ભૂરી.
*************
વૈભવી બંગલોસ ના નવ નંબર ના બંગલાની
ડોરબેલ રણકી.બેલની ચકલી ચીં ચી કરતી
અંદર ચાલી ગઈ.નિશા એ ઘડિયાળ તરફ
નજર દોડાવી.કામવાળી રામી, એમ વિચારી
દરવાજો ખોલ્યો.રામી ને જોઈ તે પાછી વળી
સોફા પર બેઠી.
અંદર આવી રામી એ દરવાજો બંધ કર્યો.
અને તે કિચન બાજુ જવા લાગી.નિશાએ
જોયું તો આજ તેની સાથે એક ત્રણેક વર્ષની
દેખાવડી રૂપાળી છોકરી તેનો હાથ ઝાલી
પહેરેલું ફ્રોક ઊંચું કરી મોઢામાં દબાવી નિશા
સામે જોતી જોતી પસાર થઈ.
નિશા તો નાની બાળકીનું રૂપ જોઈ દંગ
થઈ ગઈ.ખૂબ રૂપાળી, બ્લુ ઝાય ધરાવતી
આંખો, સોનેરી વાંકડીયા ઝગારા મારતા
વાળ,જાણે ગોરી ગોરી નાનકડી પરી.એને
જોઈ તરત તેણે રામીને પૂછ્યું,
"અરે રામી આ કોણ છે ! કોની દીકરી છે."
શ્યામવર્ણી અને ચહેરા પર થોડા શીતળા ના
ડાગા વાળી રામી થોડી ખચકાઈ ને ઉભી રહી.
અને નિશા તરફ જોઈ થોડું તોછડાઈ થી
કહ્યું," કોની છોરી છે ! તે મારી છે કેમ.!"
આમ કહી તે બુલબુલ જેવી છોકરી નો હાથ
ઝાલી રસોડા બાજુ ચાલી ગઈ.
નિશાને ખૂબ નવાઈ લાગી.રામી પોતાને ત્યાં
ચારેક વર્ષ થી વાસણ ઝાડુ પોતા કરવા આવતી.
દેખાવે ભલે થોડી કાળી પણ એની બોલી બહુ
મીઠડી રહેતી.કામ પણ એવું ચોખ્ખું કરતી કે
કંઈ કહેવાપણું ન રાખતી.ક્યારેક મહેમાનો ને
લીધે વધારે કામ હોય તો પણ હસતે હસતે કરી
લેતી.
નિશા વધારાના કામ પેઠે કંઈક આપવા ઈચ્છે તો પણ ના પાડતી. વધારે કંઈ અપેક્ષા
ન રાખતી અને કહેતી,"મેમાન તો બુન ભાગસાડી
ના ઘેર હોવે,ઇના વધારે પૈસા હોય ,!"
જોકે નિશા બીજી રીતે સાટું વાળી દેતી.પણ
આજના એના આવા બેપરવા અને કઢંગા
જવાબ થી પોતે હેરાન હતી.એના મોઢે હમેશાં
હાસ્ય રમતું અને આજે !
નિશા ઠરેલ સ્વભાવ ની સ્ત્રી હતી. તેને થયું
કંઈક ચિંતા કે તકલીફ હશે એટલે આવો જવાબ
આપ્યો.અહીં બેઠે બેઠે તેણે કિચન તરફ જોયું.
એ ગોળમટોળ બેબી જમીન પર બેસી પાચીકા
જેવી કોઈક વસ્તુ થી રમતી હતી.પરાણે પણ
બોલાવવા.,રમાડવાનું મન થાય એવી ક્યૂટ
બેબીને નિશા જોતી જ રહી અને વિચાર્યું.
આવું રૂપાળું બાળક તો આખી કોલોનીમાં
કોઈનું નથી.અને કોલોની શું ! સગા-વ્હાલા
સંબંધીઓ માં પણ કોઈનું હોય એવું યાદ
ન આવ્યું.અને રામી કહે છે "કોની તે શું મારી
દીકરી છે."વાત માન્યા માં આવે તેવી તો
નથી જ....રામ જાણે...
તેને ન્યૂઝપેપર ઉપાડી વાંચવા ખોલ્યું,એ
પહેલા તેણે એક નજર કિચન બાજુ ફેરવી.
નાની રમકડી જાણે,તેની સામે જોઈ હસી.
એના ભોળા અને મધુર હાસ્યથી નિશા તો
આનંદીત થઈ ગઈ.પેપર બાજુ પર રાખી તે
તરત કિચનમાં ગઈ ,એક નજર રામી તરફ
જોયું અને એક ડબામાંથી બે ચોકલેટો લાવી
એ બેબી સામે ધરી.
એ ક્યૂટ બેબીએ બે હાથ પહોળા કરી
ના ,એવા અંદાઝ માં આખું શરીર હલાવ્યું.
"લે બેટા લે" કહી,નિશા નીચી નમી,ત્યાં રામીએ
કહ્યું,"ભૂરી લઈ લે ,બુન દે છે.'તો" અને બેબીએ
ઝડપથી નિશાના હાથમાંથી બને ચોકલેટો
લઈ લીધી.એના નાના હાવભાવથી નિશા
ખુશ થઈ તેના ગાલે હળવી ટપલી મારી
ત્યાંતો તે સંકોચાઈ. નિશાને મજા પડી ગઈ.
અને કહ્યું,
"રામી ભુરકી નામ છે આનુ !"
"નામ તો ભૂરી રાખ્યું છે બુન, પણ બધા
ભુરકી કે છે."
"કોની દીકરી છે !"નિશાથી પુછાઈ ગયું.
રામી ચૂપ થઈ ગઈ.કંઈ જવાબ ન.આપ્યો.
નિશા બહાર સોફા પર બેસી પેપર વાંચવા
લાગી.પરંતુ તેનું ધ્યાન વારંવાર ભૂરી તરફ
જતું હતું.
થોડીવારે રામી ભુરીને લઈ જતી રહી.
દરરોજ જતી વખતે "જઉં હો કે બુન" કહેતી
રામી આજ જાણે મોં ફુલાવી જતી દેખાઈ.
બે ત્રણ દિવસ આમજ ચાલ્યું.પ્રેમથી
અલક મલકની વાતો કરતી રામી હવે
મૌન બની ગયેલી.નિશા ને એમ કે કંઇક
કૌટુમબિક પ્રોબ્લેમ હશે,કે કોઈ વાત ની
ચિંતા તેને સતાવતી હશે.થોડા દિવસ.બાદ
પૂછીશ તો જરૂર બતાવશે. રામી ઝાડુ-પોતા
કરતી હોય ત્યારે ભૂરી નિશા પાસે.આવી
કાલી ઘેલી ભાષામાં વાતો કરતી.
નિશા ,ચોકલેટ બિસ્કિટ આપતી તો તે
લેવા તે હાથ ઊંચો કરતી.આવી મસ્ત
ક્યૂટ બેબીને તે બે હાથે ઉપાડી લેતી ચુંબન
ચોડી દેતી.જાણે રાધારાની નું નાનું રૂપ.તેની
ખિલખિલાહટ અને તેનું શરમાવું, છુપાઈ
જવું એવી હરકતો થી નિશાને આનંદ આવતો.
નિશા તેને રમાડતી.તેના માથે તે પોતાના
દુપટાનો છેડો રાખતી ત્યારે તે જાણે નનકી
નનકી વહુ દેખાતી.પણ રામી મૌન રહેતી.
નિશાને આ વાતથી થોડું દુઃખ થતું.ચોથે
પાંચમે દિવસે રામી આવી,નિશાએ દરવાજો
ખોલ્યો,પણ આજ રામી એકલી આવી.ભુરીને
સાથે ન જોતા તરત નિશાથી પુછાઈ ગયું,"આજ
ભૂરી ન આવી !" રામીએ જવાબ આપ્યા વગર
કિચન બાજુ ચાલતી પકડી. નિશાએ જોયું
રામી સાડીના છેડાથી આંખો લૂછતી દેખાઈ.
નિશાને પોતે શું કરવું !શું પૂછવું ! તે કંઈ જ
સુજ્યું નહીં. પોતે પેપર વાંચતી રહી પણ
મનમાં રામી અને ભૂરી ના જ વિચારો આવતા
રહ્યા.તેણે વિચાર્યું આજ પ્રેમ થી પુછુ અને
કંઇક પ્રૉબ્લેમ હોય તો હું હેલ્પ કરું.
થોડીવારે બધું કામ પતાવી પાણીની ડોલ
લઈ તે ડ્રોઈંગરૂમમાં ફતો કરવા આવી.નિશાની
નજર ત્યાં ગઈ.તે ઘણુ રોઈ હોય એવી એની
આંખો હતી.
નિશાએ પૂછ્યું,"રામી ઘણા દિવસથી તું
કંઇક ચિંતામાં દેખાય છે ! શું કંઈ તકલીફ છે."
તે સાથેજ તે રડી પડી.ડોલમાં હાથ ધોઈ સાડીનો
છેડો આંખે ધરી દીધો.નિશા શાંત અને માયાળુ
સ્ત્રી હતી. તે તેની પાસે ગઈ અને માથે હાથ
રાખ્યો અને કહ્યું,"રામી !"
રામીએ ડૂસકું ભર્યું.નિશાએ થોડીવાર તેને
રડવા દીધી.અને સાંત્વના આપી શાંત કરી.
હવે રામી જાણે પોતાની રામકહાણી કહેવા
લાગી.
"નિશાબુન તમે મુને પૂછ્યું હતું કે આ કોની
દીકરી છે ! સાચી વાત કહું બુન એ મારી જ
દીકરી છે.મારી જ કુખે મેં જન્મ આપ્યો છે.
ક્યાંય છીનાળુ નથી કર્યું બુન."
અને ફરી રડી પડી.નિશાએ કહ્યું, "એતો
સારી વાત છે રામી અને આનંદ ની વાત છે,
એને લઈને આમ રડાય !"
"શું ધૂળ સારી વાત છે ! બુન. હું મુઈ તમ
લોકોની વાતમાં આવીને નકલ કરવા ગઈ 'ને
આ ભૂરી નો જનમ થિયો."
નિશા સ્તબ્ધ થઈ ગઈ અમારી નકલ ! તેણે
ધીરેથી પૂછ્યું,"રામી નકલ એ વળી શુ !"
રામીના ડુસકા ચાલુ હતા .એણે જે વાત કહી
તે સાંભળી નિશા તો અચરજ પામી ગઈ. એણે
રામી સામે આશ્ચર્ય થી જોયું.
"બુન આ અગિયાર નંબર વાળા માલાબેન
સે 'ને," નિશાએ હકારમાં હા કહી.
"હું ઇના ઘરે પણ કામ કરૂં છું.ઇકવાર ન્યા કામે
ગઈતી ત્યાં મલાબેનની તૃપ્તિ સુવાવડ કરવા
આઇ 'તી.
"હા રામી એની મને ખબર છે."
"એની ઘેરે ભગવાને દીકરો દીધો. હું તો તેના
દીકરાને જોતી જ રહી ગઈ.પંદર વી દી નો છોરો
ચાર માસ જેવડો લાગતો 'તો."
"હું કામ કરતી હતી ત્યારે એ લોકો અંદરો
અંદર વાતો કરતા 'તા,તૃપ્તિની ભાભીએ પૂછેલું
"તૃપ્તિ બાબો કોના પર ગયો છે " તૃપ્તિબેને
કહ્યું,"અમારા બને પર ગયો છે, પણ અમારા
બને કરતા રૂપાળો છે 'ને !
હું આ વાત સાંભળતી હતી. તૃપ્તિબેને
કહેલું, "રાઝ ની વાત કહું ભાભી, મને ત્રણેક
મહિના ગયા હશે ત્યારે તમારા નણદોયા એક
સુંદર મજાની ફ્રેમમાં નાના સુંદર બાળકનો
ફોટો લાવી અમારા બેડરૂમમાં લગાવેલો અને
મને કહેલું, તું આ રૂમમાં હો ત્યારે આ ફોટા
સામે જોવાનું અને મનમાં એવું ધારવાનું કે
મને આના જેવો જ દીકરો આવે, અને આવ્યો.
બને નણદ ભોજાઈ હસી પડ્યા.
"ભાભી બીજીવાર આવીશ ત્યારે એ ફોટો
તમારા બેડરૂમમાં લગાવવાની છું"
"ઇ વાત હું સાંભળતી 'તી નિશાબુન. મુને
પણ ત્રીજો જતો 'તો.તે સાંજે હું કામ પતાવી
ગીરે જતી તી ત્યારે શેરીના નાકેથી રેકડીવાળા
પાહેથી એક નનકી છોરીનો સારો ફોટો લીધો.
અને મારી ખોલીમાં ટીંગવાડી દીધો.
" તે રાતે મારા ધણીએ પૂછેલું પણ મેં.કહ્યું,
આમાં તુને કંઈ ખબર નો પડે."હું રોજ સવારે
સાંજ ઇ ફોટાને જોતી અને.હરખાતી ઈનું
પરિમાણ આયુ આ ભુરકી."આમ કહી તેણે
ફરી આંખો લૂછી.
"પણ એતો સારું જ થયું ને રામી !"નિશાએ કહ્યું,
"શુ ધૂળ સારું થયું બુન, આ છોરી નું રૂપ
જોઈ ઘરના બધા મુને તીરસ્કારવા લાગા. ખુદ
મારા ઘણી એ કીધું આ છોરી મારી ન હોય.
અને મુને મારી ને ગરે થી કાઢી મૂકી."
નિશા સમજી ગઈ અને જોતી જ રહી.
" હું માવતર ગઈ , બાપુ તો ક્યારના વ્યા ગ્યાં
તા. માં ને ભાઈ ભાભી છે . આ વાત જાણી
ઇ પણ મુને શંકા થી જોવા લાગ્યા.મારુ તો
આ ભુરકીએ જીવતર બગાડી નાખ્યું.હું ક્યાંક
કૂવો અવાળો ન પૂરું એ બીકે મુને રાખી છે.
નિશાતો તેને આશ્ચર્ય થી જોતી રહી.તેને
પણ રામી ની વાત સાચી લાગી.
"બુન ક્યારેક તો મુને એવું થાય કે આ
ભુરકી ને ગળેટુપો દઈ દઉં, પણ મારો જીવ
ના પાડે છે,ઇમા ઇ બચાડી નો શો ગનો."
નિશાએ કહ્યું,"ગાંડી થઈ છો, એવું કરાય !
તું કહે તો હું અને સાહેબ તારે ત્યાં આવી
મોહનને અને.તારા ઘરના સભ્યો ને સમજાવીએ
અને એવું હોય તો ડી એન એ ટેસ્ટ પણ
કરાવીએ."
"ઇવા ટેસ્ટ બેસ્ટ થી બુન કોઈ સમજે ઇવા
નથી.મેં રામાપીર ના સમ ખાધા,નાક ઘસ્યું,
પણ જ્યાં ધણી શંકા મંછા નું ભૂત ભસ્યું હોય
તઇ કોનું કુંણ ,!" કહી તે ચાલી ગઈ.
આ વાત નિશાએ નીરવ ને કહી .બને એ
કંઇક નકી કર્યું. બીજે દિવસે રામી આવી ને
કામમાંથી નવરી થઈ જતી હતી ત્યારે નિશાએ
તેને બેસાડી પ્રેમથી કહ્યું,
"રામી તું ભૂરી ની ચિંતા છોડી દે,શું તું અમને
દત્તક આપી શકે !"
"તો તો બુન ઇ લોકો વધારે વહેમાય. તમુને
અમારી કોમ ની કાંઇ ખબર નો પડે.જેવા મારા
'ને ભુરકી ના નસીબ બીજું શું.?"
""તો તું બીજો વિચાર પણ કરી જોજે.ભૂરી
ના ભવિષ્ય સામે તો જો.તું અહીં મારા મકાનના
પાછળ રૂમમાં રહે ,ભૂરી ને અમે ભણાવીશું,
ગણાવીશું.નહીંતર તો આ ફૂલ જેવું બાળક
સાવ કરમાઈ જશે."
રામી તે વખતે તો અવઢવમાં ચાલી ગઈ.
બે ત્રણ દિવસ સુધી તો દેખાઈ નહીં. ચોથે
દિવસે ડોરબેલ વાગી .નિશાએ દરવાજો
ખોલ્યો સામે રામી ઉભી હતી.તેણે ભૂરી ને
કાંખ પરથી ઉતારી અને જૂની લોખંડ ની
બેગ બાજુ પર રાખી ,દરવાજો બંધ કરી
નિશાના પગમાં પડી ગઈ.
"બુન હવે હું તમે કહેશો ત્યાં પડી રહીશ
આખી જિંદગી તમારી સેવા ચાકરી કરીશ.
હું તો મારા લોકની તરછોડાયેલી છું,ન ત્યાંની
રહી ન.આઈની."
ભૂરી ફ્રોક ઊંચું કરી તેનો છેડો ચાવતી માં ની જાણે અવદશાજોઇ રહી. નિશાએ તેનેખોળામાં લીધી.
""""""""''"""""""""""""""""""'"''
આજની તારીખે ભુરકી ,નિશાની નામ
ધારણ કરી કોલેજ ના છેલ્લા વર્ષ માં
અભ્યાસ કરે છે.હા નિશાએ પોતાનું
અને નિરવના નામના અક્ષરો ગોઠવી
તેનું નામ નિશાની પાડેલું. દસેક વર્ષ
પહેલાં રામી બીમાર પડેલી,તપાસમાં
તેને છેલ્લા સ્ટેજનો ટી બી નીકળ્યો.
તેના ભાઈ ભાભી ડેડ બોડી લેવા
આવેલા પણ નિશાની ની તરફ નજર
પણ ફેરવી નહોતી.
આ બીના સત્ય સાથે થોડી કલ્પના
ઉમેરી લખી રહ્યો છું.
""""""""""""""'''''''''''"''