Mummy-Pappa ne patra in Gujarati Letter by Dietitian Snehal Malaviya books and stories PDF | મમ્મી-પપ્પા ને પત્ર

Featured Books
Categories
Share

મમ્મી-પપ્પા ને પત્ર

ડીયર મમ્મી-પપ્પા,
મારા માટે મારા જીવન માં મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ અંતર નથી. કારણકે હું જેટલી નજીક પપ્પા ને છું એટલી મમ્મી ને પણ! મેં આજ સુધી માં જીવન ની બધી જ વાતો તમને બંને ને સાથે જ કરી છે કારણકે તમારા બંને તરફ થી એટલી સ્વતંત્રતા મળી છે કે મારે ક્યારેય દિલ ની વાત કરવા માટે તમારા બંને માંથી કોઈ એક ને પસંદ કરવાની જરૂર જ નથી પડી. એટલે મેં વિચાર્યુ કે તમારા બન્ને માટે સાથે જ લખી નાખુ.
તમારા માટે શબ્દો તો હું જેટલા લખુ એટલા ઓછા છે કે જે હું તમારી કેટલી આભારી છુ એ તમને જણાવી શકે! હું આજ જે કંઈપણ છું એ બનવા માટે તમારો સપોર્ટ હું ક્યારેય ન ભુલી શકુ. તમને માતા-પિતા કરતા મેં મારા ગાઢ મિત્ર વધારે સમજ્યા છે. અને હવે નજીક ના સમય માં જ મારે તમારા થી આખા જીવન માટે દૂર સાસરે જવાનુ છે એ વાત મને તમારા પ્રત્યે ના પ્રેમ ની અનુભૂતિ વધારે કરાવી રહી છે. તમને ખબર છે પપ્પા, “તુજકો ના દેખુ તો જી ઘબરાતા હૈ...” સોંગ સાંભળી ને હું દરેક વખતે રડી પડુ છુ કારણકે એ સોંગ તમે મારા માટે ગાઈ રહ્યા હોય એવુ લાગે અને એ લાગણી મને ખૂબ જ રડાવી મૂકે.!! એ સાંભળુ ત્યારે ખરેખર મને સમજાય કે તમારા બન્ને ના હાથ નીચે રહી ને લાડકોડ થી ઊછરેલી તમારી ઢીંગલી હવે બહુ મોટી થઈ ગઈ છે અને હવે આગળ ની સફર ની જવાબદારીઓ મારે જાત્તે ઊપાડતા શીખવુ પડશે.
મારા ભણતરજીવન માં મને હંમેશા સપોર્ટ કરવા માટે થેંક યુ!.. જો તમે બન્ને ના હોત તો હું ક્યારેય મારૂ ભણતર મારી ઈચ્છા પ્રમાણે પુરૂ ન કરી શકી હોત! તમે હંમેશા મને મારા ભવિષ્ય માં આવનારા બદલાવો માટે માનસિક રીતે તૈયાર કરી છે. તમે મારા માર્ગદર્શક છો, મારી જીવતી જાગતી કોલેજ..! જેણે મને માનવતા, ધર્મ અને સંસ્કાર ના પાઠ શીખવ્યા.
એક જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષી ના લખાણ માં મે એકવખત વાંચ્યુ હતુ કે આપણા દેશ માં છોકરા ના લગ્ન માટે કન્યા થી લઈ ને બન્ને હનીમૂન પર ક્યાં જશે એ પણ માતા-પિતા જ નક્કી કરે છે ત્યારે મને અચાનક વિચાર આવ્યો કે હું અને ભાઈ કેટલા ભાગ્યશાળી છીએ કે અમારા જીવન પર તમે આ રીતે ક્યારેય તરાપ નથી મારી. હું તમારો આભાર માનુ એટલો ઓછો છે કે તમે હંમેશા મને એક બાળક સમજી ને મારા જીવન માં પોતાના નિર્ણયો મારા પર થોપી ને તેને અનુસરવા માટે મારા પર ક્યારેય દબાણ નથી કર્યુ. એના બદલે શું સાચુ અને શું ખોટુ એની સમજણ આપી ને જીવન ના આખરી નિર્ણયો મને પોતાને લેતા શીખવાડ્યુ. તમારી આ ખુલ્લી વિચારસરણી એ જ મને સ્વતંત્ર અને ઊંચા વિચારો ની ભેંટ આપી છે.
મારા માટે એ દૂનિયા બનાવવા માટે થેંક યુ જેમાં મને મારી સમજણશક્તિ અને મારી આવડતો ને ઓળખી ને તેને વિકસાવી શકવાનો મને મોકો મળ્યો. તમારો મારા પર નો વિશ્વાસ જ મને હંમેશા આગળ વધવા માટે પ્રેરતો આવ્યો છે.
મને એક મોટોભાઈ આપવા બદલ થેંક યુ! ભલે અમે ખૂબ મીઠો ઝઘડો કરીએ છીએ પણ એ મારા જીવન નો બહુ મહત્વ નો વ્યક્તિ છે. એના સ્વરૂપ માં તમે મને જીવનભર નો માર્ગદર્શક અને મિત્ર આપ્યો છે!!
પપ્પા, તમને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે અંધારૂ થાય એટલે તમારી રાહ જોઈને ઘરની બહાર જ ઊભી રહી જતી અને તમને દૂર થી આવતા જોઈને ખૂબ જ આનંદ માં આવી ને તમારા પગ પકડી ને જ ઊભી રહી જતી ( ત્યારે હુ એટલી નાની હતી કે તમારા પગ સુધી જ પહોંચી શકતી..હાહાહા). જે આનંદ મને ત્યારે થતો એ હું શબ્દો માં વર્ણવી ન શકુ. અને જ્યારે રજા નો દિવસ હોય અને તમે ઘરે હોય તો હું અને ભાઈ બંને તમારા બંને હાથ પર સૂઈ જતા અને તમારા પેટ પર હાથ મૂકીને તમને બંને તરફ થી જકડી લેતા અને જે દિવસે તમે ઘરે ન હોય ત્યારે આ વસ્તુ માં મમ્મી નો વારો આવી જતો. હું અને ભાઈ મમ્મી ના પેટ પર હાથ રાખવા માટે લગભગ રોજ સુતી વખતે ઝઘડતા.. હાહાહા.. એ ખુશી હું ક્યારેય ન ભુલી શકુ..!! ( આંખ માં ઝળઝળિયા આવી ગયા).
મારા દ્વારા થયેલી કોઈપણ માંગણી પુરી કરવા માટે તમે કેટલી જગ્યા એ ચક્કર લગાવ્યા છે અને છેલ્લે મારી દરેક ઈચ્છા પુરી કરી ને મને “પપ્પા ની લાડકી” નુ ટેગ અપાવવા માટે થેંક યુ!! હું તો મારા મમ્મી-પપ્પા ની બહુ લાડકી છું એ વાત ગર્વ થી કહેવામાં મને બહુ ખુશી મળે છે.( આ વાત મેં ક્યારેય તમને કહી નહોતી પણ આજ આમા લખુ છુ.. હાહા)
બસ, છેલ્લે હવે એટલુ જ કહીશ કે મારા અને ભાઈ ના સપના ઓ પુરા કરી ને તમારા ચહેરા પર આડાઅવળી લાઈન્સ પડવા લાગી છે એ વધારે ઘાટી બને એ પહેલા કામ માંથી છૂટી ને પોતાના માટે તમે બંને સમય ફાળવી શકો એનાથી મોટી ખુશી મારા જીવન માં કોઈપણ ન હોઈ શકે! લવ યુ સો મચ મમ્મી-પપ્પા..!!