Chintanni Pale - Season - 3 - 45 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 45

Featured Books
Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 45

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

45 - ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ

કોઈ સુને ન સુને, કોઈ દાદ દે કિ ન દે,

યહી બહુત હૈ, ખયાલાત મેરે અપને હૈ,

ઝફરખાન નિયાઝી

અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ, રુખ હવાઓ કા જિધર કા હે ઉધર કે હમ હૈ… નીદા ફાજલીએ લખેલી એક ગઝલની આવી પંક્તિ છે. બધું ચાલતું રહે છે. છતાં બધા કહેતા રહે છે કે આપણું ક્યાં કંઈ ચાલે છે? આપણે તો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે. ઘણી વખત માણસ લાચાર બનીને જોતો રહે છે કે હવે શું થશે? શું સાવ એવું છે કે આપણી આખી જિંદગી કોઈ અજાણી રીતે જ દોરવાતી રહે છે? ના, સાવ એવું પણ નથી હોતું. અંતે તો આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે. આપણે ઘણી વખત તેને રેઢી મૂકી દઈએ છીએ અને પછી તેને શોધતા ફરીએ છીએ.

માણસનું જ્યારે ધ્યાન નથી પડતું ત્યારે એ એવું બોલે છે કે પડશે એવા દેશું. તેને ખબર નથી હોતી કે કેવા પડશે? અને કેવા દેશું?કેટલાક માણસો એવા હોય છે જે એવું વિચારે છે કે ગમે એવા પડશે, મારે તો જે દેવા હશે એ જ દઈશ. મારે જે કરવું હશે એ જ કરીશ. કોઈ માણસ એક હદથી વધારેકોમ્પ્રોમાઈઝ’ કરી શકતો નથી. બધાંને એક તબક્કે એવું લાગે છે કે ઇનફ ઇઝ ઇનફ. બધાની કોમ્પ્રોમાઈઝ કરવાની હદ જુદી જુદી હોય છે. કોઈ માણસ કોઈ બાબતે સમાધાન કરે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે એ જ આવું સમાધાન કરી શકે, હું હોઉં તો આવું ન કરી શકું. તમે આવું ન કરી શકો, કારણ કે તમે એ નથી. તમે તમે છો.

જિંદગી સાથે માણસનો એક સતત સંઘર્ષ ચાલતો રહે છે. પોતાની મરજી મુજબ જીવવાનો સંઘર્ષ. એક માણસ એક વખત એક સાધુ પાસે ગયો. સાધુ જંગલમાં એકલા રહેતા હતા. સાધુ પાસે જઈને માણસે કહ્યું કે કોઈ મને મારી મરજી મુજબ જીવવા દેતું નથી. મારે રહેવું છે એમ રહેવા દેતું નથી. મારે જે કરવું છે એ કરવા દેતું નથી. મારે શું કરવું? સાધુ હસવા લાગ્યા. માણસે પૂછયું કે કેમ તમે હસો છો? સાધુએ કહ્યું કે મારે પણ આજે મારી મરજી મુજબ જ જીવવું હતું. સવારે ઊઠયો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આજે કંઈ જ બોલવું નથી. આ પ્રકૃતિમાં ખોવાયેલા રહેવું છે. મારી જાતમાં પરોવાયેલા રહેવું છે. એમ પણ વિચાર આવતો હતો કે આ જંગલમાં કોણ આવવાનું છે? હું તો મારી મસ્તીમાં જ રહેવાનો છું. હવે તમે આવી ગયા. મારી મરજી બાજુએ રહી ગઈ. હું તમને ફરિયાદ કરું કે તમે મને મારી મરજી મુજબ ના રહેવા દીધો તો તમે મને શું જવાબ આપો? હું તમારા ઉપર ગુસ્સે થાઉં? તમારા પર રાડો પાડું?માનો કે હું આવું કરું તો પણ મને શું ફાયદો થવાનો છે? એટલે જ હું એવું કંઈ કરતો નથી. પણ તમે કરો છો. તમારી પાસે ફરિયાદ છે, ગુસ્સો છે, નારાજગી છે. યાદ રાખો, પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે વિચારો કે તમે તમારા હાથમાં છો? પરિસ્થિતિ તમારા હાથમાંથી છટકે એટલે તમે પણ તમારી જાતમાંથી અને તમારા હાથમાંથી છટકી જાવ છો. તમે જ્યાં છો ત્યાં જ રહો અને પરિસ્થિતિનો સામનો કરો.

તમારે તમારો પ્રશ્ન લઈને મારી પાસે આવવું હતું અને તમે આવ્યા. તમે એ તમારી મરજી મુજબ કર્યું ને? પણ તમને એ નથી દેખાતું, કારણ કે તમે ક્યાંકથી ભાગીને આવ્યા છો. જે કરો એ મરજી મુજબનું થાય એવું જરૂરી નથી. પણ જે થાય છે એમાં તમે તમારી મરજી મુજબ ચોક્કસ જીવી શકો. તમે આવી જ ગયા છો તો હું તમારી સાથે દિલથી જીવીશ, કારણ કે હવે તમે મારી સામે છો. બસ, આ જ વસ્તુ સમજવાની છે કે જે સામે છે તેને જીવો. તેનાથી ભાગો નહીં.

જિંદગી એટલે પોતાની જાત સાથે જીવવું. દરેક સ્થિતિમાં, દરેક સંજોગોમાં અને દરેક અવસ્થામાં. જે માણસ ગભરાઈ જાય છે, ડરી જાય છે, થથરી જાય છે એ જ પોતાની સાથે જીવી નથી શકતો. બધી જ પરિસ્થિતિની વચ્ચે માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. તમે તમારી રીતે જીવો છો? આપણે બધા દિવસો ઊજવીએ છીએ પણ પોતાનો દિવસ ઊજવીએ છીએ? દરેક માણસે આમ તો આખી જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ, બધાંને એવી રીતે જીવવું પણ હોય છે. જો કે એવી રીતે જીવી શકાતું નથી પણ થોડાંક દિવસો અને અંતે એક દિવસ તો આપણી રીતે જીવવું જોઈએ કે નહીં?

એક માણસે એવું નક્કી કર્યું કે હું વર્ષમાં એક દિવસમાય ડે’ ઊજવીશ. મારી રીતે જીવીશ, હળવા થઈને. કામ કરીશ તો પણ મોજથી કરીશ. તેણે આવું કર્યું. એ સામાન્ય દિવસ હતો. કોઈને ખબર ન પડી કે તેણે આજે પોતાનો દિવસ ઊજવ્યો. પછી તેણે નક્કી કર્યું કે હવે દર મહિનેમાય ડે’ ઊજવીશ. તેણે પોતાને ગમે એ રીતે કર્યું. પછી દર મહિને અને છેલ્લે દર અઠવાડિયે માય ડે ઊજવવા લાગ્યો. પછી રોજ પોતાની રીતે જીવવા લાગ્યો. તેણે કહ્યું કે દિવસો તો મારા જ હતા, હું જ મારા દિવસથી દૂર હતો. હું જ ધીમે ધીમે મારા દિવસ તરફ આવવા લાગ્યો. અને હવે દરેક દિવસમાય ડે’ છે. આપણે જ આપણા દિવસને ભારે બનાવી દેતા હોઈએ છીએ. કંઈક ન ગમતું થાય એટલે ગુસ્સે થઈ જઈએ છીએ. કોઈ આપણું ન માને તો રાડો પાડવા લાગીએ છીએ. મારા દિવસની ઉજવણીથી જ મને સમજાયું કે આમ પરિસ્થિતિ કે વ્યક્તિથી નારાજ કે ગુસ્સે થઈશ તો મારા જ દિવસની ઉજવણી બગડવાની છે. કોઈના કારણે હુંમાય ડે’ ને શા માટે બગાડું?

તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખા વર્ષના કેલેન્ડરમાંમાય ડે’ કયો છે? આપણે દુનિયાભરના ‘ડે’ ઊજવતા રહીએ છીએ. એ દરેક દિવસને પણ આપણે આપણી રીતે ક્યાં ઊજવીએ છીએ? એક ચોક્કસ અને વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી પરંપરા દોહરાવે રાખીએ છીએ. બર્થ ડે હોય ત્યારે કેક કાપવાની, ખાવાનું, પીવાનું, નાચવાનું અને દર બર્થ ડે વખતે જે કરતા હોઈએ એ જ કરવાનું. માણસ પાસે પોતાનો કોઈડે’ નથી હોતો એટલે એ ‘બર્થ ડે’ને ‘માય ડે’ માની લેતો હોય છે.બર્થ ડે’ એ આપણા જન્મનો દિવસ છે અને ‘માય ડે’ એટલે આપણી જિંદગીનો અને જીવવાનો દિવસ. આવો એક દિવસ નક્કી તો કરી જુઓ… આ દિવસ વર્ષમાં એક જ વાર આવે એવું જરૂરી નથી. તેની અવધી તમારા હાથમાં છે. સમયનો ગાળો ઘટાડતા જાવ. ધીમે ધીમે દરરોજમાય ડે’ લાગશે.

દરરોજનો દિવસ આપણો જ દિવસ હોય છે. તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું આપણા પર સવાર થઈ જાય છે. એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે. જીવવાની રાહ ન જુઓ, જીવવા માંડો. જીવવાનું પ્લાનિંગ ન હોય, કારણ કે આપણે રોજ જીવવાનું હોય છે. આજનો દિવસ તમારો દિવસ હતો?કે પછી તેને કોઈએ બગાડી નાખ્યો? કોઈએ બગાડી નાખ્યો કે તમે બગડવા દીધો? જો કોઈએ બગાડયો હોય તો માનજો કે તમારો દિવસ તમારા હાથમાં નથી પણ કોઈના હાથમાં છે. તમારો દિવસ તમારા હાથમાં રાખો. જીવવું એટલે મજા આવે એવું જ થાય અને એવું જ કરવું એવો મતલબ નથી. જીવવું એટલે દરેક સ્થિતિમાં પોતાની જાત સાથે રહેવું અને દરેક સ્થિતિને માણવાનો પ્રયત્ન કરવો. આ વાત સાંભળીને એવું ફીલ થાય છે ને કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. હા, તમારી વાત સાચી છે. આવું કરવું અઘરું છે અને એટલે જ કેળવવું પડે છે. સહેલું હોત તો તો સવાલ જ ક્યાં છે? હા, પણ એટલું અઘરું નથી કે કેળવી ન શકાય. અઘરું જ રાખવું કે સહેલું કરવું એ પણ અંતે તો આપણાં જ હાથમાં હોય છે. તો ક્યારથી તમેમાય ડે’ ઊજવવાનું શરૂ કરો છો?

છેલ્લો સીન :

પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે અને અપ્રસન્નતા જ રોગ છે. સાજા રહેવું હોય તો મજામાં રહેતા શીખો. હેલી બર્ટન

***