Sumudrantike - 19 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 19

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

સમુદ્રાન્તિકે - 19

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(19)

સૂર્ય માથા પર આવ્યો અને સરકીને નમવા તરફ ચાલતો થયો ત્યારે બધા પૂછવા લાગ્યા. ‘એકલીયા હનુમાન ક્યારે આવશે?’

માહિતી પ્રમાણે તો મંદિર દરિયાકિનારાની સડક પાસે જ છે અને સાંજ ઢળતાં સુધીમાં આવી જવું જોઈએ. પણ અમે બપોરે જમવા બેઠા તે સ્થળે સમય વધુ ગાળ્યો એથી ઉતાવળે પહોંચવા પ્રયત્નો કરવા પડે છે.

સૂર્યાસ્ત પહેલાં થોડા સમયે દરિયાકાંઠે સફેદ અને ભગવી; બે ધજાઓ ફરકતી દેખાઈ. અમારા પગમાં જોર આવ્યું. થોડાં વૃક્ષો વચ્ચે નાનકડી દેરી છે. મંદિર તો કેમ કહેવાય? આસપાસ વાડ બાંધીને વાડી બનાવાઈ છે. દેરીની બરાબર સામે ગારમાટીનો ચણેલો મોટો ઓરડો. માથે ઘાસનું છાપરું ને દરવાજો વાંસ-સાંઠીનો. બંધ છે.

એક રબારીએ અમારું સ્વાગત કર્યું. ‘મા હમણેં બારા નીકળશે. બેહો ઓટલા માથે.’

‘માં?’ મને વિચાર આવ્યો. બંગાળીએ તો કહેલું ‘વિવેકગીરી કે પાસ રુકના.’ સ્ત્રી, હનુમાનની પૂજારણ અને વિવેકગીરી નામ? મને કંઈક અજુગતું લાગ્યું. પણ મા કદાચ અહીંના કોઈ વ્યવસ્થાપક હશે તેમ મને મનાવ્યું. અને અહીંની વ્યવસ્થાના નિરીક્ષણમાં પડ્યો.

દેરી બે-ત્રણ ફૂટ ઊંચી ઓટલી પર ઊભી છે. બાજુમાં બીજો વિશાળ ઓટલો છે. કમરાની બાજુમાં પણ એક ઓટલો છે. તેના પર ઘઉંનો ઢગલો પડ્યો છે. દૂર વાડીમાં ચાર-પાંચ ગાયો બાંધેલી છે. ગમાણ પાસે મોટો રુંછાદાર કૂતરો બેઠો બેઠો અમને જુએ છે.

બધેથી નજર વાળીને મેં સાંઠીના બંધ બારણા સામે જોયું તે ક્ષણે જ દ્વાર ખૂલ્યું. હાથમાં ધૂપદીપથી સજાવેલી આરતી લઈને એક ગૌરવર્ણા, વિદેશિનીએ રેતીમાં પગ મૂક્યો. અમે બધા થોડી જિજ્ઞાસા અને આશ્ચર્યથી તેને જોઈ રહ્યા. અમારી તરફ જોયા વગર તે પસાર થઈ. ઓટલી પર ચડીને તેણે દેરીમાં દીવો પ્રગટાવ્યો તે સાથે જ રબારી ઝાલર રણકાવી. ન જાણે ક્યાંથી થોડાં મેલાં-ઘેલાં સ્ત્રી-પુરુષો આવી ચડ્યાં અને હાથ જોડીને ઊભાં રહ્યાં.

આવી એકાંત જગ્યાએ આ પરદેશી સ્ત્રીને સાધ્વી સ્વરૂપે જોઈને મને લાગ્યું કે અમે આ કેવીયે જગ્યાએ આવી ગયા છીએ; પરંતુ ઝાલરનો રણકાર, આરતીનો દીવો, ગાયો અને થોડાં ભલાં-ભોળાં માણસો. થોડી જ પળોમાં અજાણ્યું વાતાવરણ પરિચિત લાગવા માંડ્યું.

સંધ્યા વિદાય લઈ રહી છે. ભૂખરો, નીલ, સફેદ કિનારીવાળો સમુદ્ર થોડા જ સમયમાં માત્ર અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવશે. એવે સમયે ઓટલી પર, હાથમાં આરતીનો દીપ, બાવડા નીચેથી ગોઠણ સુધી પીળી કામળી, માથા પર ભૂખરા વાળની જટાનો અંબોડો, અને દેહ પર ભભૂતિ ધારણ કરીને ઊભેલી આ સ્ત્રી આ સ્થળ સાથે, તેના વાતાવરણ સાથે, અને દરિયા પર ઝંખવાતા જતા આકાશ સાથે એટલી એકરૂપ ભાસે છે કે તેમાંનું કોઈ એકમેકથી અલગરૂપે કલ્પી શકાતું નથી. પ્રકૃતિ અને માનવીનું આટલું ભવ્ય સાયુજ્ય મેં ક્યાંય જોયું નથી.

જીવ-અજીવનો ભેદ અહીં લય પામી ગયો છે. ઝાલરના રણકારનું પણ જીવંત અસ્તિત્વ છે; તેવું માનવા હું પ્રેરાઉં છું. ઓટલી, રેતી, વૃક્ષો, સમગ્ર વાતાવરણ ચેતનમય ભાસે છે.

મારી એ અનુભૂતિને પ્રમાણિત કરતી હોય તેમ પેલી વિદેશિનીએ દિશાઓની, દરિયાની, વૃક્ષોની, દૂર જઈને ગાયો, કૂતરાની, અમારી અને મધ્યાકાશની આરતી ઉતારી. પછી જેમ આવી હતી તેમજ પાછી પેલા ગાર-માટીના વિશાળ ઝૂંપડામાં ચાલી ગઈ. આરતીમાં આવેલા જનો આચમન લઈને વિદાય થયા. સાંઠીનું બારણું ફરી બંધ થઈ ગયું.

થોડી વાર અમે રાહ જોઈ; પણ કંઈ સળવળાટ ન જણાયો. રબારી પણ ઝૂંપડામાં ચાલ્યો ગયો. આ ખુલ્લા ઓટલા પર રાત તો નીકળી જશે. પણ આ ત્રીસ ભૂખ્યા પેટનું શું? અહીં તો આરતીનો દીવો અને આચમનના પાણી સિવાય ત્રીજું કશું દેખાતું નથી.

થોડી વારે રબારી બહાર આવ્યો ‘બા બરકે છ.’

અમે ઓરડામાં ગયા. વિશાળ ઓરડામાં બારણાની સામે જ ગાર લીપેલો ઓટલો છે. ઓટલા પર નાનકડો અગ્નિકુંડ ચણ્યો છે તેમાં ધીમો ધીમો તાપ બળે છે. જમણી તરફ ત્રિશૂળ ખોસેલું છે. અને વેદીની બરાબર પાછળ પદ્માસન વાળીને ટટ્ટાર બેઠેલી સાધ્વી આંખો બંધ કરીને કંઈક પાઠ કરે છે. અગ્નિકુંડમાંથી એકાદ તણખો ઊડે તો સાંઠીનું આખું ઝૂંપડું સળગી ઊઠે. જોકે છત સાવ નીચી નથી.

કમરો વિશાળ છે. બધા આરામથી બેસી શકે તેવો. એક ખૂણામાં ચૂલો છે. ત્યાં પણ સારી એવી મોકળાશ છે. પણ વાતાવરણ થોડું ભય પમાડે તેવું ભેદી લાગે છે. આ પરદેશી સ્ત્રી કોણ જાણે શું એ કરશે? આ નિર્જન સ્થાનમાં ખાવાનું ક્યાંથી લાવીશું? કદાચ આ ત્રિશૂલધારિણી અમને હાંકી પણ કાઢે.

માએ ભાવવાહી આંખો ખોલી અને અમારામાં થોડો સળસળાટ થયો. પછી એટલા જ મધુર સ્વરે, શુદ્ધ પ્રાદેશિક બોલીમાં તે બોલી ‘માસ્તર, ક્યાંથી હાલ્યા છો?’ અમારી આંખો આશ્ચર્યથી ચમકી.

‘આ બધા તો ખૂબ દૂરથી આવે છે. આજે પાંચ-છ દિવસથી ચાલ્યા હશે. હું આજે જ ભેગો થ્યો.’ મેં પણ તેની બોલી બોલવા પ્રયત્ન કર્યો.

‘ભાર્યે કરી, આ બાયું, છોકરો, બધાંય હાલતા નીકળ્યાં?’

‘હા બધા જ ચાલતા. દરિયાની જાત્રા લીધી છે.’ મેં અવલના શબ્દો યાદ કરતાં કહ્યું.

‘ભલે, રોકાવું છે ને?’ માએ પૂછ્યું.

‘ઓરે! મારી માવડી, રોકાવાના નહીં તો બીજું શું કરવાના?’

‘રાત રોકાવું છે. સવારે ચાલ્યા જઈશું.’

‘ભલે.’

‘અમે લગભગ ત્રીસ માણસ છીએ.’ મેં પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું.

‘ભલે.’

‘બપોરે થોડો નાસ્તો કર્યો એ જ, પછી કંઈ ખાધું નથી.’

‘ભલે.’ એટલી જ શાંતિથી સાધ્વી બોલી. આ બે અક્ષરનો નાનકડો શબ્દ કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ, જેણે તે આ સાધ્વીના મુખે સાંભળ્યો નથી તે કદી પણ કરી શકવાના નથી. આ લંબગોળ, ભભૂતિ વિભૂષિત મોં મલકે છે, આંખો નિશ્ચિંત ભાવ ધરે છે અને પછી શબ્દ સરે છે. ‘ભલે.’ તે સાથે જ તમામ વ્યથાઓનો અંત આવી જતો અનુભવાય છે. હવે કદાચ તે કહે કે ‘ખાવાનું તો આંય કાંય નો જડે’ તો અમે ત્રીસેય જણ કહેત ‘ભલે’.

પણ તેણે એવું ન કહ્યું. સ્ફૂર્તિવાન દેહ ઊભો થયો. ચૂલા તરફ ડગ માંડતા તેણે કહ્યું ‘ભજન આવડે છે? ગાવ બે-ચાર ન્યાં લગણમાં હું રાધી નાખું.’ પછી રબારીને કહ્યું ‘વીરા, લોટ બાંધી નાખ્ય. પૂરીયું તળી દઉં.’

અને તે નારી, અજાણ્યા, ઓચિંતા આવી ચડેલા માણસો માટે રસોઈ કરવા બેઠી. નીલિમા, ઊર્વિ, અમારી ટોળીના સ્ત્રી સભ્યો ઊઠીને માની મદદે ગયા.

‘તમે તમાર્યે જાવ, બાયું.’ માએ તેમને રોક્યા ‘આંય અંધારે રાંધતાં તમને નો ફાવે. ચૂલો ક્યાંથી ભાળ્યો હોય તમાં?’

તેણે ધરાર કોઈની મદદ ન સ્વીકારી. ભલા! અન્નપૂર્ણા તે વળી પોતાનો ભંડાર બીજાને કેમ સોંપવાની? મગ અને પૂરી તેણે જાતે બનાવીને અમને જમાડ્યા.

‘એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતા. ઈનું એઠું ખાવાની તમારી તીયારી હોય તો ખવરાવજો.’ જમીને ઊભા થતાં યુવાનોને માએ કહ્યું.

જમીને ઓટલા પર બધાએ સૂવાની વ્યવસ્થા ગોઠવવા માંડી. થોડી વારે મા આવ્યાં. ‘હવે ઊંઘી જાવું છ કે સતસંગ કરવો છ?’

‘વાતો કરીએ’ બે-ત્રણ જણે કહ્યું.

એક વિદેશી નારીને આ પ્રદેશની ગ્રામ્ય ભાષા ખૂબ સહેલાઈથી બોલતી જોઈને અમને નવાઈ લાગી. કેટલે દૂરથી, ક્યા પ્રદેશમાંથી તે અહીં આવી ચડી છે. આ લભભગ જનહીન સ્થાનમાં, થોડા ઝૂંપડાવાસીઓ વચ્ચે ગોઠવાતાં તેને કેટકેટલી મુશ્કેલીઓ પડી હશે! સહુથી મોટા પ્રશ્ન તો ભાષાનો. કેવો નડ્યો હશે? અમે અમારી મૂંઝવણ કહી.

‘લે,’ કરતી મા હસી પડી. ‘તે બોલી નો આવડે તો તકલીફ સું પડે? એક માણાં બીજા માણાને ઓળખે નંઈ?’

‘પણ તોયે આ બધા તમારી ભાષા ન જાણે. તમે તેમની ભાષા ન જાણો. મુશ્કેલી તો પડે જ ને! મેં કહ્યું.

‘માસ્તર, કે’જોઈ, તું મૂંગો હો તો સું કર્ય?’ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કરીને પોતાની વાત સમજાવી દેવાની, આ પ્રદેશના માનવીઓની ટેવ માની વાતચીતની ઢબમાં પણ ઊતરી આવી છે. તે આગળ બોલ્યાં: ‘ને ભાસા સીખવા હું ક્યાં બેહું? હું તો બોલી સીખી ગઈ. આંયનું લોક જે બોલે ઈ બોલી સકું. તમ જેવી ભાસા મને નો આવડે.’

અહીંના લોકોમાં ભળીને અહીંની પ્રાદેશિક બોલી શીખેલી આ સ્ત્રી મૂળે ક્યા દેશની હશે? તે કોણ હશે? તેનાં માતા-પિતા કોણ, ક્યાં હશે?

‘તે મા-બાપ તો હોય જ ને? તમારે હોય એમ મારેય છે.’

પોતાના પૂર્વાશ્રમની વાત ટાળવા તેણે કહ્યું. પણ અમે વારંવાર ફરી ફરીને એ જ પ્રશ્ન પર અટકતા.

‘ભાર્યે બાપા તમીં તો. તે હવે તમારે જાણવું જ પડસે?’

‘હા.’

‘તો હાંભળો. પણ હું બોલી રઉં પછી કાંય પૂછવાનું નંઈ.’

‘નહીં પૂછીએ’ કહેતા, જાણે બ્રહ્માંડની ઉત્પત્તિ રહસ્ય જાણવા મળવાનું હોય એટલી ઉત્કંઠાથી અમે જરા નજીક ખસ્યા. તે ફરી હસી અને બાળક જેવી નિર્દોષતાથી બોલી: ‘આ તમીં દાગ્તર પાંહે આવ્યા છ. ને વકીલનું લો પૂછો છ. હવે ક્યો, સું જબાપ દેય? હું જગ્યા ગોતતી નીકળી. આંય ગમી ગ્યું ને રઈ ગઈ.’

પણ તે સાધ્વી શા માટે થઈ? અને તે પણ હિન્દુ ધર્મની સાધ્વી! સાધુઓ તો તેના ધર્મમાં પણ હશે જ. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધતી ચાલી.

‘કીયો ધરમ?’ માએ પૂછ્યું ‘ધરમને નામ હોય?’

કેમ ન હોય રે! ધરમના નામો માટે તો જગત યુદ્ધ આચરે છે. કેટલું લોહી વહે છે. આમ ગણવા બેસીએ તો સવાર સુધી ગણીએ એટલા ધર્મોના નામ તો અમે અજ્ઞાનીઓ પણ જાણીએ છીએ અને આ સ્ત્રી તો જ્ઞાની ગણાય. તોયે પૂછે છે, ‘ધરમને નામ હોય?’

‘તમીં કેસો કે હોય. પણ ઈ ચોપડિયુંમાં હોય. માણાંના મનમાં ધરમ હોય ઈનું કોઈ નામ નંઈ. જીવની સેવા કરવી ને આનંદથી રે’વું. ઈ ધરમ.’

વેદકાળ, સત, દ્વાપર, ત્રેતા કે કળિ. અનેક યુગોથી હજારો સંતો, ઋષિઓ અને જનસામાન્યમાંથી પ્રગટેલા વીરલાઓ આ વાત જગતને સમજાવવા પોતાના જીવન ખર્ચી ગયા છે. પણ માણસ આ સીધી સાદી વાત ક્યારેય સમજ્યો નથી. તે તો આવી વાત કરનારો જીવે ત્યાં સુધી તેને ઓળખતો નથી અને મરે એટલે તેના નામનો નવો ધર્મ કે પંથ ઊભો કરવા તત્પર રહે છે. આ નારીના જીવનમાં એવી તે કઈ ઘટના બની હશે કે સંસાર ત્યાગીને નીકળી પડી? અને ઘર છોડ્યા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેને કદી થઈ હશે? વિદ્યાર્થીઓ સત્સંગ કરવાને બદલે નદીનું મૂળ શોધવામાં જ પડ્યા છે.

‘તે તને હું સંસારમાં નથ લાગતી? આંય તારી સામે તો બેઠી છું.’ કહી તે હસી પડી ‘મને આ વેસ પે’રવાનું મન થ્યું ને પેર્યો. નંઈ ગમે તંયે ઉતારીય નાખીસ. તું સું કરવા ભારે મર છ?’

મને લાગ્યું કે હવે વાત વાળવી જોઈએ.

‘મા, આ ઘઉંનો ઢગલો આમ બહાર ઓટલા પર કર્યો છે તે કોઈ ચોરી નહીં જાય?’ મેં પૂછ્યું.

‘સું કેય છ તું?’ સાધ્વી ગુસ્સામાં ગોઠણભેર થઈ ગઈ. પછી તે રાત્રે, એકલીયા હનુમાનના ઓટલે, સામે બાંધેલી ગાયો, ખૂણા પર બેઠેલો રબારી સેવક અને નિદ્રાધીન થવા જતા મારા સાથીઓની સાક્ષીએ તે અજાણી વિદેશી સ્ત્રીએ સાવ ગ્રામ્ય બોલમાં મને જે કહ્યું તે હું કદી પણ ભૂલવાનો નથી. ગોખી ગોખીને પાકા કરેલા પાઠ કદાચ ભૂલી જઈશ. પરંતુ તે સ્ત્રીના શબ્દો મારા સ્મૃતિતંત્ર પર કાયમ રહી જવાના છે.

‘તું ભલે હુસીયાર ર્યો. અનાજ હાર્યે ચાલાકી સું કામ કર છ? માસ્તર, ઈ ઢગલામાંથી દાણો લેય ઈનેં તું ચોર કે’તો હો તો પેલવેલો ચોર તું છો. હમણાં ઈ જ ઢગલાનું ધાન તેં ખાધું છ. મેં રાંધી દીધું ઈ વાતે તું ચોર મટી ગ્યો? ને કો’ક જાત્યે લઈને રાંધે તો ચોર થઈ ગ્યો? ભાર્યે ચાલાક તું તો.’ કહીને ઊભી થઈ. ગમાણ સરખી કરી, ગાયો સાથે કંઈક વાતો કરીને તે પાછી આવી ત્યારે હું બધાને કાનમાં ભરાવવા રૂ વહેંચતો હતો.

‘આ સું કર છ માસ્તર?’ સાધ્વીએ ઝૂંપડામાં જતા પહેલાં પૂછ્યું.

‘કાનમાં નાખવા રૂ આપું છું. કદાચ જીવજંતુ કાનમાં...’ મારું વાક્ય તેણે પૂરું ન થવા દીધું. નિશ્વાસ નાખતી હોય તેમ શ્વાસ લઈને તે બોલી, ‘માસ્તર, તેં કીધું’તું કે બધા હાલીને આવ્યા છ. આ વગડે બાયું હારે હાલી છ. આ છોકરો ય હારે હાલ્યો છ, તંયે મને થ્યું’તું કે તુને ભરુસો છે. પણ હવે ખબર્ય પડી કે તને ભરુસો નથ્ય.’

મને વિચાર કરતો મૂકીને તે સૂવા ચાલી ગઈ.

વહેલી સવારે અમે જાગ્યા ત્યારે ઓટલાના ખૂણા પર ત્રીસ જરમન સિલ્વરની રકાબીઓ અને ચા ભરેલી કીટલી પડ્યાં હતાં.

‘મા ધ્યાનમાં છે. બપોરના ઢાળાં બારા નીકળસે. દરસન કરવા હોય તો રોકાવ. નીકર આ ચા પીને થાવ હાલતાં.’ રબારીએ અમને કહ્યું.

જે માણસોને પોતે જાતે રાંધીને જમાડ્યા છે. જેમની સાથે રાત્રે વાતો કરી છે. તે અજાણ્યાઓ કોણ છે? ક્યાંથી આવ્યા છે? મંદિરમાં શું ધરવાના છે? કશું પણ જાણવાની ઈચ્છારહિત સાંઠીના બારણા બંધ કરીને ધ્યાનમાં સરી ગયેલી ગ્રામ્ય વિદેશિની જાગે ત્યાં સુધી અમારાથી રોકાવાય તેમ નથી.

અમે થેલા ઉપાડ્યા. હું સડક પર બસની રાહ જોતો ઊભો. વિદ્યાર્થીઓ, અમારા સદાના સાથી, સમુદ્રતટ પર આગળ ચાલ્યા. મારાથી હાથ ઊંચો કરી ‘આવજો’ કહેવાને બદલે કહેવાઈ ગયું. ‘ભલે.’

કદાચ જોઈ-વિચારીને જ બંગાળીએ મને એકલીયા હનુમાન આવવાનું સૂચવ્યું હશે.

***