Sumudrantike - 20 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 20

Featured Books
Categories
Share

સમુદ્રાન્તિકે - 20

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(20)

પગી ટપાલ આપી ગયો છે. સરકારી કાગળો વચ્ચે સફેદ કવર જોતાં જ મેં તે પહેલું ખોલ્યું. પરાશરનો પત્ર છે. તે બારમીથી સત્તરમી જૂન વચ્ચે પાંચેક દિવસ અહીં આવે છે. મેં તેને બતાવેલ રસ્તા પ્રમાણે ટ્રેન દ્વારા મોટાબંદરે પહોંચશે. ત્યાંથી પટવા સુધી બસમાં. મેં લગભગ બે વર્ષે પહેલી વાર કેલેન્ડર જોયું. આજે દશમી જૂન. પરમદિવસે પરાશર આવશે. ‘પગી’ મેં સરવણને બોલાવ્યો. ‘કાલે રાત્રે પટવા ગેસ્ટ-હાઉસમાં રહેવું પડશે. તમે સાથે આવજો. પટવાથી ગાડું કરવું પડશે’ અને પરાશરનો પત્ર ફરી વાંચવા બેઠો.

બીજા કાગળો તપાસતો હતો ત્યાં શામજી મુખી આવ્યો. ‘આવો મુખી.’ કોણ જાણે કેમ પણ ખેરાનો આ મુખી મને માન ઉપજાવે છે. મોટી મૂછો. માથે પાઘડી. આંખોમાં દરિયા જેવી શાંતિ. ‘કેમ આવવાનું થયું.’

‘આ પટવે જાતો’તો તે થ્યું આંય તમને મોઢું બતાવતો જાંવ.’ શામજીએ કહ્યું. ‘આ ઉનાળો ઊતરેલા પાછા વળે ઈની વાટ્ય જો’ઈ છ. વરસાદ તો ઓલો બે દી’ પડ્યો પછી કાંય કળાણું જ નંઈ.’

‘ઉનાળે ઊતરેલા એટલે?’ મને બહુ સમજ ન પડી.

‘આંય જમીનું ખારી. વરસાદ વેળાયે ઊગે ઈ ઊગે. પછી કાંય નો પાકે. ઉનાળો બેહે ને અમીં સંધાય દખણાદે ગુજરાત ઊતરી જાંય કામ ગોતવા. તે પેલા વરસાદે પાછા વળીયે. ન્યાં લગી ગામ ખાલી. કો’ક કો’ક રેય. ગલઢોરાંને સાચવવા.’

‘ક્યાં જાય બધા?’

‘ઈ તો પોટલાં બાંધીને હાલી નીકળવાનું. પટવેથી બસુ મળે. જ્યાં જવાય ન્યાં વયા જાય.’

‘તમે પણ જતા હશો.’

‘હુંય જાંવ. ઓણ સાલ નથ ગ્યો.’

મુખી ક્યાં અને કેવા કામે જતો હશે? કદાચ કોઈને ત્યાં ભાગમાં ઉનાળું ખેડ કરતો હોય તેવું હશે એ સિવાય આટલા ટૂંકા ગાળાનું કામ હોય પણ શું? માથે પોટલાં મૂકીને ખેરાથી પટવા સુધી સાત-આઠ માઈલનું અંતર, ઉનાળાના સૂર્ય નીચે, આ ખારાપટમાં, શી રીતે પાર કરતાં હશે આ લોકો? હું ધ્રૂજી ગયો.

‘ઢોરઢાંખરનું શું થાય?

‘ગાયું ને ઢાંઢા મિત્યાળે કે વારારૂપ આપી દેઈ. જીને છત હોય ઈ રાખે. ઢાંઢાથી ખેડ કરે ને ગાયુંનું દૂધ પીવે. પાછાં આવીયે તંયે લયાવીયે.’

સરવણે મુખીને પાણી આપ્યું. ઓટલા પાસે જઈને તેણે મોં ધોયું. પાણી પીધું. થોડી વાર બેઠો. સરવણે તેને ચા બનાવી આપી પછી તે ગયો.

વરસાદ ખેંચાઈ રહ્યો છે તેવું હજી નથી. જૂન આખરે કે જુલાઈના પહેલા અઠવાડિયે આવતો વરસાદ અહીં સમયસરનો ગણાય. પહેલો વરસાદ જૂનની શરૂઆતમાં બે દિવસ પડ્યો તે વખત પહેલાંનો ગણાય.

બપોર સુધી મેં રિપોર્ટ તૈયાર કરવાનું કામ કર્યું. ખેરાની જમીનો લગભગ મપાઈ ગઈ છે. તેના નકશા ગોઠવ્યા. નમતી બપોરે નૂરભાઈ આવ્યો. આજે અચાનક મુલાકાતીઓ! આ કચેરીમાં અમસ્તું તો ભાગ્યે જ કોઈ આવે છે.

‘રિટાયર થવાનો ઓર્ડર આવ્યો છ.’ આવતાં જ નૂરભાઈએ કહ્યું.

‘અરે!’ મને આંચકો લાગ્યો. ‘નૂરભાઈ, તમારે તો ગ્રીનબેલ્ટનો ચાર્જ લેવાનો થશે; એવું મેં માનેલું. તમારું ખાતું જ ગ્રીનબેલ્ટ પર વાવેતર કરશે.’

અચાનક મને સબૂર યાદ આવ્યો. હું તેને ચાહુ છું? કે ધિક્કારું છું? તે નક્કી નથી કરી શકતો. રુક્મીપાણાનું તેણે શું કર્યું તે જાણવાની ઇચ્છા છે અને નથી. અવલે તે દિવસે કહેલી કડવી વાત યાદ આવતાં મને સબૂરને અને તેના પાણાને ભૂલી જવાની ઇચ્છા જ થાય છે.

‘ઈ તો કોક આવસે બીજો.’ નૂરભાઈ બોલ્યો. અને ગ્રીનબેલ્ટની વિગતો તેણે નકશામાં ઝીણી આંખે જોઈ. ‘હમણેં તો છોકરા પાંહે જયાવું ને થોડો ટેમ ડુંગર પાર જંગલમાં જાવું છ. બસ. દૂધરાજ જોયો નથ. ઈ જોવો છ. ડુંગર વાંહે કે’છ કે કદાચ જડી જાય. ન્યાં જંગલું ખરા ને!’

તેણે નર દૂધરાજનો જર્જરિત ફોટો ઝળી ગયેલી ચોપડીમાંથી બતાવ્યો. પૂછડીમાંથી કમાન વળીને નીકળ્યા હોય તેવાં લાંબાં પીછાં અને માથે વળાંકદાર કલગીવાળું આ પંખી ખરેખર મનમોહક રૂપ અને છટા ધરાવતું હશે. પણ નૂરભાઈ, આટઆટલાં પક્ષીઓ જોયા પછી પણ, ઢળતી ઉંમરે એક ન જોયેલા પક્ષીની શોધમાં ડુંગર પાર જંગલોમાં રખડવા જાય તે મને વધુ પડતું લાગ્યું.

‘ત્યાં કાંઈ ઓળખાણ-પિછાણ ખરી?’ મેં પૂછ્યું. ‘સરખી તપાસ કરીને જજો. આ તો જંગલનો મામલો છે.’

‘મારે તો આખી જિન્દગાની જંગલને મામલે ગઈ. ખુદા તાલાએ વેરાનમાં ખિદમત કરાવી તોય કામ જંગલ ઉગાડવાનું દીધું ઈ મહેરબાની નંઈ તો બીજું સું?’ નિવૃત્તિવયે જન્મતી નિરાશાને ધક્કો દેતો હોય તેમ નૂરભાઈ બોલ્યો. ‘બાવળિયાં તો બાવળિયાં. નૂરભાઈએ મલક માથેથી લીધું ઈ પાછુંય વાળ્યું છ. એટલું બસ છે.’

મેં નૂરભાઈને બેસાર્યો. તે પાછો આવે ત્યારે કંઈનું કંઈ કામ મારી કચેરીમાં મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું. સફરમાં કામ લાગે તે માટે પૈસા આપવા કર્યું પણ તે નૂરભાઈએ ન લીધા. અંતે મારો ગરમ કોટ રાખ્યો. યાદગીરી તરીકે. અને ગયો.

બીજી રાત્રે હું અને સરવણ પટવા ગયા. ગેસ્ટહાઉસ પ્રમાણમાં સારું કહેવાય તેવું છે. સવારે ટ્રેનનું કનેકશન લઈને આવતી બસમાં પરાશર આવશે. ગેસ્ટહાઉસની સામે સડક પર જ બસ ઊભી રહે છે.

સવારે નવેક વાગે પરાશર ઊતર્યો. હું તેને ભેટી પડ્યો. થોડો આરામ કરી અમે ડમણિયામાં ગોઠવાયા. ગાડું ચાલી નીકળ્યું. હવેલીના માર્ગે.

‘વીણા કેમ ન આવી?’ મેં પૂછ્યું.

‘તારો કાગળ વાંચીને તેને મન તો બહુ થઈ ગયું. પણ અંતે ન આવી. પિયર ચાલી ગઈ. અમસ્તી જ બા પાસે.’

‘આવી હોત તો મજા પડત. પણ એ છે જ વિચિત્રવીણા, વીણા નામ તો ખોટું પાડ્યું છે.’ મેં રીસથી કહ્યું.

એક દિવસ જે પ્રદેશ મને પોતાને અળખામણો લાગતો હતો. તે જ પ્રદેશમાં આવીને મારા મિત્રો રહે તેવી ઈચ્છા આજે મને થાય છે. ધરતીનો આ જાદુ છે. કદાચ માયા કહેવાય છે તે આ જ હશે. ગયાં બે વર્ષોમાં તો હું નગરવાસી મટીને આ નિર્જન ઉજ્જડ વગડાનો વનવાસી, સામુદ્રિક બની ગયો છું.

આજે પણ મેં વીણા સિવાય કોઈના ખબર ન જાણ્યા. ન અમારી કૉલેજ કાળની ટોળકી, હોસ્ટેલ સમયના મિત્રો કે ન મારી પુરાણી નોકરીનો સ્ટાફ યાદ આવ્યા. મેં બસ મારી જ વાતો કર્યા કરી. પરાશર ગાડામાં આડો પડ્યો પડ્યો સાંભળતો રહ્યો.

કેટલુંયે બોલી રહ્યા પછી મેં પરાશરને પૂછ્યું. ‘બોલ, બીજા શા સમાચાર છે?’

‘બસ, ચાલ્યા કરે છે. બધા તને યાદ બહુ કરે છે. ખાસ તો બધા ભેગા થઈને એક સંગીતના જલસા ગોઠવીએ ત્યારે અચૂક યાદ કરે.’

‘પેલો નારાયણ સ્વામી?’ મેં એક મિત્રને સંભાર્યો. ‘હજી પ્લેબેક્સીંગર થવાના સપના જુએ છે કે પછી છોડી દીધું.’

‘એ તો ઘણો આગળ નીકળી ગયો. પોતાનું મ્યુઝીક સર્કલ બનાવ્યું છે. હવે આપણે ત્યાં બહુ દેખાતો પણ નથી.’

મારું મન સરખામણીમાં પડ્યું. મહિને દોઢ મહિને થતા મેળાવડા, પિકનિકો. હું ત્યાં કે અહીં, વધુ સુખી ક્યાં હોઉં તે નક્કી ન કરી શક્યો.

પરાશરના સામાનમાં ભૂરી, મોટી ચેઈનવાળી રેકઝીનની થેલી જોઈ. તેમાં ખાસ કંઈ સામાન ન હોય તેમ લાગ્યું.

‘આ શું ઉપાડી લાવ્યો છે?’

‘સરપ્રાઈઝ છે. તારા માટે’ તેણે કહ્યું ‘પણ હવે તેં પૂછ્યું એટલે કહી દઉં. એમાં હોડી છે.’

‘હોડી?’

‘હા, પ્લાસ્ટિક જેવા મરીરિઅલની. હવા ભરીને ફુલાવાય. સાથે પેડલપંપ છે. ખાસ તારા માટે.’

‘અરે વાહ!’ મને આનંદ થયો.

‘સરસ છે. જોજે તો ખરો. પાંચ અલગ અલગ ચેમ્બર્સમાં હવા ભરાય છે. એકાદ લીક થઈ જાય તોય ડૂબે નહીં. પ્લાસ્ટિક ફોલ્ડિંગ હલેસાં છે. મજા આવશે. અને તેં તો વળી મોટી સાચુકલી હોડી પણ ચલાવી છે ને?’ પરાશરે મજાકના સ્વરે કહ્યું. ‘આ હોડી તો મારાથી પણ ચલાવી શકાય તેવી છે.’

‘એને હોડી ચલાવી ન કહેવાય. એ તો સમય જુદો હતો. રાત ગઈ ને વાત ગઈ’ મેં કહ્યું ‘પણ ક્રિષ્નાને મળીશું. મજા પડશે.’

અમે વાતો કરતા હતા અને બંગલો પાસે આવી ગયો. ખારાપાટમાં થોડી ધૂળ ઉડાડીને બળદો ઊભા રહ્યાં. અમે ઊતર્યા. સરવણે સામાન ઉપાડી લીધો.

ગાડાખેડુ કવાર્ટર્સ સુધી આવ્યો. બળદો છોડી લાવ્યો. કૂવેથી ભાંભરું પાણી સીંચીને બળદો પાયા.

‘રોકાઈ જા. રોટલા ખાઈને જજે’ મેં ગાડીવાનને કહ્યું.

‘ના રે ના હમણેં પાછો પૂગી જાઈસ’ કહી તે ચાલ્યો.

***