ઓળખાણ વગરના આધારકાર્ડ...!
અમુક અમુક ને તો વગર ઊંઘે. દીવા-સ્વપ્ના આવે. એને દીવા સ્વપ્નો કહેવા કરતાં, લેવા-દેવા વગરના સ્વપ્ના કહીએ તો પણ ચાલે...! બધાને રાતોરાત મહાન જ થવું છે. જેમ સાડા ત્રણ ફૂટની ઊંચાઈમાં ઊંટડુ નહિ થવાય, ઘેટું જ થવાય, એમ અમિતાભ બચ્ચન જેવી દાઢી રાખવાથી, સુપર સ્ટાર નહિ થવાય, સુપર બેકાર જ થવાય. છતાં, અમુકને સેલીબ્રિટી થવાની ખંજવાળ એવી જોરથી ઉભરે કે, સવારે પથારીમાંથી ઉઠે તે પહેલાં જાણે ‘ઓટોગ્રાફ’’ લેવા ઘરના બારણે લાંબી લાઈન નહિ લાગવાની હોય..? હાયવોહ તો એવાં કરે કે, પોતાના દીદારની આખી ડીઝાઈન બદલી નાંખે. ભીંતના પલવડા બાવડાં ફૂલવવા નીકળ્યાં હોય એમ જીમના વજનીયા ઊંચકે. ત્યારે તો એમ થાય કે, આ ડાઘીયું હાથી બનવાના હવાતિયા શું કામ મારતું હશે..? આડી ઉભી સેલ્ફી લઈને મોબાઈલની મેમરી ફૂલ કરવા કરતાં, ‘સેલ્ફ’ ઉપર જ ધ્યાન રાખતો હોય તો..? ખુન્નસ તો ત્યારે ચઢે કે, પાછો પૂછે, “હું કેવો લાગું છું..?” તારાં બાપાની ટાંગ..! તુ તારાં જ નકશામાં રહે ને બરમૂડા...? પણ બોલીને સંબંધ બગાડે કોણ...?
મેગીની માફક સૌને ‘ ઈન્સ્ટન્ટ’ સમયમાં કંઈક થવું છે. ચપટી વાગે એટલામાં ચમક લાવવી છે. કહેવા જઈએ કે, ‘ ભાઈ ધીમો પડ, ઉતાવળે આંબા તો ઠીક, ભીંડો પણ બાવળિયો નહિ થાય. શું કામ બેઠો બેઠો તરંગના તુક્મરિયા ચાવે..? એના કરતાં સ્ટુલ ઉપર ચઢીને ઘરના પંખાની ધૂળ સાફ કરતો હોય તો..? ‘ પણ નહિ, માપ કરતાં મોટાં જોડામાં પગ નાંખ્યા વિના એને ચેન જ નહિ પડે ને..? મને કહે રમેશીયા...! મારે રીસર્ચ કરીને પરિણામ લાવવું છે કે, ‘ શેરડીના સાંઠામાંથી શેરડીનો રસ પણ નીકળે, ને એ જ સાંઠા ઉપર જુવારના કણસલા પણ ઉગે..! શેરડી અને જુવારના બે પાક લેવાની ઝંઝટ તો નહિ..! એક જ પાકમાં એકના ડબલ પાક લઇ લેવાના...! તુ જોજે એકના એક દિવસે, આ બંદાનું નામ ન્યુટન જેવાં વૈજ્ઞાનિકની લાઈનમાં આવે છે કે નહિ...? તારાં કપાળમાં કાંદા ફોડું..!! ( એ કોણ બોલ્યું યાર...? કોઈનો હોંશલો તોડવામાં તમને મળે શું...?)
પાછો કહે, ‘ સમાજસેવા ક્ષેત્રે, સમાજમાં ધરખમ સુધારો પણ લાવવો છે. આદિકાળથી શું સાલું આપણે જ વરરાજા બનીને જાન લઈને પૈણવા જવાનું..? કન્યાને આવો ચાન્સ નહિ આપવાનો...? કે, વરરાજાની માફક એ પણ ‘કન્યારાણી’ બનીને જાન લઈને પૈણવા આવે..? ભલે ને વરને પરણીને એના ઘરે લઇ જાય..! એ બહાને ડોહાઓ તો વૃધ્ધાશ્રમમાં જતાં અટકે...? ‘આવાં ધરખમ સુધારા કરીને, એવો કાંદો કાઢવો છે કે, આપણું નામ ફેમસ થઇ જાય..! આવનારી પેઢી યાદ કરે કે, એક મર્દ માણસ આવો સુધારો કરી ગયેલો...!
આવી આડેધડ ઘેલછા જેવો બીજો કોઈ ચેપી રોગ નથી. માણસ હોય, ગામ હોય, તાલુકો હોય, સ્ટેટ હોય કે દેશ હોય, દરેકને આજે કોઈને કોઈ વાતે મહાન બનવાની ખંજવાળ ઉઠી છે. ભુવાએ મંત્રેલા હોય, તેવાં કુંડાળામાં જીવી જવામાં, જાણે એનો શ્વાસ રૂંધાય છે...! એને મઝા જ નથી આવતી. એટલે તો એ ફેસબુક, વ્હોટશેપ કે ઈન્સ્ટાગ્રામ, જે હથિયાર હાથમાં આવ્યું, એના રવાડે ચઢીને ઘરના ઉંબરા ઓળંગી બહાર ફંગોળાતો થયો. ‘હેલ્લો ફ્રેન્ડસ’ કહીને સૌના ગળે પડવા લાગ્યો. એનો એક જ મુદ્દાનો કાર્યક્રમ, ‘કોઈપણ ભોગે નામ બનાવવું છે..! આ કોઈ એક મલકની વાત નથી. સાલી વર્લ્ડ વાઈરલ ઈફેક્ટ છે. એટલે તો જીવ સટોસટના ખેલ ખેલવામાં એ ખચકાતો નથી. પાછો અરમાન તો એવાં કાઢે કે,’ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ‘માં બબીતાનો એકાદ દીકરો બતાવતાં હોય, યાર આપણે ગોઠવાય નહિ જઈએ..? પેલા એકમાત્ર સેક્રેટરી ભીડેના ઘરે પારણું બંધાય તો, બેચાર જણાના સેલીબ્રેટી થવાના નાના-નાના ઓરતા પણ પૂરા થાય..!. એક ડોશી તો એની વહુથી એટલી ત્રાસી ગયેલી કે, એકવાર તો વહુને કહી પણ દીધેલું કે, ‘તારક મહેતાવાળા જો બોલાવે તો, ચંપકકાકાની વાઈફ બનવા ચાલી જાઉં એમ થાય..! પેલા અબ્દુલની વાઈફ બનવા પણ તૈયાર, પણ તારાં ત્રાસથી છુટું...!
.આ ફેમસ થવું એટલે શું સેકેલો પાપડ તોડવા જેટલું સહેલું હશે કે..? કેટલાં પરસેવા પાડેલાં ત્યારે ગ્રેહામ બેલે ટેલીફોનની શોધ કરેલી. કેટલાં હવાતિયા મારેલા ત્યારે રાઈટ બંધુઓએ વિમાન શોધેલા..! ઈંગ્લેન્ડના સેમ્યુઅલ ફોકસે છત્રી શોધવા માટે કેટલાં ચોમાસા કાઢેલા ત્યારે એ ફેમસ થયેલાં..! અમુકને તો હજી લીંબુ પણ નિચોવતાં નથી આવડતું, ને ‘મેગીટાઈમ’ માં મહાન બનવું છે..! ઈન્સ્ટન્ટ કોફીની માફક બસ, ઈન્સ્ટન્ટ મહાન જ બનવું છે....! મગજથી એવાં વિધૂર બની જાય કે, આવાં રેતીના કિલ્લા જ ઘડતા હોય..! રાહ જ જોતાં હોય કે, ફલાણો ક્યારે ફસાય, અકળાય ને અફળાય, તો આપણું હાથમાં હરિદ્વાર આવે..! પાંચ -છ પેઢીના ‘ લાઈવ-દાદા’ થવા છતાં, આવાં માણસો કાંદા તો ઠીક, પાધરી લસણ પણ છોલી શકતાં નથી. પાંચ-છ જણા હોલસેલમાં ખપી ગયાં હોય એમ, કાંદો કાપતા કાપતાં રડે બરમૂડા..!
એમના નિસાશા બહુ ખતરનાક હોય દાદૂ...! ઉકરડે ચઢીને ગાતો હોય કે ‘ ઇસ ભરી દુનિયામે કોઈ ભી હમારા ના હુઆ...! ‘ એને એક જ વસવસો, સાલું આપણને કેમ કોઈ ઓળખતું નથી..? ક્યાંથી ઓળખે બૂચા...! ગામના કુતરા પણ તને જોઇને ભસે,,! એ તને જોઇને માત્ર ભસતા જ નથી, પણ એની ભસવાની ભાષામાં એમ પૂછતાં હોય કે, ‘ તારો આધારકાર્ડ બતાવીને આગળ વધજે જાલિમ...! નહિ તો તારી એકય પીંડી સલામત નહિ છોડું...! ‘ ગામના કુતરા જ તને ઓળખતા નહિ હોય, તો દુનિયા ક્યાંથી ઓળખવાની..? પાછો ટેસી એવી કરે કે, ‘ હું કોણ છું, એની કોઈને ખબર જ નથી પડતી. તારાં બાપાની ટાંગ...! ગામના કુતરા જ જ્યાં તને ઓળખાતાં નથી, પછી અમેરિકાના રોનાલ્ડ ટ્રમ્પ સુધીની ઓળખાણ હોવાની ફેંકવાનું કોઈ કામ..? જાલિમ...?
ધોલાઈની એક પડીકી પાણીમાં નાંખવાથી, સફેદી એની જાહેરાતમાં આવે, જીવનમાં નહિ..! સફેદી લાવવા માટે તો ડબ્બાના ડબ્બા ખાલી કરવા પડે. કદાચ માથે સફેદી આવે, પણ કપડાંમાં નહિ આવે...! જીવનમાં સફેદી લાવવા માટે, ઉમરના ઉકરડા ઉભાં કરવા પડે. તો માંડ જીવનમાં સફેદી આવે, ત્યાં સુધી તો કેટલાં શ્વાસ લીધાં, ને કેટલાં કાઢ્યાં, એની ગણતરી જ કર્યા કરવાની..! આપણા લેંઘાને આપણો ધોબી જ ઓળખે, બાકી ફક્કડ દેખાવાથી કોઈના દિવેલીયા પાક્યા હોય, એવું બન્યું નથી. શું કહો છો દાદૂ...?
જીવનમાં પાંચ કામ બહુ મુશ્કેલ છે. કીડીને ઝાંઝર નહિ પહેરાવાય, હાથીને ઊંચકીને નહિ ચલાય, મચ્છરને માલીશ નહિ થાય, વાઘને એમ નહિ કહેવાય કે, તારું મોઢું બહુ વાસ મારે, ને, વાઈફને બધી વાતે સંતોષ નહિ અપાય..! તકલાદી ફેમસ થવું હોય તો, રાતોરાત ઘરે હાથી બાંધી દેવાનો. લોકો કુતરા પાળે, તો આપણે હાથી પાળવાનો. કુતરાઓ પાળવાની પ્રેકટીશ, આમ પણ માણસને તો હોય જ ..! પણ હાથી પાળવામાં કુતરા જેવી ઝંઝટ નહિ. માણસને ‘લાગી’ હોય તો કુતરો ભલે માણસને ‘ચોક્કસ’ જગ્યાએ નહિ લઈ જાય, પણ કુતરાને જો લાગી, તો તો ખલ્લાસ,..! ગમે એવાં કામ છોડીને માણસે એની સેવા કરવાની. પોતાની વાઈફને લઈને ભલે પાદરે આંટો મારવા નહિ લઇ ગયો હોય, પણ કુતરાને તો ફરજીયાત લઇ જવાનો. હાથી પાળીએ તો આવાં પ્રોબ્લેમ આવે જ નહિ. હાથી જ્યાં બેઠો ત્યાં જ અસ્વચ્છતા અભિયાન...! જ્યારે જ્યારે હું કુતરાઓને મંગળફેરા ફેરવવા નીકળ્યાં હોય, એમ જોઉં છું, ત્યારે ત્યારે મને એમ થાય કે, “આ કુતરાને માણસે પાળ્યો છે કે, કુતરાએ માણસને પાળ્યો છે..? “ શંકા તો જાય જ ને યાર...? ત્યારે કુતરાને બદલે, હાથી પાળવાથી દશ-પંદર ગામના લોકો તો કહેવા જ માંડે કે, , “ કોણ રમેશડો..? પેલો રમેશ-હાથી તો નહિ...? એ પણ નહિ પાલવે, તો, ૨૦-૨૫ લાખ કોઈ પાસેથી ઉછીના લઇ લેવાના. ને પછી ટોપી ફેરવી નાંખવાની ...! ! લોકો તરત ઓળખતા થઇ જશે કે, ‘ આ તો પેલો, રમેશડો...! ફલાણાના ૨૫ લાખનો બુચ મારી ગયેલો તે...!’
ચૌદ ભુવનના નાથ ઉપર ભરોસો રાખો ને ભાઈ..? ગોટલામાંથી ગોટલી કાઢવાના હવાતિયાં શું કામ મારો છો..? ભગવાને ફેમસ જ બનાવવા હોત તો, ડુંગરીને બદલે દુબઈના રેશનકાર્ડ નહિ અપાવ્યા હોત..? ભગવાને તો આપણને સરકારી બજેટની માફક સેટ જ કરવાના હતાં ને...? આ તો એક વાત...! છતાં ચમન ચક્કી એટલે ચમનીયાનો જાની દુશ્મન..! એણે ટીપ આપી કે, ‘ તારે જો ફેમસ જ થવું હોય તો હું તને એક રસ્તો બતાવું. દરેક ગામની પાછળ કોઈને કોઈ એક વિશિષ્ટતા હોય. જેમ કે, વલસાડ એના ખમણ ને વડા-પાઉંથી ઓળખાય. સુરત એના લોચા ને ઘારીથી ઓળખાય, ભરૂચ એના ભજીયાથી ઓળખાય, વડોદરા એની ભાખરવડી ને ચેવડાથી ઓળખાય, આણંદ એના ગોટાથી ને કાઠીયાવાડ એના વણેલા ગાંઠીયાથી વખણાય..! એમ તુ તારાં ભેજાનું ચકરડું વાનગીના મામલે ફેરવ. એ માટે તુ આખા તડબુચના ભજીયા બનાવ..! પછી જો મીડીયાવાળા દેશ પરદેશમાં તને કેવો ફેમસ કરે છે...? એના કપાળમાં કાંદા ફોડું...!
હાસ્યકુ :
પવનને જો
મેલી નજર લાગે
વંટોળ બને
------------------------------------------------------------------------------------