Ghar mate gharelu upaay - 3 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | ઘર માટે ઘરેલૂ ઉપાય - ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૩

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-

મીતલ ઠક્કર

આ ભાગમાં નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે અને માત્ર કડવાશને કારણે કારેલાં ખવાતા ન હોય તો કારેલાંની કડવાશ દૂર કરવાના અનેક ઉપાય સાથે કેટલીક રસોઇ ટિપ્સ પણ છે. .

* બટાકાને બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવાથી તેની છાલ જલદી નીકળી જશે.

* જો શાકમાં મીઠું કે મરચું વધારે પડી ગયું હોય તો સ્વાદને સંતુલિત કરવા તેમાં જરૂર મુજબ મલાઇ, દહીં અથવા તાજું ક્રિમ નાખો.

* દહીં બનાવતી વખતે તેમાં નાળિયેરનો એક ટુકડો નાખી દેવામાં આવે તો સરસ જામે છે અને બે-ત્રણ દિવસ સુધી તાજું રહે છે.

* આજકાલ સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોને બદલે નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ વધુ થાય છે ત્યારે તે વાપરતી વખતે તેનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે થઇ શકે તેની ટિપ્સ જાણી લો.

૧. નોનસ્ટિક પેનને વધુ પડતી આંચ પર ગરમ કરવાથી નીકળતી વરાળ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે.

૨. નોનસ્ટિક પેન વખતે ઉપયોગમાં લેવાનાર વેલણ કે અન્ય લાકડાની વસ્તુઓ તરત ધોઇને સુકવી નાખવી. તે પાણીમાં વધુ સમય રહેવાથી ખરાબ થાય છે.

૩. નોનસ્ટિક કુકવેર પર કોઇ વસ્તુ ચોંટી ગઇ હોય તો તેને ચપ્પુ કે અન્ય અણીદાર વસ્તુથી કાઢવાથી તેનું કોટિંગ નીકળી શકે છે.

૪. નોનસ્ટિક કુકવેરમાં વસ્તુ બનાવતી વખતે ગેસની ફ્લેમ ઓછી રાખો.

૫. નોનસ્ટિક કુકવેરમાં સ્ટીલને બદલે લાકડાની વસ્તુઓ ઉપયોગમાં લો.

૬. નોનસ્ટિક કુકવેરમાં જમવાનું બનાવ્યા પછી તરત જ પાણીમાં પલાળી દો. કેમકે સૂકા વાસણને ધોતી વખતે કોટિંગ નીકળી શકે છે.

૭. નોનસ્ટિક વાસણોને ધોવા માટે પ્રવાહી ડિટરજંટ અને નાયલોન સ્ક્રબરનો જ ઉપયોગ કરો.

૮. નોનસ્ટિક વાસણો ધોયા પછી સ્વચ્છ કપડાથી તરત જ લૂછી કાઢો.

૯. નોનસ્ટિક કૂકવેરને ક્યારેય ડિશ વોશરમાં સાફ કરશો નહીં.

* જો ક્રોકરી પર કોઇ ડાઘ લાગ્યો છે તો તેમાં ગરમ પાણી નાખી અડધો કલાક રહેવા દઇ ધોઇ નાખો.

* ક્રોકરીના કપને લટકાવીને ના રાખો. એમ કરવાથી તેના હેન્ડલ ખરાબ થઇ જશે.

* ક્રોકરીને ધોવા માટે પોચા બ્રશ કે સ્પંજનો ઉપયોગ કરો.

* થોડા ફુદીનાના પાન કે નાના સમારેલા લીલા ધાણાથી કોઇપણ શાકાહારી ડિશને ડીલિશિયસ લુક આપી શકાય છે.

* જો રાત્રે ચણા પલાળવાનું ભૂલી ગયા છો તો કૂકરમાં ચણા બાફતી વખતે પપૈયાનો ટુકડો નાખી દો. તે જલદી બફાઇ જશે અને શાક ટેસ્ટી પણ થશે.

* પૂરી બનાવતી વખતે તેલમાં થોડું વિનેગર નાખવાથી પૂરી નરમ બનશે અને વધારે તેલ નહીં જાય.

* ઘરમાં છોલે-પુરીનો કાર્યક્રમ હોય ત્યારે બાળકો માટે થોડા છોલે-પાંવ બનાવવા. તેમને મજા પડી જશે. પાંવની એક તરફ છોલે અને બીજી બાજુ બારીક કાપેલા કાંદા-ટામેટા નાખી ઉપર ઝીણી સેવ અને ધાણા ભભરાવીને આપવા.

* બટાકાના છોડામાં સ્ટાર્ચ વધુ હોય છે. તેને ફેંકતા પહેલાં સિંક કે કાચ સાફ કરવાના ઉપયોગમાં લઇ શકો છો.

* બટાકાનો ઉપયોગ વધુ થતો હોય તો તેને બાફીને ઠંડા થયા પછી ફ્રિઝમાં રાખી લો. ૩-૪ દિવસ સુધી તેનો ઉપયોગ થઇ શકે છે.

* જો શાકભાજી અને સલાડને ઝીપલોક વાળા પ્લાસ્ટિકના પાઉચમાં રાખવામાં આવે તો કાપ્યા પછી ૩ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

* શાકભાજીને ધોઇને સૂકવ્યા પછી ફ્રિઝમાં રાખવાથી જલદી બગડતા નથી.

* ચાઇનીઝ ખાવાનું બનાવતી વખતે અંતમાં વિનેગર નાખવું.

* નુડલ્સને હંમેશા ખુલ્લા રાખીને જ બનાવો. તે ચોંટશે નહીં.

* ચોમાસામાં બેસન અને સોજીને ફ્રિઝમાં રાખવાથી તેમાં જીવાત પડતી નથી અને જલદી બગડતા નથી.

* પનીરને પકાવતા પહેલાં ૧૦ મિનિટ ગરમ પાણીમાં રાખવાથી તેની નરમાશ બરકરાર રહે છે.

* તડકો લગાવવાથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. પણ કઇ વાનગીમાં કઇ વસ્તુનો તડકો લગાવવો એની જાણકારી જરૂરી છે. જેથી એ વાનગીનો બરાબર સ્વાદ આવે. ડુંગળી-ટામેટાનો તડકો અડદની દાળને સ્વાદિષ્ટ બનાવે છે. કડાઇમાં ઘી કે તેલ ગરમ કરીને તેમાં થોડું જીરું નાખો. પછી કાંદા સોનેરી થાય ત્યાં સુધી હલાવો. પછી ટામેટાં નાખીને પોચા થાય ત્યાં સુધી રાખો. ચણાની દાળને સ્વાદિષ્ટ બનાવવા જીરા અને લસણનો તડકો લગાવો. મગની દાળને સ્વાદિષ્ટ બનાવવા લવિંગ, ઇલાયચી અને જીરાનો તડકો લગાવો. સાદી દાળ માટે હિંગ, જીરા અને મરચાનો તડકો લગાવી શકો. શાકભાજી બનાવતી વખતે હંમેશા તડકો શરૂઆતમાં જ લગાવવો. જ્યારે દાળ કે સંભાર બનાવતી વખતે તડકો છેલ્લે લગાવવો. અને એ માટે અલગથી પેનનો ઉપયોગ કરવો. તડકો લગાવવા વધારે તેલનો ઉપયોગ ના કરશો. તડકો લગાવવા માટે ક્યારેય ઓલિવ તેલનો ઉપયોગ ના કરશો.

* માત્ર કડવાશને કારણે કારેલાં ખવાતા ન હોય તો કારેલાંની કડવાશ દૂર કરવાના અનેક ઉપાય છે.

૧. કારેલાં સમારી આમલીના રસમાં અડધો કલાક રાખવાથી કડવાશ દૂર થઇ જશે.

૨. કારેલાંને રાંધતાં પહેલાં સમારીને દહીંમાં એક કલાક પળાળી રાખો.

૩. મીઠાવાળા પાણીમાં કારેલાંને ૨-૩ મિનિટ બાફી લો. અથવા કારેલાં સમારી એમાં વધુ પ્રમાણમાં મીઠું નાખી અડધો કલાક રહેવા દીધા પછી ધોઇ, નિચોવીને રાંધવાથી કડવાશ દૂર થઇ જશે.

૪. કારેલાંની વાનગી ગેસ પરથી ઉતારતા પહેલાં તેમાં થોડો ગોળ અથવા ખાંડ નાખવાથી કડવાશ ઓછી થશે.

૫. કારેલાંમાં બટાકા, ડુંગળી જેવા અન્ય શાકભાજી નાખવાથી કડવાશ ઓછી થશે.

૬. કારેલાં પર ખાંડ અને વિનેગરને સમાન પ્રમાણમાં ભેગા કરી રેડવાથી કડવાશ ઓછી થશે.

૭. કારેલાંને તળવાથી પણ કડવાશ ઓછી થશે.