોથી ઢંકાયેલો હતો. હાલમાં જે દેખાય છે તે અંદરનું માળખું છે. પાયાના ભાગમાં આજે પણ આ મૂળ પત્થરો જોવા મળે છે. આ પિરામિડના બાંધકામમાં વપરાયેલી યંત્રણા વિષે વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રવર્તે છે. સૌથી વધુ વિશ્વસનીય યંત્રણા એવી લાગે છે કે મોટા મોટા પત્થરોને ખાણમાંથી ઘસડીને અને ઊંચકીને તેના નિયત સ્થળ સુધી લઈ જવાયા હશે.

આ પિરામિડમાં ત્રણ કક્ષ હોવાનું શોધાયુ છે. સૌથી નીચેનો ખંડ જે ખડક પર પિરામિડ બન્યો છે તેના પાયાને ખોદીને નીચે જાય છે. આ કક્ષ હજી અપૂર્ણ છે. કહેવાતા રાજા અને રાણીના ખંડો પિરામિડની અંદર અમુક ઊંચાઈએ આવેલાં છે. ગીઝાનો પિરામિડ એ એક સંકુલની મુખ્ય ઈમારત છે જેમાં આ ઉપરાંત, ખુફુના બે સ્મારક મંદિરો (એક પિરામિડની બાજુમાં અને બીજું નાઈલની બાજુમાં), ખુફુની પત્નીઓના ત્રણ નાના પિરામિડ, એક તેથી પણ નાનો ઉપ પિરામિડ, બે મંદિરને જોડતી ઊઁચી મર્ગિકા અને પિરામિડની આજુબાજુના ઉમરાવોના નાના મકબરાઓ, નો સમાવેશ થાય છે.

આ પિરામિડ માટે જે પથ્થરો વપરાયા છે એને કઈ રીતે નાઈલ નદીનાં તટેથી ઘસડીને અહીં સુધી લવાયાં હશે એ હજુ પણ એક કોયડો જ છે.. કેમકે આટલાં મોટાં પથ્થરો કોઈ મશીનરી નાં ઉપયોગ વગર ખસેડવા એ અત્યારે તો લગભગ અશક્ય છે.આ પિરામિડ ની અંદર ઘણાં પુરાતત્વવિદ શોધખોળો માટે ગયાં અને ઘણી બધી નવી વસ્તુઓને દુનિયાની સમક્ષ મુકતાં ગયાં.

સાહિલ, વિરાજ, ડેની, ગુરુ અને માઈકલ તો વિશ્વની આ સૌથી પ્રાચીન અજાયબી ને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયાં. એ સમયગાળામાં પણ લોકો કોઈ ટેકનોલોજી વગર આટલું અદભુત બાંધકામ કરી શકતાં એ ખરેખર સરાહનીય કામ હતું.. પીરામિડ ની અંદર મોજુદ એક પછી એક રસ્તાઓ જોઈ બધાં એ વાત તો સમજી ચુક્યાં હતાં કે એમને પણ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના શોધવા આવાં જ રસ્તાઓ પાર કરવાનો વારો આવશે.

સાંજ સુધી એ લોકો ગિઝાનાં પિરામિડ ની નાનામાં નાની વસ્તુને નિહાળવામાં ખોવાયેલાં રહયાં.. અબુ નાં સાથે હોવાથી એ લોકોને ઘણી બધી વાતો જાણવાં મળી જે અબુ ના હોત તો એમને શાયદ જ ખબર પડત.. રાજા નાં મકબરા થી લઈને રાણી નાં મકબરા માં જવાનાં રસ્તા વિશે પણ અબુ એ બધાં ને જણાવ્યું.. આખરે એ લોકો સાંજે છ વાગ્યાં આજુબાજુ હોટલ પાછાં આવી પહોંચ્યાં.

દિવસભર ની રઝળપાટથી થાકેલાં એ બધાં પોતપોતાનાં રૂમમાં જઈને શાવર લઈને ફ્રેશ થઈ જ્યારે નીચે રેસ્ટોરેન્ટમાં એકઠાં થયાં ત્યારે ઘડિયાળનો કાંટો આઠ ઉપર આવી પહોંચ્યો હતો.આજે એ લોકો માટે પોતે સ્પેશિયલ ઈજીપ્ત ડિશ ઓર્ડર કરશે એવું જણાવી અબુ એ જમવાનું ઓર્ડર કર્યું.

મુલુખિયા, હવાવશી, ફેલિશ, બારબોસા, હાલોમી, મૉમ્બર, ફિગ રોલ જેવી ઈજીપ્સીયન વાનગીઓ આરોગવાની બધાં ને ખૂબ મજા પડી ગઈ.. આટલું લિજ્જતદાર જમવાનું મંગાવવા બદલ બધાં એ અબુ નો દિલથી આભાર માન્યો.. જમવાનું પૂર્ણ કરી બધાં થોડો સમય રેસ્ટોરેન્ટમાં જ બેઠાં અને રમ ની મજા માણી.. આખરે અગિયાર વાગે બધાં પોતપોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.. આવતી કાલે એ લોકો કૈરો નાં મ્યુઝિયમની મુલાકાતે જવાનાં હતાં એવું નક્કી થયું હતું.. કૈરો નાં મ્યુઝિયમની મુલાકાત બાદ એ લોકોની આગળ ની સફર શરૂ થવાની હતી.

બીજાં દિવસે સવારે નાહી ધોઈ તૈયાર થઈ થોડો નાસ્તો કરી બધાં જઈ પહોંચ્યા કૈરો નાં જગપ્રસિદ્ધ મ્યુઝિયમની મુલાકાતે.. આ મ્યુઝિયમ ને ઈસ.1902 માં બનાવવામાં આવ્યું હતું.. આજે આ મ્યુઝિયમમાં મિસર સંસ્કૃતિ અને અલગ અલગ ફેરો ને લગતી કુલ મળીને 1, 20, 000 વસ્તુઓ મોજુદ છે.. જેમાં કરોડોની કિંમત નાં મૂલ્યવાન રત્નો અને સુવર્ણ થી બનેલી અદભુત વસ્તુઓ જોવાં મળે છે.

પહેલાંનાં સમયમાં જ્યારે ઈજીપ્ત નાં રાજા(ફેરો) ને મૃત્યુ બાદ જમીનમાં દાટવામાં આવતાં ત્યારે એમની કબરની જોડે સોનામાંથી બનેલી વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં રાખવામાં આવતી.. આજ કારણ હતું કે ઘણાં પુરાતત્વવિદ આ સોનાની લાલચમાં જ ફેરો ની ન શોધાયેલી કબરો શોધવા ઈજીપ્ત ની મુલાકાતે આવી પહોંચતા.

ઈજીપ્ત સરકારની એ સમયની પોલિસી મુજબ જે વ્યક્તિને જે કંઈપણ મળે એમાંથી 70% ભાગ ઈજીપ્ત સરકાર ને સોંપી બાકીનો 30% ભાગ પોતાની સાથે લઈ જવાની છૂટ હતી.. આજ કારણથી ઘણાં મોટાં બિઝનેસમેન પોતાનાં ખર્ચે પુરાતત્વવિદો ને ઈજીપ્ત મોકલતાં હતાં.વર્ષો વીતતાં ગયાં એમ મોટાં ભાગનાં ફેરોની કબર શોધી કાઢવામાં આવી.. આમ છતાં ઘણાં પુરાતત્વવિદ એવું માની અહીં આવી પહોંચે છે કે હજુ ઈજીપ્ત ની આ રહસ્યમય ધરતી નીચેથી ઘણું મળવાનું બાકી છે.

બપોર નાં બે વાગ્યાં સુધી એ બધાં મ્યુઝિયમની નાનામાં નાની વસ્તુને મનભરીને માણતા રહ્યાં.. ત્યારબાદ બપોરનું જમવાનું પૂર્ણ કરી એ બધાં ઈજીપ્ત ની બઝારોમાં ખરીદી કરવાં નીકળી પડ્યાં.આવતી કાલથી એ લોકો એવી સફર પર નીકળવાનાં હતાં જ્યાં ડગલે ને પગલે જીવ નું જોખમ હતું.

બઝાર માં ફરતી વખતે વિરાજની નજર એક વ્યક્તિ પર પડી જે દૂરથી એમની તરફ જોઈ રહ્યો હતો.. પહેલાં તો વિરાજે એ વાત ને વધુ મનમાં ના લીધી પણ જ્યારે એ વ્યક્તિ એમની પાછળ પાછળ આવતો હોય એવું મહેસુસ થતાં વિરાજને પોતે હોટલમાં જોયેલાં વ્યક્તિનો ચહેરો યાદ આવ્યો.. ક્યાંક આ વ્યક્તિ એ તો નહોતો જે લંડનમાં પણ પોતે જોયો હતો એ વિચારી વિરાજનું મગજ ચકરાવે ચડી ગયું.. આખરે એ વ્યક્તિ કોણ હતો અને કેમ પોતાનો અને પોતાનાં દોસ્તોનો પીછો કરી રહ્યો હતો એ જાણવાં વિરાજે એ વ્યક્તિ તરફ જવાનું વિચાર્યું જ હતું ત્યાં તો એ વ્યક્તિ ગાયબ જ થઈ ગયો.. અને વિરાજનાં સવાલો મનમાં ને મનમાં રહી ગયાં.

ખરીદી પતાવી હોટલમાં પહોંચી રાતે જમવાનું પૂર્ણ કરી બધાં આવતીકાલે કઈ રીતે એ લોકો પોતાની સફર શરૂ કરશે એની ચર્ચા કરવાં માઈકલ નાં રૂમમાં એકઠાં થયાં.માઈકલે રૂમની વચ્ચે કાચની ત્રિપાઈ પર એક નકશો મુક્યો હતો અને એ નકશા ની ઉપર આંગળી મૂકી માઈકલ બોલ્યો.

"દોસ્તો.. આપણે જ્યાં જવાનું છે એ હબીબી નાં ખંડેર અલ અરમાના શહેરથી નાઈલ નદીની પૂર્વ તરફનાં રણ વિસ્તારમાં આવેલાં છે.. તો આપણે સૌ પ્રથમ કૈરોથી નીકળી અલ અરમાના પહોંચવું જ રહ્યું.. "

"હા તો પછી આપણે કાલે જ અલ અરમાના જવાં નીકળી પડીએ.. "સાહિલ બોલ્યો.

"હા સાહિલ.. અલ અરમાના જવાનું નક્કી છે.. પણ ત્યાં કઈ રીતે જઈશું એ તમે લોકો જણાવો..? "માઈકલ બોલ્યો.

"મતલબ..? "માઈકલની વાત સાંભળી વિરાજે કહ્યું.

"મતલબ કે તમે ઈચ્છતાં હોય કે રોડ માર્ગે આગળ વધવું છે તો આપણે કાલે એક જીપ કરી લઈએ.. અને જો તમે એવું ઈચ્છો કે નાઈલ નદીની સુંદરતા ને માણતા આગળ વધવું છે તો હું એક બોટ ની વ્યવસ્થા કરી રાખું.. કેમકે નાઈલ નદીની સફરની પણ અલગ જ મજા છે.. "વિરાજ ની તરફ જોતાં અબુ બોલ્યો.

અબુ ની વાત સાંભળી વિરાજે સાહિલ અને ત્યારબાદ ડેની અને ગુરુની તરફ જોયું.. એ લોકોનાં ચહેરા નાં ભાવ કહી રહ્યાં હતાં કે એમને પણ નાઈલ નદી નાં રસ્તે જ અલ અરમાના સુધી જવાની ઈચ્છા છે.. એટલે વિરાજે અબુ ને ઉદ્દેશીને કહ્યું.

"અબુ, તું બોટ ની વ્યવસ્થા કરાવી રાખ.. આપણે નાઈલ નદીનાં રસ્તે જ અલ અરમાના જઈશું.. "

"ખૂબ સરસ.. મારાં પણ મનમાં આમ જ હતું.. ચલો ત્યારે એ નક્કી રહ્યું આપણે બધાં કાલે સવારે હોટલમાંથી નીકળી નાઈલ નદીનાં કિનારે જઈશું અને ત્યાંથી બોટ મારફતે અલ અરમાના.. કાલે સવારે સાત વાગે નીકળી જઈએ તો શાંતિથી રસ્તામાં આવતાં સ્થળોને નિહાળતાં આપણે રાત થયાં પહેલાં અલ અરમાના પહોંચી જઈએ.. "માઈકલ બોલ્યો.

"સારું તો હું બોટ નું નક્કી કરું.. અને તમે લોકો શાંતિથી પોતાનાં રૂમમાં જઈને સુઈ જાઓ.. કેમકે હવે નક્કી નહીં આમ આરામથી સુવા મળશે કે નહીં.. "અબુ એ વિરાજ અને એનાં દોસ્તોને ઉદ્દેશીને કહ્યું.

અબુ નાં આમ બોલતાં જ માઈકલ સિવાય બાકીનાં બધાં પોતપોતાનાં રૂમમાં જઈ ને પલંગમાં જઈને પડ્યાં.. સવારે વહેલું નીકળવાનું હોવાથી એલાર્મ પણ એ મુજબ સેટ કરી એ લોકો આરામથી સુઈ ગયાં.

★★★

વધુ નવાં ભાગમાં.

ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***