પારદર્શી-7
જે ઘટનાઓ માનવ પ્રયાસ કે માનવીનાં હસ્તક્ષેપ વિના ઘટતી હોય એના તરફ જો બારીકાઇથી ધ્યાન જાય તો આખરે માનવમન એને ચમત્કારમાં જ ગણી લે છે.અમુક સુક્ષ્મ સત્યો હજુ પરદા પાછળ જ રહ્યાં છે.નાની કે મોટી ઘટનાઓ બને ત્યાંરે જો એની પાછળ કોઇ કારણ કે કર્તા અદ્રશ્ય રહે તો એ ઘટનાની છાપ માનવમનમાં ડર પણ ઉત્પન્ન કરે છે.એવો જ ડર સમ્યકની ફેકટરીનાં પેલા હેડમિકેનીક ને પણ લાગી ગયો.જેના ઉપર મૃત્યુસમાન હથોડો પડતો રોકીને સમ્યકે એનો અદ્રશ્ય બચાવ કર્યોં હતો.બીજા દિવસે ફેકટરી પર સમ્યકને જાણવા મળ્યું કે એ આજે રજા પર છે.કારણમાં એને ખુબ જ તાવ છે એવું જણાયું.એ તાવ ડરને લીધે જ આવેલો હતો.એ વાતની રજુઆત કરવા વોચમેન સમ્યકની ઓફીસમાં આવ્યોં.સમ્યકને આખી વાત કરતા એ બોલ્યાં
“સાહેબ, પેલા કારીગરે કાલે આપણી ફેકટરીમાં જીન જોયું છે.”
“એટલે શું?” સમ્યકે અજાણ થઇ પુછયું.
“જીન એટલે ભુત.રફીક આપણો કારીગર તો મુસલમાન છેને! એટલે એણે જીન જોયું છે.એ કેતો હતો કે જીને એના પર હથોડો પડતા રોકયો.એનો જીવ બચાવ્યોં.પણ જીનને જોઇને એને તાવ આવી ગયો છે.બીચારો હેરાન થઇ ગયો.”
“તને કેમ ખબર પડી?”
“એ તો કાલે એ ભાગતો જતો હતો.મે એને રોકયો.મને એમ કે કંઇક ચોરી કરીને જતો હશે.પણ એણે હાંફતા હાંફતા બધીય વાત કરી.”
“અને તે માની પણ લીધી?”
“તો માની જ જાયને!!એ જીન સવારે મારી પાસેથી જ નીકળીને અંદર ગયુ હતુ.મારી છત્રી પણ એણે હલાવી હતી.” વોચમેનની આ વાત સાંભળી સમ્યકે હાસ્ય દબાવ્યું.
“એવું કંઇ ન હોય.તમે ખોટી અફવા ન ફેલાવો.અને હોય તોય રફીકનો જીવ બચાવ્યોં એ તો સારી વાત કહેવાય.”
“હા સાહેબ.મદદગાર જીન હશે.હું કોઇને વાત નહિં કરું.આ તો તમને કહેવું મારી ફરજ છે.”
“સારું, તમારું કામ કરો હવે.” સમ્યકે થોડી કડકાઈ બતાવી એટલે વોચમેન એના કામે લાગ્યોં.સમ્યકને મનોમન હસવું આવ્યું પછી વિચાર આવ્યોં કે ઘટનાનું મુળ તો હું જ છું.તો આવી બધી વાતો સામે આવે એની તૈયારી પણ રાખવી જ પડશે.હવે થોડા દિવસ અહિં ફેકટરીમાં અદ્રશ્ય થઇને નહિં આવું એટલે આપમેળે બધા ભુલી જશે.બરાબર ત્યાં જ એકાઉટન્ટ સુરેશભાઇ ઓફીસમાં દાખલ થયા.એમનો ચહેરો ઉતરેલો હતો.એ ધીમા અવાજે બોલ્યાં
“શેઠ, આ રફીકની વાત સાચી હશે?”
“ના ના...એવું કંઇ ન હોય.મશીનનો સતત અવાજ અને એકનું એક જ કામ કરીને થાકેલા એના ચીતને આવો ભ્રમ થયો હોય.”
“પણ તો મારી સાથે પણ એવું થયુ એનુ શું?”
“શું થયું?”
“ગઇકાલે કોઇએ મારા પર પાણીની બોટલ નાંખી દીધી.મારું આખુ પેન્ટ ભીંજાઇ ગયેલું.”
સમ્યકને ફરી હસવું આવ્યું પણ તરત જ એણે હાસ્યને ફરી દબાવ્યું.બધુ જ જાણવા છતા અજાણ બનવાની અદાકારીમાં એણે ક્ષણવારમાં ગંભીર ચહેરો બનાવ્યોં.
“એટલે કોણે આવું કર્યું?”
“એ ખબર નથી.બોટલ તો મે ટેબલ પર મુકી હતી.અચાનક બોટલ મારા પર ખાલી થઇ અને નીચે પડી ગઇ.હવે તમે જ કહો બોટલને જીવ આવી ગયો?”
“તમે થાકેલા હશો એટલે તમને ચીતભ્રમ થયો હશે.અથવા બની શકે તમે કોઇ નશો કર્યોં હોય? તમે કોઇ નશામાં તો નહોતા ને?" સમ્યકનાં અચાનક આવી પડેલા સવાલની સાથે જ મોહિની પણ અંદર આવી ગઇ.એણે એકાઉટન્ટ સામે જોયું.સમ્યકે આ બંને ચહેરાઓનાં હાવભાવ વાંચ્યાં.મોહિનીની હાજરીથી એકાઉટન્ટને વધુ ડર લાગ્યોં એટલે એ સળસળાટ ઓફીસની બહાર નીકળી ગયા.
“બોસ, આ બધા શું ટેન્શનમાં છે? કદાચ પગાર વધારાનાં બહાના તો નથીને? મને તો કોઇ તકલીફ નથી.” મોહિનીએ કહ્યું.
“સારું યાદ કરાવ્યું મોહિની.... એકાઉટન્ટને કહીને પેલી સફાઇવાળી બાઇનો પગાર વધારો કરી આપવાનો છે.”
“અને મારો પગાર?” મોહિની પોતાના વાકયને મજાક સાબીત કરવા મોટેથી હસી.પણ સમ્યક બોલ્યોં
“શ્યોર, આમેય ટોનીનું કામ પણ તારા ભાગે જ આવ્યું છેને!!” ટોનીનું નામ આવતા જ મોહિનીનાં ચહેરે પહેલા ગુસ્સો દેખાયો પછી તરત જ તાણ પણ દેખાયું.જે શબ્દો દ્વારા બહાર પણ નીકળ્યું
“સર, ટોનીને લઇને હજુ ‘ટેન્શન’ તો છેજ.તમે યાદ કરાવ્યું એટલે કહું છું.મારો પગાર ન વધારો તો કંઇ નહિં પણ આ ટોનીનું કંઇ કરો.”
ટોની થોડા દિવસ પહેલા જ મોહિનીનાં બાજુનાં જ એપાર્ટમેન્ટમાં ભાડા પર રહેવા આવેલો.અને મોહિનીને સાંજના સમયે ઘણી વાર એ મળી જતો.મોહિનીને ચાર દિવસ થયે આ ચીંતા હતી.જે એણે એના પતિને પણ કહેલી હતી.હવે સમ્યકને આખી વાત કરી મોહિનીએ જાણે સમ્યકને મનગમતુ કામ સોપ્યું હોય એમ એણે મોહિનીને આશ્વાસન આપી દીધું
“ એને તારો પાડોશ જ નહિં આ શહેર છોડાવી દઇશ.નાલાયક શું સમજે છે પોતાને?”
સમ્યક એ સાંજે મોહિની સાથે ગયો.અને ટોનીનું એપાર્ટમેન્ટ જોઇ લીધું.મોહિની એના સ્કુટર પર હતી અને દુરથી એણે આંગળી ચીંધી અને બે આંગળી વડે બીજા માળનું કહ્યું.
સમ્યક સામે હવે સવાલ એ હતો કે માત્ર જુની ઘટનાને આધારે તો એને કેમ ઘર ખાલી કરાવવું? એના નવા ઇરાદાઓ જાણવા મળે તો કંઇક પગલા લઇ શકાય.
એ રાત્રે જ સમ્યક પોતાની પત્નિ અને બાળકોને સુવડાવી અને સીધો જ ટોનીના ફલેટ પર પહોચ્યોં.એ અદ્રશ્ય જ હતો.એણે ત્રણ ફલેટ નામની તકતીવાળા જોયા.એટલે ચોથા ફલેટનો જ દરવાજો ખટખટાવ્યોં.રાત્રીના 11.30 વાગ્યા હતા.દરવાજો ટોનીએ જ ખોલ્યોં.પણ કોઇ ન દેખાતા એ સીડી સુધી જોવા ગયો એટલામાં સમ્યક અંદર ઘુસી ગયો.અંદર બીજો એક ટપોરી જેવો લબરમુછીયો અંદર હતો.દારૂની મહેફીલ જામી હતી.ટોની દરવાજો બંધ કરી ફરી પોતાના અરધા ગ્લાસ પાસે ગોઠવાયો.પેલા ટપોરીએ પુછયું
“કોણ હતું?”
“કોઇ નહિં.કદાચ કોઇએ ભુલથી ખખડાવ્યું હશે.તું ચીંતા ન કર.હું ટોની છું...મારી સામે ભલભલા ભાગી જાય છે.”
“તો મોહિની અને એના બોસથી ડરીને તું કેમ ભાગી ગયો હતો?”
ખાલી ગ્લાસ ટેબલ પર જોરથી પછાડયોં અને ટોની બોલ્યોં
“મારા માથામાં હજુ કાચની કરચો છે.જેનો દુઃખાવો મને રોજ યાદ કરાવે છે.મોહિની મારા મગજમાંથી નીકળતી જ નથી.હું એને બરબાદ કરી દઇશ.”
“શું કરીશ તું? કંઇ પ્લાનીંગ છે? મારી મદદ જોઇએ તો કહેજે.”
“ મારે હવે ફકત પંદર દિવસ અહિં રહેવાનું છે.પછી હું દિલ્હી જવાનો છું.ત્યાં એક કંપનીમાં નોકરી લાગી છે.આ પંદર દિવસમાં મોહિનીને એવી બદનામ કરીશ કે એ જીંદગીભર યાદ રાખશે.”
સમ્યક સાવધાન થયો.ઇચ્છા તો થઇ આવી કે અત્યાંરે જ ટોનીને પુરો કરી નાંખે પણ પોતાની જાતને રોકી રાખી.માણસનાં ઇરાદાઓ અને ક્રિયાઓ વચ્ચે સંકલ્પની એક પાતળી ભેદરેખા હોય છે.ટોનીએ હજુ એ ભેદરેખા ઓળંગી ન હતી, કશું કર્યું ન હતું અને ત્યાં સુધી એની સાથે અદ્રશ્ય સિદ્ધીથી કંઇ કરવું એ આ સિદ્ધીનો દુરઉપયોગ ગણાશે.એવું વિચારી સમ્યક રોકાઇ ગયો.એ પછી સમ્યકે લગભગ એક કલાક સુધી એ લોકોની બકવાસ સાંભળી.આખરે દારૂનાં નશામાં બંને ઉંઘી ગયા પછી સમ્યક દરવાજો ખુલ્લો રાખીને જ બહાર નીકળી ગયો.રાત્રે ઘરે આવ્યોં ત્યાંરે 1.30 વાગ્યાં હતા.
બીજા દિવસે સમ્યકે મોહિનીને બોલાવી કહ્યું “મોહિની, ધ્યાનથી સાંભળ.મે તપાસ કરાવી છે, ટોની હવે પંદર દિવસ જ અહિં છે.પછી દિલ્હી નોકરી કરવા જાય છે.પણ આ પંદર દિવસ એ તને હેરાન કરવામાં કાઢશે.એટલે હવે તું સાચવીને રહેજે.થોડા દિવસ રોજ સવારે અને સાંજે મારી કાર અને ડ્રાઇવર તને તારા ઘરે લેવા-મુકવા આવશે.અને તારા મોબાઇલનું લોકેશન હું થોડા દિવસ ટ્રેક કરીશ.”
“અરે સર, તમે તો મારી બાબતે એકદમ ગંભીર થઇ ગયા.તમે બહું ચીંતા ન કરો.મારા માટે તમારું કામ ખરાબ ન કરો.આમ પણ મારા પતિની આ ફરજ છે.”
સમ્યકે થોડા કડક સ્વરમાં કહ્યું “ફરજ બરજને ગોળી માર, હું કહું છું એટલુ કર.”
“જો હુકમ મેરે આકા” મોહિની તો આજે સાવ બિન્દાસ થઇ ગઇ.કોણ જાણે કેમ પણ મોહિનીનું મન અજાણતા જ સમ્યકની હાજરીમાં ‘બેફીકરું’ થઇ જતું.કોઇ પ્રત્યે આપણું આકર્ષણ વધુ પડતુ હોય તો એની હાજરીમાં આપણને સલામતી અનુભવાય છે.ઘણીવાર મોહિની આવી રીતે તરંગીત થઇ ઉઠતી.એના મનમાં ઉઠેલા તરંગો સમ્યકનાં શાંત મનમાં પહોચતા જરૂર પણ ત્યાંની શાંતિમાં એ સમી જતા.જેમ જેમ સમ્યક અદ્રશ્ય રહેવાનો પ્રયત્ન કરતો એમ એમ એને એનું મન શાંત કરવું પડતુ.પછી તો મોટા ભાગે સમ્યકનું મન શાંત જ રહેતું.મનની એ નીરવ શાંતિ હવે ધીમે ધીમે વૈરાગ્યમાં પરીવર્તીત થતી હતી.ભલે એની માત્રા હજુ ઓછી હતી.જેની જાણ હજુ સમ્યકને પણ નહોતી.
મોહિનીને હવે સમ્યકની કાર અને ડ્રાઇવરની સુવિધા મળી હતી.બધુ બરાબર ચાલતુ હતુ.મોહિનીને ઘર, ઓફીસ અને બંને વચ્ચે આવાગમનમાં પણ સલામતી જ હતી.છતા સમ્યક હંમેસા જાગૃત રહેતો કે ટોનીનો કોઇ ભરોસો નથી.એ વિકૃત માણસ ગમે ત્યાંરે ખરાબ પગલુ ભરી શકે.થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું એટલે સમ્યક હવે ઘણીવાર મધરાતે ઘરેથી અદ્રશ્ય થઇ નીકળી પડતો.કયાંરેક ચાલીને રસ્તા પર લાંબી લટાર મારતો.કોઇનાથી ડર તો હતો જ નહિં.શેરીઓમાં અને ગલીઓમાં કુતરાઓ સમ્યકને સુંઘી શકતા પણ જોઇ ન શકતા એટલે એમની મુંજવણ પર સમ્યકને હસવું આવતું.જયાં પણ સમ્યકની નજર સામે કંઇ ખોટું કામ થતુ હોય તો એ રોકવાનો પ્રયત્ન કરતો.અને એ સફળ જ રહેતો.
આવી જ રીતે એકવાર રાત્રે એક એ.ટી.એમ. પાસેથી સમ્યક નીકળ્યોં તો એણે જોયું બે વ્યકિત મોઢા પર રૂમાલ બાંધી મશીન તોડવાની કોશીષ કરતા હતા.સમ્યકે બંનેનાં રૂમાલ ખોલી એક એક તમાચો માર્યોં.અદ્રશ્ય તમાચાથી ગભરાયેલા બંને ભુત આવ્યાંના ડરથી ભાગી ગયા.એ.ટી.એમ. બચી ગયું.એકવાર એક બંધ બંગલામાં દિવાલ કુદી ચોરને અંદર જતા જોયા.પાછળની બારી તોડી ચોર અંદર ઘુસ્યા તો સમ્યક પણ એની પાછળ ગયો.બંગલાની બધી જ લાઇટો ચાલુ કરી દીધી.મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો.અને બહાર પડેલી એક કારનો કાચ તોડી સતત હોર્ન વગાડ્યું.અવાજથી બધા પાડોશી જાગી ગયા તો ચોર ભાગી ગયા.
આમ સમ્યક હવે અદ્રશ્ય રહી ઘણી ખોટી ઘટનાઓ રોકવામાં સફળ રહેતો.અને એના કોઇપણ બદલા અને નામનાની આશા રાખ્યા વિના એ ઘણાને મદદરૂપ થવા લાગ્યોં.
એકવાર પોતાની ફેકટરીથી થોડે જ દુર એક નકલી દુધ બનાવવાની ફેકટરી પાસેથી એ પસાર થયો.એ ફેકટરીને લગભગ એક મહિના પહેલા જ સરકારી અધીકારીઓએ સીલ મારી દીધેલુ.પણ આજે એમાં સમ્યકે અંદર લાઇટો ચાલુ જોઇ.એ નજીક ગયો પણ આગળના તો બધા દરવાજા સીલ મારેલા હતા.એટલે એ પાછળ ગયો તો ત્યાં એક લાકડાની સીડી મુકેલી.એના પર ચડી ઉપરની બારીમાંથી એ અંદર પ્રવેશ્યો.અંદર જોયું તો કેમીકલમાંથી નકલી દુધ બનાવવાનું કામ ધમધમાટ ચાલુ હતુ.એ બધુ દુધ બે મોટા ટાંકામાં ભરાતુ હતુ.ત્રણ વ્યકિત આ ગોરખધંધામાં લાગેલી હતી.સમ્યકે સીસીટીવી કેમેરા પણ જોયા.એક કેમેરો નીચો, હાથવગો હતો.સમયકે એ કેમેરાને હાથેથી ધીમે ધીમે ચારેતરફ ફેરવ્યોં.એક વ્યકિતનું ધ્યાન પણ એ આપમેળે ફરતા કેમેરા તરફ ગયું.એ નજીક આવ્યોં.પછી બીજા બંન્નેને બોલાવી કહ્યું કે આ કેમેરો આપમેળે ગોળ ફરે છે.ત્રણેય પાંચ મીનીટ સુધી એકીટસે કેમેરા સામે ઉભા રહ્યાં અને પોતાનું ‘શુટીંગ’ કરાવ્યું.કેમેરો શાંત રહેતા ફરી કામે લાગ્યાં.પણ પહેલાને વિશ્વાસ ન આવતા એણે ઓફીસ ખોલી, જયાં અંદર સીસીટીવીનું મુખ્ય યુનીટ હતુ.સમ્યક પણ હળવેથી એની પાછળ ઘુસી ગયો.પેલો માણસ બહાર તો નીકળી ગયો પણ દરવાજો બહારથી બંધ કરી દીધો.સમ્યક હવે અંદર ફસાયો.બહાર જવાનો બીજો કોઇ રસ્તો જ ન હતો.છતા સમ્યકે ત્યાં પડેલી એક ‘પેનડ્રાઇવ’ માં બધા ફુટેજ લઇ લીધા.પછી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પણ નીકળી ન શકયો.રાતનાં 3.00 વાગ્યાં હતા.હવે ઘરે જવું પણ જરૂરી હતુ.દરવાજો ખખડાવી જોયો પણ મશીનોનાં અવાજમાં બહાર કોઇ સાંભળી શકે એમ ન હતુ.સમ્યકે સીસીટીવીમાં જોયું તો પેલા ત્રણેય બધુ બંધ કરી બહાર નીકળી જવાની તૈયારીમાં હતા.સમ્યકે ફરી દરવાજો જોરથી ઠોકયો.સતત એ ખડખડાટ ચાલુ રાખ્યોં.આખરે પેલાને જ એ અવાજ સંભળાયો અને દરવાજાની ધ્રુજારી દેખાઇ.એણે બીજા બંનેને જાણ કરી.પછી બે વ્યકિતએ હાથમાં લોખંડનાં પાઇપ રાખ્યાં કે અંદર જે હોય એને મારવા કામ લાગે.ત્રીજાએ દરવાજો ખોલ્યોં.અંદર કોઇ દેખાયું નહિં પણ લાઇટ ચાલુ હતી એટલે ત્રણેય અંદર ગયા.સમ્યકે મોકો જોઇ દરવાજો બહારથી બંધ કરી દીધો.હવે સમ્યકને નિરાંત થઇ.એણે બંને નકલી દુધની ટાંકીનાં વાલ્વ ખોલી નાંખ્યા.અને જ્યાંથી આવેલો ત્યાંથી પાછો ચાલ્યોં ગયો.આખી ફેકટરીમાં દુધ ફેલાઇ ગયું.સવારે જયાંરે બહાર રસ્તા પર કોઇને દુધ દેખાયું ત્યાંરે ફરી એ ફેકટરીની તપાસ થઇ.સમ્યકે પેલી પેનડ્રાઇવનું પાર્સલ સીધુ જ શહેર પોલીસ કમિશ્નરને મોકલી આપ્યું.અને પેલા ત્રણેય કામદારે એક જ વાત પકડી રાખી અને પોલીસને પણ કહ્યું કે એ ફેકટરીમાં ભુત થાય છે.
પણ બીજા દિવસે આખી ઘટના વાગોડતો સમ્યક પોતાની ઓફીસમાં બેઠો હતો.આમ તો કયાંરેક ફસાઇ જવાય.અદ્રશ્ય રહીને બધુ કરવાની પણ એક મજા હોય છે.પણ આજે કંઇક ખુંટતુ હોવાનો સમ્યકને અનુભવ થયો. ‘જો હું દિવાલો અને દરવાજાની આરપાર નીકળી શકતો હોઉં તો કેટલુ સારું’ એવા વિચારે સમ્યકને પોતાના પપ્પા યાદ આવ્યાં.એ પોતે અદ્રશ્ય થયો અને એના પપ્પા પણ દેખાયા.....
ક્રમશઃ
--ભરત મારૂ