અમે એરપોર્ટ પહોચ્યા ત્યારે આકાશ એકદમ સ્વચ્છ હતું. કુદરતી વાતાવણ જંગલ જેવું નહોતું પણ આસપાસ રસ્તા પર દોડભાગ જંગલ જેવી જ હતી. મુંબઈની મોટી સડકો પર જંગલ જેમ હિંસક પશુને બદલે હિંસક વાહન દોડતા હતા જે ક્યારે કોને અડફેટે લઇ લે એ નક્કી નહી.
“ટેક્ષી હજુ આગળ લેવાની છે.” વિવેકે ટેક્ષી ડ્રાયવરને કહ્યું.
“જાણું છું સાહેબ, તમારે ક્યાં જવું છે તે.” ટેક્ષી ડ્રાયવરના શબ્દો મને સમજાયા નહિ. સંભળાયા ખરા પણ હું એનો અર્થ ન સમજ્યો. અર્થ તો મને વિવેક જે કહી રહ્યો હતો એનો પણ સમજાયો નહી પણ હું વચ્ચે બોલવા માંગતો ન હતો.
“વિવેક એરપોર્ટ અહી જ છે.” નયના ચુપ ન રહી શકી.
“હા, પણ આપણે એરપોર્ટ નથી જઇ રહ્યા.” વિવેકને કદાચ એ પ્રશ્નનો અંદાજ પેહેલેથી જ હતો.
“વોટ?” હું પણ પોતાની જાતને રોકી શક્યો નહિ, “આપણે એરપોર્ટ નથી જઇ રહ્યા?”
“તો આપણે એ મોઘી પ્લેનની ટીકીટો કેમ ખરીદી?” નયના હજુ કઈ સમજી નહી.
“એ બધું કદંબને કન્ફયુઝ કરવા માટે હતું. પપ્પાએ ટીકીટો કલકત્તાની ખરીદી હતી. કદંબના માણસે આપણા પર કોફીશોપમાં હુમલો કર્યો એનો એ અર્થ છે કે તેઓ આપણા પર નજર રાખતા હતા. કદંબના માણસોએ જરૂર એરપોર્ટ પરથી માહિતી મેળવી લીધી હશે કે આપણે ક્યાં જવાના છીએ.” વિવેક અને તેના પપ્પા પરફેકટ પ્લાન બનાવતા હતા. કહે છે ને કે પરફેક્ટ પ્લાન મેક્સ અ પર્સન પરફેક્ટ.. કદાચ દરેક જાદુગર પરફેક્ટ પ્લાન લઈને જ ઓડીયન્સને પોતાની મરજી મુજબની ચીજો જોવા મજબુર કરી દેતો હશે.
“તો આપણે ખરેખર ક્યાં જઇએ છીએ?” નયના અધીરી બની ગઈ.
“એ હમણાં સમજાઈ જશે.” વિવેક બધું પઝલની જેમ રાખતો હતો.
મને હજુ કઈ સમજાઈ નહોતું રહ્યું પણ હું ચુપ રહ્યો કેમકે મને વિવેક પર ભરોસો હતો. એ યુદ્ધના ધોરણે નિર્ણયો લઇ શકતો હતો એ જોતા લાગતું હતું કે એ ખરેખર પૃથ્વીલોક પર એક સામાન્ય જાદુગરને બદલે નાગલોકમાં ગુપ્તચર વિભાગનો મુખ્ય અધિકારી હોવો જોઈએ.
ત્યારે મને ખબર ન હતી કે ખરેખર પણ તે એક ગુપ્તચર કરતા ખાસ હતો. એ પણ નાગપુરના રાજવંશ માટે. અને એક ગુપ્તચર સાથે સંબંધ ધરાવતો હતો. મને ખબર નહોતી કે વિવેક છેકથી એવો જ હતો. એક જન્મે એ સત્યજીત તરીકે નાગપુરના રાજમાતા ધૈર્યવતીનો ખાસ અસેસીન ( રાજનૈતિક કિલર) હતો પણ એક સામાન્ય ગુપ્તચર છોકરી બિંદુના અપમૃત્યુ માટે જવાબદાર લોકોને સજા અપાવવા એ બગાવત પર ઉતરી ગયો હતો અને હજારો સામે એકલો ભીડ્યો હતો. ભલે મને ખબર નહોતી પણ નાગમતી નદીના કાંઠે એણે ખેલેલો જંગ એ ખળખળ વહેતી નદી કઈ રીતે ભૂલી શકે? નાગમતી એના અનેક જંગની સાક્ષી હતી.
ટેક્ષી એક નાનકડા એરપોર્ટ આગળ ઉભી રહી. મને ખાતરી હતી કે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ નહોતું. જોકે એ કોઈ એકદમ સામાન્ય કે મામુલી કહી શકાય તેવું પણ નહોતું.
“તમારું ડેસ્ટીનેશન આવી ગયું મિસ્ટર વિવેક... બધા માંકડાઓથી સલામત..” ટેક્ષી ડ્રાયવરે એરપોર્ટના એન્ટ્રન્સ ગેટ આગળ કાર રોકી, અમારી તરફ માથું ભમાવીને બંધ હોઠે જ હસ્યો.
તેણે માંકડા શબ્દનો ઉપયોગ કર્યો માત્ર ત્યારે જ મને અને નયનાને સમજાયું કે એ ટેક્ષી ડ્રાયવર વિવેકનો પરિચિત માણસ હતો. મને ફરી એકવાર થયું કે કદાચ વિવેક અમારી સાથે ન હોત તો કદંબથી બચવું અસંભવ હતું.
અમે કારમાંથી ઉતર્યા. એ ડ્રાયવર વિવેકને ભેટ્યો અને પોતાની પીળા પટ્ટાવાળી ટેક્ષી લઈને રવાના થયો.
એક ગાર્ડ અમને રેસ્ટ્રીકટેડ એરિયામાંથી પસાર કરી અંદર લઇ ગયો. અંદર દાખલ થતા જ મારી નજર રન-વે પર પાર્ક થયેલ ચેલેન્જર પર પડી.
“તે પ્રાયવેટ પ્લેન બૂક કરાવ્યું છે?” નયનાએ પણ કદાચ ચેલેન્જરને નોધ્યું હતું.
“પપ્પાએ.” વિવેકે કહ્યું, “ફરી એમને મળે ત્યારે થેન્ક્સ કહી દેજે.”
“સ્યોર.” નયનાએ સ્મિત આપ્યું. એ જેન્યુઇન સ્માઈલ હતી.
અમે સ્ટેપ્સ ચડીને એ ભવ્ય એરક્રાફ્ટમાં દાખલ થયા. એની અંદરની સુંદરતા જોઈ મને નાગલોકના દૈવી વિમાનની યાદ આવી ગઈ. જોકે મેં એ ઘણા જન્મોથી જોયા ન હતા. કેટલા જન્મોથી મેં એ વિમાનો જોયા ન હતા એ પણ મને યાદ નહોતું. આ જનમમાં તો મેં પ્લેન જોયુ નહોતું એની મને ખાતરી હતી. આ જન્મે હું પહેલી વાર કોઈ પ્રાયવેટ પ્લેનમાં બેસી રહ્યો હતો અને કદાચ નયના પણ પહેલીવાર જ પ્લેનમાં બેસી રહી હતી.
એન્જીન રનીંગ હતું જેનો અવાજ અંદર સુધી પણ સંભળાઈ રહ્યો હતો.
“થેન્ક્સ વિવેક અમારા માટે આ બધું કરવા બદલ.” હું વિવેકને ભેટી પડ્યો.
“હેવ અ ગૂડ ડે સર.” ફલાઈટ એટેન્ડન્ટના શબ્દો મને સંભળાયા. એ એકાદ પળ પહેલા જ કદાચ કોકપીટમાંથી આવ્યો હતો.
“થેન્ક્સ.” મેં અને વિવેકે બંનેએ એક સાથે કહ્યું. નયનાએ પણ તેની શુભેચ્છા બદલ તેનો અભાર માન્યો. અમારે તેનો અભાર માનવો જ રહ્યો કેમકે અમારા માટે શુભેચ્છા પાઠવનાર ખાસ કોઈ હતા જ કયા! અમે તેને તેની કેબીનમાં જઇ દરવાજો બંધ કરતા જોયો.
“પ્રાયવેટ પ્લેન બહુ કોસ્ટલી નહી હોય?” નયનાએ મારી તરફ જોઈ કહ્યું ત્યારે જ મને પણ એ બાબત ધ્યાનમાં આવી.
“તારી સલામતી કરતા વધુ કીમતી નથી.” વિવેકને નયનાના એ શબ્દો સંભળાઈ ગયા હતા. તેણે જરાક નારાજ થતા કહ્યું.
“આઈ મીન.. અમારા માટે તારે આટલો ખર્ચો કરવો પડ્યો..” નયનાએ વિવેકની નારાજગી સમજી લીધી હોય એમ મને લાગ્યું.
“તો શું?? બધું પત્યા પછી મારા એક શોમાં રીયલ નાગ નાગીનની એન્ટ્રી મારી મને આ નાણા ચૂકવી દેજો.” વિવેકે હસીને વાતને ઉડાવી દેવા માંગતો હતો.
“હા, પણ આપણે જઇ ક્યાં રહ્યા છીએ?” મેં પૂછ્યું.
“કેમ આપણા વચ્ચે વાત તો થઇ હતી, આપણે દિલ્હી જઇ રહ્યા છીએ.” વિવેકે કહ્યું.
“સીટ બેલ્ટ પ્લીઝ...” કોક્પીટમાંથી બહાર આવી એક યુવતીએ મારા તરફ જોઈ કહ્યું. એ યુવતી આબેહુબ ફિલ્મોમાં બતાવે એવી જ એર હોસ્ટેસ લાગતી હતી. એને જોઈ ત્યારે મને સમજાયું કે કેમ લોકો આવા મોઘા પ્લેનમાં મુસાફરી કરતા હશે. પણ અમારી વાત અલગ હતી.
“સ્યોર.” વિવેકે ટૂંકો જવાબ આપ્યો.
અમે જગ્યા મેળવી લઇ સીટ બેલ્ટ બાંધ્યા અને ત્યારબાદ એ યુવતીએ અમારા તરફ જોઈ યંત્રવત બોલવાનું શરુ કર્યું, “કોન્ગ્રેચ્યુલેશન ઓન યોર ટ્રીપ. બકલ અપ યોર સેલ્ફ એન્ડ ધ ચિલ્ડ્રન વિથ યુ.”
અમારી સાથે કોઈ બાળકો ન હતા એ દેખાઈ રહ્યું હતું છતાં એ પોતાના નિયમો મુજબની સુચના આપ્યે જતી હતી.
“તમારી સીટ અને તમારી પાછળના ઈમરજન્સી ડોર વચ્ચે કેટલી સીટો છે એ ગણી લો. યાદ રાખવું કે તમારી નજીકનો ઈમરજન્સી એકઝિટ ડોર તમારી પાછળ જ હોય છે.” એ સફેદ વસ્ત્રોમાં સજ્જ યુવતી બોલી ત્યારે મને લાગ્યું કે આપણે કેટલા નકારાત્મક છીએ દરેક વખતે દુર્ઘટના થશે જ એમ વિચારીને જ આપણે ચાલીએ છીએ પણ કદાચ એ ડર અને નકારાત્મકતા જ આપણને જીવિત રાખે છે.
“તમારો મોબાઈલ ફોન કે અન્ય કોઈ ટ્રાન્સમીટીંગ ડીવાઈઝ તમારી પાસે હોય તો એને ફ્લાઈટ ઉડતા પહેલા ફ્લાઈટ મોડ પર કરી દેવો. ઓન બોર્ડ ફોનનો ઉપયોગ કરવો એ એર ટ્રાવેલ સેફ્ટીના નિયમોની વિરુધ્ધ છે. તમે બ્લૂટૂથ હેડફોન કે ઇન ફ્લાઈટ વાઈફાઈનો ઉપયોગ કરવા માંગતા હો પણ તમારે ફોન ફ્લાઈટ મોડ પર કરી દેવો જરૂરી છે. ટેક ઓફ દરમિયાન મોબાઈલ સિગ્નલ બ્લોક કરી નાખવા જરૂરી છે. એકવાર એરમાં પહોચી ગયા બાદ તમને ઇન્ડીવીડ્યુઅલી બ્લુટૂથ અને વાઈ-ફાઈ ફંકશન તરત જ ઓન કરવાની પરવાનગી મળી જશે.”
“ઈમરજન્સીની સૂચનાઓનું પેમ્પ્લેટ ધ્યાનપૂર્વક વાંચી જાઓ જે તમારી સીટ પર જ હશે. તમે પહેલા પ્રાયવેટ પ્લેનમાં મુસાફરી કરેલ હોય તો પણ એ વાંચવા જરૂરી છે કેમકે પ્રાયવેટ પ્લેનમાં કંપની મુજબ નિયમોમાં થોડા ઘણા ફેરફાર હોય છે. દરેક પ્રાયવેટ પ્લેનની ડિજાઇન પણ અલગ અલગ હોય છે માટે ઈમરજન્સી સમયે એ નિયમો ખાસ કામે લાગી શકે છે.”
મેં વિવેક સામે જોયું. તેને એ સૂચનાઓનું ટેમ્પ્લેટ વાંચવા પણ માંડ્યું હતું. મેં અને નયનાએ પણ એ કાગળમાં નજર કરવા માંડી.
“એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ.. સમગ્ર મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ બાંધેલ રાખો. લાંબી ફલાઈટ હોય તો તમારા શરીરને એક જ પોઝીશનમાં ન રાખો માનવ શરીર એ માટે નથી બનેલ. તમારી પોજીશન થોડાક સમયે બદલાતા રહો પણ સીટબેલ્ટ ખોલ્યા વિના જ. પ્લેનમાં ધુમ્રપાન કરવું નહિ. ફેડરલ લો પ્રોહીબિટસ ટેમ્પરિંગ વિથ ઓર ડીસ્ટ્રોયિંગ સ્મોક ડીટેક્ટર ઇન એરક્રાફટ લેવેટરીઝ.. હમેશા ફ્લાઈટ એટેનડંટની સૂચનાઓ માનો. અગેન હેવ અ નાઈસ ટ્રાવેલીગ..” કહી એ ફરી યંત્રવત હસી અને ગરદન જુકાવી.
લગભગ કોઈ પણ સામાન્ય માણસને કંટાળો આવી જાય એટલી સૂચનાઓ પછી પ્લેન ટેક ઓફ થયું પણ અમને કંટાળો ન આવ્યો કેમકે અમે જાણતા હતા કે ખરેખર જયારે જોખમ ઉભું થાય ત્યારે એ સૂચનાઓ જ કામ લાગે છે. અમે મોતને નજીકથી જોયુ હતું માટે અમારા માટે એ સૂચનાઓ કંટાળા જનક ન હતી.
*
અમે દિલ્હી લેન્ડ થયા. એરપોર્ટ બહાર વિવેકની એ ફેન પોતાની રીટ્ઝમાં અમારી રાહ જોતી હતી. એના ચહેરા પરથી જ દેખાતું હતું એ બહુ ખુશ હતી. પોતાના ફેવરીટ મેજીસિયનનું વેલકમ કરવું એને પસંદ હતું.
તે ફેન અજાણ હતી કે તે એક જાદુગરની સાથે એક ઈચ્છાધારી નાગ અને તેની પ્રેયસીનું પણ સ્વાગત કરી રહી હતી નહિતર કદાચ એના ચહેરા પરની એ ખુશી બમણી થઇ ગઈ હોત.
“હાય મિસ્ટર મેજીસિયન.” તેણીએ હસીને હાથ આગળ લંબાવતા કહ્યું. વિવેક માટે આ સંબોધન મેં પહેલીવાર સાંભળ્યું હતું.
“હાય! મિસ વૈશાલી. નાઈસ ટુ સી યુ.” વિવેકે તેની સાથે હેન્ડ શેક કર્યા ત્યારબાદ અમારો પરિચત વૈશાલી સાથે કરાવ્યો, “મીટ માય ફ્રેન્ડસ કપિલ એન્ડ નયના.”
“નાઈસ ટુ મીટ યુ મિસ નયના એન્ડ મિસ્ટર કપિલ.” અમારી સાથે હાથ મીલાવતા વૈશાલીએ કહ્યું. તેનો હાથ છોકરીઓ જેમ સાવ નરમ નહોતો. તે નયના કરતા થોડીક ઓછી ઉજળી હતી પણ તેની તવ્ચા ઉપર રતાસ હતી, તેની આંખોમાં ગજબની મક્કમતા હતી, હોઠ ઉપર મધુર ખંજનવાળું સ્મિત હતું. એ બધું તેને સ્પર્શતા જ મને ધ્યાનમાં આવ્યું. જોકે તે બધું કેમ ધ્યાનમાં આવ્યું તે મને ખુબ પાછળથી સમજાયું.
ત્યારે તો મને તેની સાથે હાથ મિલાવવાનું પણ ઓકવર્ડ લાગ્યું. મેં ક્યારેય કોઈની નજીક જવાનો પ્રયાસ કર્યો નહોતો. એમા ખાસ છોકરીઓથી હું દુર રહેતો - નયના એમાં અપવાદ હતી. એનાથી પણ દુર રહેવાનો મેં પ્રયાસ તો કર્યો જ હતો પણ... વીજળીને ચમકતી રોકી નથી શકાતી કે વાદળને ગરજતા નથી રોકી શકાતા એ જ રીતે પ્રેમના પુરને કોઈ અટકાવી શકતું નથી. પ્રેમનું ધસમસની સરિતા સાગરને મળ્યા પહેલા સુકાતી નથી. એને કોઈ બાંધી શકાતું નથી.
“હાઉ ઈઝ યોર ડેડ?” વૈશાલીએ વિવેક તરફ જોઈ સવાલ કર્યો.
“હી ઈઝ ફાઈન. એન્ડ હાઉ ઈઝ ઓલ એટ કોલેજ?” વિવેક પણ શિષ્ટાચાર કરવાનું ન ભૂલ્યો.
“ધે આર ફાઈન ટુ.” વૈશાલીએ મારા હાથમાંથી નયનાના કપડાવાળી બેગ લઈ કારની ડીકીમાં મુકી. તે મજબુત છોકરી લાગી. એક જ હાથે બેગ તેણીએ ઊંચકી હતી. તે મારા અને વિવેક કરતા થોડી નીચી હતી પણ નયના કરતા ઉંચી હતી. તેનો બંધો મજબુત હતો. તેના દેખાવડા ચહેરા ઉપર જેટલી નરમાશ હતી તેના કરતા વધારે તેના ચરબી વગરના એથ્લેટિક શરીરમાં શક્તિ હતી. તે તદ્દન ઐતિહાસિક પાત્ર જેવી હતી. પણ ત્યારે મને ખબર નહોતી કે વૈશાલી કોણ છે!
અમે વૈશાલીની કારમાં કોલેજ તરફ જવા નીકળ્યા ત્યારે બપોર થઇ ગઈ હતી. શિયાળાનો સમય હતો એટલે વાતાવરણ બપોર હોવા છતાં ઠંડુ હતું. થેંક ગોડ અમે વરસાદથી બહુ દુર આવી ગયા હતા. દિલ્હીમાં ક-મોસમી વરસાદ ખાસ નથી હોતો. પણ અમારા વિસ્તારમાં આકાશમાં વાદળોનો મેળો જામે છે તેમ દિલ્હીની સડકો પર કાર અને વાહનોનો મેળો જામ્યો હતો. એ ટ્રાફિક મેં મુંબઈમાં કે નાગપુરમાં ક્યારેય નહોતું જોયું. લોકોના પણ ટોળે ટોળા ફરી રહ્યા હતા.
જયારે મને લોકોના હાથમાં બોર્ડ અને હોર્ડીન્ગ્સ દેખાયા ત્યારે ખ્યાલ આવ્યો કે એ રોજિંદુ ટ્રાફિક નહોતું. કોઈ સમસ્યાને લીધે લોકો સડક પર ઉતરી આવ્યા હતા અને ટ્રાફિક જામ થયો હતો.
“શું થયું છે? લોકો કેમ આમ ગુસ્સામાં રોડ પર ઉતરી આવ્યા છે?” વિવેકે વૈશાલીને પૂછ્યું.
“એ બધા કોલેજના સ્ટુડેન્ટસ છે અને કેટલાક બીજા લોકો પણ એમની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. તેઓ એક છોકરીને ન્યાય અપાવવા માટે રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે.” વૈશાલીએ કહ્યું.
“છોકરીને ન્યાય અપાવવા? શું સરકારે તેની સાથે અન્યાય કર્યો છે?” મેં પૂછ્યું.
“હા, એ બિચારીનો રેપ થયો છે અને છતાં એનો કેસ નોધવા પણ પોલીસ તૈયાર નથી આથી આજે જંતર મંતર અને ઇન્ડિયા ગેટના બધા રસ્તા લોકોએ શીલ કરી નાખ્યા છે. બધાને અહીંથી બાય પાસ અપાયો છે. આજે દિલ્હી આખું યુવાનોથી ભરાઈ ગયું છે. અલગ અલગ કોલેજના સ્ટુડેન્ટસ એ છોકરીને ન્યાય અપાવવા દિલ્હી આવ્યા છે. ઇન્ડિયા ગેટ અને જંતર મંતર જવાના રસ્તા પેક છે અને રાજીવ મેટ્રો સ્ટેશન જતી ટ્રેનમાં માત્ર વિધાર્થીઓ જ જોવા મળે છે. દિલ્હીમાં બધી બસો યંગસ્ટરથી ભરાયેલી છે. વિધાર્થીઓ આજે તેને ન્યાય અપાવવા રોડ પર ઉતર્યા છે અને પોલીસ એ કેસ નોધી કોઈ કાર્યવાહી ન કરે ત્યાં સુધી આ અંદોલન ચાલુ જ રહેશે.” વૈશાલીએ વિગત પૂર્વક સમજાવ્યું.
મને ડર લાગ્યો એ શહેરમાં નયનાને એકલી મુકવી કે કેમ? પણ નયનાને ક્યાં કોલેજ કેમ્પસ બહાર જવાનું જ છે અને આમ પણ એવું કયુ શહેર છે જ્યાં દુશ્મન ન હોય?
વૈશાલી ધીમી ગતિએ કાર ચલાવતી હતી. એ દિલ્હીમાં રહી ટ્રાફિકમાં કાર ચલાવવા ટેવાયેલ હશે નહિતર એ ભીડમાં વાહન ચલાવવું અશકય હતું.
હું ધીમી ચાલતી કાર બહાર જોઈ રહ્યો. દરેક સ્થળે એ ભીડ અને વિરોધ કરનારા લોકો જોવા મળી રહ્યા હતા. ન્યાય માટે લોકો શું નથી કરતા. ચારે તરફ પોલીસો ફરી રહ્યા હતા અને તેમના હાથમાંના વોકી ટોકી પર પળે પળની ખબર આગળ પહોચાડતા હતા. કદાચ તોફાન ફાટી નીકળે તો એ ડરને લીધે કેટલાક આર્મીના જવાનો ટીયરગેસ અને વોટર કેનન તથા અન્ય કેટલીક લો એન્ડ ઓડર મશીનરી સાથે તૈનાત હતા. યંગસ્ટર્સ ક્યારે ગેન્ગસ્ટરસ બની જાય એ નક્કી ન હોય ગરમ ખૂન...! જોકે તેમાં વાંક તો ભ્રષ્ટ સરકારોનો છે નાકામી સિસ્ટમનો છે પણ હું તમારા માનવો વિષે કઈ બોલવા નથી માંગતો. તમારા માટે સત્ય સ્વીકારવું અશક્ય છે.
ખેર! મને દિલ્હીમાં દાખલ થતા જ સારા શુકન ન થયા હોય એમ લાગ્યું પણ એ વિશે વિચારવાનો કોઈ અર્થ નહોતો. મારા જન્મનું મુહુર્ત જ મારું દુશ્મન હતું તો પછી શુકન તો મારા માટે સારા હોઈ જ કઈ રીતે શકે?
પોલીસની વાન, આર્મીની ગાડીઓ અને જર્નાલીસ્ટની લોંગ વેન પાસેથી હળવેક રહીને પસાર થતી અમારી કાર આગળ નીકળી ગઈ. મુખ્યકોર્ટ સુધી એ દેખાવકારોની ભીડ હતી. સૌથી વધુ ભીડ સુપ્રીમ પાસે જ હતી પણ ત્યારબાદ એ ભીડ ઘટતી ગઈ અને કોર્ટ પછી વીશેક મિનીટ ગાડી સર્યા પછી રસ્તા પર ખાસ ટ્રાફિક નહોતી.
એ ભાગમાં એવું લાગતું જ નહોતું કે શહેરમાં કોઈ દેખાવ ચાલી રહ્યો છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત હતો.
કાર વૈશાલીની કોલેજ કેમ્પસ પહોચી ત્યાં સુધીમાં અમે કંટાળી ગયા હતા. પ્લેનમાં કરેલ મુંબઈથી દિલ્હીની લાંબી મુસાફરી કરતા પણ અમને એ મુસાફરી વધુ લાંબી લાગી.
“દિલ્હીમાં આ તો રોજનું છે...” વૈશાલીએ ગેટ આગળ કાર રોકી. તે ઉતરીને ગેટ કીપર પાસે ગઈ.
વૈશાલીએ ગેટ કીપર સાથે થોડીક વાર વાત કરી ત્યારબાદ ગેટ કીપર તેની સાથે કાર પાસે આવ્યો અમને જોયા, અમારા ચહેરા જોઈ પાછો પોતાની જગ્યા પર ગયો અને ગેટ ખોલ્યો.
વૈશાલીએ કારમાં બેસી કાર સ્ટાર્ટ કરી અને અમે કોલેજ કેમ્પસમાં દાખલ થયા.
“અમારી હોસ્ટેલમાં બોયસ નોટ એલાઉડ છે પણ મેં મેમને વાત કરી હતી કે મિસ્ટર વિવેક આવી રહ્યા છે તો એમણે ખુશીથી પરવાનગી આપી દીધી. જો એમણે ન કહ્યું હોત તો આ દરવાજો ક્યારેય બોયસ માટે ખૂલતો જ નથી.” વૈશાલીએ ફરી કારમાંથી ઉતરતા કહ્યું. એ વિવેકને જોઇને હદથી વધારે જ રાજી દેખાતી હતી.
“કેમ હોસ્ટેલ અને કોલેજ બંને ભેગા નથી?” વિવેકે પૂછ્યું.
“છે ને પણ કોલેજમાં જવા માટે અલગ ગેટ છે. દરેકને ત્યાંથી જ જવાનું રહે છે. અમારી હોસ્ટેલથી સીધા જ કોલેજ જઇ શકાય છે પણ એ ગેટ બહુ નાનો છે ત્યાંથી વાહન પસાર થઇ શકે તેમ નથી.”
“આઈ સી.” વિવેક કારમાંથી નીચે ઉતર્યો. અમે પણ ઉતર્યા.
અમે વૈશાલી સાથે હોસ્ટેલ મેમની ઓફિસમાં દાખલ થયા. મને એક પળ માટે મારી કોલેજ યાદ આવી ગઈ, નાગપુર યાદ આવી ગયું. મમ્મી પણ એ મેમની જેમ જ કોલેજમાં એની ઓફિસમાં એક મોટા લાકડાના ટેબલ પાછળ બેસતી હતી. પપ્પા મમ્મીને ઘણીવાર કહેતા તારે જોબ કરવાની શું જરૂર છે? આપણે ક્યાં લોકોની જેમ પૈસાની જરૂર છે? ત્યારે મમ્મી કહેતી મને બીજા લોકોની જરૂર છે મને કોલેજમાં આવતા બાળકો જોઇને ખુશી થાય છે કાશ! આપણે પણ એમની જેમ માનવ હોત!
“વેલકમ મિસ્ટર જાદુગર.. તમે ખરેખર જાદુગર છો.” હોસ્ટેલ મેમ એ વાક્ય સ્લેશ અલંકાર સાથે બોલ્યા હતા જ્યાં બંને વખત વપરાયેલ જાદુગરના અલગ અલગ અર્થ થતા હતા પણ થેંક ગોડ એ બંને અર્થ હકારાત્મક હતા.
“એ તમને લાગે છે. પણ ખરેખર તો આજે મારે તમારા જાદુની જરૂર છે. એક્ચ્યુલી મને તમારી મદદની જરૂર હતી.” વિવેકે સીધો જ પોઈન્ટ પર આવ્યો. સામાન્ય રીતે વિવેક સામેવાળાને વાતોમાં ઉલજાવીને જ વાત કરતો એટલે મને થોડી નવાઈ થઇ.
“મદદ?? એ અમારી ખુશ નસીબી હશે કે અમને તમારી મદદ કરવાની તક મળી.” હોસ્ટેલ મેમ હસ્યા.
“આ નયના છે.. નયના મેવાડા... એનું તમારી હોસ્ટેલમાં એડમીશન કરવાનું છે.”
“હાય! નયના. આઈ એમ સીમા વ્યાસ.. નાઈસ ટુ મિટ યુ અને આ રહી તારા રૂમની ચાવી રૂમ નબર 107.” સીમા મેમે નયનના હાથમાં તેના રૂમની ચાવી આપી, “બીજું કાઈ મિસ્ટર યંગ મેજેસિયન?”
“થન્ક્સ.. થેંક્યું સો મચ.. મેમ તમને ખબર નથી કે તમે અમારા પર કેટલો ઉપકાર કર્યો છે.” વિવેકે કહ્યું.
“અરે તમે બેસોને...” વ્યાસ મેડમે મને પછી જ ધ્યાનમાં લીધો. હું બેઠો એટલે તે ફરી વિવેક સામે ફર્યા અને મલક્યા.
“તમે જે ચેરીટી શો કર્યો હતો એની સામે આ કઈ ન કહી શકાય.” સીમા મેમે પણ વિવેકની જેમ જ વિવેક કરીને કહ્યું, “મને લાગે ઉપકાર એ હતો આ તો માત્ર મેં મારી એક ફરજ નિભાવી છે.”
“જે તમને યોગ્ય લાગે તે... પણ મારા માટે તો આ ઉપકાર જ છે. અને હા બીજો ઉપકાર એ કરવાનો છે કે તમારે નયનાનું ધ્યાન રાખવાનું છે.” વિવેકે ઉમેર્યું..
“તમે જરાય ચિંતા ન કરો.. દિલ્હીની સારામાં સારી હોસ્ટેલની ઓફિસમાં તમે અત્યારે ઉભા છો અને સદનશીબે એ જ હોસ્ટેલમાં નયનાને એડમીશન મળ્યું છે એટલે તમારે કોઈ જ ફિકર કરવાની જરૂર નથી.” એક બીજી મહિલાએ ઓફિસમાં દાખલ થઇ કહ્યું, એ ત્રીસેકની હશે અને એના ટોકિંગ મેનર પરથી એમ લાગ્યું કે તે સીમા વ્યાસની આસીસ્ટન્ટ હશે. હું ત્યાના દરેક માણસ ઉપર બરાબર ધ્યાન આપતો રહ્યો કેમ કે મારે નયનાને ત્યાં એકલી મુકવાની હતી.
સંચાલક તો સીમા વ્યાસ જ હતા એ દેખાઈ આવ્યું. એમના ટોકિંગ મેનર પરથી જ એ દેખાઈ આવતું હતું..
“હા, આઈ એમ સ્યોર કે હું એને દિલ્હીની સારામાં સારી હોસ્ટેલમાં મૂકી રહ્યો છુ.. શું હું કેટલાક લોકો સાથે નયનાનો પરિચય કરાવી લઉં..” વિવેકે કહ્યું.
“ઉતાવળ શું છે સવારે આરામથી બધા સાથે એનો પરિચય કરાવજો.”
“ના, અમે રોકાઈ શકીએ તેમ નથી.”
“કેમ ક્યાય શો છે.”
“હા ગુજરાતમાં.”
“બહુ મોટો શો હશે એટલે જ ઉતાવળમાં દેખાઈ રહ્યા છો?” સીમા વ્યાસે પૂછ્યું.
“હા, મારા જીવનનો સૌથી મોટો શો.” વિવેકે કહ્યું.
મને લાગ્યું ખરેખર એ સાચું પણ કહી રહ્યો છે એના જીવનનો સૌથી મોટો શો કરવા એ ગુજરાત જઈ રહ્યો છે. અમે ગુજરાત જઈ રહ્યા હતા પણ મને ખયાલ ન હતો કે એ કદાચ એના જીવનનો છેલ્લો શો હશે નહિતર હું એને કદી એ શો કરવા ન લઇ જાત. કદાચ મારો પણ એ અંતિમ શો હતો. પણ કહે છે ને કે શો મસ્ટ ગો ઓન.
“પણ તમે અત્યારે ગુજરાત કઈ રીતે જશો...?”
“એરપોર્ટ પર એક ચેલેન્જર એમની રાહ જોઈ રહ્યું છે.” વૈશાલીએ વ્યાસ મેમને જવાબ આપ્યો ત્યાં સુધી એ ચુપ રહી હતી.
“ઓહ માય ગોડ! તમે પ્રાયવેટ પ્લેન લઈને આવ્યા છો?” વ્યાસ મેડમે તેમના ગોળ મોટા ચહેરા ઉપર રૂમાલ ફેરવ્યો અને પછી અમારા બધા તરફ એક નજર કરી.
“હા, મેં કહ્યું ને બહુ મોટો શો છે.” વિવેકે હસીને કહ્યું.
વિવેક જાદુગર સાથે એક અચ્છો કલાકાર પણ હતો. એની અદાકારી તો મેં ભેડાઘાટ પર જ જોઈ લીધી હતી જયારે એણે કદંબ અને તેના માણસોની આંખોમાં ધૂળ નાખીને મને અને નયનને આબાદ રીતે બચાવી લીધા હતા.
મેડમ સાથે થોડીક વાતો કરીને અમે રજા લીધી પણ વિવેકને કશુંક પીધા વગર ન જવાની મેડમે રટ લીધી અને અમે આખરે વિદાય લીધી.
પણ નયનાને તેના રૂમમાં મુકીને નીકળીએ તે પહેલા તે મને અને વિવેકને ગળે વળગી રડી પડી હતી અમે બંને જાણતા હતા કે નયના ત્યાં એકલી રહેવા માંગતી ન હતી. અમે પણ ક્યાં એને ત્યાં એકલી છોડી જવા ઇચ્છતા હતા પણ કોઈ રસ્તો જ ક્યાં હતો?
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky