Lime light - 28 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૨૮

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૨૮

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૮

પ્રકાશચન્દ્રના મૃત્યુ પછી "લાઇમ લાઇટ" ફિલ્મએ સફળતા મેળવી એટલે પોતાનું બધું કામ થઇ ગયું હોવાથી રસીલી પ્રકાશચન્દ્રના પત્ની કામિનીને મળવા માગતી હતી. અને બધા ખુલાસા કરી કેટલીક જવાબદારીઓમાંથી છૂટવા માગતી હતી. ત્યાં સામેથી જ કામિનીનો ફોન આવી ગયો. રસીલીએ મોન્ટુ સાથેનો લોંગ ડ્રાઇવનો કાર્યક્રમ કેન્સલ થયો હોવાથી કામિનીને પોતાના ફ્લેટ ઉપર જ બોલાવી હતી. તે કામિનીની રાહ જોતી બેઠી હતી અને ડોરબેલ વાગી એટલે દરવાજો ખોલવા ગઇ. દરવાજો ખોલ્યા પછી સામે કામિનીને બદલે સાગરને જોઇ તે પહેલાં તો ચમકી ગઇ. પછી નવાઇ પામી તેને આવકાર આપ્યો.

રસીલીના ચહેરા પર નવાઇ જોઇ સાગરને ખ્યાલ આવી ગયો કે તેના આવવાની જાણ નથી. "કદાચ તમે મારા આવવાની અપેક્ષા નહીં રાખી હોય. મને કામિની મેડમે કહ્યું કે હું રસીલીને ત્યાં પહોંચું છું. તું થોડા સમય માટે મળવા આવી જા. આપણે હિસાબ કરી લઇએ."

રસીલી સાગરને બેસવાનું કહી કપડાં બદલવા ગઇ. રસીલી પંજાબી ડ્રેસ પહેરીને આવી અને બોલી:"સાગર, ચા કે કોફી બનાવું?"

"જી મેડમ, આભાર! હમણાં કઇ નહીં." કહી સાગર બીજી શું વાત કરવી એ સમજાતું ન હતું એટલે મોબાઇલમાં વોટસઅપ જોવા લાગ્યો.

રસીલી બહુ ઓછી વખત સાગરને મળી હતી. પણ તેણે દરેક વખતે તેનું કામ બરાબર કરી આપ્યું હતું. પ્રકાશચંદ્રના મૃત્યુ પછી "લાઇમ લાઇટ" ની સફળતામાં સાગરનો મોટો ફાળો હતો. તેણે પહેલાં પણ સારી મહેનત કરી હતી. છતાં એટલો લાભ થયો ન હતો. જો પહેલાં જ ફિલ્મ સફળ થઇ ગઇ હોત તો પ્રકાશચંદ્રએ આ અંતિમ પગલું પણ ભરવું પડ્યું ન હોત. તેઓ જીવન ટૂંકાવવા મજબૂર થયા ન હોત. અને કામિની વિધવા બની ના હોત. રસીલીએ પોતાના આગળના શિડ્યુલ જોઇ લીધા. કાલથી એક ફિલ્મના ગીતનું શુટિંગ શરૂ થવાનું હતું. તેની સવારથી પ્રેક્ટીસ કરવાની હતી. રસીલીએ એ ગીત વારંવાર સાંભળવાનું હતું. તેના બોલ પર હોઠ ફફડાવવાના હતા. શબ્દો ઘણા વિચેત્ર હતા. એ માટે તેણે કાનમાં ઇયરફોન નાખી એ રેપ ગીત સાંભળવાનું શરૂ કર્યું. "છોડ મેરે હોંઠ, છોડ મેરી બાંહે, છોડ મેરી કમર, મારુંગી સર પે ચપ્પલ, આયેંગે તુઝે ચક્કર...ચલ જાને દે.....ચલ જાને દે....."

રસીલી ગીતના શબ્દોને સાંભળવામાં તલ્લીન હતી ત્યારે કામિનીએ અધખૂલું બારણું ખખડાવ્યું. પણ રસીલીએ સાંભળ્યું નહીં. તે ગીત સાંભળવામાં અને તેને ગણગણવામાં તલ્લીન હતી. એટલે સાગરે તેને કહ્યું. રસીલીએ ઇશારાથી બારણું ખોલવા કહ્યું. સાગરે બારણું આખું ખોલ્યું. કામિની આવી ગઇ હતી.

રસીલીએ મોબાઇલ બાજુ પર મૂકી ઊભા થઇ કામિનીને આવકારી. કામિનીએ તેને હગ કરી કહ્યું:"થોડી રાહ જોવી પડી હશે. ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી."

"ચાલો, "લાઇમ લાઇટ"માં ફસાયેલા હતા તો બહાર નીકળ્યા એ અત્યારે મોટી વાત છે...." રસીલીએ મૂળ વાત પર આવી જતાં કહ્યું.

"હા, સમય અને સંજોગોનો આપણે લાભ લીધો અને આ સાગરે ઘણી મહેનત કરી છે. એનો આભાર માની લઇએ..." કામિનીએ સાગર સાથે હાથ મિલાવી કહ્યું.

"અરે! તમે મારો આભાર ના માન્યા કરો. આ તો મારી ફરજ અને જવાબદારી હતી. પ્રકાશચંદ્રએ મને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો એટલે મારે તો કામ કરવાનું જ હતું...."

સાગરને બોલતો અટકાવી રસીલી બોલી:"પણ અમારા કહ્યા પ્રમાણે તે સારું કામ કર્યું."

"જુઓ, ફિલ્મના પ્રચારમાં તો બંને પાર્ટી એકબીજાની પૂરક બનીને રહે તો જ રંગ જામી શકે. હવે રસીલીજી, તમારા અને પ્રકાશચંદ્રજીના કિસ સીનની જ વાત લ્યોને. તમે એ ફોટો મને ના આપ્યો હોત અને કામિનીજીની એમાં સંમતિ ના હોત તો હું એ ગોસિપ બનાવી શક્યો જ ના હોત. ફિલ્મની રજૂઆત પહેલાં તમારા એ ફોટાએ ઘણી ચર્ચા જગાવી હતી. ખુદ પ્રકાશચંદ્રને આપણે આ વાતે અંધારામાં રાખ્યા હતા. જો એ સમયે મેં તમારા બંનેનું આ કામ હતું એમ કહ્યું હોત તો આપણે મુશ્કેલીમાં મુકાયા હોત. મેં પણ કંઇ જાણતો ન હોવાનો ડોળ કર્યો હતો. તેમણે કામિનીજી નારાજ ના થાય એટલે આ ફોટો કોઇએ ફોટોશોપની મદદથી ફરતો કર્યો હોવાની વાત ઉપજાવી કાઢી હતી. તમે એમને સંકટમાં મૂકી દીધા હતા. બિચારા બહુ સીધા હતા. મેં થોડા વિવાદ ઊભા કર્યા ત્યારે પણ ગભરાઇ ગયા હતા. તે પહેલી વખત કમર્શિયલ ફિલ્મ કરી રહ્યા હતા એટલે બધો ખ્યાલ ન હતો. આવું બધું તો સામાન્ય હોય છે. અત્યારે તો આર્ટ ફિલ્મના નામે ચિત્રકારના સ્ત્રીઓના ઉઘાડા ચિત્રોની જેમ ઘણું વેચાય છે. રસીલીજીના મોન્ટુજી સાથેના ફિલ્મના અસલ ચુંબન દ્રશ્યના ફોટા કરતાં તેમનો શુટિંગમાં માર્ગદર્શન આપતો ચુંબનનો ફોટો અત્યારે પણ ઘણા મેગેઝીનો વાપરી રહ્યા છે...." કહી સાગર શ્વાસ લેવા અટક્યો.

ત્યાં કામિની બોલી:"સાગર, પ્રકાશચંદ્રજીના મૃત્યુ પછી તેં પ્રચારમાં સારી લહેર ઊભી કરી. મારી વાત પહેલાં તને સમજાઇ ન હતી. પણ તેં પછી મારો આશય સમજી પ્રચારમાં ઘણો ખર્ચ પણ કર્યો."

"હા મેડમ, તમે ઘણા બધા અખબારોને પેઇડ ન્યુઝ માટે કહ્યું ત્યારે મને નવાઇ લાગી હતી. આપણે પ્રકાશચંદ્રના મૃત્યુને વટાવી રહ્યા છીએ એવું લાગતું હતું. પછી થયું કે આ ફિલ્મની નિષ્ફળતાએ હજુ એક જ જીવ ગયો છે. જો તે યેનકેન રીતે સફળ થઇ જાય તો ઘણાના જીવને હાશ થઇ જાય. ખાસ તો આપને રાહત થઇ જાય. હાર્યો જુગારી બમણું રમે એમ તમે આ ફિલ્મને આખરે સફળ બનાવી દીધી....અને રસીલીજી, તમારું મોન્ટુ સાથેનું અફેર પણ મદદરૂપ થયું. તમે સામે ચાલીને આ સમાચાર આપવા કહ્યું ત્યારે મને નવાઇ લાગી હતી...." સાગરને કામિની અને રસીલીની યોજના પર માન થયું.

"સાગર, તેં પ્રકાશચંદ્રના મૃત્યુ પહેલાં તેમના મારી સાથેના સંબંધને ઉછાળ્યો હતો. હવે મને થયું કે બીજા કોઇ મુદ્દા નથી તો કોઇ ખબર બનાવીએ. એટલે મેં મોન્ટુને હોટલમાં જમવા બોલાવ્યો. અને તેં ચોરીછૂપી અમારા ફોટા પાડી ફેલાવી દીધા. એ તો અમારી વચ્ચેના અફેરના સમાચારોથી ગભરાઇ ગયો છે. હું તો આજે પણ એની સાથે બહાર ફરવા જવાની હતી. પણ એ તૈયાર ના થયો! તને બીજા એક સમાચાર મળી જાત! અને એ બહાને સમાચારમાં છેલ્લે "લાઇમ લાઇટ" ને પસંદ કરવામાં આવી રહી હોવાના અને બોક્સ ઓફિસના આંકડા પણ આવીજાત. જે બીજા લોકોને ખેંચી લાવત..." કહી રસીલી મોટેથી હસી પડી.

"તમારા અફેરના સમાચાર તો લોકો ચોકલેટની જેમ ચગળી રહ્યા છે રસીલીજી. તમે કહો છો કે મોન્ટુ ગભરાઇ ગયો છે, પણ તમે સાચું નહીં માનો એક નવોદિતની પહેલી ફિલ્મ આવતા મહિને આવવાની છે તો એ મને એમ કહી રહ્યો હતો કે મારા રસીલીજી સાથેના અફેરની ખબર ઉડાવી આપને! મેં એને ના પાડી. મેં કહ્યું કે મારે એમને પૂછવું પડે. અને અત્યારે મોન્ટુ સાથે તેમના સમાચાર ઊડે છે ત્યારે તારી ખબર જૂઠી લાગશે. આપણે ત્યાં પ્રચારમાં રહેવાનો આ એક સરળ અને સસ્તો રસ્તો બની ગયો છે. લોકોને ન જાણે કેમ કલાકારોના અંગત જીવનમાં બહુ રસ હોય છે. જ્યારે કલાકારોના લગ્નેત્તર સંબંધની વાતમાં તો કંઇક વધુ જ રસ પડે છે. હીરોઇન પત્ની સાથે છૂટાછેડા આપી દીધા હોય અને બીજી સાથે ચક્કર ચલાવતો હોય ત્યારે તો હજુ વધારે વંચાય છે. અમારે સૌથી વધારે વાત ફિલ્મમાં કામ કરતા હીરો-હીરોઇન કે નિર્દેશક એકબીજાની નજીક આવ્યા અને તેમના વચ્ચે ઇલુઇલુ છે એની કરવી પડે છે. ઘણી વખત ખરેખર એ બંને પ્રેમમાં પડી જતા હોય છે....સાકીર ખાન જેવા સ્ટારે પણ શુંનું શું કરવું પડે છે...અમારે તો રોજ નવા – નવા સમાચારોના સાક્ષી બનવું પડે છે."

સાગરની પ્રેમમાં પડવાની વાત ચાલતી હતી ત્યારે કામિની મનોમન બબડી:" પ્રકાશચંદ્ર અને રસીલીની જેમ..."

પણ સાગરે સાકીર ખાનનો ઉલ્લેખ કર્યો એટલે રસીલી ચોંકી ગઇ. તેણે સાગરની વાત પકડી લીધી:"સાગર, સાકીર ખાન શું સમાચાર ફેલાવે છે?"

"જી, એ બધું છોડો. આવું તો ચાલ્યા જ કરે...મારો હિસાબ કરી દો એટલે હું નીકળું...." કહી સાગરે કામિની તરફ જોયું. કામિનીએ રસીલી તરફ જોયું. રસીલીએ તરત જ સાગરને કહ્યુ:"તારો હિસાબ આપી દઇશું. પણ સાકીર ખાન વિશે તારે વાત કરવી પડશે. હું એની સાથે ફિલ્મ કરી રહી છું. મારે જાણવું જોઇએ. હું પણ ક્યારેક તને મસાલો આપીશ...."

"જી, આમ તો મારાથી કહી શકાય એમ નથી. પણ તમારાથી શું છુપાવવાનું?" સાગરને ખ્યાલ આવી ગયો કે સાકીર ખાન વિશે જીભ કચરાઇ ગઇ છે એટલે રસીલીજી જાણ્યા વગર હિસાબ નહીં કરે. તેણે કહેવાનું શરૂ કર્યું. જે જાણીને રસીલી આભી બની ગઇ.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, મારી કુલ ૧૩૧ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૭૦ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૮૦ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!

*

મિત્રો, ૪૬૦૦૦ થી વધુ વ્યુઝ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં સાગર સાકીર ખાનની કઇ વાત કરવાનો હશે? રસીલી અને કામિની એકબીજાને કેમ મળી રહી છે? એ ઉપરાંત રસીલીએ તેના મોન્ટુ સાથેના અફેરની વેબ લિન્ક કોને અને કેમ મોકલી હશે? ઇન્સ્પેક્ટરની મુલાકાત પહેલાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હશે? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને ધારા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ કેમ કર્યું હશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના બાકી જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તે તમને એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧૨૮૫૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૬૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની સાથે આ વ્યવસાયમાં સપડાયેલી કોલેજની બીજી વિદ્યાર્થીની રચના અને બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. અને ૨૩૦૦ ડાઉનલોડ સાથે તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

૮ પ્રકરણની લોકપ્રિય લઘુનવલ "આંધળો પ્રેમ" (૬૪૦૦ ડાઉનલોડ) તમને જકડી રાખશે.

***