The ring - 8 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 8

Featured Books
Categories
Share

ધ રીંગ - 8

The ring

( 8 )

આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે છે.. આ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે છે.. પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. હનીફ અપૂર્વને આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે.

પોલીસ સ્ટેશન પ્રથમ વખત ગયાં છતાં પોતે પોતાની સાથે જે કંઈપણ બન્યું હતું એની ફરિયાદ નોંધાવવાના બદલે મેઈન પોલીસ ઓફિસર ગોપાલ ઠાકરે ની અનુપસ્થિનાં લીધે ત્યાંથી પાછી આવી ગઈ હતી.. અત્યારે આલિયા એ વિશે જ વિચારતી હતી કે એને બીજીવાર પોલીસ સ્ટેશન જવું જોઈએ કે નહીં.

"આલિયા તારે ચોક્કસ ગોપાલને મળવું જોઈએ.. એ નક્કી તારી મદદ કરશે.. પણ આમ કરવું યોગ્ય કહેવાશે.. જે વ્યવહાર તે ગોપાલની સાથે ભૂતકાળમાં કર્યો હતો એ પછી તો ગોપાલ તારી કોઈ મદદ નહીં જ કરે.. અને કરશે તો પણ એક પોલીસ ઓફિસર તરીકે.. નહીં કે એક મિત્ર તરીકે.. "પોતાની જાત સાથે જ આલિયા વાતો કરી રહી હતી.

આ સવાલો નાં જવાબ શોધતાં શોધતાં આલિયા એ પોતાનાં ભૂતકાળમાં પહોંચી ગઈ જ્યારે એ કોલેજમાં અભ્યાસ કરતી હતી.. ગોપાલ પણ આલિયા ની સાથે જ અભ્યાસ કરતો એક ગરીબ પરિવારમાંથી આવતો, દેખાવમાં સામાન્ય એવો યુવક હતો.. ગોપાલ ભણવામાં ઘણો તેજસ્વી હતો પણ એ હંમેશા એકલો એકલો પોતાની દુનિયામાં મસ્ત રહેતો.

પોતાની અંગત દુનિયા સિવાય ગોપાલની એક બીજી દુનિયા પણ હતી અને એ હતી આલિયા.. કોલેજનાં પ્રથમ દિવસનાં, પ્રથમ લેક્ચર દરમિયાન આલિયા તરફ પ્રથમ નજર પડતાં જ ગોપાલ આલિયા પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગ્યો.. ગોપાલ જાણતો હતો કે આલિયા સામે એનું કંઈ આવે એવું નથી છતાં એ આલિયા ને ખૂબ જ પ્રેમ કરતો.. એકતરફો અણીશુદ્ધ પ્રેમ.

આલિયા ભણવામાં સામાન્ય કહી શકાય એવી સ્ટુડન્ટ હતી એટલે પોતાને જરૂરી પ્રોજેકટ અને થિસીસ લખવામાં મદદ થાય એ હેતુથી આલિયા એ ગોપાલ સાથે મિત્રતા કરી હતી.. ગોપાલ તો આલિયાની આ મતલબી મિત્રતામાં પણ ખૂબ જ ખુશ હતો.. એને તો ક્યારેય આલિયા એની સામે હસીને બે-ચાર સારી વાતો કરી દે તો પણ એવું લાગતું જાણે સ્વર્ગ મળી ગયું.

આમ ને આમ બે વર્ષ જેટલો સમય વીતી ગયો.. આલિયા પહેલેથી જ થોડાં બોલ્ડ વિચારો વાળી છોકરી હતી એટલે ઘણાં યુવકો સાથે એને અફેયર પણ હતાં.. આ બધી વાતો ગોપાલ જાણતો હોવાં છતાં એનાં મનમાંથી આલિયા માટેનો પ્રેમ થોડો પણ ઓછો થયો નહોતો.. ઉલટાનું એ તો વીતતાં સમયની સાથે આલિયા ને વધુ ને વધુ પ્રેમ કરવાં લાગ્યો હતો.

કોલેજનું લાસ્ટ યર હતું અને વેલેન્ટાઈન ડે નો દિવસ હતો.. આલિયા એ એક પૈસાદાર બાપનાં નબીરા હર્ષલ ને બધાં ની વચ્ચે સામેથી પ્રપોઝ કર્યું ત્યારે હર્ષલે આલિયા ને બધાં ની વચ્ચે એવું કહી નકારી દીધી કે પોતે તો ફક્ત ફિઝિકલ નિડ પુરી કરવાં આલિયાની જોડે ટાઈમપાસ કરતો હતો બાકી પ્રેમ અને આલિયા જેવી છોકરીને..?

હર્ષલનો આ જવાબ સાંભળી બધાં વચ્ચે બેઈજ્જત થયેલી આલિયા રડતી રડતી કોલેજ નાં પાર્કિંગમાં આવીને બેસી ગઈ.. આ બધું ગોપાલ જોઈ રહ્યો હતો.. ગોપાલ આલિયા ની પાછળ-પાછળ ગયો અને એને આલિયાને શાંત રાખવાની કોશિશ કરી.. ગોપાલ જે રીતે પોતાને સાંત્વનાં આપી રહ્યો હતો એ આલિયા ને સારું લાગ્યું અને એ ભાવાવેશમાં આવી ગોપાલને ભેટી પડી.

ગોપાલ ને આલિયા નું આ વર્તન થોડું વિચિત્ર લાગ્યું અને એ સમજ્યો કે આલિયા ને પ્રપોઝ કરવાનો આ યોગ્ય સમય છે.. એટલે ગોપાલે મનોમન હિંમત એકઠી કરી વર્ષોથી દિલમાં છુપાવેલો પોતાનો આલિયા તરફનો પ્રેમ એની સમક્ષ રજુ કરતાં આલિયા ને બધાં ની સામે પ્રપોઝ કરી લીધું.

હર્ષલ દ્વારા પોતાનો પ્રપોઝ નકારતાં ગુસ્સે થયેલી આલિયાએ પોતાનો બધો ગુસ્સો ગોપાલ પર ઉતારી દીધો.. ગોપાલ ને જાહેરમાં એક લાફો મારી એને ગરીબ ભિખારી અને એનાં દેખાવને લઈને ઘણું ભાંડયા બાદ આલિયા તો ત્યાંથી નીકળી ગઈ... અને એ દિવસથી આલિયા એ ગોપાલ જેવો સાચો પ્રેમ કરનારો વ્યક્તિ અને એક સારામાં સારો મિત્ર ખોઈ દીધો.

એ દિવસ પછી ગોપાલે ક્યારેય આલિયા સાથે વાત કરી નહીં.. આલિયા જ્યારે કોલગર્લ નાં ધંધામાં હતી ત્યારે એને ખબર પડી કે ગોપાલ પી. એસ. આઈ બની ગયો છે.. થોડાં દિવસ પહેલાં જ દાદર વિસ્તારમાં થયેલાં એક હત્યા નાં બનાવની તપાસનાં સમાચાર વખતે ગોપાલ નો ઉલ્લેખ આલિયા એ સાંભળ્યો હતો.. ગોપાલ શાયદ આજે પણ પોતાને પ્રેમ કરતો હશે એમ માની મદદ માટે આલિયા ઘણી બધી હિંમત એકઠી કરી દાદર પોલીસસ્ટેશન પહોંચી હતી.. પણ ગોપાલ ત્યાં ના મળતાં હતાશા સાથે આલિયા ઘરે આવી ગઈ.

એકવાર તો પોતે મહાપરાણે હિંમત એકઠી કરી ગોપાલને મળવાની કોશિશ કરી જોઈ પણ હવે બીજીવાર ગોપાલને મળવાં જવાનું આલિયા વિચારી શકે એમ નહોતી.. એનાં પગ હવે ફરીથી ગોપાલ જ્યાં ફરજ નિભાવતો એ દાદર પોલીસ સ્ટેશન જવાં ઉપડે એમ જ નહોતાં.

બપોરે આલિયાએ થોડું જમવાનું બનાવ્યું અને જમીને થોડો સમય ટીવી જોઈને સુઈ ગઈ.. આજનો દિવસ તો પોતે ક્યાંય નથી જવાની એવું મન આલિયા બનાવી ચુકી હતી.. હવે તો આવતીકાલે જ એ અપૂર્વ અને અમન વચ્ચે શું સંબંધ હતો એની તપાસ પોતાની રીતે જ કરશે એવો નિર્ણય આલિયા લઈ ચુકી હતી.

સાંજે આલિયા પોતાની કોટેજથી દોઢેક કિલોમીટર દૂર આવેલાં મોલ માં જઈને જીવન જરૂરિયાતની અમુક વસ્તુઓ લેતી આવી.. સાંજે ઘરે આવીને આલિયા એ પોતાનાં માટે ચીઝ મેગી બનાવી.. જમવાનું પૂર્ણ કર્યાં બાદ આલિયા ટીવી ચાલુ કરીને બેઠી.. ઘણીબધી ચેનલો બદલ્યા છતાં પણ પોતાનાં ગમતું કંઈપણ ટીવી પર ચાલુ નહીં હોવાથી આલિયા કંટાળીને મોબાઈલ મંતરવામાં વ્યસ્ત થઈ ગઈ.

શિયાળાનાં દિવસો ચાલુ રહ્યાં હોવાથી વાતાવરણમાં ઠંડક હતી.. આલિયા નું કોટેજ વળી એવી જગ્યાએ જતું જેની અડધો કિલોમીટર એરિયામાં કોઈ રહેણાંક વિસ્તાર જ નહોતો.. નજીકમાં થોડાં ફાર્મહાઉસ જરૂર હતાં પણ એ ફાર્મહાઉસ નાં માલિકો વર્ષે દસ-પંદર દિવસ ત્યાં પાર્ટી કરવાં આવતાં.. એ સિવાય એ ફાર્મહાઉસ માં સન્નાટો જ વ્યાપ્ત રહેતો.

બીજું કોઈ હોય તો એકલું આ વિસ્તારમાં રહેવું પસંદ કરે જ નહીં.. પણ આલિયા આ બધાં સન્નાટાથી ટેવાઈ ગઈ હતી. ઉપરથી હવે તો આલિયા જ્યારે મુંબઈ સિટીમાં જતી ત્યારે એનો શ્વાસ રૂંધાતો હતો.. રાતનાં દસ વાગી ગયાં હતાં ત્યાં કૂતરાંઓનો જોરજોરથી ભસવાનો અવાજ સાંભળી આલિયા થોડી ચમકી ગઈ.

કોઈ અજાણ્યો ડર આજે આલિયા નાં મનને ઘેરી રહ્યો હતો.. કોણ જાણે કેમ આજે પ્રથમ વખત આલિયાને કોઈ આવનારી આફત નો ભય સતાવી રહ્યો હતો.. આલિયા આ ડરનાં ઓછાયાં નીચે પોતાનાં સ્થાનેથી ઉભી થઈ અને કોટેજનાં બધાં બારી-બારણાં બંધ છે કે નહીં એ વ્યવસ્થિત ચેક કરીને આવી.

થોડીવાર ભસ્યા બાદ કુતરાઓનો ભસવાનો અવાજ બંધ થઈ ગયો એટલે આલિયા નાં જીવ માં જીવ આવ્યો.. રાતનાં અગિયાર વાગી ગયાં હતાં અને આલિયાને ઊંઘ પણ આવી રહી હતી. આલિયા એ ટેલિવિઝન બંધ કર્યું અને ઉભાં થઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી અને પોતાનાં બેડરૂમમાં ગઈ.

બેડરૂમમાં આવી આલિયાએ ટ્યુબલાઈટ ચાલુ કરી પાણી ની બોટલ ને બેડ ની જોડે ત્રિપાઈ પર રાખી.. અને બેડ ની ચાદર વ્યવસ્થિત કરીને સુવા માટેની તૈયારી આરંભી.. આલિયા ટ્યુબલાઈટ ની સ્વીચ બંધ કરવા સ્વીચબોર્ડ જોડે ગઈ ત્યાં એની નજર પોતાનાં બેડ ની ઉપર લટકાવેલી એની અને એની માતૃશ્રી સુમિત્રા બેન ની મોટી તસ્વીર નજરે પડી.

પોતાની માં નો ચહેરો જોતાં જ આલિયા ઉદાસ થઈ ગઈ.. પોતે કેટલી કેરલેસ દીકરી સાબિત થઈ જે પોતાની માં ની છેલ્લી યાદગીરી એવી રિંગ ને પણ સાચવી ના શકી.. એ વિચાર આવતાં જ આલિયા ને પસ્તાવો થઈ રહ્યો હતો.. આલિયા એ ટ્યુબલાઈટ બંધ કરી અને નાઈટ લેમ્પ ચાલુ કર્યો અને બેડમાં લંબાવ્યું.

ઘણીવાર સુધી આલિયા એમજ પડખાં ફેરવતી બેડમાં પડી રહી.. પણ એને ઘણો સમય સુધી ઊંઘ જ ના આવી.. આંખો બંધ કરતાં જ આલિયાની આંખો સામે ક્યારેક આલોક તો ક્યારેક અમન, ક્યારેક અપૂર્વ તો ક્યારેક પોતાનાં માતૃશ્રી સુમિત્રા બેન નાં ચહેરા ઉપસી આવતાં.. આખરે પોણા કલાક બાદ આલિયાની આંખ લાગી ગઈ.

આલિયા નાં ઉંઘતાની સાથે જ થોડીવારમાં એક કાળો ઓછાયો હાથમાં ખંજર લઈને દબાતા પગલે આલિયા ની તરફ વધવા લાગ્યો. !

★★★

વધુ આવતાં ભાગમાં.

આલિયા બચી જશે કે નહીં. ? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***