Maut ni Safar - 14 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 14

The Author
Featured Books
Categories
Share

મોત ની સફર - 14

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 14

માઈકલ દ્વારા વિરાજ અને એનાં મિત્રોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સંપૂર્ણ કહાની અંગે જણાવવામાં આવે છે.. આ સફર દરમિયાન પોતાની જોડે લાવેલી ડેવિલ બાઈબલ નાં ગાયબ પન્ના શોધવાની કોશિશમાં જ લ્યુસી ઈન્ડિયા નાં ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર જઈ પહોંચી હતી.. સાહિલ લ્યુસીની લાશ જોડેથી મળેલાં ડેવિલ બાઈબલ નાં પન્ના માઈકલ ને સુપ્રત કરે છે કેમકે ડેવિલ બાઈબલ એની જોડે હોય છે.. માઈકલ ફોન કરીને પોતે સાહિલ અને એનાં દોસ્તોને મળવાં માંગે છે એવું જણાવે છે જેનો એ લોકો સહર્ષ સ્વીકાર કરે છે.

પોતાનાં લંડન દર્શનનાં પ્લાન ને મુલતવી રાખીને સાહિલ, વિરાજ, ગુરુ અને ડેની ઓવલ ખાતે આવેલી માઈકલની વાઈન શોપ તરફ કારમાં બેસીને નીકળી પડ્યાં.. એક કલાકની અંદર તો એ લોકો માઈકલ દ્વારા એની વાઈન શોપનું જે એડ્રેસ અપાયું હતું ત્યાં આવી પહોંચ્યા.

સિલ્વર સ્ટાર નામની માઈકલની વાઈન શોપ ની બનાવટ ખૂબ સરસ હતી.. સાહિલે વાઈન હાઉસમાં પ્રવેશ કરતાં ની સાથે જ અંદર રાખેલાં બે ત્રણ ટેબલોથી દુર કાઉન્ટર તરફ નજર કરી તો માઈકલ ત્યાં મોજુદ હતો.. સાહિલ અને એનાં મિત્રોને જોતાં જ માઈકલે પોતાની જોડે ઉભેલાં એક વ્યક્તિને કંઈક કહ્યું અને પછી કાઉન્ટરથી આગળ આવ્યો.

"ચાલો આ તરફ.. "સાહિલ અને એનાં દોસ્તોને પોતાની સાથે આવવાનું કહેતાં માઈકલ બોલ્યો.

માઈકલે કાઉન્ટર ની ડાબી તરફ નો એક દરવાજો ખોલ્યો અને ત્યાં મોજુદ દાદરા ઉપર ચડવા લાગ્યો.. માઈકલ નું ઘર પણ આ વાઈન શોપ ની ઉપર જ બનાવેલું હતું.. વિદેશમાં મોટાં ભાગનાં લોકોનું રહેઠાણ આવું જ હોય જેથી ઘર અને ધંધો બધું સરળતાથી સાચવી શકાય.

વિરાજ, ડેની, ગુરુ અને સાહિલ પણ માઈકલની પાછળ-પાછળ દાદરો ચડીને એનાં ઘરનાં દરવાજે આવ્યાં.. માઈકલે ઘરનું લોક ખોલ્યું અને એ લોકોને અંદર આવવાં કહ્યું.. એ લોકોને સોફામાં બેસાડી માઈકલ એ બધાં માટે ગ્લાસમાં વાઈન લેતો આવ્યો.. વાઈન નાં પહેલાં ઘૂંટ ની સાથે જ સાહિલે માઈકલ ને ઉદ્દેશીને કહ્યું.

"ભાઈ, અચાનક આમ અહીં બોલાવવાનું કારણ.. બધું ઠીક તો છે ને.. ? "

"બધું સારું જ છે.. પણ મને કાલે એક વાત મનમાં આવી.. જેનાં લીધે હું મોડે સુધી સુઈ પણ ના શક્યો.. મને થયું કે મારે એ વાત તમારાં બધાં સાથે શેર કરવી જોઈએ.. ફોનમાં જો એ વાત જણાવી દેત તો શાયદ એનું એટલું વજન ના પડત, એટલે જ તમને બધાંને મારે અહીં આવવાનું કહેવું પડ્યું.. "સાહિલ નાં સવાલનો જવાબ આપતાં માઈકલે કહ્યું.

"હા તો અમને જણાવીશ કે એવી તે શું વાત છે જે અમને જણાવવી જરૂરી હતી.. ? "વિરાજે માઈકલની વાત સાંભળી પ્રશ્ન કર્યો.

"ડેવિલ બાઈબલ નાં કુલ અધૂરાં પન્ના ની સંખ્યા 17 હતી.. જેમાંથી તમે 51 થી લઈને 60 નંબર સુધીનાં પન્ના તમે મને સોંપી દીધાં.. એટલે ફક્ત 7 પન્ના જ આ રહસ્યમય પુસ્તકમાં બાકી રહ્યાં છે. જો એ મળી જાય તો આ પુસ્તક સંપૂર્ણ બની જાય.. અને પછી હું આ પુસ્તક ને મ્યુઝિયમમાં આપી ને લ્યુસીની ઈચ્છા પૂરી કરી શકીશ.. "વિરાજ નાં પ્રશ્ન નો ઉત્તર આપતાં માઈકલ બોલ્યો.

"સરસ વિચાર છે.. પણ બાકીનાં 7 પન્ના શોધવા માટે શું કરવું એ વિશે તે કંઈ વિચાર્યું છે ખરું.. ? સાહિલે માઈકલ ને સવાલ કર્યો.

"હા.. હું એ 7 પન્ના શોધવા ઈજીપ્ત જવાનો છું.. "માઈકલ બોલ્યો.

"ઈજીપ્ત.. ? "માઈકલ ની વાત સાંભળી ચારેય મિત્રોનાં મુખેથી અનાયાસે જ નીકળી ગયું.

"હા.. ઈજીપ્ત, લ્યુસી જ્યારે ઈન્ડિયા હતી ત્યારે એનો મને જે કોલ આવેલો એમાં મને જણાવ્યું હતું કે એને બીજી જગ્યા પણ શોધી કાઢી હતી જ્યાં ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના હતાં.. અને એ જગ્યા હતી ઈજીપ્તનાં અલ અરમાના શહેરથી ગલ્ફ ઓફ સુએઝ તરફ જતાં પૂર્વ નાં રણ વિસ્તારમાં આવેલાં હબીબી ખંડેર માં.. "ડેવિલ બાઈબલનાં બાકીનાં પન્ના ક્યાં હતાં એની માહિતી આપતાં માઈકલ બોલ્યો.

માઈકલની વાત સાંભળી થોડો સમય તો એ લોકો બેઠાં હતાં એ રૂમમાં સ્મશાનવત શાંતિ પ્રસારાઈ ગઈ.. દરેકનાં મનમાં જાત-જાતનાં વિચારો ઉદ્દભવી રહ્યાં હતાં.. પણ કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી ક્ષણો વીત્યાં બાદ સાહિલે માઈકલને ઉદ્દેશીને કહ્યું.

"માઈકલ, તો તું ત્યાં એકલો જવાનું વિચારે છે..? કે પછી કોઈ બીજું પણ તારી જોડે આવવાનું છે.. ? "

"આમ તો મેં એકલું જ ત્યાં જવાનું વિચાર્યું હતું.. પણ હવે આ પડકારજનક સફરમાં મારુ એકલું જવું હિતાવહ નથી એવો ખ્યાલ આવતાં જ મારી આંખો સમક્ષ તમારાં ચહેરા તરવરી ઉઠયાં.. તમે પ્રથમ પ્રયાસમાં જ જે રીતે ખજાનો શોધી લાવ્યાં એ પરથી પુરવાર થાય છે કે તમે લોકો આ અભિયાન માટે પરફેક્ટ છો.. તમે મારી સાથે જોડાવો તો હું તમને સારી એવી રકમ પણ આપીશ.. "માઈકલે એ લોકોને ત્યાં કેમ બોલાવ્યાં હતાં એનું મુખ્ય કારણ જણાવતાં કહ્યું.

માઈકલ દ્વારા મુકવામાં આવેલો પ્રસ્તાવ સાંભળી વિરાજ, સાહિલ, ગુરુ અને ડેની એકબીજાનો ચહેરો તકવા લાગ્યાં.. માઈકલ એ લોકોને પોતાની સાથે ઈજીપ્ત આવવાં કહી રહ્યો હતો એ વાત સાંભળતાં જ એ દરેકનાં શરીરમાં રોમાંચ પ્રસરી ગયો.. છતાં અંદરોઅંદર વિચાર વિમર્શ કર્યાં વગર ઉતાવળમાં પોતાનો નિર્ણય જણાવી દેવું ખોટું કહેવાય એમ વિચારી બધાં ચૂપ જ રહ્યાં.

"તમે લોકો મારી સાથે નહીં આવો તો પણ મને ખોટું નહીં લાગે.. આપણી મિત્રતા તો કાયમ જ રહેશે.. પણ જો તમે આવશો અને આપણે મળીને ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી લઈશું તો લ્યુસી, કાર્તિક અને યાના ની આત્મા ને શાંતિ મળશે.. "રૂમની દીવાલ પર લટકતી પોતાની અને લ્યુસીની ફોટોફ્રેમ કરેલી તસ્વીર તરફ જોતાં માઈકલ લાગણીસભર અવાજે બોલ્યો.

"માઈકલ, અમારી સહાનુભૂતિ તારી સાથે છે દોસ્ત.. અમે પણ ઈચ્છીએ છીએ કે ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના મળે અને એ સંપૂર્ણ થઈ જાય.. પણ અમે આટલો જલ્દી નિર્ણય ના લઈ શકીએ કે અમે તારી સાથે ઈજીપ્ત આવીએ કે નહીં.. "સાહિલ પોતાનાં દોસ્તો તરફ નજર ફેંક્યા બાદ માઈકલ તરફ જોઈને શાંતિથી બોલ્યો.

"હું સમજી શકું છું કે તમે આ નિર્ણય આટલો જલ્દી લઈ શકો એમ નથી.. છતાં તમે લોકો અંદરોઅંદર ચર્ચા કરીને એકબીજાનો મત જાણી લો.. હું નીચે જાઉં છું.. તમે જે કંઈપણ નિર્ણય લો એ મને નીચે આવીને જણાવી દેજો.. "પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં માઈકલ બોલ્યો અને પછી નીચે જતાં દાદરા તરફ આગળ વધ્યો.

માઈકલ નાં પગરવ નો અવાજ બંધ થયાંને અનુસરતો બારણું ખોલવાનો અને બંધ થવાનો અવાજ સંભળાયો.. જે એ દર્શાવતો હતો કે માઈકલ દાદરો ઉતરી નીચે વાઈન શોપમાં જઈ પહોંચ્યો છે.. આમ થતાં જ ગુરુ થોડાં અણગમા સાથે બોલ્યો.

"ભાઈ લોગ.. આપણે અહીં યુરોપની ટુર ઉપર આવ્યાં હતાં.. નહીં કે ઈજીપ્ત ની.. આપણું કામ હતું ડેવિલ બાઈકલ નાં પન્ના યથાસ્થાને પહોંચાડવા અને લ્યુસી સાથે શું બન્યું એની માહિતી એનાં પરિવારજનો ને આપવી.. એ કામ આપણે પૂરું કરી લીધું છે એટલે હવે બહેતર છે કે નકામી લમણાંઝીંકમાં પડ્યાં વગર આપણે યુરોપ નાં રમણીય સ્થળોએ ફરવાની મજા લઈએ.. "

ગુરુની વાત એક રીતે યોગ્ય પણ હતી.. કેમકે લ્યુસી કે માઈકલ સાથે એ લોકોને કોઈ નિસ્બત નહોતી.. એટલે લ્યુસીની ઈચ્છા પૂરી કરવાં જીવ જોખમમાં મુકવાનું કોઈ કારણ નહોતું.. છતાં ગુરુ સિવાયનાં બાકીનાં ત્રણેય મિત્રો ડેની, વિરાજ અને સાહિલનું મન તો ઈજીપ્ત નું નામ સાંભળ્યું ત્યારથી રોમાંચિત થઈ ગયું હતું.. પણ ગુરુનો અણગમો પણ એની જગ્યાએ સાચો હતો એટલે હવે ગુરુની ઈચ્છા વગર એ લોકોનું પોતે ઈજીપ્ત જવાં તૈયાર છે એવું માઈકલને જણાવવું પણ શક્ય નહોતું.. આ પરિસ્થિતિમાં વિરાજે પોતાની બુદ્ધિ લડાવતાં ગુરુનાં ખભે હાથ મૂકી કહ્યું.

"સાહિલ, ગુરુ સાચું કહે છે.. આપણે લ્યુસીની ઈચ્છા પૂરી કરવાં આપણો સમય કેમ બગાડવો.. અને નકામું જાનનું જોખમ લેવું.. ભલેને માઈકલ આ કામનાં બદલામાં સારી એવી રકમ આપે એને તો જતી કરવી જ પણ સાથે-સાથે હબીબી ખંડેર માં મોજુદ ફેરો અલતન્સ નો કરોડોનો ખજાનો પણ જતો કરવો.. "એટલું બોલી વિરાજે સાહિલને આંખ મારી.

"હા.. ભાઈ તારી વાત સાચી છે.. આપણે અહીં યુરોપ ફરવા આવ્યાં છીએ તો યુરોપ જ ફરીશું.. ભલે ને પેઢીઓની પેઢીઓ શાંતિથી બેઠાં બેઠાં ખાય એવાં ફેરો અલતન્સ ખજાનાં ને જતો કરવો પડે.. "ગુરુ ને ખજાનાં ની લાલચ આપી પોતાની સાથે ઈજીપ્ત જવાં તૈયાર કરવાની વિરાજની ચાલ સમજી જતાં સાહિલ પણ યુક્તિપૂર્વક બોલ્યો.

ગુરુ એ પણ રાજા અલતન્સ નાં અખૂટ ખજાનાં વિશે સાંભળ્યું થતું.. એ ખજાનાં ને હજુ સુધી કોઈ શોધી નથી શક્યું પણ એની કિંમત અબજો ડોલર હશે એવું ઘણાં પુરાતત્વવિદોનું માનવું હતું.. હવે વાત ખજાનાં ઉપર આવી હતી એટલે ગુરુ નું મન પણ પરિવર્તિત થઈ ગયું.. પણ સીધી રીતે પોતે ખજાનાં નાં કારણે ઈજીપ્ત જવાં તૈયાર થાય છે એમ જણાવવાના બદલે ગુરુ પોતાની રીતે વાતને સમજાવતાં બોલ્યો.

"મિત્રો.. મને લાગે છે આપણે ઈજીપ્ત જવું જોઈએ.. જો લ્યુસી એક છોકરી થઈને દુનિયાનાં રહસ્યો ને જગજાહેર કરવાં જીવ ખોઈ બેસતી હોય તો આપણે એની ઈચ્છા પૂરી કરવાં માઈકલ ની મદદ કરવી જોઈએ.. જો તમે લોકો તૈયાર હોવ તો હું પણ લ્યુસીનું એ અધૂરું સપનું પૂરું કરવાં તૈયાર છું.. "

ગુરુ ની વાત સાંભળી વિરાજ, ડેની અને સાહિલ નાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું.. આખરે ગુરુ પણ એમની જોડે જવાં તૈયાર હોવાનું સાંભળી સાહિલ બોલ્યો.

"હું ઈજીપ્ત જવાં તૈયાર છું.. ગુરુ એ પણ તૈયારી બતાવી છે તો પછી ડેની તું અને વિરાજ પણ રેડી છો ને.. ? "

સાહિલનાં આ સવાલનાં જવાબમાં વિરાજે અને ડેનીએ ગરદન હલાવી પોતપોતાની સહમતી આપી એટલે સાહિલ બોલ્યો.

"સરસ.. તો આપણે માઈકલ ને જણાવી દઈએ કે આપણે બધાં ઈજીપ્ત જવાં તૈયાર છીએ.. "

થોડીવારમાં એ લોકો નીચે વાઈન શોપમાં જઈ પહોંચ્યાં.. જ્યાં પહોંચી એ લોકોએ ઈજીપ્ત જવાં પોતે તૈયાર છે એવું માઈકલને જણાવી દીધું.. માઈકલ તો એમની વાત સાંભળી લાગણીવશ થઈને એ લોકોને ભેટી પડ્યો અને રડમસ સ્વરે બોલ્યો.

"તમે લોકો જો મારી સાથે હશો તો ચોક્કસ મારી લ્યુસીનું અધૂરું સપનું પૂરું કરી શકીશ.. તમારું આ મારાં ઉપર બીજું ઋણ છે જેની કિંમત હું જીવ આપીને પણ ચૂકવવી પડશે તો ચૂકવતાં નહીં અચકાઉં.. "

"તો ઈજીપ્ત ની ટીકીટ નું અને ઈજીપ્ત પહોંચ્યા બાદ આપણે કઈ રીતે હબીબી ખંડેર સુધી પહોંચીશું એનું કોઈ નક્કર આયોજન છે તારી પાસે.. ? "સાહિલે માઈકલ ને સવાલ કર્યો.

"હા.. મેં બધું વિચારેલું છે.. અને મને વિશ્વાસ હતો કે તમે લોકો મારી જોડે આવવાં હામી જરૂર ભરશો.. માટે મેં ઈજીપ્ત ની પાંચ પ્લેન ટિકિટની વ્યવસ્થા સત્વરે થશે કે નહીં એની તપાસ કરાવી રાખી છે.. જો તમારાં પાસપોર્ટ તમારી જોડે હોય તો મને આપો જેથી હું તમારાં ઈજીપ્ત નાં વિઝા અને પ્લેન ટીકીટ ની સગવડ કરાવી રાખું.. "માઈકલ બોલ્યો.

વિદેશમાં હોવાથી સાહિલ બહાર જતી વખતે પણ બધાંનાં પાસપોર્ટ પોતાની જોડે જ રાખતો.. એટલે માઈકલની વાત સાંભળી સાહિલે પોતાનો અને પોતાનાં દોસ્તોનો પાસપોર્ટ માઈકલને હસ્તગત કર્યો.. અને થોડી અહીં તહીં ની ચર્ચા કર્યાં બાદ ત્યાંથી વિદાય લીધી.

ભારતનાં એક નાનકડાં ગામ શ્યામપુર નાં ત્રણ દોસ્ત સાહિલ, ગુરુ તથા ડેની અને એમનો નવો બનેલો દોસ્ત ગુરુ એમ ચાર યુવકો પોતાનાં માનવતા નાં ગુણ નાં લીધે ઈંગ્લેન્ડ આવ્યાં હતાં.. અહીં પોતાનું કામ પૂર્ણ કરવાનાં ચક્કરમાં એ લોકો ની નવી સફરની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી.. અને એ સફર હતી રહસ્યો અને પિરામીડો નાં દેશ ઈજીપ્ત ની.. જ્યાં એ લોકો ને કઈ મુસીબતો નો સામનો કરવાનો હતો એ બાબતથી સાવ અજાણ હતાં. !!

★★★

વધુ નવાં ભાગમાં.

શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે.. ? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***