Shivali - 12 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 12

Featured Books
Categories
Share

શિવાલી ભાગ 12

શિવાલી રાતની વાત થી હજુ ડરેલી હતી. તેને આજે એકલા સુવામાં ડર લાગતો હતો. એટલે તે પુની પાસે ગઈ.

પુનીમાસી આજે તમે મારી સાથે સુઈ જજો.

કેમ શિવાલી? ડર લાગે છે?

હા માસી. કાલે રાત્રે મને રડવાનો અને ચીસો નો અવાજ સંભળાતો હતો. મને જોવું છે કે એ મારૂ સપનું હતું કે હકીકત?

સારું હું તારી સાથે સુઈ જઈશ. એ દિવસે કોઈ અવાજ શિવાલી ને સંભળાયો નહિ. તે શાંતિ થી સુઈ ગઈ.

સવારે એણે ગૌરીબા ને કહ્યું, દાદી કદાચ એ મારો વહેમ કે સપનું હશે. આજે મને કઈ સંભળાયું નહિ.

ગૌરીબા એ એને ચૂમી લીધી મારી દીકરી.

કેમ સવાર સવાર માં આટલો બધો પ્રેમ ઉભરાય છે ગૌરી?

કઈ નહીં આ શિવાલી નો વહેમ દૂર થઈ ગયો એટલે.

શિવાલી આજે બાજુના ગામમાં મંદિરની સ્થાપનાનો ઉત્સવ છે. મારા કે રમણ થી જવાય નહિ. એટલે શિવ જાય છે તો તું પણ જઈ આવ એની સાથે. ખૂબ સરસ મંદિર છે અને ત્યાં મેળો પણ છે તેને ગમશે.

સારું બા હું જાવ છું.

જા તું તૈયાર થા હું શિવ ને કહું છું કે તને લેતો જાય.

શિવાલી ખૂબ ખુશ થઈ ગઈ. એ શિવ સાથે રહેવા માંગતી હતી. એને શિવનો સાથ ગમતો હતો. એ ઝડપથી પોતાના રૂમમાં જઈ ને તૈયાર થવા લાગી.

પુની તું શિવ ને કહી દે કે શિવાલી પણ તેની સાથે જાય છે, ચારુબેન બોલ્યા.

હા માસી હું કહી દઉં છું એટલું બોલી એ શિવના રૂમ તરફ ચાલી.

શિવ ચારુમાસી એ કહ્યું છે કે શિવાલી પણ તારી સાથે આવે છે. એને લેતો જજે. પુની સંદેશો આપી જતી રહી.

શિવ તો ખુશી નો માર્યો નાચવા લાગ્યો. એ ઝડપથી તૈયાર થઈ ને આવ્યો તો શિવાલી તેની રાહ જોતી ચારુબેન સાથે ઉભી હતી.

બા અમે જઈએ? શિવે પૂછ્યું.

હા હા જાવ. ને આ લે મંદિરમાં દાન આપજે એટલું કહી ચારુબેને એક કવર શિવ ને આપ્યું. ને જલ્દી પાછા આવી જજો. ને શિવાલી ને સાચવજે.

હા બા તમે ચિંતા ના કરો અમે જલ્દી આવી જઈશું. બન્ને જણ ગાડીમાં બેસી ને જાય છે.

બન્નેના મન ખૂબ જ ખુશ હતા. આજે પહેલીવાર દૂર સુધી સાથે જવાનો મોકો મળ્યો હતો. શિવ વિચારતો હતો કે આજે તે શિવાલી ને પોતાની તેના માટે ની લાગણીઓ વિશે જણાવી દેશે. ને શિવાલી વિચારતી હતી કે શિવ મારા માટે કેવી લાગણી રાખતો હશે. કેવી રીતે ખબર પડશે? બન્ને ના મન એકબીજા માટે વિચારતા હતા. ત્યાં અચાનક ગાડી બંધ થઈ ગઈ. બન્ને ની વિચારમાળા તૂટી ગઈ.

શુ થયું? કેમ ગાડી બંધ થઈ ગઈ? શિવાલીએ પૂછ્યું.

ખબર નહિ હું જોવું છું એમ કહી શિવ ગાડીમાં થી ઉતરી જોવા લાગ્યો. પણ એને કઈ સમજ પડી નહિ કેમકે ગાડી એકદમ બરાબર હતી.

કઈ ખબર પડતી નથી. બધું બરાબર છે.

તો પછી કેમ બંધ થઈ ગઈ એટલું બોલતા બોલતા શિવાલી પણ ગાડીમાં થી નીચે ઉતરી ગઈ.

બન્ને જણ શુ થયું તે વિચારતા ગાડી ની ફરતે જોવા લાગ્યા. પણ કોઈ ને કઈ સમજ પડી નહિ. થોડીવાર એ લોકો ત્યાં એમજ ઉભા રહ્યા. એ રસ્તો મહેલ ની સામે થઈ પસાર થતો હતો. શિવાલી મહેલ ને જોવા લાગી. શિવ પાછો ગાડીમાં બેઠો ને ગાડી ને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો ગાડી ચાલુ થઈ ગઈ. ગાડીના અવાજ થી શિવાલી ને પરિસ્થિતિનો અહેસાસ થયો ને એ ગાડીમાં બેસી ગઈ. હજુ પણ એ મહેલ ને જોયા કરતી હતી.

શુ જોયા કરે છે? શિવે પૂછ્યું.

ખબર નહિ કેમ પણ આ મહેલ જાણે મને કઈ કહેતો હોય એમ લાગે છે. જાણે હું અહીં પહેલા આવી હોય એવું લાગે છે.

શુ કહે છે? તને બોલાવતો નથી ને? શિવે રમૂજ કરી.

એવું કશું નથી. ને મને શુ કરવા બોલાવે. હું થોડી અહીં ની છું કે એ મને ઓળખે. એતો જે લોકો અહીંના હોય તેને જ બોલાવે?

આજે પહેલીવાર શિવ અને શિવાલી આમ એકબીજા ની રમૂજ કરી રહ્યા હતા. ને હસીમજાકમાં રસ્તો કપાય ગયો.

મંદિર ની સ્થાપનાનો ઉત્સવ ખૂબ જામ્યો હતો. ચારેબાજુ માણસો જ માણસો હતા. આખું ગામ ફૂલો થી શણગારેલુ હતું. શિવ ને શિવાલી એ દર્શન કર્યા પછી ખૂબ ફર્યા. ને સાંજે એ લોકો ઘરે જવા નીકળ્યા. બન્ને ખૂબ ખુશ હતા. બન્ને ને આજે એકબીજા ને કઈ કહેવા ની જરૂર નહોતી પડી. એવો એક સબંધ જન્મી ગયો હતો જેને પ્રેમ કહી શકાય. વણકહ્યો અને વણવર્ણવ્યો જેને માત્ર બે પ્રેમ ના અભિલાષિ હૃદય જ અનુભવી શકે.

પાછા ફરવામાં મોડું થઈ ગયું હતું. અંધારું જામતું જતું હતું. પાછા આવતા ફરી મહેલ આવ્યો ને ગાડી ફરી એજ જગ્યાએ બંધ થઈ ગઈ. આ વખતે શિવે વારે ઘડીએ ગાડી ને સેલ લગાવ્યા પણ એ ચાલુ ના થઈ. રસ્તો એટલો સુમસાન હતો કે કોઈ ની મદદ પણ મળે તેમ નહોતું. હવે ચાલતા જવું એજ એક રસ્તો હતો.

શિવાલી લાગતું નથી કે ગાડી ચાલુ થાય. આપણે ચાલતા જવું પડશે.

પણ અધારું ખૂબ છે આવા માં આ સુમસાન રસ્તા પર આપણે કેવી રીતે જઈશું?

તું ચિંતા ના કર આપણે ઘર થી બહુ દૂર નથી ચાલતા જતાં રહીશું.

પણ શિવ મને ડર લાગે છે. આ રસ્તો કેટલો બિહામણો છે.

કઈ નહિ થાય ચાલ. બન્ને ગાડીમાં થી ઉતરી હવેલી તરફ ચાલવા લાગે છે. અચાનક જોર જોર થી કોઈના રડવાનો અવાજ સંભળાય છે. શિવાલી ડરી જાય છે.

શિવ આ એજ અવાજ છે જે મને એ દિવસ રાત્રે સંભળાતો હતો. ત્યાં તો રડવાનો અવાજ મોટો થવા લાગે છે.

શિવ પોતે પણ ડરી જાય છે. આ પહેલા એણે પણ આવું કઈ અનુભવ્યું નહોતું કે સાંભળ્યું પણ નહોતું. બન્ને જણે ચાલવાની ઝડપ વધારી દીધી.

પુની જરા જો તો શિવ આવ્યો કે નહિ? ચારુબેને પુની ને કહ્યું.

ના માસી હજુ નથી આવ્યા એ લોકો હું હમણાં જ શિવાલીના રૂમમાં થી આવી.

બહુ મોડું થઈ ગયું અત્યાર સુધીમાં તો આવી જવું જોઈતું હતું. ચારુબેન ચિંતામાં આવી ગયા.

ત્યાં શિવ અને શિવાલી આવી ગયા. એમને જોઈ ને ચારુબેન બોલ્યા, કેમ આટલું મોડું થઈ ગયું? ને ચાલતા કેમ આવ્યા?

બા બા શાંતિ. હું કહું છું તમને. મને બેસવા તો દો.

પુની પાણી લઈ આવ આ લોકો માટે.

હા માસી લાવું.

બા રસ્તામાં ગાડી બગડી ગઈ. પ્રયત્ન કર્યો પણ ચાલુ ના થઈ. એટલે એને ત્યાં મૂકી ને અમે ચાલતા આવ્યા.

ક્યાં મૂકી ગાડી?

બા પેલો મહેલવાળો રસ્તો છે ને ત્યાં.

સારું તમે જમી લો. પછી આરામ કરો. કાલે ગાડી આવી જશે.

બન્ને જણ જમી ને પોત પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બન્નેમાં થી કોઈ એ પણ કોઈના રડવા વાળી વાત ઘરમાં ના કરી. બન્ને એટલા થાકી ગયા હતા કે તરત જ સુઈ ગયા.

સવારે ઘણો સમય થયો પણ શિવાલી પોતાના રૂમમાં થી બહાર ના આવી. એટલે ગૌરીબા એ પુની ને શિવાલી ને બોલવા એના રૂમમાં મોકલી.

પુની એ દરવાજો ખખડાવ્યો તો શિવાલી એ તે ખોલ્યો. શુ થયું હજુ આરામ કરે છે? બા તને બોલાવે છે.

ના માસી આરામ નથી કરતી. હું આવું છું બા ને કહો. પુની ત્યાં થી ચાલી જાય છે. થોડીવારમાં શિવાલી પણ તૈયાર થઈ ને નીચે આવી જાય છે.

ગૌરીબા એ પૂછ્યું, કેમ દીકરા બહુ થાકી ગઈ?

હા બા કાલે અમે બહુ ફર્યા. ખૂબ મજા આવી. બા મંદિર તો ખૂબ સુંદર હતું. તમે પણ આવ્યા હોત તો તમને પણ ગમત.

ના ભાઈ હું પણ તારા જેમ થાકી જતી. ચાલ ચારુ પાસે બેસીએ.

ના દાદી તમે જાવ હું મંદિર જઈ આવું.

સારું જા જઈ આવ. પુની ને લઈ જજે.

હા. પુનીમાસી મંદિર આવશો?

ના દીકરા મને કામ છે તું જઈ આવ.

સારું માસી હું જઇ આવું.

શિવાલી મંદિર જાય છે ત્યાં એ પંડિતજી ને રડવાના અવાજો અને ચીસો વિષે કહે છે.

શિવાલી આજ સુધી આવું કશું મેં સાંભળ્યું નથી. ને કોઈએ કહ્યું પણ નથી, પંડિતજી બોલ્યા.

હા પંડિતજી પણ મને એ અવાજો સંભળાય છે. મને સમજ નથી પડતી કે એ અવાજો મને એકલી ને જ કેમ સંભળાય છે? કઈ નહિ પંડિતજી હું જાવ. ૐ નમઃ શિવાય.

ૐ નમઃ શિવાય.

શિવાલી ઘર તરફ ચાલવા લાગે છે. એના મનમાં હજુ પણ એ જ બધા પ્રશ્નો રમ્યા કરે છે. ત્યાં એની નજર મહેલ તરફ જાય છે એ ત્યાં ઉભી રહી ને વિચારે છે આ મહેલમાં જ કઈક છે. એ અવાજો ત્યાં થી જ આવે છે. કદાચ કોઈ બીમાર કે તકલીફમાં હશે ને ત્યાં એ ખંડેરમાં પડી રહેતું હશે. રાત્રે શાંતિ હોય એટલે એનો અવાજ સંભળાતો હશે. એના પગ જાતે જ મહેલ તરફ ચાલવા લાગે છે. આજે જોઈ લઉં કે ખરેખર ત્યાં શુ છે ને શિવાલી મહેલ તરફ ચાલવા લાગે છે.

ક્રમશ.............