હીંચકો...આ વાર્તા એક સ્ત્રીમાં માતા બન્યા બાદ આવતા ડિપ્રેશન ઉપર છે. એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા એને પરિવારનો સાથ અને યોગ્ય સારવારની જરૂર હોય છે. જો એને યોગ્ય સમયે આ ના મળે તો એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરે કે બાળક અને માતા બંને માટે ખતરા રૂપ બને. આના ઈલાજ માટે પરિવારનો સાથ બહુ જ મહત્વનો છે.
**********
આજે ફરી ઊંઘમાં એ જ દૃશ્ય દેખાયું અને સુહાસ ઝબકીને જાગી ગઈ. હમણાંથી દરરોજ આવુંજ થઈ રહ્યું હતું. બાજુમાં પડેલા જગમાં જોયું તો જગમાં પાણી નહોતું. એણે એક વાર વિચાર કર્યો કે અનુરાગને જગાડે પણ પછી વિચાર આવ્યો એ પણ માંડ સૂતો છે તો સુવા જ દઉં. શરીરમાં બહુ ઢીલાશ લાગતી હતી પણ તરસ લાગી હતી એટલે અનિચ્છા એ ઉભી થઇ. પૂરા દસ દિવસ પછી આજે એ એના રૂમની બહાર નીકળી.
ધીમા પગલે એ કિચનમાં ગઈ. ગ્લાસમાં પાણી કાઢતી જ હતી ને એક દમ પવનથી સામેની બારી ખુલી ગઈ. બહાર ગાર્ડનમાં મૂકેલો હીંચકો જોરજોરથી હલતો હતો એ જોઈને સુહાસના હાથમાં રહેલો પાણી ભરેલો ગ્લાસ નીચે પડી ગયો અને એ જોરથી ચીખી ઉઠી. એનો અવાજ સાંભળીને અનુરાગ અને એના માતા પિતા તરતજ દોડતા આવ્યા. જોયું તો સુહાસ ધ્રૂજતી હતી અને હિંચકા તરફ ઈશારો કરી કંઇક અસ્પષ્ટ બબડતી હતી. જાણે કોઈ અગમ્ય ઘટનાની પ્રતીતિ કરાવતી હતી.
અનુરાગ સાચવીને સુહાસને રૂમ માં લઇ ગયો અને ફેમિલી ડોક્ટરે આપેલી ઊંઘની દવા આપીને સુવડાવી દીધી. અનુરાગને હવે ચિંતા થતી હતી સુહાસની. આજે ખુશીનાં મૃત્યુને દસ દિવસ થઈ ગયા હતા છતાં પણ સુહાસ હજું એના આઘાતમાંથી બહાર નીકળતી જ નહતી એટલે હવે કોઈ સારા મનોચિકિત્સક ને બતાવવાની જરૂર લાગી એને.
ખુશી... સુહાસ અને અનુરાગની સાત મહિનાની દીકરી. જેવું નામ એવાજ ગુણ. સદાય ખુશ જ હોય. એના આવવાથી એમના ઘરમાં જાણે એક નવો પ્રાણ સંચાર થયો હતો. એની કિલકારીઓથી ઘર જીવંત થઈ ઉઠયું હતું. પણ કોણ જાણે સુહાસને ક્યારેય એની દીકરી ઉપર વહાલ આવ્યું જ નહીં. એનું કારણ હતું ખુશીનો શ્યામ રંગ. અનુરાગ અને સુહાસ બંને દૂધ જેવા રૂપાળા અને ખુશી થોડી ભીને વાન. જન્મ સમયે જ્યારે ડોક્ટરે એને સુહાસના હાથમાં આપી ત્યારે એ ખુશીને હાથમાં લેવાજ તૈયાર નહતી. ડોક્ટરને પહેલો પ્રશ્ન એ જ કર્યો જે કોઈ બીજાના બાળક જોડે આ બદલાઈ તો નથી ગઈ ને..!? પણ એ દિવસે તો ત્યાં બીજા કોઈ બાળકનો જન્મ જ નહતો થયો એટલે કોઈ પ્રશ્ન જ નહતો.
ખુશીના જન્મ પછી સુહાસનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું. ક્યારેય ઉંચા અવાજે વાત ન કરનારી સુહાસ વાતે વાતે ઘરમાં ઝગડો કરતી. હંમેશા પ્રસન્ન રહેનારી સુહાસ હવે કારણ વિના ગુસ્સો કરતી અને કારણ વિના રડતી..! સમય જતાં આ બધું ઓછું તો થયું પણ સદંતર બંધ તો ના જ થયું. તે ખુશીને તો ક્યારેય મનથી અપનાવી જ ના શકી. અનુરાગ અને સાસુ સસરાની બીકના કારણે મા તરીકેની ફરજ અદા કરતી એટલું જ... બાકી આખો દિવસ ખુશી એના દાદા દાદી જોડે જ હોય.
ખુશીના થોડા મોટા થયા પછી તો એને ખવડાવવા પીવડાવવાની જવાબદારી પણ દાદા દાદી એ જ ઉપાડી લીધી હતી. ખુશી પાંચેક મહિનાની અને થોડી બેસતી થઈ એટલે બહાર ગાર્ડનમાં એના માટે ખાસ એક સુરક્ષિત એવો હીંચકો બંધાવવામાં આવ્યો. રોજે સવારે સાંજ એ હિંચકા પર બેસવું એ એનો નિત્યક્રમ થઈ ગયો. હિંચકા ઉપર બેસ્યા વિના એને ચેન જ ના પડે.
એવામાં એક વખત સુહાસના સાસુ સસરાને બે દિવસ માટે બહારગામ જવાનું આવ્યું. અને ખુશીની બધી જવાબદારી સુહાસ પર આવી. દાદા દાદીની હેવાઈ થયેલી ખુશી એમના વિના જાણે સોસવાતી હતી..! એની આંખો બહાવરી બની એમને જ શોધતી હતી અને એ ના દેખાતા એ મોટે મોટે થી રડતી હતી. અને બીજી બાજુ સુહાસને એનું બધું કામ કરવું પડ્યું. એની દરેક વસ્તુનું ધ્યાન રાખવું, એને ચૂપ કરાવવી અને સવારે સાંજ હીંચકો ખવડાવવો વગેરે...
પહેલો દિવસ તો જેમ તેમ કરીને નીકળી ગયો. રાતે અનુરાગના આવ્યા પછી થોડી ખુશીની જવાબદારી ઓછી થઈ. એ રાત એને કેમેય કરીને ઊંઘ જ નહતી આવતી. ખુશી પરનો અણગમો એક દમ તીવ્ર થઈ ગયો. એને એક જ વિચાર આવતો હતો કે ખુશી ના હોત તો એની જિંદગીમાં શાંતિ હોત. માંડ માંડ પરોઢિયે એને ઊંઘ આવી એટલા માં તો ખુશી જોરજોરથી રડવા માંડી. જોયું તો એને તાવ હતો. જેમતેમ કરીને એને ચૂપ કરી, અનુરાગનું ટિફિન અને રૂટિન પતાવીને ડોક્ટરને બતાવવા લઇ ગઈ. સાંજ સુધીમાં તો દવાથી ઘણો ફેર પડ્યો એટલે થોડી રાહત થઇ. રસોઈ પતાવીને એ ખુશીને ગાર્ડનમાં હીંચકો ખવડાવતી હતી એવામાં એની મિત્ર નો ફોન આવ્યો અને એ વાતોએ વળગી. બીજી તરફ હીંચકો બંધ થતાં ખુશી મોટે મોટે થી રડવા લાગી એટલે એણે ફોન પતાવ્યો અને ગુસ્સામાં જોર જોર થી હીંચકો નાખવા લાગી. જાણે એક ઝનૂન સવાર થઈ ગયું હતું એના મનમાં... હિંચકાની ગતિ એટલી તીવ્ર હતી કે ખુશી ડર ની માંડી જોરજોરથી રડવા માંડી. એ જોઈને અટકવાની જગ્યાએ સુહાસે હિચકાની ગતિ એટલી વધારી દીધી કે ખુશી ઉથલી પડી અને એના માથામાંથી લોહી વહેવા લાગ્યું. પાંચ મિનિટ તો સુહાસ એમ જ ઊભી રહી પછી જાણે એને ભાન આવ્યું કે શું થયું એટલે ખુશીને સીધી નજીકના દવાખાને લઇ ગઈ. રસ્તામાંથી જ અનુરાગને ફોન કરી દીધો હતો એટલે એ પણ ત્યાં પહોંચી ગયો હતો. માથાનો ઘા એટલો ઊંડો હતો કે ડોક્ટરના ઘણા પ્રયત્ન છતાં ખુશી ના બચી.
ઘરમાં બધા એમજ સમજતા હતા કે આ એક અકસ્માત હતો. અને સુહાસે કોઈને ફોડ પાડીને વાત પણ નહતી કરી. એ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અને એની અસર એની તબિયત પર પડતી હતી. આખરે અનુરાગે બે દિવસ પછીની શહેરના સૌથી મોટા ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લઈ લીધી. સુહાસે બહુ જ વિરોધ કર્યો કારણકે એને ડર હતો કે સાચી વાત બહાર આવી જશે અને એ અનુરાગને કાયમ માટે ખોઈ બેસશે. પણ અનુરાગ આગળ એનું એક ના ચાલ્યું અને આખરે એને જવું જ પડ્યું.
ડો.મહેતા શહેરના ખ્યાતનામ ડોક્ટર હતા. ધીરજ રાખીને પેશન્ટ જોડે કઈ રીતે વાત કઢાવવી એમાં એમની નિપુણતા હતી. એમને સુહાસની કેસ હિસ્ટરી ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે કે ડિલિવરી પછી માતામાં આવી જતા ડિપ્રેશનનો કેસ છે. ત્રીજી જ મિટિંગમાં એમણે ખુશીના અકસ્માતની વિગત કઢાવી લીધી. અનુરાગ અને એના મમ્મી પપ્પાને બોલાવીને શાંતિ થી સુહાસની સ્થિતિની જાણકારી આપી. પહેલા તો બધાને એક દમ આઘાત લાગી ગયો કે સુહાસે ખુશી જોડે આવું કર્યું..!? એક માતા પોતાના સંતાન જોડે આવું કેવી રીતે કરી શકે એ વાત એમના ગળે જ નહતી ઉતરતી.
ડો. મહેતા એ બધાને સમજાવ્યું કે આ એક પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નામની બીમારી કહેવાય. એમાં માતાને પોતાના બાળક જોડે કોઈ જ ભાવનાત્મક જોડાણ ના રહે. કોઈ કોઈ વાર આ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરે કે બાળક અને માતા બંને માટે ખતરા રૂપ બને. અને સુહાસના કેસમાં એવું જ બન્યું. આપણા દેશમાં બધાને આની બહુ ઓછી જાણકારી છે એટલે જલ્દી કોઈને એનો ખ્યાલ નથી આવતો અને માતા ટ્રીટમેન્ટથી વંચિત રહી જાય છે. સુહાસના કેસ માં પણ એવું જ બન્યું જેનું આ ગંભીર પરિણામ આવ્યું. અને એ પણ સમજાવ્યું કે આના ઈલાજ માટે પરિવારનો સાથ બહુ જ મહત્વનો છે. પરિવારના સાથ અને અનુરાગના પ્રેમ વિના સુહાસનું સાજા થવું અશક્ય છે. અનુરાગ અને એના માતા પિતા બહુ સમજુ હતા. એમણે ડોક્ટરને જરૂરી મદદ કરવાની ખાત્રી આપી. ડોક્ટરે સુહાસ, અનુરાગ અને એના માતા પિતા બધાને સાથે બેસાડીને આ વાતની ફરી ચર્ચા કરી. સુહાસની સ્થિતિ બહુ જ કફોડી હતી. એ કોઈની જોડે નજર પણ નહતી મિલાવી શકતી. અનુરાગે બહુ જ પ્રેમ થી એનો હાથ પકડ્યો, બંનેની નજર મળી અને જાણે હવે શબ્દોનું કામ જ નહતું..!! સુહાસ રડી રહી હતી અને અનુરાગ એને સધિયારો આપી રહ્યો હતો.
પાંચ મહિના પછી સુહાસ એક દમ સ્વસ્થ હતી અને બીજી વાર માતા બનવાની તૈયારી કરી રહી હતી. હા... એને બીજો મહિનો જતો હતો અને આખુ ઘર એને લાડ લડાવવા સજ્જ હતું. હળવી કસરત અને યોગા કરીને સુહાસ પણ પોતાને સ્વસ્થ અને પ્રસન્ન રાખવા પૂરતા પ્રયત્ન કરતી હતી.
પૂરા મહિને સુહાસે ફરી એક દીકરીને જન્મ આપ્યો. જાણે ખુશી ની જ પ્રતિકૃતિ જેવી એ દીકરીનું નામ કૃતિ રાખવામાં આવ્યું. હવે કૃતિ જ આખા ઘરનું કેન્દ્રબિંદુ હતી. ફરી એક વાર ઘર પહેલાની જેમ ચહેકી ઉઠ્યું. ફરી આ નવજીવન ઘરમાં ખુશીનો સંચાર કરવા લાગ્યું. કૃતિ હવે બેસતી થઈ ગઈ હતી. એની બધી જ જવાબદારી સુહાસ સહર્ષ ઉઠાવી રહી હતી. હા...હીંચકો ખવડાવવાની પણ...
*****
શેફાલી શાહ
જય જીનેન્દ્ર...