વાટકી વ્યવહાર...!
ક્યારે શરુ થયો? કોણે શરુ કર્યો? એની જાણ નથી. શા માટે શરુ થયો? એ સવાલ વિષે એક વાત ચોક્કસ કહી શકાય કે કોઈને પડોશમાં ‘અતિસુંદર પડોશી’ રહેવા આવ્યા હોય, અને કોઈ પુરુષની સાંભળતા એ અતિસુંદર તત્વ એવું બોલ્યું હોય “કે મને તો ઈડલી ખૂબ ભાવે..” બસ પછી તો ખલાસ..એના સામેના ઘરમાં પ.પૂ.ધ.ધુ. હરખપદુડા પતિદેવો એ દિવસથી ઘરમાં ઘરવાળી પાસે ઈડલીની જીદ, નાના કીક્લાંની જેમ લઈને બેસે. અડધાં ઘરડા લોકો જુવાનીયાની જેમ જીદે ચડે એટલે ખલાસ.. એટલે તેની ઘરવાળી ઈડલી બનાવે. અને પછી એ જાણે તાજે તાજો જ મુરતિયો હોય એમ હરખાઈને કહે: “આ આપણી બાજુમાં આપી આવું? નવા નવા પડોશમાં રહેવા આવ્યા છે, આપનો ધર્મ છે કે તેમને સાચવવા જોઈએ..! વાટકી વ્હાવ્હાર કરવો એ આપણો ‘પડોશીધર્મ’ છે”
બસ, ત્યારથી આ વાટકી વ્હાવ્હારનો ઉદભવ થયો હોવો જોઈએ.
એ સમયે લગ્ને લગ્ને કુંવારા પતિને એની ઘરવાળી કહેશે કે... “આ..હા..હા... પડોશી ધર્મ...??? બહુ આવ્યા ધર્મ નીભાવવા વાળા... વાટકી વ્યવહારના સુપુત્ર(દીકરા)... આપણી બાજુમાં આ નવી નવી સંતુડી આવી એ પહેલાં સંતુડોસી આવેલી, ત્યારે ક્યાં ગયેલો તમારો પડોશીધર્મ??? સંતુડોસીને દાંત નહોતાં, અને એને પણ ઈડલી ખૂબ ભાવતી હતી.. શું એ વખતે આવા પડોશી ધર્મ નહોતાં? એની પહેલાં જરી જરી મૂછો ઉગતી એ ‘કોકિલામાસી’ આવેલાં.. એ તો બે મોઢે ઈડલી જાપટતાં હતા.. ત્યારે ક્યાં ગયેલો તમારો પડોશીધર્મ??? બહુ ધર્મ-કર્મવાળી નહીં થતા, નહીંતર હાથે રસોઈ કરવી પડશે.. આ સંતુડી મીઠું મીઠું બોલે એમાં લપટી જવાનું? તમે જરા એ વાતનો પણ ખ્યાલ રાખો કે તમને ઈડલી ભાવતી જ નથી... જ્યારથી સંતુડી બોલી કે મને ‘ઈડલી ભાવે’ ત્યારથી તમે મંડી પડ્યા છો કે ઈડલી બનાવ... ઈડલી બનાવ... ભોગ લાગ્યા તમારા કે આવી ‘સેડાળી સંતુડી’માં મોહી પડ્યા.. મારા બાપા સાચું જ કહેતા કે.. આપણા જમાઈને પસંદગી કરતા નથી આવડતું...”
“હવે તું દોઢ ડાહી થયા વગર ઈડલી બનાવવમાં ધ્યાન દે.. અને પસંદગીમાં તો મારા લગ્ન થયા ત્યારથી હું બધી વાતે થાપ ખાઈ જાઉં છું. મારી પસંદગી તો સારી અને સર્વોત્તમાં જ હતી. પણ મને ભૂલ તારા બાપુ જ ખવરાવી ગયા છે. બધો વાંક તારા બાપુનો છે. અને હા ભાળ જો આપણી (મારા રુદિયાની) પડોશમાં રહેવા આવેલી સંતુડીને સેડાળી કીધી છે તો, ખેર નથી તારી...!”
હરખપદુડા પતિઓની પદુડાઈ તેની પત્ની તરત જ પામી જતી હોય છે.
ઈડલી બનવતા બનાવતા પ.પૂ.ધ.ધુ. હરખપદુડા પતિઓની ઘરવાળી કહે: “સેડાળી ને... સેડાળી ન કહે તો શું રૂપસુંદરી કહે? અહીં આવી ત્યારથી એને ન ભારેમાંથી શરદી થઇ છે. તમે ઓફિસે જાઓ એટલે આખો દિવસ સઅડ.... સ..અ...ડ.... કર્યે રાખે છે. તમે ઘરે હોવ એટલે એ વધારે ચાંપલી થાય છે. ચીબાનાક વાળી.. ચીબાળવી-સંતુડી...!”
“જો.. જો... હવે તું હદ થી બહાર જાય છે. પહેલાં આપણી (મારી) સંતુડીને સેડાળી કીધી. હવે તું કહે છે ચીબાળવી-સંતુડી કહે છે. તારે જબાન પર લગામ રાખવી જોઈએ..”
હરખપદુડા પતિદેવ ક્રોધિત મુદ્રામાં હવે આવી ગયા છે.
“આ..હા..હા... આજ-કાલની આવેલી આ સંતુડી વિષે કાંઈપણ કહું તો બહુ મરચાં લાગે છે ને કાંઈ!!! વાટકી વ્યવહારના સુપુત્ર (દીકરા) હજુ સાંભળી લો... સંતુડી સેડાળવી છે, ચીબાળવી છે અને બાંઠકી પણ છે...! તમારા થી થાય તે કરી લો...”
“આજે તને આજે શું થઇ ગયું છે? અમિતાબે જ કીધેલું છે ‘કે જીસ કી બીબી છોટી ઉસકા ભી બડા કામ હૈ... અરે ગોદ મેં બીઠાલો બચ્ચે કા ક્યાં કામ હૈ?’
“ગોદમાં બેસાડવાનો તમારો અભરખો અભેરાઈએ ચડાવી દેજો.. નહીંતર.. ઈ’ તમારો બરડો છે ને આ મારો ધોકો છે. બહુ આવ્યા બચ્ચનવાળા...”
વાત ગમે તે બની હોય પરંતુ વાટકી વ્યવહાર આ રીતે સુંદર પડોસી આવ્યા ને થયો હશે. બાકીનું સાચું ખોટું આદિમાનવ જાણે !
વાટકી વ્યવહારની પૂર્વ શરત છે સુંદર... મનમોહક... આકર્ષક.. અને આપણે વાટકીમાં જે આપ્યું હોય તેનો જમ્યા પછી ઉમળકાથી હકારાત્મક રિસ્પોન્સ આપે તેવા પડોશી જોઈએ.. અરે ! આજના આ નવા નવા કુંવારા શું ખેલ નાખે...!!?? એથી પણ વધારે આવા પ.પૂ.ધ.ધુ. હરખપદુડા પતિઓ ખેલ પેશ કરે... (ભલેને ઘરે ઘરવાળી કેમ ન હોય) અરે નવલા.. અતિ સુંદર પડોશી માટે સ્તો..!
નેકી ઓર પૂછ પૂછ???
“શું કહ્યું.. તમારી બાજુમાં કોઈ અતિસુંદર લોકો રહેવા આવ્યાં છે.”
“તો.. તો.. તમે બની જાઓ... વ્હાવ્હારું...”
“હવે, શુભારંભ કરો...”
“વાટકી વ્યવહારનો..!”
લેખન: નરેન્દ્ર જોષી (૨૬/૦૭/૨૦૧૯)