વૃક્ષો સાંજના ઢળતા તડકા સાથે એકબીજાને કેમ છો કહેતાં અરસપરસનું સાનિધ્ય માણી રહયાં હતાં .
“તારી પર ઉગેલું ફૂલ કોઈ માનવ સ્ત્રીના ગૂંથેલા અંબોડા જેવું સુંદર લાગે છે. ને તારી માદક સુગંધની તો વાત થાય કઇં?“ મીઠા લીમડાએ બાજુમાં જાસુદને કહ્યું.
“હા,પણ લીમડાભાઈ કહું છું, આપણા મકાનમાલિકે ઘર બદલ્યું. જતાંજતાં મારી સાથે વાતો પણ કરતો ગયો કે યાદ કરજો, ફુલજો, ફળજો. કોણ જાણે નવો માલિક આવતાં તેનો શોખ કેવો હોય. અને મને તો ડર લાગે છે કે માલિક બદલાતાં નવાનવા છોડ કેવા આવે છે. મને તો જગ્યા બચાવવાનીનેઅમારી જાત પણ બચાવવાની બીક લાગે છે.
અમે રહી સ્ત્રીની જાત. બહુબહુ તો સંકોચાઈએ, આમથી તેમ ઝૂલીએ. કાંઈ ક્યારો છોડી ભાગી તો થોડાં શકીએ?“ રાતરાણી બોલી.
કરેણે ઝૂકી ઝૂકી રાતરાણી સામે ડાફોડીયાં મારતાં ઝૂલવાનું ચાલુરાખ્યું.
મીઠા લીમડાએ એને ટોકતાં કહ્યું, “ભાઈ સહેજ ઓછો ઝુલ. રાતરાણી સાથે તારા ખભા ઘસાય છે.”
સંકોચાઈ રાતરાણી બોલી "અરે કરેણકુમાર, સરખા તો રહો! તમારા હાથમાં આમ તો નહીં આવું. "
સહુ પોતાની જગ્યાએ ઉભાઉભા આમ પોતાની રીતે ક્યારાજીવન માણતા હતા.
ત્યાં તો 'ખટ.. ધાડ.. ધડ..' અવાજ આવ્યો. બે કુંડાં મુકાયાં. મીઠો લીમડો જાસુદ તરફ સહેજ વધુ ઝૂક્યો. "આવ મારી રતુંબડી.." કહેતાં પોતાની લાંબી ડાળે જાસૂદને કમરથી પકડતો હોય તેમ ઝુક્યો. આ જોઈ રાતરાણી સંકોચાઈ, શરમાઈ. મનમાં બોલી, “કાંઈ લાજ શરમ જેવું છે કે નહીં? આસપાસ જાળી કરાવી લો!”
નવા કુંડાંમાંથી ઊંચી ડોકે ગુલાબે આસપાસ જોયું, "વાહ. ‘અડોશપાડોશ’ સારો છે!" એણે વિચાર્યું. 'આની સાથે મિત્રતા કેળવવી પડશે.’ વિચારી એ રાતરાણી સામે ત્રાંસુ જોઈ રહ્યો.
બીજી બેચાર દ્રષ્ટિઓ આજુબાજુથી થઈ. કૂંડાઓમાંથી છોડવાઓ ઊંચા ટટ્ટાર થયા. ‘આસપાસ નવા આગંતુકો કેવાક છે?’ જુનાઓને કૌતુક થયું.
બીજા કુંડાંમાંથી ટચુકડા બોન્સાઈ છોડે ભેં.. કરી ચિત્કાર કર્યો. એ ગભરાઈ ગયેલું. ગુલાબે કહ્યું, "શાંત રહે હોં ?.. આ આપણું નવું ઘર છે. મકાન માલિક અહીં આપણને સાચવીને લઇ આવ્યો છે. અહીં તને મઝા આવશે.”
થડ ..થડાક જેવો અવાજ. અને “ઓઇ. .” એક નાની ચીસ સંભળાઈ. ત્રીજું કોઈ વિદેશી છોડનું કુંડું વચ્ચે ઘુસતાં બાજુમાં ઘસાયું.
“મી. મીઠા લીમડા, અંકલ, મને દબાવો તો નહીં?” વિદેશી નાજુક છોડવીએ કહ્યું .
રાતરાણી બોલી, "અલી નાજુકડી, તારું નામ તો કહે ?“
વિદેશી છોડવી બોલી "તમને નહીં આવડે. હું વિદેશી છું. મને વિદિશા કહેશો તો ચાલશે.”
લીમડો બોલ્યો "તમને કોણ લાવ્યું? અમે અહીં માંડ એડજસ્ટ થઈએ છીએ, તમે નવા ક્યાંથી હાલી નીકળ્યા? આમ તો મેળ નહીં પડે.”
ગુલાબે કહ્યું,, "મીઠા લીમડા ભાઈ, તમે દુધમાં સાકરની વાત સાંભળી છે? એમ આપણી ભાષામાં માટીમાં ખાતરની જેમ અમે ભળી જઇશુ. સાંકડમુકડ ગોઠવાઈ જઈશું."
જાસુદ હજુ શાંત હતી, બોલી "ઠીક, બધા સંપીને થોડી જગ્યામાં એડજસ્ટ થાઓ. પણ તમે લોકો આવ્યા ક્યાંથી? આ તમારા ભાઈ મીઠા લીમડા સહેજ કડવા લાગે પણ આમ તો બહુ ભોળા, મીઠા છે. લોકોની દાળ ન ગળે એમ કહેવાય છે પણ એમના વિના કોઈને દાળ ન ભાવે. ખાટા તુરા થાય પણ સહુનું ધ્યાન રાખે છે. "
વિદેશી બોલી, “હાઉ નાઈસ? તમને અમારા ભાઈનું વર્ણન કરતાં શરમના શેરડા સરસ પડયા.
અમે હાલ જ અહીં નવાં રહેવા આવ્યાં. અગાઉ હતાં તે જગા- અમને એરિયાનાં નામ તો કેમ આવડે? પણ ત્યાંની માલિકણ ભલી હતી. રોજ પાણી પાતી. હા ક્યારેક માલિક એકાદ બે ડાળખી તોડી લેતો અને હાથ પણ ફેરવી લેતો."
રાતરાણી નીચું જોઈ બોલી "હાય રે.. હાથ ફેરવતો?"
વિદેશી બોલી "પણ મને તો એ ગમતું."
ગુલાબ બોલ્યો "ઠીક. તો અહીંના જુના પાડોશીઓ, અમે આપની સાથે એકરસ થઈ રહેવા માંગીએ છીએ. હું મારા કાંટા સંકોરી લઉં છું, સંપથી સાથે મળીને રહીએ. વિદિશા, આમ નજીક આવો."
લીમડો બોલ્યો "એય.. ચાલો સહુ પોતપોતાની જગાએ રહો. ડ્રો યોર લાઈન એન્ડ ડોન્ટ ક્રોસ ઈટ. અને કહી દઉં છું- હું અહીંનો સહુથી જૂનો રહેવાસી છું. હું કહું એ બધાએ માનવું પડશે. એય યુ.. નવા છોડ, તું રાતરાણી સામે ડાફોડીયાં ન માર. અને સાંભળ, અહીં હું કહું એમ જ કરવાનું.”
ગુલાબે કહ્યું "સર, આપની આજ્ઞા સરમાથા પર પણ અમને અમારા હક્કો તો જોઈએ. મૂળ પ્રસારવા જગા તો જોઈએને?"
કરેણ તો હતું જ રંગીલું. એ વિદેશી ઉપર ઝૂક્યું, ને “ હાય સ્વીટી? ઓ લાલ પત્તેવાલી તેરા નામ તો બતા..” કહેતું ટહુક્યું. વિદેશીને એણે સહેજ સૂંઘી પણ લીધી. વિદેશી કે વિદિશા શરમાઈ બીજી બાજુ નમી ગઈ.
“વાહ. પાડોશણ તો સારી મળી. માણસોની જેમ અખબાર લેવા તો નહીં જવાય, પણ ઝૂકીને એકાદો સ્પર્શ તો થયા કરશે! એમ તો ગુલાબભાઈ ના જોતા હોય ત્યારે એક હળવી ફ્લાઈંગ કિસ પણ ચાલે.” કરેણે મનોમન કહ્યું.
વિદેશીને એની માદક સુવાસ ગમી. એણે રિસ્પોન્સ તો આપ્યો નહીં પણ વાંધો પણ લીધો નહીં.
ચંદ્ર ઉગ્યો. આજે બધા ભૂખ્યા હતા. કારણ કે આજે જ નવી જગાએ આવ્યા હતા. ગુલાબે કહ્યું, “પાણી તો સવારે પવાઈ ગયું હશે. આજે બધા ઉપવાસ કરો. લો થોડી ધૂળ આપું, એમાં માટી છે, ચવાણું ફાક્વા જેટલું થઇ જશે." બોંસાઈએ સહેજ મૂળ પ્રસાર્યાં. ભીની માટી એને માનવબાળનાં પાવળાં દૂધ જેટલી થઇ રહી.
લીમડો કડકાઈથી બોલ્યો "સહુ ચુપચાપ. શાંત રહો અને ચાંદની જુઓ. અને હા, સહુ બાજુમાં પોતાની બાજુવાળીની સાથે જ રહો. પોતાની હદ જાળવીને બેસો. ખબરદાર અમારી હદમાં ચંચુપાત કર્યો છે તો.”
હાઈટમાં નાના ગુલાબે હળવેથી કાંટા મીઠા લીમડાના થડમાં ભોંક્યા. મીઠા લીમડાએ નાનું ઘુરકીયું કર્યું. બધાં નીરવ શાંત રાત્રિમાં જાણે ઓગળી ગયાં.
સવાર પડી. ઘંટડીના રણકાર જેવો મૃદુ અવાજ આવ્યો "મારાં પ્યારાં વૃક્ષો, જાગો.” ઘરની માલીકણ આવી. પાણી પાવું શરુ કર્યું. પહેલાં આ બધાથી દૂર વૃદ્ધ ગંભીર માજીની જેમ બેઠેલી એકલીઅટુલી તુલસીને, પછી બધાને.
કરેણે વિદેશીને ઈમ્પ્રેસ કરવા સુગંધનું પરફયુમ ફેકી એહ્ન એહ્ન.. કરી ખોંખારો ખાધો.
મીઠા લીમડાને પોતાની જગા જાય એ ગમ્યું નહિ, અને રાતી મઝાની જાસુદ, મહેકથી મહોરતી રાતરાણી ઊપર પોતાનો અધિકાર આ ગુલાબ કે કરેણ એકચક્રી નહીં રહેવા દે એનો ખાસ ડર પણ લાગ્યો. ‘કઈંક કરવું પડશે આ બધીઓને મારી તરફ ખેંચવા.’ એણે મનમાં કહ્યું.
“પહેલાં તો પહોળા થઈ ફેલાવું પડશે. એ લોકો અમારી જગ્યા પચાવી પાડે એ નહીં ચલાવી લઉં.” કહી એણે ઝુલવું શરુ કર્યું. સુકાં પાંદડાં નવા છોડવાઓ પર ફેંકવાં શરુ કર્યાં. નવા છોડોએ ઈશારાથી ‘બસ હવે’ કહ્યું પણ મીઠો લીમડો તાનમાં હતો. હઠીલાઈથી પથ્થરની જેમ પોતાની જગાએથી ન તો એક ઇંચ ચસકવું હતું, ન તો બીજાને સાંખવા હતા. ઉપરથી ડાળીઓ, નીચેથી મૂળ પ્રસરાવી એણે થાય એટલા પહોળા થવા માંડ્યું.
થોડી વારમાં માલિક આવ્યો. જે નડે એની કાપકુપની આદત મુજબ "આ લીમડો બીજા ઝાડને તડકો નથી આવવા દેતો, ને આંગણામાં પણ આડો આવે છે. બહુ જૂનો થઈ ગયો છે. એને માપમાં રહેતાં શીખવવું પડશે. લાવો એને જ કટ ટુ સાઈઝ કરું.” કહી સૂડી ચલાવી..
મીઠા લીમડાએ જોર થી "અરે બચાવો.. હું શું આડો આવું છું?" કહી બે ચાર ચીસ પાડી. માલિક પોતાનામાં મશગુલ હતો. સીધા હાથેથી જ એણે મીઠા લીમડાની બે ડાળીઓ તોડી લીધી. હવે લીડર મીઠા લીમડા અને કોમ્પ્રોમાઇઝિંગ કરેણ વચ્ચે ઊંચાઈનો તફાવત નહોતો રહ્યો. ગુલાબ પણ નીચે ઈંટ મુકેલ કૂંડાં સાથે ઠીકઠીક કાઠું કાઢેલ થયો હતો. લીમડો ફૂંગરાઈને જોઈ રહ્યો. પોતે હવે રોફ જમાવી શકે એવો બીજાઓથી ખાસ ઊંચો રહ્યો ન હતો.
માલિકે લીસ્સી મઝાની વિદેશી પર હાથ ફેરવ્યો, પંપાળી. જાસૂદની પણ ડાળીઓ હલાવી. પાણીનો ફુવારો છાંટી નવરાવી અને એ સદ્યસ્નાતાને ચુમતો હોય એમ એનું ફૂલ સૂંઘી લીધું. મીઠો લીમડો કતરાઈને જોઈ રહ્યો. ગુસ્સાથી ડાળી હલાવતો ઝુલ્યો. માણસ સામે ક્યારામાં જડાયેલો એ કરી પણ શું શકે? હવે માલિકે રાતરાણીને સહેજ હાથમાં પકડી. થપથપાવતો હોય એમ ઝુલાવી. પછી ચાલતો થયો.
કરેણ વિદેશી પર ઝૂક્યો, નવી સુંદર પડોશણ સાથે પરિચય તો કેળવવો ને? જાસુદને પણ સહેજ નજીક આવવા કહ્યું.
ગુલાબે જાસૂદને ‘હાઈ’ કહ્યું. આ જૂની પાડોશણ એને ગમી. પણ એને થયું, એનાવાળો ઊંચેથી જ આડો ફાટે એવો છે.
વિદેશીએ કરેણને બ્રોડ સ્માઈલ આપ્યું. કરેણને આ નાજુક નમણી નવી પાડોશણ ગમી ગઈ.
હવે સુર્યનાં કિરણો બાગને પ્રકાશી રહયાં હતાં. સહુ એ પ્રકાશમાંથી પોતાનો બ્રેકફાસ્ટ કરતાં, ગાતાં ખીલખિલાટ હસી રહ્યાં.
ગુલાબ કહે “લો જાસૂદ, તમે તો રતુંબડાં ખીલી ઊઠ્યાં છો. તમને વીંટીની જેમ પહેરવા નવી કળીની ભેટ આપું છું.“
રાતરાણીને કહે "તમે તો બહુ સ્માર્ટ ને સુગંધથી ફોરતાં દેખાઓ છો ને કઈં? મસ્ત લાગો છો હોં!"
બેય ગુલાબ સામે સ્મિત વેરી રહી. બન્ને સ્ત્રી હતી અને નવા પાડોશી દ્વારા તેમની પ્રશંસા થઈ રહી હતી.
આ બધું ગંભીર તુલસીબા જોઈ રહ્યાં હતાં એ જોઈ જાસુદ તુલસી સામે "કેમ છો બા, જેશી ક્રષ્ણ” કરી રહી.
નવા આગંતુકોને જુના રહીશોએ વધાવી લીધા હતા જેમ દૂધમાં સાકર કે માટીમાં ખાતર.
મીઠો લીમડો કપાઈને કટ ટુ સાઈઝ થયેલો શસ્ત્રહીન યોદ્ધા જેવો હારેલો ઉભો હતો. કોઈને એની સામે દ્રષ્ટિ કરવાની ફિકર ન હતી.
મીઠા લીમડાના અવશેષો મહાભારત હારેલા ગુમાની દુર્યોધન જેવા એક બાજુ પડ્યા હતા. સીધા ઠૂંઠ જેવા મીઠા લીમડાભાઈ મોં ચડાવી ઉભા હતા, આસપાસ જુના છોડવાઓ નવા આગંતુકો સાથે મીઠી ગોષ્ઠી કરી રહ્યા હતા.
વિદિશા ગુલાબને કહે, તમે યુવાન છો, મળતાવડા છો, રક્ષા પણ કરી શકો છો. તમે નવા સાથે જુનાની પણ આગેવાની લો તો?
ગુલાબે જાસુદ સામે જોયું. એની પણ સંમતિ લાગી. તુલસીબા તો બસ માળા ફેરવતાં હતાં. નવા આવે ને જાય, એને તો ખાસ કાઈં પડી ન હતી. વિદેશીએ એની સામે પ્રણામ કરતી હોય તેમ ડાળ નમાવી. તુલસી એની તરફ સહેજ ઝુકી, એને કૌતક થયું. આ ‘જુવાનડી’ પર હેત ઉભરાયું. કેવાં રંગબેરંગી પાન હતાં એનાં! વહાલથી એની સામે માંજર નમાવ્યાં.
તુલસીબાએ બધાને આવો કહેતાં પર્ણોનું ડોલન કર્યું. ચુપચાપ ટગરટગર જોતા બોન્સાઇને વહાલથી વૃક્ષો જ સાંભળી શકે એમ પુચકાર્યો.
ગુલાબે પવનમાં કાંટા ખંખેરી ખોંખારો ખાતાં કહ્યું “તો નવા જુના સહુ, હું તમારો નવો સાથીદાર છું. નવો આવ્યો છું પણ તમારી નેતાગીરી સહર્ષ સ્વીકારું છું અને ગાય બકરાંથી કે કુદીને રંજાડતાં પ્રાણીઓથી તમારું રક્ષણ કરવાની હું ખાતરી આપું છું. માલિકે નાખેલું ખાતર ઓછું પડે કે પાણી આવે નહીં તો માલિકનું હું ધ્યાન ખેંચીશ. અને મીઠા લીમડા ભાઈ, તમે તો વડીલ છો. હું મારું કામ ચોક્કસ કરીશ. તમે માર્ગદર્શક રહો. અહીંથી તમારા જેટલું કોઈ પરિચિત નથી. તમે અહીં મારા વડીલ. સહુના માર્ગદર્શક. માગું ત્યારે સલાહ આપતા રહેજો બાકી પ્રેમથી પ્રભુ ભજો. સહુ સાથે બોલો, જય લીલોતરી, જય હો આપણા બગીચાનો.”
જાસુદ આંટી જોઈ રહયાં પણ નવાને તક આપવાથી ફાયદો જરૂર થશે એમ એમને લાગ્યું. મીઠા લીમડાએ સહર્ષ તો નહીં પણ સહેજ હિચકિચાટ સાથે નવા આગેવાનને સ્વિકારી એની સામે ડાળ ઝુકાવી. માણસ એની પાડોશમાં રહેતા સાથે ક્યારેક વરસો સુધી પરિચય નથી કેળવતો પણ અહીં તો સાન્નિધ્ય જામી ગયું હતું. બહારથી જુએ એને સુંદર બાગ દેખાતો હતો એ એમની એકતાનું ભાન કરાવતો હતો. મૂળ સલામત તો ડાલીયાં બહોત. સહુ વૃક્ષો એક બીજાને ઓળખી ગયાં હતાં. મનુષ્યો જેમ વાટકી વ્યવહાર કરે એમ એકબીજાને વહેતું પાણી કે માટીના કણ પાસઓન કરવાનો વ્યવહાર ચાલુ થઈ ગયો હતો. ગુલાબ એનું સંચાલન કરતો હતો અને મીઠો લીમડો સેનાપતિની જેમ કોઈ આડું ફાટે તો ડાળની એક ઝાપટ મારી સીધા કરવા તૈયાર હતો. પણ અહીં એવું બનવાનું જ ક્યાં હતું? નવા આગંતુકો માટીમાં ખાતર કે દૂધમાં સાકરની પેઠે એકરસ થઇ ગયા હતા.
-સુનીલ અંજારીયા