નવાં ઘરે નવાં શહેરમાં પરમા આખરે પહોંચી ગઈ બધો સામાન ઉતારી ગોઠવી અને બે દિવસમાં તે ત્યાં સેટ થઈ ગઈ સાથે પરમા અને એના ભાભી લગ્નની તૈયારીમાં લાગી ગયાં જોત જોતામાં એક મહિનો ક્યાં નીકળી ગયો ખબર ન પડી,
પરમાને આંગણે મહેમાનો આવવા લાગ્યાં.
પરમા આજે બહુ ખુશ હતી રવિવારે સવારે લગ્ન વધાવ્યું અને બપોર પછી આવેલા મહેમાન અને ઘરના સભ્યો લગ્ન માટે રાખેલી નાતની વાડીમાં જતા રહ્યાં, ખુશનુમાં માહોલ હતો મંગળીયા ગીતો ગવાતા હતાં, રાત્રે પરમાનો દીકરો સુનિલ પરમા માટે એક સાડી લાવ્યો અને કહ્યું મમ્મી જો આ સાડી હું આપણી દુકાનમાંથી તારાં માટે લાવ્યો છું,
પરમા એ થેલીમાંથી સાડી બહાર કાઢી જોઈને બોલી ઉઠી,
અરે દીકરા આ તો ઘરચોળું છે આ હું થોડી પહેરું આ તો તારા પપ્પા હાજર હોય તો પહેરાય.
સુનિલ બોલ્યો મમ્મી હું તને એમ ક્યાં કહું છું કે તું લગ્નમાં પહેરજે,હું પરણી આવું જ્યારે તું મને પોખે બસ એટલી વાર તારે પહેરવું પડશે મારી ઈચ્છા છે કે હું ઘરે તારી વહુને લાવું ત્યારે મારે મારાં પપ્પા અને મમ્મી બન્નને જોય છે બસ તું ના નહિ કહેતી પ્લીઝ.
આ વાત સાંભળી પરમાની આંખમાં આંસુ આવી ગયા બોલી દીકરા તે આજ સુધી મારી પાસે કશું માગ્યું નથી તો બસ હું તારી વાત માની લઉં છું હું થોડીવાર પહેરીશ.
પરમા ચાલો સુનિલ હવે બધાને વહેલા સુઈ જવાનું છે,યાદ છે ને સવારે વહેલું જાગવાનું છે સાડા સાતનું મંડપ મુહૂર્ત છે,
સુનિલ ઓકે મમ્મી તમે પણ બધાં વહેલાસર સુઈ જજો અને તું કોઈ જાતની ચિંતા નહીં કરતી નહિતર તારું બ્લડપ્રેશર હાઈ થઈ જશે હો.
પરમા તું મારી ચિંતા છોડ મારે તો હજુ તારાં છોકરા રમાડવા છે હો ડાહ્યો.
રાત્રીના સાડાબરનો સમય થયો હતો અને બધા આડે પડખે પડ્યાં, પણ પરમાને ઊંઘ આવવાનું નામ જ નહોતી લેતી,
સવારે બધું બરોબર રીતે થઈ જશે એવી ચિંતામાં પરમાને લગભગ રાત્રીના ત્રણેક વાગ્યે આંખ મીંચાઈ,ત્યાંતો ભાભી એ પરમાનો હાથ પકડી હચમચાવી પરમા બહેન જલ્દી જાગી જાવ ચલો પાંચ વાગી ગયાં,બધાં બે કલાકમાં ફટાફટ રેડી થઈ ગયાં, ગોરમહારાજ પણ આવી પહોંચ્યાં.
ભાઈ ભાભી સાથે પરમા પણ મંડપ મહુર્તમાં દીકરા સુનિલ સાથે બેસી,માંડવામાં ગણેશ સ્થાપના સાથે માણેકસ્તંભ રોપાવ્યો દીકરા સુનિલના હાથે મીંઢોળ બંધાયો લગ્નના મંગળ ગીતો ગવાયા, હોંશે હોંશે પરમાનું ભાઈ ભાભી એ મામેરું ભર્યું,સુનિલના શરીરે પીઠી ચોળાઈ.
આવેલાં મહેમાનો અને ઘરનાં સભ્યો ઢોલની થાપે શરણાઈના સુરે આજે તો મનભરી ગરબે રમ્યા, બપોરનાં સાડાબારનો સમય થયો જમવાની હાકલ પડી,આજે તો સુનિલ મામા, મામી,મમ્મી તથા ભાઈ અનિલ સાથે એક જ ટેબલ પર જમતા હતાં ત્યાં સુનિલની પરણેતર પ્રિયાનો ફોન કોલ આવ્યો.
" પ્રિયા હેલો સુનિલ તારું એક જરૂરી કામ છે એક ખાસ વાત કહેવી છે તું ક્યાંક બહાર જઈ મને કોલ કરજે અહીંયા બહુ ઘોંઘાટ છે",
"સુનિલ ઓકે પ્રિયા હું તને અડધો કલાક પછી કોલબેક કરું બાય"
થોડીવાર પછી સુનિલ એ પરમાને આવી કહ્યું મમ્મી હું ઘરે જાવ છું થોડું કામ છે મારે,
પરમા સારું તું જઈને જલ્દી આવ સાથે સંજયને લેતો જજે બાઈક તું નહીં ચલાવતો,
ઓકે મમ્મી હું થોડીવારમાં આવ્યો હો.
સુનિલ ઘરે પહોંચી પ્રિયાને કોલ કરે છે અને બન્ને વચ્ચે ઘણી માથાકૂટ થાય છે,
પ્રિયા એક વાતની જીદ લઈને બેઠી હતી કે તારાં મમ્મી અને ભાઈ લગ્ન પછી ફરી ગામડે શિફ્ટ થાય અને આપણે બે જ વ્યક્તિ રહીશું ત્રીજું કોઈ નહિ,
-સચિન સોની....