ડોક્ટરની ડાયરી
ડો. શરદ ઠાકર
(23)
ન ગાતી હૈ ન ગુનગુનાતી હૈ,
મૌત જબ ભી આતી હૈ ચૂપકે સે તી હૈ.
ડો. નિલેશ મહેતા એમના બંગલાની બાલ્કનીમાં બેઠા હતા અને સમી સાંજની ચા માણી રહ્યા હતા.ત્યારે સામેના બંગલામાંથી એક ચીસ સંભળાઇ. રવિવારનો દિવસ હતો. એટલે ડો. મહેતા ઘરમાં હાજર હતા. નહીતર આ સમયે તો તેઓ એમના ક્લિનિકમાં બેઠા હોય.
ચીસ કોઇ સ્ત્રીની હતી. સામેના બંગલામાં રહેતા પરીવારની સાથે ડો.મહેતાના પરીવારનો ઘર જેવો સંબંધ હતો. વર્ષોથી સામસામે રહેતા હોવાથી એક પ્રકારની આત્મિયતા બંધાઇ ગઇ હતી. ડો. મહેતાના બાળકો સામેના બંગલામાં જ રમીને મોટા થયા હતા. નાની દીકરી તો જમવાના સમયે ત્યાં જ પહોંચી જતી હતી. એટલે ચીસ સાંભળીને ડો. મહેતા ચાનો કપ અધૂરો છોડીને ઊભા થઇ ગયા.
જોયું તો સામેના ઝાંપામાંથી ટીનાભાભી એમના બંગલાની દિશામાં જ આવી રહ્યા હતાં. ડો. મહેતાને જોઇને એ ચીસ જેવા સાદમાં બોલી ઉઠ્યાં, “ભાઇ! દોડોને! એમને કંઇક થઇ ગયું છે.” એમને એટલે જયેશભાઇને. ટીનાભાભી અને જયેશભાઇ પતિ-પત્ની હતા.
“ભાભી, શાંત પડો; એ તો કહો કે જયેશભાઇને થયું છે શું?” ડો. મહેતાના મનમાં આવી તાકીદની ઇમર્જન્સીના અનેક વિકલ્પો ઉઠવા લાગ્યા. તાવ? આંચકી? લોહીની ઉલટી? પેટનુ તીવ્ર શૂળ? દાદર પરથી પડી જવું? ફ્રેક્ચર? ઝાડા?
ટીના ભાભી થોડાં કંઇ ડોક્ટર હતાં! એમણે આટલું તો માંડ કહ્યું, “ગુડ્ડીનાં પપ્પા બેભાન થઇ ગયા છે. નાકમાંથી લોહી......”
આટલું પૂરતું હતું. ડો.મહેતા સમજી ગયા કે જયેશભાઇને બ્રેઇન હેમરેજનો હુમલો આવ્યો હશે. તેઓ તરત જ પોતાના સ્ટડી રૂમમાં દોડી ગયા. સ્ટડી રૂમમાં કેમ ગયા એ પણ જાણવા જેવું છે. ડો. મહેતા એક સંપૂર્ણ અને સાવધતાપૂર્ણ ડોક્ટર હતા. એમના મમ્મી-પપ્પા વૃધ્ધ હતા. પપ્પા હાઇ બ્લડ પ્રેસરના દર્દી હતા અને મમ્મી ડાયાબિટીસનાં. મમ્મીને બ્રોન્કિયલ અસ્થમા પણ હતો. એટલે અનેક વાર અધરાતે-મધરાતે ઘરમાં ઇમર્જન્સીની પરિસ્થિતિ ઊભી થઇ જતી હતી. તેઓ જાણતા હતા કે ગમે ત્યારે પપ્પાને ‘કાર્ડિયો વાસ્ક્યુલર એટેક’ આવી શકે છે અને મમ્મીને ઓક્સિજન આપવાની સ્થિતિ ઊભી થઇ શકે છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડો. મહેતાએ ઘરમાં જ બધી ઇમર્જન્સી મેડિસિન્સ અને ઇન્જેક્શનો વગેરે હાજર રાખ્યું હતું. બીજી વાત ક્યાં કરવી! એમના મમ્મીના બેડરૂમમાં ઓક્સિજનના સિલિન્ડર્સ પણ મૂકી રાખ્યા હતા. ક્લિનિક તો ખાસ્સું દૂર આવેલું હતું. એટલે એમણે ઘરમાં જ એક નાનું ક્લિનિક ઊભું કરી દીધું હતું.
એ ‘ક્લિનિક’ એમના પરીવારજનો માટે તો કામમાં આવ્યું કે ન આવ્યું, પણ અત્યારે પડોશીના કામમાં અવશ્ય આવી ગયું.
ડો. મહેતા એમની ‘બેગ’ લેવા માટે જ સ્ટડી રૂમ તરફ ધસી ગયા હતા. એ લઇને તેઓ શબ્દશ: દોડતાં સામેના બંગલામાં પહોંચી ગયા.
જયેશભાઇ પથારીમાં ચતાપાટ પડેલા હતા. ઊંડો શ્વાસ ચાલતો હતો દેહ શિથિલ હતો. નાક-કાનમાંથી લોહીની ધાર બહાર આવીને જામી ગઇ હતી. પહેલું કામ ડો. મહેતાએ જયેશભાઇનુ બ્લડ પ્રેસર માપવાનું કર્યું.
“ઓહ્! બ્લડ પ્રેસર તો 240/170 મિ.મિ છે!!” ડો. મહેતા આંચકો ખાઇ ગયા, “ટીનાભાભી ડ્રાઇવરને કહો કે ગાડી બહાર કાઢે. જયેશભાઇને આઇ.સી.સી.યુ.માં શિફ્ટ કરવા પડશે. હું એક બે ઇન્જેક્શનો આપું છું એટલી વારમાં તમે......”
ડો. મહેતાએ તરત જ જરૂરી ઇન્જેક્શનો આપી દીધા. પછી શહેરની એક જાણીતી હાર્ટ કેર હોસ્પિટલમાં સેવા આપતા પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટને ફોન કર્યો, “ગુડ ઇવનિંગ, સર. હું ડો. નિલેશ મહેતા.સોરી ટુ ડિસ્ટર્બ યુ ઓન સન્ડે ઇવનિંગ. પણ એ સિવાય બીજો કોઇ છુટકો ન હતો. એક પેશન્ટને તમારી દેખરેખ હેઠળ એડમિટ કરવાના છે. એ મારા પડોશી છે પણ મારા ઘરનાં જ સભ્ય જેવા....”
“નો પ્રોબ્લેમ, ડો. મહેતા. તમે એમને લઇને આઇ.સી.યુમાં પહોંચો. ત્યાં સુધીમાં હું સ્ટાફને ફોન કરીને બધું તૈયાર કરાવી દઉં છું. હું પણ આવી જઉં છું.” કાર્ડિયોલોજીસ્ટે આટલું કહીને ફોન પૂરો કર્યો.
તાબડતોબ જયેશભાઇને કોર્પોરેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. એમના સદભાગ્યે ત્યાં પૂરો સ્ટાફ (ડોક્ટરો સમેત) એમના માટે તૈયાર હતો. તરત જ સારવાર ચાલુ કરી દેવામાં આવી.
સાતેક દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ જયેશભાઇ બચી ગયા. એમને ધીમે ધીમે સારું થતું ગયું. હોશમાં આવ્યા. પછી હાથ-પગની શિથિલતા દૂર થવામાં દોઢેક મહિનો નીકળી ગયો. પણ અંતે જયેશભાઇ સંપૂર્ણ પણે સાજા થઇને કારમાં બેસીને ધંધો સંભાળી શકે તેવા થઇ ગયા.
ડો.મહેતા ખૂશ હતા. એમનુ મેડિકલ સાયન્સ, એમની ઇમર્જન્સી દવાઓની બેગ, એમની આવડત અને સમયસૂચકતા ખરે ટાણે ખપમાં આવ્યા હતા. જો આ બધું એક જ સ્થાન પર ભેગું ન થયું હોત તો એક માનવીની જિંદગી બચી શકી ન હોત.
આ વાતને થોડાંક મહિનાઓ વીત્યા હશે. ડો. નિલેશ મહેતાના ઘરમાં મહેમાનો પધાર્યા હતા. ખેડા જિલ્લાના એક મધ્યમ કક્ષાના ટાઉનમાં રહેતા એમના સગા મોટાભાઇનો પરીવાર ઉનાળાની રજાઓમાં અમદાવાદ ફરવા માટે આવ્યો હતો. મોટાભાઇ હતા, ભાભી હતા, વીસેક વર્ષની ભત્રીજી હતી અને પચીસેક વર્ષનો ભત્રીજો હતો.
ડો. મહેતાને એમના મોટાભાઇ માટે ખૂબ પ્રેમ અને આદર હતો. બંને ભાઇઓ જાણે રામ-લક્ષ્મણની જોડી જેવા હતા! એટલે એમની મહેમાનગતિમાં ડોક્ટરે કશી જ કસર છોડી ન હતી.
રસોઇ માટે આવતા મહારાજને ડો. મહેતાએ સૂચના આપી દીધી હતી: “મારા ભત્રીજા કમલ અને ભત્રીજી અંશુને જે ભાવતું હોય તે જ બનાવજો. એમના તરફથી એક પણ ફરિયાદ આવવી ન જોઇએ.” ડ્રાઇવરને પણ કહી દીધું હતું, “આપણી પાસે છ ગાડીઓ છે. એમાંથી એક કાર ભાઇ-ભાભી માટે અને એક કાર ભત્રીજા-ભત્રીજી માટે ફાળવી દેજે. એમને જ્યાં પણ ફરવા માટે કે શોપીંગ કરવા માટે જવું હોય ત્યાં લઇ જવાના છે. એક્સ્ટ્રા ડ્રાઇવરને પણ બોલાવી લેજે.”
બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. ઉનાળાના દિવસો આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. આખું ઘર કિલ્લોલથી ગૂંજતું હતું. લંચ સમયની થાળીઓ કેસર કેરીના રસથી મઘમઘતી હતી. સવારનો બ્રેકફાસ્ટ ઘરની અને ન્યાતની વાતો સાથે માણવામાં આવતો હતો. રાતનું ડિનર રોજ નવી નવી રેસ્ટોરાંમાં યોજાતું હતું.
આવો જ એક આનંદથી ગૂંજતો દિવસ ઉગ્યો. ઘરના સભ્યો બ્રેકફાસ્ટના ટેબલ ફરતે ગોઠવાયેલા હતા. રસોઇવાળા મહારાજ ગરમાગરમ પકોડા ઊતારી રહ્યા હતા. સાથે વાતોના વડા પણ તળાઇ રહ્યા હતા.
ત્યાં અચાનક ન થવાનું બની ગયું. ડો. મહેતાની સામેની ખુરશીમાં બેઠેલો યુવાન ભત્રીજો કમલ અચાનક વાત કરતાં કરતાં અટકી ગયો. ડો. મહેતાએ એની સામે જોયું તો એ થીજી ગયા. કમલ જાણે કોઇએ ‘સ્ટેચ્યું’ કહ્યું હોય તેમ નિશ્ચેષ્ટ મુદ્રામાં બેસી ગયો હતો. એનો ચહેરો અને આંખ મૃત્યુની છાયામાં આવી ગયા હોય તેવા દેખાતા હતા.
“કમલ! કમલ!” ડો. મહેતાએ એનો ખભો પકડીને સહેજ ઢંઢોળ્યો. એ સાથે જ કમલ ઢળી પડ્યો.
ડો. મહેતાએ એની ‘પલ્સ’ તપાસી. ગેરહાજર હતી. આંખોના પોપચાં ખોલીને જોયું. કીકીઓ નિર્જીવ હતી. કમલના નાક અને કાનમાંથી રક્તધારા વહી રહી હતી.
“કમલ ઇઝ નો મોર!” ડો. મહેતા રડી પડ્યા. ઘરમાં કરુણવાતાવરણ પ્રસરી ગયું. રોકકળ મચી ગઇ.
મોટા ભાઇ વારંવાર એક જ પ્રશ્ન પૂછતા હતા, “ભાઇ! આપણો કમલ આમ અચાનક જ......બેઠા બેઠા......?”
“હા, મોટાભાઇ! એને બ્રેઇન હેમરેજ થયું હશે.”
“એનો કોઇ જ ઉપાય નથી તમારા મેડિકલ સાયન્સ પાસે?” ભાભી રડતાં રડતાં પૂછી રહ્યા હતાં.
“ઉપાય તો છે, ભાભી! પણ એના માટે સમય હોવો જોઇએ. સામે વાળા જયેશભાઇના ભાગ્યમાં બચવાનું લખેલું હશે એટલે ભગવાને સારવાર માટેનો સમય આપ્યો; કમલના ભાગ્યમાં મૃત્યુ નિર્મિત હશે......”
ડો. મહેતાને એ દિવસથી ઇમર્જન્સી મેડિસિન ઓક્સિજનનો બાટલો, તબીબી કૌશલ્ય અને સમયસૂચકતા જેવાં શબ્દો પરની શ્રદ્ધા ડગમગી ગઇ છે.
--------