મૃત્યુ પછીનું જીવન
એક જ ગોળી સનસનતી આવી અને સીધી રાઘવની છાતી પર...પણ રાઘવ એમ થોડો હાર માને, આટલાં વર્ષોથી અનેક વાર પોલીસને ચકમા આપીને ભાગનાર ,બંદુકની ગોળીને વિટામીનની ગોળીની જેમ પચાવીને જીવનાર રાઘવ , ૬૦ વર્ષની ઊંમરે ૨૬ વર્ષનાં યુવાનની જેમ દોડનાર રાઘવ , ભાત ભાતનાં દેશોનાં અને દુનિયાભરની જેલનાં પાણી પીને પુષ્ટ બનેલ રાઘવ , ભલભલાં ડોનને મનની શક્તિથી માત આપનાર રાઘવ, હેરાફેરી અને ડ્રગ્સનાં ધંધાનો કિંગ રાઘવ , ૧૬ વર્ષની ઉમરથી જાતે કમાનાર અને અન્યને પણ પોષનાર રાઘવ , ૬ ફૂટ હાઈટ અને નાનપણથી સૂર્યનમસ્કાર કરી ફીટ રહેનાર રાઘવ........આમ આટલો જલ્દી યમરાજ સામે હાર માની લે , એ તો શક્ય જ નહોતું . દરેક વખતે દુશ્મનોને થતું , આજે તો રાઘવનો ખેલ ખતમ , અને પછી થોડાં જ સમય માં બમણી તાકાત સાથે સામે ઉભેલો દેખાય..!
આ વખતે પણ એ જ થયું . રાઘવ ઊભો થઇ ગયો , એ જ જોશ અને જુનુનથી...! એને શંકા હતી કે કદાચ ગોળી ચલાવનાર રાશીદનો મોકલેલો માણસ છે , રાઘવ એનાં ઘરની બહાર ઉભેલી ગાડીમાં બેસવા ગયો અને તરત જ સામેથી ફાયરીંગ થયું હતું . ફાયરીંગ કરીને સીધો એ માણસ ભાગવા માંડયો . ઘરની વંડી કુદાવીને , રોડ ક્રોસ કરી ભાગ્યો. રાઘવ પણ ઉઠયો , દોડ્યો એની પાછળ ,એ સત્ય જાણવા માંગતો હતો , આખી જીંદગી ગન, ગુનાઓ અને જૂઠની વચ્ચે જીવનારને પણ આખરે તો સત્ય જ જાણવું હતું . એ દોડ્યો , પેલો માણસ પણ દોડ્યો, રાઘવને થયું , હમણાં પકડી લઇશ ,આવા તો કેટલાયને પકડ્યા અને પાડ્યા પણ...
અરે , પણ આજે કેમ આ છટકી જાય છે? દોડતાં દોડતાં છેક નજીક આવી ગયો, હાથ લાંબો કરીને હાથ પકડવા ગયો , પણ પકડાતો જ નથી..પોતાની જાતને પડકાર આપ્યો , ‘ક્મોન, યુ આર ધ ગ્રેટ રાઘવ....કેચ હીમ...! ‘રાઘવ એની આગળ જઈ ઊભો રહી ગયો , બાજુમાં પડેલો સળિયો ઉઠાવી એને મારવાની કોશિષ કરી , પણ આ શું..મારા હાથને શું થઇ ગયું..? એક સળિયો ઉઠાવી શકતો નથી ? આખી જીંદગી આ જ તો કામ કર્યું છે ...કદાચ ગોળીની અસરથી આવું થાય છે..બીજા હાથથી કોશિષ કરી જોઉં..અરે , આ હાથથી પણ નથી ઉચકાતું..એક સેકન્ડ પોતાની જ જાત પર ગુસ્સો આવ્યો , હાથમાં આવલો શિકાર છૂટી રહ્યો છે..પણ આજે આ શરીર કેમ સાથ નથી આપતું.. સવારે બ્રેકફાસ્ટ છોડીને આવ્યો એટલે ? ગોમતીએ કેટલી વાર કહ્યું , થોડો નાસ્તો કરીને જાઓ..પણ હું ક્યારે સાંભળું છું એની વાત ? બિચારી બોલતી રહે છે ..ગવાર ગોમતી..! હવે ઉમર વરતાય છે.. એમ થાય છે, બહુ કમાયા..હવે આ બધા ધંધા છોડીને દૂર પહાડો પર રહેવાં જતો રહું , માત્ર હું ને ગવાર ગોમતી..છોકરા છોકરી કોઈ નહી..હા, પણ નાની ગુડિયા વિના કેમ જીવાય..? એનાં વિચારથી રાઘવ એકદમ ઈમોશનલ થઈ જતો હમેશા જ ..દુશ્મનો અને પોલીસને હંફાવનાર ડ્રગ માંફીયામાંથી અચાનક એક સામાન્ય કોમળ હ્રદયનો દાદુ બની જતો..
હું, રાઘવ ધગ્રેટ , પેલા માણસને ન પકડી શક્યો, એવો અફસોસ કરતાં કરતાં ઘરમાં પ્રવેશ્યો..પણ .......! ‘ઓહ ગોડ .......આ શું માંડયું છે ઘરમાં...? આટલી બધી ભીડ ? કલાક પહેલાં ઘરની બહાર નીકળ્યો , ત્યારે તો કોઈ જ નહોતું . મોટાંને બહુ ટેવ છે , ઘડીએ પડીએ પૂજા પાઠ કરાવવાની..એની ગવાર મા પર પડ્યો છે ને ...શું થાય..! ‘રાઘવ હસ્યો.. ‘બાપ પાપ કરે અને દીકરો પાપ ધોય..! ઉલટી ગંગા છે અહીં..’ પણ પછી તરત એને ગુસ્સો આવ્યો, પૂજા રાખે તો ભલે રાખે , એને પૂછવું તો જોઈએ , હજું એનો બાપ જીવતો બેઠેલો છે ...આટલી બધી દાદાગીરી , તે પણ રાઘવ ધ ગ્રેટની સામે ? બીજી જ પળે એનો ગુસ્સો બમણો થઇ ગયો . ‘ તે પણ અહીં તો ગામ આખાને ભેગું કર્યું છે . અલા , બાપને પૈસે તાગડધિન્ના કરો છો , પણ બાપને પૂછો તો ખરાં ? ’
સીધો એની પત્ની પાસે ગયો .એની પત્ની ગોમતી પણ બધી વ્યવસ્થામાં લાગી હતી , ખુબ રડી હોય , એમ ચહેરો સોજી ગયો હતો , પંડિતને સામાન કાઢી આપવામાં વ્યસ્ત હતી , થોડી થોડી વારે સાડીના છેડાથી આંશુ લુછતી હતી..બસ , આ જ કારણથી હું એને ગવાર ગોમતી કહું છું, મારો ફોન નહી લાગતો હશે , એટલે એનું રડવાનું ચાલું ..! ક્યારેક કહયા વિના જતો રહું , કોઈ દિવસ ઘરે ના પહોચું , અરે કોઈ વરંડામાં બુમાંબુમ કરે , એટલે એનાં ગંગા જમના વહેવા માંડે.. હવે એને કોણ સમજાવે કે તું ડોનની પત્ની છે , સ્કુલ માસ્તરની નહીં...રાઘવ એની અદાથી હસવા માંડ્યો ખડખડાટ...એ ગોમતીને લડવા લાગ્યો ,’ અબે, માં દીકરાની આટલી બધી હિંમત ? આટલી મોટી પૂજા રાખો છો ઘરમાં , મને પૂછતાં પણ નથી ? શું માંડયું છે આ બધું ? ગોમતી એની સામું પણ જોયાં વિના , રાઘવના ઈગોનું કચુંબર કરીને જતી રહી..અને રાઘવ આ અપમાનને સહન ન કરી શક્યો , એનો હાથ ઉપડી ગયો પત્ની પર ..પણ આ શું, હજું તો એનો હાથ ગોમતીને અડે ,એ પહેલાં તો....
એની પત્ની બહાર જતી રહી , અરે આજે આ શું થાય છે..? પત્નીને ડરાવીને ના શકયો , તો દુશ્મનો શું ડરવાના ?એ પણ એની પાછળ ગયો , કઈક પૂરું કરવાં... એ વરંડામાં મોટી ભીડને ચીરતી આગળની હરોળમાં જઈ બેસી ગઈ . વરંડાનો સીન જોઈને તો એ રઘવાયો થઇ ગયો , બધાં ચારે તરફ બેઠાં હતાં , વચ્ચે કોઈનું શબ ચાદર ઓઢાવીને મુક્યું હતું . અરે , તો હદ કરી નાંખી .કોઈ પારકાનું શબ મારાં ઘરનાં આંગણમાં કેમ મુક્યું છે ? ગવાર તો ગવાર જ રહેવાની...પાછી પારકાનાં શબ પર એવી રીતે હીબકાં ભરે છે , જાણે એનો વર મરી ગયો હોય ..
એટલામાં રાઘવની નજર સામે ગઈ , વચ્ચે કોઈ ફોટો મુકયો હતો.. અરે , મોટાને આ શું સુઝ્યું ! મારો ફોટો કેમ મુકયો છે ? આ તો હમણાં દિવાળી પર પડાવેલો એ જ ફોટો....શેરવાનીમાં મારી ગાદી પર બેસી પડાવેલો એ જ ... ઘડી ભર તો રાઘવનાં પગ નીચેની જમીન સરકી ગઈ......એટલે આ લોકોને એવો વહેમ છે કે હું મરી ગયો છું ? આ સમયે હસવું કે રડવું ... રાઘવને સમજ નાં પડી..ઓ પાગલોની જમાત, તમારી સામે જીવતો જાગતો ઊભો છું અને મારા નામનું રડી રહ્યાં છો....
એકદમ રાઘવની ટ્યુબ લાઈટ ઝબકી , અરે યાર આ તો આખી રશીદની ઊભી કરેલી ગેઈમ છે.....