Muhurta - 10 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 10)

Featured Books
Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 10)

“હા...”

“તો કહે હું તને કેટલો પ્રેમ કરું છું?”

“ક્યારેય દરિયો જોયો છે?”

“હા..”

“અને આકાશ?”

“હા..” તે જરા ગુસ્સે થઇ જવાબ આપતી હતી, “પણ આ મારા સવાલોના જવાબ નથી.”

“કેમ રોમેન્ટિક બુક વાંચે છે ને સવાલોમાં છુપાયેલા જવાબ ન મળ્યા..?”

“મળ્યા પણ બુધ્ધુ તારા મોઢે સાંભળવા છે..”

“તારો પ્રેમ દરિયાથી ઉંડો છે અને આકાશથી ઉંચો છે.”

“હા, પણ મંદિરમાં હજુ ઘણું કામ બાકી છે.” અનન્યા મંદિર તરફ જવા લાગી.

“થોડોક સમય રોકાઈ જા ને....?”

“કેમ?” એ પાછી ફરી ત્યારે એની ચોટી નાગીનની જેમ વળ ખાઈને એની પીઠ સાથે અથડાઈ.

“કેમ કે....” મને કઈ જવાબ ન સુજ્યો.

“જા, એક બે રોમેન્ટિક બુક વાંચી લેજે...” એ હસીને ચાલવા લાગી, “આમ જવાબ આપવામાં ફાંફા નહિ પડે..”

હું એને નાગીનની જેમ મંદિર તરફ લટકતી ચાલે જતી જોઈ રહ્યો.

ત્યારબાદ અમારું મળવાનું કાયમી થઇ ગયું એને તાલીમ આપવાનું કામ મુશ્કેલ હતું પણ બાલુ અને ઓજસે મને એ કામમાં મદદ કરી માટે અનન્યાને તાલીમ આપી શકાઈ. લગભગ ત્રણેક મહિનાના ટૂંકા સમયગાળામાં અનન્યાની તાલીમ પૂરી થઇ ગઈ અને અનન્યા નાગિનનું રૂપ લેતા શીખી ગઈ હતી. અમે ધાર્યું હતું એના કરતા એ બહુ ઝડપી શીખી હતી. મેં જે સપનું જોયું હતું એ પૂરું થઇ ગયું હતું - અનન્યા અને હું નાગ અને નાગીનની જોડી બનીને નાગપુરના છેવાડે આવેલ એ જંગલમાં ફરવા લાગ્યા હતા.

“કયાં ખોવાઈ ગયો કપિલ.. એ પુતળાને જ જોતો રહીશ કે શોપમાં પણ જઈશું??” નયનાના અવાજે મને ફરી આ દુનિયામાં લાવી દીધો.

“હા... કેમ નહિ?” મેં જવાબ આપ્યો અને અમે એ કાચથી શજાવેલ શોપમાં દાખલ થયા.

વુમન્સ આર્ટીકલ મુંબઈના મેઈન બજારમાં પ્રખ્યાત દુકાનોમાંની એક હતી. ત્યાં લેડીઝ વેરની દરેક ચીજ મળતી હતી. ત્યાં કપડા, હેન્ડબેગ, સુટકેશ દરેક ચીજ મળતી. એ દુકાન એક નાનકડો વુમન મોલ હતી. બસ દુકાનની ખામી એક જ કે ત્યાં માત્ર મહિલાઓ માટે જ ચીજો વેચાતી. પુરુષો પર્ત્યે દુકાનને કોઈ અજીબ અણગમો હશે.

“ઈટ લૂકસ લાઈક વી હેવ લકડ આઉટ.” નયનાએ શોપમાં દાખલ થતા જ કહ્યું.

“કેમ?”

“આટલી વેરાયટીમાંથી મારી મમ્મી સાથે હોય તો પણ મને સાંજ પડી જાય.” તે હસી.

“હા, પણ ફલાઈટને માત્ર બે કલાકની જ વાર છે અને એ ગનવાળો વ્યક્તિ એના સાથીઓ સાથે આપણને શોધી રહ્યો છે.” વિવેક જાણતો હતો નયના પાસે ઉતાવળે શોપિંગ કઈ રીતે કરાવવી.

“રીયલી? તો આપણે શોપિંગનો આઈડિયા કેન્સલ કરી એરપોર્ટ પહોચી જવું જઈએ.” નયના શોપિંગ કેન્સલ કરવા તૈયાર થઇ ગઈ. વિવેકના શબ્દોએ એને જરા વધુ ડરાવી નાખી હતી.

“તું જલ્દી કરે એ માટે મજાક કરી રહ્યો છું. આપણે બિલકુલ સલામત છીએ કોઈ આપણને શોધી નથી રહ્યું.”

“વિવેક. તને ખબર છે ને મને ડર લાગે તેવી મજાક મને પસંદ નથી.” નયના થોડી ગુસ્સે થઈ.

“મારી બહેન તો હમેશા કહે છે કે શાળામાં નયના બહાદુર હતી એને કોઈ વાતે ડર ન લાગતી.” વિવેક બોલતો હતો પણ એની નજર કાઉન્ટર સંભાળતા માણસોના ચહેરા પર ફરતી હતી.

“હું બહાદુર હતી.. પણ ભેડાઘાટ પર જે થયું એ જોઈને કોઈ વ્યક્તિ ડર્યા વિના રહી શકે એમ તને લાગે છે?” નયના વિવેક સાથે વાતો કરતી આમ તેમ અવનવા કપડા ઉપર નજર નાખી લેતી હતી.

“મેં આઈ હેલ્પ યુ?” એક સેલ્સ લેડીએ નયના નજીક જઇ પૂછ્યું.

“નો, થેન્ક્સ.. વી આર જસ્ટ બ્રાઉસીંગ.”

ત્યારબાદ નયનાની શોપિંગ શરુ થઇ. એણે પોતાના માટે એક એક ચીજ યાદ કરીને ખરીદવાની હતી. વિવેક એક બ્લુ હેન્ડબેગ લઇ આવ્યો અને મને પકડાવી.

“નયનનાને શોપીંગમાં મદદ કર ત્યાં સુધી હું બહાર નજર રાખું છું. મેઈન દરવાજા પર.”

હું એને કાઈ જવાબ આપું એ પહેલા એ ચાલ્યો ગયો. મને ત્યારે ખબર ન હતી એ મને કેવો ફસાવી ગયો હતો. એ જાદુગર પોતાની આદત મુજબ ત્યાંથી છટકી ગયો. એને ગાયબ થવાની આદત હશે.

“લૂક!” નયનાએ કહ્યું. મેં એની તરફ જોયું અને એની સાથે ચાલવા લાગ્યો. હું નયના સાથે દરેક રેક્સમાં ફર્યે ગયો. દસેક મીનીટમાં એ બેગ જીન્સ, ટી-શર્ટ, સ્ટ્રાઇપ્ડ ડ્રેસ, લેન્ગરીઝ, પેન્ટી હોઝ, બ્રાસ, સ્લીપ્સ, બેલ્ટ, શોકસ, ટૂથ બ્રશ, ટૂથપેસ્ટ, લીપ્સ્ટીક્સ, ટેમપુન્સ અને પેન્ટી લાઈનર્સ, હેર ક્લીપ્સ, પાવડર, માસકારા, બ્લુશ જેવી ચીજોથી ભરાઈ ગઈ હતી.

હું તેને નવાઈથી જોઈ રહ્યો. છોકરીઓને કેટલી ચીજોની જરૂર પડે છે મને નવાઈ લાગી. કદાચ એ કારણે જ વિવેક બહાનું બનાવીને ચાલ્યો ગયો હતો. નયના માત્ર મારી હાજરીમાં જ એ ચીજો ખરીદી શકતી હતી. મને થયું.

“પૂરું થયું કે હજુ કાઈ બાકી છે?” મેં ભારી બેગ ઉઠાવી પૂછ્યું.

“જસ્ટ ટોવલ અને નાઈટડ્રેસ.”

“આપણે એ વિભાગમાં ગયા નથી.??”

“ગયા હતા પણ એક આંટો ફરી લગાવવો પડશે ત્યારે કોઈ નાઈટડ્રેસ ગમ્યો જ નહી.” નયનાએ કહ્યું.

મેં હેન્ડબેગ સેલ્સ લેડીને હેન્ડઓવર કરી અને ફરી નયના સાથે નાઈટડ્રેસ અને ટુવાલ લેવા માટે ગયો. મારે એની પસંદગીના એ નાઈટડ્રેસ અને ટુવાલ કાઉન્ટર સુધી લઇ આવવા પડ્યા.

“સર, ક્રેડીટ કાર્ડ ઓર કેશ?” ડેસ્ક પાછળ બેઠેલ લેડીએ પૂછ્યું.

“ઓન્લી કેશ.” મને વિવેકનો અવાજ સંભળાયો. એના ચહેરા પર એક જોરદાર મુક્કો લગાવવાનું મને મન થયું પણ મેં મારી જાતને એમ કરતા રોકી.

વિવેક પાસે એટલી કેશ ક્યાંથી હતી એ પણ મને નવાઈ લાગી. પંદર હજાર ત્રણસોનું બીલ એણે કેશમાં ચુકવ્યું હતું જયારે અમે નીકળ્યા ત્યારે તેના ખિસ્સામાં એટલી રકમ હતી એમ વિચારવું મને યોગ્ય ન લાગ્યું. કદાચ મેં અને નયનાએ શોપિંગ કરી એટલા સમયમાં એણે એ રકમનો બંદોબસ્ત કર્યો હતો.

અમે વુમન્સ વિયર બહાર આવ્યા. કાર તરફ જવા લાગ્ય એ સમયે જ મને વિવેકનો અવાજ સંભળાયો, “માધવી.. સામે જે દેખાય એ આ વિસ્તારનું ફાઈનેસ્ટ રેસ્ટોરંટ છે. મને લાગે મુંબઈ છોડતા પહેલા એકવાર એને ટેસ્ટ કરવું જોઈએ.”

“કેમ નહિ? મુંબઈની યાદ રૂપે?” મેં કહ્યું.

અમે માધવી રેસ્ટોરાંમાં દાખલ થયા. એ વિદેશના રેસ્ટોરાં જેવું લાગતું હતું. અમે ત્યાં પણ ખૂણા પરના બુથ પર જ ગોઠવાયા.

“થ્રી પીઝા.” વિવેકે ઓર્ડર કર્યો અને અમારી તરફ જોઈ કહ્યું, “અહીના પીઝા ફેમસ છે. મેકડોનાલ્ડને પણ ટક્કર માટે તેમ છે.”

“એઝ યુ નો.” નયનાએ સ્મિત ફરકાવ્યું.

મેં અમારો ઓર્ડર આવે એ પહેલા એક પાતળા માણસને સામેથી ચાલીને અમારી તરફ આવતા જોયો.

“મિસ્ટર વિવેક.” એણે અમારા ટેબલ પાસે ઉભા રહી એકાદ પળ સુધી અમારા તરફ જોઈ રહ્યા બાદ કહ્યું.

“આઈ એમ હેપ્પી ટુ મિટ યુ મિસ્ટર નિસર્ગ.” વિવેકે ઉભા થઇ એની જોડે હેન્ડ શેક કર્યું એ પરથી મને લાગ્યું કે એ માણસ કામનો હશે અથવા વિવેક અત્યારે એની પાસેથી કામ લેવા માંગતો હશે.

“જયારે મને વેઈટરે ફોન કર્યો પહેલા તો મને એમ લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે.”

“તને મજાક લાગી?” વિવેકે ચહેરા પર નવાઈના ભાવ લાવતા કહ્યું. હું તેનું મન જાણતો હતો. એ ભાવ બનાવટી હતા. વિવેકને એના શબ્દો સાંભળી કોઈ નવાઈ લાગી નહોતી.

“વાય નોટ?” નિસર્ગે કહ્યું, “કોઈ મદારીને એક માંકડું પરેશાન કરે છે એ સાંભળી નવાઈ તો લાગે જ ને?”

એણે મદારી શબ્દ વિવેક માટે વાપર્યો હતો અને જે નવા નિશાળિયા જેવા માણસે અમારા પર હુમલો કર્યો હતો એના માટે માંકડું શબ્દ વાપર્યો હતો. કદાચ હું જાદુગરોની કોડ ભાષા ઉકેલવા લાગ્યો છું - થોડા ઘણા અંશે. મને એમ લાગ્યું.

“હા, કેમ એક માંકડું ક્યારેક એક મદારી પર કુદકો ન લગાવી શકે? કઈ ખબર પડી એ માંકડું કોનું હતું?” વિવેકે પૂછ્યું.

“હા, તમે કહ્યું એ મુજબ એ નાગપુરના જંગલથી છૂટીને આવ્યું હતું. કદાચ એના માલિકે એને એની ક્ષમતા કરતા મોટું કામ સોપી દીધું હતું.”

“ના એનો માલિક એવું ન કરે... એણે જે મદારી પર હુમલો કર્યો એ મદારી અને એ માંકડાને શીખવનાર વ્યક્તિ એક જ છે. એ વ્યક્તિને ખયાલ છે. એને પૂરો અંદાજ હતો. એ જાણતો હતો કે એ મદારી માટે કોને મુકવો જોઈએ.” વિવેકે કહ્યું.

વિવેકની વાત સાચી હતી. કદંબે જ વિવેકને તાલીમ આપી હતી. કદંબ જાણતો હતો કે વિવેકમાં કેટલી શક્તિ છે. એને અંદાજ હોય જ કે વિવેક માટે એણે કોને મુકવો જોઈએ. કમ-સે-કમ એ કોઈ નવા નિશાળીયાને તો ન જ મુકે. જરૂર કદંબ કોઈ ચાલ ચાલી રહ્યો હતો.

“મને એક વાત હજુ નથી સમજાઈ મિસ્ટર વિવેક...” નિસર્ગે કહ્યું.

“કઈ વાત?”

“તમે અહી છો અને એ વ્યક્તિએ તમારા જેવા વ્યક્તિ માટે સામાન્ય માંકડું મુક્યું અને એ પોતે ગુજરાત ગયો છે પોતાના બધા જ ખૂંખાર જાનવરો સાથે. કદાચ એ કોઈ ખૂંખાર મદારી સાથે રમત રમવા ગયો હશે? નિસર્ગે કહ્યું.

“મને સમજાઈ ગયું છે. થેન્ક્સ મિસ્ટર નિસર્ગ ઇન્ફોર્મેશન બદલ થેન્ક્સ. તમે ચાહો તો પીઝા આવે એ ટેસ્ટ કરવા રોકાઈ શકો છો...” વિવેક કોઈ બિઝનેશની ડીલ કરતો હોય એમ બોલતો હતો.

“ના, મારે પણ એક માંકડાને શો કઈ રીતે કરાય એ શીખવવાનું છે. ફરી મળીશું...” કહી એ ચાલતો થયો.

“નંબર ટુ ગુજરાતમાં છે.” વિવેકે કહ્યું.

“આપણે નયનાને હોસ્ટેલ મૂકી સીધા જ ગુજરાત જવું પડશે...” મેં કહ્યું ત્યાં સુધીમાં અમારો ઓર્ડર આવી ગયો હતો.

“ગુજરાત ક્યાં કોઈ ગામ છે? એવડા મોટા રાજ્યમાં તમે નબર ટુ ને ક્યાં શોધશો?” નયનાએ એક પીઝા ડીશ મારા તરફ અને એક વિવેક તરફ ખસાવતા કહ્યું.

“નંબર ટુ છુપાઈને રહી શકે છે પણ કદંબ નહી. એને ક્યાં શોધવો એ હું જાણું છું.” વિવેક કદંબની રગ રગથી વાકેફ હતો.

“તો એણે એ વ્યક્તિને આપણી પાછળ કેમ મુક્યો જે વ્યક્તિ આપણને હરાવી શકે તેમ ન હતો?”

“આપણને ગુમરાહ કરવા માટે.. કદંબે એક સામાન્ય પ્યાદાને આપણી પાછળ મુક્યું જેને હાથ તાળી આપી આપણે નીકળી ગયા અને આપણે મનમાં હરખાતા રહીએ કે કદંબ આપણને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ કદાચ કદંબ એ વાત ભૂલી ગયો છે કે એક મુહુર્તમાં જન્મેલ બધા નાગ એકબીજા સાથે જોડાયેલ હોય છે.. એમાંના એકને મારી નાખીએ તો બાકીનાને એના અપમૃત્યુના સમાચાર તેમના શરીર પર નાગમંડળની આકૃતિ રચાઈ મળી જાય છે.” વિવેકે પાણીનો જગ ટેબલના ખૂણા તરફ ખાસાવ્યો. એણે એ કેમ કર્યું મને સમજાયું નહિ.

“કદાચ એને એ વાતની ખબર ન પણ હોય?” નયનાએ સંભાવના રજુ કરી.

“એ કઈ રીતે શક્ય છે?” મેં કહ્યું, “એ જાદુગર છે એને એ ખબર હોય જ.”

“ના, એ જરૂરી નથી... મારા દાદા અમારા કબીલાના સરદારના ખાસ મિત્ર હતા એટલે એમને એ જ્ઞાન હતું અને એ જ જ્ઞાન મને અને મારા પિતાજીને મળ્યું છે કદાચ એવું બની શકે કે કદંબ જાદુગર હોય પણ તે મદારી ન હોય તો એની પાસે એ જ્ઞાન ન પણ હોય.” વેવેકે સમજાવ્યું.

“તો એ નાગને બચાવવા સહેલું બની જાય.” મને આશાનું કિરણ દેખાયું.

“હા, પણ જો એમાંના દરેક નાગને પણ એ જ્ઞાન હોય તો જ.” વિવેક કોઈ સંભાવના છોડવા માંગતો નહોતો.

“એમાંના દરેક નાગને એ જ્ઞાન હોય મતલબ? શું કોઈ નાગ એવો પણ હોઈ શકે જેને ખબર જ ન પડે કે તેના શરીર પર એ નાગમંડળ કેમ બન્યું છે? કમ-સે-કમ એ તે નાગમંડળનો પતો લગાવવાનો પ્રયાસ કરે જ.” નયના બોલી.

“હા, પણ કોઈ નાગ સાથે એના માતા પિતા કે કોઈ ગાર્ડિયન ન હોય તો? એને કદાચ એ જ ખબર ન હોય કે એ નાગ છે તો? કદાચ એને ક્યારેય પોતાની નાગની શક્તિનો ઉપયોગ જ ન કર્યો હોય તો? કદાચ એ પોતાને માનવ સમજીને જીવી રહ્યો હોય તો?” વિવેકે અનેક શક્યતાઓ રજુ કરી. જે દરેક વાજબી હતી.

“હા, એ મુદ્દો પણ છે.” મેં કહ્યું.

મને પોતાને જ હું આઠ વરસનો થયો ત્યાં સુધી ખબર ન હતી કે હું જે બાળકો સાથે રમુ છું એમના કરતા અલગ છું. એ બધા માનવ બાળ છે અને હું નાગ છું. મને એ સમયે પાછળના જન્મની યાદો પણ ન હતી. એ મને મારા તેરમાં જન્મ દિવસ પછી અને ખાસ તો કોલેજમાં નયનાને મળ્યા પછી મળી હતી.

કદાચ એક નાગને કોઈ કહે નહિ કે એનામાં કઈ શક્તિ છે કે એ એક નાગ છે તો એવું પણ બની શકે કે તે જીવનભર પોતાની જાતને માનવ સમજીને જીવતો રહે કેમકે તેના બાહ્ય દેખાવમાં અને તેની આસપાસ જોવા મળતા માનવીમાં કોઈ જ ફેર નથી હોતો. આમ પણ જો કોઈ નાગ પાસે તેનો ગાર્ડિયન કે પેરેન્ટ્સ ન હોય અને તેને તાલીમ ન મળે તો એને રૂપ બદલતા આવડે જ નહી.

તો કદાચ એને જીવનભર ખબર જ ન પડે કે એ એક નાગ છે. અને જો નંબર ટુ સાથે એવું થયુ હશે તો એને બચાવવો મુશ્કેલ બની જશે કેમકે એ પોતાના વિશે કઈ જાણતો જ નહિ હોય અને કદંબ એને શોધી લેશે. મારા મનમાં એ વિચાર પર ગભરાહટ થવા લાગી.

“આપણે હવે નીકળવું જોઈએ.” નયનાએ કહ્યું.

“હા, એક મીનીટ.” વિવેક કાઉન્ટર પર બીલ ચૂકવી જયારે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં બ્લેક રંગનો એક નાનકડો હોલ્ડ ઓલ હતો.

“લેટ્સ ગો.” એણે થેલો ખભે ભરાવ્યો.

“આ બેગ.” મેં ઉભા થતા પૂછ્યું.

“વેપન્સ છે.. ગુજરાત જઈએ ત્યાં જરૂર પડશે. એમાં આપણા માટે કપડા પણ છે.” વિવેકના જવાબ સાથે અમે ત્રણેય કાર તરફ રવાના થયા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky